સપનાનાં વાવેતર - 7 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 7

સપનાનાં વાવેતર - પ્રકરણ 7

થાણાના વસંત વિહાર એરિયામાં રહેતા ધીરુભાઈ વિરાણીને બે સંતાનો હતાં. એક પ્રશાંત અને બીજો મનીષ. બંને પુત્રો ખૂબ જ સંસ્કારી અને માતા-પિતા તરફ આદરભાવ રાખનારા હતા.

પ્રશાંતનાં હંસા સાથે લગ્ન થયા પછી ચાર વર્ષ સુધી એમને એક પણ સંતાન ન હતું. જ્યારે નાના મનીષનાં લગ્ન પછી દોઢ વર્ષમાં જ અભિષેકનો જન્મ થયો હતો. ધીરુભાઈ શિવજીને બહુ જ માનતા હતા અને દર સોમવારે પંડિતજીને ઘરે બોલાવીને પોતાને ઘરે સ્થાપેલા નાનકડા શિવલિંગ ઉપર અભિષેક કરાવતા હતા. એટલે પ્રથમ પુત્રનું નામ અભિષેક પાડયું.

પ્રશાંત માટે ધીરુભાઈ ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. પ્રશાંતની પેઢી અટકી જાય એ એમને મંજૂર ન હતું. બંનેના ટેસ્ટ પણ નોર્મલ હતા છતાં પ્રેગ્નન્સી આવતી ન હતી.

ઘણી બાધા આખડી રાખ્યા પછી પણ સંતાન ન થયું એટલે છેવટે ધીરુભાઈ પ્રશાંત અને હંસાને લઈને રાજકોટ પોતાના ગુરુજી દીવાકરભાઈ પાસે ગયા હતા. એમને બધી જ વાત કરી અને કોઈપણ હિસાબે એક બાળક થાય એવી ઈચ્છા એમણે વ્યક્ત કરી.

વાત સાંભળ્યા પછી ગુરુજી એમના ધ્યાનખંડમાં જઈને અડધા કલાક માટે ધ્યાનમાં ઉતરી ગયા અને પછી બહાર આવીને એમણે ધીરુભાઈ સાથે વાતચીત કરી.

"જુઓ ધીરુભાઈ.... પ્રશાંતના નસીબમાં સંતાનબાધા યોગ છે અને પૂર્વજન્મના કોઈ પાપકર્મના પરિપાક રૂપે સંતાન થતું નથી." ગુરુજી બોલ્યા.

"સંતાન વગર તો પ્રશાંતની પેઢી અટકી જાય ગુરુજી. તમે ગમે તે કરો પણ એને પુત્ર સુખ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. તમારા આશીર્વાદમાં તાકાત છે એ મને ખબર છે." ધીરુભાઈ બોલ્યા.

"ધીરુભાઈ તમારા નાના દીકરા મનીષના ત્યાં દેવ જેવો દીકરો જન્મેલો છે. એના ઉપર પ્રખર ગાયત્રી ઉપાસક એવા તમારા પિતાજી વલ્લભભાઈના આશીર્વાદ છે. શિવજીની પણ એના ઉપર કૃપા છે. એ ભવિષ્યમાં આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ આગળ વધવાનો છે. એટલે તમારી પેઢી તો બંધ થવાની છે જ નહીં. " ગુરુજી બોલ્યા.

"તમારી વાત હું સમજુ છું ગુરુજી. પરંતુ પ્રશાંત અને હંસા સંતાન વગર ઝૂરે એ મારાથી સહન નહીં થાય. તમે ગમે તે કરો પરંતુ એક પુત્ર પ્રાપ્ત થાય એવું કરી આપો." ધીરુભાઈ લગભગ કરગરી રહ્યા હતા.

"તમે મારી એક શરત પાળી શકશો?" ગુરુજી બોલ્યા.

" બોલો. મને તમારી બધી જ શરત મંજૂર છે. " ધીરુભાઈ ઉત્સાહમાં આવીને બોલ્યા.

"મંત્ર શક્તિથી અને મારી સાધનાના બળથી એને પુત્ર પ્રાપ્તિ તો હું કરાવી આપું. પરંતુ તમારે એના લગ્ન નહીં કરવાનાં. બોલો આ શરત તમને મંજૂર છે ? " દીવાકરભાઈ બોલ્યા.

"ગુરુજી આ તો એની એ જ વાત થઈ. પ્રશાંતની પેઢી બંધ ન થાય તો એના આવનારા દીકરાની પેઢી બંધ થાય. બીજો કોઈ રસ્તો નથી ? " ધીરુભાઈ બોલ્યા.

"તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલો એક આત્મા તમારી સાથે બદલો લેવા માટે તમારા ઘર તરફ નજર રાખીને સૂક્ષ્મ જગતમાં બેઠો છે. મનીષના ઉપર પણ એની નજર હતી પરંતુ એના ઉપર એના દાદા વલ્લભભાઈની કૃપાદ્રષ્ટિ હતી એટલે એ આત્મા મનીષને કંઈ ના કરી શક્યો. " ગુરુજી બોલતા હતા.

" હવે પ્રશાંતના ઘરે જો દીકરાનો જન્મ થશે તો એ વર્ષોથી રાહ જોઈ રહેલો આત્મા સ્ત્રીનો જન્મ ધારણ કરીને પ્રશાંતના દીકરા સાથે લગ્ન કરી તમારી બરબાદી કરવા તમારા ઘરમાં આવવાની પૂરી કોશિશ કરશે. એવું થશે જ એમ હું નથી કહેતો પરંતુ એવું થઈ પણ શકે છે. આ તો જો અને તો ની વાત છે. છતાં જોખમ તો રહેલું જ છે." ગુરુજી બોલ્યા.

" જિંદગીમાં હંમેશા હું જોખમ તો ઉઠાવતો જ રહ્યો છું ગુરુજી એટલે પડશે એવા દેવાશે. કોઈ સ્ત્રી મારા ઘરે આવી પૂર્વજન્મનો બદલો લેશે એ ભયથી હું મારા દીકરાને સંતાનસુખથી વંચિત ના રાખી શકું." ધીરુભાઈ બોલ્યા.

"ઠીક છે. તો પછી મંત્ર સિદ્ધ કરીને હું સાકરની પ્રસાદી આપું છું. અડધી અડધી સાકર પ્રશાંત અને હંસા ખાઈ લેશે એટલે સંતાન બાધા યોગ દૂર થઈ જશે અને કુલ બે સંતાનનો જનમ થશે." ગુરુજી બોલ્યા.

અને દીવાકરભાઈ હાથમાં થોડી સાકર લઈને ૧૦ મિનિટ માટે આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા. સાકરને પોતાની મંત્ર શક્તિથી સિદ્ધ કરી દીધી અને અડધી અડધી સાકર પ્રશાંત અને હંસાના હાથમાં આપી. બંનેએ સાકર પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી લીધી.

એ પછીના એક વર્ષમાં પ્રશાંતના ત્યાં અનિકેતનો જન્મ થયો અને એના બે વર્ષ પછી શ્વેતાનો પણ જન્મ થયો.

પ્રશાંતનો પુત્ર અનિકેત ખૂબ જ ડાહ્યો, આજ્ઞાંકિત અને સંસ્કારી છોકરો હતો. થોડોક ભોળો પણ હતો. જ્યારે એની સરખામણીમાં મનીષનો દિકરો અભિષેક ખૂબ જ હોશિયાર, ચાલાક, સાહસિક અને આધ્યાત્મિક હતો. નાનપણથી જ યોગમાં એને રુચિ હતી. એનું શરીર પણ કસરતી હતું.

ધીરુભાઈના પિતા વલ્લભભાઈના અભિષેક ઉપર આશીર્વાદ ઉતર્યા હોય કે ગમે તેમ પરંતુ નાનપણથી જ એ ગાયત્રી મંત્ર કરતો થઈ ગયો હતો અને ધ્યાનમાં પણ એને રસ પડતો હતો. ભાવિ જીવનમાં બનનારી કેટલીક ઘટનાઓનો એને આભાસ પણ થઈ જતો હતો.

સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યા પછી માસ્ટર કરવા માટે પાર્થિવ ૭ વર્ષ પહેલાં કેનેડા ગયો અને પછી ત્યાં જ રોકાઈ ગયો. શરૂઆતમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં એને જોબ મળી અને બે વર્ષ પછી એણે ત્યાં પોતાની જ કંપની ઊભી કરી અને વાનકુંવરમાં સેટ થઈ ગયો. છોકરી પણ એને સારી મળી ગઈ. એ ઈસ્ટ વાનકુંવરમાં ડાઉઝન સ્ટ્રીટમાં રહેતો હતો

પોતાના કઝિન બ્રધર અનિકેતની સગાઈના સમાચાર એને મળ્યા ત્યારે એને ખૂબ જ ખુશી થઈ છતાં એ જ સમયે એક પ્રકારનો અજંપો પણ એના મનમાં પેદા થયો. આ અજંપાનું કારણ એને સમજાયું નહીં.

અભિષેકની આધ્યાત્મિક રુચિના કારણે રંગનાથન નામના એક સાઉથ ઇન્ડિયન વ્યક્તિ સાથે એનો પરિચય થયેલો. આ રંગનાથન વાનકુંવરમાં અલાસ્કા સ્ટ્રીટમાં રહેતા હતા અને એ શિવજીના પ્રખર ઉપાસક હતા. બે ત્રણ વર્ષે ઇન્ડિયા આવીને અમરનાથ પણ જતા હતા. ધ્યાન અવસ્થામાં એ ઘણું બધું જોઈ શકતા પણ હતા.

રંગનાથન જ્યારે યુવાન હતા ત્યારે એમણે પાંચ વર્ષ ગુજરાતની એક બેંકમાં પણ નોકરી કરેલી એટલે એ પોતે ગુજરાતી સમજતા હતા અને ભાગ્યું તૂટ્યું ગુજરાતી બોલતા પણ હતા.

અભિષેક મહિનામાં એકાદ રવિવારે આ રંગનાથનના હાઉસમાં સત્સંગ માટે સાંજે ૫ વાગે જતો. બીજા પણ કેટલાક આધેડ ઉંમરના વ્યક્તિઓ ત્યાં આવતા અને આધ્યાત્મિક ચર્ચા કરતા.

અનિકેતની સગાઈથી એને જે અજંપો થયો એ પછી એનું કારણ જાણવા માટે રંગનાથન સાહેબનો સંપર્ક કરવાની એની ઈચ્છા થઈ. સગાઈ પછીના બીજા રવિવારે અભિષેક સાંજે ૪:૩૦ વાગે ગાડી લઈને અલાસ્કા સ્ટ્રીટ સાંજે ૫ વાગે પહોંચી ગયો.

" આઈયે આઈયે અભિષેકજી. મુજે ઐસા લગ હી રહા થા કિ આજ કલ આપ કોઈ પર્સનલ વજહસે પરેશાન હો. " રંગનાથન બોલ્યા.

"તમને તો ખબર પડી જ જાય. એટલે તો અમે તમારી પાસે આવીએ છીએ કે અમને પણ કંઈક આવું જ્ઞાન પ્રાપ્ત થાય. " અભિષેક હસીને બોલ્યો.

" કહીએ કયા પ્રોબ્લેમ લેકર આયે હો ?" રંગનાથન બોલ્યા.

"પ્રોબ્લેમ તો કોઈ મોટો નથી પરંતુ મનમાં એક પ્રશ્ન ખૂંચે છે એના સમાધાન માટે આવ્યો છું. " અભિષેક બોલ્યો.

" જી બતાઈયે. " રંગનાથન બોલ્યા.

" મારા કઝિન બ્રધર અનિકેતની સગાઈ રાજકોટની એક કન્યા સાથે દસેક દિવસ પહેલાં થઈ છે. એનું નામ કૃતિ માવાણી છે. મને જેવા સમાચાર મળ્યા એટલે મને આનંદ તો થયો જ હતો પરંતુ એક પ્રકારની બેચેની અથવા અજંપો પણ થયો છે. પ્રસંગ ખુશીનો છે તો પછી મને બેચેની કેમ થઈ ? " અભિષેક બોલ્યો.

" હમ્... ઉસ લડકીકા કોઈ ફોટો હૈ ક્યા ?" રંગનાથને પૂછ્યું.

"જી બિલકુલ. સગાઈના ફોટા ભાઈએ મને મોકલ્યા છે. હું તમને એક ફોટો મોકલું છું. " કહીને અભિષેકે કૃતિનો એક ફોટો રંગનાથનના મોબાઈલ ઉપર ફોરવર્ડ કર્યો.

" ઠીક છે હું મારી રીતે જોઈ લઈશ. પરમ દિવસે અમાવસ્યા આવે છે એ દિવસે રાત્રે હું ધ્યાનમાં બેસીશ ત્યારે એના ઉપર ચિંતન કરીશ અને તમને જણાવીશ. " રંગનાથન બોલ્યા.

એ પછી ૧૦ ૧૫ મિનિટ આડી અવળી વાતો કરીને અભિષેક ત્યાંથી નીકળી ગયો. આજે સાંજે જે સત્સંગ હતો એમાં ભાગ લેવાનો એનો કોઈ જ મૂડ ન હતો.

અભિષેક ઉપર રંગનાથનનો ફોન રૂબરૂ મળવા માટે આવી ગયો હતો પરંતુ રવિવાર પહેલાં તો એને કોઈ સમય હતો જ નહીં એટલે રવિવારે એ સાંજે પાંચ વાગ્યાના બદલે વહેલો સાડા ચાર વાગે જ પહોંચી ગયો..

"આઓ.. બૈઠો. મૈને ધ્યાનમેં બૈઠ કર સારી બાત સમઝ લી હૈ. સમાચાર સુનને કે બાદ થોડી બેચેની હો ગઈ ઉસકી વજહ ભી હૈ. જિસ લડકી કે સાથ આપકે ભાઈકી સગાઈ હુઈ હૈ ઉસ લડકીકા આત્મા પિછલે જન્મસે આપકે દાદા કે સાથ જુડા હુઆ હૈ. દાદાને પીછલે જન્મમેં ઉસકો બહોત પરેશાન કીયા થા. ઉસકા સબ કુછ છીન લીયા થા." રંગનાથન બોલી રહ્યા હતા.

"વો આત્મા બરસોં સે સૂક્ષ્મ જગતમેં રુકી હુઈ થી. અનિકેત કા જન્મ હુઆ તો ઉસને ભી જનમ લે લિયા. અબ બદલા લેનેકે લિયે વો આપકે ઘરમેં આ રહી હૈ. " રંગનાથન બોલ્યા.

"અભી તો ઉસ લડકીકો પૂર્વ જન્મકી કોઈ બાત યાદ નહીં હૈ. લેકિન જબ આપકે ભાઈકી શાદી હો જાયેગી ઔર દોનોં કે બીચ શારીરિક સંબંધ હોગા ઉસકે બાદ ઉસ લડકી કો સપનેમેં અપના પૂર્વજન્મ યાદ આતા જાયેગા ઔર ઉસકે મનમેં બદલેકી ભાવના જગેગી" રંગનાથન બોલી રહ્યા હતા.

"અગર ઇસ શાદી કો રોક દી જાયે તો યે બાત ખતમ હો જાતી હૈ. યા તો દોનો કે બીચ શારીરિક સંબંધ નહીં હોતા તો ઉસકો પિછલા જનમ યાદ નહીં આયેગા. લેકિન મુઝે નહી લગતા કી યે શાદી રુક જાયેગી. ઔર શાદી હો જાતી હૈ તો શારીરિક સંબંધ તો હોગા હી. ઔર ઐસા હોતા હૈ તો આપ કે ભાઈકી કુંડલીમેં સપ્તમ સ્થાનમેં જો ભારી મંગલ બૈઠા હૈ વો ઘર કો અમંગલ કર દેગા" રંગનાથને એમની વાત પૂરી કરી.

"અરે બાપ રે ! આ તો બહુ મોટી ચિંતાની વાત છે. શું આનો કોઈ ઉપાય નથી ? " અભિષેક બોલ્યો.

" હમારે હાથમે કુછ ભી નહી હૈ અભિષેકજી. હોની કો કોઈ ટાલ નહીં સકતા. અગર યે શાદી હોતી હૈ તો પરિણામ નિશ્ચિત હૈ. શાદી રૂક જાતી હે તો બાત અલગ હૈ. લેકિન યે મેરે ઔર આપકે બસ કી બાત નહીં હૈ." રંગનાથન બોલ્યા.

હવે શું કરવું ? શું દાદા સાથે ફોનથી આ બાબતની વાત કરવી કે ઇન્ડિયા જઈને દાદાને સચેત કરી દેવા ? શું દાદા આ બધી વાતને માનીને અનિકેતનાં લગ્ન અટકાવી શકશે ? શું અનિકેત માની જશે ? દેખાવમાં તો છોકરી અપ્સરા જેવી છે. શું એ આવું કરી શકે ? -- હજાર પ્રશ્નો અભિષેકના મનમાં ઉઠી રહ્યા હતા.

અભિષેકે રંગનાથનની રજા માગી. કારણ કે આજે પણ સત્સંગમાં એનો કોઈ મૂડ ન હતો. એ ઘરે જવા માટે રવાના થઈ ગયો.

બે ત્રણ દિવસના મનોમંથન પછી છેવટે અભિષેકે ઇન્ડિયા જવાનો નિર્ણય લઈ લીધો અને એની વાઈફને ત્રણ ચાર દિવસમાં મુંબઈ જઈને આવું છું કહીને એણે મુંબઈની ટિકિટ બુક કરાવી. બીજા દિવસે રાત્રે ૯ વાગે એ મુંબઈ થાણા પોતાના ઘરે પણ પહોંચી ગયો. પોતે ઇન્ડિયા આવી રહ્યો છે એવા સમાચાર એણે કોઈને પણ આપ્યા ન હતા.

અચાનક આ રીતે અભિષેકને ઘરે આવેલો જોઈને ઘરના બધાને આશ્ચર્ય થયું. થોડી ચિંતા પણ થઈ.

"તમે બધા કેમ આટલા બધા આશ્ચર્ય પામો છો ? આ તો એક સરપ્રાઈઝ વિઝીટ છે. મારું જ ઘર છે. ગમે ત્યારે આવી શકું છું. " અભિષેક હસીને બોલ્યો.

" અરે બેટા તારું જ ઘર છે. અમને આશ્ચર્ય એટલા માટે થાય છે કે તારા આવવાના કોઈ સમાચાર તેં અમને આપ્યા જ નથી. એટલે ચિંતા તો થાય જ ને ? " પ્રશાંતભાઈ બોલ્યા.

" એટલા માટે તો કહું છું કે આ એક સરપ્રાઈઝ વિઝીટ છે. અનિકેતને મારે અભિનંદન તો આપવાં જ પડે ને ! અને રક્ષાબંધનની રાખડી શ્વેતા પાસે કેટલાય વર્ષોથી બંધાવી નથી. પૂર્ણિમા હમણાં જ ગઈ છે તો ભેગાભેગી રાખડી પણ બંધાવી લઉં. " અભિષેક હસીને બોલ્યો અને માતા-પિતા અને દાદાને નીચા નમીને ચરણસ્પર્શ કર્યા. અનિકેત મોટાભાઈને ભેટી પડ્યો.

" કોન્ગ્રેચ્યુલેશન્સ અનિકેત ! કેનેડા બેસીને અભિનંદન આપું એના કરતાં રૂબરૂ તને મળીને જ અભિનંદન આપું એનો આનંદ જ અલગ છે." અભિષેક બોલ્યો.

" થેન્ક્યુ વેરી મેચ. તમારી તો વાત જ અલગ છે અભિષેક ભાઈ. મોસ્ટ વેલકમ એટ યોર હાઉસ ! " અનિકેત બોલ્યો.

" અભિષેકભાઈ તમારી રાખડી વાળી વાત મને બહુ જ ગમી ગઈ. કાલે સવારે જ હું તમારું રક્ષાબંધન કરીશ." શ્વેતા બોલી.

" તારી ગિફ્ટ પણ તૈયાર જ હશે !" અભિષેક બોલ્યો.

" ચાલ હવે થોડો ફ્રેશ થઈને જમવા બેસી જા. ૯ વાગી ગયા છે. ગઈ કાલનો પ્લેનમાં જ છે." પ્રશાંતભાઈ બોલ્યા.

ઘરનો નોકર પાંડુ અભિષેકની બેગ એના બેડરૂમમાં લઈ ગયો. અભિષેક પણ બેડરૂમમાં ગયો. એણે બેગમાંથી ટુવાલ અન્ડરવેર અને ગંજી બહાર કાઢ્યાં. રાત્રે પહેરવાનો નાઈટ ડ્રેસ પણ સાથે લઈને બાથરૂમમાં ગયો.

બીજા દિવસે સવારે શ્વેતાએ ભાઈની આરતી ઉતારીને સુંદર રીતે રક્ષાબંધન નો પ્રસંગ ઉજવ્યો અને સામે અભિષેકે એને આઈફોન ગિફ્ટ આપ્યો.

બપોરે જમ્યા પછી ધીરુભાઈ પોતાના બેડરૂમમાં ગયા ત્યારે અભિષેક પણ એમની પાછળ પાછળ ગયો. એ સમયે પ્રશાંત મનીષ કે અનિકેત કોઈ ઘરે હાજર ન હતા. બધા સાઈટ ઉપર ગયા હતા ! દાદા સાથે વાત કરવાનો આ જ શ્રેષ્ઠ મોકો હતો.

" દાદા સાવ સાચું કહું તો તમારી સાથે એક વાત કરવા માટે જ સ્પેશિયલ હું ઇન્ડિયા આવ્યો છું. આ વાત હું ફોન ઉપર પણ કહી શકતો હતો પરંતુ અમુક ચર્ચા રૂબરૂમાં થાય તો વધારે સારું એટલે બે દિવસ માટે હું ઇન્ડિયા આવ્યો. " અભિષેક બોલ્યો.

"બોલ ને બેટા. વાત કરવા માટે તું છેક ઇન્ડિયા આવ્યો એનો મતલબ કે વાત થોડીક ગંભીર લાગે છે . તું જરા પણ મૂંઝાયા વગર મારી સાથે વાત કરી શકે છે. તારો કોઈ પણ પ્રોબ્લેમ હોય, હું એનો રસ્તો કાઢી આપીશ." ધીરુભાઈ બોલ્યા.

"ના દાદા પ્રશ્ન મારો નથી. હું આપણા અનિકેતની સગાઈને લઈને થોડો વ્યથિત છું. " અભિષેક બોલ્યો.

" અરે પણ એની સગાઈને લઈને તું શું કામ વ્યથિત થયો છે ? એની સગાઈ જ્યાં કરી છે તે હરસુખ મારો ખાસ નાનપણનો મિત્ર છે. છોકરી કાચની પૂતળી જેવી છે. બધી વાતે હોશિયાર છે અને બંનેની જોડી શોભે એવી છે " ધીરુભાઈને ખૂબ જ આશ્ચર્ય થયું.

"હા દાદા હું બધું જ સમજુ છું. પરંતુ મને કેટલીક વાતો જે જાણવા મળી છે એના કારણે થોડો ટેન્શનમાં આવી ગયો છું. અમારા વાનકુંવર માં એક સાઉથ ઇન્ડિયન રંગનાથન રહે છે એ ઘણું બધું જાણી શકે છે અને જોઈ શકે છે. દર રવિવારે હું એમના ત્યાં જાઉં છું. મેં એમને અનિકેતની સગાઈની વાત કરી અને કૃતિનો ફોટો બતાવ્યો ત્યારે એમણે જે કહ્યું એ પછી હું થોડો ડિસ્ટર્બ થયો છું. " અભિષેક બોલ્યો.

"કેમ એવું તે શું કહ્યું તારા એ સાઉથ ઇન્ડિયન રંગનાથને ?" ધીરુભાઈ બોલ્યા. જો કે અંદરથી એ થોડા વિચલિત થઈ ગયા કારણકે વર્ષો પહેલાં રાજકોટના દીવાકર ગુરુજીએ પણ અનિકેતના લગ્ન વિશે આવો જ કંઈક અમંગળ ઈશારો કર્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)