Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 7 - કંઈ કામકાજ હોય તો કહેવાનું બકા...!

 

કઈ કામકાજ હોય તો કહેવાનું બકા..!

                               ‘કંઈ કામકાજ હોય તો કહેજો’  કહીને, કોઈએ ને કોઈએ તો કોઈને પોતીકો મહિમા બતાવ્યો જ હોય..! આપણે પણ આવો મલમ લગાવવામાં બાકી ના રહ્યા હોય..! આવું કહેવું પડે મામૂ..? એટલા માટે કે, આટલું કહેવાથી સામાનું બ્લડ પ્રેસર ઊંચું નીચું ના થાય..! આશ્વાસન કે ધરપત મળે. બાકી આપણે ક્યાં નથી જાણતા કે, જે બોલે તે આવી નહીં પડે. ને નહિ બોલે તે પૂછ્યા વગર ફરિશ્તા બનીને દૌડતા  આવે.  કહેવા ખાતર જ થુંક ઉડાડતા હોય, એની તો ચાકરી  કરવી ભારે પડે મામૂ..! આજકાલ આવાં લોકોનો દુકાળ નથી. સામાને સારું લગાડવા ક્યારે ક્યાં મલમ લગાવવો એની પૂર્ણ કળામાં આવાં લોકો માહિર હોય..!  આપણે ત્યાં પ્રસંગના બ્યુગલ વાગવા માંડે, ત્યારથી અમુક લોકો તો, કોલર ખેંચી-ખેંચીને કહેતા હોય કે, ‘ચિંતા ના કરો વડીલ, અમે તમારી સાથે જ છીએ ને..? કંઈ પણ કામકાજ પડે તો અમે છીએ, બેધડક કહેજો, અમે બેઠાં છીએ..! થાય એવું કે, એ બેઠેલો જ હોય, પણ એના ઘરમાં..! ને  ઘરધણી, ભાડેનો ટાંગો ફરતો હોય એમ કપાસીવાળા પગે આંટા-ફેરા મારીને જ બોચીનો પરસેવો પાછળ ઉતારતો હોય..! બરમૂડા એવી પૂંઠ બતાવે કે, પ્રસંગ આવે ત્યારે મોંઢા પણ નહિ બતાવે.  ટાંકણે જ ફસકે..! ઘરધણીની હાલત ફાટેલા દૂધ જેવી થઇ જાય. એની જાતને, એ ફાટેલા દુધની. નહિ ચાય થાય કે, નહિ દૂધપાક થાય..! 
                              બારેય માસ ઘરે આવીને  કટિંગ ચાય ચઢાવનારા, કે વાતે વાતે તાળી આપનારા કે, ‘ મબભચ’ ની ભાષામાં આદાન-પ્રદાન કરનારા આવાં મિત્રો ઘણાના ભાગ્યમાં હશે. જેમના ઉપર સોયની અણી જેટલો પણ  ભરોસો રાખ્યો, તો ગઈ ભેંસ પાણીમાં..! ગામના જમાદારની માફક મુછ ઉપર ભલે તાવો ચઢાવીને કહેતાં હોય કે, "અમે તમારી પડખે જ છીએ. કંઈ પણ કામકાજ હોય તો કહેજો" તો માનજો કે, એ હરખપદેડું કોથળામાંથી પાંચશેરી જ કાઢવાનું છે..! સાંભળીએ ત્યારે કાનમાં મધનો અભિષેક થતો હોય એવું તો લાગે. કાનમાં ‘ગુલુગુલું’ પણ થાય. પણ જેવું ટાંકણું આવે એટલે, અંગ કસરતના ખેલ કરવા માંડે. એ વખતે પ્રસંગમાં બધાં જ હોય, પણ, એ જાલિમની પૂંઠ તો ઠીક, મોંઢું પણ જોવાનું નહિ મળે. એની ગેરંટી ઉપર મદાર રાખીને બેઠાં હોય કે, હમણાં હનુમાનજીની માફક પ્રગટ થશે, અને સંકટ નિવારણ કરશે..! પણ  વિશ્વાસનું દેવાળું ફૂંકી મારે..! જો કે, બધાં જ મિત્રો કે સગા સંબંધી એવાં હોતા નથી. અમુક તો જીગરજાન પણ હોય. પ્રસંગ ક્યાં ઉકેલી નાંખે, એની ઘરધણીને ખબર પણ પડવા નહીં દે..! કોઈએ સાચું જ કહ્યું છે કે,
                             મિત્ર ઐસા કીજીએ જૈસે સર પર બાલ

                            કાટ કાટ કર કાટિએ તજે કદી ના ખાલ

                        કસુવાવડ જેવી વેદના તો ત્યારે થાય કે, પોતાની છાતી ઠોકીને કહેતાં હોય કે, ‘ચિંતા ના કર દોસ્ત, પ્રસંગમાં અમે નહિ કામ આવીએ તો અમારી મિત્રતાનું ખાનદાન લાજે..! અડધી રાત્રે કહેશો તો પણ અમે ‘સવારે’ હાજર થઇ જઈશું..! તારાં કપાળમાં કાંદા ફોડું..! મગજમાં ખુન્નસ તો એવું ચઢે કે, ‘ રેએએ રેએએએ, આવાં જાલીમોને પોતાનો માનીને સંબંધ રાખેલાં..? એનાં કરતાં તો એકાદ બે ગલુડિયા ઉછેર્યા હોત તો વફાદાર તો હોત..?  જો કે સાવ એવું પણ નહિ કે, મોંઢું નહિ બતાવે, જમવાના સમય ટાંકણે પૂરાં ખાનદાન સાથે હાજરા-હજૂર થઇ જાય..! એ તો પ્રસંગ કાઢીને બેઠાં હોય ત્યારે જ સમજાય કે, આપણો પનારો કેટલાં કેરેટના મિત્રો સાથે થયેલો છે ..?
                         સારો કે નરસો, કોઈપણ પ્રસંગ હોય, એકબીજાના સહકાર વિના ઉકેલાતો નથી. પણ જેના ઉપર ‘બ્રાન્ડેડ’ ભરોસો રાખ્યો હોય, ને પ્રસંગ ઉકેલવામાં અભય વચન આપ્યું હોય, એ જ જ્યારે ફસકી પડે ત્યારે ઘરધણીની હાલત વીજળીના તાર ઉપર ખીલવાયેલા પતંગ જેવી થઇ જાય..! બહારથી ફક્કડ લાગતું નાળીયેર જો  ફોડ્યા પછી પરચો બતાવે કે, હું તો અંદરથી સાવ સડેલું છે, ત્યારે નાકમાં મંકોડો ભરાય ગયો હોય એટલી વેદના થાય. આપણા સામાજિક વ્યવહારોમાં, ઘરના જમાઈનું બહુ મહત્વ છે. કારણ કે એમણે જ આપણું વાવાઝોડું સાચવ્યું હોય..!  જમાઈનું સ્થાન એટલે તો ગણપતિબાપા પછી બીજા નંબરે રાખવાનો વ્યવહાર છે..! પ્રસંગ પહેલાં તો એ જમાઈ એટલે કે, છોકરાઓના 'ફૂવા' એ પણ ડોકાં ધુણાવ્યા હોય કે, ‘ તમારે સહેજ પણ ચિંતા નહિ કરવાની, કંઈ પણ કામકાજ હોય તો કહેજો, હું અઠવાડિયા પહેલાંથી આવી જઈશ.’ ત્યારે તો એવું મધુરું લાગે કે, એના ભરોસે પ્રસંગ મુકીને કેદારનાથની યાત્રાએ નીકળી જઈએ તો પણ વાંધો આવે એમ નથી. પણ પ્રસંગ જેવો નજીક આવે એટલે, ‘ફૂવો’  ઉભો ઉભો ભાંગડા કરવા માંડે. હિંસક પ્રાણી કરતાં પણ એનો ડર વધારે લાગવા માંડે. ખરા પ્રસંગે જ ભૂતનાથની ભૂમિકામાં આવીને તાંડવ-નૃત્ય કરવા માંડે. ફટાકડો ગમે એટલો ફક્કડ દેખાતો હોય, પણ ફૂટે નહિ, અને સુરસુરિયું જ થતું હોય તો એની કીમત શું..? વિશ્વાસ ઘાતના એવાં આંચકા આપે કે, એને સાચવવામાં માટે  એકાદ  ‘જમાઈ સાચવણા સમિતિ’ બનાવવી પડે તો નવાઈ નહિ પામવાનું..!  આમ તો એ ફૂવાનું વજન, સમસ્ત પહેરવેશ સાથે ટોટલી ૩૮ કિલો જ હોય, પણ આપણી ગરજ હોય ત્યારે, એવો વજનદાર થાય કે, કોઇથી ઉંચકાય નહિ. લગનમાં ભલે સ્લીપર પહેરીને આવ્યો હોય, પણ બહાદુરશાહ ઝફરની માફક ભાડેના શૂટમાં લાલઘુમ થઈને જ મ્હાલતો હોય..! આકાશના તારા તોડી લાવવાની વાત ભલે કરે, બાકી પતંગિયું પણ નહિ પકડાય..!  
                        કોઈએ સરસ વાત કરી છે કે, ખોટી જગ્યાએ વિશ્વાસ નહિ કરવો, અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત નહિ કરવો. કોઈપણ કહે કે, ‘કંઈ પણ કામકાજ હોય તો કહેજો’  ત્બયારે હુ મીઠાં મધુને મીઠાં મેહુલા નહિ થવાનું..!  એવાં મધના અભિષેકમાં અંજાય પણ નહિ જવાનું, અને ભીંજાય પણ નહિ જવાનું..! હું પણ તમને કહું છું કે, " કંઈ પણ કામકાજ હોય તો કહેજો..!!
                                    લાસ્ટ ધ બોલ

         લગનમાં ૨૫,૦૦૦૦૦ લાખનો ખર્ચ થાય, અને પતિ પત્ની ૫૦ વર્ષ સાથે રહે તો. એક દિવસ ૧૩૬-૯૫ પૈસાનો  પડે. આ તો ગુજરાતી છું, ને નવરો પડ્યો એટલે હિસાબ કર્યો. પછી છૂટાછેડાનું વિચારો તો કેવી હાલત થાય..?  એની જાતને રોજના ૧૩૬-૯૫ બરફ જ થઇ ગયા કહેવાય કે નહિ..?

---------------------------------------------------------------------------------------------------------------------------------------