પ્રિત કરી પછતાય - 1 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત કરી પછતાય - 1

પ્રિત કરી પછતાય*

1

(પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ.

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જાય તો એનુ પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે.અને એનો અંજામ હમેશા બહુજ કરુણ હોય છે.પછી એ પ્રેમમા ગમે તેટલી પવિત્રતા કે સચ્ચાઈ કેમ ન હોય.)

વાંચો....


*પ્રિત કરી પછતાય*

1

"હમ મે હે ક્યા કે હમે

કોઈ હસીના ચાહે"

નવાબ સાહેબના આ ગીતની કડી કાન સાથે અથડાતા જ.દાઢી ઉપર સાબુનુ બ્રશ ફેરવતા સાગરનો હાથ થંભી ગયો.બીજો હાથ લંબાવીને બાજુના ટેબલ ઉપર વાગતા રેડીયાનું બટન એણે *ઓફ* કર્યું. પછી ઘણા ધ્યાનથી એણે પોતાના ચહેરાને દર્પણમાં નિરખ્યો.પોતાના ચહેરાની બદસુરતી જોઈને એની જીભ ઉપર ફરી એજ ગીતના શબ્દો આવી ગયા.

" હમ મે હે ક્યા કે હમે

કોઈ હસીના ચાહે"

એક પ્રશ્ન એણે પોતાની જાતને પુછ્યો. કે.

"એવુ તો શુ છે મારામા કે કોઈ સુંદર છોકરી મને પ્રેમ કરે?"

અને ફરીથી પોતાની દૃષ્ટિ એણે અરીસા મા સ્થિર કરી.

આકાશ સાથે જાણે વર્ષો જૂની અદાવત હોય એવી રીતે આકાશને ઘુરતુ ઉંચુ નાક.અને કોહિનૂર મિલના ભૂંગળા ની જેમ હંમેશા ફુલાયેલા રહેતા એ નાકના નસકોરા.

નાકના ટેરવા ઉપર રહેવું જાણે અસહ્ય લાગતું હોય એવી રીતે હમેશા પડવાની તૈયારીમાં રહેતા સોડાબોટલના તળિયા જેવા કાચના.જાડી ફ્રેમના ચશ્મા.

એ ચશ્માની પાછળ ઉંડી ઉતરી ગયેલી આંખો.દોરીથી પણ પાતળા હોઠ.

ભર જુવાની મા જ ગાલમા પડી ગયેલા ખાડા.જેને લીધે ચહેરા ઉપર ઉપસી આવેલા હાડકા એની બદસુરતી પર ચાર ચાંદ લગાવતા હતા. છ ફૂટની પાતળી અને લાંબીલસ કાયા.ચાલતા ફરતા હાડપિંજરની કાર્બન કોપી લાગતી હતી.ચોવીસ વર્ષની ઉંમરમાં પચાસ વર્ષના બુઢ્ઢા ની જેમ થોડીક વાંકી વળી ગયેલી પીઠ.પૌરુષત્વ વગરની દબાયેલી ચપટી છાતી.અને શાહુડી ના પીછા જેવા રૂક્ષ અને બરછઠ વાળ.

ખરેખર પોતે એક બદસુરત ઈન્સાન હતો.ખુદ પોતાની જાતને દર્પણમાં જોતા પણ એ ખચકાતો હતો.આજે પણ પોતાના રૂપને અરીસામાં જોઈને એનાથી એક ઊંડો નિસાસો નંખાઈ ગયો.અને ફરીથી પેલા ગીતની કડી એના હોઠ ઉપર આવી ગઈ.

* હમ મે ક્યા કે હમે

કોઈ હસીના ચાહે.*

ખરેખર મારામાં એવું કોઈ જ આકર્ષણ નથી.કે કોઈ હસીના તો શુ કોઈ કાળી કુબડી પણ મને ચાહે.

પછી

*એણે*

મારામા.એવુ તે શુ જોયુ કે એ મને ચાહવા લાગી? મારા આ બેડોળ શરીરના ક્યાં આકર્ષણથી અંજાઈને

*એ* મારા તરફ આકર્ષાઈ ગઈ? શા માટે એણે મને પોતાનો જ માની લીધો હતો?આખર શા માટે?

સાગરને *એ * યાદ આવી ગઈ. જેણે હજી હમણાં જ તો સોળમા વર્ષના ઉંબરામાં પગ મુક્યો હતો.વાને થોડીક શ્યામલી હોવા છતા.અત્યંત આકર્ષક હતી.નટખટ અને ચંચળ હતી. દરેક રીતે એ કોઈ પણ સાધારણ સુંદરી કરતા ચડિયાતી જ હતી.અને નામ પણ કેવું ગજબનું.પોતાના જ નામ સાથે બંધ બેસતુ હતુ

*સરિતા*

*સાગર અને સરિતા*

અને આ સરિતાએ મનોમન સાગરને પોતાનો માની લીધો હતો.જે દિવસે સરિતાએ સાગર આગળ પોતાના પ્યારનો એકરાર કર્યો હતો એ દિવસે સાગરના બેડરૂમમાં ભજવાયેલું એ દ્રશ્ય સાગરની નજરની સામે તરી આવ્યુ.

સરિતા અને સાગર પલંગ ઉપર એકલા જ.પણ દૂર દૂર બેઠા હતા. સરિતા કોઈ ફિલ્મી મેગેઝીન ના પાના ફેરવી રહી હતી અને સાગર એનાથી થોડેક દૂર પતરાની દીવાલને પીઠ ટેકવીને બેઠો હતો.અને બેઠા બેઠા ચોરી છૂપીથી સરિતાના સૌંદર્ય નુ રસપાન પણ કરી રહ્યો હતો.પૂનમના ચંદ્ર જેવો સફેદ અને સુંદર ચહેરો.અને એ ચહેરા ઉપર કાળી પણ મારકણી તેજ આંખો.અણિયાળુ અને નમણુ નાક.એ નાકની બરાબર નીચે ગુલાબની પંખડીઓ જેવા ગુલાબી અને પાતળા હસુ હસુ થતાં હોઠ.અને એ બંને હોઠોની વચ્ચે મોતી જેવા સફેદ દાંત.પાતળી પણ સુડોળ અને સપ્રમાણ કાયા.સરિતાનુ પ્રત્યેક અંગ એની ખૂબસૂરતી ની સાબિતી આપતું હતુ.

સાગર. સરિતાના રૂપને નિરખી રહ્યો હતો.અચાનક સરિતાએ મેગેઝીનના પાના ફેરવવાનું બંધ કર્યું અને પોતાની નજર સાગર ઉપર નાખી.સાગર અને સરિતા ની આંખો પરસ્પર ટકરાઈ. જાણે બે તલવારો આપસમા અથડાઈ. બે તલવારો અથડાતા જેમ તણખા ઝરે. એવો અનુભવ સાગરને થયો.સરિતાની શરબતી આંખો માથી ઉછળતી મસ્તી જોઈને સાગર શરમાઈ ગયો.

સરિતા સાગર સામે મીઠું મલકી.પણ સાગર સરિતાની કાતિલ નજર નો વધુ વાર સામનો ન કરી શક્યો.એની પાંપણો ઓટોમેટીક નીચે ઝૂકી ગઈ.સરિતા એ પણ થોડીવાર માટે પોતાની નજર એક બાજુ ફેરવી લીધી.

જે પલંગ ઉપર એ બંને બેઠા હતા એની બરાબર સામે જ એક આદમકદ નો આયનો હતો.એ આયનામાં સરિતા એ પોતાનુ પ્રતિબિંબ જોયુ.તો એને લાગ્યું કે એના ગોરા ગાલ.શરમથી લાલ થવા લાગ્યા છે.એની છાતી સંગીતના તાલ સાથે તાલ મેળવતી હોય એમ ઊંચી નીચી થવા લાગી છે.એનો શ્વાસ રાજધાની એક્સપ્રેસ ની ઝડપે દોડી રહ્યો છે.તેને લાગ્યું કે પોતે મદહોશ થવા લાગી છે.પોતાની આ હાલતને આયના માં જોઈને સરિતાને ગભરામણ થવા લાગી.જે વાત નો સાગર આગળ પોતાને એકરાર કરવો છે તે પોતાનાથી થઈ શકશે યા નહીં?આ સવાલ સરિતાને મુંઝવી ગયો.

આયના ઉપરથી નજર હટાવી એણે સાગરની સામે જોયુ.તો સાગર પહેલા ની જેમ જ એને જોઈ રહ્યો હતો. થોડીવાર બન્ને ખામોશ વદને એકબીજા ને નિરખી રહ્યા.પછી અચાનક સાગરથી હસી પડાયુ.તો સાગરના હસવામાં સરિતાએ પણ સાથ પુરાવ્યો.પણ પછી હસતા હસતા સરિતા એકાએક ખામોશ થઈ ગઈ.પોતાની નશીલી આંખોને એણે સાગરની ચશ્મા માથી ડોકાતી આંખોમા પરોવી.અને ધીમેથી એ સાગરની નજદીક સરકી.દીવાલનો ટેકો છોડીને સાગર ટટ્ટાર થઈને બેઠો.સરિતા ધડકતા હૃદયે બોલી.

" સાગર મારે તમને કંઈક કહેવું છે."

સરિતા આખરે શુ કહેવા ઈચ્છતી હશે સાગરને વાંચો આગળ ના ભાગમા