પ્રિત કરી પછતાય*
7
ખુશીથી ઉછળતા અશ્વિને મનોમન નકકી કરી લીધુ હતુ કે બસ હવે નિશા મારી જ છે.ફકત હવે નિશા એના મુખે થી કહે એટલી જ વાર.મુખમા પેંડો લઈને પ્રશ્નાર્થ ભરી નજરે એણે નિશા સામે જોયુ.અને પૂછ્યુ.
"બોલ હવે શુ ખુશ ખબર છે?"
એણે એની જીભે પૂછ્યું તો ખરુ.પણ એના હૃદય મા આ જવાબ એણે તૈયાર જ રાખ્યો હતો કે.
"અશ્વિન હવે હું તારી જ છુ.મારા મમ્મી પપ્પાને આપણા લગ્ન માટે મે મનાવી લીધા છે."
પણ જે માણસ પોતાના સુખ ખાતર બીજાની જિંદગી સાથે અડપલા કરે છે. એના માટે ભગવાન પણ દરેક રસ્તા ઉપર દુઃખના ડુંગર જ ખડકતો હોય છે. બીજાને પાડવા માટે ખોદી રાખેલા ખાડા માં એ માનવી પોતે જ પડે છે.
નિશા સાથે સુખની જિંદગી જીવવાના સપનાઓ જોતા અશ્વિને નિર્દોષ નંદા ની જીંદગી બરબાદ કરી હતી.તો આ અશ્વિન સુખની જિંદગી કેવી રીતે જીવી શકે?
હવે નિશાએ આ ખુશખબરી અશ્વિનને ઘણી જ સ્પષ્ટતાથી સંભળાવી.
"એક શરીફ અને સુંદર યુવાન સાથે આજે જ મારી સગાઈ થઈ છે.અને આ મહિનાના અંત સુધીમાં અમે પરણી જવાના છીએ."
નિશાના આ શબ્દો સાંભળીને ડઘાઈ ગયો અશ્વિન.એનુ હૃદય એક ધબકારો ચુકી ગયુ.એ આશ્ચર્યથી આંખો ફાડી ફાડીને નિશાને જોતો જ રહી ગયો. નિશા પોતાને બનાવી તો નથી રહી ને? મારા હ્રદય પર એની આ વાતની શુ અસર થાય છે.ફકત એટલુ જોવા તો નથી માંગતી ને? સત્ય હકીકત શુ છે તે જાણવા એણે કંપતા સ્વરે પૂછ્યુ.
"આ..આ તુ.. તુ.. શુ કહે છે નિશા?તુ.તુ મને ડરાવી રહી છેને?"
"હું જે કહી રહી છું એ શિશા જેવુ સાફ છે અશ્વિન.આજથી તારો અને મારો જે કંઈ પણ વધ્યો ઘટ્યો સંબંધ હતો એ હવે પૂરો થાય છે.તુ તારા રસ્તે અને હુ મારા રસ્તે."
નિશાએ એકી શ્વાસે પોતાનુ વાક્ય પૂરુ કર્યુ.જાણે જોરદાર લપડાક પડી હોય ગાલ પર એવી વેદના અશ્વિનને થઈ.
"પણ આમ અચાનક સંબંધો તોડવા નુ કોઈ કારણ."
એણે દર્દ ભર્યા સ્વરે પૂછ્યુ.
"કારણ? આપણો સંબંધ તો તારા લગ્ન થયા એ દિવસે જ તારા લગ્નની વેદી મા સળગીને ખાખ થઈ ચૂક્યો હતો.પણ તે છતા મે ચાલુ રાખ્યો હતો ફકત તારી સાથે બદલો લેવા."
"બદલો?"
ચોંકી પડતા અશ્વિને પૂછ્યુ.
જવાબમા નિશાએ આંખોથી અને શબ્દોથી અંગારા વરસાવ્યા.
"હા બદલો લેવા.તે મને કેવા કેવા સપનાઓ દેખાડ્યા હતા.યાદ છે?પણ તારા લગ્નની ચિતા મા તે બધુ જ સળગાવીને રાખ કરી નાખ્યુ હતુ.મારા સપનાઓ અને આપણા સંબંધો બધુ જ.બધુ જ અશ્વિન તે રાખ કરી નાખ્યુ હતુ.અને તારા લગ્ન પછી મેં તને સપના ઓ દેખાડવાના શરૂ કર્યા.જે હવે મારા લગ્નની ચિતામાં બળીને રાખ થઈ જશે."
પોતાના બળતા હ્રદયની બળતરા ઠાલવી ને નિશા ચાલી ગઈ.અને અશ્વિન બુત બનીને એને જાતા જોઈ રહ્યો.જે હાલ આજે નિશાએ અશ્વિન ના કર્યા હતા.જે રીતે અશ્વિનને નિશાએ રઝળતો છોડ્યો હતો.એ ઉપરથી પેલી કહેવત બરાબર અશ્વિન ઉપર સાર્થક થતી હતી કે.
*ધોબી નો કૂતરો ન ઘરનો ન ઘાટનો.*
નિશાના પ્રેમમાં અંધ બનીને એ પત્નીને તંગ કરતો રહ્યો.અને આખરે પત્ની એને મૂકીને હંમેશ માટે ચાલી ગઈ.ત્યારે આજે નિશાએ પણ પોતાના હાથ ખંખેરીને એનાથી કિનારો કરી લીધો.અને એને રસ્તે રઝળતો કરી મુક્યો....
અને હવે પોતાની જુવાનીની ભડકતી જ્વાળા ને શાંત કરવા અશ્વિન પાસે હવે એક જ રસ્તો હતો કે એ કોઈ રમકડું ગોતી લે પણ એ કોઈ રમકડું ગોતે એ પહેલા એ જ ઉષાના હાથમાં રમકડું બનીને ફસાયો.બાવીસ વર્ષના અશ્વિન અને આડત્રીસ વર્ષની ઉષાના વચ્ચે પ્રેમ પાંગર્યો.એક યુવાન તો બીજી આઘેડ.
ક્યારેક નેશનલ પાર્ક મા તો ક્યારેક સિનેમાના હોલ મા બંનેની મુલાકાતો વધવા લાગી.અને આજે પણ ઉષાના આમંત્રણ ને વશ થઈને જ એ અહી આવ્યો હતો.સાગરને આજ સુધી આ વાત સમજાણી ન હતી કે આધેડ ઉંમર ની ઉષાના ચક્કરમાં અશ્વિન જેવો ચબરાક.ભલભલાને ભૂ પિવરાવે એવો ચાલાક છોકરો ફસાયો કઈ રીતે.
આજે અશ્વિન પાસે જ આ વાતનો ખુલાસો મેળવવાનો સાગરને મન થયુ.
"યાર અશ્વિન.મને આજ સુધી આ વાત સમજાઈ નથી કે ઉષાની માયાજાળ મા તુ ફસાયો કઈ રીતે?"
એક કડવુ સ્મિત ચેહરા પર ફરકાવતા અશ્વિન બોલ્યો.
"આ ઔરત ચીજ જ એવી છે.કે અચ્છા અચ્છા એની આગળ પાણી ભરે.અરે.મોટા મોટા મહાત્માઓ પણ સ્ત્રીની માયાજાળમાં ફસાઈ જાય છે તો હું કોણ? આખરે સાધારણ માનવી જ ને."
"તુ વાત તો કર."
સાગરે આગ્રહ કર્યો.પણ અશ્વિન પોતાની મસ્તીમાં મસ્ત હતો.
"હું તો એક મામુલી માનવી છુ દોસ્ત. બાકી એટલુ તો કહેવું જ પડશે.કે આ હુસ્નની માયા જાળ પૃથ્વી પર ફેલાયેલી ન હોત ને તો આ મોટા મોટા ગ્રંથો જે લખાયેલા છે એ કદાપી ના લખાત." "તારો મતલબ સમજાયો નહી."
"એમાં સમજવા નુ શુ છે.સાવ સીધી વાત છે જો સીતાના રૂપમા મોહિત થઈને રાવણે સીતાનુ હરણ ન કર્યુ હોત તો રામાયણ લખાત? દ્રોપદીના રુપ પાછળ પાગલ થઈને દુશાસને એના ચીર ના ખેંચ્યા હોત તો મહાભારત પણ ન સર્જાયું હોત.સમજ્યો."
અશ્વિનની વાત આમ તો એકદમ સચોટ હતી.પણ સાગર એના લાંબા લેક્ચર થી કંટાળી ગયો હતો.
"રામાયણ અને મહાભારતને હાલ તો સાઈડ પર મુક.અને મને એટલુ સમજાવ કે તું આ ઉષા કાંડ માં કઈ રીતે સલવાયો"
"તારાથી મે ક્યારેય કોઈ વાત છુપાવી નથી સાગર.અને આ ઉષા ની વાત પણ નહીં છુપાવુ.ફુરસદના સમયે તને બધુ જ કહી દઈશ."
"અત્યારે ફુરસદ જ છે ને? ક્યા તારે ઘેર જઈને પાડા દોહવાના છે?"
"પાડા તો નથી દોહવાના યાર.પણ.."
પણ કહીને અશ્વિન અટક્યો.અને એનો આ પણ સાગરને ખટક્યો.
"પણ શુ?"
"એકાદુ પિક્ચર જોઈ નાખવાનો મૂડ થાય છે.તુ પણ ઘરે યા ઓફિસે જઈને શું કરવાનો? ચાલ બાર થી ત્રણ જોઈ નાખીએ."
"કેમ ઉષા ની વાટ નથી જોવી?" અશ્વિનને છેડવા ખાતર સાગરે પૂછ્યુ. અને ખરેખર અશ્વિન છેડાઈ ગયો."
"આવવુ હોય તો આવે નહીં તો જાય.."
"ક્યા?"
એમ પૂછવુ હતુ સાગરને.પણ પાછો અશ્વિન ભડકશે એ બીકે એ ચુપ જ રહ્યો,