હિંદુ ધર્મનું હાર્દ - 9 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 9

(9)

૩૧. ઈશ્વરની હસ્તી છે કે નહીં ?

દક્ષિણ ભારતની મારી યાત્રામાં મને કેટલાક હરિજનો અને બીજા સજ્જનો મળેલા જે નિરીશ્વરવાદી હોવાનો ડોળ કરતા હતા. એક જગાએ હરિજનોની પરિષદ ભરાયેલી હતી ત્યાં પ્રમુખે લગોલગ આવેલા હરિજનોએ પોતાને પૈસે બાંધેલા મંદિરની છાયામાં જ નિરીશ્વરવાદ પર એક તીખું ભાષણ આપ્યું. હરિજનો પ્રત્યે થતા દુર્વર્તનથી એ ભાઈના હૃદયમાં એટલી કડવાશ વ્યાપી ગયેલી હતી કે આવી ક્રૂરતાને ચાલવા દેનાર કોઈ કલ્યાણકારી શક્તિ હસ્તી ધરાવતી હશે કે નહીં એની જ એમને શંકા પડવા લાગી હતી. આ અનાસ્થાને માટે તો કંઈ કારણ હતું એમ કદાચ કહી શકાય.

પણ બીજી જગાએથી મળેલી બીજી જાતની અનાસ્થાનો નમૂનો આ રહ્યો :

“આપને એમ નથી લાગતું કે ઈશ્વર, સત્ય કે સચ્ચિત્‌ને વિશે અમુક કલ્પના બાંધી લઈને આપણે શોધ શરૂ કરીએ તો આપણી એ શોધનો આખો પ્રવાહ એ કલ્પનાને રંગે રંગાય અને તેથી આપણા જીવનનો સાચો ઉદ્દેશ જ માર્યો જાય ? દાખલા તરીકે આપ અમુક નૈતિક સત્યોને અચળ અને શાશ્વત માનીને ચાલો છો. પણ આપણે તો શોધ કરી રહ્યા છીએ, અને આપણને જ્યાં સુધી સત્ય જડ્યું નથી ત્યાં સુધી આપણે એવી બડાશ કેમ મારી શકીએ, આગ્રહપૂર્વક એમ કહી શકીએ કે અમુક નીતિનિયમ એ સત્ય છે અથવા તો એ જ આપણને આપણી શોધમાં મદદ કરનાર છે ?”

અમુક વસ્તુઓ માની લઈને ચાલ્યા વિના કોઈ પણ જાતની શોધ થઈ જ ન શકે. કશું જ માની લેવાની ના પાડીએ તો આપણને કશું જ ન જડે.

જગતના આદિકાળથી સુજ્ઞ તેમ જ અજ્ઞ સૌ એમ માનીને ચાલ્યા કરે છે કે જો આપણી હસ્તી હોય તો ઈશ્વરની હસ્તી છે અને જો ઈશ્વર નથી તો આપણે પણ નથી. અને ઈશ્વર વિશેની આસ્તિકતા મનુષ્યજાતિના જેટલી જ જૂની છે.

તેથી, સૂર્ય છે એ હકીકત જેટલી સાચી મનાય છે એના કરતાં ઈશ્વર છે એ હકીકત વધારે સાચી મનાય છે. આ જીવંત શ્રદ્ધાએ જીવનમાં વધારે માં વધારે કોયડાઓનો ઉકેલ આણ્યો છે. એ શ્રદ્ધાએ આપણું દુઃખ હળવું કર્યું છે. તે આપણને જીવતાં ટકાવી રાખે છે. મૃત્યુકાળે એ જ આપણું એકમાત્ર આશ્વાસન છે. એની શોધમાં પણ આ અવસ્થાને લીધે જ રસ પડે છે, એ પુરુષાર્થ કરવાનું મન થાય છે. પણ સત્યની શોધ એટલે જ ઈશ્વરની શોધ. સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વર છે કે કેમ કે સત્ય છે એ શોધ આપણે આદરીએ છીએ, કેમ કે આપણે માનીએ છીએ કે સત્યની હસ્તી છે, અને પરિશ્રમપૂર્વક શોધ કરવાથી તથા એ શોધ માટેના જે જાણીતા ને કસોટીએ ચડી ચૂકેલા નિયમો છે તેનું સૂક્ષ્મ પાલન કરવાથી એ સત્યની પ્રાપ્તિ થઈ શકે છે. એવી શોધ નિષ્ફળ ગયાની નોંધ ઈતિહાસમાં ક્યાંય મળતી નથી. જે નિરીશ્વરવાદીઓએ ઈશ્વરના અસ્તિત્વ વિશે અનાસ્થા બતાવી છે તેમણે પમ સત્ય ઉપર તો આસ્થા રાખી જ છે. એમણે યુક્તિ એ કરી છે કે તેમણે ઈશ્વરનું જુદું - નવું નહીં - નામ આપ્યું છે. એનાં નામ ગણ્યાં ગણાય નહીં એટલાં છે. એમાં સર્વશ્રેષ્ઠ નામ તે ‘સત્યનારાયણ’ છે.

સત્યનારાયણ

જે વસ્તુ ઈશ્વરને વિશે સાચી છે તે કંઈક ઓછે અંશે ‘અમુક નૈતિક સત્યો અવિચળ ને શાશ્વત છે’, એવી માન્યતાને વિશે પણ સાચી છે. વસ્તુતઃ ઈશ્વર કે સત્ય વિશેની આસ્થામાં એ નીતિનિયમો વિશેની આસ્થાનો સમાવેશ ગર્ભિત રીતે થઈ જ જાય છે. જેઓ એ નીતિનિયમોથી ચળ્યા છે તેઓ આપત્તિના અપાર સાગરમાં ડૂબી ગયા છે. એ નિયમોને આચરણમાં ઉતરવાની કઠણાઈ અને એ નિયમો વિશેની અનાસ્થા એ બે વસ્તુ એક છે એમ માનવાના ભ્રમમાં ન પડવું જોઈએ. ગૌરીશંકરની શોધ સફળ થવા માટે અમુક શરતોનું પાલન આવશ્યક બને છે. એ શરતો પાળવી કઠણ હોય તેથી એ શોધ અશક્ય બની જતી નથી. એથી તો ઊલટું શોધમાં વધારે રસ આવે છે ને વધારે ઉત્સાહ ચડે છે. ત્યારે ઈશ્વર અથવા સત્યનારાયણની શોધ માટેની આ યાત્રા એ તો હિમાલયની અગણિત યાત્રાઓનાં કરતાં અનંતગણી મોટી છે, અને તેથી ઘણી વધારે રસદાયક છે. આપણને એને માટે જરાય ધગશ ન હોય એનું કારણ એ છે કે આપણી શ્રદ્ધા નબળી છે. આપણને ચર્મચક્ષુથી જે દેખાય છે તે આપણને એકમાત્ર પરમ સત્ય કરતાં વધારે સાચું ભાસે છે.

આપણે જાણીએ છીએ કે આભાસ એ ભ્રમરૂપ છે, માયારૂપ છે. અને છતાં આપણે તુચ્છ ક્ષણજીવી વસ્તુઓને સત્ય માની લઈએ છીએ. તુચ્છ વસ્તુઓને તુચ્છ તરીકે ઓળખી એટલે અર્ધી લડાઈ જીત્યા. એમાં જે સત્યની કે ઈશ્વરની અર્ધી શોધ આવી જાય છે. આપણે એ તુચ્છ ક્ષણજીવી વસ્તુઓના પાશમાંથી છૂટીએ નહીં તો આપણને પેલી મહાન શોધ માટે ફુરસદ સરખી ન રહે; અથવા તો એ શોધ શું ફુરસદના વખતને માટે મુલતવી રાખવા જેવી છે ?

હરિજનસેવકો જાણે કે આપણને ભાન હોય કે ન હોય પણ અસ્પૃશ્યતા સામેનો સંગ્રામ એ આ મહાન શોધનો એક અંશ છે. અસ્પૃશ્યતા એક હડહડતું જૂઠાણું છે. એ વિશે આપણા મનમાં તો શંકા રહી જ નથી, કેમ કે નહીં તતો આપણે લડતમાં ભળ્યા ન હોત. કેવળ પરિશ્રમથી જ અને આ પત્રમાં અનેક વાર વર્ણવાઈ ચૂકેલી સફળતાની શરતોનું યોગ્ય પાલન કરીને જ આપણે એ સત્ય બીજાના અંતરમાં ઉતારી શકીશું.

૩૨. નાસ્તિક આસ્તિક કેમ બને ?

(‘પ્રશ્નોત્તરી’માંથી હિન્દુસ્તાનીમાંથી ભાષાંતર)

પ્ર. - નાસ્તિકવાદીનો વિશ્વાસ ઈશ્વર અને ધર્મ ઉપર કઈ રીતે બેસાડી શકાય ?

ઉ. - એનો એક જ ઉપાય છે. ઈશ્વરભક્ત પોતાની પવિત્રતા અને પોતાનાં કાર્યોના પ્રભાવથી નાસ્તિક ભાઈબહેનોને આસ્તિક બનાવી શકે છે.

આ કામ વાદવિવાદથી નથી થઈ શકતું. એ રીતે બની શક્યું હોત તો જગતમાં એક પણ નાસ્તિક ન રહેત, કેમ કે ઈશ્વરના અસ્તિત્વ ઉપર એક નહીં પણ અનેક પુસ્તકો લખાયાં છે. એટલે આજે એક પણ નાસ્તિક હોવો ન જોઈએ. પણ આપણે જોઈએ છીએ એથી ઊલટું. પુસ્તકો તો વધ્યે જ જાય છે, અને નાસ્તિકોની સંખ્યા પણ વધ્યે જ જાય છે. હકીકતમાં જેઓ નાસ્તિક મનાય છે અથવા પોતાને એવા મનાવે છે તેઓ નાસ્તિક નથી. અને જેઓ આસ્તિક મનાય છે કે પોતાને મનાવે છે તેઓ આસ્તિક નથી. નાસ્તિકો કહે છે, “જો તમે આસ્તિક છો તો અમે નાસ્તિક છીએ.” એમ કહેવું ઠીક પણ છે. કેમ કે પોતાને આસ્તિક માનવાવાળા બધા ખરેખર આસ્તિક નથી હોતા.

તેઓ રૂઢિવશ થઈ ઈશ્વરનું નામ લે છે અથવા જગતને છેતરવા માટે. એવા માણસોના પ્રભાવ નાસ્તિકો પર કઈ રીતે પડા શકે ? એટલે આસ્તિક વિશ્વાસ રાખે કે જેઓ સાચા હશે તો તેમની પાસે નાસ્તિક નહીં નભા. આખા જગતની એ ચિંતા ન કરે. જગતમાં કોઈ નાસ્તિક હોત જ નહીં. જ્ઞાનીઓએ કહ્યું છે : “ઈશ્વરનું નામ લેનારા આસ્તિક નથી પરંતુ ઈશ્વરનું કામ કરનારા આસ્તિક છે.”

૩૩. ઈશ્વર અને દેવો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

એક રોમન કૅથલિક પાદરી જે ગાંધીજીને મળ્યા તેણે કહ્યું : “હિંદુ ધર્મ એક ઈશ્વરને માનતો થઈ જાય તો ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મ સાથે મળીને હિંદુસ્તાનની સેવા કરી શકે.”

“એવો સહકાર થાય એ મને ગમે,” તેમ ગાંધીજીએ કહ્યું, “પણ જ્યાં લગી આજનાં ખ્રિસ્તી મિશનો હિંદુ ધર્મની ઠેકડી કરવાનું અને હિંદુ ધર્મનો ત્યાગ ને નિંદા કર્યા વિના કોઈ સ્વર્ગે જઈ જ ન શકે એમ કહેવાનું ચાલુ રાખે ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. પણ કોઈ ભલો ખ્રિસ્તી મૂકભાવે સેવા કરતો હોય અને ગુલાબના ફૂલની પેઠે પોતાના જીવનની સુવાસ હિંદુ કોમ પર પાડતો હોય એવું ચિત્ર તો હું કલ્પી શકું છું. ગુલાબને એવી સુવાસ ફેલાવવાને વાણીની જરૂર પડતી નથી, એ સુવાસ આપોઆપ ફેલાય જ છે. એવું જ સાચા ધર્મપરાયણ જીવનને વિશે છે. એમ થાય તો જગતમાં શાંતિ સ્થપાય ને માણસો પરસ્પર સદ્‌ભાવ રાખતા થાય. પણ જ્યાં લગી ખ્રિસ્તી ધર્મ લડાયક કે ‘સાબૂત કાંડાબાવડાંવાળો’ રહે ત્યાં સુધી એ બની ન શકે. ખ્રિસ્તી ધર્મનું એ રૂપ બાઈબલમાં નથી જડતું, પણ જર્મની અને બીજા દેશોમાં જોવા મળે છે.”

“પણ હિંદુઓ એક જ ઈશ્વરને માનવા લાગે અને મૂર્તિપૂજા છોડી દે તો આ બધી મુસીબત ટળી જાય એમ આપને નથી લાગતું ?”

“એથી ખ્રિસ્તીઓને સંતોષ થશે ? તેમનામાં એકતા છે ખરી ?”

“ખ્રિસ્તી સંપ્રદાયમાં તો એકતા નથી.” તેમ કૅથલિક પાદરીએ કહ્યું.

“ત્યારે તમે તો માત્ર તાત્ત્વિક પ્રશ્ન જ પૂછ્યો. હું તમને પૂછું છું કે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ બંને એકેશ્વરવાદી મનાય છે છતાં તેમનું જોડાણ થયું છે ખરું ? આ બંને જોડાણ ન થયું હોય તો તમે સૂચવો છો એવી રીતે ખ્રિસ્તી અને હિંદુનું જોડાણ થવાની આશા એથીયે ઓછી રખાય. મારી પાસે એનો ઉકેલ છે; પણ સૌથી પહેલાં તો હિંદુઓ અનેક દેવને માને છે તે મૂર્તિપૂજક છે એ વર્ણનની સામે જ મારો વિરોધ છે. તેઓ જરૂર કહે છે કે દેવો અનેક છે, પણ તેઓ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહે છે કે ઈશ્વર એક છે, અદ્વિતીય છે, ને એ દેવોના પણ દેવ છે. એટલે હિંદુઓ અનેક ઈશ્વરને માને છે એમ કહેવું બરાબર નથી. જગત અનેક છે એમ તેઓ જરૂર માને છે. જેમ માણસોનું વસેલું આ જગત છે અને પશુઓનું જુદું જગત છે, તેમ દેવ નામના આપણાથી શ્રેષ્ઠ સત્ત્વોનું વસેલું એક જગત પણ છે, એ દેવોને આપણે જોતા નથી છતાં તેમની હસ્તી તો છે જ. દેવ કે દેવતા શબ્દને માટે અંગ્રેજી ભાષામાં જે ‘ગૉડ’ શબ્દ વપરાય છે તેને લીધે જ આ બધો ગોટાળો થયો છે.

સંસ્કૃત શબ્દ છે ઈશ્વર, દેવાધિદેવ એટલે કે દેવોના પણ દેવ. હું પોતે પૂરેપૂરો હિંદુ છું પણ ઈશ્વર અનેક છે એમ કદી માનતો નથી. નાનપણમાં પણ માનતો નહોતો, મને એવું કોઈએ શીખવ્યું નહોતું.”

૩૪. ઈશ્વર પોતે નીતિ છે

(‘પ્રશ્નોત્તરી’માંથી)

માં આપે લખ્યું છે : “ઈશ્વર પોતે નીતિ છે, અને નીતિકાર છે.” આ બરાબર સમજાતું નથી. નીતિ તો માણસે યોજી કાઢી છે. અપૂર્ણ માનવીની નીતિમાં કાળક્રમે ફેરફારો થતા રહ્યા છે.

એક દાખલો ટાંકું. દર્પદીએ પાંચ પાંચ પતિ પસંદ કર્યા, છતાં તેના કાળમાં તે સતી ગણાઈ. આજે કોઈ સ્ત્રી એવું કરે, તો તેને આપણે વ્યભિચારિણી કહીશું.

ઉ. : નીતિનો અર્થ અહીં કાયદો, એવો કરવાનો છે. એ માણસે ઘડ્યો નથી. પણ ઈશ્વરના કાયદાને વિશે એણે અનુમાન કર્યું છે. તેથી, એમ કહી શકાય કે, વધારે જ્ઞાનથી આગલાં અનુમાનો ખોટાં હતાં, એમ એને જણાય છે. પૃથ્વી ફરે છે, એ કુદરતનો કાયદો છે, નીતિ છે, તેનો નિયમ છે, એમ આજે આપણે છાતી ઠોકીને કહીએ છીએ; પણ ગૅલિલિયોની પૂર્વે જે ખગોળવેત્તાઓ થઈ ગયા, તેમણે જુદાં અનુમાન કાઢ્યાં હતાં. દ્રૌપદીનો દાખલો તમે આપ્યો છે, તેમ હું ન આપું. મહાભારતને હું એક મોટું રૂપક માનું છું. દ્રૌપદી એટલે આત્મા અને તે પાંચ ઈન્દ્રિયોને વરેલ છે.

૩૫. ઈશ્વરનું ઋણ

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

વળી એક દિવસ તેમણે કહ્યું કે, “હમણાં આ બહેનોએ જે ગીત ગાયું તેમાં કવિ કહે છે કે, ઈશ્વર ક્યાંય નજરે પજતો નથી અને છતાં તે બધી જગ્યાએ હાજર છે. આપણા નખ જેટલા આપણી પાસે ગણાય, તેનાથી પણ તે આપણી વધારે નજદીક છે. એમ બને કે, ખુદ આપણે આપણા બધા વિચારોને જાણી ન શકીએ, પણ તે આપણા એકેએક વિચારને જાણી લે છે.

જે ઈશ્વરને ભરોસે ચાલે છે, તેને કોઈનો ડર નથી, કોઈથી બીવાનું નથી. જેને તેનો આશરો છે, તેને સરકારની કે અમલદારોની બીક કેવી ? સરકાર પોચે કાયમ ટકે એવી નથી. હંમેશ રહેનારો તે એક ઈશ્વર છે અને તેની નજર બહાર કળું નથી.”

૨૦મી જુલાઈના પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું કે, “ગાથાના આજે ગવાયેલા શ્લોકોમાં કહેવામાં આવ્યું છે કે, ‘હું હંમેશ પાક અથવા પવિત્ર મનથી, પાક અથવા નેક કામોથી, શુદ્ધ વાણીથી અને નીતિને રસ્તે ચાલીને તને યાદ કરતો રહું,’ આ ચારે શરતો પળાય નહીં, ત્યાં લગી ઈશ્વરની પાસે પહોંચવાની કોઈએ આશા ન રાખવી.”

એમાં જ કવિ આગળ કહે છે કે, “તેં અમારે ખાતર બધું કર્યું છે.

અમે તને નમસ્કાર કરીએ છીએ. અમે હંમેશ તારા દેણદાર રહીશું.”

ઈશ્વરના દેણદાર એટલે શું ? અને ઈશ્વરનું ઋણ તે વળી શું ? અને તેને કેમ ફેડાય ? આવો સવાલ કરીને ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે,

“પોતાના ધર્મનુ પાલન કરવાથી આ ઋણ અદા કરી શકાય. પણ દેહધારી પોતાના ધર્મનુ પાલન પૂરેપૂરું કરવા સમર્થ નથી, અને તેથી તેની માથે ઈશ્વરનું ઋણ કાયમ ઊભું જ રહેવાનું.”

૩૬. પરમેશ્વર જેને હું ભજું છું

(‘પૂર્ણાહુતિ’માંથી)

મારા અભિપ્રાય મુજબ આ પૂર્ણાહુતિ લાખો જનતાની પ્રાર્થનાનું ફળ છે. મારા એ દરિદ્રનારાયણોને હું ઓળખું છું. ચોવીસે કલાક મને એમનું રટણ છે. સવારે જાગતાં ને રાત્રે સૂતાં એમનું જતન એ જ મારું ભજનપૂજન છે.

કારણ એ મૂંગા દર્દ્રનારાયણાના અંતરમાં વસતા પ્રભુ સિવાય બીજા ઈશ્વરને હું નથી ઓળખતો. તેમને એ અંતરજામીની ઓળખ નથી, મને છે. અને હું જનતાની સેવા વાટે જ પરમેશ્વરને સત્યરૂપે કે સત્યને પરમેશ્વરરૂપે ભજું છું.

૩૭. મારો આશરો

(તા. ૯ ઑક્ટોબર, ૧૯૨૪એ હિંદુ-મુસલમાન વચ્ચે ઐક્ય સ્થાપવા શરૂ કરેલા ઉપવાસના ૨૦મા દિવસે ગાંધીજીએ નીચે પ્રમાણે લખ્યું :)

મારા પ્રાયશ્ચિત અને મારી પ્રાર્થનાનો આજે વીસમો દિવસ છે. થોડા વખતમાં જ હું શાંતિની દુનિયા છોડી સંઘર્ષની દુનિયામાં દાખલ થનાર છુ.

આનો હું જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ હું વધારે અસહાયતા અનુભવું છું. એકતા સંમેલને શરૂ કરેલું કાર્ય હું પૂરું કરું એવી અનેક લોકો મારી પાસેથી આશા રાખે છે. કેટલાંયે એમ ઈચ્છે છે કે હું રાજકીય પક્ષો વચ્ચે સંપ કરાવું. હું જાણું છું કે મારાથી આમાંનું કશું થઈ શકે તેમ નથી. ઈશ્વર જ સૌ કંઈ કરી શકે ચે. હે ઈશ્વર ! મને તારું લાયક સાધન બનાવ અને મારી પાસે તારી મરજી મુજબ કામ લે.

માનવી કશી વિસાતમાં નથી. નેપોલિયને ઘણી યોજનાઓ ઘડી પણ આખરે સેન્ટ હેલિનામાં કેદી થઈને રહેવું પડ્યું. બળવાન કૈસરે યુરોપનો તાજ પહેરવાની આશા સેવી અને તે એક સામાન્ય ગૃહસ્થની દશાએ ઊતરી ગયો.

ઈશ્વરની એવી જ ઈચ્છા હતી. આવાં દૃષ્ટાંતો વિચારી આપણે નમ્ર બનીએ.

પ્રભુની કૃપા, અનુગ્રહ અને શાંતિના આ દિવસોમાં અમે સત્યાગ્રહ આશ્રમમાં ઘણી વાર ગાઈએ છીએ તે ભજનનું રટણ કર્યા કરતો હતો. એ એટલું સરસ છે કે એનો મુક્ત અનુવાદ વાચક સમક્ષ કરવાનો આનંદ હું રોકી શકતો નથી. ભજનના શબ્દો એવા છે કે હું પોતે બીજું કંઈ પણ લખીને જે ભાવ વ્યક્ત કરી શકું તેના કરતાં મારી સ્થિતિનું દર્શન એના વડે વધારે સારી રીતે થાય છે.

એ આ પ્રમાણે છે :

૩૮. ઈશ્વર એ જ અવિનાશી છે

(‘સાપ્તાહિક પત્ર’માંથી - પ્યારેલાલ)

ગયા ગુરુવારે ગાંધીજી પ્રાર્થનામાં અકસ્માત થોડી મિનિટ મોડા પડ્યે.

એ વાત તમેના પ્રાર્થના પછીના પ્રવચનનો વિષય બની. એક મહારાજા તેમને મળવા આવ્યા હતા. તેમણે ગોધીજીને નિશ્ચિત સમય કરતાં વધારે રોકી રાખ્યા હતા. પરિણામે ગાંધાજી પ્રાર્થનાસ્થલે પહોંચ્યા ત્યારે પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી. પ્રાર્થના પછીના પ્રવચનમાં તેમણે મોડા આવવા માટે ક્ષમા માગી અને કહ્યું કે, મારી રાહ જોયા સિવાય કનુ ગાંઘીએ પ્રાર્થના શરૂ કરી દીધી. તેથી મને આનંદ થયો. તે મારો સ્વભાવ જાણે ખરો ને ? “મેં પ્રાર્થનાનો મધુર અવાજ સાંભળ્યો, ત્યારે મને આનંદ થયો. હમેશાં આપણો આ જ ધારો હોવો જોઈએ. ગમે તેટલો મોટો માણસ આવનાર હોય, તો પણ તેને માટે આપણી પ્રાર્થના થોભે નહીં. ઈશ્વરનું ઘડિયાળ કદી થોભતું નથી, કોઈને પૂછતું નથી.

એ ઘડિયાળ ક્યારે શરૂ થયું, તે કોઈ જાણતું નથી. ખરું જોતાં ઈશ્વર અને તેનું ઘડિયાળ કદી શરૂ નથી થયાં. તે હમેશાં હતાં અને હમેશાં રહેશે. ઈશ્વર કોઈ મનુષ્ય નથી. તે કાયદો છે, કાયદાનો બનાવનારો પણ તે જ છે. તેને કોઈએ જોયો નથી. ઘણા મહાપુરુષોએ તેની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ વેદથી આગળ ગયું નથી. વેદોના પ્રણેતા વેદવ્યાસે ઘણો પ્રયત્ન કર્યો.

પોતાના અંતરમાં પેસીને જોયું. છતાં કંઠમાંથી નીકળ્યું

(આ નહીં, આ નહીં) તેને કોઈ વસ્તુ હલાવી શકતી નથી, પણ તેની મરજી વગર ઘાસનું તણખલુંયે હાલતું નથી. તે અનાદિ છે, અનેત છે. જે વસ્તુ પેદા થાય છે, તેનો નાશ પણ થાય છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, એ બધાંનો એક દિવસ નાશ થનાર છે, ભલે અગણિત વરસો કાં ન થાય. એક ઈશ્વર અમર છે. તેનો કદી નાશ નથી. તેનું વર્ણન કરવા માણસ શબ્દો ક્યાંથી લાવે ?” તેનું ઘડિયાળ કદી થોભતું નથી. તેની પ્રાર્થનાનો સમય કોઈથી કેમ ચુકાય ?