Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 118

(૧૧૮) વીરાંગના ચાંદબીબી

 

         દક્ષિણ ભારતમાં પાછા ફરેલા બુરહાનદીનને અહમદનગરના સુલતાન બનવામાં સફળતા મળી ઇ.સ.૧૫૯૧ માં, એણે પોતાને અહમદનગર રાજ્યના સ્વતંત્ર સુલતાન તરીકે પોતાની જાતને જાહેર કરી દીધો.

         બાદશાહ અકબરને આપેલા વચનો એ ઘોળીને પી ગયો. ખાનદેશ, બીજાપુર અને ગોવળકોંડાના રાજ્યો જીતવા બુરહાનુદીન મદદરૂપ નીવડશે એ આશા હવે રહી નહિ.

         આખી યોજના નવેસરથી વિચારવી પડી.

         ૨૭, ઓગષ્ટ, ૧૫૯૧ માં સમ્રાટ અકબરે દક્ષિણના ચારે રાજ્યો પર પોતાના, પ્રતિનિધિઓ મોકલ્યા. દૂતોએ સંદેશો આપ્યો.

         “શરણાગતિ સ્વીકારો નહિ તો સામનો કરવા તૈયાર રહો.” ખાનદેશનો સુલતાન નિર્બળ હતો. મોગલસેનાના ડરે એણે શરણાગતિ સ્વીકારી.

         બાકીના ત્રણ રાજ્યના સુલતાનો, મોગલ બાદશાહના અનધિકૃત હસ્તક્ષેપથી ચોંકી ઉઠ્યા, દૂતની વાત સાંભળી નારાજ થયા. ગુસ્સે થયા. શરણાગતિ કે આધિપત્ય સ્વીકારવાની ના પાડી.

         ફૈઝીને બે હજાર ઘોડેસવારોનો મનસંબદાર બનાવવામાં આવ્યો. “દીને-ઇલાહી” માં ઓટ આવી હતી. બાદશાહનું ધ્યાન હવે દક્ષિણના વિજય તરફ ઝુક્યું હતું.

         બાદશાહનો એક પુત્ર મુબારક ખૂબ દારૂ પીતો હતો. ઇ.સ.૧૫૯૩ માં એનું કરૂણ અવસાન થયું. ઉપરાઉપરી આઘાતોના પરિણામે માત્ર ૫૧ વર્ષની વયે બાદશાહ અકબરનું મુખ કરચલીઓથી ભરાઈ ગયું. માથાના વાળ સફેદ થઈ ગયા. શરીરમાં શિથિલતા આવી ગઈ. છતાં સામ્રાજ્યની વૃદ્ધિની લાલસા વધવા લાગી.

         ગુજરાતના સૂબેદાર તરીકે રહીમખાન પાસે શાહજાદો મુરાદ તાલીમ લઈ રહ્યો હતો. ખૂઁખાર સેનાપતિ અઝીઝ કોકા પણ ગુજરાતમાં જ હતો.

         અહમદનગર રાજ્ય પર ચઢાઈ કરવા માટે ભારે સૈનિક તૈયારી ચાલી રહી હતી.

         ઇ.સ.૧૫૯૪ ની સાલ આવી.

         “મોગલસેનાને અહમદનગર તરફ મુરાદના નેતૃત્વ હેઠળ દોરી જાઓ.” બાદશાહી ફરમાન છૂટ્યું.

         ગુજરાતમાંથી સૂબેદાર મુરાદ, અઝીઝ કોકા, રહીમખાન વગેરે સાથે મોગલસેના અહમદનગર કૂચ કરી ગઈ.

         ૧૦ નવેંબર, ૧૫૯૪ માં ફિરોજાખાનને અજમેરનો સૂબો નિમવામાં આવ્યો. એને અહમદનગર રાજ્યની સંભવિત ચઢાઈને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો કે, “રાજપૂતાનાના સૈનિકો અને ખેડૂતોથી પૂરેપૂરા પરિચિત થઈ જાઓ. ન્યાયપૂર્ણ શાસન મારફતે તેઓની સમૃદ્ધિ અને સુખ વધારો.”

*                    *                         *                        *

ઇ.સ.૧૫૯૫ ની સાલ હતી.

         મોગલ શાહજાદા મુરાદની સેનાએ અહમદનગરને ચારે બાજુથી ઘેરી લીધું. તે વખતે મુરાદને ખબર ન હતી કે, અહમદનગરમાં એક અબળા પ્રબળા બનીને તેને હંફાવશે.

         અહમદનગર રાજ્યપર ચાંદબીબીનું શાસન હતું. દેશની સાચી શાસક એજ હતી. તે હુસેન નિઝામશાહની કન્યા અને અલી આદિલશાહની પત્ની હતી, એનું ખાનદાન ઉચ્ચ હતું. એ બુદ્ધિશાળી, યુદ્ધમાં માહિત અને રાજનીતિજ્ઞ હતી.

         “નાદિરત-ઉલ-જમાની” (સંસારમાં પોતાના સમયની અનુપમ) મહિલા તરીકે ચાંદબીબીની ગણના થતી હતી.

         મોગલસેનાએ જ્યારે અહમદનગરને ઘેરી લીધું ત્યારે એનું લોહી તપી ગયું. એણે બુરખો ઓઢ્યો, હાથમાં શમશેર લીધી.

         “મૈં ભી જંગે મૈદાન મેં જાઉંગી.”

         એણે ગર્જના કરી. તે અહમદનગરના સરદારોમાં થયેલી ફાટફૂટ વિષે પૂરેપૂરી માહિતગાર હતી. અહમદનગરમાં બે પક્ષ હતા. એક શિયા મુસલમાનો અને બીજો સુન્ની મુસલમાનોનો. આ પક્ષાપક્ષી અને ઇર્ષા માંથી વૈરભાવના જન્મી અને દેશદ્રોહીઓની ટોળી ઉભી થઈ. આ ટોળીએ શાહજાદા મુરાદને સંદેશો મોકલી દીધો. “આપ બહારથી આક્રમણ કરો, અમે અંદરથી.”

         દિવસે દિવસે પરિસ્થિતિ વધારે બગડતી હતી. છતાં ચાંદબીબી હિંમત ન હારી.

         એણે એક જગ્યાએ પોતાના બધાજ સરદારોને ભેગા કર્યા.

         “દુશ્મન જ્યારે મોતનું તાંડવ ખેલવા આવ્યો છે ત્યારે આપણે એક થવાની જરૂર છે. જો આપણી એકતા તૂટશે તો મોગલ સેના આ રાજ્યની ભયંકર દુર્દશા કરશે. આપણે છેલ્લા શ્વાસ સુધી સામનો કરીએ.”

         સૌના મનમાં વાતનો મેળ બેસી ગયો. અલ્પ સંખ્યામાં આવી ગયેલા દેશદ્રોહીઓ કાંઈજ ન કરી શક્યા. કેટલાક નાદાન લોકો પસ્તાવાની આગમાં શેકાઈને પવિત્ર થઈ ગયા.

         “ખુદાને મૌકે પર આપ કો સહી સબક દેને ભેજા વર્ના હમારે સર પર કલંકકા ટીકા ઔર વતનપર કત્લેઆમ કા કહર ફેલ જાતા. અબ હમ મોગલસેના સે વો ટક્કર લેંગે જિસે, વે હંમેશા યાદ રખેંગે. આપ કિલે મેં બૈઠકર હમેં રાસ્તા દિખાયે, હમ ચલતે જાયેંગે.”

         પરંતુ કિલ્લામાં બેસી રહે એવી ચાંદબીબી ન હતી. એણે ઉત્તરમાં ગયેલા સિપાહીઓના મોંઢે રાણિ પદ્મિની, રાણી દુર્ગાવતી, રાણી જવાહરબાઈ વગેરે રાજપૂતાણીઓની ગાથા સાંભળી હતી. તલવાર હાથમાં લઈને ગુજરાતના બહાદુરશાહની સેના સામે ટક્કર લેનારી જવાહરબાઈ એનો આદર્શ હતી. એના હૈયામાં દેશપ્રેમ તરંગિત થઈ રહ્યો હતો.

         “મારે મોગલસેનાને પરાજય ચખાડવો છે.” એણે ચારે તરફ ફરીને અનાજ અને યુદ્ધનો સામાન ભેગો કર્યો. એણે પોતાની ચતુરાઈ અને રાજનીતિથી, દરબારના બધાં અમીરોને ખુશ કરી દીધાં. એણે સ્વયં એવી મોર્ચાબંધી કરી દે, અહમદનગરનો મોરચો ખૂબ મજબૂત બની ગયો.

         પછી એણે ઇબ્રાહીમશાહના પુત્ર બહાદુરશાહને નામનો સુલતાન બનાવીને ગાદીપર બેસાડી દીધો. તથા બીજાપુરના અલી આદીલશાહ સાથે સંધિ કરી લીધી.

         એ સમયે, જે અહમદનગરની સેનાને જોતો, એને એની પાછળ, ચાંદબીબીની દેશભક્તિની છાપ દેખાતી હતી.

         એક બહાદુર સેનાપતિને છાજે એવી રીતે કવચ ધારણ કરી, હાથમાં તલવાર પકડી, ઢાલ લઈને દુશ્મનો પર ટૂટી પડી. એની વીરતા જોઇને દુશ્મનો મોંમાં આંગળાં નાંખી ગયા. પોતાના સૈનિકોની આગળ રહીને એણે નેતૃત્વ પ્રદાન કર્યું. એણે યુદ્ધભૂમિમાં, સૈનિકોની સામે, જોમ ભર્યા ભાષણો કર્યા. સૌએ હાથમાં તલવાર પકડી.

         એણે બધાને કહ્યું. “આજે બધાં પ્રશ્નો ગૌણ છે. સૌથી અગત્યનો પ્રશ્ન છે આઝાદી ટકાવી રાખવાનો. મારી સાથે ચાલો. બહાદુરીથી લડો.”

         સૌએ ચાંદબીબીને સાથ આપ્યો. ચાંદબીબીના અવાજપર પોતાનો પ્રાણ કુરબાન કરવા તૈયાર થઈ ગયા.

         ફૂલ જેવી સુંદર ચાંદબીબી પોતાની સેના લઈને આગળ વધી. બાજપક્ષીની માફક મુરાદની સેનાપર ટુટી પડી. આ સેનામાં અઝીઝકોકા અને અબ્દુલ રહીમખાન જેવા માહીર સેનાપતિ હતા.

         હાથમાં શસ્ત્ર ધારણ કરીને એક નીડર સ્ત્રી યુદ્ધ ભૂમિમાં, વીરતાથી મોગલસેનાનો સામનો કરી રહી હતી. તેઓ સ્તબ્ધ બની ગયા. આવું રણ કૌશલ્ય! આવું સાહસ! એક સ્ત્રી મારફતે એમને પહેલાં ક્યારેય જેવા મળ્યું ન હતું. આ મહેલોમાં, એની ચાર દિવાલોમાં  રહીને ફૂલોની માફક ઉછરેલી ચાંદબીબી માટે શું શક્ય હતું?

         દિવસો સુંધી આ સંગ્રામ ચાલ્યો.

         એક દિવસે, સુરંગ ગોઠવીને, મોગલોએ કિલ્લાની દીવાલ ઉઠાવી દીધી. કિલ્લામાં દોડધામ મચી ગઈ. સૌના મનમાં ગભરાટ હતો પરંતુ ચાંદબીબીનું હૈયું સાબૂત હતું. સિંહ જેવું હ્રદય ધરાવનાર એ વીરાંગનાએ બુરખો બાજુપર મૂકી દીધો. વીજળીનો ચમકારો ચમકાવતી તલવાર ઉઘાડીને કિલ્લાના બૂરજપર ઉભી રહી.

         એને પ્રથમથીજ ધારણા હતી કે, એક દિવસ આવી પરિસ્થિતિ પણ નિર્માણ થશે. એણે કડિયા, તખતા, વાંસ, રોડા, જરૂરી વસ્તુઓ પહેલાંથીજ ભેગી કરી રાખી હતી.

         તે જાતે, કિલ્લાની દિવાલ આગળ આવીને ઉભી રહી ગઈ. એણે લોકોને ધનની લાલચ આપીઆપીને, ડરાવીને, ધમકાવીને, ચાલાકીથી, સ્ત્રી-પુરૂષો પાસે ઝડપથી સમારકામ કરાવી લીધું. થોડાજ સમયમાં કિલ્લાની દિવાલ ફરીથી ઉભી થઈ ગઈ, અને એની પર તોપ ચઢાવી દીધી.

         મુરાદની સેના જ્યારે આ કામ કરનારા લોકોપર હુમલો કરતી તો અંધાધુંધ ગોળા વરસાવીને એમને ખદેડી મુકવામાં આવતા.

         સાંજના સમયે, જ્યારે મોગલ સિપાહીઓ પોતાના તંબુએ પાછા ફર્યા તો ચાંદબીબિ હજારો કારીગરો અને મજૂરોને લઈને દીવાલ પાસે આવીને ઉભી થઈ ગઈ. દીવાલને પાકી બનાવવાનું કામશરૂ થઈ ગયું. એ વખતે ચાંદબીબી ઘોડાપર બેઠી હતી. ચારે તરફ મશાલો સળગતી હતી. ઝડપથી ચણતર કામ ચાલતુ હતું.

         ચાંદબીબી મૂઠ્ઠી ભરી ભરીને રૂપિયા અને સોનામહોરો કારીગરો અને મજૂરોને આપતી હતી. આથી તલ્લીનતાપૂર્વક મજૂરો કામ કરતા હતા.

         બીજે દિવસે, મોગલસેના મોરચાપર આવી. જોયું તો, ત્રણ ગજ પહોળી, પચાસ ગજ લાંબી કિલ્લાની દિવાલ, જેમની તેમ તૈયાર થઈ ગઈ હતી. બધાં સૌનિકો સ્તબ્ધ! ચાંદબીબીના વખાણ કરવા લાગ્યા.

         લડાઈમાં એકવાર દારૂગોળો ખૂટી ગયો. અનાજ મળવાના બધા માર્ગો બંધ થઈ ગયા. ક્યાંયથી સહાયતા મળે એવા ઐધાણ ન હતા. સોનાચાંદીના ગોળા બનાવીને ચાંદબીબીએ મોગલ સેનાપર માર્યા.

         છેવટે, એની વીરતાએ પરિણામ આપ્યું.

         મોગલસેના પાછી હટી. હવે અહમદનગર પૂરેપૂરી રીતે સુરક્ષિત હતું. મુરાદે શાહીસેના પાછી હટાવી લીધી. સંધિ કરી લીધી. બરારનો પ્રાંત અકબરને ચાંદબીબીએ સૌંપી દીધો.

         આમ, દક્ષિણ ભારતમાં ચાંદબીબીએ મોગલસેનાને લગભગ પરાજય આપ્યો. એ સમાચાર જ્યારે ગોગુન્દામાં પહોંચ્યા ત્યારે મહારાણાએ વિચાર્યું.

         “હવે થોડા સમયમાં ચિતોડગઢ લેવા પ્રયત્ન કરવો જોઇએ, મારી પાસે તોપોનો અભાવ છે. દારૂગોળો નથી. ચિતોડગઢ જીતવા લાંબાગાળાની કોઇ યોજના વિચારવી પડશે. કારણ કે, આ જીત લોઢાના ચણા ચાવવા બરાબર છે.”