પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૦૮
મીતાબેનને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે લખમલભાઈની પોતાના ઘરની અને લતાબેનના ઘરની મુલાકાત પછી રચના માનસિક રીતે અસ્વસ્થ થઈ રહી હતી. એના દિલમાં વેરની વસૂલાતની આગ સળગી રહી હતી પણ એ એક સ્ત્રીહ્રદય હતી. ભલે આરવ સાથે એક હેતુ સાથે લગ્ન કર્યા હતા પણ તે એક પત્નીનું અને પરિવારની વહુ તરીકેનું સ્થાન ધરાવતી હતી.
રચનાને પોતાની કરણી પર અફસોસ થઈ રહ્યો હોય એમ બની શકે. એ પોતાના જ બદલાના પરિણામોથી દુ:ખી થઈ હોય શકે. એના ચહેરા પરથી જ લાગતું હતું કે એના મનમાં તુમુલ યુદ્ધ શરૂ થયું છે. પોતે પણ લખમલભાઈને અન્યાય કર્યો હોવાનું વિચારી રહી હતી રચનાને એમની સારપનું અપમાન કર્યાની લાગણી પરેશાન કરી રહી હશે.
રચના ચક્કર ખાઈને પડી ગઈ અને બેભાન થઈ ગઈ કે તરત જ મીતાબેને આરવને ફોન કરી દીધો હતો. એણે એમ્બ્યુલન્સ સાથે પોતે આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. રચના વિષે જાણ્યા પછી એ બઘવાઈ ગયો હતો. એની ચિંતા વધી ગઈ હતી. મીતાબેનને એ પરથી એની રચના પ્રત્યેની પ્રેમની લાગણીનો વધારે અંદાજ આવી ગયો.
રચનાને ભાનમાં લાવવા પ્રયત્ન કરતાં મીતાબેનને અનેક વિચાર આવી રહ્યા હતા. રચનાને આરવ સાથે પરણાવ્યા પછી એના પરિવારનો સતત પ્રેમ અને સહયોગ મળી રહ્યો હતો. એની સામે રચના એક પછી એક ચાલ રમીને એમનું નુકસાન કરી રહી હતી. લખમલભાઈએ અચાનક નિવૃત્તિ લઈ લીધી હતી અને એમના પરિવારની એક કંપનીના બે ફાડચા કરાવી દીધા હતા. આરવની કંપની ડૂબી રહી હતી અને હવે રચના છેલ્લો વાર કરવા જઇ રહી હતી. એ આરવના ભાઇઓની કંપનીમાં પણ લૂણો લગાવી રહી હતી. પણ લખમલભાઈએ આવીને એની વિચારધારાને અટકાવી દીધી હોય એમ લાગતું હતું. લખમલભાઈએ જે કંઇ કહ્યું અને બતાવ્યું એમાંથી કેટલું સાચું હતું અને કેટલું પૂર્વઆયોજિત હતું એ જાણવું મુશ્કેલ હતું.
મીતાબેનને થયું કે રચના આમ તો મનથી મજબૂત છોકરી રહી છે. આટલા મોટા પરિવાર સામે બાથ ભીડી હતી અને એમાં સતત સફળ થઈ રહી હતી. એનો દરેક દાવ સફળ રહ્યો હતો. લખમલભાઈ, આરવ કે એના ભાઈઓને ગંધ સુધ્ધાં આવી શકી નથી. પણ ન જાણે કેમ હવે એ મનથી નબળી પડી રહી હતી. એ તણાવમાં આવી ગઈ હોય એમ લાગતું હતું.
રચનાના મોં પર પાણી છાંટ્યું, ચંપલ સુંઘાડી જોયું... જે મનમાં આવ્યું એનો પ્રયોગ કર્યો પણ એ ભાનમાં આવી રહી ન હતી. મીતાબેન એને ઢંઢોળી રહ્યા હતા ત્યારે જ એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ. એમણે ઊભા થઈને જોયું તો એમ્બ્યુલન્સ પાછળ આરવની કાર પણ હતી.
રચનાને સ્ટ્રેચરમાં રાખીને એમ્બ્યુલન્સમાં સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સની પાછળ આરવની કાર દોડી રહી હતી. એમાં આરવ કપાળ પર ચિંતાની રેખાઓ સાથે મીતાબેનને સતત સવાલો કરી રહ્યો હતો.
‘અચાનક એને શું થઈ ગયું? કોઈ ખરાબ સામાચાર સાંભળ્યા કે કોઈ ચિંતા ઊભી થઈ હતી? બેભાન થતાં પહેલા એને કોઈ તકલીફ તો ન હતી ને? એ છેલ્લે કોને મળી હતી?’
આરવના કેટલાક સવાલ એવા હતા જેના મીતાબેન પાસે જવાબ ન હતા. મીતાબેને માત્ર આશ્વાસન જ આપ્યું:‘આરવકુમાર, કોઈ ચિંતાની વાત ન હતી. અચાનક ચક્કર આવ્યા અને પડી ગઈ. એને બીજી કોઈ તકલીફ નથી... જલદી સારું થઈ જશે...’
એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી અને એમાંથી સ્ટ્રેચર પરથી રચનાને બહાર લાવી રહ્યા હતા ત્યારે એ ભાનમાં આવી ગઈ હતી. એ જોઈ આરવ અને મીતાબેનને રાહત થઈ.
રચનાને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ફરજ પરના મહિલા ડૉક્ટરે વધારે તપાસ કરી હસીને કહ્યું:‘બહેન, ખુશખબર છે! તમે મા બનવાના છો!’
ડૉક્ટરને એમ હતું કે આ વાત સાંભળીને યુવતી ખુશ થઈ જશે પણ રચનાના ચહેરા પર ખુશીના કે ઉદાસીના કોઈ ભાવ ન હતા. એ વિચારમાં પડી ગઈ હતી. આમ કેમ બન્યું હશે? પોતે તો મા બનવા માગતી ન હતી. આરવથી અલગ થઈ જવાની છે. હવે શું કરશે?
બહાર ઊભેલા આરવ અને મીતાબેન રચનાની તબિયતના સમાચાર જાણવા ડૉક્ટરની કેબિનના દરવાજા પર નજર રાખીને બેઠા હતા.
ક્રમશ: