Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 39. કોઈ એકાઉન્ટ ખોલો રે..

કોઈ એકાઉન્ટ ખોલો રે..
બેંક જે પૈસા ડિપોઝિટ પેટે લે છે તેમાંથી ધંધાઓ માટે અને છેલ્લાં પંદરેક વર્ષથી લોકોની આધુનિક જરૂરિયાતો માટે લોન આપે છે. લોન પર વ્યાજ લે અને પોતાના ખર્ચનો અને થોડા નફાનો ગાળો રાખી ડિપોઝિટ પર વ્યાજ આપે. ફિક્સ પર વ્યાજ વધુ હોય કેમ કે એની ઉપર ભરોસો રખાય કે બેંક પાસે જ અમુક સમય રહેવાની છે પણ કરંટ કે સેવિગ ગ્રાહક ગમે ત્યારે ઉપાડી શકે એટલે એની ઉપર વ્યાજ ઓછું.
એક આડ વાત. લખવાની લાલચ રોકી શકતો નથી કે આ maturity buckets નો અંદાજ સેન્ટ્રલ લેવલે લગાવી શકાય એ માટે બ્રાન્ચ તે વખતે ફ્લોપીમાં રીજિયનને, તે ઝોનને અને ત્યાંથી હેડઓફિસમાં ડિપોઝિટ રેકોર્ડસ એકઠા કરી MIS પ્રોગ્રામ કહે છે તેવા રિપોર્ટ બનાવવાના. બેંક ઓફ બરોડાના આ માટેના પ્રોગ્રામ ALMAN નો હું કો રાઈટર (કોલર ઉંચા!) હતો. જાયન્ટ કદનો ડેટા પ્રોસેસ થતો. અમુક રિપોર્ટ માટે આગલી સાંજે જનરેટ કરવા મૂકીએ ત્યારે સવારે વહેલા આવીએ ત્યારે રીઝલ્ટ તૈયાર હોય!
એ વખતે તમારા સીપીયુમાં લીલી લાઈટ સતત ઝબુકતી હોય એટલે ફાસ્ટ પ્રોસેસ થાય છે એમ સમજવાનું. એ નાની લીલી લાઈટ ક્યારેક સ્થિર હોય કે પ્રકાશમાં ન દેખાય ત્યારે ભૂલથી પણ કોમ્પ્યુટર બંધ છે એમ માની ચાલુ કરવાની સ્વીચ આપી તો આઠ દસ કલાકથી ચાલતું બધું ગયું. એક બે વાર કોઈથી આવું થઈ પણ ગયેલું.
તો પાછા મૂળ વાત પર આવીએ.
એ વખતે મેં પ્રોગ્રામરની આંખે જોયેલું કે જેમ ટૂંકા ગાળાની ડિપોઝિટો સ્થિર રહેતી હોય તેમ બેંકને મોટો ફાયદો. એને વ્યાજ ઓછું આપી એ પૈસે મોટી લોન પણ આપી શકાય. અમુક ટ્રેન્ડ એવા પણ હતા કે સેવીંગ્સ અને કરંટ ડિપોઝિટ અમુક બ્રાન્ચમાં સરેરાશ તો હતી તે જ રહે. એટલે ઓછા ખર્ચે વધુ ફાયદાકારક લોનો અપાય.
બ્રાંચોમાં તો વખતોવખત CASA એટલે કરંટ અને સેવિંગ ડિપોઝિટ વધારવા સૂચનાઓ અપાતી, પછી કેમ્પેઇન થવા લાગ્યા અને પછી નીચેના લેવલે કહેવાતું કે સર્વોચ્ચ લેવલે મહત્વાકાંક્ષાની દોટ એટલે 'ગમે તેમ કરો, CASA ડિપોઝિટ થાય એટલી વધારો જ વધારો.' કહેતા એક્ઝિક્યુટિવ લેવલે લોકો દોડતા અને ચાબુક મારી બ્રાન્ચ લેવલે દોડાવ્યા કરતા.
એમાં વળી ગતકડું આવ્યું કે કસ્ટમર બેઝ રાતોરાત મિલિયન, 10 મિલિયન વગેરે કરો. ખાતું હશે તો પૈસા આવશે. કોઈ બ્રાન્ચમાં દસ હજાર સેવિંગ્સ ધારકો હોય તેને પચીસ હજાર, પચીસ હજાર હોય એને સીતેર હજાર ખાતાંનો ટાર્ગેટ અપાતો. એમ ખાતેદારો ક્યાંથી આવે?
2004 માં એવી ડ્રાઇવ આવી ત્યારે ખાનગીમાં ધમકીઓ વહેતી થયેલી કે વ્યક્તિ દીઠ 50 કે 100 ખાતાં નહીં લાવો તો ટ્રાન્સફર. સેવિંગ્સ પર બેસતા સ્પેશિયલ આસિસ્ટન્ટ લોકોને હોય તે ખાતાં બંધ કરી નવાં ખાતાં ખોલવા દબાણ કરતા જેથી એમનો 50 કે વધુનો ટાર્ગેટ પૂરો થાય.
અમે સિનિયર મેનેજરો પણ ડોર ટુ ડોર જઈ આડોશી પાડોશીનાં ખાતાં લાવતા. તમારા શાકવાળા, હજામ, ગ્રોસરીવાળા (એ વખતે મોલ હજુ ખાસ પોપ્યુલર ન હતા), લાઈટ બિલનો રીડર, જે દેખાય એને પકડી પકડી ફોર્મ ભરવા દબાણ કરતા, રીતસર કરગરતા. છતાં પચાસ એકાઉન્ટ મુશ્કેલીથી થતા. ભણેલા દરેકને કોઈ ને કોઈ બેંકમાં એકાઉન્ટ હોય. ફક્ત બેંક ઓફ બરોડામાં જ ખોલવામાં રસ ન હોય. ખૂબ યુવાન પેઢી ત્યારે જ ICICI, HDFC વગેરે માં જતી થઈ ગયેલી. ફેરિયાઓ વગેરેને એકાઉન્ટની જરૂર નહોતી. કહે કે રોજનું કમાઈને ખાઈએ છીએ. નથી કોઈ લોન લેવી. તો ખાતું શું કામ ખોલીએ?
Again, ભલું થજો મોદી સરકારનું, ઝીરો બેલેન્સ અને એમાં કોઈ ને કોઈ સબસિડીનું નામ આપી ખાતાં ફરજિયાત ખોલ્યાં. તો આજે તમે યુપીઆઇ થી પેમેન્ટ કરી શકો છો.
કેટલાક લોકો ખાતું ખોલવા તેમને ઘેર જતા કર્મચારીને શંકાથી પણ જોતા. દિવસે કરંટ ખાતાનું ફોર્મ અને ત્રણ હજાર આપી રાતે એક ભાઈ મારે ઘેર આવેલા કે ખાતાનું શું થયું.
ફરીથી વર્ષો બાદ એક વાર ઝોનલ હેડ ને શૂરાતન ઉપડ્યું કે મારા ઝોનની CASA ડિપોઝિટ બધા ઝોનમાં સહુથી વધુ થવી જ જોઈએ. તેઓ મરણિયા બન્યા. પાછું ટાર્ગેટનું એવું, ઉપરના લેવલે માન્યતા હતી કે પચીસ કહેશું તો વીસ આવશે એટલે પહેલેથી પચાસ કહી દબડાવ્યા કરો ને કોઈ કોઈને દયા કરી 'જા તારું ટાર્ગેટ પચીસ. ખુશ?' કહી વીસ કરે. એની પાછળનો આંકડો લાખ પણ હોય, કરોડ પણ. જેવી બ્રાન્ચની સાઈઝ!
અમુક બ્રાંચોએ બહાર મંડપ બાંધ્યા અને માઇક પર જાહેરાતો આપી કે અહીં ખાતું ખોલાવો. કોઈ બ્રાન્ચ રોજ કોલેજ, સરકારી ઓફિસ, નવા ખુલેલા મોલ પર ટેબલ નાખી ઓફિસરને ખાતાનાં ફોર્મ આપી બેસાડતા. આજે ક્રેડિટ કાર્ડ વેંચતા લોકો ફરે છે એમ.
અપડાઉન કરતા કર્મચારીઓ બેંકનાં પેમ્ફલેટ ડબ્બામાં વહેંચી કોઈ બકરો મળે તો ટ્રેનમાં ગિરદી વચ્ચે ફોર્મ ભરાવતા.
મને મારી નોકરીની શરૂઆત યાદ આવી. 1979 માં અમરેલીમાં ચિલ્ડ્રન ઇયર પર 14 થી 21 નવેમ્બર બાળકોના માઈનોર એકાઉન્ટ ખોલવા પેન્સિલ, રબર, નોટ ની ગિફ્ટ આપતા. હું કામાણી ગર્લ્સ સ્કૂલના રિકરીંગ એકાઉન્ટ લાવેલો. ત્યાં જ ફોર્મ ભરીને. ખૂબ સારી સફળતા મળેલી. એમાં પણ કોઈ સ્ટાફે ડખો કરી પબ્લિકના એક ભાઈ દ્વારા ઝગડો ને ઘાંટાઘાંટી કરાવેલી. કોઈને પ્રસિદ્ધિ કે પ્રશંસા મળતી હોય તો પાણા નાખવાની વૃત્તિ.
અહીં તો ગિફ્ટ બિફ્ટ કેવી? ખોલો એટલે ખોલો. વરના…
ઓફિસરોને ડરાવવાનું અમોઘ શસ્ત્ર એટલે ટ્રાન્સફરની બીક, ધમકી. એ ઝોનલ લેવલની ડ્રાઇવમાં તો દેકારો મચી ગયેલો.
એક મોટી બ્રાન્ચના ચીફ મેનેજર. તેઓ પોતાના સ્ટાફ તરફ ખૂબ તોછડા હતા. તેમને તો આ અવાસ્તવિક ટાર્ગેટ નજીક પહોંચીને પણ ટાર્ગેટ પૂરો ન કરી આપવા બદલ વીઆરએસ આપવું પડેલું.
મોદી સરકાર આવી અને ઝીરો બેલેન્સ ખાતાં ખોલવાનું જનતાને સરકારે જ કહ્યું તેના થોડા જ વખત અગાઉ 2013 - 14 માં ફરી આવી જ એક ડ્રાઇવ આવી.
મેં આગલા પ્રકરણમાં કહ્યું તેમ હું એક ગ્રામ્ય બ્રાન્ચમાં. મારી અને રીજીયન હેડ વચ્ચેનો સેતુ DRM પાછા કડક કરતાં કાઇંક વધારે. મેનેજરોને ફોન પર ગાળો પણ આપે. એમનું ફરમાન, (એમને ઉપરથી આવ્યું હોય તો એમ) કે ગામની બધી જ વસ્તીને એક એક લેટર લખો અને ખાતાં ખોલવા બેંકમાં આવવા કહો. ન હોય એનું ખાતું ગમે તેમ કરી ખોલો. ગામની વસ્તી હશે દસેક હજારની. ગામનાં ઘરો કેટલાં એ હું પંચાયતમાંથી લીસ્ટ લાવ્યો. મારો યુવાન બિહારી ઓફિસર અને હું આખી બે ત્રણ રાત બ્રાન્ચમાં બેઠા. ડેઇલી વેજ પરનો પિયુન જે ગામથી પરિચિત હતો તે કહેતો રહ્યો કે આ ઘરના એકાઉન્ટ છે, આના નથી. તો પણ 5000 કે નહીં નહીં તો યે 4000 લેટર મોકલવાના થયા.
હું અમદાવાદથી કોઈ પ્રિન્ટરને મળી એ લેટરો છપાવી જાતે ઊંચકી બંડલો લાવ્યો. એ પણ આઠ દસ દિવસમાં એક સાથે આટલા પ્રિન્ટ કરી શકે એમ ન હતો. ડ્રાઇવ નો સમય માત્ર દસ પંદર દિવસનો હતો. એ દરમ્યાન પોસ્ટમાં પણ રોજના બસો ત્રણસો લેટર પર બિઝનેસ અવર પતે એટલે એડ્રેસ પેલાં પંચાયતનાં લીસ્ટમાંથી જોઈને કરવા માંડ્યા. પોસ્ટઓફિસ પણ એક સાથે આટલી ડિલિવરી કરી ન શકે. ડેઇલી વેજને ટપાલ ટિકિટ નજીકનું મહેનતાણું નક્કી કરી રોજ રાતે વહેંચવા મોકલ્યો.
હવે કોઈ રીતે ખબર પડી કે પેલા 'કડક' DRM એ કોઈ તાલુકા બ્રાન્ચની મુલાકાત લીધી. પોસ્ટેજ રજીસ્ટર ચેક કર્યું કે કેટલી ટપાલ ગઈ છે. સામે એટલી ટિકિટો તો ચોડી હોય ને? ટિકિટોનું વાઉચર બેંકના CBS પ્રોગ્રામમાં ઓછું દેખાતું હતું પણ રજીસ્ટરમાં ટપાલો મોકલ્યાનું લાંબુ લીસ્ટ હતું. એ સાહેબ કહે તમે એમ ને એમ નામો લખી અમારી સાથે બનાવટ કરી છે. તે બ્રાન્ચના જોઇન્ટ મેનેજર જેઓ સિનિયર મેનેજર કક્ષાના હતા તેમની તાત્કાલિક તે જ દિવસે ગુજરાતના બીજા ખૂણે ટ્રાન્સફર થઈ ગઈ. ટિકિટો ચોડી આટલા સમૂહમાં ટપાલ ન મોકલી શક્યા એટલે.
અમે મૂંઝાયા ત્યાં એ બિહારી ઓફિસર યુક્તિ લઈ આવ્યો. પોસ્ટનું વાઉચર અને ડેઇલી વેજ જે ડિલિવર કરે એનું લોકલ કુરિયર. પણ કુરિયર બીજાનું પણ કામ કરતો હોવાની પ્રૂફ જોઈએ. એમ ડેઇલી વેજ પિયુનને કુરિયર બનાવી દીધે ન ચાલે.
એ ઓફિસરે યુક્તિ કરી. પહેલાં તો પૉસ્ટેજ ડેબિટ કરતું વાઉચર લિસ્ટમાં નામો ગુણ્યા 5 રૂ. ટિકિટ નું ફાડી લીધું. હવે હું, ક્લાર્ક, તે ઓફિસર અને ડેઇલી વેજ માંડ્યા એડ્રેસ લખવા. પણ કોને મોકલી એ માટે પોસ્ટેજ રજીસ્ટરમાં લીસ્ટ જોઈએ. મેં વળી સૂચવ્યું કે એકસેલમાં લીસ્ટ બનાવી પ્રિન્ટ કરી ચિપકાવી દઈએ. અધિકારી મારાથી પચીસ વર્ષ નાનો પણ હોંશિયાર. કહે એમાં તો પ્રૂફ થઈ જાય કે તમે લીસ્ટ કર્યું ને મોકલી નહીં.
અઢી ત્રણ હજાર રૂ. નું વાઉચર ફાડ્યું. એક જ માણસે એક જ અક્ષરોમાં પોસ્ટેજ રજીસ્ટરમાં એન્ટ્રીઓ કરી. પોસ્ટમાં તો કહી દીધું કે આ બધી ઓર્ડીનરી પોસ્ટ કેટલી ગઈ એની ગણતરી શક્ય નથી તેમ કહેવું. 400 પોસ્ટ જતી હોય ને લીસ્ટ હજારનું હોય. દિવસના સો જેવા લેટર ગામની નાની એવી પોસ્ટ ઓફિસ મોકલતી અને અમે 400 જેવા, odd ફિગર, 430, 338 વગેરે લખી હિસાબ રીતસર કરી બાકીના જમા કરી ફરી ઉપાડતા. ડેઇલી વેજ હોંશિયાર નીકળ્યો. ઘર બંધ કે એડ્રેસ ખોટું, અધૂરું હોઇ પાછી આવે એ ખાસ થપ્પી રાખતો. કોનું બંધ હશે એ એને પાક્કી ખબર.
એમાં મારે ઓચિંતી એક આંખની લેસર સર્જરી આવી. હું દસ દિવસ રજા પર અને બરાબર નવમે દિવસે એ સાહેબ ત્રાટક્યા. ગામ અને નજીકમાં કોને લેટર મોકલ્યા તે રજિસ્ટરમાંથી જોયું, પાછી આવેલી ટપાલો જોઈ, બાકી હતું તો બ્રાન્ચમાં ખબર ન પડે એમ પોસ્ટ ઓફિસ જઈ ડિલિવર થતો થપ્પો જોઈ આવ્યા.
એમણે પેલા ઓફિસરને બિરદાવ્યો. બીજે દિવસે હું હાજર થયો ત્યારે મને પણ ડ્રાઇવ બરાબર ચાલે છે તેમ કહ્યું. આ બધા લેટરો મોકલ્યા તેમાંથી કેટલા ખાતાં ખોલવા આવ્યા એ પૂછ્યું. મેં કહ્યું કે મોટા ભાગના. રીઝલ્ટ હવેના વિકલી સ્ટેટમેન્ટ માં જોશો.
તેમણે પોસ્ટ ઓફિસમાં થપ્પો જોયેલો અને બ્રાન્ચમાંથી જતી ટપાલો જોઈ એટલે અમે બનાવટ નથી કરતા એમ લાગ્યું. હું અને મારો ઓફિસર બચી ગયા.
વાત પતી. ડ્રાઇવ પૂરી. ઝોનના સહુથી ઉપરના અધિકારીને CASA ઉપર લાવવા માટે એમની તીવ્ર મહત્વાકાંક્ષા મુજબ પ્રમોશન મળ્યું કે નહીં એ ખબર નથી. અમારી બ્રાન્ચમાં નવા આઠ દસ હજાર તો નહીં પણ સરખા એવા એકાઉન્ટ એ ડ્રાઇવ દરમ્યાન ખુલેલા.
કોણ જાણે કેમ, ડ્રાઇવ પત્યા પછી ક્યાં કેટલાં ખાતાં ખૂલ્યાં એ કોઈએ પૂછ્યું પણ નહીં. આખા ઝોનને ચાબુક મારી દોડાવનાર અધિકારી એકદમ શાંત થઈ ગયેલા.
બ્રાંચમાં પોસ્ટેજને નામે ઉપાડતાં વધેલી કેશ
નું શું કરવું? અમે તો રજીસ્ટરમાં સાગમટે નામો લખેલાં અને અમુકને જ પોસ્ટ મોકલી હતી કે મોકલી શકેલા. તો એન્ટ્રી દીઠ પાંચ રૂપિયા લેખે ઉપાડેલા તેમાંથી ઘણા વધેલા.
અમારે ત્યાં ચા બનાવવાની તકલીફ હતી. બેન્કનો જુનો પુરાણો સ્ટવ બગડેલો. કેરોસીન મળતું નહીં અને ગામમાં એસ. ટી. સ્ટેન્ડ સિવાય ચાનો ગલ્લો પણ નહીં. ઓફિસરે કહ્યું "સર, વહેતી ગંગામાં હાથ ધોઈ લઇએ. આ પૈસામાંથી એક ઇન્ડક્શન ચૂલો લઈ આવીએ."
અમદાવાદથી હું પોસ્ટેજને નામે એ લઈ આવ્યો અને હું હતો ત્યારે અને પછી દિવસમાં બે વાર ચા ની માથાકૂટ ટળી.
તો આ હતી અમારી બેંકની એકાઉન્ટ ખોલવાની સમય સમય પર થયેલી ડ્રાઇવો ની યાદ.
***