નવલકથા : સવાઈ માતા (ભાગ - ૫૧)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ : ૨૭-૧૨-૨૦૨૩ (મંગળવાર)
વીણાબહેને સુશીલાને મોકળાશવાળા ઓરડામાં રાખેલાં ટેબલ ઉપર સૂવડાવી. આ એક ડૉક્ટર દંપતિએ ઊભું કરેલ મકાન હતું માટે આકસ્મિક ઊભી થતી તબીબી સુવિધાની માંગ અનુસાર જ આ ઓરડો બનાવ્યો હતો. પાંચ પલંગ બિછાવેલાં હતાં, પણ અનિવાર્ય સંજોગો સિવાય તે હંમેશા ખાલી જ રહેતાં. અહીં કોઈને સારવાર હેતુ દાખલ થવાની જરૂર ઉદ્ભવતી નહીં.
વીણાબહેને પોતાની સાથે રહેલી મેઘા અને મિસરીને બારીઓ ખોલવાનું અને પંખો પૂર ઝડપે ચલાવવાનું કહ્યું તથા સવલી સિવાય બાકી બધાંને ઓરડાની બહાર જઈ પોતપોતાનું કામ સાંભળવાનું સૂચન કર્યું. ત્યાં જ કોઈનો સંદેશ મળતાં બીજાં માળે કામ કરી રહેલાં કૃષ્ણકુમારજી નીચે આવ્યાં અને ઓરડાની બહાર ઉભા રહી સાદ દીધો, “મારી કોઈ જરૂર છે?”
વીણાબહેનસુશીલાને તપાસતાં બોલ્યાં, “હા, હા,તમને જ બોલાવવા આ મેઘાને મોકલતી હતી. આ બાઈ બિચારી ખૂબ જ નિર્બળ થઈ ગઈ છે. પહેલાં ગ્લુકોઝનો બોટલ ચઢાવીએ. થોડી શક્તિ આવે પછી તેને તંદુરસ્ત બનાવવાની કોશિશ આરંભીએ.”
વીણાબહેને ગ્લુકોઝનો બોટલ અને જરૂરી સામાન ફોન કરીને નજીકની હોસ્પિટલમાંથી મંગાવી લીધો. તેઓ
કૃષ્ણકુમારજી ઓરડામાં પ્રવેશી તેમાં ડાબી તરફ આવેલાં બાથરૂમનાં બેસિનમાં હાથ ધોઈને ટેબલ ઉપર બેહોશ પડેલી બાઈ નજીક પહોંચ્યાં. તેની બંધ આંખોનાં પોપચાં વારાફરતી ઉઘાડ્યાં અને હળવેકથી બંધ કરી તેની આંગળીઓનાં નખ તપાસ્યાં અને નિઃસાસો નાખતાં બોલ્યાં, "આપણાં દેશનાં આ શ્રમજીવીઓને પોતાનું પેટ ભરી શકે તેવો પૌષ્ટિક આહાર ક્યારે મળી રહેશે?"
વીણાબહેનની વાત સાંભળતાં સંભળાતા તેઓએ જરૂરી ઇંજેક્શન તૈયાર કર્યાં અને સુશીલાની સારવાર શરૂ કરી દીધી.
દસ - પંદર મિનિટ બંને જણ તેની દેખરેખ કરી રહ્યાં. જેવું લાગ્યું કે સુશીલાનું શરીર અપાયેલ દવાઓને સહન કરી શક્યું છે એટલે વીણાબહેન બોલ્યા," આપણે હવે મેઘાને અહીં બેસાડી કામે લાગીએ?"
કૃષ્ણકુમારજી બોલ્યા, "હા, એ બરાબર રહેશે. બહાર ઘણાં લોકો આપણી રાહ જોઈ રહ્યા છે. તેમને તપાસીને દવા અને પૌષ્ટિક આહારની થેલીઓ આપવાની છે. અને આમ પણ મેઘા તો નર્સ જ છે. તે સુશીલાની દેખરેખ સુપેરે કરી શકશે." બોલતાં બોલતાં તેઓ ઓરડાની બહાર ગયા અને મેઘાને બોલાવતાં આવ્યા.
મેઘાએ ઓરડામાં પ્રવેશ કર્યા પછી કૃષ્ણકુમારજીએ તેને સુશીલાની સારસંભાળ વિશેની વિગતે માહિતી આપી અને પોતે બહાર ગયાં. મેઘા એક અતિ લાગણીશીલ વ્યક્તિત્વની માલિકણ એવી નર્સ હતી. તે સુશીલાને જે પલંગ ઉપર સૂવાડાયેલ હતી તેની નજીક એક સ્ટૂલ ખેંચીને બેઠી અને તેના કપાળ ઉપર હળવેકથી હાથ ફેરવવા લાગી. મેઘાની નજરમાં સુશીલા પ્રતિ એટલો પ્રેમ અને કરૂણા ઝળકી રહ્યાં હતાં કે જાણે તે સુશીલાની કોઈ અંગત સંબંધી હોય.
દોઢ-બે કલાકે ગ્લુકોઝનો બોટલ પૂર્ણ થયો. તેની ડ્રીપ બંધ કરી મેઘાએ સુશીલાનો ચહેરો હળવેકથી નેપકિન વતી લૂછ્યો અને તેના વાળ સરખાં કર્યાં. હવે તે તેના હાથ ઉપર પોતાનો હાથ ફેરવી રહી અને ધીમેથી માતાજીની સ્તુતિ ગાઈ રહી. દવા અને પ્રેમસભર સંભાળનો જ ચમત્કાર હતો કે સુશીલા થોડી સળવળી.
મેઘાએ પલંગની પાછળની દિવાલે રહેલ ઘંટડી દબાવી અને તરત જ એક પટાવાળો હાજર થયો.
મેઘાએ કહ્યું, 'ભાઈ, સવલીબેનને મોકલજો ને.'
પટાવાળો, 'હા, મેઘાબહેન. મોકલું.'
થોડી જ પળોમાં સવલી ઓરડામાં આવી. સુશીલાનો સળવળાટ હવે વધ્યો હતો. તેની આંખો મહાપરાણે ઊઘડી, જાણે પોપચાં ઉપર મણમણનો ભાર તોળાઈ રહ્યો હોય. સવલીને સન્મુખ જોતાં જ તેનાં સૂઈ રહેલાં શરીરમાં જાગૃત થઈ રહેલ મને હોઠ તરફ હળવું સ્મિત મોકલ્યું. માનવી એકલો-અટૂલો અને અશક્ત થઈ જાય ત્યારે એક જાણીતો ચહેરો તેનામાં ફરીથી આશા અને શક્તિ ભરી શકે છે એની પ્રતીતિ મેઘાને થઈ.
તેણે સવલીને વધુ નજીક આવી પલંગ ઉપર બેસવા કહ્યું. સવલી નજીક આવી અને પલંગ ઉપર બેસી સુશીલાનાં ચાદર હેઠળ ઢંકાયેલા પગ ઉપર હળવેકથી હથેળી ફેરવવા લાગી.
સુશીલાની આંખો થોડી વધુ ઊઘડી. તે બોલી, "બુન, તું કંઈથી? અન મન આંય કુણ લાયું?"
બીજું કાંઈ યાદ ન હોવાથી તેના ચહેરા ઉપર ખાસી બેચેની વરતાઈ આવી.
સવલી તેની વધુ નજીક ગઈ અને તેનાં હાથ ઉપર હથેળીથી પસવારતાં બોલી, "બુન, ચિંતા ન કર. તું માર જોડ જ છ. આંય તને દવાઓ ન ખાવાનું, બધ્ધુંય મળી રે'શે. પેલાં હારી થૈ જા. પછી બીજી વાતું કરીશું."
સુશીલાનાં ચહેરાની તંગ રેખાઓને સંતોષ અને હાસ્યએ જાકારો દીધો.
તેનાં ચહેરા ઉપર રાહત જોઈને મેઘા બોલી, "તમે બેય વાતો કરો હું ડૉક્ટર સાહેબ અને મેડમને બોલાવી લાવું."
મેઘા બહાર જ ઈ થોડી જ વારમાં ડૉ. વીણાબહેન અને ડૉ. કૃષ્ણકુમારજીને બોલાવી લાવી.
ક્રમશ:
મિત્રો,
આપને વાર્તા ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવ આપશો, જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો.
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા