Vyasanthi Mukti Char Stepsma books and stories free download online pdf in Gujarati

વ્યસનથી મુક્તિ, ચાર સ્ટેપ્સમાં

વ્યસનનું દૂષણ ઘણાં કાળથી સમાજમાં વ્યાપેલું છે. ખાસ કરીને યુવા જીવનમાં વ્યસનનો પગપેસારો થાય છે, દેખાદેખીથી અને કુસંગના રવાડે ચડવાથી! જો વ્યસન ન કરે તો બધા મિત્રો છંછેડે કે “આટલું નથી કરતો? સાવ નમાલો છે!”, એટલે એનો અહંકાર ઉશ્કેરાય, અને પછી વ્યસનમાં ઝંપલાવે. અમુક સમાજમાં સિગરેટ પીવી, દારૂ પીવો એ સ્ટેટસ ગણાય છે, એને જાળવવા માટે લોકો વ્યસનના બંધાણી થતાં જાય છે. બીજાની નકલ કરીને જીવવું એ જીવન જ કેમ કહેવાય? સિગરેટ, દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો વગેરે વ્યસનોની લત એવી ભયંકર છે, જેની ભીંસમાં આવ્યા પછી નીકળવું મુશ્કેલ છે. પણ જો સાચી સમજણ મળે તો આ વ્યસનોથી મુક્ત થવું શક્ય છે. કોઈપણ દૂષણમાંથી મુક્ત થવા માટે પાયામાં તેના જોખમોની સમજ, તેમાંથી છૂટવા માટે પોતાનું અડગ નક્કીપણું અને તેની સામે સતત જાગૃતિ જરૂરી છે. પરમ પૂજ્ય દાદા ભગવાને એવા ચાર સ્ટેપ્સની સમજણ આપી છે જેનાથી વહેલું-મોડું પણ અવશ્ય વ્યસનમાંથી બહાર નીકળી શકાય છે.


સ્ટેપ ૧ : સૌથી પહેલા “વ્યસન ખોટું જ છે” એવી ૧૦૦% પ્રતીતિ બેસવી જોઈએ. વ્યસનને વ્યસન સમજીએ, શોખનો વિષય નહીં, તો તેમાંથી છૂટાય. પણ મનુષ્યોએ વ્યસનમાં સુખ માન્યું છે. આજે ભૌતિક વિજ્ઞાનથી બાહ્યસુખ પાર વગરનાં થઈ ગયાં છે. પણ બીજી બાજુ અંતરસુખ સૂકાઈ ગયું છે! આંતરસુખ અને બાહ્યસુખનું બેલેન્સ ખોરવાઈ ગયું છે. એક બાજુ રહેવા, ખાવા-પીવા, હરવા-ફરવા કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સગવડો ખૂબ વધી છે. તો બીજી બાજુ ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન પણ એટલાં જ વધ્યાં છે. સંસારમાં ક્યાંય સુખ પડતું નથી, એટલે મનુષ્ય બહાર સુખ માટે ડાફોળિયાં મારે છે. છેવટે સિગરેટ, દારૂ, ડ્રગ્સમાંથી સુખ ભોગવે છે. પણ આ સુખો ભોગવતા મનુષ્ય ભયંકર પાપ કર્મો બાંધે છે, જેને ભોગવવા જાનવરગતિમાં જવું પડે છે. આટલી મોટી જોખમદારી સમજાય તો વ્યસનથી પાછા ફરવાની શરૂઆત થાય.


સ્ટેપ ૨ : પછી “વ્યસન કઈ રીતે ખોટું છે?” તેનું વિગતવાર પૃથક્કરણ કરવું જોઈએ. વ્યસનના જોખમોનું નિષ્પક્ષપાતી રીતે એનાલિસિસ થવું જોઈએ. વ્યસન એક બંધન છે. એ એવો રોગ છે જે ચિત્તનું હરણ કરી નાખે, ચિત્તની એકાગ્રતા ના આવવા દે. તલપ લાગે તે ઘડીએ ચિત્ત બગડી જાય છે. વ્યસનથી કેટલી લાચારી અને પરવશતા આવે છે! એક કલાક બજાર બંધ હોય ને સિગરેટ ના મળે તો તરફડામણ, તરફડામણ થઈ જાય. એટલું જ નહીં, વ્યસન શરીરને નુકસાન કરે છે. જડબાંના કેન્સર, ફેફસાંને આંતરડાના કેન્સર જેવાં જીવલેણ રોગો વ્યસનથી ઘર કરી જાય છે. એટલું જ નહીં, તમાકુ ચાવીને થૂંકી દઈએ અને સિગરેટનો ધૂમાડો કરીએ એની સાથે મહેનતથી કમાયેલા પૈસા પણ વ્યસનમાં થૂંકી દઈએ છીએ, બાળી નાખીએ છીએ. વ્યસન કરનાર વ્યક્તિના ઘરના લોકો દુઃખી થાય છે અને પોતે પણ દુઃખી થાય છે. છોકરો મોડી રાત્રે દારૂ પીને આવે અને ઘસઘસાટ સૂઈ જાય, પણ એની ચિંતામાં ને ચિંતામાં મા-બાપની રાતની ઊંઘ હરામ થઈ જાય. વ્યસન કરનાર વ્યક્તિનું સમાજમાં માન ના રહે. જે પ્રેસ્ટીજ જાળવવા પોતે વ્યસનમાં પડે છે, તેનાં બંધાણી થતાં એ જ પ્રેસ્ટીજ ધૂળધાણી થઈ જાય છે. ટૂંકમાં વ્યસનના રસ્તે ચાલનાર વ્યક્તિ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક અને ધાર્મિક પતનને સામેથી આવકારે છે.


કેટલાક લોકો વાઈન કે દારૂને ફેશન માનીને તેનું સેવન કરે છે, અને “એમાં શું ખોટું છે?” એમ માને છે. પણ દારૂમાં તો ખૂબ હિંસા થાય છે. દારૂ બનાવવા માટે ફરમેન્ટેશન થાય જેમાં અમુક જીવો ઉત્પન્ન થાય છે. એને નીચોવીને રસ કાઢે, ને એમાંથી દારૂ બને છે. એ ભયંકર નુકસાન કરે છે. જેમ ઈલેક્ટ્રીસીટીને અડવાથી તરત કરંટ લાગે છે, એમ દારૂ પીવાથી તરત જ અસર થાય છે, બધી જાગૃતિ જતી રહે છે. બેભાનપણું આવી જાય છે. બીજી બાજુ સિગરેટ, તમાકુ, દારૂ એ શરીરમાં નશો ઉત્પન્ન કરે પછી નોર્મલ ભાન જતું રહે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન વ્યસનનું જોખમ સમજાવતા કહે છે કે, “માણસ જડ જેવો થઈ જાય. પછી એને સારા સારા વિચાર-બિચાર કશું આવે નહીં. એટલે જે ડેવલપ થયેલા છે, તે આમાંથી બહાર નીકળ્યા પછી એનું બ્રેઈન બહુ સારું ડેવલપ થયેલું હોય! ફરી પાછું બગાડવું ના જોઈએ.”


સ્ટેપ 3 : જેટલી વાર વ્યસન થાય એટલી વખત પસ્તાવો લેવો જોઈએ. વ્યસનથી મુક્ત થવાનો ૧૦૦% નિશ્ચય થવા છતાં તે એક ઝાટકે છૂટી નથી જતું. ત્યારે શું કરવું? જેટલી વાર વ્યસન થાય એટલી વાર જ્યાં પોતાને શ્રદ્ધા હોય તે ભગવાન પાસે જઈને માફી માંગવી કે, “આ ખોટું થયું!”. તેમની સાક્ષીએ ફરી આવી ભૂલ ના થાય તેવો નિશ્ચય દ્રઢ કરવો, અને તે માટે શક્તિઓ માંગવી. આમ પોતાનો વ્યસનથી છૂટવાનો અભિપ્રાય સ્ટ્રોંગ કર્યા કરવો. જેટલી વખત ભૂલ થાય તેટલી વખત સાચા દિલથી ખૂબ પસ્તાવો કરીએ તો અંતે તેનાથી છૂટાય જ છે.


સ્ટોપ ૪ : વ્યસનનું ઉપરાણું ના લેવું જોઈએ. “વ્યસન ખોટું છે, મને નુકસાન કરનારું છે” એ ખેદ સતત રહેતો હોય, છતાં જો કોઈ આવીને કહે કે “તમે સિગરેટ કેમ પીઓ છો?” ત્યારે આપણે દોષનું રક્ષણ કરી દઈએ છીએ. “આ તો દિવસમાં એક જ વાર પીઉં છું”, અથવા “મગજ ફ્રેશ થવા પીવી જ પડે ને!” એમ કહીએ તો એ ઉપરાણું લીધું કહેવાય. કોઈપણ દોષનું રક્ષણ કરવાથી તેનું એક્સ્ટેન્શન થઈ જાય, અને તેનાથી છૂટાય નહીં. તે સમયે ઉલટું આપણી ભૂલ સ્વીકારી લેવી, કે “ભાઈ બરાબર છે, મારી નબળાઈ છે.” તો વ્યસન છૂટશે. “આમાં કશો વાંધો નહીં.” કહ્યું ત્યારથી વ્યસન આપણને ચોંટ્યું. વ્યસન હંમેશા ખોટી જ વસ્તુ છે, એવું માન્યા કરવું, તો એક દિવસ એ ચોક્કસ છૂટી જશે.


વ્યસનથી મુક્ત થવાનો આ વૈજ્ઞાનિક રસ્તો અપનાવીને અસંખ્ય લોકો વ્યસનમાંથી મુક્ત થઈ, ખુમારીવાળું જીવન જીવી રહ્યાં છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED