Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 8 - પ્રેમ પંથ પાવકની જ્વાળા

     

પ્રેમ પંથ પાવકની જ્વાળા..!

                                 

                 વરસાદના છાંટણા પડે કે, ધોધમાર વરસાદ તૂટી પડે, એમાં ધરતી ચારેયકોરથી હરિયાળી બની જાય. લીલી ચુંદડી ઓઢી હોય એવી ધરતી લાગે. એમ, ફેબ્રુઆરી બેસે એટલે સુક્કા ભટ્ઠ યુવાનોના હૈયામાં પણ વસંત ભરાવા માંડે. યુવાન પણ ફાટ- ફાટ થવા માંડે. એને કહેવાય 'પ્રેમ પંથ પાવકની જ્વાળા..!'  જો કે, એમાં છેલ્લે જ્વાળા ભડકો લે, એ બે નંબરની વાત છે, બાકી  એકવાર મઝા તો માણી જ લે..! વાહનમાં ૫૦ રૂ. નું પેટ્રોલ ભરાવી, હૈયામાં વસંત નાંખીને એવા દૌડતા થઇ જાય કે, કોઈના હાથમાં નહિ આવે. ફેબ્રુઆરી બેસે એટલે હેતનો ઉભરો આપોઆપ આવવા માંડે. કોઈ અઘોર તપસ્વીના તપ ફળ્યા હોય એમ પ્રેમધજા ફરકાવતા થઇ જાય..! સાલી આપણને પણ અદેખાય આવે કે, 'વાહ રે મેરે લાલ..! ફેબ્રુઆરી મહિનો તો અમારા જમાનામાં પણ હતો, પણ પગ લુછણીયાની માફક ક્યાં અટવાય જતો, એની ખબર પણ નહિ પડતી. જો કે, એ વખતે અમે એટલા રોમેન્ટિક પણ નહિ, ને એન્ટીક પણ નહિ. પ્રેમની ‘સેન્સ’ કરતા ‘નોનસેન્સ’ વધારે હતા..! એ જમાનામાં ‘LOVE LINE’ આટલી ફાસ્ટ પણ નહિ. નહિ કોઈ મોઢાની નકશી કે, નહિ કોઈ સેક્સી હેર સ્ટાઈલ..! તેલના કુંડામાં માથું પલાળીને જ બહાર નીકળવાનું. એવાં, તેલિયા માથાવાળા સાથે રોમાન્સ પણ કોણ કરે..?  છોકરી ગમતી ખરી, પણ  ‘છીઈછીઈ’ બોલીને જતી રહેતી..! એમાં બાપાનો ધાક જ એવો સોલ્લીડ કે, બાપા કરતા હિરણ્ય કશ્યપ વધારે લાગતા. ચણીબોર જેટલાં પણ રોમેન્ટિક થવા ગયા, તો સર્જીકલ સ્ટ્રાઈક આવી પડતી..!  છોકરી ગમતી ખરી, પણ બુસ્કોટનો કોલર ચાવીને જોયા કરતાં, આંખને તો સહેજ પણ તકલીફ નહિ આપતા..!  I LOVE YOU તો ઠીક ‘અલી કેમ છે’ કહેવામાં પણ ખંભાતી તાળા લાગી જતા. ફેબ્રુઆરીના વિવિધ DAYS જેવો ખુલ્લમ ખુલ્લો જુલમ કરવાનું ત્યારે અમારા નસીબમાં નહિ હતું. છોકરી સામે પાંચ ફૂટના અંતરે પણ ઉભા રહીને વાત કરતા કોઈ જોઈ જાય, તો આખા ગામમાં સમાચાર વાયરલ થઇ જતા કે, ફલાણાને ત્યાનો ફલાણી સાથે લકરામાં છે..! એમાં જો ડોહા છોકરી સાથે વાત કરતા જોઈ ગયા તો, ખલ્લાસ...! રસ્તા ઉપર જ ધોવાણ..! ઘર સુધી જવાની જરૂર જ નહિ પડતી. બાપાને કહેવાતું નહિ કે, 'બાપા..હું એની સાથે લફરામાં છું..! '

                            આજે તો ફેબ્રુઆરી બેઠો નથી ને, હૈયાના હિંડોળા હલ્યા નથી. ફેબ્રુઆરી મહિનો જાણે પ્રેમનાં આદાન-પ્રદાન માટે જાહેર કર્યો હોય એમ, કોઈ બંધાયેલો જ ના હોય..! ખૂલ્લમ ખૂલ્લા પ્યાર કરેંગે હમ દોનો' ની માફક પ્રેમધજા જ ફરકાવતા હોય..! ફેબ્રુઆરી બેસે એટલે જાત જાતના DAYS નો મેળો ભરાવા માંડે. રોઝ-ડે થી મંગલાચરણ પામેલી 'પ્રેમ સપ્તાહ' વેલેન્ટાઈન ડે વગર ઉઠે નહિ..! એમનો નજારો જોઇને આપણે તો લુખ્ખા અટકડા જ ખાવાના..! ‘અબ પછતાવે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત..!’ સમજીને એકાદ ખૂણો પકડવાનો અને હરિભજનમાં લીન થઇ મંજીરા જ ઠોકવાના..! 

                                એના કપાળમાં કાંદા ફોડું, બે અક્ષરના શબ્દોએ જીવનમાં ભારે હકુમત જમાવી છે મામૂ..!  તમે શરીરની રચના જુઓ તો, વાળ-ટાલ-આંખ-કાન-હોઠ-મૂછ-દાઢી-ગળું-હાથ-કાંડુ-છાતી-કેડ-પીઠ-પેટ-ઘૂંટી-પગ કે પંજો બધું જ બે અક્ષરનું..! ને એનો ઘડનાર ભગાવન શ્રી રામ પણ બે અક્ષરના..! શ્વાસની છેલ્લી ઓવર ચાલતી હોય છતાં, ‘પ્રેમ’ ના પરપોટા કાઢવાનું નહિ ચૂકે, એ ‘પ્રેમ’ પણ બે અક્ષરનો..! ક્રીઝમાં ઉભા રહેવાની ત્રેવડ હોય કે ના હોય, પણ છગ્ગા-ચોગ્ગા ફટકારવાની તમન્ના હેઠી નહિ મૂકે..! ભગવાને કેવું સરસ સોહામણું શરીર આપીને આ ધરતી ઉપર પાર્સલ કરેલા એ ભૂલી જાય. કંપનીનું નામ લેવાને બદલે, હવા-પાણી-દવા-માન-ધાન-ખાન-પાન અને ગાદી જેવા બે અક્ષરી શબ્દના એવા ફૂંફાડા મારે કે, રામ નામ લેવાની વાત આવે તો બરડામાં વીંછુ ભરાયો હોય એવા છણકા કરે..! 

                              વસંત ઋતુને આફરો ચઢે, ત્યારે માણસને તો અડફટે ચઢાવે, પણ ફેબ્રુઆરી મહિનાને પણ પ્રેમના રવાડે ચઢાવે..! એટલે જ તો ફેબ્રુઆરી મહિનો પણ વસંતના વાયરામાં પ્રેમાતુર બનીને ગાંડોતુર બની જાય છે. બાકી, ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે બાર મહિનામાં નાનામાં નાનો મહિનો એટલે ફેબ્રુઆરી..! આપણી કુટુંબ વ્યવસ્થામાં, જે સૌથી નાનો હોય, એના ઉપર લાડકોડના અભિષેક વધારે થાય, ને ‘મોટો એટલો ખોટો’ એવો દુર્ભાવ પણ હોય. પણ ઘસાવા નું આવે ત્યારે નાલ્લો જલસા કરતો હોય ને, મોટો દાંતો જ વધારે ઘસાતો હોય..!  ત્યાં સુધી કે, નાનો તોફાન કરતો હોય તો, તેને સીધો કરવા માટે મોટાએ જ સજા ખમવાની આવે..! 

                           બાકી, વર્ષના ૧૨ મહિનાનો રસથાળ જોઈશું તો, બાકીના મહિનાની વાર્તા ૩૦/૩૧ દિવસમાં પૂરી થઇ જાય. ફેબ્રુઆરીના ક્યાં તો ૨૮ દિવસ હોય કે, ૨૯ હોય..! વિદ્યાર્થીને કૃપાગુણથી પાસ કરવામાં આવે એમ, દર ચાર વરસે એક દિવસ વધારાનો આપીને ૨૮ ના ૨૯ કરી આપે, એને ‘લીપ-ઈયર’ કહેવાય, જેનો કાયમી મુકામ એટલે ફેબ્રુઆરી મહિનો..! ફેબ્રુઆરી એ ‘લીપઈયર’ નો કાયમી વાસો છે. બધાને ખબર છે કે, જે ઈસ્વીસનને ચારનાં આંકડાથી ભાગી શકાય એને લીપ-ઈયર કહેવાય. એમ આ ૨૦૨૪ નું વર્ષ આપણું ‘લીપ-ઈયર’ છે. અને આ બધી પૃથ્વીના પરિભ્રમણની કમાલ છે..! ખુબી એ વાતની કે, માણસને ફરતા ઘડીનો સમય નહિ લાગે, પણ સૂર્યની ફરતે ફરવા માટે, પૃથ્વીને ૩૬૫ અને ૬ કલાક લાગે..! તેથી દર ૪ વરસે ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ આવે. જેને બીજી ભાષામાં કહીએ તો કૃપાગુણનું ઉમેરણ કહેવાય. આ વરસે આપણે સૌ ‘લીપ-ઈયર’ ની છત્રછાયામાં આવ્યા છે. ત્યારે ફેબ્રુઆરીના મહિનાની પ્રેમલીલા પણ જાણવા જેવી છે.! ફેબ્રુઆરીની ૧૪ તારીખ આવે, એટલે દરિયામાં ભરતી આવી હોય એમ, પ્રેમી પંખીડાઓની ઊર્જાઓ ફણગા કાઢવા માંડે. અને એનો  વેધ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી ભરાવા માંડે. જાણે ૮ દિવસની ‘વેલેન્ટાઇન સપ્તાહ’ બેઠી હોય એવું લાગે .! રોઝ ડે થી શરુ થયેલી પ્રેમલીલા બાદ પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે ને વેલેન્ટાઈન ડે આવે, ત્યારે પ્રેમનું સપ્તાહ સમાપ્ત થાય.

                                  કહેવાય છે કે, સંત વેલેન્ટાઈને મૃત્યુ સમયે જેલરની અંધ પુત્રી જેકોબસને એક આંખ દાનમાં આપેલી, અને જેકોબસને એક પત્ર લખી, તેમાં ‘યોર વેલેન્ટાઈન’ લખેલું એ દિવસ ૧૪ મી ફેબ્રુઆરીનો હતો, જે પાછળથી આ સંતના નામે ઉજવવામાં આવ્યો. અને નિસ્વાર્થ પ્રેમનો સંદેશ જગત સુધી ફેલાયો..! એમાં ફેબ્રુઆરી મહીનો  યુવાન હૈયાનો માનીતો બની ગયો.  નવાઈ એ વાતની  કે, બાર-બાર જેટલાં મૂડીવાદ મહિનાઓની સંગે રહેવા  છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાય ને, 'દિવસ-દાન' કર્યું હોય તો..! ફીક્ષ ડીપોઝીટની બેંકેબલ યોજનામાં હલવાયો હોય એમ, ચાર વર્ષની ‘લીપયર્સ’ તપસ્યા કરે ત્યારે, માંડ એક દિવસ વધે..! ૨૮ ના ૨૯ થાય..! મારા દુખી સંસારનું કદાચ રહસ્ય પણ એ જ હશે કે, મારા લગન ફેબ્રુઆરીના વિકલાંગ મહિનામાં થયેલા..! આ તો એક ગમ્મત..!

                                 લોકો ભલે કહેતાં હોય કે, “લાંબા સાથે ટૂંકો ચાલે, મરે નહિ તો માંદો પડે”  ત્યારે ફેબ્રુઆરી તો યુવાનોને મૌજમાં લાવે. યુવાનોના હૈયાંને હચમચાવી નાંખે. એનાં દરેક દિવસ કોઈને કોઈ ખાસ પ્રસંગ લઈને આવે. એમાં તિથી ચોઘડિયાં કોઈ આડા આવે જ નહિ. આખે આખો LOVE MONTH..! એના કપાળમાં કાંદા ફોડું, બારમું-તેરમું તો એક જ વખત આવે, પણ ફેબ્રુઆરીમાં પ્રેમના DAYS એટલાં બધાં આવે કે, માત્ર મરીમસાલા ડે કે કાનનો મેલ કાઢવાના DAYS જ નહિ આવે..! જેવી ભગવાનની માયા..!  

                                     લાસ્ટ ધ બોલ

રતનજી :  ફેબ્રુઆરી જેવો LOVE MONTH  બેઠો ને કેમ કટી પતંગ જેવો ફરે છે? આટલા બધાં DAYS આવે ને વઘારેલા મરચા જેવું મોંઢું લઈને ફરો તે સારું લાગે

ચમનીયો : એનું જ તો કમઠાણ છે. તેમાં ફસાયા પછી હવે એક જ DAY ઉજવું છું.

“તું મને શાંતિથી “જીવવા-DAY, ક્યાં તો શાંતિથી મરવા-DAY..! 

તારા કપાળમાં કાંદા ફોડું.

------------------------------------------------------------------------------------------------------------------------------------------