હીર રાંઝા (૧૯૭૦) – રિવ્યુ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હીર રાંઝા (૧૯૭૦) – રિવ્યુ

ફિલ્મનું નામ : હીર રાંઝા        

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : હિમાલય ફિલ્મ્સ, કેતન આનંદ .      

ડાયરેકટર : ચેતન આનંદ         

કલાકાર : રાજ કુમાર, પ્રિયા રાજવંશ, પ્રાણ, જીવન, અજીત, જયંત, વીના, ટુનટુન અને પૃથ્વીરાજ કપૂર  

રીલીઝ ડેટ : ૧૯૭૦

        ૧૯૭૦માં રીલીઝ થયેલી આ ફિલ્મ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં પોતાની રીતે અનોખી છે. પંજાબના પ્રખ્યાત સુફી કવિ વારીસ શાહના અઢારમી સદીમાં લખાયેલ મહાકાવ્ય ‘હીર રાંઝા’ ને ફિલ્મી પડદે લાવતી વખતે ચેતન આનંદે અનોખો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. તેમણે આ ફિલ્મના બધાં સંવાદોને ગદ્યને બદલે પદ્ય સ્વરૂપમાં લખ્યાં. આ ફિલ્મમાં દરેક પાત્ર એકબીજા સાથે ગાઈને વાતચીત કરે છે.

        દેવ આનંદ અને વિજય આનંદના મોટાભાઈ ચેતન આનંદે ફિલ્મી ક્ષેત્રે પ્રવેશ કર્યો ૧૯૪૬ ની ફિલ્મ ‘નીચા નગર’ ના નિર્દેશન દ્વારા. ‘નીચા નગર’ને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ મેળવનારી આ એકમાત્ર ભારતીય ફિલ્મ છે. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મો નિર્દેશિત કરી જેમાં મોટાભાગની ફિલ્મોમાં હિરો દેવ આનંદ હતો. તેમણે રાજ કુમાર સાથે પણ કામ કર્યું. તેમણે રાજ કુમારને લઈને ‘હીર રાંઝા’, ‘હિન્દુસ્તાન કી કસમ’ અને ‘કુદરત’ એ ત્રણ ફિલ્મો બનાવી. રફ અને ટફ ઈમેજ ધરાવતા રાજ કુમારને તેમણે આ ત્રણેય ફિલ્મોમાં સાવ જુદા પ્રકારના રોલમાં પ્રસ્તુત કર્યો. આ ફિલ્મમાં એક પ્રેમી તરીકે રાજ કુમાર એકદમ સાહજિક લાગે છે. તેની આંખોમાં કવિ વારીસ શાહે કલ્પેલી નિર્દોષતા ઝળકે છે.

        ૧૯૭૦ માં બોક્સ ઓફીસ ઉપર આ ચેતન આનંદની આ અનોખી કલાકૃતિ નાના ભાઈ વિજય આનંદની ફિલ્મ ‘જોની મેરા નામ’ કરતાં પાછળ રહી ગઈ હતી. ૧૯૭૦માં એક થી એક યાદગાર ફિલ્મો રીલીઝ થઇ હતી. દેવ આનંદની ‘જોની મેરા નામ’, રાજેશ ખન્નાની ‘સચ્ચા ઝૂઠા’, ’આન મીલો સજના’, ‘સફર’ અને ‘ધ ટ્રેન’, મનોજ કુમારની  ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘પેહચાન’, ધર્મેન્દ્રની ‘જીવન મૃત્યુ’, ‘શરાફત’, અને ‘તુમ હસીં મૈ જવાં’, જીતેન્દ્રની ‘હમજોલી’, જુના જોગી દિલીપ કુમારની ‘ગોપી’, રેખાની પહેલી ફિલ્મ ‘સાવન ભાદો’ જેવી અનેક ફિલ્મો ૧૯૭૦માં રીલીઝ થઇ હતી અને બોક્સ ઓફીસ ઉપર ગાજી પણ હતી.

        હીર રાંઝા ભલે બ્લોક બસ્ટર કે સુપર ડુપર હીટ ન રહી, પણ આ ફિલ્મે સારી સફળતા મેળવી હતી અને નિર્માતાએ નિરાશ થવું પડ્યું નહોતું.

        આ ફિલ્મની વાર્તા છે તખ્ત હજારા અને ઝંગ નામના બે દુશ્મન ગામના યુવક અને યુવતીના પ્રેમની. રાંઝા (રાજ કુમાર) તખ્ત હજારા ગામનો છે અને નવ ભાઈઓના પરિવારમાં સૌથી નાનો છે. પોતાની આઠ ભાભીઓનો લાડકો દિયર રાંઝા બેફીકર જીવન જીવે છે. ખેતરમાં કામ કરવા જવાને બદલે અહીં તહીં વાંસળી વગાડતો રહે છે, દોસ્તો સાથે મેળામાં રખડતો રહે છે અને ગામની યુવતીઓની છેડતી કરતો રહે છે.

        રાંઝા મિત્રનાં લગ્ન માટે ચીનાબની પેલે પાર આવેલા દુશ્મન ગામ ઝંગ પહોંચે છે. ત્યાં તેની નજર એક યુવતી ઉપર પડે છે અને તે જોતો જ રહી જાય છે. તે યુવતી ગામના ચૌધરી (જયંત)ની દીકરી હીર (પ્રિયા રાજવંશ) હોય છે. રાંઝા મનોમન હીરને ચાહવા લાગે છે, તેથી લગ્ન બાદ જાન પાછી જતી રહે છે, પણ રાંઝા ઝંગ ગામ છોડીને જતો નથી.

        બીજે દિવસે હીર પોતાની સહેલીઓ સાથે છુપા છુપી રમતી હોય છે અને હીર ભૂલથી રાંઝાનો હાથ પકડી લે છે. હીર શરમાઈને દૂર જઈને ઊભી રહે છે. રાંઝાના હાથમાં રહેલો દુપટ્ટો હીરની સહેલી લાવીને આપે છે.  હીર સહેલી દ્વારા રાંઝાને પૂછાવે છે કે તે કોણ છે? નામ શું છે અને શું કામ છે? રાંઝા તેની સહેલીને પોતાનું નામ કહે છે અને જયારે હીર પૂછે છે કે તે શું કહેવા માગે છે ત્યારે રાંઝા કહે છે, “તુમ મેરા એક ખ્વાબ હો, જો ચમકતા હૈ દિલ મેં વો માહતાબ હો, ગેહુઓ કે ખેતોં કા  રંગ, તીલમીલાતી તિતલીઓ કી ઉમંગ, ઝરનો ક ચંચલ શબાબ, ઘાટ કી તાઝગી, આબરૂ-એ-ચિનાબ, ઝુલો કી અંગડાઈયાં ઔર ઉડતે દુપટ્ટો કી શેહનાઈયાં, ચક્કી કે ગીતો કી આગ, લડખડાતી જવાની, મચલતા સુહાગ, દુલ્હનો કે કાજલ કી પ્યાસ, પેહલે બોસે કી ગર્મઔર ઠંડી મીઠાસ, ઇતની રંગીનીઓ કો જબ ઇખ્જા કિયા, હીર કુદરતને તબ તુઝકો પૈદા કિયા.” (આહાહા... કાન તૃપ્ત થઇ ગયા. આવા અનેક સંવાદો ફિલ્મમાં છે.)

        તેની સાથે વાત કરતી વખતે હીરને ખબર પડે છે કે રાંઝા તખ્ત હજારાનો છે અને તેને ત્યાંથી જતાં રહેવાનું કહે છે, પણ રાંઝા માનતો નથી. હીર રાંઝાને ગ્વાલા તરીકે કામ ઉપર રખાવી લે છે. એક દિવસ હીર તેની માતા રાંઝા સાથે જોઈ ન જાય તે માટે તળાવમાં કુદે છે. તે સમયે રાંઝા તેને બચાવે છે. ચૌધરીએ આપેલી ઇનામની રકમ રાંઝા હીર માટે દાગીના અને કપડાં ખરીદે છે.

        ચૌધરીનો એક નાનો ભાઈ છે છોટે ચૌધરી (પ્રાણ) જે જન્મથી અપંગ છે. તેની દરેક જગ્યાએ મજાક ઉડાવાતી હોવાથી તે કુંઠિત થઇ ગયો હોય છે. તેની સાથે કોઈ યુવતી લગ્ન કરતી ન હોવાથી તે પ્રેમ કરતી દરેક વ્યક્તિઓ પ્રત્યે ઘૃણા કરે છે. એવા સમયમાં તેની નજર હીર અને રાંઝા નામના પ્રેમી પંખીડાઓ ઉપર પડે છે અને સહન કરી શકતો નથી. તે ચૌધરી અને હીરની માતા (વીના મૂળ નામ તાજૌર સુલ્તાના) ને કહે છે ચૌધરી દીકરીને રાંઝાને મળવાની ના પાડે છે, પણ અંતે દીકરીના પ્રેમ આગળ હારી જાય છે અને હીરનાં લગ્ન રાંઝા સાથે કરાવવા માટે તૈયાર થઇ જાય છે. રાંઝા તેના ભાઈઓને માંગુ લઈને ઝંગ મોકલે છે, પણ ચૌધરીની હરકતથી નારાજ અને જીદે ભરાયેલો છોટે ચૌધરી રાંઝાના ભાઈઓની ગુંડાઓ દ્વારા પીટાઈ કરાવે છે. રાંઝાના ભાઈઓને લાગે છે કે સગું કરવાને બહાને ચૌધરીએ બદલો લીધો એટલે તે રાંઝાને ઘરમાં કેદ કરી દે છે.

        બીજી તરફ ચૌધરી રાંઝાના ભાઈઓ ન આવવાને લીધે નિરાશ તેમ જ નારાઝ થઇ જાય છે.  છોટે ચૌધરી જુદી જુદી તિકડમો રચીને હીરનાં લગ્ન સૈદા (અજીત) સાથે નક્કી કરે છે. નિકાહ સમયે હીર કાઝી (જીવન) સામે નિકાહ મંજૂર કરતી નથી અને .....

        શું હીરના નિકાહ સૈદા સાથે થઇ જાય છે? શું રાંઝા ભાઈઓની કેદમાંથી છૂટે છે? શું બંને પ્રેમી પંખીડાઓ મળે છે? શું છોટે ચૌધરીની કરતૂત બધાં સામે આવે છે? આ દરેક પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આ ફિલ્મ જોવી રહી.

        આ ફિલ્મનો સ્ક્રીન પ્લે ચેતન આનંદે લખ્યો છે અને સંવાદો સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલા પ્રખ્યાત શાયર કૈફી આઝમી (શબાના આઝમીના પિતા) એ લખ્યા છે અને સુંદર પદ્ય સંવાદો લખવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે. પદ્યમાં વાત કરતાં અભિનેતાઓને જોવાની મજા આવે છે.

        આઠ ભાઈઓ, આઠ ભાભીઓ, ચૌધરીનો પરિવાર અને નોકર ચાકર, ગામની બજાર, હીરની સખીઓ, રાજા અને રાજ દરબાર આમ આ ફિલ્મમાં કલાકારોનો શંભુમેળો છે. પૃથ્વીરાજ કપૂર રાજાના રોલમાં છે, તેમના મંત્રીના રોલમાં નાના પળશીકર (આ ફિલ્મમાં સાવ નાના રોલમાં પ્રભાવિત કરે છે), જયંત (અમજદ ખાનના પિતા) હીરના પિતાના રોલમાં છે. ભાવુક પિતાનો રોલ બહુ સરસ રીતે નિભાવે છે. ઉલ્લાસ, ડી.કે સપ્રુ, નિરંજન શર્મા, જગદીશ રાજ (આ ફિલ્મમાં પોલીસના રોલમાં નથી), રામ મોહન રાંઝાના ભાઈઓના રોલમાં છે. કામિની કૌશલ, ઈન્દ્રાણી મુખર્જી, અચલા સચદેવ, શૌકત આઝમી (શબાના આઝમીની માતા), પદ્મા ખન્ના, તબસ્સુમ રાંઝાની ભાભીઓના રોલમાં છે. આ ફિલ્મમાં નાના રોલમાં એ.કે. હંગલ છે, પણ ટાઈટલ ક્રેડિટમાં તેમનું નામ નથી.   

        આ ફિલ્મમાં સૌથી વધુ પ્રભાવિત કરે છે રાજ કુમાર અને પ્રાણ. રાજ કુમાર આ ફિલ્મમાં એક થી એક ચડિયાતા પદ્ય સંવાદો બોલે છે. ક્રોધની સીમા પાર કરાવી દે એવો રોલ ભજવીને પ્રાણે છોટે ચૌધરીનું પાત્ર અમર કરી દીધું છે. જીવન તેના ભાગે આવેલા સીનમાં સાબિત કરી દે છે કે તે ઊંચા દરજ્જાનો કલાકાર છે.

        આ ફિલ્મની કમજોર કડી હોય તે છે હીર બનતી પ્રિય રાજવંશ. તે સુંદર અને મોહક દેખાય છે, કેટલાક સીનમાં પ્રભાવિત કરે છે, પણ અભિનયમાં રાજ કુમારની બરાબરી કરવામાં નિષ્ફળ રહી છે. કોઈ અન્ય સારી અભિનેત્રી લઈને ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવી શકાઈ હોત.

        આ ફિલ્મની સીનેમેટોગ્રાફી નયનરમ્ય છે અને આ ફિલ્મને સીનેમેટોગ્રાફીનો ફિલ્મફેર એવોર્ડ જાલ મિસ્ત્રીને મળ્યો હતો.  

મદન મોહને આપેલું સંગીત આલા દરજ્જાનું છે.  ‘મિલો ના તુમ તો હમ ઘબરાએ’, ‘દો દિલ ટૂટે દો દિલ હારે’. ‘યે દુનિયા, યે મેહફીલ મેરે કામ કી નહિ’ આ ત્રણ ગીતો તો લતા મંગેશકરના અને રફીસાબના મધુર અવાજને લીધે અને કલાકારોના અભિનયને લીધે ફિલ્મ ઇતિહાસમાં અમર થઇ ગયાં છે. તે ઉપરાંત હજી એક ગીત છે જેને જોઈએ એટલી નામના નથી મળી. ‘મેરી દુનિયા મેં તુમ આઈ, ક્યા ક્યા અપને સાથે લિયે’ આ ગીત અને તેનું ચિત્રીકરણ આજે પણ એકદમ ફ્રેશ લાગે છે. અન્ય ગીતો ફિલ્મની વાર્તા આગળ વધારવામાં મદદરૂપ થાય છે. એકાવન વર્ષની ઉંમરમાં જગતથી વિદાય લીધેલ મદન મોહન યાદગાર ગીતો આપીને ગયા છે. ૨૦૦૪માં આવેલી ‘વીર ઝારા’ માં મદન મોહનની  ન વપરાયેલ ધૂનો વાપરવામાં આવી હતી, જેને તેમના દીકરા સંજીવ કોહલીએ સંકલિત કરી હતી અને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો આઈફા એવોર્ડ મદન મોહનને આપવામાં આવ્યો હતો.

નાટકીય અભિનય સાથે સંગીતમય ફિલ્મ અને રાજ કુમારના અફલાતૂન ડાયલોગ્સ સાંભળવા ચાહતાં દર્શકો માટે ‘હીર રાંઝા’ મસ્ત ચોઈસ.

સમાપ્ત.