Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 40 - છેલ્લો ભાગ

૪૦

રાણકદેવી તો ત્યાં હોય, જ્યાં રા’ હોય!

જૂનોગઢથી ઊપડેલું સોલંકીદળ તો ક્યાંક પાછળ રહ્યું. જોજનઘડિયા સાંઢણીઓ ઉપર જયસિંહ સિદ્ધરાજ પોતે, દેશળ, વિશળ, રાણક અને થોડા બીજા આગળ નીકળી ગયા હતા. એને પાટણમાં પહોંચી જવાની ઉતાવળ હતી. વર્ધમાનપુર થોડોક વિસામો લઈને તરત જ ત્યાંથી નીકળી જવાનું હતું. રા’ખેંગાર ત્યાં હશે, એટલે એને લઈને આશુક મહામંત્રી, રાજમાતા મીનલ, રાણકદે’ સૌ પાછળથી આવે એવી ધારણા એણે રાખી હતી. એ એકલો ઝપાટાબંધ આગળથી પાટણ પહોંચીને ત્યાંની સ્થિતિ જાણી લેવા માંગતો હતો. સાંતૂએ માલવાને કેવાં કાંડાં કાપી આપ્યાં છે એની સાચી માહિતી હજી એને મળી ન હતી.

સોરઠ રા’ના પાટણપ્રવેશની ઘડીએ – આ વસ્તુની છાયા પડી જાય – એ એને ગમ્યું નહિ. એ પહેલેથી ખાતરી કરી લેવા માગતો હતો, લોકોમાં છાપ તો એવી પડે કે જૂનોગઢ, હવે નાનકડું, એ હાર્યું, પણ માલવા નાક કાપી ગયું. તેનું શું? એવું હોય તો રા’નો પ્રવેશ જ ગુપ્ત કરાવવો.

ઝાલાવાડની સુક્કી ભૂખર લાલરંગી ભોં દેખાવા માંડી. સ્થાન (થાન)ના સૂર્યમંદિરની હવામાં લેરખાતી ધજાને એણે સાંઢણી ઉપરથી જ પ્રણામ કર્યા, તે આગળ વધ્યો. વર્ધમાનપુરના ભોગાવાનો નીચો નદીકાંઠો નજરે પડ્યો. જાળના અનેક ઝુંડ વચ્ચે એણે સોલંકીઓની છાવણીને ત્યાં પડેલી દેખી. હવામાં ફરકતો તામ્રચૂડ ધ્વજ નજરે ચડ્યો. તેણે એ દિશા ઉપર સાંઢણી લેવરાવી.

તે સાંઢણી ઉપરથી ઊતર્યો, ન ઊતર્યો, અને એક વસ્ત્રકુટી પાસે કેટલાંક માણસોને ભેગા થયેલા દીઠા, મુંજાલને ઉતાવળથી સામે આવતો જોયો. એને કાંઇક બનાવના ભણકારા વાગ્યા.

મુંજાલ પાસે આવી પહોંચ્યો. ‘મહારાજ!’ મુંજાલે ધીમેથી કાનમાં કહ્યું: ‘રા’ તો ગયા!’

સિદ્ધરાજ સ્તબ્ધ થઇ ગયો. એને જૂનોગઢની રાણીવાસની ગઢી ઉપરની વાત સાંભરી આવી. રાણકની વાણીને જાણે એ ફરી સાંભળી રહ્યો. તેને આશ્ચર્ય થયું.

‘ક્યારે આ બન્યું, મુંજાલ? બરાબર ઘડી અને પળ ધ્યાનમાં છે? ત્યારે તું ત્યાં હતો? અત્યારે ક્યાં છે રા’?’

‘એ તો વસ્ત્રકુટીમાં છે. ચંદનની ચિતા ભોગાવામાં ખડકાય છે. મહારાજની રાહ જોવાતી હતી. આ કાલે બન્યું!’

જખમ તો જોખમી ન હતો. વૈદ સાથે હતાં! કયે વખતે એ બન્યું?’

મુંજાલે વખત આપ્યો. રાણકદેવી બોલી હતી – રા’ ગયા!’ એની સાથે આ સમય બરાબર મળી જતો હતો. સિદ્ધરાજ એક પણ ઊંડા વિચારમાં પડી ગયો.

દેશળ-વિશળ પાછળથી આવીને ઊભાઊભા વાત સાંભળતા હતા. તે એકબીજાની સામે જોઈ રહ્યા. દેશળે વિશળને આંખની ઈશારત કરી. વિશળ સિદ્ધરાજ પાસે સર્યો. ‘કાકા!’ તેણે ધીમેથી કહ્યું, ‘તો તો આપણું કામ હવે સે’લું થઇ ગયું. અમે બેઉ ભાઈ કાલે જ પાછા ઉપડીએ!’

જયદેવ મહારાજને એના વાક્ય ઉપર તિરસ્કાર છૂટ્યો. છતાં એણે પૂછ્યું: ‘ક્યાં?’

‘જૂનોગઢ!’

‘કેમ?’

વિહુભા મૂર્ખ હતો: ‘હવે તો મહારાજ અમને બદલો આપશે નાં! રા’ પણ ગયો!’

‘હા હા... કૃપાણ!’ મહારાજને આ બંને મૂર્ખની હાજરી અત્યારે ભયંકર રીતે ખૂંચી રહી.

‘અરે! આ ઉદયન મહેતો પોતે આવ્યો, લ્યો...’

પોતાનું સેન પાછળ મૂકીને ઉદયન એકલો ઝડપી સાંઢણી ઉપર આગળ આવી પહોંચ્યો હતો. વર્ધમાનપુરમાં પોતે ન હોય – એ એને રુચ્યું ન હતું. એણે આવીને મહારાજને પ્રણામ કર્યા.

‘ઉદા!’ મહારાજે એને એક બાજુ લીધો: ‘આ દેશળ-વિશળને રવાના કરી દે!’

‘ક્યાં, પ્રભુ, જૂનોગઢ?’

‘ના, એને સંઘમાં કાઢો, પાછા આંહીં આવે જ નહિ. એમનો ભરોસો નહિ, ને લીલીને પણ ત્યાં મૂકી આવો!’

‘પ્રભુ!’ ઉદયન સાંભળી રહ્યો.

‘કૃપાણને કહી દે, ચાર માણસ મોકલી દે લઠ જેવા એમની સાથે. રણમાં છોડીને આવે! એ આંહીં માટે લાયક નથી! દેશુભા!’ તેણે દેશુભાને કહ્યું: ‘આ ઉદા મહેતા તમને મુદ્રા આપે છે – તમે જાઓ એમની સાથે!’

‘કાંઈ બન્યું છે, પ્રભુ?’ ઉદયને જતાં જતાં ધીમેથી કહ્યું.

‘રા’ ગયા, ઉદા મહેતા!’

‘હેં?’

ઉદયન સમજી ગયો. આ મૂર્ખાઓએ ઉતાવળ કરી લાગે છે. અરે, લીલીબાના હીરા! તે એમની સાથે ચાલી નીકળ્યો.

જે વસ્ત્રકુટીમાં રા’નું શબ રાખ્યું હતું તે તરફ જવા માટે સિદ્ધરાજ ઊપડ્યો. એના હ્રદયમાં ભાર હતો; એક સમર્થ પુરુષ ઊપડી ગયાનો શોક હતો. પાટણપ્રવેશની એની વિજયકૂચનું હવે કોઈજ મહત્વ રહેતું ન હતું.

એટલામાં રાણકદેવી જે સાંઢણી ઉપર બેઠી હતી એ પણ આવી પહોંચી. મહારાજ આવ્યાના સમાચાર મળતાં મહામંત્રી આશુક ત્યાં આવી ગયો હતો. ઉદયન પણ થોડી વારમાં પોતાનું કામ કરી પાછો આવી ગયો, રાણકદેવી આ તરફ આવી રહી હતી. સૌ એને આવતા જોઈ રહ્યા.

થોડી વારમાં તે પાસે આવી પહોંચી.

એક પળભર તો કોણ આને શી રીતે વાત કરે એની ગતાગમ કોઈને પડી નહિ. અત્યારે રાજમાતા આંહીં હોય – એમ સૌ ઈચ્છી રહ્યા. આટલા બધાં વિશાળ જનસમુદાયમાં એકલી એક સ્ત્રીનો દેખાવ વિચિત્ર અશાંતિ જન્માવતો હતો. પણ રાજમાતા વર્ધમાનપુર ન રોકાતાં ઝીંઝુવાડા તરફ ઊપડી ગયાં હતાં. માલવાની હિલચાલ થાય તો બર્બરક ને મહારાજ નદીબંધના કામ માટે ત્યાં ઊપડી જાય – અને આંહીં વાવતળાવના કામ અટકી પડે એટલે ઝીંઝુવાડા બાજુ એક મીનલવાવ શરુ થઇ હતી, તે પૂરી કરવા માટે વર્ધમાનપુરથી જ રાજમાતા ઝીંઝુવાડા તરફ થઈને પછી પાટણ જવાનાં હતાં. બર્બરકને એમણે સાથે ઉપાડ્યો હતો.

અંતે જયદેવ મહારાજે કહ્યું: ‘મુંજાલ! રા’ની વસ્ત્રકુટી તરફ આપણે ચાલો. એમની ગંભીર માંદગી હોય તો .... અને સોનલદેને પાસેની વસ્ત્રકુટીમાં –’

રાણકદેવી સૌની સામે જોઈ રહી. તેનામાં ન સમજી શકાય એવો શાંત પ્રતાપ હતો. ‘જેસલભા!’ એણે કહ્યું. એના એ વિચિત્ર સંબોધને મંત્રીઓ ચમકી ગયા, સિદ્ધરાજ પોતે જરાક અશાંત થઇ ગયો.

‘જેસલભા! રાણકદેવી તો ત્યાં જ હોય જ્યાં રા’ હોય. રા’ ક્યાં છે?’

એનો સ્વસ્થ શાંત, દ્રઢ અવાજ સૌના કાનમાં બેસી ગયો. મહારાજ વિના કોઈ પ્રત્યુત્તર આપે એ ઘૃષ્ટતા હોય તેમ સૌને લાગવા માંડ્યું.

‘રા’ તો સોનલદે, વીરગતિ પામ્યા છે!’ જયદેવે કહ્યું.

‘ક્યાં? ત્યાં છે?’ રાણકે વસ્ત્રકુટી તરફ દ્રષ્ટિ કરી.

‘હા!’

‘ચાલો, હું પણ જાઉં. પછી છેટું પડી જશે.’

જાણે કાંઈ બન્યું ન હોય તેમ એ ધીમેથી શાંત ગતિએ આગળ ચાલી. તે આગળ હતી. સૌ – સિદ્ધરાજ પણ – પાછળ ચાલતાં હતા. વિજેતાઓ પણ ઝાંખા પડે એવી આ શાંત તેજસ્વિતાનો વિરલ પ્રસંગ બની રહ્યો હતો.

તેણે વસ્ત્રકુટીમાં પ્રવેશ કર્યો. તે રા’ની પાસે જઈને તેની સામે ઊભી રહી.

એણે એકે ચીસ પાડી ન હતી. એકે આંસુ એનાં નેત્રમાં દેખાયું ન હતું; વ્યગ્રતાની એકે રેખા ત્યાં પ્રકટી ન હતી. એના આ મૃદુતાભરેલા દ્રઢ પ્રતાપે સૌને આશ્ચર્યમુગ્ધ કરી દીધા.

રા’ જાણે શાંત નિંદ્રામાં પડ્યો હતો. એની સુંદર કેશવાળી હજી ક્યારેક હાલીને ભ્રમ ઉત્પન્ન કરતી હતી, એટલી તાજગી ત્યાં ઝળકી રહી હતી. એક ક્ષણભર રાણકદેવી એની સામે જોઈ રહી – જોઈ જ રહી. એની ઊંડી ઘેરી પ્રતાપી કરુણાએ, સૌના નેત્રોને શોકભારે નીચાં નમાવ્યાં. સૌ આસપાસ ગુપચુપ ઊભા રહી ગયા હતા. એક પણ શબ્દ બોલીને આ શાંતિનો ભંગ કરવો – એ પાપ જણાતું હતું. એમ ને એમ થોડી પળો ચાલી ગઈ.

અચાનક એણે ઊંચે જોયું. વસ્ત્રકુટી બહાર ભૂખરો ઝાંખો ભોગાવાનો તીરપ્રદેશ દેખાતો હતો. એક ક્ષણ રાણકની દ્રષ્ટિ ત્યાં સ્થિર થઇ ગઈ. એની મુખમુદ્રામાં એક પ્રકારનો પ્રકાશ પ્રગટતો સૌએ જોયો.

‘ભોગાવો?’ તેણે ધીમેથી સહેજ હોઠ ઉઘાડીને માંડ સંભળાય એવો પ્રશ્ન કર્યો હતો.

મુંજાલે હાથ જોડ્યા. ઉદયને હકારાત્મક ડોકું ધુણાવ્યું.

‘રાણકદેવી તો ત્યાં હોય – જ્યાં રા’ હોય... રા’ હોય,’ તે ધીમેથી બોલી. એના મોં માંથી કાવ્યવાણી નીકળી પડી:

‘વઢી તઉં વઢવાણ, વીસારતાં ન વીસરાઈ;

સોનલ કેરા પ્રાણ ભોગાવહિસિંઉં ભોગવ્યા.’

અને તરત ત્યાં ભોગાવાના જલપ્રદેશમાંથી, કાંઠાની ભૂખરી ભોંમાંથી, ઝાડપાન, ધાર, ટેકરા ને ખાડામાંથી, ઉપર આકાશમાંથી એનાંથી પણ ઊંચે છેક નભોમંડળમાંથી, નીચેથી ઠેકાણેઠેકાણેથી અગ્નિના કણ વહેતો એવો ઊનો પવન વાવા લાગ્યો. 

*****