Prem - Nafrat - 111 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૧૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૧

રચનાએ આરવ સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું અને એ પછી લગ્ન પણ કર્યા છતાં એક વાત નક્કી રાખી હતી કે એ બદલો પૂરો કરીને એનાથી અલગ થઈ જશે. એ જાણતી હતી કે આરવ એને સાચા દિલથી પ્રેમ કરે છે. એનું દરેક કહ્યું માને છે. પણ પિતાના મોતના બદલાની આગમાં એ બધું સ્વાહા થઈ જતું હતું.

હવે બદલો પૂરો થવાની તૈયારીમાં હતો અને એમના ધંધાને એ જડમૂળથી ઉખાડવા જઈ રહી હતી ત્યારે જ એના ગર્ભમાં લખમલભાઈના પરિવારના એક વારસનું બીજ રોપાઈ ગયું હતું. એના લોહીમાં લખમલભાઈના પરિવારનું લોહી વહેવાનું હતું.

એ એમના પરિવાર સાથે લોહીની કોઈ સગાઈ રાખવા માગતી ન હતી. અચાનક પેટમાં બાળક હોવાના સમાચાર એને આંચકો આપવા સાથે ગભરાવી ગયા હતા. એને આરવના પરિવારથી છૂટકારો મેળવવો હતો ત્યારે એ એમની સાથે વધારે જોડાઈ જવાની હતી. પણ આમ કેમ બન્યું એ વાત એના માટે કોયડા જેવી બની ગઈ હતી. એ છેલ્લા થોડા દિવસો યાદ કરવા લાગી હતી.

આરવ હવે વધારે રોમાન્સ કરી રહ્યો હતો. રચના બને એટલો ઓછો રોમાન્સ કરવાની તક આપતી હતી. એની પાસે હજાર બહાના રહેતા હતા. પોતાના એ ખાસ દિવસો વધારે બતાવતી હતી અને આરવને નજીક આવવા દેતી ન હતી. થાકનું બહાનું તો એનું એવરગ્રીન હતું. રાત્રે તો એ આખા મહિનામાં એકાદ વખત આરવને પોતાના શરીર સાથે છૂટ લેવા દેતી હતી. ત્યારે એ ગર્ભનિરોધક સાધન હોય એનો ખાસ ખ્યાલ રાખતી હતી. એણે આરવને અગાઉથી જ કહી દીધું હતું કે બાળક લાવવામાં ઉતાવળ કરવાની નથી. આરવ એની હામાં હા મિલાવતો રહ્યો હતો. અને એ પણ સંબંધ બાંધતી વખતે આ બાબતે ચૂક ના થાય એનું ધ્યાન રાખતો હતો. તો પછી આવી ભૂલ પોતે પણ કરી નથી તો કેવી રીતે શક્ય બન્યું? આ કોઈ જાદૂ તો નથી ને?

અચાનક એક વિચાર કરીને રચના વધારે ગભરાઈ અને ચમકી કે આરવને પણ ખબર છે કે તેઓ બાળક ના રહી જાય એ બાબતે સંપૂર્ણ જાગૃત હતા અને કોઈ વખત બેદરકાર રહ્યા નથી તો આ બાળક એનું જ હશે? બાળક એનું જ હશે એ બાબતે એને શંકા થઈ શકે છે. એ મારા ચારિત્ર્ય પર શંકા કરી શકે છે. રચના જેમ જેમ વિચારતી ગઈ એમ એમ વધારે ગુંચવાતી ગઈ અને છેલ્લે એક નિર્ણય લઈ જ લીધો કે બાળકને પડાવી જ નાખવું પડશે. ન રહેશે વાંસ અને ન વાગશે વાંસળી. પણ માને કેવી રીતે સમજાવવી?

બીજી તરફ મીતાબેન મનમાં એક તરફ ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા અને બીજી તરફ રચનાના વલણને લઈ ચિંતામાં હતા. રચના જે પ્રમાણે બાળક ન રાખવાની વાતે જીદે ચઢી હતી એને પાછી વાળવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન હતું. રચના મા બનવાની છે એ જાણી એમ થયું હતું કે રણજીતલાલનો વારસો પણ આગળ વધશે. એમને એક રીતે રચનાની વાત સાચી લાગતી હતી. લખમલભાઈએ એમના પરિવારની ખુશી છીનવી લીધી હતી. એ ગમે તે કહે અને સાબિત કરે પણ હવે રણજીતલાલ પાછા આવવાના ન હતા. તો પછી હવે દુશ્મનાવટ રાખીને શું ફાયદો? એવો વિચાર પણ આવી જતો હતો. અંતે એક નિર્ણય લઈ જ લીધો.

મા, આપણે હમણાં જ કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈ બાળક પડાવી નાખીએ... રચનાએ મીતાબેનનો ખભો હલાવી ઢંઢોળ્યા.

બેટા, તે બરાબર વિચારી લીધું છે ને?’ મીતાબેને એક આશા સાથે પૂછ્યું.

હા. રચનાના અવાજમાં એક જુસ્સો હતો.

તો પછી ચાલ... કહી મીતાબેન તરત ઊભા થઈ ગયા.

રચનાને નવાઈ લાગી. એને કલ્પના ન હતી કે મીતાબેન આટલા જલદી તૈયાર થઈ જશે. પણ એને હાશ થઈ કે હવે એ બહુ જલદી લખમલભાઈના પરિવારથી બધી રીતે છૂટકારો મેળવી લેશે.

ત્યારે રચનાને સપને પણ કલ્પના આવી શકે એમ ન હતી કે એને ગર્ભપાત માટે હા પાડનાર મીતાબેનના મનમાં અસલમાં શું ચાલી રહ્યું છે? એ તૈયાર થવાના બહાને પોતાના રૂમમાં ગયા અને કોઈને ફોન લગાવ્યો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED