Prakaro Paap Punyana books and stories free download online pdf in Gujarati

પ્રકારો પાપ-પુણ્યના !

સંસારના તમામ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.
આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોય તો તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપના ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે.
ભગવાન શું કહે છે કે, તને જે ફળ ચાખવાનું પોષાતું હોય, તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે, પણ બંને રિલેટિવ ધર્મ જ છે, રિયલ નથી.
રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઈએ. રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષભણી પ્રયાણ થાય, જ્યારે રિયલ ધર્મથી મોક્ષ મળે. જ્યારે આત્મજ્ઞાની પુરુષ હોય, ત્યાં એમની પાસે રિયલ ધર્મ છે. તેનાથી સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં સંસારમાં જ આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે. નિરાકુળતા ઉત્પન્ન થાય.
જગતમાં આત્મા ને પરમાણુ બે જ છે. કોઈને શાંતિ આપી હોય, સુખ આપ્યું હોય તો પુણ્યના પરમાણુ ભેગા થાય ને કોઈને દુઃખ આપ્યું હોય તો પાપના પરમાણુ ભેગા થાય. પછી એ જ કરડે. ઈચ્છા મુજબ થાય છે તે પુણ્ય અને ઈચ્છા વિરુદ્ધ થાય છે તે પાપ. પાપ બે પ્રકારના, એક પાપાનુબંધી પાપ, બીજું એક પુણ્યાનુબંધી પાપ અને પુણ્ય બે પ્રકારના એક પાપનુંબંધી પુણ્ય, બીજું પુણ્યાનુબંધી પુણ્ય.
પહેલું, પાપાનુબંધી પાપ એટલે અત્યારે પાપ ભોગવે છે અને પાછો અનુબંધ પાપનો નવો બાંધે છે. કોઈને દુઃખ આપે છે ને પાછો ખુશ થાય છે.
પછી બીજું, પુણ્યાનુબંધી પાપ એટલે પૂર્વના પાપને લીધે અત્યારે દુઃખ (પાપ) ભોગવે છે પણ નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે. અત્યારે પુણ્યાનુબંધી પાપવાળા જીવો ઓછા છે. ખરા, પણ એમને પણ દુષમકાળ નડે છે. કારણ કે, આ પાપ નડે છે. પાપ એટલે શું કે સંસાર વ્યવહાર ચલાવવામાં અડચણો પડે, એનું નામ પાપ કહેવાય. એટલે બેન્કમાં વધવાની તો વાત ક્યાં ગઈ, પણ આ રોજનો વ્યવ્હાર ચલાવવામાં પણ કંઈકને કંઈક અડચણ પડ્યા કરે છે. આ અડચણો પડે છે, છતાંય દેરાસર જાય, વિચારો ધર્મના આવે, એને પુણ્યાનુબંધી પાપ કહ્યું છે.
પછી ત્રીજું, પાપનુબંધી પુણ્ય એટલે પૂર્વના પુણ્યથી આજે સુખ ભોગવે છે, પણ ભયંકર પાપના અનુબંધ બાંધે છે. અત્યારે તમારા શહેરમાં આજુબાજુ પુણ્ય બહુ મોટું દેખાય છે. એ બધું પાપનુબંધી પુણ્ય છે. એટલે પુણ્ય છે, બંગલા છે, મોટરો છે, ઘેર બધે સગવડ છે, એ બધું પુણ્યના આધારે છે, પણ એ પુણ્ય કેવું છે ? એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે છે, કે કોનું લઈ લઉં, ક્યાંથી લૂંટી લઉં, ક્યાંથી ભેગું કરું ? કોનું ભોગવી લઉં ? એટલે અણહક્કની ભોગવવાની તૈયારીઓ હોય, અણહક્કની લક્ષ્મીય પડાવી લે, એ પાપનુબંધી પુણ્યૈ ! મનુષ્યપણું એટલે મોક્ષે જવાનો ટાઈમ મળ્યો હોય ત્યારે આ ભેળું કરવામાં પડ્યો હોય, એ પાપનુબંધી પુણ્ય છે. એમાં પાપ જ બંધાયા કરે. એટલે એ રખડાવી મારે એવું પુણ્ય છે.
પછી ચોથું, પુણ્યાનુબંધી પુણ્ય એટલે એક પુણ્ય રખડાવી ના મારે એવું હોય છે, તે પુણ્ય આ કાળમાં બહુ જ જૂજ હોય અને તે હજુ થોડા વખત પછી ખલાસ થઈ જશે.
આજે કોઈ માણસને મોટર-બંગલા બધા સાધનો છે, સ્ત્રી સારી, છોકરાં સારા, નોકરો સારા, એ જે સારું મળ્યું છે તે પુણ્યશાળી છે એટલે. હવે એ પુણ્યશાળી શું કરી રહ્યો છે, તે આપણે જોઈએ તો આખો દહાડો સાધુ-સંતોની સેવા કરતો હોય, બીજાની સેવા કરતો હોય અને મોક્ષ માટે તૈયારી કરતો હોય. એવું તેવું કરતા કરતા એને મોક્ષનું સાધનેય મળી આવે. અત્યારે પુણ્ય છે અને નવું પુણ્ય બાંધે છે અને ઓછું પુણ્ય મળે પણ વિચાર પાછા તેના તે જ આવે, ‘મોક્ષે જવું છે’ એ પુણ્યાનુબંધી પુણ્ય.
જે પુણ્યથી સુખ-સગવડો બહુ ના હોય, પણ વિચારો ઊંચા આવે કે કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરું, ભલે પોતાને થોડી અડચણ પડતી હોય, તેનો વાંધો નહીં. પણ કોઈને ઉપાધિમાં ના મૂકું એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય એટલે નવા અનુબંધ પણ પુણ્યના થાય.
સમકિત પ્રાપ્તિ માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. મોહ છે તે તૂટવો જોઈએ, ક્રોધ-માન-માયા-લોભ ઘટવા જોઈએ. તો એ સમકિત ભણી જાય. નહીં તો પછી સમકિત થાય જ કેવી રીતે ? આ લોકોને તો ક્રોધ-માન-માયા-લોભ વધે એવી ક્રિયાઓ છે બધી.
ક્રોધ-માન-માયા-લોભ કેવી રીતે ઘટે અને પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય ? જ્ઞાની પુરુષ દાદા ભગવાન એના ત્રણ કાયદા બતાવે છે કે એક તો, પોતાને મોક્ષમાં જવાની જ એકલી ઈચ્છા હોવી જોઈએ અને એ ઈચ્છાર્થે જે જે કરવામાં આવે છે, તે ક્રિયા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે કારણ કે, હેતુ મોક્ષનો છે ને માટે.
પછી બીજું, પોતાની પાસે આવ્યું હોય તે પારકાંને માટે ભેલાડે !
એથી આગળ ત્રીજું, પુણ્યાનુબંધી પુણ્ય કયું ? સામાને સુખ આપતી વખતે કોઈ ક્રિયામાં કોઈ પણ જાતના બદલાની ઈચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય !
પુણ્યાનુબંધી પુણ્યૈ ‘જ્ઞાની પુરુષ’નો ભેટો કરાવી આપે ! કરોડો અવતારે ભેગા ના થાય એવા મોક્ષદાતા જ્ઞાની પુરુષ ભેગા થાય અને આપણને આત્માની અનુભૂતિ કરાવડાવે, મોક્ષનું સુખ ચખાડે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED