પારસમણી (૧૯૬૩) – રીવ્યૂ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારસમણી (૧૯૬૩) – રીવ્યૂ

ફિલ્મનું નામ : પારસમણી       

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : પંડિત મધુર, બચુભાઈ મિસ્ત્રી   

ડાયરેકટર : બાબુભાઈ મિસ્ત્રી    

કલાકાર : મહિપાલ, ગીતાંજલી, નલિની ચોનકર, મારુતિ રાવ, જીવન કલા, અરુણા ઈરાની, જુગલ કિશોર અને મનહર દેસાઈ 

રીલીઝ ડેટ : ૧૯૬૩

        ૧૯૬૩ની આ ફિલ્મ સંગીતમઢી ફેન્ટેસી ફિલ્મ છે. આ ફિલ્મે તે સમયે સારી સફળતા મેળવી હતી. ૧૯૬૩માં રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ તો વિચાર આવે કે આવી ફિલ્મોને ટક્કર આપીને પણ આ ફિલ્મ કેવી રીતે સફળ રહી? રાજેન્દ્રકુમાર અને સાધનાની ‘મેરે મેહબૂબ’, પ્રદીપ અને બીના રાયની  ‘તાજ મહલ’, જોય મુખર્જી અને આશા પારેખની ‘ફિર વોહી દિલ લાયા હું’, સુનીલ દત્ત અને માલા સિન્હાની ‘ગુમરાહ’, રાજ કુમાર અને મીના કુમારીની ‘દિલ એક મંદિર’, દેવ આનંદ અને નૂતનની ‘પેઈંગ ગેસ્ટ’, સુનીલ દત્તની ‘મુઝે જીને દો’, રાજેન્દ્રકુમારની ‘ગેહરા દાગ’, નૂતનની ‘બંદિની’ શમ્મી કપૂરની ‘બ્લફ માસ્ટર’. યાદી વધુ લાંબી બની શકે, પણ અહીં ફક્ત તે સમયની સફળ ફિલ્મોનો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય પણ અનેક મોટા સ્ટારકાસ્ટવાળી ફિલ્મો આવી હતી.

        લો બજેટની અને બી ગ્રેડની સ્ટારકાસ્ટવાળી આ ફિલ્મ તે સમયે સફળ રહી તેની પાછળનાં બે કારણ હતાં. એક તે ફિલ્મમાં વાપરવામાં આવેલી ટ્રીક ફોટોગ્રાફી અને તે ફિલ્મનું આલા દરજ્જાનું સંગીત. અબ્દુસ સમદ ઉર્ફ બાબુભાઈ મિસ્ત્રી આ ફિલ્મના નિર્દેશક છે અને તેમને ભારતીય સિનેમાના સ્પેશિયલ ઈફેક્ટના પિતામહ ગણવામાં આવે છે. સુરતમાં જન્મેલા અને ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરેલા બાબુભાઈ વાડિયા મુવીટોનના કાયમી આર્ટ ડાયરેકટર હતા. તે અહીં જ ટ્રીક ફોટોગ્રાફી શીખ્યા. તેમના તે સમયના સાથીદાર હતા પાછળથી ‘બૈજુ બાવરા’ બનાવનાર વિજય ભટ્ટ. ૧૯૩૭માં વિજય ભટ્ટ એક ફિલ્મ બનાવવા માંગતા હતા અને તે સમયે તેમણે બાબુભાઈને એક અમેરિકન ફિલ્મ દેખાડીને પૂછ્યું કે આ પ્રકારની ફોટોગ્રાફી કરી શકશો? તેમણે આ જવાબદારી ઉપાડી અને વિજય ભટ્ટે ફિલ્મ બનાવી ‘ખ્વાબો કી દુનિયા’. તેમના આ કસબે બાબુભાઇને વધુ એક નામ અપાવ્યું ‘કાલા ધાગા’.

        ત્યારબાદ એક પછી એક સફળતાનાં પાયદાન ચઢતાં રહ્યા. અનેક ફિલ્મોમાં તેણે સ્પેશીયલ ઈફેક્ટ આપ્યા અને ફિલ્મોનું નિર્દેશન શરૂ કર્યું. તેમની મોટાભાગની ફિલ્મો પુરાણો અને લોકકથાઓ ઉપર આધારિત હોતી. તેમણે સંપૂર્ણ રામાયણ અને મહાભારત જેવી ફિલ્મો પણ બનાવી. રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરીયલ અને બી. આર. ચોપરાની ‘મહાભારત’ સીરીયલમાં તેમણે સલાહકારની ભૂમિકા ભજવી.

        હંમેશાં કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મો બનાવનાર બાબુભાઈની આ ફિલ્મ અડધી બ્લેક એન્ડ વ્હાઈટ છે અને અડધી રંગીન. (વચ્ચેનો થોડો ભાગ સેપિયા કલરમાં છે.)

        ફિલ્મની શરૂઆત થાય છે એક દરિયાઈ સફરથી. જેમાં સેનાપતિ (જુગલ કિશોર) પોતાના નાના પુત્ર સાથે દરિયાઈ સફર કરી રહ્યો છે. તે એક રાજ્યનો સેનાપતિ બનવા જઈ રહ્યો છે અને તેની ઈચ્છા છે કે તેનો દીકરો મોટો થઈને રાજા બને, પણ અચાનક તોફાન આવે છે અને ડરેલો સેનાપતિ પોતાના દીકરાને પેટીમાં મુકીને દરિયામાં વહાવી દે છે, જેથી જહાજ ડૂબી જાય તો પણ તેનો દીકરો બચી જાય, સાથે એક લોકેટ પણ તેના ગળામાં પહેરાવે છે.

        કિનારે પહોંચેલી પેટી એક સંગીતકારને મળે છે. તે બાળકને પારસ નામ આપે છે. મોટો થયેલો પારસ (મહિપાલ) સગીત તેમ જ તલવારબાજીમાં (ફિલ્મમાં બતાવ્યું નથી પણ તે જે પ્રકારે તલવારબાજી કરે છે, આપણે સમજી લેવાનું.) મહારત હાંસલ કરે છે. સંગીતકારને એક દીકરો ટીપુ (મારુતિ રાવ) અને દીકરી રૂપા (નલિની ચોનકર) પણ છે. ત્રણેય ભાઈ બહેનોમાં બહુ પ્રેમ છે.

        એક દિવસ પારસ જુએ છે કે રાજાના સૈનિકો એક યુવતીનું અપહરણ કરી રહ્યા હોય છે તેથી પારસ તલવારબાજી કરીને તે યુવતીને બચાવે છે. તે સમયે એનો સામનો સેનાપતિ સાથે પણ થાય છે અને પારસ તેને પણ હરાવે છે. આ કારણથી બંને વચ્ચે દુશ્મનીનું બીજ રોપાય છે. ત્યારબાદ એક દિવસ શિકારે નીકળેલી રાજકુમારી (ગીતાંજલી)ને પારસ રોકે છે અને તેને પાઠ ભણાવવા બંધક બનાવીને પોતાના ઘરે લાવે છે. રાજકુમારીને તે નાચવાનો આદેશ આપે છે અને કહે છે કે તારા પિતાને બીજા ઘરની છોકરીઓને નચાવવાનો શોખ છે, હવે તું પણ નાચ. પારસનું સંગીત તેને નાચવા માટે મજબૂર કરે છે.

        રાજકુમારી પિતા સામે નાચીને પિતાની સાન ઠેકાણે લાવે છે. રાજ્યનો જ્યોતિષી ભવિષ્યવાણી કરે છે કે તેનો જમાઈ જ તેના મૃત્યુનું કારણ બનશે અને તે રાજ્યનો મોટો સંગીતકાર હશે. બચવાનો ઉપાય ફક્ત પારસમણી છે. સેનાપતિની સલાહ ઉપર રાજા સંગીતના જલસાનું આયોજન કરે છે જેથી જીતનાર સંગીતકારને મારી શકાય. વિજેતાના હારમાં નાગણ છુપાવી રાખી હોય છે. પારસ જીતે છે, પણ પારસ વિજેતાનો હાર પારસ રાજકુમારીને પહેરાવી દે છે અને નાગણ તેને ડસે છે. પારસ રાજકુમારીનો જીવ બચાવે છે અને તે પારસના પ્રેમમાં પડી જાય છે. પારસ પોતાનો ખોવાયેલો દીકરો છે તે વાતથી અજાણ સેનાપતિ પારસને મારવા માટે અનેક તરકીબો અજમાવે છે, પણ પારસ દરેક વખતે બચી જાય છે. અંતે રાજા પોતાની દીકરીની જીદ સામે ઝુકી જાય છે અને બંનેના લગ્ન કરાવવાનું નક્કી કરે છે. તે સમયે જ્યોતિષીની વાત જાહેર થઇ જાય છે અને પારસ લગ્ન થાય તે પહેલાં પારસમણી લેવા માયાલોક તરફ જાય છે, જેમાં તેનો સાથ આપે છે ટીપુ અને રૂપા.

        શું પારસ પારસમણી મેળવવામાં સફળ થાય છે? પારસના જાનનો દુશ્મન સેનાપતિને શું ખબર પડે છે કે પારસ તેનો જ દીકરો છે? બંનેનો જવાબ હા છે એ તો ચોક્કસ પણ કેવી રીતે તે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.

        ફિલ્મનું સૌથી સબળ પાંસુ તેનું સંગીત છે અને ખૂબીની વાત એ છે કે લક્ષ્મીકાંત પ્યારેલાલની સ્વતંત્ર સગીત આપેલી પહેલી ફિલ્મ છે અને આ ફિલ્મનાં ગીતો દ્વારા જે તોફાન શરૂ કર્યું તે છેક ૧૯૯૮ની દિવાના મસ્તાના સુધી ચાલ્યું. દિવાળીના દિવસે મુંબઈમાં જન્મેલ લક્ષ્મીકાંત શાંતારામ કુડાળકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્મા જુદું જુદું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા, પણ બંને સંગીતના સાધક હતા બંનેનો મિલાપ થયો અને બોલીવુડને મળ્યાં ચીરસ્મરણીય ગીતો. તેમનાં ૧૭૪ ગીતો બિનાકા ગીતમાલાની ફાઈનલમાં આવ્યાં હતાં. લતાદીદીએ આ જોડી માટે સાતસોથી વધુ ગીતો ગાયાં છે, જે કોઈ સંગીતકાર માટે ગાયેલ ગીતોમાં સૌથી વધુ છે. તેમણે કિશોર કુમાર તેમ જ રફી સાબ વચ્ચે પણ સારું બેલેન્સ જાળવ્યું હતું.

        આ ફિલ્મમાં બે ગીતો લતા દીદીને સ્વતંત્ર રીતે મળ્યાં હતાં. ‘મેરે દિલ મેં હલ્કી સી’,’ઉઈ માં ઉઈ માં એ ક્યાં હો ગયા.’ લતા દીદી અને કમલ બારોટ ( ડોનવાળા ચંદ્રા બારોટની બહેન)નું ‘હંસતા હુઆ નુરાની ચેહરા’, લતા દીદી અને મુકેશનું ‘ચોરી ચોરી જો તુમસે મિલી તો લોગ ક્યા કહેંગે’, લતા દીદી અને રફી સાબનું ‘વો જબ યાદ આયે બોહોત યાદ આયે’ અને રફી સાબનું ‘રોશન તુમ્હી સે દુનિયા’

        આ ફિલ્મના ગીતોનો સ્ટ્રાઈક રેટ સો ટકા કહી શકાય કારણ દરેક ગીત આજે પણ સંભાળવું અને ગણગણવું ગમે એવું છે. તેમનું આ ફિલ્મનું સંગીત ફ્લુક નહોતું એ લક્ષ્મીકાંત પ્યારેલાલે તે પછીના વર્ષે આવેલ દોસ્તી ફિલ્મ દ્વારા સાબિત કર્યું, જેના માટે તેમને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો.

        ફિલ્મનું સૌથી નબળું પાંસુ એટલે તેનાં ગીતોનું ચિત્રીકરણ. ફક્ત બે ગીતો જબરદસ્ત રીતે ફિલ્માવ્યા છે. ‘ઉઈ માં ઉઈ માં’ ગીતમાં હેલેને જે ડાન્સ કર્યો છે તે મનને ડોલાવે એવો છે. હેલન શા માટે સર્વશ્રેષ્ઠ ડાન્સર કહેવાય છે તે જાણવું હોય તો આ ડાન્સ જરૂર જોઈ લેવો. ‘હંસતા હુઆ નુરાની ચેહરા’ નો નલિનીનો ડાન્સ પણ એટલો જ ઉત્તમ. અન્ય ગીતોનું ચિત્રીકરણ એટલું કંગાળ છે કે ન પૂછો વાત. મહિપાલ ક્યારેય એ ગ્રેડની ફિલ્મોનો હિરો કેમ બની ન શક્યો તે અહીં ખબર પડે છે. ‘મેરે દિલ મેં હલ્કી સી’ ગીત વખતે તેના હાથમાં સિતાર છે પણ એક્શન એવી કરે છે જાણે ગીટાર હોય. ‘રોશન તુમ્હી સે દુનિયા’ વખતે પણ એવું જ છે. આ ગીતો સાંભળીએ અને જોઈએ ત્યારે એવું લાગે કે કાશ આ ગીતો દિલીપ કુમાર રાજેન્દ્રકુમાર કે વિશ્વજીત જેવા મંજાયેલા હિરો ઉપર ફિલ્માવ્યાં હોત તો કેવું સરસ લાગત.

        અરુણા ઈરાની આ ફિલ્મમાં રાજકુમારીની સખીના રોલમાં છે. આનાથી અગાઉની ફિલ્મોમાં તે બાળકલાકાર તરીકે આવતી. પુરી ફિલ્મમાં મેં રાજ્યનું નામ, રાજાનું નામ, રાજકુમારી અને સેનાપતિનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય નામોનો ઉલ્લેખ આવ્યો જ નથી. રાજાના રોલમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કરનાર મનહર દેસાઈ છે. સેનાપતિના રોલમાં જુગલ કિશોર છે. દક્ષિણની અભિનેત્રી ગીતાંજલી રાજકુમારીના રોલમાં છે. ફિલ્મમાં કોમેડીનું તત્ત્વ ઉમેરનાર મારુતિ રાવ એટલે ગુડ્ડી મારુતિના પિતા. માયાનગરીની જાદુગરનીના રોલમાં જીવન કલા છે.

        તે સમયે કદાચ ટ્રીક ફોટોગ્રાફી વખણાઈ હશે, પણ આજે તે બધું જોઈએ તો બાલીશ લાગે અને તલવારબાજી સમયે પણ અવાજથી ખબર પડી જાય કે લાકડીથી લડી રહ્યા છે. તેથી ફક્ત સંગીતના ચાહકો જ આ ફિલ્મ જુએ, બાકી એડવેન્ચર ફિલ્મ તરીકે બહુ વખાણવાલાયક નથી.                

સમાપ્ત.