સપનાનાં વાવેતર પ્રકરણ 27
"હું તમારા સ્વ. પિતા વલ્લભભાઈનો ખાસ સંદેશ આપવા માટે જ તમારા ઘરે આવ્યો છું. એ સંદેશ તમારા આ અનિકેત માટે છે. જો મારે મુંબઈ આવવાનું ના થયું હોત તો મારે તમને બંનેને રાજકોટ બોલાવવા પડત." ગુરુજી બોલ્યા.
ગુરુજી મુંબઈ આવ્યા હતા અને ધીરુભાઈ શેઠના બંગલે મહેમાન બન્યા હતા. રાત્રે ૯ વાગે ગુરુજી ધીરુભાઈ અને અનિકેત સાથે વાતચીત કરી રહ્યા હતા.
" જી ગુરુજી. " ધીરુભાઈ બોલ્યા.
" તમે તો જાણો જ છો કે તમારા પિતાશ્રી ગાયત્રીના પ્રખર ઉપાસક હતા અને એમણે પોતાના જીવનમાં પાછલી ઉંમરમાં ઘણાં પુરશ્ચરણો કર્યાં હતાં. એમણે પોતાના જીવનમાં કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી પરંતુ એક પણ સિદ્ધિનો એમણે ઉપયોગ કર્યો ન હતો. " ગુરુજી બોલી રહ્યા હતા.
" એમની કેટલીક સિદ્ધિ એ તમારા અનિકેતને આપવા માગે છે. અનિકેતને મંત્ર દીક્ષા એમણે જ આપી છે માટે એ સિદ્ધિ અનિકેતને જ મળે એવી એમની તીવ્ર ઈચ્છા છે. એના માટે અનિકેતે થોડા દિવસો માટે હિમાલય તરફ જવું પડશે. " ગુરુજી બોલ્યા.
" હું સમજ્યો નહીં ગુરુજી. અનિકેતે હિમાલય બાજુ જવું પડશે એટલે ક્યાં જવાનું છે ? અને ક્યારે જવાનું છે ?" ધીરુભાઈ કુતુહલથી બોલ્યા.
"એ નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે યાત્રાએ નીકળી શકે છે અને એણે એકલાએ જ જવાનું છે. ક્યાં જવાનું છે એ તો મને પણ ખબર નથી. પરંતુ હિમાલય બાજુ કોઈ સિદ્ધ મહાત્માને મળવાનું છે એવો સંકેત મને મળ્યો છે. શરૂઆતમાં હરિદ્વાર કે ઋષિકેશ તરફ જવાનું. તમારા પિતાજીની ચેતના જ આગળ આગળ માર્ગદર્શન આપશે. " ગુરુજી બોલી રહ્યા હતા. અનિકેત પણ સાંભળી રહ્યો હતો.
"અને કેટલીક બાબતો ગુપ્ત છે જે અત્યારે હું તમને કહેતો નથી. અત્યારે મને સંકેત મળ્યો છે એ પ્રમાણે એને શ્રીકૃષ્ણના પ્રખર ઉપાસક કોઈ સિદ્ધ મહાત્મા મળી જશે જે એને સમાધિનો અનુભવ કરાવીને સૂક્ષ્મ જગતમાં લઈ જશે. એના મોટા દાદા સાથે મુલાકાત સૂક્ષ્મ જગતમાં જ થશે." ગુરુજી બોલ્યા.
" ગુરુજી માફ કરજો પણ આવી સમાધિ જેવી બાબતો માટે અનિકેત ઘણો નાનો છે. આ એની ઉંમર નથી. હજુ તો નવાં નવાં લગન થયાં છે અને હમણાં જ એણે બિઝનેસ ચાલુ કર્યો છે. મારે એને અત્યારથી હિમાલય મોકલવો નથી. અને સિદ્ધિ લઈને શું કરવાનું ? " ધીરુભાઈ બોલ્યા.
"ભલે. મારી ફરજ મેં બજાવી. તમારા પિતાજીનો સંદેશો મેં તમને આપી દીધો. નિર્ણય તમારે લેવાનો છે. મારું કોઈ જ દબાણ નથી." ગુરુજી હસીને બોલ્યા.
"દાદા હું જવા માટે તૈયાર છું. મારા મોટા દાદાએ મારા માટે જ્યારે આટલો મોટો સંદેશ આપ્યો હોય તો મારે જવું જ જોઈએ. સિદ્ધિમાં મને કોઈ રસ નથી પણ સૂક્ષ્મ જગતનું મને આકર્ષણ ચોક્કસ છે. " અનિકેત બોલ્યો.
" તારી આખી ઉંમર પડી છે અનિકેત. સમાધિના અનુભવ માટે તું હજુ ઘણો નાનો છે. અત્યારે આપણે કંઈ જ નથી કરવું. કોઈ સિદ્ધિ પણ નથી જોઈતી. ધંધામાં તું અમારો એકનો એક વારસદાર છે અને તને અત્યારથી અધ્યાત્મના માર્ગે વાળવાની મારી કોઈ ઈચ્છા નથી. " ધીરુભાઈ શેઠે પોતાનો નિર્ણય આપી દીધો.
ધીરુભાઈ શેઠ આધ્યાત્મિક જરૂર હતા પરંતુ એ સંપૂર્ણપણે સંસારી જીવ હતા. એ ભૌતિક જગતમાં રાચનારા હતા અને એમનામાં વ્યાપારી બુદ્ધિ હતી. ધ્યાન સાધના સમાધિ જેવી બાબતોમાં એમને રસ ઓછો હતો. એમને ડર હતો કે એકવાર અનિકેત આ માર્ગે જશે તો કદાચ એના વિચારો બદલાઈ જશે.
વલ્લભભાઈના પૂરા સંસ્કાર ત્રીજી પેઢીએ અનિકેતમાં ઉતર્યા હતા. એ રેગ્યુલર ગાયત્રી મંત્રની પાંચ માળા હવે કરતો હતો. અગમ નિગમમાં એને નાનપણથી રસ હતો. સૂક્ષ્મ જગતમાં રહેલા વલ્લભભાઈ એના આત્માની પવિત્રતાને ઓળખી શક્યા હતા અને એટલે જ એમણે સિદ્ધિઓ અનિકેતને આપવાનો નિર્ણય લીધો હતો !
" ગુરુજી આપ ચિંતા ના કરો. આપનો સંદેશો મેં સાંભળી લીધો છે. આજે ને આજે હું જવાબ નથી આપતો. ઘરે ચર્ચા કર્યા પછી થોડા દિવસોમાં નિર્ણય લઈશ. મારી ઈચ્છા તો સો ટકા છે બાકી તો જેવી ઈશ્વરની ઈચ્છા. માનો કે હું જવાનો નિર્ણય લઉં તો મારે તમને જણાવવું પડશે ? " અનિકેત બોલ્યો.
" મને જણાવવાની કોઈ જરૂર નથી. તું ઘરેથી યાત્રાએ નીકળીશ એટલે સૂક્ષ્મ જગતમાં તારા પરદાદાને ખ્યાલ આવી જ જશે. એમની નજર સતત તારી ઉપર છે જ. એ તને એમની વર્ષોની દિવ્ય સાધનાનું ફળ આપવા માંગે છે." ગુરુજી બોલ્યા.
એ રાત્રે તો વાત અહીં જ સમાપ્ત થઈ ગઈ કારણ કે ગુરુજીની વાતથી ધીરુભાઈ થોડા અપસેટ થઈ ગયા હતા.. એટલે કોઈ આધ્યાત્મિક ચર્ચા કરવાનો એમનો મૂડ ન હતો. રાત્રે સૂતાં પહેલાં ગુરુજી માટે એમણે કેસરિયા દૂધની વ્યવસ્થા કરી.
બીજા દિવસે સવારે ગુરુજીની સારી એવી સરભરા કરવામાં આવી. ઘરના બીજા સભ્યો સાથે ગુરુજીએ થોડો સત્સંગ પણ કર્યો અને ઉપદેશ પણ આપ્યો. ગુરુજી માત્ર બાજરીનો રોટલો અને મગ જ ભોજનમાં લેતા હતા એટલે મહારાજે એમના માટે એ જ ભોજન બનાવ્યું હતું !
જમીને તરત જ ગુરુજી એરપોર્ટ જવા માટે નીકળી ગયા. અનિકેત પોતે એમને એરપોર્ટ સુધી મૂકવા માટે ગયો.
" ગુરુજી મારી ઈચ્છા તો હિમાલય તરફ જવાની છે જ. મારા મોટા દાદાને મળવાનો પણ આનંદ થશે. સૂક્ષ્મ જગત વિશે મારુ કુતૂહલ પણ ઘણું છે. આપ બોલતા નથી પણ ઘણું બધું જાણો છો. મને આપ કહી શકો કે મારે ખરેખર ક્યાં જવાનું છે અને કોણ મને મળવાનું છે ? " રસ્તામાં કાર ડ્રાઈવ કરતાં કરતાં અનિકેત બોલ્યો.
" જો બેટા આધ્યાત્મિક જગતની બધી વાતો અલૌકિક હોય છે. ક્યારે ક્યાં કોણ તને મળશે એ બધું હું નથી જાણતો પણ આપોઆપ બધું બન્યા કરશે. તું એકવાર ઋષિકેશ તરફ નીકળી જઈશ પછી તારા જીવનમાં આ બધાં ઘટનાચક્રો બન્યા કરશે." ગુરુજી બોલી રહ્યા હતા.
"સાવ સાચું કહું તો તારો જન્મ માત્ર બિલ્ડર બનવા માટે નથી. સંસારિક જીવન તો આખી દુનિયા જીવે છે. તારી અંદર મેં પણ ઘણું જોયું છે અને તારા મોટા દાદાએ પણ જોયું છે. તારી અંદર પૂર્વજન્મના જે સંસ્કાર છે એના કારણે હવે તારો માર્ગ થોડોક અલગ બની રહ્યો છે. સમય આવ્યે તને બધું સમજાઈ જશે. " ગુરુજી બોલ્યા.
" જી ગુરુજી . બસ મને આપ એવા આશીર્વાદ આપો કે મારા દાદા માની જાય અને મને જવાની તક મળે." અનિકેત બોલ્યો.
" નિયતિને કોઈ બદલી શકતું નથી બેટા. તારા પ્રારબ્ધમાં જે લખેલું છે તે બનવાનું જ છે અને એને કોઈ રોકી શકતું નથી. તારા એ મોટા દાદાજીના સંકલ્પને પણ કોઈ મિથ્યા કરી શકશે નહીં." ગુરુજી હસીને બોલ્યા.
એ પછી અનિકેતે કોઈ સવાલ કર્યો નહીં અને થોડીવારમાં એરપોર્ટ આવી ગયું.
ગુરુજી નીચે ઉતર્યા એટલે અનિકેતે નીચા નમીને એમના ચરણસ્પર્શ કર્યા. ગુરુજીએ પણ એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ગુરુજીએ વિદાય લીધી.
ગુરુજી ગયાના ત્રણ દિવસ પછી ધીરુભાઈ શેઠ પોતાના બંને દીકરા પ્રશાંત અને મનીષ સાથે ગુરુજીની વાત કરી રહ્યા હતા.
"ગુરુજી આપણા ઘરે મારા સ્વર્ગસ્થ પિતાજીનો સંદેશ લઈને આવ્યા હતા. સૂક્ષ્મ જગતમાં રહેલા મારા પિતાજી ગાયત્રી સાધનાની સિદ્ધિ આપણા અનિકેતને આપવા માંગે છે. ગુરુજી પોતે સૂક્ષ્મ જગતમાં રહેલા આત્માઓ સાથે પણ વાતચીત કરી શકે છે." ધીરુભાઈ બોલ્યા.
"પરંતુ પપ્પા... દાદાજી ગાયત્રી મંત્રની સિદ્ધિ અનિકેતને કેવી રીતે આપી શકે ? એ તો મૃત્યુ પામેલા છે અને અત્યારે સૂક્ષ્મ જગતમાં છે." મનીષ બોલ્યો.
"એ જ તો વાત છે. ગુરુજીએ કહ્યું કે અનિકેતે હિમાલય તરફ યાત્રા કરવી પડશે. ત્યાં એને કોઈ સિદ્ધ મહાત્મા મળશે. એ સિદ્ધ મહાત્મા અનિકેતને સમાધિમાં લઈ જશે અને પછી એના આત્માને સૂક્ષ્મ જગતમાં લઈ જઈ તારા દાદા સાથે મુલાકાત કરાવશે અને ત્યાં એ સિદ્ધિ આપશે.." ધીરુભાઈ બોલ્યા.
"શું વાત કરો છો પપ્પા ? આવું ખરેખર થઈ શકે ? અનબિલીવેબલ. કોઈ સિદ્ધ મહાત્મા કોઈને સમાધિનો અનુભવ કરાવે અને પાછો આત્માને સૂક્ષ્મ જગતમાં લઈ જાય !! પપ્પા આ કોઈ રીતે શક્ય નથી. આઈ ડોન્ટ બીલીવ. " પ્રશાંત બોલ્યો.
" અરે તારા માનવા ન માનવાથી કોઈ ફરક પડતો નથી બેટા. સિદ્ધ પુરુષો માટે બધું જ શક્ય છે અને જ્યારે ગુરુજી પોતે જ કહેતા હોય એટલે પછી શંકા કરવાનું કોઈ કારણ જ ના હોય. મારો તારી સાથે વાત કરવાનો આશય એક જ છે કે અનિકેતને મોકલવો કે નહીં ? એ તારો દીકરો છે એટલે આવી બાબતમાં નિર્ણય હું ના લઈ શકું. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" આપણે અનિકેતને જ પૂછવું પડે પપ્પા. " પ્રશાંત બોલ્યો.
" અરે બેટા અનિકેતની હાજરીમાં જ વાત થઈ છે. એ તો જવા માટે તરત તૈયાર થઈ ગયો છે. યુવાન લોહી છે ને ! એને શું ભાન હોય કે સમાધિ કોને કહેવાય !! અને સૂક્ષ્મ જગતમાં જવાની આ કઈ ઉંમર છે ? સિદ્ધિ મેળવીને શું કરવાનું આપણા આ ધંધામાં ?" ધીરુભાઈ બોલ્યા.
" પપ્પા મારા દાદા એને કઈ સિદ્ધિ આપવા માંગે છે એ તો તમને કે મને કંઈ જ ખબર નથી. બની શકે કે એ સિદ્ધિ ભવિષ્યમાં અનિકેતને ઘણી કામ લાગે. એને એના પોતાના મોટા દાદાજી કંઈક આપવા માંગે છે તો આપણે એ રોકી ન શકીએ. અને જે અમેરિકા રહીને આવેલો છે એ એકલો હિમાલય સુધી જાય તો એને શું ફરક પડે છે ?" પ્રશાંત બોલ્યો.
" જો તું પોતે પણ આવું જ વિચારતો હોય તો પછી મારે ના પાડવાનું કોઈ કારણ જ રહેતું નથી. આ ઉંમરે અનિકેતનું સમાધિ અવસ્થામાં જવું, સૂક્ષ્મ જગતમાં વિહાર કરવો એ બધું મને યોગ્ય લાગતું નથી એટલા માટે જ મેં તને વાત કરી. બાકી તારી પણ સંમતિ હોય તો પછી ભલે જતો. " ધીરુભાઈ બોલ્યા. એ સાથે જ અનિકેતનો હિમાલયની યાત્રાનો માર્ગ મોકળો થઈ ગયો.
અને અને એ જ રાત્રે વહેલી પરોઢે અનિકેત જ્યારે તંદ્રા અવસ્થામાં હતો ત્યારે એના મોટા દાદાજી સ્વર્ગસ્થ વલ્લભભાઈ વિરાણી એના સપનામાં આવ્યા. ઘરે વલ્લભભાઈની જે તસવીર હતી એ જ ચહેરો ! એકદમ દિવ્ય પ્રકાશમય શરીર હતું એમનું !!
"અનિકેત બેટા તને મારો સંદેશ મળી ગયો હશે. તું મારો જ વંશજ છે. તારા આવવા માટેની બધી વ્યવસ્થા મેં કરી છે. રસ્તામાં તને કોઈ જ તકલીફ નહીં પડે. તું ઋષિકેશ સુધી આવી જજે. એ પછી હું બધું સંભાળી લઈશ. તારે સિદ્ધિ વિશેની કોઈ ચર્ચા કોઈની પણ સાથે કરવાની નથી. તારી પત્ની સાથે પણ નહીં. " સૂક્ષ્મ શરીરમાં રહેલા વલ્લભભાઈ બોલ્યા.
"જી દાદાજી પરંતુ દાદા ના પાડે છે." અનિકેત બોલ્યો.
" તારા દાદાની સંમતિ તને મળી જશે. તને આવતાં કોઈ જ રોકી શકશે નહીં કારણ કે આ નિર્ણય મારો છે. તું આવતી એકાદશીના દિવસે મુંબઈથી ટ્રેઈનમાં જ પ્રસ્થાન કરજે. આ તારી તપસ્યા યાત્રા છે. સિદ્ધિ માટે કંઈક તો સમર્પણ કરવું જ જોઈએ. તારે ઘરેથી એક પણ રૂપિયો લઈને નીકળવાનું નથી. યાત્રા દરમિયાન તારું જીવન એક અકિંચન સાધુ જેવું હશે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે." કહીને મોટા દાદાજી અદ્રશ્ય થઈ ગયા.
એ સાથે જ અનિકેતની આંખ ખુલી ગઈ. જાગ્યો ત્યારે એને આખો સંવાદ યાદ હતો. જે દાદાજીને એણે ક્યારેય પણ જોયા નથી એમને આજે પહેલી વાર પ્રત્યક્ષ ઉભેલા જોયા ! આજનો અનુભવ એના માટે રોમાંચક રહ્યો.
જાગૃત અવસ્થામાં આવ્યા પછી અનિકેત થોડો મૂંઝાઈ પણ ગયો. કારણ કે એક પણ રૂપિયો લઈને નીકળવાની મોટા દાદાએ ના પાડી હતી. સાવ ખાલી હાથે યાત્રા કરવાની હતી. છેક ઋષિકેશ સુધીની બે દિવસની યાત્રા ખાલી હાથે કેવી રીતે થશે ? રસ્તામાં જમવા માટે, ચા પાણી માટે પણ પૈસા જોઈએ. અને ધર્મશાળામાં ઉતરવા માટે પણ પૈસા જોઈએ. ચાલો પડશે એવા દેવાશે ! અત્યારે ચિંતા કરવાનો કોઈ મતલબ નથી.
એ જ રાત્રે એણે પોતાની પત્ની કૃતિને વાત કરી. સિદ્ધિ માટે ભલે એ એની સાથે કોઈ ચર્ચા ના કરે પરંતુ પોતાની યાત્રા વિશે તો જણાવવું જ પડશે.
" કૃતિ અઠવાડિયા પછી હું ઋષિકેશ જાઉં છું. " રાત્રે બેડરૂમમાં અનિકેતે કૃતિને જણાવ્યું.
"ઋષિકેશ ? આવી ઠંડીમાં ઋષિકેશ ! પણ અચાનક કેમ ત્યાં જઈ રહ્યા છો ?" કૃતિ બોલી.
" આપણા ત્યાં ગુરુજી આવ્યા હતા ને ! એમણે આદેશ આપ્યો છે. મારે એક સંન્યાસી મહાત્માને મળવાનું છે. અને ગુરુજી આદેશ આપે એટલે મારે પાળવાનો જ હોય. એમના દરેક આદેશ પાછળ મારા કલ્યાણનો જ કોઈ હેતુ હોય ! " અનિકેત બોલ્યો.
" પણ તો પછી હું પણ સાથે આવું. તમને પણ કંપની રહેશે. મેં પણ ઋષિકેશ જોયું નથી. " કૃતિ બોલી.
" મને તો ચોક્કસ આનંદ થાત પરંતુ ગુરુજીએ સ્પષ્ટ ના પાડી છે કે મારે એકલાએ જ જવું. દાદાજીને પણ સાથે આવવાની ના પાડી. આપણે એવું હશે તો ઉનાળામાં ખાસ ઋષિકેશ ફરવા જઈશું. " અનિકેત બોલ્યો.
"હમ્ ... કેટલા દિવસ માટે જવાના છો ? " કૃતિએ પૂછ્યું.
"એ તો મને પણ ચોક્કસ ખબર નથી. પરંતુ ત્યાં તો દર્શન જ કરવાનાં છે એટલે એકાદ દિવસનું જ રોકાણ હશે.
છતાં ત્યાં ગયા પછી જ ખબર પડે." અનિકેત બોલ્યો.
" ઠીક છે. જઈ આવો. તમારા વગર મને અહીં ગમશે નહીં. આજ સુધી એકલી રહી નથી. " કૃતિ બોલી.
" મારી પણ એવી જ હાલત છે. હવે તો તારી સાથે હનીમૂનની પણ આદત પડી ગઈ છે એટલે આ વિયોગ મને પણ આકરો લાગશે. " અનિકેતે કૃતિનો હાથ હાથમાં લઈને લાડથી કહ્યું .
બીજા દિવસે સવારે ચા પીતાં પીતાં અનિકેતે પોતાનો નિર્ણય બધાંની સામે જાહેર કરી દીધો કે પોતે એકાદશીના દિવસે ઋષિકેશ જવા માટે પ્રસ્થાન કરશે.
"તો તો હવે છ દિવસ બાકી છે. તારે તાત્કાલિક રિઝર્વેશન કરાવી દેવું પડશે. લાંબા રૂટની ટ્રેઈનોમાં જલદી રિઝર્વેશન મળતું નથી. અને અત્યારે જાન્યુઆરીના છેલ્લા દિવસો ચાલે છે એટલે ત્યાં ઠંડી પણ ઘણી હશે. અમેરિકા વાળું જેકેટ પહેરી લેજે. " પ્રશાંતભાઈ બોલ્યા.
"હા પપ્પા એ તો મારા ધ્યાનમાં છે જ. ટિકિટ પણ આજે બુક કરાવી દઉં છું. અને મમ્મી તમે લોકો સાથે લઈ જવા માટે થેપલાંનો ભરપૂર સ્ટોક બનાવી દેજો. સૂકી ભાજી પણ બનાવજો. દહીં પણ લઈ જઈશ." અનિકેત બોલ્યો.
" હા બેટા હા. તું જરા પણ ચિંતા ના કરીશ. તને નાસ્તાનો આખો ડબો ભરી આપીશું." મમ્મી હંસાબેન હસીને બોલ્યાં.
"અરે પણ બેટા તારે થેપલાંની ક્યાં જરૂર છે ? લાંબા રૂટની ટ્રેનોમાં તો ગરમાગરમ ખાવાનું મળે છે. બે ટાઈમ ગરમ જ ખાજે ને !" ધીરુભાઈ શેઠ બોલ્યા.
અનિકેત કઈ રીતે સમજાવે કે એણે એક પણ રૂપિયો સાથે રાખવાનો નથી તો જમવાનો ઓર્ડર કેવી રીતે આપે ? અરે પૈસા વગર પાણીની બોટલ પણ કઈ રીતે ખરીદે ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)