પ્રેમ - નફરત - ૯૭ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૯૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૭

રચનાને થયું કે પોતે ક્યાંથી રૂપિયા લાવી છે એ જણાવી દીધું છતાં આરવ મને ખબર છે તું આ રૂપિયા ક્યાંથી લાવી છે એમ કહેતો હોય એનો અર્થ પાકો છે કે લખમલભાઇએ એને કહી દીધું હશે. મારી જેમ જ એમણે આરવ સાથે શરત કરી હશે પણ આરવ એ છુપાવી શક્યો નથી. એને મારા માટે લાગણી અને બહુ પ્રેમ છે. છતાં રચના એ વાત પોતે જાહેર કરવા માગતી ન હતી. એ બોલી: આરવ, તને કેવી રીતે ખબર હોય શકે? મેં ફાઇનાન્સ કંપની પાસેથી ઉધાર લીધા છે એ માત્ર હું જ જાણું છું...

રચના, મને તારી વાત પર વિશ્વાસ આવતો નથી. કેમકે અત્યારે આપણી કંપની જે સ્થિતિમાં છે એમાં કોઇ મોટી રકમ ઉધાર- ઉછીની આપી શકે એમ નથી. મેં પ્રયત્ન કર્યા હતા. કોઈ તૈયાર થયું ન હતું. કેમકે આપણી કંપની ડૂબી રહી છે... સાચું કહેજે... આ રૂપિયા તારી મમ્મી પાસેથી લાવી છે ને?’ આરવ ગંભીર થઇને પૂછતો હતો.

રચના ફરી ચોંકી ગઇ. પોતે ભલે લખમલભાઇએ આપેલા રૂપિયા લાવી છે પણ પોતાના ઘરેથી લાવી હોવાથી આરવને ખબર પડી ગઇ હશે કે શું? બહુ સાચવીને સમજીને એની સાથે વાત કરવી પડશે. એ બોલી: મારી મા પાસે આટલી રકમ નથી...

પણ બંગલો તો છે ને? નક્કી એને ગિરવે મૂક્યો હશે... કે વેચી દીધો હશે. આરવ પાસે દલીલ હતી.

આરવ, એ બંગલો તારા પિતાએ આપેલો છે. ભલે એ મારી માના નામ પર તમે કરી દીધો છે. પણ અમે એને ગિરવે ના મૂકી શકીએ કે વેચી શકીએ... રચના થોડી રાહત અનુભવતાં બોલી.

તો એ ફાઇનાન્સરનું નામ બતાવ... આરવ હજુ માનતો ન હતો.

આરવ, તમે બહુ ચિંતા કરો છો. હમણાં ટપ ટપ સાથે નહીં મમ મમ સાથે મતલબ રાખો. હું સમય આવશે બધું જણાવીશ. પહેલાં આ રૂપિયા તમારા નાણાં ધીરનારને પહોંચાડવાની વ્યવસ્થા કરો. આ બધી ચર્ચા તો પછી કરી શકાશે. રચનાએ વાતનો અંત લાવતી હોય એમ બેગ એને હાથમાં થમાવતા પ્રેમાળ આદેશ કર્યો.

આરવ પાસે હવે દલીલને કોઈ અવકાશ ન હતો. એણે રચનાના ગાલ પર પ્રેમથી હથેળી પસવારી આભાર! પ્રિય પત્ની! કહી રૂપિયા પહોંચાડવાની વ્યવસ્થા કરી.

રચનાને થયું કે પોતે વાતને અત્યારે તો સંભાળી લીધી છે. પણ ન જાણે કેમ આરવ સાથે જૂઠું બોલવાનો અફસોસ દિલ અનુભવી રહ્યું છે. પોતે અત્યાર સુધી આરવ સાથે પ્રેમ અને લગ્નનું એક નાટક જ કર્યું છે. દિલ-દિમાગમાં નફરત ભરીને જ એના પરિવારની બરબાદી માટે સોગઠાં ગોઠવતી રહી છે. આવી લાગણી હવે કેમ થઇ રહી છે? આરવ ખરેખર સીધો, સરળ અને પ્રેમાળ માણસ છે. તરત જ એનું બીજું મન કહેતું હતું કે પોતે ક્યાં એને હેરાન કર્યો છે. એણે તો લખમલભાઇ પર જ નિશાન તાકેલું છે. હવે તો લખમલભાઇ પણ ખાલી થઇ ગયા છે. એમણે રૂપિયા આપ્યા એ વાત તો ખરેખર મારી તરફેણમાં ગણી શકાય. એમણે હંમેશા સામે ચાલીને મારી મદદ કરી છે. કુદરત એમને બદલો આપી રહી છે. કંપની ભલે બચી ગઇ પણ એમની મૂડી તો ગઇ જ છે ને? હવે એમની પાસે ખાસ મૂડી રહી નહીં હોય. હવે ફરી એક આંચકો અમારી કંપનીને આપીશ અને બધું ફનાફાતિયા થઇ જશે. પછી એવું નાટક કરવાનું કે આવા ગરીબ ઘરમાં મારે રહેવું નથી. પછી ગમે તે બહાનું કાઢીને છૂટા થઇ જવાનું. ત્યારે જ મારા પિતા રણજીતલાલના આત્માને શાંતિ મળશે ને?

રચના આજે આરવ સાથે એના ઘરે જવાનું ટાળીને પોતાના ઘરે આવી ગઇ. એ લખમલભાઇ સામે આજે જવા માગતી ન હતી. એણે આરવને કહી દીધું હતું કે માને કોઈ કામ હોવાથી ઘરે બોલાવી છે. તે કદાચ બે-ત્રણ દિવસ માના ઘરે જ રહેશે. આરવે મીતાબેનની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી પણ રચનાએ બીજું કારણ હોવાનું જણાવી દીધું હતું.

રચના રાત્રે મીતાબેન સાથે વાત કરતી બેઠી હતી. બંને એ વાત પર વિચાર કરતા હતા કે લખમલભાઇ પાસે રણજીતલાલ વિશેનું કયું રહસ્ય હશે? ત્યારે રચનાનો ફોન રણક્યો. એણે જોયું કે લખમલભાઇનો હતો. એને નવાઈ લાગી. શું વાત હશે? આરવે ઘરે જઇને કોઈ વાત કરી હશે?

ક્રમશ: