સવાઈ માતા - ભાગ 52 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 52

સવલીના સથવારે સુશીલા થોડી જ વારમાં. સ્વસ્થતા ધારણ કરી પૂછી ઊઠી, "ઊં તો રસ્તામ જતી ઉતી. તંઈ મન ચકરી આઈ ગૈ. પસી હું થ્યું, મન કાંય જ ખબર નૈ, માર બુન."

સવલી હેતાળ સ્વરે બોલી ઊઠી, "ઉં રોજ હવ્વાર આંય આઉં. તે આજ રિકસામાંથી તન જોઈ. જોયને જ લાયગું કે તાર પગ ઢીલા પડી ગેયલા. તે ઉં રિક્સાવાળા કનુભૈને કૈને નીચે ઉતરી, ને તન જમીન પર પડતાં પેલ્લાં જ બીજાં બુનોન સહારે પકડી લીધી. પસી રિક્સામ હુવાડીન આંય હુધી લૈ આવી. એક છોડી બી હાથે ચડી ગયલી. ઈ તો આયના દાક્તર વીણાબુનની હાર ભણતા કોય બુનની છોડી. ઉં ઈની હારે વાતું કરતી'તી અમણાં."

ત્યા તો બંને ડૉક્ટર પ્રવેશ્યાં. સુશીલાની ઊઘડેલ આંખો જોઈ તેઓએ ઘણી જ રાહત અનુભવી. નજીક આવતાંમાં કૃષ્ણકુમારજીએ તેનાં બ્લડપ્રેશર, પલ્સ, આંખો તપાસ્યાં. વીણાબહેને મેઘાને તેના માટે થોડું ખાવાનું મંગાવવાનું કહ્યું. મેઘા ઓરડા બહાર નીકળી અને થોડી જ વારમાં એક પાતળી, નાજુક ષોડશી સાથે પ્રવેશી. ચંદન તેનું નામ. ચંદનના હાથમાં ગરમા ગરમ દાળ-ભાત, મેથી-બટાકાનું શાક અને ફૂલકા રોટલી પીરસેલી થાળી હતી. મેઘાનાં હાથમાં છાશનો પ્યાલો અને તાજાં સમારેલાં સલાડની તાસક હતી.

સુશીલાની તબિયત ઘણી સારી લાગતાં હવે તેને દ્વિતીય તબક્કાની સારવાર આપવાની નક્કી થઈ. એ જ હતી આ પૌષ્ટિક ભોજનની થાળી. વીણાબહેને તેના હાથમાંથી સોય કાઢી નાંખી. હવે તેને આ રીતે પોષણ આપવાની જરૂર હતી નહીં. સવલીની મદદથી સુશીલાને પલંગમાં જ બેઠી કરી. કૃષ્ણકુમારજીએ તેની પીઠ પાછળ તકિયા ગોઠવી દીધાં જેથી તે ટટ્ટાર બેસી શકે. વીણાબહેને પલંગ ઉપર નાનું બાજોઠ ગોઠવ્યું અને સવલી થોડી નજીક સરકી અને રોટલીમાંથી એક ટુકડો તોડી તેમાં થોડું શાક લઈ સુશીલાના મોં સામે ધરી રહી.

સુશીલાએ હરખભરી ભીની આંખે થોડી ગરદન લંબાવી અને તે કોળિયો મોંમાં લઈ લીધો. તેણે આજ સુધી ક્યારેય કોઈ બીજાનાં હાથે ખાધું ન હતું. માતા-પિતાને ઘરે સૌથી મોટી દીકરી એવી સુશીલા પોતાની સાવ આઠ વર્ષની ઉંમરથી રોટલા ઘડતી આવી હતી. બધાંયનું ભાથું ભરાઈ જાય પછી પોતે જમતી અથવા પોતાનુંય ભાથું ભરી લઈ કામના સ્થળે લઈ જઈ બપોરે લુસલુસ ખાઈ લેતી. હા, કદાચ સાવ નાનપણે મા કદાચ કોળિયા ભરી ખવડાવતી હોય એવું તેને લાગ્યું, પણ તેનાથીય નાનાં જોડકાં સવાસૂરિયાં હતાં તેની માતાને. કદાચ બાળકી એવી સુશીલા ભૂખ લાગે એટલે જાતે જ રોટલાને બટકું ભરતાં શીખી ગઈ હશે.

તેમનાં પછી તો માને બીજાં આઠ બાળકો હતાં. તેમાં સુશીલા ક્યાંય પંદર વર્ષની થઈ ગઈ એની કોઈનેય જાણ ન થઈ. જ્યારે બાજુના ગામના થોભણદાસનાં લબરમૂછિયા પણ ખડતલ યુવાન દીકરા વીસળ માટે સુશીલાના સગપણની વાત આવી ત્યારે પોતાની સુખી ખેતી અને બહોળા ઘરસંસારમાં પરોવાયેલા માતા-પિતા અચાનક જાગ્યાં અને આ પહેલવહેલાં માગાને વધાવી લઈ અબૂધ પણ કામકાજે પાવરધી સુશીલાનાં ઘડિયાં લગ્ન લઈ લીધાં.

થોભણદાસનું કુટુંબ પોતાના ગામની ખેતી નબળી થતાં પાસેના શહેરમાં મજૂરીએ રહેતાં અને નાનાંમોટાં રોડ, મકાનના બાંધકામમાં કામ કરતાં. આવક ચાલતી રહેતી અને વાવણીની ઋતુમાં ગામ આવવાની રજાઓ પણ મળી રહેતી. એક ખેડૂતનાં કાચાપાકાં મકાનમા, બંધ દિવાલો અને છત વચાળે ઉછરેલ સુશીલાનો ઘરસંસાર કોઈ અધૂરા બંધાયેલા મકાનમાં શરૂ થયો. પછી તો આ સરનામાં બદલાતાં રહેતાં. પતિ વીસળ થોડો જોરૂકો એટલે આખોયે દહાડો ખૂબ મહેનતથી કામ કરતો. કો'ક દિ' મોગરા કે ચમેલીની વેણી લઈ આવતો, તો કો'ક દિ' બરફી કે એવું કાંઈ બીજું મીઠું લાવી પોતાની કોમળકિશોરી એવી પત્નીને પડીકું ચૂપચાપ બઝાડી દેતો. જો બહોળા કુટુંબમાં જાણ થઈ જાય તો તો બે-ત્રણ કિલો મિઠાઈ પણ ખૂટી રહે. બસ, એથી વધુ હેત દેખાડતાં વીસળને આવડતું નહીં.

વર્ષો વીતતાં ગયાં અને સુશીલાને ખોળે ત્રણ દીકરા અને બે દીકરીઓ રમતાં થયાં. ત્યાં સુધીમાં વીસળ પાંત્રીસે અને સુશીલા ત્રીસે પહોંચી ગયાં. બેય સાથે મજૂરીએ જતાં અને બાળકોને મજૂરવાસનાં આંગણવાડી અને ત્યારપછી શાળાએ મૂક્યાં હતાં જેથી તેમની જીંદગી મજૂરીમાં ન જાય. સમય વીત્યે સૌથી મોટો દીકરો ત્રણ પ્રયાસે દસમું ધોરણ અને બે પ્રયાસે બારમું ધોરણ પાસ કરી તે જ શાળામાં સરકારી નોકરી મેળવી પટાવાળો બની ગયો. તેણે જ કુનેહથી બાકીનાં ચાર ભાઈ-બહેનોને વધુ ભણાવી સરકારી શાળાઓની ભરતીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક પદે ગોઠવી દીધાં. પાંચેય ભાઈ-બહેનમાં સંપ ઘણો તે એકબીજાની ઓથે રહેતાં. સારો એવો પગાર મેળવતાં અને મજૂરવાસ છોડી પોતાનાં મોભા મુજબનું ઘર ખરીદી રહેવા લાગ્યાં.

વીસળ અને સુશીલાના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો. તે બંને પણ મજૂરી છોડી, વીસળનાં માતા-પિતાને લઈ, બાળકો સાથે રહેવા આવી ગયાં. હવે સૌથી નાની દીકરી પણ ત્રેવીસ વર્ષની ઉંમરે પહોંચી પણ તેમને લાયક કોઈ યુવક-યુવતી સમાજમાં દૂર દૂર સુધી ન દેખાતાં વીસળે બાળકોને તેમનાં પોતાનાં ધ્યાનમાં કોઈ સુપાત્ર હોય તો જણાવવા કહ્યું. જાણે તકની રાહ જોતાં હોય તેમ નાનાં ચારેય આવનારાં દિવસોમાં જ પોતપોતાની પસંદગીના જીવનસાથીને લઈ આવી પહોંચ્યાં. મોટી દીકરીએ બાજુના ગામના તલાટીને તો નાની દીકરીએ પોસ્ટ માસ્ટરજીને પસંદ કર્યાં હતાં.

વચેટ દીકરાની પસંદ તેની સાથે જ કામ કરતી શિક્ષિકા હતી તો નાના દીકરાની પસંદ રેલ્વેમાં ક્લાર્ક હતી. વીસળ અને સુશીલાને કાંઈ કહેવાપણું હતું નહીં. તેઓએ મોટા દીકરાને બધી તપાસ કરી લગ્નની તેયારીઓ કરવા કહ્યું. બાળકોના મોભા મુજબ લગ્ન થયાં જેમાં સુશીલા, વીસળ અને તેના માતા પિતા થોડા હાંસિયામાં ધકેલાયાં. મોટા દીકરાનાં ધ્યાનમાં આ વાત આવી. બહેનોને વળાવી દીધાનાં વીસેક દિવસે તેણે બેય ભાઈઓને બોલાવી તેઓની સહિયારી બચતમાંથી બુક કરાવેલ બે ફલેટની ચાવી આપી અને પોતપોતાની ગૃહસ્થી ત્યાં જ શરૂ કરવા કહ્યું. આ ઘરમાં તેઓએ આપેલ ભાગની રકમ પણ મોટાએ તૈયાર જ રાખી હતી જેથી બેયને કાંઈ કહેવાપણું ન રહ્યું.

મોટાને હતુંકે બેય ભાઈઓને દુઃખ થશે પણ તે બેય તો મનગમતું મળ્યું હોય એમ મલકાયાં હતાં. હવે વાત એમ હતી કે તેમની ભણેલી પત્નીઓને આ અભણ અબૂધ એવાં સાસુ-સસરા કે વડ સાસુ- વડ સસરાની સેવા કરતાં નાનમ આવતી. એટલે બેયનાં સંસારમાં ચણભણ ચાલતી જ હતી. આ તો મોટાભાઈએ સામેથી જ જુદું કરી આપ્યું બાકી બેય છેલ્લાં કેટલાંય દિવસોથી શું કરવું એ જ વિચારતા હતાં.

ક્રમશ:
મિત્રો,
આપને વાર્તા ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવ આપશો, જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા