Jaane Bhi do Yaaro - Review books and stories free download online pdf in Gujarati

જાને ભી દો યારો (૧૯૮૩) – રિવ્યુ

ફિલ્મનું નામ : જાને ભી દો યારો       

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : એન. એફ. ડી. સી.      

ડાયરેકટર : કુંદન શાહ      

કલાકાર : નસીરુદ્દીન શાહ, રવિ વાસવાની, ઓમ પુરી, પંકજ કપુર, સતીશ શાહ, સતીશ કૌશિક, ભક્તિ બર્વે અને નીના ગુપ્તા 

રીલીઝ ડેટ : ૧૨ ઓગસ્ટ ૧૯૮૩

        જાને ભી દો યારોના પ્રીમિયર સમયે તેમાં કામ કરનારા કલાકારો એ વિચાર સાથે મરાઠા મંદિર થિયેટરમાં પહોંચ્યાં કે તેમનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત થશે, પણ ત્યાં અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ફિલ્મના ડાયરેકટર કુંદન શાહ હાથમાં ટિકિટ લઈને બધાંની રાહ જોઈ રહ્યા હતા ત્યારબાદ દરેક કલાકાર પાસેથી પૈસા લઈને પછી તેમને ટિકિટ આપી.

        ૧૯૭૫ માં શરૂ થયેલી એન. એફ. ડી. સી. એટલે કે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ ફિલ્મનું નિર્માણ કરવાની હતી અને ફિલ્મનું બજેટ હતું સાત લાખ રૂપિયા. આ નાના બજેટમાં ફિલ્મનું નિર્માણ કરવું એ પડકારજનક કાર્ય હતું જેને કુંદન શાહે ઉપાડી પણ લીધું અને સફળ પણ બનાવ્યું. જાને ભી દો યારો સાવ સાત લાખમાં બની, જેમાં સૌથી વધુ પંદર હજારનું મહેનતાણું નસીરુદ્દીન શાહને મળ્યું હતું..અન્ય કલાકારોને ફાળે પાંચ હજાર અને ત્રણ હજાર જેવી રકમ આવી હતી. નાના બજેટને લીધે દરેક કલાકારે પોતાનાં ઘરનાં કપડાં શૂટિંગ સમયે વાપર્યાં હતાં એટલે સુધી કે ફોટોગ્રાફરનો રોલ કરનાર નસીરુદ્દીન શાહના હાથમાં ફિલ્મ દરમ્યાન જે નીકોન કેમેરા દેખાય છે તે તેનો પોતાનો હતો, જે ચોરી પણ થઇ ગયો હતો.

        આ ફિલ્મના મોટાભાગના કલાકારો તેમ જ નિર્માણના કસબીઓ નવા જ હતા. કુંદન શાહની આ પહેલી જ ફિલ્મ હતી. ફિલ્મનો સ્ક્રીનપ્લે કુંદન શાહે સુધીર મિશ્રા (તે આ ફિલ્મના આસીસ્ટન્ટ ડાયરેકટર પણ હતો) સાથે મળીને લખ્યો હતો અને ડાયલોગ રંજીત કપૂર તેમ જ સતીશ કૌશિકે સાથે મળીને લખ્યા હતા. પ્રોડક્શન કંટ્રોલર તરીકે નામ છે વિધુ વિનોદ ચોપડાનું. કુંદન શાહે સુધીર મિશ્રા અને વિધુ વિનોદ ચોપડા ઉપરથી જ આ ફિલ્મના નાયકોનાં નામ રાખ્યાં હતાં. તે સમયે આ ફિલ્મમાં પડદા ઉપર અને પડદાની પાછળ કામ કરનાર મોટાભાગના કલાકારોએ ભવિષ્યમાં જબરદસ્ત સફળતા મેળવી.

        આ ફિલ્મ એક સ્લેપસ્ટીક ડાર્ક કોમેડી છે. છેક ૧૯૮૩માં બનેલી ફિલ્મ તે સમયે બોક્સ ઓફીસ ઉપર ભલે બહુ સફળ ન થઇ, પણ તેનું નામ કલ્ટ ક્લાસિક સિનેમામાં જરૂર સામેલ થઇ ગયું.

        ફિલ્મની વાર્તા છે વિનોદ ચોપડા (નસીરુદ્દીન શાહ) અને સુધીર મિશ્રા (રવિ વાસવાની)ની, જેઓ ફોટોગ્રાફર છે અને પોતાનો નવો ફોટો સ્ટુડીઓ ખોલ્યો છે. બ્યુટી  સ્ટુડીઓ ખોલવા માટે તેમણે મોટી રકમ પણ ઉધાર લીધી છે. ઉદ્ઘાટન પ્રસંગે કોઈ નથી આવતું અને તેમણે કરેલો ખર્ચ તેમના માથે પડે છે. થોડો સમય તેમને કામ નથી મળતું એટલે તેમને નિરાશા ઘેરી વળે છે. તે સમયે સમાજમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા મેગેઝીન ખબરદારનો આસીસ્ટન્ટ એડિટર કામદાર (રાજેશ પુરી) તેમની પાસે કામ લઈને આવે છે. તેમનું કામ હોય છે પ્રતિષ્ટિત બિલ્ડર તરનેજા (પંકજ કપુર) ઉપર નજર રાખીને તેનાં કાળાં કારનામાઓને કેમેરામાં કેદ કરવાનું.

        ખબરદારની એડિટર છે શોભા સેન (ભક્તિ બર્વે). તે જયારે સુધીર અને વિનોદને મળવા જાય છે ત્યારે સુધીર અને વિનોદ તેને મોડેલ સમજી બેસે છે અને મૂર્ખતાપૂર્ણ વ્યવહાર કરે છે. શોભા તેમની પાસેથી કામ પાછું લઇ લે છે, પણ તેમણે મ્યુંનીસ્પલ કમિશ્નર ડી’મેલો (સતીશ શાહ) અને તરનેજા તેમ જ તરનેજાના ખાસ સાથીદારો અશોક (સતીશ કૌશિક) અને પ્રિયા (નીના ગુપ્તા)ના જે ફોટો પાડ્યા હોય છે તે જોઇને ખુશ થઇ જાય છે અને તેમને નવી કામગીરી સોંપે છે. ડી’મેલોના બંગલા ઉપર શોભા સુધીર, વિનોદ તેમ જ કામદારને લઈને જાય છે અને બદલી દીધેલ ટેન્ડરોના ફોટા પાડે છે. તેમના ગયા પછી ત્યાં પ્રવેશ થાય છે દારૂડિયા બિલ્ડર આહુજા (ઓમ પુરી)નો. તે પણ પુલનો કોન્ટ્રાક્ટ મેળવવા લંચ આપવા તૈયાર છે.

        ડી’મેલો તરનેજા અને આહુજા બંને પાસેથી લાંચ લે છે, પણ પુલોનો કોન્ટ્રાક્ટ કોઈ ત્રીજાને આપે છે અને આ સમાચાર તે બંનેને તેમની ગુપ્ત મીટીંગ દરમ્યાન આસીસ્ટન્ટ મ્યુનસીપલ કમિશ્નર  શ્રીવાસ્તવ (દીપક કાઝીર) આપે છે. તે સમયે ત્યાં સુધીર અને વિનોદ શોભાના કહેવા અનુસાર ત્યાં હાજર હોય છે. આ કામમાંથી પણ બહુ પૈસા ન મળવાને લીધે સુધીર નારાજ હોય છે, પણ શોભા તરફ આકર્ષાયેલો અને તેની અદાઓથી ઘાયલ વિનોદ સુધીરને સમજાવે છે કે શોભા સમાજના ભલા માટે આ કામ રહી છે અને તેમાં આપણે તેની મદદ કરવી જોઈએ.

        એક દિવસ પાર્કમાં સુધીર અને વિનોદ બેઠા હોય છે ત્યારે તેમની નજર મેગેઝીનમાં આવેલી ફોટોગ્રાફીની સ્પર્ધા ઉપર પડે છે. તેઓ જે પાર્કમાં બેઠા હોય છે તે એન્ટીયોની પાર્કમાં જ ફોટા પડવાનું શરૂ કરે છે. રાત્રે રોલ ડેવલપ કરતી વખતે તેમના ધ્યાનમાં આવે છે કે તેમણે એક વાંદરાનો ફોટો લીધો હોય છે તેના અરીસામાં બે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે. તેઓ ફોટો ઇન્લાર્જ  કરે છે ત્યારે ખબર પડે છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિનું ખૂન કરી રહે છે. ફોટોમાં કોનું ખૂન થયું તે ખબર નથી પડતી એટલે તેઓ ફરી તે પાર્કમાં જાય છે, પણ તેઓ લાશ કોની છે તે જુએ તે પહેલાં લાશ ગાયબ થઇ ગઈ હોય છે. ગાયબ થયેલી લાશ કોની છે? ખૂન કોણે કર્યું છે? આહુજા અને તરનેજા આગળ શું કરે છે? શોભા અને વિનોદનું આગળ શું થાય છે એ જાણવા માટે ફિલ્મ જોવી રહી.

        વ્યંગ ફિલ્મોમાં જાને ભી દો યારોનું નામ અગ્રક્રમે આવે છે. ડાર્ક કોમેડી હોવાને લીધે ઘણા બધા સીનમાં અતિરેક છે, પણ કલાકારોના અભિનય અને સરસ ડાયલોગને લીધે તે અતિરેકભર્યા સીન જોવામાં પણ આનંદ આવે છે. આ ફિલ્મમાં ઘણી જગ્યાએ લોજીકના લોચા છે, પણ ફિલ્મનું મેજિક એટલું સશક્ત છે કે આપણે તેને અવગણી શકીએ.

        ખૂનના ફોટા પોતાની પાસે હોવા છતાં સુધીર કે વિનોદ પોલીસ કે શોભા પાસે કેમ જતા નથી? ખૂન દિવસે પાર્કમાં થયું છતાં તેને થતાં કોઈએ જોયું કેમ નહિ? લાશ આખો દિવસ પાર્કમાં પડી રહી અને સુધીર-વિનોદ મધરાતે પહોંચ્યા પછી જેમ ઉપાડી? પૂલ કેટલા સમયમાં બન્યો તે બતાવ્યું નથી અને કદાચ છ મહિનામાં બન્યો હોય તો પૂલની નીચે દફનાવેલી લાશ છ મહિના પછી પણ તાજી કેમ દેખાય છે? જો કે આ બધા પાછળ બહુ લોજીક લગાવવા ગયા હોય તો આ ફિલ્મ આટલી મજેદાર ન બની હોત. ફિલ્મોમાં મોટે ભાગે ધમાચકડી મચાવતો એકાદ સીન હોય છે, પણ આ ફિલ્મમાં એવા ઘણાબધા સીન છે. ડી’મેલોના બંગલા ઉપરનો સીન જ્યાં વિનોદ અને શોભા પત્રકાર બનીને જાય છે, તરનેજાના બંગલા ઉપર આહુજા અને તરનેજાની મીટીંગ દરમ્યાન ચોરી છુપે ઘુસેલા સુધીર-વિનોદ અને છેલ્લે લાશ સાથેની ભાગમભાગ, છેલ્લા સીન દરમ્યાન લગભગ બધાં જ પાત્રો મહાભારતનું નાટક જ્યાં ભજવાય છે ત્યાં ઘુસી આવતાં જે ધમાચકડી મચે છે તે આ ફિલ્મનો સૌથી સરસ અને મજેદાર ભાગ છે.

        આ ફિલ્મથી વધુ એક કલાકારની કારકિર્દી શરૂ થવાની હતી. એક આંખવાળા ડાન્સ કરીને ખૂન કરતા વ્યક્તિનું પાત્ર હતું. તે સંપૂર્ણ પાત્ર એડીટીંગ ટેબલ ઉપર કપાઈ ગયું. સંપૂર્ણ ફિલ્મ છ કલાકની બની હતી અને તેને કાપકૂપ કરીને સવા બે કલાકની કરવામાં આવી. જેનો રોલ કપાઈ ગયો હતો તે કલાકાર તેના બીજે વર્ષે આવેલી ફિલ્મમાં ઝળક્યો. તે ફિલ્મનું નામ હતું સારાંશ અને તે કલાકારનું નામ હતું અનુપમ ખેર. જો રોલ રહ્યો હોત તો આ તેની પહેલી ફિલ્મ હોત.

        આ ફિલ્મ માટે કુંદન શાહને બેસ્ટ ડેબ્યુ ડાયરેકટરનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો તે ઉપરાંત રવિ વાસવાનીને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જો કે એવોર્ડ મેળવનાર બંને ત્યાર પછી ક્યારેય જાને ભી દો યારોના સ્તર સુધી પહોંચ્યા નહિ. કુંદન શાહે સિરીયલોમાં પોતાનો પરચો દેખાડ્યો.  ‘નુક્કડ’ અને ‘વાગલે કિ દુનિયા’ જેવી મજેદાર સિરીયલો બનાવી, ‘યે જો હૈ ઝીંદગી’ ના કેટલાક ભાગો દિગ્દર્શિત કર્યા. ફિલ્મોમાં શાહરૂખની ‘કભી હાં કભી ના’ છોડી દઈએ તો અન્ય ફિલ્મોમાં ‘જાને ભી દો યારો’ જેવો ટચ દેખાયો નહિ. રવિ વાસવાનીનું પણ એવું જ થયું. ‘ચશ્મેબદ્દૂર’ અને ‘જાને ભી દો યારો’ છોડી દઈએ તો એકેય ફિલ્મમાં ઉલ્લેખનીય રોલ કરી શક્યો નહિ.

        સુધીર મિશ્રા અને વિધુ વિનોદ ચોપડાએ ફિલ્મોમાં પોતાની અલાયદી ઓળખ બનાવી. નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, પંકજ કપુર, નીના ગુપ્તાએ પેરેલલ સિનેમામાંથી બહાર આવીને પોતાની અલાયદી જગ્યા બનાવી. લેખન અને દિગ્દર્શન ક્ષેત્રે સતીશ કૌશિકે પોતાનું નામ બનાવ્યું. સતીશ શાહ અને રાજેશ પુરી ટીવીના જાણીતા સ્ટાર બની ગયા. ભક્તિ બર્વે એ મૂળ નાટકનો જીવ હતી. એક નાટ્યકલાકાર તરીકે અનેક સારાં મરાઠી નાટકોમાં કામ કર્યું છે ‘તી ફુલરાણી’, ‘આઈ રીટાયર હોતેય’ ‘રંગ માઝા વેગળા’ અને ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ એ તેનાં લોકપ્રિય નાટકો. તે જાણીતા ટીવી કલાકાર શફી ઈનામદાર સાથે પરણીને ઠરીઠામ થઇ.

        આ ફિલ્મમાં શોભાનો રોલ પહેલાં દીપ્તિ નવલ કરવાની હતી, પણ તેની પાસે તારીખો ન હોવાથી આ રોલ ભક્તિ બર્વેને ફાળે ગયો. ડબિંગ માટે તે ઉપલબ્ધ ન હોવાથી ભક્તિ બર્વેના ડાયલોગોનું    ડબિંગ અનિતા કંવરે (બુનિયાદ ફેમ) કર્યું છે.  ફોટોગ્રાફરના ફોટોમાં અજાણતામાં ખૂનનો સીન ક્લિક થઇ જાય એ મૂળ વિચાર અંગ્રેજી ફિલ્મ ‘બ્લો-અપ’ નો હતો તેથી તેના ડાયરેકટર માયકલેજલો એન્ટીયોનીનું નામ ફિલ્મના પાર્કને આપવામાં આવ્યું છે.

        છેલ્લો સીન ખાસ્સો લાંબો હતો જેમાં મહાભારતના નાટકમાં પૃથ્વીરાજ ચૌહાણ અને ગાંધીજી જેવાં પાત્રો પણ પ્રવેશતાં બતાવ્યાં હતાં, પણ એડીટીંગમાં ઘણોબધો ભાગ કપાઈ ગયો. મહાભારતના સીનમાં દુશાસનનો રોલ કરનાર અભિનેતા વિધુ વિનોદ ચોપડા છે. દુશાસનનો રોલ કરવા માટે એક કલાકારે હજાર રૂપિયા માગ્યા એટલે તે રોલ પોતે ભજવીને પૈસા બચાવ્યા હતા.

                આ ફિલ્મમાં સંગીત ગરવા ગુજરાતી વનરાજ ભાટિયાનું છે. આ ફિલ્મની એડિટર છે રેણુ સલુજા છે જેણે પહેલાં લગ્ન વિધુ વિનોદ ચોપડા સાથે કર્યાં અને પછી ૧૯૮૩માં છૂટાછેડા લઈને ૧૯૮૮ માં સુધીર મિશ્રા સાથે લગ્ન કર્યા.

વ્યંગથી ભરેલી આ કોમેડી ફિલ્મ મસ્ટ વોચ મુવી છે.

સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED