અમે બેંક વાળા - 38. મારકણા સાહેબ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 38. મારકણા સાહેબ

મારકણા સાહેબ
એ ગામનું નામ નથી કહેતો. આ વાતમાં છે એ મેનેજર પછી ક્યારેક હું પણ ત્યાં ગયેલો. કોંગ્રેસ રાજ મઘ્યાને તપતું હતું ત્યારે. સંપૂર્ણ દોષ એ સરકારને દેવો ખોટો, ગામની મથરાવટી જ લોન પૂરતી અત્યંત મેલી. પાકધિરાણ જે દર વર્ષે એક વાર ભરી ફરીથી ઉપાડવાનું જ હોય એ રીન્યુ કરવા પણ કોઈ ન આવે. ઘેર જાઓ તો ખાટલે બેઠો રહે, ભૂલથી પણ એકાદ લોન રીન્યુના કાગળમાં સહી કે અંગૂઠો ન પાડે. મોટા ભાગના લોકો ગામમાં ને નજીકની ઠીકઠાક હાઈસ્કૂલ હોઈ ભણેલા એટલે અક્ષરજ્ઞાન હતું પણ જરા વધુ પડતા ગણેલા.
ઠીક, આટલા વર્ષે મારે એમને માટે ઓકવા હ્રદયમાંથી ઝેર કાઢવું નથી.
એ વખતે અમારી બેંકમાં લોનની સ્થિતિ જાણવાનો ઈન હાઉસ ડેવલપ સોફ્ટવેર ASCROM, તેમાં પણ નજીકના ગામનો કોઈ ડેટા ઓપરેટર કોઈ રીતે આંકડા આગળ પાછળ કરી બધા ઋણદારોને એનપીએ ન બતાવાય ને કઈક સારું ચિત્ર લાગે એવું કરી દેતો. મારું ફોક્સ પ્રો અને એક્સેલ નું નોલેજ સારું પણ આ ભાઈની એમાં કરાતી ટ્રીક આજે પણ સમજી શકતો નથી. બાકી ત્યાં લગભગ બધા જ લોન લઈને ન ભરનારા. પાછા કહે કે 'જાઓ, માલ્યા પાસેથી લઈ આવો' કે 'અમને અમુક ધારાસભ્યએ કહ્યું છે કે લોન માફ થઈ જશે એટલે ભરવી નહીં.'
તો એવી, ડિપોઝિટમાં સમૃદ્ધ (લોકો પાક ધિરાણ કે એવું ઓન પેપર ધિરાણ લઈ તરત એ રકમ ફિક્સમાં મૂકી દેતા એટલે) પણ લોનમાં ભગવાન પણ બચાવી ન શકે એવી બ્રાન્ચમાં દાખલ થાઓ એટલે બાજુમાં કાઉન્ટર જ્યાં બે ક્લાર્ક બેસે, એની પછી કેશિયરની કેબિન. મારા વખતમાં એક એટીએમ આવ્યું જે બ્રાન્ચની ઓસરીમાં જ હતું! બ્રાંચ બંધ એટલે એટીએમ પણ બંધ. અહીં એટીએમનો ઉપયોગ હું હતો ત્યારે જ શરૂ થયેલ, હું 'જનધનિયા' કહેતો તે ઝીરો બેલેન્સ વાળા દલિતો, ઝુંપડીમાં રહેતા લોકો વગેરેને શીખવાડવાનું ને એટીએમ આપવાનું કામ મેં કરેલું. એમાં ભરાઈ પણ પડેલો.
એ કાઉન્ટર મૂકો એટલે આડું, એક સાઈડે ઓફિસરનું ટેબલ આવે. એ પછી લોકોને ઉભવાની થોડી જગ્યાનો સ્ક્વેર અને પછી મેનેજરનું મોટું જૂના વખતનું, તમે ગયા હો તો અખંડ આનંદ કાર્યાલય કે ગુજરાત સમાચાર ખાનપુરની ઓફીસમાં છે એવું ટેબલ. હશે સાતેક ફૂટ લાંબુ અને ચાર પાંચ ફૂટ પહોળું. વાર્નીશ પણ અલગ જાતનો. ખૂબ મજબૂત લાકડું. કદાચ '40 ના દસકામાં બન્યું હશે. એવો મોટો કાચ ન હોય એટલે બે કાચ મૂકેલા. મેં તો નીચે વ્યાજદરોના સર્ક્યુલર, કાચ ઊંચો થઇ શકે ત્યાં કોઈ BLCC, TLCC આવા નામની મીટીંગો નું શિડ્યુલ, અમુક ફોન નંબરો કે એવી હાથવગી માહિતી રાખેલી. આ મેનેજરે કે મારી આગલા મેનેજરે કોઈ બાપુના ને અમુક માતાજીઓ ના ફોટા ને એવું કાચ નીચે રાખેલ.
મેનેજરની ખુરશી એક રિવોલ્વિંગ ચેર, જેની પીઠ ઊંચી પણ ગાદી બેસી ગયેલી. અમુક મેનેજરો એની પીઠ પાછળ નેપકીન રાખતા.
બાજુમાં પાંચ સાત લોકો બેસી શકે એવો બાંકડો જેની ઉપર હવે ગાદી નાખી દીધેલી. લોકો બેસીને ઊભા થઈ મેનેજરને ઘેરી વળતા.

મેં એ ટેબલ ખસે એમ ન હતું તો તે જુનિયર ઓફિસરને બેસવા આપી દાખલ થતાં એનું સાંકડું ટેબલ પસંદ કરેલું. સામેથી બ્રાન્ચમાં કોણ આવ્યું, કેશ પાસે કેટલી ગિરદી છે, એક સાઈડમાં સ્ટેશનરી રૂમમાં કે નજીક પિયુન વાઉચરો બાંધે કે ફાઈલ કરે છે કે એ વખતે જસ્ટ સુલભ બનેલા મોબાઈલ જુએ છે - એ બધું ધ્યાન રહે. આ ગામલોકોની પાછળ દોડવા સિવાય મારે કદાચ આ જ કામ કરવાનું હતું. મેં આખી બ્રાન્ચમાં ધ્યાન રાખવા આ રસ્તો અપનાવેલો.
એક વખત પિયુન કહે "સાહેબ, તમે તમારા ટેબલે જતા રહો, ગામમાં અમુક લોકો વાતો કરે છે કે આ સાહેબને રીવર્ઝન આપી નવા આવેલા બિહારી છોકરાને એનો સાહેબ બનાવી દીધો!"

તો એ સાહેબ એ મોટાં ટેબલ અને ચેર પર બેસી બધો વહીવટ કરે. અમુક લોકો સાહેબના ખભા પાછળથી કાઈંક પૂછે, લગભગ સાહેબને અડીને ગરબડિયા અક્ષરોએ સહીઓ કરે.
સાહેબ હતા કદાચ કસરતબાજ. બાવડાના મસલ્સ ગોટલાવાળા. છાતીના bulge પણ ફૂલેલા.
હું હેડ ઓફિસ અને ન્યુ કલોથ બ્રાન્ચમાં હતો ત્યારે અમારે ઓફિસરોએ ટાઇ યુનિફોર્મ તરીકે પહેરવી પડતી. પછી ઓફિસરો ટાઇ કોઈ અગત્યની મીટીંગ કે ઇન્ટરવ્યૂ વખતે જ પહેરતા. આ સાહેબ તો ટીશર્ટ પહેરીને આવતા. જાણે હમણાં બેડમિન્ટનનું રેકેટ ઝુલાવતા નીકળશે. ટીશર્ટ ભલે મોંઘું મઝાનું.
ટીશર્ટમાંથી તેમના બાવડાં અને છાતીના સ્નાયુઓ દેખાતા.
એક જાણીતા ખેડૂત ભાઈ આવ્યા. પીક ગિરદી વચ્ચે સાહેબની નજીક આવ્યા. 'એ સાહેબ, એં .. હું કહું છું..' કહી એકદમ નજીક આવી ગયા. સાહેબના ખભાને એના ખભા અડ્યા. સાહેબે ઉંહું.. કરી એને દૂર જવા કહ્યું.
એ ભાઈસાહેબે એમની સમજ મુજબ બેંક પર ઉપકાર કરેલો. એકાદ ટ્રેકટર લોન, એક ફાર્મ યુઝ માટે લઈ મોજશોખ માટે ફેરવવાની ચકચકીત કાર, આઠ દસ લાખનું પાક ધિરાણ ને એ બધાની બેંકમાં ડિપોઝિટ. એટલે છૂટ લેતા.
મેનેજરે એમને સામે બેસવા કહ્યું. તેઓ બેઠા પણ વળી સાહેબની બાજુમાં ઊભી કોઈ ડોક્યુમેન્ટ વાંચવા ઝૂક્યા. વળી 'એં.. કહું છું..' કરતા એવી રીતે ઝૂક્યા કે એમની કોણી સાહેબના ફૂલેલા છાતીના bulge ને અડી. સાહેબ અકળાયા. ગુસ્સે થઈ જોયું. 'મોંઘેરા ગ્રાહક' દૂર થઈને બાજુમાં ઊભા. વળી થોડી વાર થઈ ને કંઇક સમજાવવા, વાંચવા નજીક આવ્યા. "એં .. હું શું કહેતો હતો? તમે સમજો.." કહેતાં સાહેબ ઊભા થયેલા તેની છાતી પર હાથ મૂક્યો.
સાહેબ બરાબરના અકળાયા. પુરુષ હતા પણ આ ટચ તેમને ગમ્યો નહીં.
"કહું છું કે અડ્યા વગર વાત કરો, સમજતા નથી?" એમણે કહ્યું.
"હું ક્યાં અડ્યો? મેં શું કરી લીધું?" એ ગ્રાહકે કહ્યું.
"મુરખ સમજે છે? મને પણ અડતાં આવડે છે, જો, તેં આ કર્યું." મેનેજરે એની છાતી તરફ આંગળીઓ ધરતાં કહ્યું.
"તે કહેશો કે હું કેવું ખોટું અડ્યો?" તેણે જાણે સમજ્યો ન હોય એમ પૂછ્યું.
" લે, આ મને પણ આવડે છે." કહી મેનેજરે એની ખુલ્લા ખમીસમાંથી ડોકાતી પાંસળીઓ વચ્ચે હાથનાં ટેરવાં અડાડ્યાં. એને હળવેથી તેની છાતીની પાંસળીઓ વચ્ચે પુશ કર્યાં.
"માણસ છો કાઈં?" કહી બબડતો ફ્ફડતો તે બહાર નીકળી ગયો.
બરાબર અર્ધો કલાકે મેનેજર પર ફોન રણક્યો. રીજિયન ઓફિસ.
"..સાહેબ, આજુબાજુ કોઈ છે?"
" હા. બ્રાંચમાં જ છું. બોલો."
"તો સહેજ દૂર, અંદર જાઓ. મોબાઈલ કરું." સામેથી રીજીયનના ઓફિસરનો અવાજ.
"એવું તે શું છે?" કહેતા મેનેજર અંદર ગયા.
મોબાઈલ પર પેલા અધિકારી કહે "તમે કોઈ ગ્રાહકને માર્યો છે? બ્રાંચ વચ્ચે?"
મેનેજરે નવાઈ બતાવી. કોણે આવું કહ્યું તે પૂછ્યું. અધિકારીએ પેલા 'મોટા' ગ્રાહકનું નામ આપ્યું. કહે "એ કહે છે કે સાહેબે મને બ્રાન્ચ વચ્ચે ખૂબ માર્યો અને ઘસડીને બ્રાન્ચની બહાર મૂકી આવ્યા."
મેનેજરે તરત કહ્યું કે વાત ખોટી છે. સામેથી ખુલાસો પૂછ્યો તો કહે "તમે આ બ્રાન્ચ જોઈ છે. પહેલાં પેસેજ, પછી કાઉન્ટર, પછી ઓફિસર ટેબલ અને વચ્ચે પેસેજ જે કાયમ ગ્રાહકોથી ભરેલો હોય. પછી મોટું ટેબલ. એ બધા વચ્ચેથી હું એને ધકકો મારી બહાર મૂકી આવું ને એ ઊભો રહે? બીજા લોકો પણ જોઈ રહે?"
અધિકારી કહે "તમે એને બ્રાન્ચ વચ્ચે ધક્કો મારેલો. ટેબલેથી ઉભા થઈને. એમ એનું કહેવું છે. એ તો પોલીસ ફરિયાદ કરતો હતો, એ પહેલાં અમને મળવા આવ્યો. એને તો આર.એમ. સાહેબને મળવું છે."
મેનેજરે કહ્યું કે "આ ભાઈને વકિલની નોટીસ તો ડીફોલ્ટર તરીકે આપી જ છે. ચાલો, કરવા દો ફરિયાદ. હું એની વર્તણુક માટે કરું અને બેંકના પૈસા ધરાર ન ભરવા માટે પણ."
તેમણે કહેવાય એવી રીતે હકીકત સમજાવી હશે. એમ તો થોડું ચોખ્ખેચોખ્ખું કહ્યું હશે કે આ ભાઈએ મારી છાતી પર અણછાજતો સ્પર્શ કરેલો?
સામેથી ફોન મુકાયો.
એ મહાશયે પોતાની મહત્તા બતાવવા થોડી ઘણી ડિપોઝિટ ઉપાડી લીધી. તળાવમાંથી એકાદ ટેન્કર ઓછું થાય તો શું ફેર પડે?
પણ લોન તો ન ભરવા એમને કદાચ અમુક લોકોનો આદેશ હતો! તો પણ હવે નવી લોન ન લીધી, એ નજીકના તાલુકા મથકની કોઈ બેંકને લાભ આપ્યો.
મેનેજરને મૌખિક કોઈ ઠપકો મળેલો કે નહીં એ ખબર નથી. એ પછી પણ એક દોઢ વરસ રહેલા.
અધિકારી convince થઈ ગયા કે આવડું મોટું ટેબલ, પછી આવડી મોટી જગ્યા ઓળંગી મેનેજર એમ ધક્કો મારતાં આને બહાર ન કાઢી શકે. હનુમાનજીની જેમ ટેબલ પરથી કૂદવા જાય તો પણ શક્ય ન બને. મેનેજરે એની સાથે જ આવું કેમ કર્યું એનો પણ કદાચ પેલો જવાબ ન આપી શક્યો. કદાચ વાત ત્યાં જ પતી ગઈ.

મેં આ વાત કહેનારને જસ્ટ પૂછેલું કે એ મેનેજરની જગ્યાએ હું હોત તો શું થાત?
એ ભાઈ કહે એક તો તમને ઘણા લોકો ભોળા સમજે છે. તમે ગાળ દો તો પણ સિરિયસલી ન લે. તમે આવી રીતે અડીને બતાવો એ પણ કોઈ માને નહીં. (હા, કોઈ ફટફટિયું મારી મૂકી રીજીયન પહોંચી જાય તો મારા એ વખતના ડેપ્યુટી આર.એમ. આમેય મને એન્ટી ફાર્મર કહેતા કેમ કે મારું ધ્યાન લોન કરતાં જંગી રિકવરી પર વધુ હતું. એ શું કરત એ કહી શકાય નહીં. મારા આગલા પ્રકરણનું જ શીર્ષક હતું 'રાજા, વાજા ને..') મારાં નાનાં ટેબલની એક બાજુ પેડસ્ટલ ફેન ને બીજી બાજુ સીસી ટીવીનાં રેકોર્ડર જેને હું બમ પેટી કહેતો એની છાજલી હતી એટલે વચ્ચે બાજુમાં આવી કોઈ ઉભે નહીં. છતાં લોકો ઘેરી તો વળતા.

એ સ્નાયુબદ્ધ સાહેબને, પછી તાકાત હતી કોઈની કે પડકારે? તો પણ અમુક લોન તો ન જ ભરાએલી. સાહેબે દોડીદોડીને હાથ ઉપરાંત પગના મસલ્સ પણ ફુલાવી નાખેલા.
***