Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 26 - છેલ્લો ભાગ

(26)

૧૧૭. સાદો અને અજમાવેલો મંત્ર

(‘નોંધ’માંથી)

હોશમાં આવીને પ્રતિજ્ઞા લેવી એ સહેલું છે. પણ તેને વળગી રહેવું, ખાસ કરીને પ્રલોભનોની વચ્ચે વળગી રહેવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં જ ઈશ્વર આપણને મદદ કરે છે. તેથી મેં સભાને રામનામ લ્વાની સલાહ આપી.

રામ, અલ્લા, ગૉડ એ મારે મન એક જ અર્થના શબ્દો છે. મેં જોયું કે ભલા ભોળા લોકો એવું માની બેઠા હતા કે મેં તેમની સંકટની વેળાએ તેમને દર્શન દીધાં હતાં. તેમના આ વહેમોને હું દૂર કરવા માગતો હતો. હું જાણતો હતો કે મેં કોઈને દર્શન દીધાં નથી. એક પામર, મર્ત્ય માનવી પર આવી શ્રદ્ધા રાખવી એ કેવળ ભ્રમ છે. તેથી મેં તેમને એક સાદો અને અજમાવેલો મંત્ર આપ્યો, જે કદી નિષ્ફળ ગયો નથી. મેં તેમને રોજ સવારના સૂર્યોદય પહેલાં ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ઈશ્વરની મદદ માગવા કહ્યું. કરોડો હિંદુઓ તેને રામના નામથી ઓળખે છે. બચપણમાં હું ડરતો ત્યારે મને રામનામ લેવાનું શીખવવામાં આવ્યું હતું. હું જાણું છું કે મારા ઘણા સાથીઓને સંકટની વેળાએ રામનામથી ઘણું સાંત્વન મળ્યું છે. મેં ધારાળા અને અંત્યજોને રામનામનો જપ કરવા કહ્યું. વધારે પડતા પાંડિત્યને કારણે જેઓ અંધ ન બન્યા હોય અને જેમની શ્રદ્ધા ડગી ન ગઈ હોય એવા મારા વાચકો સમક્ષ પણ હું રામનામ રજૂ કરું છું. પાંડિત્ય આપણને જીવનની ઘણી મજલો પાર કરાવે છે, પણ સંકટ અને પ્રલોભનની ઘડીએ તે સાવ નિષ્ફળ નીવડે છે. તેવે વખતે તો શ્રદ્ધા જ ઉગારે છે. જેઓ ઈશ્વરને જાતજાતનાં પ્રલોભનો આપીને લલચાવે છે અને હંમેશાં એવી આશા રાખીને ચાલે છે કે તે આપણને બચાવી લેશે એવા લોકો માટે રામનામ નથી.

રામનામ તો એવા લોકોને માટે છે જેઓ ઈશ્વરથી ડરીને ચાલે છે અને સંયમી જીવન ગાળવા ઈચ્છતા છતાં લાખ પ્રયત્ને પણ તેમ કરી શકતા નથી.

૧૧૮. રામનામમાં બધું જ આવી જાય છે

(‘પુણ્ય સપ્તાહ’માંથી ગાંધીજીએ રામનામ વિશે એક મિત્રને ટીકારૂપે કહ્યું તેનો ઉતારો)

મારા માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડી છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે; કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે, અને ગમે તેટલી પ્રવૃત્તિમાં પણ હૃદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હમેશાં સંકલ્પ રહ્યો છે.

દુનિયાના મહા ગ્રંથોમાં તુલસીરામાયણ એ મારે મન અગ્રગણ્ય સ્થાન લે છે. જે ચમત્કાર એમાં છે તે મહાભારતમાં નથી. વાલ્મીકિ રામાયણમાં પણ નથી અને કદાચ જેટલે અંશે અને જે અર્થમાં તુલસીરામાયણ એ ધાર્મિક ગ્રંથ કહેવાય તેટલે અંશે એ અર્થમાં મહાભારત ન કહેવાય.

૧૧૯. રામ કોણ ?

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. - આપ કહ્યા કરો છો કે, પ્રાર્થનામાં રામનું નામ લેવામાં આવે છે તે દશરથપુત્ર નહીં, પણ જગન્નિયંતા બરાબરજોયું છે કે, રામધૂનમાં ‘રાજારામ, સીતારામ’નું કીર્તન થાય છે અને ‘સિયાવર રામચંદ્રકી જય’ બાલોય છે. હું નમ્રતાપૂર્વક પૂછું છું કે, આ સિયાવર રામ કોણ ? રાજા રામ કોણ ? શું એ દશરથપુત્ર રામ નથી ? ઉપરનાં વાક્યોનો સ્પષ્ટ અર્થ તો એ જ જણાય છે કે, પ્રાર્થનામાં જે રામની આરાધના થાય છે, તે જાનકી પતિ રામ જ છે.

ઉ. - આવા પ્રશ્નોના ઉત્તર પહેલાં ઘણી વાર આપવામાં આવ્યા છે.

છતાં આ સવાલમાં કંઈક નવું છે, જેનો જવાબ આપવો જોઈએ. રામધૂનમાં જે ‘રાજારામ, સીતારામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ ? આનો ઉત્તર તુલસીદાસજીએ તો આપ્યો જ છે. પણ મારે મારો અભિપ્રાય જણાવવો જોઈએ. રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઈશ્વરનાં અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે. વળા તે લોકો માને છે કે, દશરથના પુત્રરૂપે ઈશ્વરે પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુક્તિ મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઈતિહાસ, દંતકથા અને સત્ય એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયાં છે કે, તેમને છૂટાં પાડવાં અસંભવિત છે. હું તો બધાં નામો કાયમ રાખીને બધાંમાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો છતાં સર્વશક્તિમાન ઈશ્વર જ છે. એનું નામ હૃદયમાં હોય તો સર્વ દુઃખો નાશ પામે છે.

૧૨૦. દશરથનંદન રામ

એક આર્યસમાજી ભાઈ કહે છે :

“અવિનાશી રામને આપ ઈશ્વરરૂપ માનો છો. એ દશરથનંદન સીતાપતિ રામ કેમ હોઈ શકે ? આવા મનના મૂંઝારામાં હું આપની પ્રાર્થનામાં બેસું છું, પણ રામધૂનમાં ભાગ નથી લેતો. પણ મને એ વાત ખૂંચે છે. કેમ કે, બધા એમાં ભાગ લે, એમ આપ કહો છો, એ બરાબર છે. બધા ભાગ લઈ શકે છે, એવું આપ ન કરી શકો ?”

બધાનો અર્થ મેં કહી દીધો છો. જે અંતરની ઊલટથી ભાગ લઈ શકે, એક સૂરમાં ગાઈ શકે, એ જ ભાગ લે. બાકીના શાંત રહે. પણ આતો નાની વાત થઈ. મોટો સવાલ એ છે કે દશરથનંદન અવિનાશી કેમ હોઈ

શકે ? આ પ્રશ્ન તુલસીદાસજીએ ઉઠાવ્યો અને પોતે જ તેનો જવાબ પણ દીધો. આવા પ્રશ્નોના જવાબ બુદ્ધિથી નથી અપાતા રે નથી બુદ્ધિને અપાતા.

આ હૃદયની વાત છે, અને હૃદયની વાત હૃદય જાણે. મેં રામને સીતાપતિની રૂપમાં જોયો. પણ જેમ જેમ મારું ૫ાન વધતું ગયું ને અનુભવ પણ વધતો ગયો, તેમ તેમ મારો રામ અવિનાશી સર્વવ્યાપક થયો અને છે. એની મતલબ એકે, તે સીતાપતિ નથી મટ્યો, પણ સીતાપતિનો અર્થ વ્યાપક થયો. સંસાર આમ જ ચાલે ને વિકસે છે. જેનો રામ દશરથ રાજાનો કુમાર જ રહ્યો તેનો રામ સર્વવ્યાપી ન થઈ શકે. પણ સર્વવ્યાપી રામના પિતા દશરથ પણ સર્વવ્યાપી થઈ જાય છે. આ બધા મનના તરંગ છે એમ કહી શકાય. “જેસી જિસકી ભાવના વૈસા ઉસકા હોય.” આમાં બીજો ઉપાય હું નથી જોતો. બધા ધર્મ આખરે એક જ હોય, તો બધાનું એકીકરણ કરવાનું છે. જુદા તો પડ્યા છીએ. અને જુદા સમજીને એકબીજા સાથે લડીએ છીએ. થાકીએ ત્યારે નાસ્તિક બનીએ છીએ.પછી તો નથી ઈશ્વર રહેતો કે નથી બીજુ કંઈ. રહે છે ખાલી અહં. જ્યારે એમ જાણીએ કે, આપણે કંઈ જ નથી, જે છે તે ઈશ્વર જ બધું છે ત્યારે દશરથનંદન રામ સીતાપતિ છે, ભરત-લક્ષ્મણના ભાઈ પણ છે અને નથી પણ. જે દશરથનંદન રામને ન માનવા છતાં બધાની પ્રાર્થનામાં બેસે છે તેની બલિહારી. આ બુદ્ધિવાદ નથી, હું જે કરું છું, માનું છું, તે બતાવી રહ્યો છું.

૧૨૧. રામનામ હૃદયસ્થ હોવું જોઈએ

પ્ર - કોઈની સાથે વાતચીત કરતી વખતે, કંઈ કઠણ કામમાં મગજ રોકાયેલું હોય ત્યારે અથવા ઓચિંતા ગભરાટના વગેરે પ્રસંગોએ પણ હૃદયમાં રામનામનો જપ થઈ શકે ? આવી સ્થિતિમાં પણ કોઈ જપ કરતા હોય તો તે કેમ કરતા હશે ?

જ - અનુભવ કહે છે કે માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હૃદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હૃદય ચાલે છે ત્યાં સુધી હૃદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હૃદય સુધી પહોંટતું હોય તોપણ હૃદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હૃદયનો કબજો મેળવ્યો હોય તો પછી ‘જપ કેમ થાય’ એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હૃદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે, આ પ્રમાણે રામનામ જેમને હૃદયસ્થ થયું છે એવા ઓછા હશે.

રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેને વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઈચ્છા કરવાથી દરેક માણસ પોતાના હૃદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર ઠે. ધીરજની પણ આવશ્યકતા છે. પારસમણિ મેળવવો છે ને ધીરજ રાખીએ તે કેમ ચાલે ? ને રામનામ પારસમણિ કરતાં કેટલુંયે અમૂલ્ય છે !

પ્ર - સેવાકાર્યના કઠણ પ્રસંગોએ ભગવદ્‌ભક્તિનો નિત્યનિયમ સાચવી ન શકાય તો તેથી કશું નુકશાન ખરું ? સેવાકાર્ય અને નામસ્મરણ એમાં પ્રધાનપદ કોને આપવું ?

જ - કઠણ સેવાકાર્ય હોય કે એથીયે કઠણ પ્રસંગ હોય તોયે ભગવદ્‌ભક્તિ એટલે કે રામનામ બંધ થઈ જ ન શકે. નામસ્મરણનું બાહ્ય સ્વરૂપ પ્રસંગ પ્રમાણે બદલાતું રહેશે. રામનામ હૃદયમાં અંકિત થઈ ચૂક્યું પછી થોડું જ માળા છોડવાથી છૂટવાનું છે ?

૧૨૨. રામનામને હૃદયમાં અંકિત કરવું

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

રામનામને હૃદયમાં કાયમનું અંકિત કરવામાં અખૂટ ધીરજ જોઈએ.

તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. પણ તે છતાં એ મહેનત કરી જોવા જેવી છે. અને છતાં સૌ યાદ રાખજો કે, આખરનું ફળ આપવાનું કેવળ ઈશ્વરના હાથમાં છે, અને તેની કૃપા પર અવલંબે છે.

અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે. દરરોજ સાંજે પ્રાર્થનામાં આપણે સૌ ભેગા મળીને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવનારા શ્લોકો બોલીએ છીએ. તમારામાંના એકેએક, સ્ત્રી કે પુરુષ, પોતાની ઈન્દ્રિયોને કાબૂમાં રાખો.

કેવળ સેવા કરવાના હેતુથી શરીરને નભાવવાને ખાતર ખાઓ કે પીઓ, આનંદ કે આરામ લો, સ્થિતપ્રજ્ઞ થાઓ. એમાં જરાયે શક નથી. માણસનો પોતાના મનમાં ચાલતા વિચારો પર કાબૂ ન હોય, વળી ધારો કે, માણસ ઉંદરના દર જેવા ઘરમાં બધાં બારીબારણાં વાસીને સૂઈ જાય ને મેલી હવા પોતાનાં ફેફસામાં ભર્યા કરે, અને પાણી સ્વચ્છ ન પીતાં મેલું પીએ, તો તેનું રામનામ લીધેલું ફોકટ સમજો.

પણ આનો એવો અર્થ ન કરશો કે, ચાલો આપણામાં તો જોઈતી શુદ્ધિ કે ચોખ્ખાઈ નથી, તો ્રામનામ લેવામાં ફાયદો નથી એટલે તે મૂકી દઈએ. એ શુદ્ધિ મેળવવાને માટે પણ રામનામનું રટણ, એ જ ઉપાય છે. “જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય

છે, અને તંદુરસ્તીના ને તેને સાચવવાના નિયમોનું પાલન તેના સ્વભાવનું અંગ બને છે. તેનું જીવન સીધે સરળ રસ્તે ચાલે છે. તે કોઈને ઈજા કરવાની ઈચ્છા નહીં રાખે. બીજાનાં દુઃખોનું નિવારણ કરવાને ખાતર જાતે દુઃખ સહન કરવાનું તેના જીવનનો એક ભાગ બની તેને અનિર્વચનીય એવી શાશ્વત શાંતિથી ભરી દેશે.” તે પછી ગાંધીજીએ આખરે જણાવ્યું કે, આથી તમે સૌ જાગતા હો તે દરમિયાન ખંતથી રામનામ લેવાનું અખંડ ચાલુ રાખે. પછી આખરે તે અમારા દિલમાં જડાઈ જશે, ઊંઘમાંયે તેનું તમને વિસ્મરણ નહીં

તાય, અને તમે ઈશ્વરની કૃપાના એવા અધિકારી થશો કે, તમારાં શરીર, મન અને આત્મા સંપૂર્ણપણે નિરોગી રહેશે.

૧૨૩. રામનામનું પઠન

(‘નોંધ’માંથી)

પ્ર - રામનામ હૃદયસ્થ હોય એટલું બસ નથી ? એને મોઢે ઉચ્ચારવામાં ખાસ કંઈ છે ?

જ - રામનામ લેવામાં ખૂબી છે એમ હું માનું છું. જે માણસ ખરેખર એમ માને છે કે રામ તો તેના હૈયામાં રહ્યા છે તેને સારુ રામનામ-રટણની જરૂર નથી, એ હું કબૂલ કરું છું. પણ એવો માણસ મેં હજુ જોયો નથી.

આથી ઉલટું, મારા અંગત અનુભવ પરથી હું કહી શકું કે, રામનામ-રટણમાં કંઈક ચમત્કાર છે. તે કેમ છે અને શો ઠે તે જાણવાની જરૂર નથી.

૧૨૪. વ્યર્થ રટણ

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર - બધા સ્વીકારે છે કે પ્રાર્થનાનું યંત્રવત્‌ રટણ સાવ નકામું છે. એ આત્માને ઘેનમાં નાખવાનું કાં કરે છે. મને ઘણી વાર સવાલ થાય છે કે સવારમાં જ દિનચર્યારૂપે અગિયાર મહાવ્રતોનાં રડણને તમે કેમ પ્રોત્સાહન આપો છો ? તેને પરિણામે આપણા છોકરાંઓની નૈતિક ચેતના મંદ નહીં પડે ?

આ વ્રતોને મનમાં ઉતારવાનો બીજો કોઈ વધુ સારો રસ્તો નથી ?

જ. - રટણ જ્યારે યંત્રવત્‌ હોતું નથી ત્યારે તેનાં અદ્‌ભૂત પરિણામ આવે છે. આમ હું જપમાળાને વહેમ ગણતો નથી. ભચકતા મનને શાંત પાડવામાં તે મદદ કરે છે. વ્રતોનું રોજ રોજ રટણ જુદી કોટિમાં આવે છે.

સાચા શોધકને રોજ જાગતી ને સૂતી વખતે યાદ આપે છે કે તે અગયિાર વ્રતોથી બંધાયેલો છે જે ્‌નુસાર તેણે તેના આચારનું નિયમન કરવાનું છે. બેશક કેવળ રટણ કરવાથી તેને પુણ્ય મળશે એવા ભ્રમમાં જો કોઈ વ્રતોનું યંત્રવત્ રટણ કરે તો તેની કશી અસર નહીં થાય. તમે પૂછી શકો : ‘વ્રતોનું રટણ જ શા માટે ? તમે જાણો છો કે તમે તે લીધાં છે અને તેનું પાલન કરવાની તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે.’ આ દલીલમાં વજૂદ છે. પણ અનુભવે જણાયું છે કે વિચારપૂર્વકનું રટણ આપણા સંકલ્પને પ્રેરણા આપે છે.

નબળા શરીર માટે જે કામ ટૉનિક કરે છે તે જ કામ નબળા મન અને આત્મા માટે વ્રત કરે છે. સ્વસ્થ શરીરને કોઈ ટૉનિકની જરૂર પડતી નથી તેમ દૃઢ મન વ્રત વગર અને રોજ તેનું સ્મરણ કર્યા વિના પોતાની સ્વસ્થતા જાળવી શકે. પરંતુ વ્રતોનો અભ્યાસ કરતાં જણાશે કે આપણામાંના મોટા ભાગના એટલા નબળા છીએ કે તેમને વ્રતોની મદદની જરૂર છે.

૧૨૫. રામનામની હાંસી

(‘હરિજનસેવક’માંથી)

સ. - આપ જાણો છો કે, આજે આપણે એટલા જડ બની ગયા છીએ કે, આપણને જે ચીજો સારી લાગે છે ને આપણે જે મહાપુરુષોને માનીએ છીએ, તેમના હાર્દરૂપ સિદ્ધાંતોને ન સ્વીકારતાં તેમના ભૌતિક શરીરની પૂજા કરવા મંડી જઈએ છીએ. રામલીલા, કૃષ્ણલીલા અને તાજેતરમાં બંધાયેલું ગાંધી મંદિર એની જીવતી જાગતી સાબિતી છે. બનારસની રામનામ બૅન્ક, રામનામ છાપેલું કાપડ, જે રામનામી કહેવાય છે, તે પહેરવું અથવા શરીર પર રામનામ લખીને પરવું, એ રામનામની હાંસી નથી ? અને એમાં આપણું પતન નથી ? આ પરિસ્થિતિમાં રામનામનો પ્રચાર કરીને આપ આ ઢોંગી લોકોના ઢોંગને ઉત્તેજન નથી આપતા ? અંતરપ્રેરણાથી નીકળતું રામનામ જ રામબાણ થઈ શકે, અને હું માનું છું કે, આવી અંતરપ્રેરણા સાચા ધાર્મિક શિક્ષણથી જ મળશે.

જ. - આ વાત સાચી છે. આજકાલ આપણામાં વહેમ અને દંભ એટલાં બધાં વધી ગયાં છે કે, સાચું કામ કરતાં પણ ડરવું પડે છે. પણ આમ ડરતા રહીએ તો સત્યનેય છુપાવવું પડે. એટલે સોનેરી નિયમ તો એ છે કે, આપણને ખરું લાગે તે નીડર બનીને કરીએ. દંભ અને જૂઠાણું તો જગતમાં ચાલતાં જ રહેવાનાં. આપણે ખરી વસ્તુ કરીશું, તો તેથી દંભ અને અસત્ય કાંઈકેય ઓછાં થશે, વધશે તો નહીં જ. એટલું જોવું જોઈશે કે, જ્યાં ચારે કોર અસત્ય ફેલાયેલું છે, ત્યાં આપણે પણ તેમાં ફસાઈને પોતાની જાતને છેતરીએ નહીં, ઢીલાશને કારણે અજાણપણેયે ભૂલ ન કરી બેસીએ. દરેક સંજોગોમાં સાવધ રહેવું, એ જ કર્તવ્ય છે. સત્યનો પૂજારી બીજું કરી જ ન શકે.

રામનામ જેવું રામબાણ ઓસડ લેવામાં સતત જાગૃતિ નહીં હોય. તો રામનામ ફોકટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.

૧૨૬. નવો વહેમ ?

(‘સાપ્તાહિક પત્ર’ માંથી)

પૂનામાં પ્રાર્થનાસભા સમક્ષ કરેલા પોતાના એક પ્રવચનમાં ગાંધીજીએ સવાલ કર્યો કે, “શું હું ખરેખર એક નવા વહેમનો પ્રચાર કરું છું ? ઈશ્વર કોઈ એક વ્યક્તિ નથી. તે સર્વવ્યાપી, સર્વશક્તિમાન પરમાત્મા છે. જે કોઈ તેને પોતાના હૃદયમંદિરમાં સ્થાપે છે, તેને વરાળ અને વીજળીની ભૌતિક શક્તિ સાથે સરખાવી શકાય તેવી, છતાં તે શક્તિઓથી કેટલીયે સૂક્ષ્મ, અદ્‌ભૂત શક્તિનો ભંડાર પ્રાપ્ત થાય છે.” રામનામ કોઈ ધંતરમંતર નથી.

રામનામમાં જે જે કંઈ સમાય છે, તે બધું સ્વીકારીને તેનું રટણ કરવું જોઈએ.

રામનામ ગણિતવિદ્યાના સૂત્ર જેવું છે, જેમાં અનંત શોધખોળ અને અનંત પ્રયોગોનાં પરિણામોનો અત્યંત ચૂંકમાં સાર ભેગો કરેલો હોય છે. કેવળ પોપટની જેમ યંત્રવત્‌ રામનામ લેવાથી ભળ મળતું નથી. એ બળ અથવા શક્તિ મેળવવાને સારુ રામનામના રટણની શરતો સમજી લઈ, તેમનો અમલ કરી, તેમને જીવનમાં ઉતારવી જોઈએ. ઈશ્વરનું નામ લેવું હોય, તો લેનારે ઈશ્વરમય જીવન ગાળવું જોઈએ.

૧૨૭. ફરી પાછું રામનામ

થોડા દિવસ પર એક મિત્રને એક કાગળ મળ્યો હતો. તેમણે તે મને મોકલી આપી, તેનો જવાબ માંગ્યો છે. કાગળ લાંબો છે. અહીં તેમાંથી મુદ્દાની વાત જ ઉતારી છે :

“તેઓ (ગાંધીજી) હિંદુસ્તાનના ચાહનારા છે. પણ એ નથી સમજાતું કે, રોજ રોજ ખુલ્લામાં પ્રાર્થના કરી અને રામનામની (રામ એટલે કે, એક હિંદુ દેવ) ધૂન ગવડાવી પોતાના મુલકમાં બીજા ધર્મ પાળનારા લોકોનાં દિલ તેઓ શા માટે દુભવતા હશે ? તેમણે સમજવું જોઈએ કે, હિંદુસ્તાનમાં ઘણા ધર્મો છે, અને તેઓ આમ લોકો આગળ હિંદુ દેવોના દાખલા આપીને વાતો કરે, તેથી પુરાણા ખ્યાલો ધરાવનારા લોકોમાં ગેરસમજૂતી ફેલાય છે. (અને મુસ્લિમ લીગની) એવી પણ ફરિયાદ છે કે, રામરાજ્ય (રામનું રાજ્ય) અહીં સ્થાપવાની વાત તેમને પ્રિય હોવાથી તેમને મોઢે વારંવાર સાંભળવામાં આવે છે. કોઈ સાચા મુસલમાનને એ કેવું લાગે ”

હજારમી વાર મારે ફરી કહેવું પડે છે કે, રામનામ પરમાત્માનાં અનેક નામોમાંનું એક છે. વળી એ જ પ્રાર્થનામાં કુરાને શરીફની આયાતો અને ઝંદ અવસ્તાની ગાથાઓ પણ બોલાય છે. સાચા મુસલમાનો એ ઈસ્લામના સાચા અનુયાયી હોવાથી રામનામ લેવા સામે કદી વાંધો લીધો નથી. રામનામનું રટણ કોઈ ખાલી લવારો નથી. મારા માટે અને લાખો હિંદુઓને માટે સર્વવ્યાપી પરમાત્માને બોલાવવાની આ એક રીત છે.

રામનામમાં પાછલું ‘નામ’ પદ વધારે મહત્ત્વનું છે. એનો અર્થ છે કે ઐતિહાસિક રામ વિનાનું નામ. એ ગમે તે હો, પણ હું અમુક એક ધર્મનો છું, એમ કહું, તેથી બીજા લોકોનું દિલ શા સારુ દુભાય ? અને તેમાંયે મુસલમાનો શા માટે દુભાય ? પ્રાર્થનાની સભાઓમાં આવવાને કોઈના પર જબરજસ્તી કરવામાં નથી આવતી અને જે આવે છે, તેને રામધૂનમાં જોડાવાની કોઈ ફરજ પાડતું નથી. આવનારા પાસે ફક્ત એટલી આશા રાખવામાં આવે છે કે પ્રાર્થનાની શાંતિનો ભંગ ન કરે, અને પ્રાર્થનાના કોઈ અંગ પર શ્રદ્ધા ન હોય, તોપણ તેને નભાવી લે.

‘રામરાજ્ય’ શબ્દની બાબતમાં કહેવાનું એચલું કે, એનો અર્થ મેં આ જ પહેલાં કેટલીયે વાર સ્પષ્ટ કર્યો છે. તે પછી એ શબ્દો વાપરવાથી કોઈનું મન દુભાવાને કારણ ન હોય. સત્ય શબ્દ સહેલો છે અને તેમાં ઊંડો અર્થ સમાયેલો છે. એ જ શબ્દનો અર્થ કરોડો લોકોને બીજા કોઈ પણ શબ્દથી સમજવવાનું મુશ્કેલ છે. હું સરહદના પ્રાંતમાં જાઉં છું અને મારા શ્રોતામાં મોટા ભાગના મુસલમાન હોય છે, ત્યારે હું એને ખુદાઈ કહીને જ ઓળખાવું છું, અને ખ્રિસ્તી શ્રોતાઓ હોય અમારી આગળ ઈશ્વરના પૃથ્વી પરના રાજ્યથી ઓળખાવું છું. બીજી કોઈ પણ રીત અખત્યાર કરવામાં મારી જાતને દબાવી મારે ઢોંગ કરવો પડે.

૧૮-૮-૧૯૪૬, પા.૨૭૮-૯