Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 9 - ચાલવું ને ચલાવી લેવું પણ એક આર્ટ છે

             

 ચાલવું ને ચલાવી લેવું પણ એક ‘આર્ટ’ છે..!

 

 

                                           ડબલાંમાંથી કબુતર કાઢવું, ગળામાંથી ૩૩ કોટીના અવાજ કાઢવા, કે સરકસમાં આકાશી હિંચકાઓ ઉપર હાફ આમલેટ જેવાં કપડાં પહેરીને કૂદાકૂદ કરતાં કલાધરોને તો ઘણાએ ધરાયને જોયા હશે. એ પણ ‘આર્ટ’ કહેવાય. આવાં કલાધરોને બિરદાવવા હાથ ખંખેરવા પડતા નથી. આપોઆપ તાળીઓની ગડગડાટી છૂટી જાય. ભૂવો ભરાય ગયો હોય એમ, દાદ આપવાનું ઝનુન છૂટી જાય..! છલાંગ મારીને હિંચકે હિલતા કલાકારને 'મન માંગે મોર' કરીને ભેટી પડવાનું મન થાય..! બાકી ધરતી ઉપર કલાકારોની ક્યાં ખોટ છે?  મહોલ્લો ખંખેરીએ તો, એમાંથી પણ બે-ચાર કલાકાર પ્રગટ થાય..! કળાના પણ પ્રકાર હોય..! ઉછીના લીધેલા નાણા ચુકવવા દાવપેચ રમે એ પણ કલાકાર..! ફેર એટલો કે, એમાં મઘમઘતો વઘાર હોતો નથી. ને આવા કલાકારો જાહેર કદર પામતા નથી. આવાં કલાકારોની બેખૂબી એવી કે, એમના વેશ-પરિવેશ જ એવાં કે, સહેજ પણ શંકા નહિ જાય કે, આ મોટો 'કલાકાર' છે. ઓળખાય નહિ કે, આ કંઈ કરી બતાવવા આવ્યો છે, કે કોઈનું કરી નાંખવા..!  જોઇને ભીંજાય પણ જવાય, ને અંજાય પણ જવાય એટલો મનોહર લાગે..! એ કોઈપણ મહેફિલમાં બેઠો હોય તો, લુખેશ નહિ લાગે, મહેફિલનો સુત્રધાર જ લાગે..! આવાં લોકો મૂળ કલાકાર કરતાં બહુમતીમાં હોય..! 
                                       ખેર..! મારે કલાકારના તોલ-માપ કાઢવાં નથી. આ તો એક વાત કે, જેમ કલાકાર જનમતા હોય, એમ આવા બહુરૂપિયા પણ જનમતા હોય..!  એક મદારી જેટલું પણ, માન એમને નહિ મળે છતાં, એમના નાકમાં ઝાંઝણી ભરાય આવતી નથી  દાદૂ..! આપણને તો મગજમાં જજેલા ઉઠવા માંડે બોસ..! એ ચાલે છે, દોડે છે, ચલાવી લે છે, ચાલતી પકડે છે, ને 'આવું બધું તો ચાલ્યા કરે' ના ઢેકાર ખાય છે, એ એની કળા જ કહેવાય પણ વંઠેલી..! આવાં લુખેશની મતવાલી ચાલ ઉપર જોઈએ એટલાં કેમેરા ભલે ફેરવ્યા ના હોય, બાકી એની ચાલમાં ક્યારેક તો ભણેલો ભણેસ્વરી પણ ગોથાં ખાય જાય. કારણ કે એની કળામાં ચાલબાજી છે. ચાલવા લાગ્યો તો સીધો પણ ચાલે, આડો પણ ચાલે, વાંકો પણ ચાલે, ખાંડાની ધારે પણ ચાલે, ને મગજમાં મંકોડો ભરાય જાય તો, ચાલ ચાલીને ચાલતી પણ પકડે..! મતલબ નિકલ ગયા તો હો ગયા છૂમંતર..! 
                                       ચાલવું,ચલાવી લેવું અને ચાલતી પકડવા વચ્ચે, તફાવત છે મામૂ..! સમઝો ને કે, ઇઝરાયેલ,ચાઈના અને ભારત જેટલો ડીફરન્સ..!  એને ચલિત કરવા માટે માત્ર જનમ આપનારી માવડીને જ ખબર હોય કે, બંદાને ચાલતો કરવામાં કેટલાં લીટર પરસેવો પાડેલો..! કેવાં કેવાં હેત અને અરમાન નાંખીને ચાલતા શીખવેલો.  એના કપાળમાં કાંદા ફોડું, મોટો થઈને ચાલવાના પગલાંમાં એવી ફાવટ આવી જાય કે, એ જ સફરજન પછીચાલવામાં નવી નવી ડીઝાઈન કાઢવા માંડે. મા-બાપને તીર્થયાત્રા કરાવવાને બદલે. વૃદ્ધાશ્રમના ધામ બતાવવા માંડે. લોહીના સંબંધનું રાયતું કરી નાંખે. ભાવ હોય પ્રભાવ હોય, બધ્ધું હોય, પણ સ્વભાવમાં એવી સ્વચ્છંદતા આવી જાય કે, સ્વજનના અરમાન ઉપર હેવી રોલર ફરવા માંડે, વેણ-કવેણના  મિસાઈલના હુમલા થવા માંડે. સ્વભાવને એવું ગ્રહણ નડે કે, બુદ્ધિ રફેદફે થઇ જાય..!

 

                             માગવા કરતાં વસાવી લેવું
                             ન પોષાય તો ચલાવી લેવું.
                                         સ્વમાનનો જ્યાં સવાલ ઉઠે
                                         ત્યાં ઇશ્વરને પણ નકારી દેવું !!

 

                     એના કપાળમાં કાંદા ફોડું, એવી કપરી ખુમારી આવી જાય, કે ગાયેલાં હાલરડાં પણ રડવા માંડે. કોના વગર ચલાવી લેવું, ને કોના વગર નહિ ચાલે એની હથોટી આવી જાય પછી, માત્ર  દિશા જ નહી, પરિવારની દશા પણ બદલાવા માંડે..! યે સબ સ્માર્ટ ફોનકી કમાલ હૈ..! સ્માર્ટ વર્કના રવાડે માણસ એવો ચઢી ગયો કે, હાર્ડ વર્કની ચોગઠ પણ ભૂલવા માંડ્યો. માણસની પ્રત્યેક ચાલ  સ્માર્ટ ફોનની માફક સ્માર્ટ થવા માંડી. હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર કહે છે એમ. “હું સ્માર્ટ નથી છતાં, સ્માર્ટ ફોન સાથે મારો એવો પનારો પડી ગયો કે, હું પણ મને હવે ‘સ્માર્ટ’ લાગવા માંડ્યો. એક વાત છે, જિંદગીની ચાલણ ક્રિયા ‘વાઈફાઈ’ થી ચાલતી નથી, પરિશ્રમથી ચાલે ..! બાકી આ જિંદગી તો સાઈકલ જેવી છે. જેટલાં પૈદલ મારો એટલી જ આગળ વધવાની. સાઈકલ સ્ટેન્ડ ઉપર ચઢાવીને જેને પૈદલ મારવાની ટેવ છે, એની સાયકલ (જિંદગી) ગતિ કરે, પણ પ્રગતિ કરતી નથી. ચાલ અને walking વચ્ચે મા સીતા અને સુર્પણખા જેટલો તફાવત છે મામૂ..! વોકિંગ ઈઝ ધ બેસ્ટ એકસરસાઈઝ છે..!  સાવ મફતની ક્રિયા. ચાલવું એ જીવનશૈલીનો મહત્વનો હિસ્સો છે. જે ચાલીસ મિનીટ ચાલે છે, એ જ જીવનમાં ચાલી શકે, એ walking નો ગુઢાર્થ છે ..! પણ સરખી રીતે માણસ ચાલવો જોઈએ. એની ચાલમાં બીજી જ ડીઝાઈન હોય તો, ચાલવું ફોગટ પણ છે. કારણ કે, અમુક તો ચાલવાને બદલે બજારમાં હટાણું કરવા નીકળ્યા હોય એમ પણ ચાલે..! મારા વહાલાં માત્ર ટહેલતાં જ હોય..! બાકી, ચાલવું અને ટહેલવા વચ્ચે વાઈફ અને ગર્લફ્રેન્ડ જેટલો તફાવત છે બોસ..! ચાલવાનું કહો તો, સાથે આળસ,ચીડિયાપણું, કંટાળો ને અપ્રમાણિકતા બધું આવે, જ્યારે ટહેલવામાં તો ગર્લ ફ્રેન્ડ સાથે ‘ડેટિંગ’ કરવા નીકળ્યો હોય એવો ગુલાબી બની જાય..! ‘ચાલી ગયું’ કે ‘ચાલ્યા કરે’ નું જ્યારે અતિક્રમણ થાય ત્યારે ચાલનારો સ્વચ્છંદ બની જાય. ‘ચલતીકા નામ ગાડી’ ના સંતોષ સાથે જીવનારો બની જાય..! ચાલતા શીખ્યા પછી, કોઈ વિના ચલાવી લેવું, ચાલબાજ બનવું, ચાલ રમવી. ચાલાકી કરવી એ બધી ભેજાંની ‘ગરબડી’  જ કહેવાય..!. ચાલવાની બાબતમાં અમુકના ખુન્નસ તો એટલાં સોલ્લીડ કે, આપણને  ચિંતા થાય કે, ચાલનારના પગમાં કપાસી છે, કે રસ્તામાં ભલીવાર નથી..! 
                                શાસ્ત્રમાં ભલે બતાવ્યું ના હોય, પણ  માણસની ચાલ પ્રસંગ પ્રમાણે બદલાતી હોય. જેમ સુરજ સવાર-બપોર અને સાંજે જુદો દેખાય, એમ પ્રસંગ પ્રમાણે એની ચાલવાની ડીઝાઈન પણ બદલાય. એની મંગળફેરાની ચાલ અલગ, રોજીંદી ચાલ અલગ, સેમિનારમાં, રીસેપ્શન, કે કોઈ સમારંભના ખાસ મહેમાન હોય ત્યારે એની ચાલવાની ડીઝાઈન પણ અલગ હોય..! ચાલનો મુખ્ય આધાર એનાં વસ્ત્ર પરિધાન ઉપર પણ હોય..!  હોસ્પિટલમાં દર્દીનો દરવેશ ચઢાવ્યો હોય ત્યારે વરરાજાની ચાલે એ ચાલતો નથી. કોઈની સ્મશાન યાત્રામાં જવાનું આવે ત્યારે ચાલ તો ઠીક, ચહેરો પણ ‘સ્પેશ્યલ’ બનાવવો પડે..! આવી ‘સ્કીલ’ એ પોતે જ ડેવલપ કરતો હોય, એને શીખવા માટે કોઈ તાલીમ કેન્દ્રો ખોલવા પડતાં નથી. 
                       ચાલવા માટે જ મોર્નિંગ આવતી હોય એમ, મોર્નિંગ વોક નો ક્રેઝ હોવો, એ સારી વાત છે. પણ walkingના પણ અનેક પ્રકાર..! અમુક લોકો રસ્તામાં ખાડા નહિ પડે એવી હળવાશથી, વોકિંગ કરતાં હોય, અમુક લોકો આઝાદીનાં જંગમાં જતાં હોય એમ દૌડતા હોય, તો અમુક લોકો એની પાછળ  કુતરાઓ દૌડતા હોય એમ દૌડે..! બાકી,  ચાલવાનું ઝરણું આપોઆપ ફૂટે એને ‘ મોર્નિંગ વોકિંગ’ કહેવાય, વાઈફ જો ખખડાવીને ચાલવા મોકલે તો ‘વોર્નિંગ વોક’ કહેવાય. ને તમારી સાથે તમારી વાઈફ ચાલતી હોય ને, સામેથી તમારી ગર્લફ્રેન્ડ આવતી દેખાય તો, એ ‘બર્નિંગ વોક’ કહેવાય. ને થોડી થોડી વારે એને પાછળ ફરીને જોયા કરવાનું મન થાય તો, એ ‘ટર્નીંગ વોક’ કહેવાય..!  ત્યારે ટહેલવામાં એવું નહિ આવે, એન ‘લાફીંગ વોક’ કહેવાય..!   

                                       લાસ્ટ ધ બોલ

                  ડોકટરે ચમનીયાને રોજ દશ કિલોમીટર ચાલવા કહ્યું. રીજનું દશ કિલોમીટર ચાલીને અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી ડોકટરને ફોન કરી પૂછ્યું કે, “હજી આગળ ચાલુ કે, ઘરે પાછો વળી જાઉં..? “

તારા કપાળમાં કાંદા ફોડું...!

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------