હિંદુ ધર્મનું હાર્દ - 8 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 8

(8)

૨૩. ઈશ્વર ક્યાં અને કોણ ?

(મૂળ ગુજરાતીમાંથી)

બ્રહ્મચર્યની વ્યાખ્યા આપતાં મેં લખ્યું કે બ્રહ્મને પહોંચવાને સારું જોઈતા આચાર તે બ્રહ્મચર્યહ્‌. બ્રહ્મ એટલે ઈશ્વર એટલું જાણ્યેથી ઈશ્વરના સ્વરૂપની ખબર નથી પડતી. એટલે એનું ઠીક જ્ઞાન હોય તો આપણે ઈશ્વર પ્રતિ જવાનો ઠીક માર્ગ જાણી લઈએ.

ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઈશ્વરના અવતાર કહેવાઈએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદી અવતાર થઈ ગયા એમ કહીએ છીએ કેમ કે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે, એવી ઐતિહાસિક વ્યક્તિ થઈ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઈ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમ ભરેલે રસ્તે ચડી જઈએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઈશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી.

વીજળી મહા શક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી.

તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે

તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઈએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઈ ન કરે. રામનામ સ્રવવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે તો ઉરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન લાગે.

આમ વિચાર કરતાં હું કહી શકું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે, ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હૃદયમાં વસે ત્યારે જ તેનો ચમત્કાર પૂરો જણાય છે. એ અમોઘ સાધન હાથ કરવા સારુ એકાદશ વ્રત તો છે જ. સાધનો એવાં હોય કે જેમાંથી કયું સાધન ને શું સાધ્ય એ કહેવું મુશ્કેલ થઈ પડે. એકાદશ વ્રતમાંથી એકમાત્ર સત્યને લઈએ તો પૂછી શકાય કે સત્ય સાધન ને રામ સાધ્ય, કે રામ

સાધન ને સત્ય સાધ્ય ?

પણ હું ઠેકાણે આવું. બ્રહ્મચર્યનો આજનો અર્થ લઈએ - જનનેન્દ્રિય - સંયમ. એ સયમ સિદ્ધ કરવા સારુ સુવર્ણ રસ્તો, એક અમર વાડ રામનામ છે. એ રામનામ સિદ્ધ કરવાના પણ કાયદા કે નિયમો તો છે જ એ એક વેળા વિચારાઈ ગયા છે. છતાં એ ફરી વિચારીશું.

૨૪. ઈશ્વર વ્યક્તિ કે તત્ત્વ ?

એક ભાઈ વડોદરાથી લખે છે. એનો કાગળ અંગ્રેજીમાં છે.

“તમે ઈશ્વરની પ્રાર્થના કરો છો. દ.આ.ના ગોરાઓને દોરવાનું કહો છો. અને ત્યાંના હિંદીઓને બળ અને હિંમત આપવાનું કહો છો. આવું તો વ્યક્તિને જ કહાવાય ના ? જો ઈશ્વર એ સર્વત્ર અને સર્વ શક્તિમાન એક તત્ત્વ હોય તો એને ભજવું શું ? એ તો એનું કામ કર્યે જ જાય છે.”

આ વિશે પહેલાં હું લખી તો ગયો છું. પણ એ વસ્તુ એવી છે કે, એમ હોવા છતાં વખતોવખત જુદા શબ્દોમાં એ જ વસ્તુ કહેવાતાં કોઈક વાક્ય કે શબ્દ એવો લખાવાનો સંભવ છે કે, જેથી કોઈક તો વધારે સમજે.

મારી દૃષ્ટિએ ઈશ્વરને રામ કહો કે રહમાન કહો, ગૉડ કહો કે અહુરમઝ્‌દ કહો કે કૃષ્ણ કહો, આ બધી શક્તિઓમાં પણ એક અમોઘ શક્તિ છે, એને નામ આપવાનાં મનુષ્યમાં ફાંફાં ચાલ્યાં છે. મનુષ્ય અપૂર્ણ હોવા છતાં પૂર્ણ થવાનો પ્રયત્ન કરે છે, તેથી વિચારના તરંગોમાં પડે છે અને પછી જેમ બચ્ચું ફાંફાં મારે, પડે આખડે, અને પછી ટટાર થાય, તેમ બુદ્ધિરૂપે મનુષ્ય હજુ થોડા મહિનાનું જ બચ્ચું છે, એમ કહીએ, તો બ્રહ્માના દિવસોમાં માપતાં મુદ્દલ અતિશયોક્તિ નથી, પણ શુદ્ધ સત્ય છે. આ બધું મનુષ્ય તો પોતાની જ ભાષામાં જણાવી શકે. ઈશ્વર નામની શક્તિને તો ભાષા જેવું કંઈ છે જ નહીં. એને મનુષ્યોનાં સાધનની ક્યાં કંઈ જરૂર છે ? એ તો પોતાની પાસે જે સાધન છે, એ વડે જ મહાસાગરરૂપી શક્તિને વિશે વર્ણન કરી શકે.

આટલું ગળે ઊતરી શકે, તો બીજું પૂછવાપણું રહેતું નથી. તો પછી એને પ્રાર્થના કરવી એ મનુષ્યની ભાષામાં ઠીક જ કહેવાય. કેમ કે, એ મહાન શક્તિને પણ આપણા ઢાળમાં નાખીને જ એની કંઈક કલ્પના કરી શકીએ.

એ કલ્પના કરતાં યાદ રાખીએ કે, આપણે બિંદુ છીએ, આપણે નાનકડું જંતુ છીએ એ પણ ઈશ્વરરૂપી મહાસાગરના. અથવા ખરેખર તો એમાં પડી અનુભવ જ લેવાય, એનું વર્ણન આપી ન શકાય. એટલે બ્લાસ્ટ્‌સ્કીની ભાષામાં એમ કહેવાય કે, મનુષ્ય પ્રાર્થના પણ પોતારૂપી મહાન શક્તિને પોતે જ કરે છે. એમ કરતાં આવડે તે જ પ્રાર્થના કરે, એમ કરતાં ન આવડે તેને પ્રાર્થના કરવાની જ ન હોય, તેથી ઈશ્વરને માઠું નથી લાગવાનું, પણ જે એ મહાન શક્તિને પ્રાર્થના નહીં કરે, તે ખોશે. એમ મારે અનુભવથી કહેવું જોઈએ. પછી ભલે કોઈ ઈશ્વરને વ્યક્તિ ગણીને પૂજે કે ભજે. ને કોઈ મહાન શક્તિ ગણીને પૂજે કે ભજે, બંને પોતપોતાની દૃષ્ટિએ ઠીક જ કરે છે.

સ્વતંત્ર ઠીક શું છે, એ તો કોઈ જાણતા જ નથી, અને કદાચ જાણશે નહીં.

આદર્શ તો આદર્શરૂપ જ રહેવાનો, એટલું યાદ રાખવું ઘટે છે. બીજી બધી શક્તિઓને આપણે જડ શક્તિ ગણીએ, પણ ઈશ્વર એ જીવનશક્તિ છે. જેે બધેય છે તેમ છતાં બધાની બહાર પણ છે.

૨૫. ગૂઢમાં ગૂઢ વસ્તુ

(‘સાપ્તાહિક પત્ર નં. ૨૦’માંથી - પ્યારેલાલ)

મૌનવાર ગોધીજીએ સહરસા માં ગાળ્યો. સહરસાનું નામ હવે તો ગાંધીજીના જીવન જોડે બીજી રીતે જોડાઈ ગયું એટલે વાચકોને એ ગામનો પરિચય હશે જ. ત્યાં જે મકાનમાં ગાંધીજીનો ઉતારો હતો તે મકાનને ૫૦-૬૦ હજાર માણસોએ સવારના આઠ વાગ્યાથી ઘેરો ઘાલ્યો હતો. દિવસે ધોમ ધખતો હતો ને ધૂળના ગોટ ઊડતા હતા છતાં એટલા હજારો લોકો આખો દિવસ ત્યાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા. સાંજ પડવા આવતાં એમની સંખ્યા વધીને લાખેકની થઈ. સાંજે વિરાટ સભા થઈ. તેમાં ગાંધીજીએ ઈશ્વરી દેડનો વિષય ઉપાડ્યો ને કહ્યું : “ધરતીકંપ મોકલનાર ઈશ્વર શું દયાહીન ને કીનાખોર છે ? ના, એ હૃદયહીન પણ નથી ને કીનાખોર પણ નથી. માત્ર એની કળાનો પાર આપણે પામી શકતા નથી.” એક મિત્રને આ અરસામાં લખેલા કાગળમાં તેમણે આ વિશે લખ્યું છે : “ઈશ્વર ગૂઢમાં ગૂઢ છે એમ આપણે જાણીએ છીએ, તો પછી એની કોઈ પણ કૃતિથી આપણે શા સારુ મૂંઝાઈએ ? ‘પ્રેમળ જ્યોતિ’ ના કવિની જેમ ગાઈ શકીએ, ‘મારે એક ડગલું બસ થાય’ અને આપણે ભૂતકાળના અનુભવ પરથી ખાતરી રાખીએ કે એક ડગલું ભર્યા પછી બીજું ડગલું આપણને દેખાશે જ. બીજા શબ્દમાં કહીએ તો આ અભેદ્ય અંધકાર આપણે કલ્પીએ છીએ એટલો અભેદ્ય નથી. પણ જ્યારે આપણે અધીરા થઈને એ એક ડગલાની આગળ જોવા માગીએ છીએ ત્યારે એ એભેદ્ય જણાય છે. અને ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, એટલે આપણે નિશ્ચયપૂર્વક કહી શકીએ કે એ આપણા પર જ ભૌતિક આપત્તિઓ અવારનવાર નાંખે છે તે પણ આશીર્વાદરૂપ જ હોવી જોઈએ. પણ આ આશીર્વાદરૂપ તેને જ નીવડે કે એને ચેતવણી ગણીને અંતર્મુખ થાય ને આત્મશુદ્ધિ કરે.”

૨૬. ઈશ્વરની અકળલીલાને સમજીએ

(‘બે માગણી’માંથી)

ઈશ્વરનું પૂર્ણ વર્ણન હજી લગી કોઈ કરી નથી શક્યા. એ કામ ત્રિકાળદર્શી ભગવાનનું છે. સર્વકાળે દેહધારી મનુષ્ય અપૂર્ણ જ છે. એને ભગવાનની ઉપમા ભલે અપાય પણ ભગવાન તો નથી જ. ભગવાન અદૃશ્ય છે, અદૃષ્ટ છે. તેથી જ આપણે જેને સત્‌પુરુષ ગણીએ તેનાં વચનો અને આચાર સમજીએ; જો હૃદયમાં ઊતરે તે ઉપર આપણું વર્તન રચીએ. શાસ્ત્ર વધારે શું કરશે ?

૨૭. ઈશ્વરનો દેખાતો વિરોધાભાસ

(‘ઈશ્વર એટલે શું ?’માંથી)

“હમણાં આપનું

નામનું પુસ્તક હું વાચું છું અને સમજવા પ્રયત્ન કરું છું. પત્ર લખવાનું કારણ ના ૧૦ અધ્યાયના વાચન પછી મને જાગેલો પ્રશ્ન છે. તેમાં લખવામાં આવેલું છે કે જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘અરે, છલ કરનારનું દ્યુત પણ મને જ જાણ. આ જગતમાં જે કંઈ થાય છે તે મારી રજા વિના થઈ જ નથી શકતું. સારુંનરસું પણ હું થવા દઉં છું ત્યારે જ થાય છે.’ તો શું ભગવાન નરસું પણ થવા દે છે ? અને આવી જાતનું ભગવાનની રજાથી થયા પછી તેનો બદલો નરસા પરિણામમાં તે કેમ આપી શકે ? શું જગતની ભગવાન થકી ઉત્પત્તિ આ માટે જ છે ? શાન્તિમય વાતાવરણમાં જગતનો સમય પસાર ન જ થઈ શકે ?”

એમ કહેવું કે નરસાનો સ્વામી પણ ઈશ્વર છે એ કાનને કઠોર લાગે છે. પણ જો એ સારાનો સ્વામી હોય તો નરસાનો પણ એ જ. રાવણે અનહદ શક્તિ બતાવી એ ઈશ્વરે બતાવવા દીધી તો જ ના ? મારી દૃષ્ટિએ આ બધી તકલીફનું મૂળ ઈશ્વરતત્ત્વ ન સમજવામાં છે. ઈશ્વર કંઈ પુરુષ નથી, વ્યક્તિ નથી. એને વિશે કંઈ વિશેષણ લાગુ પાડી શકાય એમ નથી. ઈશ્વર એ પોતે જ કાયદો, કાયદાકાર અને કાજી છે. એવું આપણે જગતમાં સુસંગત રીતે જોતા નથી. પણ જ્યારે એવું કોઈ મનુષ્ય કરે છે તે વખતે આપણે એને શહેનશાહ નીરો (શેતાન) તરીકે જોઈએ છીએ. એ કંઈ મનુષ્યને શોભતી સ્થિતિ નથી. પણ જેને આપણે ઈશ્વર તરીકે પૂજીએ છીએ તેને સારુ તો એ સ્થિતિ શોભતી છે એટલું જ નહીં પણ વાસ્તવિક રીતે એ સ્થિતિ છે. આટલી વસ્તુ જો આપણે ઓળખી લઈએ તો ઉપરના કાગળમાં જે પ્રશ્નો ઉઠાવ્યા છે, એનો જવાબ મળી રહે છે, અથવા એ પ્રશ્નો ઊઠી જ શકતા નથી.

શાન્તિમય વાતાવરણમાં જગતનો સમય પસાર ન જ થઈ શકે એ પ્રશ્ન પણ નથી ઊઠી શકતો. જ્યારે જગત ધારશે ત્યારે વાતાવરણ ધારશે કે નહીં અથવા ધારશે તો ક્યારે ધારશે. આવા પ્રશ્નો ઉઠાવવા એને નવરાની નિશાની ગણું. આપ ભલા તો જગ ભલા એ ન્યાયે પ્રશ્નકાર પોતે ગમે તે સ્થિતિમાં શાંતિ જાળવી શકે તો એણે માનવું જોઈએ કે જે પોતે કરી શકશે તે આખું જગત કરી શકશે. એમ ન માને તો એ બહુ અભિમાની ગણાય.

૨૮. ઈશ્વર એ માનવીની કલ્પના માત્ર છે ?

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. - ઈશ્વર એ માનવીની કલ્પનામાત્ર છે. ઈશ્વરે મનુષ્યને નથી સરજ્યો, પણ મનુષ્યે ઈશ્વરને સરજ્યો છે, શું આ સત્ય નથી ?

ઉ. - આ વચન એક લાંબા કાગળમાંથી મેં લીધું છે. આમાં સત્યનો આભાસ માત્ર છે. ભાષાને રમાડીને લેખકે ્‌ઝાણ્યે આભાસ પેદા કર્યો છે.

‘સર્જન’ અને ‘ઈશ્વર’ શબ્દો ઉપરની આ રમત છે.

ઈશ્વર પોતે નીતિ છે અને નીતિકાર છે. એ રીતે એનું ‘સર્જન’

કરવાપણું નથી. તો પછી એને મનુષ્યરૂપી જેતુ શું સરજશે ? મનુષ્ય બંધ બાંધી શકે, પઁ નદી નહીં સરજી શકે. મનુષ્ય ખુરશી બનાવી શકશે, પણ લાકડું નહીં સરજી શકે. મનુષ્ય ઈશ્વરની અનેક કલ્પનાઓ કરશે, પણ લાકડું, નદજી વગેરેના સરજનહારને શું સરજવાનો હતો ?!! તેથી ઈશ્વરે મનુષ્યને સરજ્યો છે એ શુદ્ધ સત્ય છે. મનુષ્યે ઈશ્વરને સરજ્યો એ આભાસ માત્ર છે, છેવટે જેને કહેવું હોય તે કહી શકશે કે ઈશ્વર નથી કાંઈ કરતો કે કરાવતો.

‘કરે છે’ ને ‘નથી કરતો’ એ બંને વચન ઈશ્વરને વિશે કહી શકાય.

૨૯. જે મોટામાં મોટું આશ્વાસન આપે છે

(‘મહાત્મા ગાંધીના પત્રો જવાહરલાલ નહેરૂને’માંથી) બંગાળની કસોટી માટે બરાબર તૈયાર થવાને ચાર દિવસથી હું તીથલ આરામ લઈ રહ્યો છું. એ સ્થળ જૂહુને કંઈક મળતું આવે છે. અહીં હું મારા ચડી ગયેલા પત્રવ્યવહારને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

એમ કરતાં ‘ઈશ્વર અને કૉંગ્રેસ’ નામના લેખ વિશેનો તમારો કાગળ મારા હાથમાં આવ્યો. તમારી મુશ્કેલીઓમાં મારી તમારા તરફ સહાનુભતિ છે.

સાચો ધર્મ જીવનમાં તેમ જ દુનિયામાં સૌથી મહાન હોવાથી એનો સૌથી વધુ ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે. અને ધર્મનો ગેરલાભ ઉઠાવનારાઓને તથા તેના થતા દુરુપયોગને જ જેમણે નજરોનજર જોયા છે અને સાચી વસ્તુ જેમને જોવા મળી નથી તેમને સ્વાભાવિક રીતે જ એના પ્રત્યે ઘૃણા પેદા થાય છે.

આખરે તો ધર્મ એ પ્રત્યેક વ્યક્તિની અને તેયે હૃદયની બાબત છે, પછી એને તમે ચાહે તે નામ આપો. માણસની આકરામાં આકરી કસોટીને વખતે જે તેને વધુમાં વધુ સમાધાન આપે છે તે ઈશ્વર છે. એ ગમે તે કહો, તમે સાચા માર્ગ પર છો. બુદ્ધિ માણસને ઘણી વાર ગૂંચવી નાખે છે તથા લગભગ વહેમની હદે પહોંચે તેવી તેની પાસે ભૂલો કરાવે છે; તેમ છતાં, બુદ્ધિ એકમાત્ર કસોટી કહે એ સામે મારો વાંધો નથી.

૩૦. નાદાન ભલે ઈશ્વરને ન માને

(‘ત્રણ મહત્વના પ્રશ્નો’માંથી)

(એક સજ્જને અતિ વિનયભાવે ત્રણ પ્રશ્નો હિંદીમાં પૂછ્યા છે.

તેમનું હિંદી એવું સરળ છે કે તે પ્રશ્નો હિંદીમાં જ ગુજરાતી લિપિમાં નીચે આપું છું :)

સ. - આપને કઈ બાર લિખા હૈં કી ઈશ્વર કે માયને દેહવિરહિત, વીતરાગી, સ્વતંત્ર ઔર ઉપાધિરહિત શુદ્ધાત્મા હૈ. અર્થાત્‌ ઈશ્વરને સૃષ્ટિ નહીં પૈદા કી ઔર વહ પાપપુણ્યકા નિકાલ ભી નહીં દાના બૈઠતા. તો ભી આપ ઈશ્વરેચેછાકી બાત બાર બાર કરતે હી રહતે હૈ. ઉપાધિરહિત ઈશ્વરકો ઈચ્છાકે ઈચ્છા કૈસી હો સકતી હૈ ઔર ઉસકે ઈચ્છાકે અધીન આપ કૈસે કહ સકતે હૈં ?

આપકી આત્મા જો કુછ કરને ચાહતી હૈ, કર સકતી હૈ. યદિ એકદમ ન કર સકતી હો તો ઉસી આત્માકા પૂર્વસંચિત કર્મ હી ઉસકા કારણ હૈ ન કિ ઈશ્વર.

આપ સત્યાગ્રહી હોનેકે કારણ સિર્ફ મૂઢાત્માઓંકો સમજાનેક લિયે આપ યહ અસત્ય બાત નહીં કહતે હોંગે. તો ફિર યહ ઈશ્વરેચ્છાકા દૈવવાદ ક્યોં ?

જ. - ઈશ્વરને હું જે રૂપે માનું છું તે રૂપે જ વર્ણવું છું. લોકોને ભાળવીને હું શાને મારું અધ-પતન કરું ? મારે તેઓની પાસેથી કયું ઈનામ લેવું હતું ? હં ઈશ્વરને કર્તાઅકર્તા માનું છું. એ પણ મારા સ્યાદ્વાદમાંથી ઉદ્‌ભવે છે. જૈનની પાટે બેસીને ઈશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરું ને રામાનુજની પાટે બેસીને તેનું કર્તાપણું સિદ્ધ કરું. આપણે બધા અચિંત્યનું ચિંતવન કરીએ છીએ. અવ્રણનીયનું વર્ણન કરીએ છીએ. અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તોતડી છે, અધૂરી છે ને કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેદે અલોકિક શબ્દયોજના કરી તે તેને ‘નેતિ’ વિશેષણથી ઓળખાવ્યો કે ઓળખાવ્યું. પણ જોકે તે ‘આ નથી’ છતાં તે છે. અસ્તિ, સત્‌, સત્ય, ૦, ૧, ૧૧... એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતાપિતા છે, તેને પેદા કરનાર છે... તો પછી સર્વનો પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હોય તો આપણે નથી. તેથી જ આપણે બધા એકે અવાજે તેને પરમાત્મા, ઈશ્વર, શિવ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હોરમજ, જીહોવા, ગૉડ ઈત્યાદિ અનેક અને અનંત નામે પોકારીએ છીએ. તે એક છે, બહુ છે; અણુથીયે નાનો, હિમાલયથી મોટો; સમુદ્રના એક બિંદુમાં સમાઈ જાય તે સાત સમુદ્રને મળીને પણ તેને ઝીલી ન શકે એવો ભારે છે. તેને જાણવા સારુ બુદ્ધિવાદ શા કામનો ? તે તો બુદ્ધિથી અતીત છે. ઈશ્વરનું અસ્તિત્વ માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ અનેક તર્કવિતર્ક કરી શકે. મોટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જાઉં, તોયે મારી શ્રદ્ધા બુદ્ધિથી એટલી બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહં : “ઈશ્વર છે, છે ને છે જ.”

પણ જેને ઈશ્વરનો ઈન્કાર કરવો હોય તેને તેમ કરવાનોયે અધિકાર છે, કેમ કે તે તો દયાળુ છે, રહીમ છે. રહમાન છે. તે ઈ માટીનો બનેલો રાજા નથી કે તેને પોતાની આણ કબૂલ કરાવવા સિપાહી રાખવો પડે. તે તો આપણને સ્વતંત્રતા આપતો છતો માત્ર પોતાની દયાના બળથી આપણા પાસે નમન કરાવે છે. પણ આપણામાંના કોઈ નમન ન જ કરે તો કહે છે : “સુખે રહો, મારો સૂરજ તો તમારે સારુયે તપશે, મારો મેઘ તમારે સારુય વરસશે.

મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારી ઉપર બળાત્કાર વાપરવાની જરૂરી જ નથી. એ ઈશ્વરને જે નાદાન હોય તે ભલે ન માને. હું તો કરોડો ડાહ્યામાંનો એક હોઈ તેને સહસ્ત્રવાર નમસ્કાર કરતો છતો થાકતો જ નથી.”