Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 116

 (૧૧૬) રાજપૂતાના સમકાલીન કવિઓની વાણીમાં પ્રતાપ

 

         દુરસા આઢાનો જન્મ ઇ.સ. ૧૫૩૫ માં મારવાડના ધૂંદલા ગામમાં થયો હતો. મેહોજી પિતાનું નામ હતુ. અને ધન્નીબાઈ માતાનું નામ. નાનપણમાં પિતા સન્યાસી થઈ ગયા. માંએ દુ:ખ વેઠીને દુરસાને મોટા કર્યા. તેઓ ચારણ હતા. એક ખેડૂતના ખેતરમાં નાનપણમાં મજૂરી કરતા હતા પરંતુ ભાગ્યયોગે કોઇ ઠાકોરે તેમની તેજસ્વિતા જોઇ. તે સમયના જોધપુરના રાજા માલદેવને આ બાળકની હોંશિયારીની વાત કરી. પછી તો ગામનો પટ્ટો જ એમના નામનો કરી દેવામાં આવ્યો.

         તેમના ત્રણ લગ્ન થયા હતા. ચારણ જ્ઞાતિમાં બે અને પાસવાન બાઈ કેસર સાથે ત્રીજું. એમના છ પુત્રો હતા. ઇ.સ. ૧૫૭૧ માં પાલી જિલ્લાના ગુંદોજ ગામે, ગુજરાત જતાં બાદશાહ અકબર સાથે તેમની મુલાકાત થઈ. ઇ.સ. ૧૫૫૮ માં દુરસાજી પોતાની કાવ્યકળાથી બેરામખાંને અને પછી અકબરને ખુશ કરી ચૂક્યા હતા. રાજપૂતાનાના રાજા-મહારાજાઓ, ગુજરાતના રાજા-મહારાજાઓ પાસે દુરસાજી શિરપાવ મેળવી ચૂક્યા હતા. તેમણે મહારાણા પ્રતાપ માટે લખ્યું હતું.

         અકબર ગરબ ન આણ, હીંદૂ સહ ચાકર હુવા,

         દીઠો કોઇ દીવાણ, કરતો લટકા કટ હડૈ,

         હે અકબર! બધાં હિંદુઓના (તમારા) સેવક થઈ જવાના કારણે તૂ (મનમાં) અભિમાન ન કરીશ. (કારણ કે ) શું કોઇએ દિવાન (રાણા પ્રતાપ) ને (આપના સિંહાસનના) કઠેરા આગળ લટકા (હાવભાવ) કરતા જોયો છે?

         ચિતવૈ ચિત ચીતોડ, ચિતા જલાઈ સોચ તર,

         મેવાડો જગ મોડ, પાવન પુરૂષ પ્રતાપસી,

         મેવાડનો સ્વામી, જગતનો મુકુટ, પુરૂષ પ્રતાપસિંહ મનમાં ચિતોડની ચિંતા કર્યા કરે છે અને એજ વિચારોમાં એના મનમાં ચિતા બળી રહી છે.

         કદૈ ન નામૈ કંધ, અકબર ઢીગ આવે ન ઓ,

         સૂરજ બંસ સંબંધ, પાલૈ રાણા પ્રતાપસી,

         એ ક્યારેય અકબર સમક્ષ આવતો નથી અને નથી ક્યારે પોતાનો ખભો નમાવતો. (આ પ્રમાણે) રાણા પ્રતાપસિંહ સૂર્યવંશીની સાથે (પોતાનો) સંબંધ પાળે છે.

         અકબર પથર અનેક, કે ભૂપત ભેલાં કિયા,

         હાથ ન લાગો હેક, પારસ રાણા પ્રતાપ સી,

         અકબરે રાજારૂપી અનેક પથ્થરો ભેગા કર્યા છે. (પરંતુ) પારસરૂપી એક રાણા પ્રતાપસિંહ (એના) હાથમાં નથી આવ્યો.

        

 

અકબર સમંદ અથાહ, તિહં ડૂબા હિન્દૂ-તુરક,

         મેવાડો તિણ માહ, પોયણ ફૂલ પ્રતાપસી,

         અકબર અથાહ સમુદ્ર સમાન છે. જેમાં હિન્દુઓ અને યવનો ડૂબી ગયા. પરંતુ એમાંજ (સમુદ્રમાં) મેવાડપતિ પ્રતાપસિંહ કમળનું ફૂલ છે. જેને સમુદ્રનું જળ સ્પર્શી શક્તું જ નથી.

         અકબરિયે ઇક વાર, દાગલ કી સારીં દુની,

         અણ દગલ અસવાર, રહિયો રાણા પ્રતાપસી,

         અકબરે એકજ ફેરામાં આખી દુનિયાના (બાદશાહી ઘોડાઓને) દાગ લગાડી દેવડાવ્યા. પરંતુ દાગ વગરનો સવાર તો કેવળ રાણા પ્રતાપ જ રહ્યો છે.

         અકબર કનૈ અનેક, નમ નમ નીસરિયા નૃપતિ,

         અનમી રહિયો એક, પહુવી રાણા પ્રતાપસી,

         અકબરની પાસેથી અનેક રાજા (મસ્તક) નમાવી નમાવીને નીકળી ગયા. પૃથ્વીપર એકમાત્ર મહારાણા પ્રતાપ જ અણનમ રહ્યા છે.

         અકબર ઘોર અંધારા, ઉંઘાણા હીંદુ અવર,

         જાગે જગદાતા, પોહરે રાણ પ્રતાપસી,

         અકબરરૂપી ઘોર અંધકારમાં બધાં હિંદુઓ ઘોરવા માંડ્યા છે, પરંતુ દુનિયાનો દાનેશ્વરી તો સજગ પ્રહરી બનીને જાગતો છે.

         ચીત મરણ રણ ચાય, અકબર આધીની બિના,

         પરાધીન દુ:ખ પાય, પુનિ જવૈં ન પ્રતાપસી,

         (રણા) પ્રતાપસિંહની (હંમેશા) એવી જ ઇચ્છા રહે છે કે, યુદ્ધમાં મૃત્યુ આવે પરંતુ અકબરને આધીન ન થવું જોઇએ. (કારણ કે) પરાધીનતાના દુ:ખને મેળવીને વધારે જીવનની તેને ઇચ્છા નથી.

         બડી બિપત સહ બીર, બડી ક્રીત ખાટી બસુ,

         ધરમ ધુરંધર ધીર, પોરસ ધિનો પ્રતાપસી,

         હે વીર! ખૂબ આફતો સહન કરીને તમે મોટી કીર્તિ પ્રાપ્ત કરી છે, ધર્મની ધુરાને ધારણ કરવાવાળા હે ધૈર્યવાન પ્રતાપસિંહ તમારા પુરૂષાર્થને ધન્યવાદ છે.

         પ્રીથિરાજ રાઠોડ એક રાજપુરૂષ હોવા ઉપરાંત કૃષ્ણ ભક્ત પણ હતા તેમની રચનાઓમાં સર્વશ્રેષ્ઠ રચના છે “વેલિ કિસન રૂકમણીરી” આ ગ્રંથની પ્રશંસા સ્વયં દુરસા આઢાએ આ પ્રમાણે કરી, “રૂક્ષ્મણીના ગુણો અને રૂપના વર્ણન કરવાવાળા પ્રીથિરાજની “વેલી” નામના ગ્રંથની રચનાના કોણ વખાણ કરે? એ તો પાંચમો વેદ અને ઓગણીસમું પુરાણ છે.

         ચોર્યાસી વૈષ્ણવોમાં તેઓની ગણના થાય છે. લીલામાં તેમનુ નામ “પ્રભાવતી” નાભાદાસે રાખ્યુ એવું કહેવાય છે કે, ભક્તરાજને ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો હતો, કરણીદેવીના દર્શન થયા હતા છતાં કવિ પ્રીથિરાજ ખૂબ નમ્ર હતા.

         “વેલિ’ પૂર્ણ થઈ એટલે કવિ તેને અર્પણ કરવા દ્વારિકા તરફ પ્રસ્થાન કરી ગયા. સ્વયં દ્વારિકાનાથે એક વૈશ્યનું રૂપ ધારણ કર્યું. કવિના મુકામપર આવ્યા.

         કવિએ “વેલિ” આ વૈશ્યને પૂરી ભાવનાથી સંભળાવવા માંડી. કવિ આગળ વધી ગયા અને “વેલિ” વૈશ્યના મુકામે રહી ગઈ. દૂર દૂર પહોંચ્યા બાદ કવિને યાદ આવ્યું કે, “વેલિ” તો ભૂલી આવ્યા છે, એક ઘોડે સવારને દોડાવ્યો પરંતુ આશ્ચર્ય. જે જગ્યાએ મુકામ કર્યો હતો ત્યાં કોઇજ ન હતું. માત્ર કાપડમાં વિંટાળેલી “વેલિ” જ હતી.

         “પૃથ્વીરાજ ગદ્‍ગદ્‍ થઈ ગયા. મારી “વેલિ” સાંભળવા ભગવાનને વૈશ્યનો વેશ લેવો પડ્યો. હું કેવો બડભાગી!”

         કહે છે કે, એમના ઇષ્ટદેવ “લક્ષ્મીનાથ” ની તેઓપર અનહદ કૃપા હતી. તેઓ મહારાણા પ્રતાપ માટે લખે છે.

         ઘર બાઁકી દિન પાધરા, મરદ ન મૂકૈ માણ,

         ઘણાં નરિદાં ઘેરિયો, રહૈ ગિરંદ્સાં રાણ,

         જેની ભૂમિ અત્યંત વિકટ છે અને દિવસ અનુકૂળ છે, જે વીર અભિમાનને છોડતો નથી. એ રાણાપ્રતાપ, ઘણાં રાજાઓથી ઘેરાયેલો, પહાડોમાં વસે છે.

         માંઈ એહા પૂત જણ, જેહા રાણ પ્રતાપ,

         અકબર સૂતો ઓધકૈ, જાણ સિરાણૈ સાંપ,

         હે માતા! એવા સપૂતોને જન્મ આપ, જેવા કે, રાણા પ્રતાપ છે. જેની યાદ આવતાં જ સૂતેલો અકબર એવી રીતે ચમકી જાય છે કે, માનો ઓશિકા તળે સાંપ ન હોય.

         પાતાલ પાધ પ્રમાણ, સાંચી સાંગાહર તણી,

         રહી સદાલગ રાણ, અકબર સૂઁ ઉભી અણી.

         રાણા સંગ્રામસિંહના પૌત્ર પ્રતાપસિંહની પાઘડી જ, ખરેખર સાચી પાઘડી છે. જે અકબરશાહની સામે (વગર ઝૂકે) હંમેશા સીધીજ ઉભી રહી.

         જાસી હાટ, બાત રહસી જગ,

                 અકબર જગ જાસી એકાર,

                          રહ રાષિયો ધ્રમ રાણૈ,

                          સારા બે બરતો સંસાર.

         અકબર (રૂપી) ઠગ પણ એક દિવસે ચાલ્યો જશે. એની હાટડી પણ એક દિવસે ઉઠી જશે. પણ દુનિયામાં આ વાત અમર રહી જશે કે રાણા (પ્રતાપ) એ (ક્ષત્રિયોના) ધર્મમાં રહીને, એને નભાવ્યો. હવે દુનિયામાં બધાંજ એને (ક્ષાત્રવટ) ને વર્તનમાં લાવે.

         અકબર સમદ અથાહ, સૂરાયણ ભરિયો સુજલ,

         મેવાડો તિણ માઁહ પોયણ ફૂલ પ્રતાપ સી.

         (અકબર અથાહ સાગર છે. શૂરાઓનો છલોછલ દરિયો ભરાયેલ છે. મેવાડપતિ એ અથાહ સાગર ઉપર કમળનું પુષ્પ છે. કમળ ફૂલ સમુદ્ર ઉપર રહે છે. ડૂબતું નથ.)

         અકબર એકણબાર, દાગલ કી સારી દુની,

         અણદાગલ અસવાર, રહિયો રાણ પ્રતાપસી,

         અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિંદુ અવર,

         જાગે જુગદાતાર, પોહરે રાણા પ્રતાપસી,

         હિંદુ પતિ પરતાપ, પતિ રાખો હિંદુ આણરી,

         સહે વિપત્તિ સંતાપ, સત્ય શપથકર આપણી,

         ચૌથો ચિતૌડાહ, બાંટો બાજંતી તણું,

         દીસે મેવાડાહ, તો શિર રાણ પ્રતાપ સી,

         ........... ચિતોડાહ, પૌરસતણો પ્રતાપસી,

         સૌરભ અકબરશાહ, અડિયલ આભડિયા નહિ,

         રાઓ અકબરિયાહ, તેજ તિહારો તુરકડા,

         નમ નમ નીસરિયાહ, રાણ વિના સહ રાવજી,

         સહ ગાવડિયેં સાથ, યેંકણ વાડે બાડિયાં,

         રાણા ન પાની નાથ, તોડે રાણ પ્રતાપસી,

         સોયો સો સંસાર, અસુરપ ઢોલે ઉપરે,

         જાગે જગદાતાર, પોહરે રાણ પ્રતાપસી,

         વાહી રાણ પ્રતાપસી, વગતર મેં બરછીહ,

         જાણક ઝીંગર જાલ મેં, મુઁહ કાઢ્યો મચ્છીહ,

         વાહી રાણ પ્રતાપસી, વરછી લચપરચહિ,

         જાણક નાગણ નિસરી, મુઁહ ભરિયો બરચહિ.

         પાતલ ધડ પતસાહરી, એમ વિધૂંસી આણ,

         જાણ ચઢી કર બંદરાં, પોથી વેદ પુરાણ,

 

         નર જેબ નિમાણા, મિલજી નારી, અકબર ગાહક વટ અવટ,

         ચૌહટે તિણ જાય’ર ચીતોડે, બેચૈ કિમ રજપૂત વટ.

         રોજાયતાં તણૈ નવરોજૈ, જૈથ મુસાણા જણોજણ,

         હિન્દૂનાથ દિલી ચૈ હાટે, પતો ન ખરચૈ ખત્રીપણ.

         પરપંચ લાજ દીઠ નંહત્યાપણ, ખોટો લાભ, અલાભખરો,

રજ વચવા ન આવૈ રાણો, હાટે મીર હમીર હરો,

પૈખે આપ તણા પુરૂષોત્તમ, રહ અણિઆલ તણૈ બલ રાણ,

ખત્ર બેચિયા અનેક ખત્રિયાં ખત્રવર થિર રાખી ખુમાણ.