(અણ )સમજુ બાળકો Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

(અણ )સમજુ બાળકો

' નિજ ' રચિત ત્રણ લઘુવાર્તાઓનો સંપુટ

( અણ )સમજુ બાળકો ...

1.
દૂરથી સાયરન વગાડતી એમ્બ્યુલન્સ ધસમસતી આવતી હતી ને ભયંકર ટ્રાફિકમાં અટવાઈ ગઈ. ન આગળ કે ન પાછળ. ડાબી બાજુએ ફોર વ્હીલ ગાડીઓ હતી તો જમણી બાજુ ડીવાઈડર.એમ્બ્યુલન્સથી ચસ્કાય એવું જ ન હતું . ડ્રાઈવરે અલગ અલગ સાયરન પણ વગાડી તોય જરાય જગ્યા ન થઈ તે ન જ થઈ.
અચાનક ચારેક પંદર સોળ વરસના બાળકો ક્યાંકથી આવી ચડ્યા, ને રમકડાવાળી સીસોટીથી ટ્રાફિક ક્લીઅર કરવા માંડ્યા . પંદર જ મિનિટમાં ટ્રાફિક ક્લીઅર થઈ ગયો અને એમ્બ્યુલન્સ રમરમાટ આગળ વધી ગઈ.
મેં બાળકોને ઉભા રાખીને શાબાશી આપી. એમાંના એક બાળકનો જવાબ સાંભળી હૃદય હચમચી ઊઠયું
' અંકલ , મહિના પહેલા મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો અને આ જ પ્રમાણે એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી '.

2.
' મમ્મી પેલો કાચિંડો જો, સવારે અલગ હતો અને અત્યારે તો જો કલર જ બદલાઈ ગયો '
દસ વર્ષનો કાવ્ય ગાર્ડન માંથી એકદમ ઘરમાં ભાગતો ભાગતો આવ્યો ને હરિશ્રી ને બહાર ખેંચવા લાગ્યો.
નાની બંગલી માં હરિશ્રી, એનો પતિ તુષાર અને દસ વરસ નો પુત્ર કાવ્ય રહેતા હતા. કહેવા ખાતર હરિશ્રી સુખી હતી. પણ હરિશ્રીને જ ખબર હતી કે એ કેટલી સુખી છે. ને હવે તો કાવ્ય પણ સમજણો થવા માંડેલો.
' તે મમ્મી આ કાચિંડાના કલર આવી રીતે બદલાઈ જ જાય? '
હરિશ્રી બહાર ગાર્ડનમાં આવી,
' હા બેટા, કાચિંડાઓની આ ખાસિયત છે કે એનો રંગ બદલાયા કરે '.
' તો તો મમ્મી ,પપ્પા એમના મિત્રો સામે તમને સારી રીતે બોલાવે અને રાત્રે દારૂ પી ને , જુગાર રમીને,આવીને તમને ખૂબ મારે તો પપ્પાને પણ કાચિંડો કહેવાય ને ?'
અને એકદમ હરિશ્રી કાવ્ય ને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

3.
બ્રેઇન ડેડ થઈ ગયેલા પુત્રની પાસે મમ્મી, પપ્પા અને અન્ય કુટુંબીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. આખી હોસ્પિટલ ગમગીન હતી.
માંડ 18 વરસનો લબરમુછીયો અનંત કે જે ખરેખર અનંત આકાશે ઉડી ગયો હતો.બાઈકિંગ શોખ આવી રીતે પરિણમશે એની ક્યાં કોઈને ખબર હતી? ને હેલ્મેટ પણ પહેરેલી હતી. પણ ડૉક્ટરનું કહેવું હતું કે હેલ્મેટ થોડી ઢીલી હશે એટલે એ જ માથા પર ભયંકર રીતે પછડાઈ હશે.
પપ્પાએ એના ખિસ્સા ફંફોળીયા. મોબાઈલ નીકળ્યો. પપ્પાને ઉદ્દેશીને wtassapp મેસેજ હતો: ' પપ્પા, મોબાઈલ નું કવર ખોલીને કાગળ વાંચી લો '
પપ્પાએ કવર ખોલી કાગળ કાઢ્યો:
' પ્રિય પપ્પા અને મારી વહાલી મમ્મી',
' પપ્પા ,પહેલા આંસુ લૂછી કાઢો તો જ આ કાગળ વંચાશે.
પપ્પા,મારો આ બાઈકિંગનો શોખ તમને બન્નેને ગમતો ન હતો એ મને ખબર હતી. પણ તમે બન્નેએ મને હસતા મોઢે છૂટ આપી હતી. પપ્પા ભલે હું 18 વરસ નો છું, તમારી નજરે હજુ નાદાન છું. પણ હું એટલો બધો પણ નાદાન પણ નથી. મારો આ શોખ મને કોઈ વખત એક્સિડન્ટ કરાવશે એ પણ મને ખબર હતી.
જો પપ્પા, મને ખરેખર એક્સિડન્ટ થાય અને ડૉક્ટર બ્રેઈન ડેડ જાહેર કરે તો તરત જ મારા બધા અંગોનું દાન કરી દેશો. તમે સંમતિ આપશો એટલે ગ્રીન કોરિડોર કરી મારા બધા અંગો જે તે દર્દીઓમાં transplants થઈ જશે, પપ્પા ,તમે તો મને ગુમાવશો પણ મારા અંગો સાત જગ્યાએ પ્લાન્ટ થશે એ પ્રમાણે હું એ લોકોના શરીર માં જીવતો જ રહીશ ...તમારો અનંત '
અને આખા હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર્સની આંખોમાંથી અસ્ખલિત અશ્રુધારાઓ વહેવા માંડી.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995

Please share