સપનાનાં વાવેતર - 31 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 31

સપનાનાં વાવેતર પ્રકરણ 31

સ્વામી વ્યોમાનંદજી અનિકેતનો હાથ પકડીને એને સૂક્ષ્મ જગતમાં એના મોટા દાદા સ્વ. વલ્લભભાઈના દિવ્ય આત્મા પાસે લઈ ગયા હતા.

મોટા દાદાએ ગાર્ડનમાં બેસીને અનિકેત સાથે સૂક્ષ્મ જગત વિશે ઘણી બધી અચરજભરી વાતો કરી. એ પછી એ અનિકેતને ગાયત્રી માતાનાં દર્શન કરવા મંદિરમાં લઈ ગયા. મંદિરમાં અનિકેતે ગાયત્રી માતાની એકદમ જીવંત મૂર્તિ જોઈ. મૂર્તિમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો હતો. એ પછી બંને જણા બહાર નીકળ્યા.

"અહીં સૂક્ષ્મ જગતમાં પણ મંદિરો હોય છે એ જોઈને નવાઈ લાગે છે દાદાજી." અનિકેતે પૂછ્યું.

"તમામ ધર્મોનાં મંદિરો અહીં છે. જ્યાં સુધી તમારી કોઈ ચોક્કસ ધર્મ ઉપર આસ્થા હોય ત્યાં સુધી તમને અહીં મંદિરો જોવા મળશે. મસ્જિદો અને ચર્ચ પણ જોવા મળશે. ધર્મના વાડામાંથી બહાર આવો અને શુદ્ધ આત્મ સ્વરૂપમાં આવી જાઓ એ પછી કોઈ મંદિરમાં જવાની જરૂર નથી હોતી. સીધો તમને પાંચમા લોકમાં પ્રવેશ મળે છે. " મોટાદાદાએ પ્રપૌત્રને સમજણ આપી.

"હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે દાદાજી ?" અનિકેત બોલ્યો.

"હવે હું તને એક ઝરણા કિનારે લઈ જઉં છું જ્યાં તારે સ્નાન કરી લેવાનું છે. આ એક સૂક્ષ્મ સ્નાન હોય છે જ્યાં સ્નાન કર્યા પછી પણ તું કોરો જ રહીશ. તારું મૃત્યુ થયેલું નથી એટલે તારું સૂક્ષ્મ શરીર અત્યારે મને વસ્ત્રો પહેરેલું દેખાય છે. જો કે તને મારા સિવાય અહીં કોઈ જોઈ શકતું નથી. મારો હાથ પકડી લે. " દાદાજી બોલ્યા.

અનિકેતે એમનો હાથ પકડ્યો એ સાથે જ એ દાદાજી સાથે એક સુંદર ઝરણા પાસે આવી ઊભો. ઝરણાની આજુ બાજુ સુંદર વૃક્ષો, રંગબેરંગી પત્થરો અને રંગબેરંગી વનસ્પતિ હતી. પાણી પણ એકદમ સ્વચ્છ નિર્મળ હતું.

"ઝરણામાં એક બે ડૂબકી મારી લે. " દાદાજી બોલ્યા.

અનિકેતે બે ત્રણ ડૂબકી મારીને સ્નાન કરી લીધું. દાદાજીએ કહ્યું એ પ્રમાણે એ ઝરણાની બહાર આવ્યો ત્યારે સાવ કોરો હતો.

"હવે તું ત્રણ વાર ગાયત્રી મંત્ર મનમાં બોલીને થોડુંક પાણી પી લે એટલે અંદરથી પણ તારું શરીર એકદમ પવિત્ર બની જાય." દાદાજીએ આદેશ આપ્યો.

અનિકેતે ગાયત્રી મંત્ર ત્રણ વાર બોલીને ખોબામાં પાણી લઈ આચમન કરી લીધું. પાણીનો આટલો અદભુત સ્વાદ એણે આજ સુધી જોયો ન હતો. એનું મન પાણી પીને એકદમ પ્રસન્ન અને પવિત્ર થઈ ગયું.

"આ પાણીનું સ્નાન કર્યા પછી, એનું આચમન કર્યા પછી તારો આત્મા શુદ્ધ થઈ ગયો છે એટલે હવે તું સિદ્ધિ મેળવવાને લાયક બન્યો છે. ગાયત્રી માતાની પણ મેં આજ્ઞા લઈ લીધી છે. હવે આપણે જ્યાં બેઠા હતા એ જ બગીચામાં પાછા જઈએ છીએ. મારો હાથ પકડી લે. " દાદાજી બોલ્યા.

અને દાદાજીનો હાથ પકડતાં જ અનિકેત પાછો દાદાજી સાથે એ જ બગીચામાં આવી ગયો.

"હવે હું તને મેં કઠોર સાધના કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ હું તને આપવા માગું છું. આ સિદ્ધિ અમૂલ્ય છે. તારા હવે પછીના જીવનમાં એ ઘણી જ ઉપયોગી પૂરવાર થવાની છે. " દાદાજી બોલ્યા.

સિદ્ધિની વાત સાંભળીને અનિકેત ખૂબ જ આનંદમાં આવી ગયો હતો. એક પ્રકારના રોમાંચનો એ અનુભવ કરી રહ્યો હતો. દાદાજી મને કઈ સિદ્ધિ આપશે ?

" હું તને જે સિદ્ધિ આપવા માગું છું એનું નામ સ્વયંસંચાલિત સિદ્ધિ છે. એ મેં ગાયત્રી મંત્ર અને સૂર્ય ઉપાસનામાંથી મેળવી છે. સમય સમય પર એનો ઉપયોગ અલગ અલગ રીતે થશે પરંતુ તું જાતે એનો ઉપયોગ નહીં કરી શકે. આ સિદ્ધિ સતત તારી સાથે રહેશે, તારી રક્ષા કરશે, તારાં અશક્ય કામો પણ કરી દેશે. તારા મનના વિચારો જાણીને આ સિદ્ધિ એની મેળે પોતાનું કામ કરી દેશે. " મોટા દાદા સિદ્ધિનો પરિચય આપી રહ્યા હતા.

" હવે હું આ સિદ્ધિ તને આપી રહ્યો છું. તું આંખો બંધ કરીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસી જા." દાદાજી બોલ્યા એટલે અનિકેત બગીચામાં ઘાસની ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયો. દાદાજીએ એના માથા ઉપર જમણો હાથ મૂક્યો અને કોઈક મંત્રોચ્ચાર કરવા લાગ્યા.

અનિકેતના આખા સૂક્ષ્મ શરીરમાં જાણે કે વીજળી દોડી રહી હોય એવો અનુભવ એને થયો.

" સિદ્ધિ તને પ્રાપ્ત થઈ ગઈ છે. હવે તું સિદ્ધ થઈ ગયો છે. હવે આ ક્ષણથી જ તારી સિદ્ધિ કાર્યરત થઈ ગઈ છે " મોટા દાદા બોલ્યા.

"દાદાજી મારી સિદ્ધિ મારામાં કાર્યરત થઈ ગઈ છે એવી મને કેવી રીતે ખબર પડશે ? " અનિકેતે કુતૂહલથી પૂછ્યું.

"બેટા. હવે પછીની તારી જિંદગીમાં તને ફરક લાગશે. તું બસ જોયા કર. તને પોતે જ સમજાઈ જશે. આ સિદ્ધિ મારા માટે કોઈ જ કામની નથી. પૃથ્વી ઉપર જ એનો ઉપયોગ થઈ શકે છે. તારો જન્મ મારા કુટુંબમાં મેં જ કરાવ્યો છે. તારો જન્મ થયો તે પહેલાંથી હું તને ઓળખું છું. મારા જે ગુરુજી તને અહીં સુધી લઈ આવ્યા એ વ્યોમાનંદજી પણ તને પહેલેથી ઓળખે છે. માત્ર બિલ્ડર બનવા માટે તારો જન્મ થયો નથી. આ સિદ્ધિ તને બધાથી અલગ બનાવશે." દાદાજી બોલ્યા.

" જી દાદાજી. મારે હવે પછી શું કરવું એની પ્રેરણા તમે જ આપજો. હું કઈ રીતે સિદ્ધિનો ઉપયોગ કરી શકું એના વિશે મને તો કોઈ જ્ઞાન નથી. તમે મને જે રીતે સ્વપ્નમાં કે પ્રત્યક્ષ આદેશ આપશો એ પ્રમાણે હું કરતો રહીશ." અનિકેત બોલ્યો.

"તું ચિંતા ના કરીશ. તારી સિદ્ધિ કઈ રીતે કામ કરે છે એ તને પોતાને જ ખબર પડી જશે. મારા સિદ્ધ ગુરુજી સ્વામી વ્યોમાનંદજીની નજર પણ તારા ઉપર રહેશે. તું જો એમને યાદ કરીશ તો એ પણ તને માર્ગદર્શન આપશે. અને તારે હવે ઘરે જતી વખતે કોઈ નિયમ પાળવાના નથી. હવે તું પૈસા પણ વાપરી શકે છે " દાદાજી બોલ્યા.

"દાદાજી તમે કાયમ માટે અહીં આ લોકમાં રહેવાના છો ? " અનિકેત બોલ્યો.

" ના બેટા. કોઈ પણ આત્મા જ્યાં સુધી કર્મોનાં બંધનથી મુક્ત ના થાય ત્યાં સુધી અહીં કાયમ માટે રહી શકે નહીં. મારે પણ મારાં સંચિત કર્મો તોડવા માટે પૃથ્વી ઉપર જન્મ લેવો જ પડશે. પરંતુ એના માટે અનુકૂળ વાતાવરણ અને અનુકૂળ માતા-પિતા મને દેખાય ત્યારે જ હું જન્મ લઈ શકીશ. હું પોતે ઈચ્છું ત્યાં સુધી અહીં રહી શકું છું. " દાદાજી બોલ્યા.

" દાદાજી અત્યારે હું અહીં સૂક્ષ્મ સ્વરૂપમાં આવ્યો છું તો હું અહીં કેટલો સમય રહી શકું ? અહીં મને ખૂબ જ મજા આવે છે. " અનિકેત બોલ્યો.

"તારે હવે જવું પડશે બેટા. એક સમય મર્યાદાથી વધારે હું તને અહીં રાખી શકું નહીં. તને બે કલાક અહીં બોલાવવા માટે પણ મારે પરમિશન લેવી પડી છે. પૃથ્વી ઉપર સ્થૂળ દેહમાં રહેલો કોઈપણ વ્યક્તિ અહીં સૂક્ષ્મ શરીરે પ્રવેશ કરી શકતો નથી. અહીંના નિયમો કડક છે." દાદાજી બોલ્યા.

"દાદાજી તમને અહીં ઈશ્વરનાં દર્શન થયાં છે ?" અનિકેતે કુતુહલથી પૂછ્યું.

" ના બેટા. ઈશ્વરનું કોઈ સ્થૂળ સ્વરૂપ હોતું નથી. એ એક દિવ્ય ચેતના છે. જેમકે ઇલેક્ટ્રિસિટી. એ દરેક બલ્બ અને ટ્યુબ લાઈટમાં પ્રકાશ આપી શકે છે. પંખા ચલાવી શકે છે. મોટાં મોટાં મશીનો ચલાવી શકે છે. પરંતુ એ શક્તિને જોઈ શકાતી નથી એના જેવું જ સમજવું. એ ભક્તિથી ઈષ્ટ દેવતા તરીકે પ્રગટ થાય છે પરંતુ એ એનું અસલી સ્વરૂપ નથી હોતું. સૂર્યમાં પ્રકાશ પણ એ જ આપે છે. સમસ્ત બ્રહ્માંડનું એ નિયમન કરે છે પરંતુ એ બધાથી પર છે. હવે હું મારા ગુરુજીને બોલાવું છું. એ તને તારા સ્થૂળ દેહમાં પાછો લઈ જશે." દાદાજી બોલ્યા.

સૂક્ષ્મ સ્વરૂપમાં રહેલા વલ્લભભાઈએ એમના ગુરુજીનું સ્મરણ કર્યું એ સાથે જ સ્વામી વ્યોમાનંદજી પ્રગટ થઈ ગયા. એમની ઉંમર ૨૦૦ વર્ષ કરતાં પણ વધારે હતી અને માત્ર ૧ કટોરા દૂધ ઉપર જ એ આટલાં વર્ષો ટકી રહ્યા હતા એ અનિકેત માની જ ના શક્યો ! સૂર્યની ઊર્જાથી જ એ જીવંત હતા.

અનિકેતે પોતાના આ વહાલા મોટા દાદાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી એણે સ્વામીજીનો હાથ પકડી લીધો. એ સાથે જ એક આંચકા સાથે સ્વામીજીની સાથે એનું પણ ઉડાન શરૂ થયું. બંને રોકેટ ગતિથી નીચે ને નીચે આવતા ગયા.

સ્વામીજીએ અનિકેતને લઈને સીધો છાપરાની આરપાર થઈને પોતાની ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. અનિકેતે જોયું કે પોતાનું સ્થૂળ શરીર ધ્યાનસ્થ અવસ્થામાં હજુ પણ સ્થિર બેઠેલું હતું.

સ્વામીજીએ કેટલાક મંત્રો બોલીને અનિકેતના સ્થૂળ શરીરના માથા ઉપર હાથ મૂક્યો. એ સાથે જ અનિકેતનું સૂક્ષ્મ શરીર ઊંચકાયું અને એના મૂળ સ્થૂળ શરીરમાં પ્રવેશી ગયું. એક આંચકા સાથે અનિકેત પોતાના ધ્યાનમાંથી જાગૃત થઈ ગયો.

સ્વામીજીએ થોડીવાર સુધી એના માથા ઉપર હાથ મૂકી રાખ્યો. એ સાથે જ અનિકેતનું ઠંડુ શરીર ગરમ થતું ગયું અને એના શરીરનાં તમામ અંગો ફરી પાછાં કાર્યરત થઈ ગયાં. ધબકારા અને શ્વાસ ચાલુ થઈ ગયા. જાગૃત થયા પછી અનિકેતને ખૂબ જ તરસ લાગી હતી.

સ્વામીજીએ એને થોડું પાણી પાયું અને પછી હવામાંથી ગાયના તાજા દૂધનો કટોરો પેદા કરીને એ દૂધ અનિકેતને પીવા માટે આપ્યું. એ પીધા પછી અનિકેતને ખૂબ જ તૃપ્તિ થઈ.

"અબ મૈં તુઝે તેરી હોટેલ કે નજદીક છોડ દેતા હું બેટા. તેરી બેગ સીધી તેરે રૂમ મેં પહુંચ જાયેગી. જબ ભી મેરી કોઈ જરૂરત પડે તો મુઝે દિલ સે યાદ કરના. તેરે દાદાજી બાર બાર પૃથ્વી પે નહીં આ સકતે ક્યોંકિ વો સૂક્ષ્મ જગત મેં હૈં. અબ ફિર સે મેરા હાથ પકડ લે ઔર આંખે બંદ કર લે. " સ્વામીજી બોલ્યા.

અનિકેતે સ્વામીજીનો હાથ પકડીને આંખો બંધ કરી એ સાથે જ એ હોટેલના પાછળના ભાગમાં આવી ગયો. એણે ધીમેથી આંખો ખોલી તો સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા હતા. એ ચાલતો ચાલતો હોટલના આગળના ભાગમાં ગયો અને હોટલમાં દાખલ થયો.

"અરે સર જી દો દિન સે કહાં ગાયબ હો ગયે થે ? પરસોં સુબહ સે ગયે હો તો આજ દો દિન કે બાદ આ રહે હો. સરદારજી ભી આપકે બારે મેં પૂછ રહે થે" જેવો અનિકેત રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો કે તરત જ મનોજે પૂછ્યું.

અનિકેતને જો કે મનોજની વાત સમજાઈ નહીં. કારણ કે એની ગણતરી પ્રમાણે તો એ આજે સવારે જ ત્રિવેણી ઘાટ સ્નાન કરવા માટે ગયો હતો. પરંતુ મનોજના કહેવા પ્રમાણે તો એને ગયાને બે દિવસ પૂરા થયા હતા. શું સૂક્ષ્મ જગતમાં પસાર કરેલા બે કલાક પૃથ્વીના બે દિવસ જેટલા લાંબા હતા ?

" મૈં મેરે ગુરુજી કે પાસ ગયા થા. વો દૂર જંગલ મે રહેતે હૈં. મૈં ઉનકે સાથ હી થા દો દિન તક. " અનિકેતે જવાબ આપ્યો અને ચાવી લઈને પોતાની રૂમમાં આવ્યો. રૂમ ખોલ્યો તો એની બેગ એના રૂમમાં જ પડી હતી !

અનિકેતે જોયું કે ફોન હજુ ચાર્જિંગમાં જ હતો અને ૮ મિસ કોલ ઘરેથી આવી ગયા હતા. મોબાઈલમાં અત્યારે સવારના ૧૦ વાગવા આવ્યા હતા. એણે ઘરે ફોન જોડીને બધાં સાથે વાત કરી લીધી અને સૌને જણાવી દીધું કે બે દિવસથી એ જંગલમાં ગુરુજીના આશ્રમમાં હતો અને ફોન હોટલમાં છોડી ગયો હતો.

એ પછી એણે તરત જ ચાનો ઓર્ડર આપ્યો અને ફટાફટ બ્રશ દાઢી કરી લીધાં. ચા આવી ગઈ એટલે એણે બે થેપલાં સાથે ચા પી લીધી. એ પછી એણે સ્નાન કરી લીધું અને કપડાં પણ બદલી નાખ્યાં.

મુંબઈ જવા માટે બપોરે ૧:૩૦ વાગે હરિદ્વારથી એક રેગ્યુલર ટ્રેઈન ઉપડતી હતી પરંતુ એમાં ટિકિટ મળવી મુશ્કેલ હતી અને પહોંચી શકાય એમ પણ નહોતું એટલે એણે સાંજે ૫:૩૦ વાગે ઉપડતી સ્પેશ્યલ ટ્રેન માટે ગૂગલ સર્ચ કર્યું. એમાં ફર્સ્ટ સેકન્ડ ફૂલ હતી પણ ૩ ટાયર એસીમાં એક ટિકિટ કન્ફર્મ મળી ગઈ.

બરાબર ૧૧:૩૦ વાગે હોટેલના માલિક કિરપાલસિંગ અનિકેતની રૂમમાં આવ્યા.

" અરે ભાઈસા'બ આપ કહાં ચલે ગયે થે ? દો દિન તક મૈં આપકી ખબર પૂછતા રહા." સરદારજી બોલ્યા.

"મૈં મેરે ગુરુજી કે પાસ દૂર જંગલ મેં ગયા થા ઔર ઉનકી કુટિયામેં હી દો દિન નીકાલે. દેખો ઉનકી કૃપાસે મેરી યે બેગ ભી આ ગઈ . " અનિકેત બોલ્યો.

" અરે યે તો ચમત્કાર હી હૈ. ખોઈ હુઈ બેગ ભી વાપસ મિલ ગઈ. આપકે બાબા સચમેં બહોત સિદ્ધ મહાત્મા હૈં. હમેં ઉનકે દર્શનકા લાભ નહીં મિલા." સરદારજી બોલ્યા.

"વો હિમાલયમેં રહેતે હૈં ઔર કિસી કો ભી દર્શન નહી દેતે પાજી. કોઈ ઉનકો દેખ ભી નહીં સકતા." અનિકેત બોલ્યો.

"કિસ્મતકી બાત હૈ ભાઈસા'બ. આપ કિસ્મતકે ધની હો" કિરપાલસિંગ હસીને બોલ્યા.

"મૈં અબ આજ શામ ૫:૩૦ કી ટ્રેન સે નિકલ રહા હું. અબ તો મૈં હરિદ્વાર તક ટેક્સી મેં જા સકતા હું. આપ સાડે તીન બજે મેરે લિયે ટેક્સીકા ઈંતેજામ કર દેના" અનિકેત બોલ્યો.

"યે ક્યા બાત હુઈ ? અરે મેરી ગાડી આપ કો હરિદ્વાર સ્ટેશન તક છોડ દેગી. ટેન્શન મત લો ભૈયા. ઔર અભી ખાના વાના ખા લો." સરદારજી બોલ્યા.

" જી પાજી. ઔર કભી મુંબઈ આનેકા આપકો અવસર મિલા તો હમારે ઘર જરૂર પધારીયેગા." અનિકેતે નમ્રતાથી કહ્યું અને પોતાનું કાર્ડ આપ્યું.

એ પછી અનિકેત સરદારજીની સાથે નીચે ઉતર્યો અને સીધો રેસ્ટોરન્ટમાં ગયો. સરદારજીએ અંદર કાઉન્ટર ઉપર સૂચના આપેલી જ હતી એટલે જમવામાં પણ એને વીઆઈપી ટ્રીટમેન્ટ જ મળતી હતી.

બરાબર સાડા ત્રણ વાગ્યે મનોજ પોતે અનિકેતના રૂમમાં ચા લઈને આવ્યો અને ગાડી તૈયાર છે એવી જાણ કરી. અનિકેતે ચા પી લીધી અને મનોજનો આભાર પણ માન્યો.

એ પછી બેગ લેવાની હતી એટલે મનોજે હોટલના સ્ટાફને બૂમ પાડી અને બેગ ગાડીમાં મૂકાવરાવી.

સરદારજી તો નીકળી ગયા હતા એટલે એણે મનોજના હાથમાં જબરદસ્તી ૨૦૦૦ રૂપિયા આપ્યા અને ગાડીમાં બેસી ગયો. મનોજે એનું બહુ જ ધ્યાન રાખ્યું હતું અને એ બિચારો એક સામાન્ય મધ્યમ વર્ગનો નોકરિયાત હતો.

ગાડી પોણા પાંચ વાગે હરિદ્વાર સ્ટેશને પહોંચી ગઈ. એણે નીચે ઉતરીને ડ્રાઈવરને પણ ૫૦૦ રૂપિયા આપ્યા.

ગાડી આગળ નીકળી ગયા પછી અનિકેતને અચાનક એક વિચાર આવ્યો. એણે તરત એક રીક્ષાવાળાને ઉભો રાખ્યો.

"મેરે પાસ આધે ઘંટે કા સમય હૈ. મુઝે ગંગા કે કિનારે લે જા. ઋષિકેશમેં તો ગંગા સ્નાન કર લીયા. બસ હરિદ્વારમેં ગંગા કે દર્શન મુઝે કરને હૈં. " અનિકેત બોલ્યો.

અનિકેતે પોતાની બેગ રીક્ષામાં મૂકી અને પોતે પણ બેસી ગયો. રીક્ષાવાળો એને હર કી પૌડી લઈ ગયો.

"મૈં બસ પાંચ દસ મિનિટમેં આતા હું. તુમ યહાં હી ખડે રહેના. મેરી બેગ રીક્ષામેં હી હૈ. " અનિકેત બોલ્યો અને નીચે ઉતર્યો.

" બેગકી ફિકર મત કરો સા'બ. આરામ સે પતિત પાવન મા ગંગાકે દર્શન કરો. જલકા આચમન ભી કરો. મૈં યહાં હી ખડા હું." રીક્ષાવાળો બોલ્યો.

અનિકેત ઝડપથી ચાલીને ભાગીરથી ગંગા નદીના કિનારે પહોંચી ગયો. માં ગંગાનાં ભાવપૂર્વક દર્શન કર્યાં. ખોબો ભરીને આચમન કર્યું અને થોડું જળ પોતાના શરીર ઉપર પણ છાંટ્યું. ખબર નહીં પણ એને એક અદભુત શાંતિનો અનુભવ થયો.

એને જાણે એમ લાગ્યું કે એ પોતે હરિદ્વારના ગંગા કિનારે આવ્યો નથી પરંતુ કોઈ અદ્રશ્ય શક્તિ જ એને મુંબઈ જતાં પહેલાં ગંગા કિનારે ખેંચી લાવી છે ! આ એ જ ગંગા કિનારો છે જ્યાં વિશ્વામિત્ર ઋષિએ તપસ્યા કરી હતી !

ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)