Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 117

(૧૧૭) હા હન્ત હન્ત નલિનીમ્‌

 

         અમાસની કાજળઘેરી કાળી રાત્રિ હતી. મોગલ શહેનશાહ બેચેનીથી મહેલને ઝરૂખે ઉભા છે. આસમાનને નીરખી રહ્યા છે, મન તોફાને ચઢ્યું છે. ભૂતકાળની ભવ્યતાને વાગોળતા વાગોળતા છેક ૧૫૮૬ ની ઘટનાપર આવીને ઉભું રહ્યું.

         બિરબલ પોતાનો જિગરી દોસ્ત હતો. બાદશાહ અને બિરબલની જોડી તૂટશે એવી કલ્પના પણ અસહ્ય હતી. દોસ્તી પણ કેવી અજબ હતી. પોતે એક સમ્રાટ હતો અને બિરબલ એક બ્રાહ્મણ. એક મુસલમાન, બીજો હિંદુ, બંને દોસ્તી થયાબાદ ધર્મના સરવાળા બાદબાકીમાંથી ઉપર ઉઠી ગયા હતા. આ કવિતા ગાઈને ગુજરાન ચલાવનાર ભાટ, શક્તિશાળી કંઠ અને હાજર જવાબીપણાને કારણે “કવિરાય’ અને પછી “રાજા” બની ગયો. ગુજરાતની ચઢાઈ વેળા બાદશાહ સાથે રહીને બિરબલે મહત્વની કામગીરી બજાવી હતી.

         ઇ.સ.૧૫૮૬ ની સાલ હતી. અફઘાનોએ બાદશાહ સામે બગાવત કરી. આથી કાબુલના સેનાપતિ જૈનખાંએ બાદશાહ પાસે સેનાની સહાયતા માંગી.

         “રાજા બિરબલ, તમે શાહીસેના લઈને ઉપડો,” બાદશાહે આદેશ આપ્યો. “ખુદા તુમ્હેં બેમિસાલ કામિયાબી દે” બાદશાહે કહ્યું. તેઓને શ્રધ્ધા હતી કે, કામિયાબીનું બીજુ નામ જ બિરબલ છે. પરંતુ બન્ને દોસ્તોને ક્યાં ખબર હતી કે, તેમની દોસ્તીને વિધાતાનું ગ્રહણ લાગી ગયું હતું. સ્વયં વિધાતાની ઇર્ષ્યા ચોંટી જાય પછી દુર્ભાગ્ય ઉખડે ખરૂં?

         દુર્ગમ પહાડીઓમાં કપરો જંગ શરૂ થયો. મોગલસેના ઘેરાઈ ગઈ. અફઘાનોએ એને રહેંસી નાંખી, એમાં બિરબલ પણ માર્યા ગયા.

         પરંતુ બાદશાહને બિરબલના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા નહિ. કરૂણતા તો એ હતી કે, તેમનો મૃતદેહ સુદ્ધાં મળ્યો ન હતો.

         ઇ.સ.૧૫૮૭ માં સમાચાર ઉડાવ્યા, “બિરબલ સંન્યાસી બની કાંગડા પ્રદેશમાં ચાલ્યા ગયા છે.” ઇ.સ.૧૫૮૮ માં ફરી સમાચાર ઉડાવ્યા, બિરબલ કાલિંજર તરફ રહે છે.”

         બાદશાહ અકબર હંમેશા પોતાના સૈનિકોને આદેશ આપતો “બિરબલને ગમે ત્યાંથી શોધી લાવો.”

         પણ બિરબલ હોય તો મળે ને?

         અંતે બાદશાહને સાચી ઘટના જાણવા મળી ત્યારે ખૂબ દુ:ખી થયો. બિરબલના વિયોગમાં, સાચા મિત્રના વિરહમાં બાદશાહનું હસવું વિલીન થઈ ગયું.

         હસબો, રમબો, ખેલબો, ગયો બિરબલ કે સાથ,

         કેવી કરૂણતા! કેવો મિત્ર પ્રેમ!

         ધન્ય છે, પ્રેમ મેળવનાર અને પ્રેમ આપનારને.

         ઝરૂખાપર ઉભેલા બાદશાહે ઠંડી હવાની લહેરખી અનુભવી. પોતાના પલંગમાં પોઢી ગયા. નિદ્રાધીન થઈ ગયા.

         ઇ.સ. ૧૫૮૮ ની સાલ ચાલતી હતી.

         “એક અખંડ ભારત મારૂં સામ્રાજ્ય બને એવી મારી તમન્ના છે. ઉત્તર ભારતના બધાં રાજ્યો મારી એડી તળે કચડાઈ ગયા છે. મેવાડી રાણો પણ અરવલ્લીના પહાડોમાં ડચકાં ખાઈ રહ્યો છે, હવે નર્મદાને પેલે પાર આવેલા દક્ષિણ ભારતને મારે મોગલસત્તાની ધૂસરીમાં જોડી દેવા જોઇએ.”

         અફઘાનીસ્તાન અને પંજાબના મામલાને થાળે પાડ્યા પછી બાદશાહ અકબરને સામ્રાજ્યની દક્ષિણ સરહદે વિસ્તારવાની મુરાદ જાગી. બાદશાહ આગળ વિચારવા લાગ્યા.

         “દક્ષિણ ભારતના ચાર રાજ્યો મારે જીતવા પડશે. ખાનદેશ, અહમદનગર, બીજાપુર અને ગોવલકોંડા. આમાં સૌથી નબળું ખાનદેશ છે, તે તો જાણે સૌથી પહેલું આધિપત્ય સ્વીકારી લેશે. પરંતુ બીજા ત્રણ રાજ્યોનું શું?”

         સૌ પ્રથમ, બાદશાહે ગુપ્તચરોની જાળ દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ફેલાવી લીધી. તેમણે સમાચાર આપ્યા. અહમદનગર રાજ્યના સરદ્સારોમાં અંદરો અંદર વિખવાદ છે. દુશ્મન રાજ્યમાં આંતરિક-વિખવાદ એટલે સામ્રાજ્યવાદી શાસક માટે સોનાના ઇંડા આપતી મરઘી. એવામાં અહમદનગરના રાજમહાલયમાં એક ઘટના બની.

         અહમનગરના સુલતાન મુર્તજા નિઝામશાહ અને તેમના નાનાભાઈ બુરહાનદીન વચ્ચે વિખવાદ થયો. ભારે ઘર્ષણ પેદા થયું. બુરહાનદીને જીવતો નર ભદ્રા પામે તેમ વિચારી દક્ષિણ ભારત છોડી દીધું. પ્રતાપની સામે જેમ જગમાલે અકબરશાહનું શરણું લીધું હતું તેમ મુર્તજા નિઝામશાહની સામે અકબરશાહનું શરણું લીધું.

         રાજા માનસિંહે જ્યારે આ સમાચાર જાણ્યા ત્યારે તે બોલી ઉઠ્યો. “સિંહના મોંઢામાં આપોઆપ શિકાર ચાલ્યો આવે છે. ઇતિહાસ વારંવાર પુનરાવર્તિત થાય છે. આપણે ભારતીયો એમાંથી ક્યારેય બોધપાઠ લેવાના નથી. હવે અહમદનગર નજીકના ભવિષ્યમાં ગુલામીની જંજીરોમાં જકડાઈ જશે.”

         અકબરશાહે બુરહાનદીનને આશરો આપ્યો. “તમને અમે અહમદનગરના સુલતાન બનાવીશું બદલામાં તમારે દક્ષિણના વફાદાર મિત્ર તરીકે, દક્ષિણના રાજ્યો જીતવામાં મદદ કરવી પડશે.”

         બુરહાનદીને દોસ્તીનો હાથ મેળવ્યો. થોડા જ દિવસોમાં સમાચાર આવ્યા કે, ૧૪ જૂન, ૧૫૮૮ માં મૂર્તજા નિઝામ શાહ મૃત્યુ પામ્યા છે.

         “મૂર્તજા નિઝામશાહ કયામતની મંઝીલે પહોંચી ગયા છે. હવે બુરહાનદીન તમે દક્ષિણના સુલતાન થવા તમારૂં નસીબ અજમાવો. અમારી દુવા, અમારૂં સમર્થન તમારી સાથે છે. અમારી સેના તમારી પાછળ આવશે. જાઓ કામિયાબી તમારા કદમ ચૂમે.” અકબરશાહે પ્રોત્સાહન આપ્યું.

         ગમે તે ઉપાયે બુરહાનદીનને અહમદનગરના સુલતાન થવું હતું. શામ, દામ, દંડ અને ભેદ, બધા શસ્ત્રો દક્ષિણમાં જઈ તેણે અજમાવવા માંડ્યા. બાદશાહ દક્ષિણમાં પોતાના એક વફાદાર થાણેદારને વકરતો જોઇને ખુશ થતા હતા. જ્યારે થાણેદાર પોતાની શક્તિ વધારી આગેકૂચ કરી રહ્યા હતા.

         ઇ.સ. ૧૫૮૯ ની સાલ આવી.

         મોગલે-આઝમ, શહેનશાહ અકબરના દરબારમાં આજે અનોખી હલચલ મચી ગઈ હતી. એની પડખે એના નવરત્નો બિરાજમાન હતા. તાનસેન, રાજા માનસિંહ, અબુલફઝલ ટોડરમલ, બદાયુની ફૈઝી, કવિ ગંગ, મુલ્લા દોપ્યાઝ, કવિ પ્રીથિરાજ રાઠૌડ.

         મોગલ શહેનશાહ માટે આજનો દિવસ યાદગાર હતો. ગૌરવભર્યા પગલા ભરતા રહીમ ખાનખાનાન એક ગ્રંથની પ્રત લઈને બાદશાહ તરફ આગળ વધ્યા. બાદશાહ પાસે જઈને ઉભા રહ્યા. તેમણે દરબારે અકબરીને ગજાવી મૂકે એવા અવાજે નિવેદન કરવા માંડ્યું.

         “ગરીબપરવર, શહેનશાહે, વર્ષો પૂર્વે “બાબરનામા” નો તુર્કીભાષામાંથી ફારસી ભાષામાં અનુવાદ કરવાનું કાર્ય મને સોંપ્યુ હતું. “બાદશાહ બાબર” એશિયાખંડના ઇતિહાસની એક મહાન હસ્તી હતા તેવીજ રીતે વિશ્વસાહિત્યમાં “બાબરનામા” એ એક સર્વશ્રેષ્ઠ રચનાઓ પૈકીની એક છે. બાબરનામામાં બાદશાહ બાબરના ગુન્હાઓ, ગુણો, જય અને પરાજય, આશા અને નિરાશા, માનવીય સદાશયતા, રાક્ષસી બર્બરતા, કોમળ સંવેદના અને નરપિશાચા કૃત્યોનું આબેહુબ વર્ણન છે. ક્યાંયે, કશુંયે ગોપનીય રાખવામાં આવ્યું નથી. ક્યારે રજ માત્ર વધારે પડતું લખવામાં આવ્યું નથી. બધુજ સાફ, સત્ય અને સ્વચ્છ છે. પૂરીનિષ્ઠા અને ઇમાનદારીથી આ આત્મકથાનું સર્જન થયું છે. માટે મોગલ ખાનદાનનો આ ઐતિહાસિક દસ્તાવેજ છે, જેમા તે સમયના સમાજ અને સંસ્કૃતિનું સૂક્ષ્મ વિવેચન છે. બીજી બાજુ આ સાહિત્ય અને કળાની ધરોહર છે. આ ગુણોથકી સુંદર, અદ્‌ભૂત અને દુર્લભ છે. મેં મારી યથાશક્તિ આ વિરાટ કાર્યને બજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અનુવાદની ખૂબીઓ મૂળની છે અને ખામીઓ મારી છે. શહેનશાહને અનુવાદ મેં વાંચી સંભળાવ્યો છે. હવે આ અનુવાદ જહાંપનાહની પનાહમાં પેશ કરૂં છું.”

         શહેનશાહે “બાબરનામા” ના ફારસી અનુવાદનો સ્વીકાર કર્યો. ભાવવિભોર થઈ, ઉચ્ચાસનેથી ઉભા થઈ બોલી ઉઠ્યા, “બાબરનામા” બેશક તુર્કી ભાષાની ઉત્તમોત્તમ નવલકથા તો છે જે. પરંતુ મને કહેતાં સવિશેષ આનંદ અને ગૌરવ થાય છે કે, એનો અનુવાદ પણ એટલોજ જીવંત છે. પ્રસંગોનું વર્ણન સજીવ. હું મારા દરબારના ઉત્તમ ચિત્રકારો દલિત, કેસૂ, ખેમકરણ, ફારૂખ, જગન્નાથ, મનોહર, મન્સૂર, મિસ્કિન, મહેશ, સાંવલા, શંકર અને તે સિવાય પણ હિંદના ઉત્તમ ચિત્ર-કળાકારોને બાબરનામા પ્રસંગોનું ચિત્રાંકન કરવાનું આમંત્રણ આપું છું. યાદ રાખજો, આપની કળાના પ્રાગટ્ય અર્થે, લક્ષ્મીની અછત નહીં નડે, કહે છે કે, આબુના વિખ્યાત દૈલવાડાના જૈન દહેરાસર, બંધાવવા માટેની જમીન ખરીદવા, જમીન માલિકોને વધુ સુવર્ણ પ્રાપ્ત થાય તે માટે ગોળ સોનામહોરોને બદલે ચોરસ સોનામહોરો બનાવડાવી. સલ્તનતનો ખજાનો, કળાની વૃદ્ધિ માટે, કદી કંજુસાઈ નહિ કરે.

         બાદશાહનો જયજયકાર થવા લાગ્યો.

         “બાદશાહ સલામત, મેવાડના રાણા એક પછી એક થાણાં પ્રાપ્ત કરતા જાય છે. રાજપૂતાનામાં વધુ શાહીસેનાની જરૂર છે.”

         “સેનાપતિ, રાજપૂતાના હમણાં છંછેડવાની જરૂર નથી. પરંતુ ચિતોડગઢ ગમે તે ભોગે જવા દેવો નથી.”

         થોડા દિવસો પછી ફરી એકવાર સેનાપતિએ વાત છેડી.

         “મહારાણા પ્રતાપ દિન-પ્રતિદિન, મેવાડમાં, મોગલ થાણાં ઉખાડીને, પોતાના જૂના પ્રદેશો પાછા મેળવી રહ્યા છે.”

         લાહોરમાં બિરાજમાન શહેનશાહને હવે લાગ્યું કે, અજમેરની સૂબાગીરીમાં ફેરફારની જરૂર છે. પ્રતાપની ટક્કર લે તેવો કોઇ રાજપૂત સરદારજ મોકલવો જોઇએ.

         કયો રાજપૂત સરદાર રાજપૂતાનામાં જાય? સ્વયં શાહજાદા સલીમે રાજસ્થાન જવા માટે પોતાની અનિચ્છા જણાવી દીધી હતી. અચાનક બાદશાહને એક નામ યાદ આવ્યું અને તે નામ હતું કરૌલીના રાજા ગોપાલદાસ જાદવનું. તેઓ સેનામાં બે હજાર સિપાહીઓના મનસબદાર હતા. પરંતુ યુદ્ધક્ષેત્રની તેમની કામગીરી પ્રશંસનીય હતી.

         આ વ્યક્તિ, રાણા પ્રતાપના પડકારને પહોંચી વળશે એ યકીન સાથે એની નિયુક્ત અજમેરમાં, આજપૂતાનાના સૂબા તરીકે કરી.

         રાજા ગોપાલદાસ જાદવ લાહોરથી અજમેર જવા રવાના થઈ ગયા.

*                         *                         *                        *

“ભારતનો સમ્રાટ ભલે અકબર હોય, સંગીત સમ્રાટ તો તાનસેન છે.” તાનસેનનું અદ્‍ભૂત સંગીત સાંભળીને અકબરે તારીફ કરી હતી.

“રીર્વાંના રાજાના પરમ મિત્ર, પાલકીને ખભો મેળનાર તાનસેન તો મહાન વિભૂતિ છે. ભારતીય સંગીતના નભોમંડળમાં એક હજાર વર્ષથી આવો સિતારો ઝળકયો નથી.” ટોડરમલે કહ્યું.

છતાં તાનસેનમાં નમ્રતા હતી. તેઓ કહેતા. “મારા ગુરૂ હરિદાસના સ્વર કરતાં મારા સ્વરમાં ફિકાશ છે.”

“કેમ?” કોઇ પૂછતું. સૌને નવાઈ લાગતી.

“મારા ગુરૂ પરમેશ્વર માટે ગાય છે, હું માનવ માટે ગાઉં છું.”

એ માનવ પણ મામુલી ન હતા. સંગીતની સ્પર્ધામાં કેવળ એકવાર બૈજનાથ સામે તાનસેન હાર્યા.

શરત મુજબ, પ્રાણોની ભેંટ આપવાની હતી.

મિત્રના પ્રાણ-દીપ અવશ્ય હોલવાશે જાણી શહેનશાહ સ્વયં આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. આજે તેમને યાદ આવ્યું કે, સ્પર્ધામાં તાનસેને ઘણાંને હરાવીને પ્રાણદીપ બુઝાવી દીધા હતા.

એકાએક બૈજનાથે કહ્યું, “આગ્રાની સીમામાં ગાયન નહિ ગાવાનો અને ગાનારને તાનસેન સાથે સ્પર્ધા કરવાનો નિયમ દૂર કરો. મારે તાનસેનના પ્રાણ જોઇતા નથી.”

બાદશાહ હોંશમાં આવ્યા.

“ક્રૂર કાનૂન આ ક્ષણેજ રદ, પરંતુ આપની કૃપાનું કારણ.”

“વર્ષો પહેલાં એક સાધુના પ્રાણ આજ નિયમના કારણે લેવાયા હતા. એ સાધુ મારા પિતા હતા. મારી પરંપરામાં બદલો લેવાની આ રીત છે.”

તે દિવસે બાદશાહ અને તાનસેન અતિઆનંદમાં હતા. તાનસેન જીવનસંગિની ગુમાવી બેઠા.

“જહાઁપનાહ, વૃઁદાવનની વાટે જાઉં?”

“તાનસેન, તું ક્યાં જાય છે, બિરબલ તો ગયો. તું હોઇશ તો ચૈન પડશે.” બાદશાહની વિનંતીને માન આપી તાનસેન રોકાઈ ગયો.

         પરંતુ યમના દૂતો આવ્યા ત્યારે તાનસેનને આ મિત્રતા છોડવી પડી પ્રસિદ્ધ કૃષ્ણભક્ત સૂરદાસ એમના પરમમિત્ર હતા.

         ૮૪ વર્ષીય તાનસેન ૧૫૮૯ માં મૃત્યુ પામ્યા. બાદશાહ અકબર માટે આ એક દુ:ખદ ઘટના હતી. ધીરે ધીરે જીવન સંધ્યા તરફ ઢળતું હતું. મિત્રો વિદાય લેતા હતા. તેઓ બોલી ઉઠ્યા.

“તાનસેન સોં રાગ ગયો.”

*                         *                         *                        *

         કાશ્મીર દુનિયા પરનું સ્વર્ગ છે. ઇ.સ. ૧૫૮૬ માં બિરબલ જેવા મિત્રના બલિદાનથી કાશ્મીર જિતાયું. રાજા ટોડરમલે બમણા વેગથી શાહીસેના વડે અફઘાનોને દબાવીને કાશ્મીર મોગલ સલ્તનતની આણ હેઠળ આણ્યું.

         ઇ.સ.૧૫૮૯ ની સાલ.

         બાદશાહ અકબર કાશ્મીર જવા રવાના થયા. આ વખતે રાજકાજની તમામ જવાબદારી રાજા ટોડરમલના શિરે હતી. રાજધાનીને સાચવવાનું જોખમી કામ પણ તેઓ સંભાળતા હતા.

         કાશ્મીરથી પાછા ફર્યા બાદ બાદશાહે તેમની કાર્યદક્ષતાના વખાણ કર્યા. થોડા દિવસ પસાર થયા.

         એક દિવસે રાજા ટોડરમલે બાદશાહને વિનંતી કરી, “જહાઁપનાહ, આ સેવકે આપની સેવા તો વર્ષો સુધી કરી. હવે આ કાયાના કલ્યાણ માટે પ્રભુનું નામ લેવા હરિદ્વાર જોઇને પ્રભુ-ચિંતન કરવાની આરઝૂ જાગી છે. આપ મને તક આપશો?”

         બાદશાહ અકબર ખુશ થયા, “ઓહ્‍, ટોડરમલજી, તમે પ્રભુ પાર્થના માટે તીર્થોની યાત્રા કરવા માંગો છો? ખુશીથી જાઓ, તમારી યાત્રા સફળ નીવડો.”

         બાદશાહે પ્રેમપૂર્વક વિદાય આપી. તેઓ હરિદ્વાર જવા નીકળ્યા. ત્યાં તો રસ્તામાં એમને બાદશાહનું ફરમાન મળ્યું. “ટોડરમલજી, ભગવાનનું સાચું ભજન તો એના બંદાઓની સેવાજ છે. હું ઇચ્છું છું કે તમારા જેવા કુશળ પ્રબંધક, મારા કામમાં, થોડા વધુ દિવસો મદદ કરે.”

         બાદશાહના પ્રેમભર્યા ફરમાનને વશ થઈ તેઓ પાછા ફર્યા. રાજ્યના કામકાજને ઉપાડી લીધું.

         માત્ર ૧૦ દિવસ પછી.

         એક યુવક, જેને કોઇક ગુન્હા માટે ટોડરમલજીએ ભૂતકાળમાં સજા કરી હતી.

         તેણે ટોડરમલનું કરપીણ ખૂન કરી નાંખ્યું.

         બાદશાહ અકબરના પસ્તાવાનો પાર ન રહ્યો. “ટોડરમલના મોતનો જવાબદાર હું છું. જો તેમને હરદ્વાર જવા દીધા હોત તો આ કરૂણ ઘટના ન બનત.”

         મોર એના પીંછા વડે રૂપાળો. બાદશાહના રત્નો એક પછી એક ફાની દુનિયા છોડી જતા રહ્યા. રાજા ભગવાન ગયા. અબુલફઝલ પણ ગયો. “ખુદા.... આ જ વર્ષે મેં કેટલા સાથી ગુમાવ્યા.”

         ઇ.સ.૧૫૯૦ ની સાલ શરૂ થઈ. બાદશાહ અકબરશાહને એક વધુ આઘાતજનક સમાચાર પ્રાપ્ત થયા.

         અજમેરના સૂબા ગોપાલદાસ જાદવ રાજપૂતાનામાં અને ખાસ કરીને, મેવાડમાં, મહારાણા પ્રતાપે પોતાના પાછા મેળવેલા પ્રદેશો પર તે પહેલા બયાનામાં તેઓ અવસાન પામ્યા.

         “હા હન્ત હન્ત નલિનીમ્‌ ગજ્જ ઉજ્જ હારમ્‌”

         “હાથીના કદાવર પગ તળે કમળ ચગદાઈ ગયું.”

         (વિધાતારૂપી હાથીના પગ તળે, મોગલ સલ્તનતના પાયાના કમળો ચગદાઈ ગયા.)