સપનાનાં વાવેતર પ્રકરણ 6
અનિકેત અને કૃતિનો સગાઈ પ્રસંગ ધામધૂમથી પતી ગયો. અષાઢ મહિનાની એકાદશીના દિવસે બંનેની સગાઈ થઈ ગઈ. મુંબઈથી ધીરુભાઈ નો સમગ્ર પરિવાર આવ્યો હતો અને કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણના ઉતારામાં તમામ મહેમાનોને રહેવાની વ્યવસ્થા કરી હતી. એમની સાથે રાજકોટમાં રહેતાં એમનાં કેટલાંક કુટુંબીજનો પણ જોડાયાં હતાં.
સગાઈના દિવસે સવારે ૧૦ વાગે કૃતિ અને અનિકેતે એક બીજાને ડાયમંડ રીંગ પહેરાવી. એ પછી ધીરુભાઈ તરફથી વહુને લગભગ ૧૫ થી ૨૦ લાખના દાગીના અને કપડાં ચડાવવામાં આવ્યાં. એ જ પ્રમાણે હરસુખભાઈ તરફથી પણ જમાઈને પોતાના મોભાને છાજે એ રીતે લાખોનો વ્યવહાર કરવામાં આવ્યો.
હરસુખભાઈના ઘરે વર્ષો પછી આ માંગલિક પ્રસંગ આવ્યો હતો એટલે એમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક મહેમાનોની સરભરા કરી. કેટલાંક સ્થાનિક સગાંવહાલાં પણ એમાં જોડાયાં હતાં. જમણવાર માટે એમણે પટેલ વિહાર ડાઇનિંગ હોલને કેટરિંગ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
અનિકેતની બેન શ્વેતાને તો કૃતિ ખૂબ જ ગમી ગઈ. દાદાની પસંદગી ઉપર એને ગર્વ થયો. એ તો આખો દિવસ ભાભીની સાથે ને સાથે પડછાયાની જેમ રહી. કૃતિને પણ પોતાની ભાવિ નણંદ શ્વેતાનો સ્વભાવ ખૂબ જ ગમ્યો.
વેવિશાળનો પ્રસંગ અને જમણવાર પતી ગયા પછી ધીરુભાઈ પોતાના પરિવારને ગુરુજીના આશીર્વાદ અપાવવા માટે સરદારનગર સોસાયટી લઈ ગયા. કૃતિને પણ સાથે લઈ લીધી. હરસુખભાઈ તરફથી મહેમાનો માટે સવારથી જ આખા દિવસ માટે ત્રણ ગાડીઓ બુક કરેલી હતી.
દીવાકર ગુરુજીના બંગલે જઈને ધીરુભાઈના પરિવારના તમામ સભ્યોએ ગુરુજીના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. ગુરુજીએ બધા જ સભ્યોને વારાફરતી આશીર્વાદ આપ્યા.
"ગુરુજી મારા અનિકેત અને કૃતિનાં વેવિશાળ આજે થઈ ગયાં છે. તમને ખાસ પગે લગાડવા લઈ આવ્યો છું. એમનું લગ્નજીવન સુખી રહે એવા આશીર્વાદ આપો." ધીરુભાઈ બોલ્યા.
" મારા આશીર્વાદ તો એમની સાથે જ છે." ગુરુજી બોલ્યા અને એમણે કૃતિની સામે જોયું. " કૃતિ બેટા એક બીજાના વિશ્વાસ ઉપર જ લગ્નજીવન ટકી રહેતું હોય છે. જીવનમાં પ્રલોભનો તો આવે જ છે. સંતોષથી મોટું કોઈ સુખ નથી. દરેક પરિસ્થિતિમાં એક બીજાનો સાથ સંગાથ નિભાવવો એ જ તમારી ખાનદાની છે." ગુરુજી બોલ્યા.
" ગુરુજી બે મિનીટ તમારી સાથે વાત કરવી હતી." ધીરુભાઈ દીવાકરભાઈ સામે જોઈને ધીમેથી બોલ્યા.
" આવો આપણે અંદર બેસીએ. " દીવાકરભાઈ બોલ્યા અને ઊભા થઈ અંદરના રૂમમાં ગયા.
ધીરુભાઈ પોતાના પરિવારને ત્યાં જ બેસવાનો ઈશારો કરી પોતે એકલા અંદર ગયા.
"ગુરુજી કંઈ ચિંતા જેવું તો નથી ને ? તમે વર્ષો પહેલાં મને અનિકેતનાં લગ્ન કરવાની ના પાડી હતી પરંતુ છોકરાને આજીવન કુંવારો તો ના રાખી શકાય ને ! છોકરી સંસ્કારી અને સમજુ છે એટલા માટે જ મેં આ નિર્ણય લીધો છે. " ધીરુભાઈ ધીમેથી બોલ્યા.
"તોફાન તો આવશે ધીરુભાઈ છતાં મારી રીતે હું લગ્નજીવન બચાવવાની પૂરી કોશિશ કરીશ. તમારા દીકરાને એટલા માટે જ મેં હનુમાન ચાલીસાની દીક્ષા આપી છે." ગુરુજી બોલ્યા.
" ઠીક છે. જીવનમાં આંધી તોફાન તો આવે પરંતુ એમાંથી બચી જવાય એટલે બસ. મને તમારી દિવ્ય શક્તિમાં પૂરો વિશ્વાસ છે ગુરુજી. " ધીરુભાઈ બોલ્યા.
એ પછી ધીરુભાઈ પોતાના ફેમિલી સાથે ફરી ત્રણે ગાડીઓમાં ગોઠવાઈ ગયા અને જાગનાથ પ્લોટ પહોંચી ગયા. ગુરુજીનાં દર્શન કરીને ધીરુભાઈ પોતાના પરિવારને પોતાના બંગલે લઈ ગયા. અહીં જ એ નાનેથી મોટા થયા હતા.
ધીરુભાઈએ જાગનાથ પ્લોટમાં આવેલો પોતાનો બંગલો બે દિવસ પહેલાં જ મુંબઈથી ફોન કરીને સાફસુફ કરાવી દીધો હતો. ચાવી એમણે બાજુના બંગલામાં જ આપી રાખી હતી. કૃતિને પોતાનું અસલ સાસરું બતાવ્યું. તમામ પરિવારે બે કલાક જેટલો સમય આ બંગલામાં વિતાવ્યો.
એ પછી સાંજે ૭ વાગ્યાનું ફ્લાઇટ હતું એટલે કૃતિને એના પપ્પાના ઘરે ઉતારીને ધીરુભાઈનો પરિવાર સાંજે ૫:૩૦ વાગે એરપોર્ટ જવા માટે નીકળી ગયો.
" ચાલો આ એક મોટો પ્રસંગ ખૂબ જ સરસ રીતે પતી ગયો. હવે અનિકેતનાં લગ્ન નિર્વિઘ્ને પતી જાય એટલે પછી જીવનમાં બીજી કોઈ ખેવના નથી રહી. " એરપોર્ટની લોન્જમાં બેઠા પછી ધીરુભાઈ પોતાના દીકરાઓ સામે જોઈને બોલ્યા.
" માણસો પણ બધા સારા છે પપ્પા. એમણે એમના ગજા પ્રમાણે વ્યવહાર પણ સારો કર્યો." પ્રશાંત બોલ્યો.
"હરસુખ લાખ રૂપિયાનો માણસ છે પ્રશાંત. હું તો એને છેક નાનપણથી ઓળખું છું. એણે કોઈ વ્યવહાર ના કર્યો હોત અને માત્ર કંકુ અને કન્યા આપવાની વાત કરી હોત તો પણ મને વાંધો ન હતો. દીવો લઈને શોધવા જાઓ તો પણ આવી કન્યા ના મળે." ધીરુભાઈ બોલી રહ્યા હતા.
"અનિકેત માટે છેક રાજકોટની કન્યા પસંદ કરવા માટે બીજું પણ એક કારણ છે જે આજ સુધી મેં તમને લોકોને કહ્યું નથી. " અનિકેત થોડીવાર પછી ઊઠીને વોશરૂમમાં ગયો ત્યારે ધીરુભાઈએ બંને દીકરાઓ સામે જોઈને કહ્યું.
"અનિકેતને ખૂબ જ તોફાની મંગળ છે એ હું જાણું છું. હરસુખભાઈએ જ્યારે કુંડળી મેળવવાની વાત કરી ત્યારે એમની સામે મેં એ વાતને હસી કાઢી હતી પરંતુ હકીકતમાં હું પોતે ટેન્શનમાં આવી ગયો હતો. કારણ કે આટલો ભારે મંગળ જોયા પછી કોઈ પણ જ્યોતિષી લગ્ન માટે હા ન જ પાડે." ધીરુભાઈ બોલી રહ્યા હતા.
" વર્ષો પહેલાં અહીં મુંબઈમાં એની કુંડળી એક પ્રખર જ્યોતિષીને બતાવી હતી ત્યારે એણે પણ મને આ વાત કરેલી કે લગ્ન કર્યા પછી એક મોટું વાવાઝોડું આવશે. મને કહેલું કે આ દીકરાનું લગ્ન મુંબઈમાં ના કરશો. બને એટલી દૂરની કન્યા લાવજો." ધીરુભાઈ બોલ્યા.
" આવું તો અમે પહેલી વાર સાંભળ્યું પપ્પા ! મંગળને વળી મુંબઈ અને રાજકોટ વચ્ચે શું લેવા દેવા ?" મનીષ બોલ્યો.
"આ પણ એક વિદ્યા છે મનીષ. કોઈ જ્યોતિષી આવું કહેતો હોય તો એની પાછળ પણ કોઈ ચોક્કસ કારણ હશે જ. દૂર છેવાડાના ગામની કન્યા હોય તો નાના મોટા ઝઘડા થાય તો પણ એ ઘર છોડીને ના જાય. ભલે બે દિવસ અબોલા લે. જ્યારે મુંબઈની જ હોય તો છાસવારે પિયર જતી રહે એ પણ કદાચ કારણ હોય. પણ એ જે હોય તે ! આપણને રાજકોટની કન્યા મળી એ જ બસ છે" ધીરુભાઈ બોલ્યા.
"અનિકેત તો એના મંગળની શાંતિ માટે ઉજ્જૈન જઈને લગન કરવાની વાત કરતો હતો. એમના રાજકોટના જ્યોતિષીએ એવું કહ્યું છે." પ્રશાંત બોલ્યો.
"તે ભલેને !! આપણે ઉજ્જૈન જઈને લગ્ન કરશું. આપણને શું ફરક પડે છે ? એનો મંગળદોષ હળવો થતો હોય તો સારામાં સારું ! એ બહાને મહાકાલનાં પણ દર્શન થશે. " ધીરુભાઈ બોલ્યા.
એ પછી એનાઉન્સમેન્ટ થયું એટલે બધા ઊભા થઈને ફ્લાઈટમાં બેસવા માટે લાઈનમાં જઈને ઊભા રહ્યા. ધીરુભાઈનો પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે રાતના ૧૦ વાગી ગયા હતા.
રાજકોટથી આવ્યા પછી બીજા દિવસે અનિકેતે પોતાના કોલેજકાળના જૂના મિત્રો માટે થાણાના એક જાણીતા રેસ્ટોરન્ટમાં લંચ પાર્ટી રાખી હતી. પોતે વિદેશમાં હતો ત્યારે પણ આ ચાર મિત્રો સાથેનો એનો સંપર્ક ચાલુ જ હતો. ભાર્ગવ ભટ્ટ, જૈમિન છેડા, કિરણ વાડેકર અને અનાર દિવેટિયા !
"બોલ અનિકેત.. હવે તારી ફિયાંસી વિશે વાત તો કર. સગાઈ તો તારી થઈ ગઈ. કમ સે કમ અમને એના ફોટા તો બતાવ. " જૈમિન બોલ્યો.
"ફિયાંસી નહીં અલ્યા વાક્દત્તા !" ભાર્ગવ ભટ્ટ બોલ્યો અને બધા ખડખડાટ હસી પડ્યા.
" મજાક ના કરો હવે. બિચારાએ આ બધું કહેવા માટે તો પાર્ટી રાખી છે." અનાર બોલી.
"તું કેમ આટલી બધી ચિડાય છે ? તારા હાથમાંથી તો અનિકેત ગયો હવે !" કિરણે અનારને ટોણો માર્યો.
" અનિકેત મારો મિત્ર છે. મેં કદી એના ઉપર હક જમાવ્યો નથી. અને મારી એવી હેસિયત પણ નથી કે હું એને પ્રપોઝ કરું. અનિકેત બિચારો કદાચ તૈયાર થાય પણ એના દાદા જોયા છે ? " અનાર બોલી.
આ બધી વાતોથી સાવ અલિપ્ત રહેલા અનિકેતે પોતાના મોબાઈલમાં ગેલેરી ઓપન કરી. ગઈ કાલે જ એણે લીધેલા કૃતિના ફોટોગ્રાફ્સ પોતાના મિત્રોને બતાવ્યા.
" વાઉ !! આ તો હિરોઈનને પણ ટક્કર મારે એવી છે લ્યા. " તમામ ફોટા ઉપર નજર નાખી ભાર્ગવ બોલ્યો અને એણે મોબાઈલ જૈમિનને આપ્યો.
મોબાઈલ ચારેય મિત્રોના હાથમાં ફરતો રહ્યો. છેલ્લો નંબર અનારનો લાગ્યો. અનારે તમામ ફોટા ધારી ધારીને જોયા.
અનારની સિકસથ સેન્સ જબરદસ્ત હતી. એને ઘણી બધી વસ્તુઓનો અગાઉથી આભાસ થઈ જતો. એ ઘણું બધું એડવાન્સમાં જોઈ શકતી. એ કશું બોલી નહીં. એનો ચહેરો ઉતરી ગયો. સગાઈ થઈ ચૂકી હતી. હવે કંઈ પણ બોલવાનો કોઈ અર્થ નહોતો. એણે મોબાઈલ અનિકેતને પાછો આપ્યો.
" તું કેમ કંઈ બોલી નહીં ? કેવી લાગી તને મારી આ પસંદ ?" અનિકેત બોલ્યો.
" વિષકન્યા જેવી..." અનાર બોલવા જતી હતી પરંતુ એ શબ્દોને ગળી ગઈ.
" સરસ છે." અનાર એટલું જ બોલી.
અનિકેતને એ મનોમન પ્રેમ કરતી હતી. એનો પ્રેમ એક તરફી જ હતો. એ જાણતી જ હતી કે આ લગ્ન કોઈ કાળે શક્ય નથી. એ પોતે મધ્યમવર્ગીય નાગર કુટુંબની કન્યા હતી. અનિકેત જેવા સીધા સાદા યુવાનની એને ચિંતા થવા લાગી. એનો બધો આનંદ ઓસરી ગયો. એણે એ પછી વાતોમાં કોઈ જ ભાગ ન લીધો અને ચૂપચાપ જમી લીધું.
લગ્ન કરવા માટે ગુજરાતમાં મોટેભાગે ડિસેમ્બરની સિઝન સૌથી શ્રેષ્ઠ ગણાતી હોય છે. એ પછી મકરસંક્રાંતિ પછીના ખૂબ જ ઠંડીના બે મહિના લોકો પસંદ કરતા હોય છે. ગુજરાતમાં ઉનાળો ખૂબ આકરો હોય છે એટલે મે જુનમાં ના છૂટકે જ લોકો લગ્ન પસંદ કરતા હોય છે.
રાજકોટથી આવ્યાને એક અઠવાડિયું થયું એ પછી એક દિવસે સવારે ધીરુભાઈએ પોતાના દીકરાઓ આગળ વાત છેડી.
"આપણે હવે ડિસેમ્બર મહિનામાં જ અનિકેતનાં લગ્ન પતાવી દઈએ. સગાઈ થઈ ગઈ છે એટલે હવે લગન લંબાવવાનો કોઈ મતલબ નથી." ધીરુભાઈ બોલ્યા.
"આપણી તો બધી તૈયારી છે જ પપ્પા. તમે રાજકોટ ફોન કરી દો એટલે એ લોકો સારું મુહૂર્ત જોવડાવી દે. " પ્રશાંત બોલ્યો.
" હું મારી રીતે હરસુખભાઈ સાથે વાત કરી લઈશ. " ધીરુભાઈ બોલ્યા.
શ્રાવણ મહિનો શરૂ થયા પછી ધીરુભાઈએ અનિકેતનાં લગ્નના મુહૂર્ત માટે હરસુખભાઈ સાથે વાત કરી લીધી. અને હરસુખભાઈએ ગૌરીશંકર શાસ્ત્રી પાસે કૃતિના લગ્નનું મુહૂર્ત જોવડાવી પણ દીધું.
છઠ્ઠી ડિસેમ્બર બંને પક્ષોને અનુકૂળ હતી અને એ દિવસે પાછો મંગળવાર પણ હતો એટલે લગ્નની એ જ તારીખ પાક્કી કરી દીધી.
લગ્નની તારીખનો સહુથી વધુ આનંદ કૃતિને થયો હતો. હવે કાયદેસરની એ મોટા ઘરની વહુ બની જશે !!
શ્રાવણ મહિનો સૌરાષ્ટ્રમાં બહુ જ મહત્વ ધરાવે છે અને એમાં પણ સાતમ આઠમના દિવસો એટલે કે જન્માષ્ટમી આસપાસના દિવસોમાં આખું સૌરાષ્ટ્ર હિલોળે ચડે છે.
કૃતિ અને એની ચાર બહેનપણીઓ સાતમના દિવસે સાંજે રેસકોર્સ ઉપર ભેગી થઈ હતી. અલબત્ત કૃતિ જ પોતાની ગાડીમાં બધી ફ્રેન્ડ્સને લઈને આવી હતી.
" તારું સગપણ થયા પછી ઘણા સમયથી તારી સાથે નિરાંતે વાત થઈ નથી. તેં તો સગાઈમાં પણ અમને આમંત્રણ ન આપ્યું. એવું સાંભળ્યું છે કે બહુ શ્રીમંત ઘર તને મળી ગયું છે." મૈત્રી બોલી.
" એ બધું કહેવા માટે તો તમને લોકોને અહીં લઈને આવી છું. અંતરનો આનંદ વહેંચવા માટે પણ સામે કોઈ સાંભળનાર જોઈએ. વર્ષોથી મારી તમન્ના હતી કે હું બહુ મોટા ઘરની વહુ બનું અને અચાનક જ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. મારું સાસરું તો કરોડોપતિ છે. ૭૦ ૮૦ કરોડની પાર્ટી હશે. પાણી માંગો ત્યાં દૂધ મળે એવું ઘર છે. કૃતિ હવે એકચક્રી શાસન કરશે." કૃતિ અભિમાનથી બોલી રહી હતી.
" દાદાએ તો ના જ પાડી હતી કે ગ્રહો મળતા નથી પરંતુ મારી જીદ હતી કે આ ઘર કોઈ પણ સંજોગોમાં મારે છોડવું નથી. છેવટે મેં જ રસ્તો કાઢ્યો અને અનિકેતને પણ મનાવી લીધો. તને ખબર છે સગાઈમાં જ ૧૫ થી ૨૦ લાખ રૂપિયાનું ઝવેરાત એ લોકોએ મને ચડાવ્યું ! સગાઈની આ વીંટી પણ ઓછામાં ઓછી ત્રણ લાખની હશે." કૃતિ આંગળી ઉપરની વીંટી બતાવતાં ગર્વથી બોલી.
" પરંતુ એવડા મોટા ઘરમાં તારું ચાલે તો ને ? એકચક્રી રાજ કરવું એટલું સહેલું નથી કૃતિ. " મિતાલી બોલી.
"તું હજુ કૃતિને ઓળખતી જ નથી. કૃતિ કદી હાર સ્વીકારતી નથી. એને જે જોઈએ તે મેળવે જ છે. અનિકેત તો બિચારા મારી પાછળ પાગલ જ છે. સાવ ગરીબ ગાય જેવા છે. હું જેટલું પાણી પીવડાવું એટલું પીએ. મારો સામનો કરવાની એમનામાં હિંમત જ નથી. " કૃતિ બોલી.
"તારો પતિ આટલો બધો સારો હોય, તને એ ઘરમાં આટલું સુખ મળતું હોય તો પછી તારે એકચક્રી શાસન કરવાની ક્યાં જરૂર છે કૃતિ ? " હવે મોના બોલી.
"જીવનમાં પૈસા જ સર્વસ્વ છે અને એ આપણા તાબામાં જ હોવા જોઈએ. મેં કદી હાથ લાંબો કર્યો નથી અને કરવાની પણ નથી. હું સાસરિયામાં કોઈને દુઃખી કરવા માગતી નથી પરંતુ કરોડો રૂપિયાનો બિઝનેસ તો ધીમે ધીમે મારા હાથમાં જ લઈ લઈશ. " કૃતિ બોલી.
" અમારા સૌના ધાર્યા કરતા તું બહુ ગણત્રીબાજ નીકળી." મૈત્રી બોલી.
"જીવનમાં સુખી થવું હોય તો સપનાં બહુ મોટાં જોવાં જોઈએ અને ગણત્રી પૂર્વક *સપનાનાં વાવેતર* કરવાં પડે. આ જ મારો મંત્ર છે. " કૃતિ બોલી.
કૃતિના વિચારો જાણીને એની તમામ બહેનપણીઓને હવે કૃતિ સાથે વધારે ચર્ચા કરવી યોગ્ય ન લાગી. એટલે વાતને બીજા પાટે ચડાવી નાસ્તો વગેરે મંગાવી મીટીંગ પૂરી કરી.
" દાદા મારે તમને એક વાત કહેવાની છે. મેં તમને આ વાત હજુ સુધી કહી નથી. ઉજ્જૈન લગ્ન કરવા માટે માત્ર હું અને અનિકેત બંને જણાં જ જઈશું." એક દિવસ રાત્રે કૃતિ પોતાના દાદાના પગ દબાવતાં બોલી.
" અરે પણ એવું કેમ ? લગ્ન ભલેને તમે મંગલનાથ મહાદેવના મંદિરમાં કરજો પણ કુટુંબીઓ તો હાજર રહે જ ને ? અને કુટુંબીઓ વગર એકલા એકલા સાત ફેરા ફરવાની મજા પણ શું ? " દાદા ચમકીને બોલ્યા.
" દાદા મંગળે ઉભી કરેલી આ સજા છે પછી મજાની વાત જ ક્યાં આવે ? ત્યાં મંદિરમાં શાસ્ત્રી દાદાના ઓળખીતા નિરંજન મહારાજ છે એ લગ્ન કરાવી દેશે. આ ગુપ્ત લગ્ન છે એટલે કોઈ પણ કુટુંબીજનોની હાજરી ના જોઈએ. અનિકેત પણ આ જ વાત એના દાદાને કહેવાનો છે. હા એ લોકોએ જાન જોડીને આવવું હોય તો ઉજ્જૈન આવી શકે છે પરંતુ મંદિરમાં તો માત્ર વર કન્યા જ જશે. " કૃતિ ઠાવકાઈથી બોલી.
" જો મંદિરમાં પ્રવેશ કરવાનો જ ના હોય તો પછી આખી જાન લઈને ઉજ્જૈન જવાનો શો મતલબ ? અને મુંબઈથી ઉજ્જૈન ઘણું દૂર છે. ત્યાંથી ઇન્દોરની ફ્લાઈટ પકડવી પડે અને ઇન્દોરથી પાછું ઉજ્જૈન જવું પડે. માણસો હેરાન થઈ જાય. ઠીક છે ચાલો હું આ બાબતમાં ધીરુભાઈ સાથે વાત કરી લઈશ." હરસુખભાઈ બોલ્યા.
અને આ રીતે કૃતિએ પોતાના દાદાને વિશ્વાસમાં લઈ લીધા ! એના ચહેરા ઉપર વિજયનું સ્મિત ફરકી ગયું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)