ચમત્કારોની કથાઓ પુરાણકાળથી પ્રચલિત છે. સામાન્ય પણે જરાક ચમત્કારની વાત આવે તો લોકોનું તન-મન ને ચિત્ત ત્યાં ખેંચાઈને ચોંટી જાય છે. અને તેનાથી અંજાઈને સ્તંભિત થઈ જાય છે. પછી વિચારશક્તિ આગળ વધતી નથી. જેને જગતની વાસ્તવિકતામાં, સનાતન સત્યમાં રસ છે તે આમાં પહેલો જ પ્રશ્ન મૂકે છે, કે આ ચમત્કાર પરમેનન્ટ છે કે ટેમ્પરરી ? આમાં મને ક્યાં માનસિક, આર્થિક કે તાત્વિક ફાયદો છે ? આ એક પ્રકારનું મનોરંજન જ નથી શું ? સિનેમા, નાટક વિગેરે અશુભ કર્મ બંધાવે તેવું મનોરંજન છે, અગર તો ધાર્મિક ચમત્કારો શુભ કર્મ બંધાવે તેવું મનોરંજન કદાચ બની શકે. પણ તેથી કંઈ મારી કોઈ તકલીફ દૂર થઈ ? ઘરનો ક્લેશ-કકળાટ ઘટ્યો ? અંતર શાંતિમાં કંઈ ઉમેરો થયો ? વિગેરે વિગેરે પ્રશ્નો ઉદ્ભવ્યા વગર કેમ રહી શકે ?
આ જગતમાં ચમત્કાર જેવી કોઈ વસ્તુ જ નથી. જે બીજું કોઈ કરી શકે તેને ચમત્કાર કેવી રીતે કહેવાય ? ચમત્કાર એનું નામ કે જે બીજો કોઈ કરી શકે જ નહીં ? કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન ક્યારેય બોલ્યા નથી કે અમે આ ચમત્કાર કર્યો છે ! કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન, નરમાંથી નારાયણ થયેલા વાસુદેવ ભગવાન, તેમને પણ પારધિનું બાણ વાગ્યું ! ને દેહ છૂટ્યો ! એ ચમત્કાર કરીને બાણ ઉડાડી શક્યા હોત ને ?! મહાવીર ભગવાનના ચાર શિષ્યોને એમના વિરોધી ગોશાલકે તેજોલેશ્યાથી બાળી મૂક્યા, ત્યારે લોકોએ એમને બચાવવા વિનંતી કરી, ત્યારે ભગવાન મહાવીર બોલ્યા, ‘અમે મોક્ષદાતા છીએ, જીવનદાતા નથી!’
ચમત્કાર જેવી વસ્તુ બુદ્ધિમાં બેસે જ ક્યાંથી ? તો પછી આત્મજ્ઞાનમાં ક્યાંથી બેસે ? કેટલાક ચમત્કારો કરી કંકુ કાઢે, ભસ્મ કાઢે, તેથી આપણને શો ફાયદો ? જો કેસર કાઢતા હો તો અમારે દૂધપાકમાં કામ લાગે. પણ આ કંકુ કે રાખોડી શું કામના ? ‘હાય સ્ટેજના’ બુદ્ધિશાળીઓ આ વાતને સ્વીકારે જ નહીં. કોઈ સૂર્યનારાયણને નીચે ઊતારીને હાથમાં દેખાડે તોય આપણે એનાથી અંજાવા જેવું નથી ! ભઈ, તારે આવડા મોટા સૂર્યનારાયણને હલાવવાની શી જરૂર પડી ? તને કઈ લાલચ છે કે આમ કર્યું ?! અને આમ કરવાથી અમને શો ફાયદો ? આ તો લાલચુ લોકને જ પાંખડી છેતરી શકે. જેને અધ્યાત્મમાં જ રસ છે, આત્મતત્વની પ્રાપ્તિની જ ઝંખના છે, એને તાત્વિક વાત સિવાયની કોઈ વસ્તુ આંજી ના શકે ? આવા સુંદર વ્યવસ્થિત જગતમાં, કર્માધીન જીવતા મનુષ્યોના કર્મોનો કોનાથી ફેરફાર થઈ શકે ? કોઈ કોઈનામાં કિંચિત્માત્ર ડખલ કરી શકે જ નહીં ! સર્વે જીવો છે કર્માધીન ! આ બધા વેદો ઉપનિષદો, ગીતા ને આગમોએ તથા તમામ જ્ઞાનીઓએ ઠોકી ઠોકીને કહેલી કર્મના સિદ્ધાંતોની વાતોનો છેદ થાય છે આ ચમત્કારોની માન્યતાઓથી !
પ. પૂ. દાદાશ્રીને દરરોજ કેટલાય લોકો આવીને કહેતા કે આપનો અમને આમ ચમત્કાર લાગ્યો, તેમ લાગ્યું, તમારો હાથ અડતા જ વર્ષોના અસાધ્ય કે જીવલેણ દર્દો મટી ગયા ! વિગેરે, વિગેરે ત્યારે તેઓશ્રી હસતા હસતા કહેતા, “ભાઈ, હું જ જ્યારે રાત્રે ફાકી લઉં છું ત્યારે સંડાસ ઊતરે છે, તારા દર્દો હું શી રીતે મટાડી શકું ? આ તો કાગનું બેસવું ને ડાળનું તૂટવું ! પણ આ અમારું યશનામકર્મ અમે જબરજસ્ત લઈને આવ્યા હોય, તેથી અમને અમે કંઈ જ ના કર્યું હોય તોય જશ મળે ! બાકી, આ જગતમાં કોઈને શેક્યો પાપડેય ભાંગવાની સ્વતંત્ર શક્તિ નથી !”
જે સાયન્સ કોમન નથી થયું તેને લોક ચમત્કાર કહે છે. કાગળની કઢાઈમાં ભજિયાં તળી શકાય. સામાન્ય લોક આને ચમત્કાર માને. પણ એ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. પાંચ પૈસા કે દસ પૈસાનો સિક્કો હાથમાં પકડો તો બે મિનિટમાં દાઝાવાય એટલો ગરમ થઈ જાય. એ ચમત્કાર નથી. એને કેમિકલ્સ લગાડીને પકડાવે તો દઝાવાય !
જ્યાં કોઈ પણ સંજોગની જરૂર ના પડે તેને ચમત્કાર કહેવાય. એ ચમત્કાર સ્વતંત્રપણે હોય, અદ્વિતીય હોય તે જ. માટે જગતમાં કોઈ ચમત્કાર કરી શકે નહીં.
આ જગતમાં ચમત્કાર કહે કે એક્સિડન્ટ કહે તે પણ કંઈ એકદમ બનતું નથી. “એન એક્સિડન્ટ હેઝ સો મેની કોઝીઝ,” અચાનક કશું બનતું નથી. નાટકનું રીહર્સલ પહેલા થાય પછી સ્ટેજ પર થાય. તેમ મનુષ્ય માત્રનું છે. રીહર્સલ થયા પછી કોઈથી નાટકમાં ફેરફાર ના થાય. આ બધું સ્વયં થાય છે. એનો કોઈ ડાયરેક્ટર નથી. કારણ વગર કાર્ય હોઈ શકે જ નહીં. એ જગતનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. તો પછી કારણ-કાર્યની શૃંખલાની વચ્ચે ચમત્કારને ક્યાં સ્થાન જ છે ? 2H O ભેગા થાય એટલે પાણી થઈ જાય. આકાશમાં કોણ પાણી બનાવવા ગયું હતું ? બધું કુદરતી જ છે. ઓટોમેટિક જ છે. ચમત્કાર કરવાવાળાને કહીએ, કે તું મારા ટાઈમે ચમત્કાર કર તો તે કરશે ? માટે કાળનો પણ હિસ્સો છે એ ક્રિયા થવામાં. તેથી જ્ઞાનીઓએ કહ્યું છે કે કોઈપણ ઘટના ઘટે છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ આ મુખ્ય ચાર સંજોગો ભેગા થાય તો થાય. પછી એને પૂરક સંયોગો તો અગણિત હોય છે, જે મનુષ્યની બુદ્ધિથી પણ પર હોય છે. તે જ્ઞાનથી જ દેખાય. તેથી આ કાળના આત્મવિજ્ઞાની પૂજ્ય દાદાશ્રી કહે છે કે આ જગત સાયન્ટિફિક સરકમસ્ટેન્શીયલ એવિડન્સના આધારે ચાલે છે. બધું નિમિત્ત નૈમિત્તિક છે. કોઈ એક સંજોગથી એમ ના કહી શકાય કે મેં જ કર્યું. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે ! જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. આ અધ્યાત્મ વિજ્ઞાનનો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાઈ જાય તો જીવનમાં કાયમી શાંતિ થઈ જાય તેમ છે !!!