સવાઈ માતા - ભાગ 50 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 50

લેખન તારીખ : ૧૭-૧૦-૨૦૨૩ (મંગળવાર)

પ્રિય વાચકમિત્રો,
આપ સર્વેનાં અઢળક પ્રેમનાં કારણે જ મારી આ પ્રથમ નવલકથા આટલી ઉંચી લોકપ્રિયતાને આંબી શકી. ઘણા જ સમયથી કોઈ નવો ભાગ મૂકી શકાયો ન હતો તે બદલ માફી ચાહું છું. ઉપરાઉપરી આવી પડેલ બિમારીએ લેખનમાં ઘણો જ વિક્ષેપ પાડ્યો. હવે અઠવાડિયામાં ત્રણ વખત મળીશું. – મંગળવાર, ગુરુવાર અને શનિવાર.

સોનાવરણી નવલ પ્રભાતે પોતાનાં જમીન સાથે જોડાયેલાં મૂલ્યો જાળવીને ફ્લેટમાં વસેલાં આ આદિવાસી પરિવારની શાળા, દુકાન અને ઓફિસ પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધાંય પોતપોતાનાં સમયે ઘરેથી નીકળી ગયાં બાદ છેલ્લા દોઢ મહિનાથી ઘડાઈ ગયેલ સવલીએ બપોર માટેની બાકી રસોઈ પૂર્ણ કરી. વ્યવસ્થિત રીતે રસોઈ ઢાંકી, રસોડાનાં બધાં ઉપકરણો બંધ કરી, ચકાસીને તૈયાર થવા ગઈ.

સવલી સાડી હજીયે પોતાની પરંપરાગત રીતે જ પહેરતી, પણ હાથમાં મોબાઈલ અને રોકડ રાખી શકાય તેવું પાકીટ રાખતી તેમજ સુંદર મઝાની ચપ્પલ પહેરતી થઈ ગઈ હતી. સફેદ ફૂલની વેણી તેને ખૂબ જ પ્રિય હતી એટલે રમીલાએ ઘરેઘરે ફૂલ પહોંચાડતા માળી પરભુભાઈને પૂજાનાં ફૂલની સાથેસાથે મોગરા-ચમેલીની વેણી આપવાનું કહી દીધું હતું.

સાદગીથી તૈયાર થતી સવલી આધેડ ઉંમરે પણ સુંદર દેખાતી, તેમાંય ઠરીઠામ થયેલ જીંદગીએ તેનાં દેખાવમા થોડો ઠસ્સો ઉમેર્યો હતો. હવે તેને જોતાવેંત કોઈ કહી ન શકતું કે આ સ્ત્રીનું બાળપણ, યુવાની અને આધેડ અવસ્થાનો મોટોભાગ મજૂરી કરીને રસ્તાની બાજુએ વીત્યો હશે. પણ હવે આવેલ જીંદગીના સુમધુર વળાંકને તે હોંશભેર અપનાવી ચૂકી હતી.

દીકરીએ બાંધી આપેલ રીક્ષામાં આવ-જા કરતાં પોતાનાં હાથની સાદી પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ લગભગ પાંચસો સગર્ભા સ્ત્રીઓ અને આઠસો જેટલાં બાળકોને માટે બનાવતી થઈ ગઈ હતી. અલબત્ત તેની મદદે બીજી ચાર સ્ત્રીઓ રહેતી. વળી, વીણાબહેન અને કૃષ્ણકુમારજી તેને કર્મચારી નહીં પોતાની સંસ્થાની સભ્ય જ ગણતાં. બધાંયનો ચા-નાસ્તો સાથે જ થતો.

કામકાજનાં સ્થળે હંમેશા ભેદભાવનો અને અપમાનનો ભોગ બનતાં ટેવાઈ ગયેલી સવલીને અહીં ખૂબ જ હૂંફ અને પોતાપણું વરતાતું. આજે પણ તે હંમેશની જેમ જ પોતાની બાંધેલી રિક્ષામાં બેસી જઈ રહી હતી. તેની નજર રસ્તાની બેય બાજુ ચાલી રહેલા લોકો અને દોડી રહેલા વાહનો ઉપર હતું. દોડી રહેલી રિક્ષામાં હમેશ મુજબ જૂનાં હિન્દી ફિલ્મી ગીતો વાગી રહ્યા હતાં. તેને હિન્દી ભાષા તો બહુ સમજાતી નહીં, પણ એ ગીતો આકાશવાણી રેડિયો ઉપર વાગતાં હોવાથી સુમધુર રહેતાં. મોટેભાગે તેને રિક્ષા ચલાવનારા, કેશુભાઈ જોડે બહુ વાર્તાલાપ ન થતો. કેશુભાઈ પણ આ મહેનતુ જીવનો આદર કરતા તેથી જરૂર પૂરતો જ વાર્તાલાપ ક્યારેક જ તે બેય વચ્ચે થતો. હા, કો’ક વખત સવલી સાથે મનુ કે સમુ હોય ત્યારે એ ભાઈ ખીલી ઉઠતાં અને બાળકને તેની પસંદના ગીતો પેનડ્રાઈવ ઉપર મૂકી સંભળાવતા. પણ, એવો મોકો જ્વલ્લે જ આવતો જયારે બાળકોને રવિવાર સિવાયની રજા હોય. રવિવારે તો રમીલા તેમનો હવાલો સંભાળતી.

આજે લગભગ અડધે રસ્તે પહોંચ્યા હશે કે સવલીને રસ્તાની ડાબી બાજુએ, પરાણે ચાલી રહેલી તેની સખી સુશીલા દેખાઈ. સુશીલાની ઉંમર પણ સવલી જેવડી જ, આધેડ. તેના માથે તગારું અને હાથમાં એક પ્લાસ્ટીકની કોથળી હતાં. સુશીલાના ચહેરાની અતિશય તંગ રેખાઓ અને તેના ધ્રુજી રહેલા પગ ઉપરથી જણાતું હતું કે તે ગમે ત્યારે પડી જશે.

માંડ ક્યારેક કશુંક બોલતી સવલીના મોમાંથી ઉદગાર સારી પડ્યા, “કેશુભાઈ, ઉભા રો’. આ બુનને હાથે લેવા પડહે.” આટલું બોલતામાં તો સવલીનો અવાજ ગળગળો થઇ ગયો.

કેશુભાઈએ રિક્ષા તરત જ રસ્તાની બાજુએ લઇ જવા માંડી. ઘણી ભીડ હોવાથી એકદમ પાર્કિંગ ની જગ્યા ન મળી એટલે સાવલી બોલી, “ભાઈ, ધીમે ધીમે આગળ જતાં થાવ. હું આ સુસીલાને લેઈને આવી.” અને થોડી ધીમી પડેલ રીક્ષામાંથી તે ઉતરી ગઈ.

કેશુભાઈ હજી કાંઈ સમજે તે પહેલાં સવલી રિક્ષાની પાછળની તરફ ભીડમાં ખોવાઈ ગઈ. કેશુભાઈએ ભરચક રસ્તાના વિસ્તારમાં પાછલી સીટ ઉપર નજર નાખી તો સવલી પોતાનું પર્સ અને મોબાઈલ ફોન બેય ત્યાંજ મૂકીને ગઈ હતી. હવે કેશુભાઈને ચિંતા પેઠી. આજ સુધી તેમણે પોતાનાં ઘરથી સંસ્થાના કાર્યાલય સુધી રિક્ષામાં જતી ગુમસુમ સ્ત્રીને જ જોઈ હતી જેની ભલામણ તેની યુવાન, શહેરમાં કેળવાયેલ દીકરીએ કરી હતી કે તેની માતાને શહેરમાં વધુ જગ્યાઓ વિશે કઈ જાણ નથી. તેને ખૂબ જ સાચવીને યોગ્ય સ્થળે જ ઉતારવી. હવે, આ બહેનને કઈ થયું તો તેની દીકરીને શો જવાબ આપવો તેની ચિંતા કેશુભાઈને થઈ આવી પણ, આમ અધવચાળે પાર્કિંગ વિના ક્યાંય પણ રિક્ષા રસ્તામાં છોડાય એમ પણ ન હતું. તેઓ પોતાની રિક્ષાનાં કાચ ઉપર ચોંટાડેલ પ્રભુની તસ્વીરોને જોઈ સવલી માટે પ્રાર્થના કરી રહ્યા.

પાંચેક મિનીટ વીતી હશે અને સવલી અને બીજી બે ત્રણ બહેનો પેલાં સુશીલાબહેનને લગભગ ઊંચકીને રિક્ષા સુધી પહોંચી ગયાં અને તેમણે રિક્ષામાં બેસાડી દીધાં. પાછળ આવતી એક ઘણી આધુનિક દેખાતી યુવતીએ સુશીલાબેનનું તગારું અને કોથળી પકડેલ હતાં તે પણ સવલીને સુપ્રત કર્યાં.

સવલીએ તે બહેનોનો આભાર માનતા કહ્યું, “બોવ આભાર તમારા હંધાયનો, માર બુનને આંય હુધી લાવ્વામ તમ લોકે મદદ કયરી.”

બધાંય બહેનોએ તેને કહ્યું, “અરે બહેન, એ તો માનવતાની દ્રષ્ટિએ અમારી ફરજ હતી.”

પેલી આધુનિકા બોલી ઉઠી, “તમે આમને દવાખાને લઇ જઈ શકશો કે હું જોડે આવું?”

સવલી બોલી, “બુન, ઉ જાં કામ કરું છું તિયાંથી વીણાબુન ને એમના વર દાગતર જ સે. અને એ લોક આવાં લાચારોની જ મદદ કર સ. ઈ પણ વગર પૈહે.”

બહાર ઊભેલી આધુનિકા સહિત બધી જ બહેનો આ સાંભળી મલકી ઉઠી. અને આધુનિકા તો બોલી ઉઠી, “તમે પેલાં ડૉ. કૃષ્ણકુમાર અને ડૉ. વીણાબહેનની વાત તો નથી કરતાં ને?”

સવલી બોલી, “આ, ઈ જ. પણ અવ ઉં જઉં. આની તબિયત વધારે બગડહે તો મુસીબત થઈ જાહે.”

આટલું સાંભળતાં જ આધુનિકા રિક્ષામાં ઉલટી બાજુએથી બેસી ગઈ અને કનુભાઈને રિક્ષા ચલાવવા કહ્યું. સવલી અને કનુભાઈ આવક થઇ ગયા પણ રિક્ષા ઉપડી. બહાર ઊભેલી બધી બહેનોએ કાલે અહીં જ મળવાનો વાયદો સવલીને કર્યો. સવલીની હિંમત આજે ખુલી હતી એવું તેને પોતાને પણ અનુભવાયું. દસેક મિનીટ સુધી રિક્ષા અવિરતપણે ચાલતી રહી અને તે દરમ્યાન આધુનિકા પોતાનાં કોટનના દુપટ્ટા વડે સુશીલાનું કપાળ લૂછતી રહી અને તેને પંખો નાખતી રહી. સવલી પોતાનાં પાલવથી સુશીલાને સતત પંખો નાખતી રહી. કનુભાઈ પણ જયારે રસ્તો સાફ દેખાય ત્યારે થોડું પાછળ વળીને સુશીલાના મુખને જોઈ લઈ રાહતનો શ્વાસ લેતા હતાં.

વીણાબહેનનું સ્થળ આવતા જ કનુભાઈ એ રોજ કરતાં થોડાં પ્રતિકૂળ જઈ રીક્ષાનો હોર્ન સતત વગાડવા માંડ્યો. તેમની રીક્ષાના અને સવલીના રોજ અહી આવવાના સમયથી માહિતગાર બધાં જ આજનું કામ શરુ કરવા તેની રાહ જોઈ બેઠાં હતાં. પહેલાં વોચમેન અને પછી સવલી સાથે કામ કરતી સ્ત્રીઓ દોડીને રિક્ષા સુધી આવી ગઈ.

કનુભાઈ એક યુવતીને સંબોધીને બોલ્યાં, “બેન, જઈને ડોક્ટર મેડમને બોલાવી લાવ.”

યુવતીએ જવાબ વાળ્યો, “હા ભાઈ, બોલવું.” અને તે પાછળ ફરી.

ત્યાં જ તેને વીણાબહેનને દોડીને બહાર આવતા જોયાં. વીણાબહેન રિક્ષા નજીક પહોંચ્યા અને સવલીની બાજુમાં બેશુદ્ધ સ્ત્રીને જોઈ તેના કપાળે અને નાકે હાથ મૂક્યો, પછી તેની નાડ તપાસી. થોડી ધીમી જરૂર લાગી પણ તેને જલ્દી શુદ્ધિમાં લાવી શકાશે તેમ લાગ્યું. સાથે આવેલી બહેનોની મદદથી સુશીલાને રીક્ષાની બહાર કાઢી અને ઝડપથી અંદર લઇ જવા લાગ્યાં.

સવલીની સાથે રિક્ષામાં બેસી ગયેલ આધુનિકા પણ નીચે ઉતારી અને કનુભાઈને પૂછવા લાગી, “કેટલાં પૈસા થયા, ભાઈ?”

કનુભાઈ બોલ્યાં, “બેન, તમે જેમની જોડે આવ્યાને, એ સવલીબેનને રોજ જ હું અહીં ઉતારું છું. કંઈ જ લેવાનું નથી. જાવ તમે તેમની સાથે.” અને આ કહેતાં જ કનુભાઈએ રિક્ષા હંકારી મૂકી.

• સુશીલાને શું થયું હશે?
• આધુનિકા યુવતી વીણાબહેનણે કેવી રીતે ઓળખતી હશે?
• આગળ રમીલાની જીંદગી પણ કેવી ચાલી રહી હશે?

ક્રમશ:
મિત્રો,
આપને વાર્તા ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવ આપશો, જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો.

આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા