સપનાનાં વાવેતર - 5 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 5

સપનાનાં વાવેતર પ્રકરણ 5

"આ દીવાકર ગુરુજી તો મને જોઈને જ ઓળખી ગયા. ધીરુભાઈનો પૌત્ર છું એમ પણ કહી દીધું. મારા માથે હાથ મૂકીને આખી હનુમાન ચાલીસા યાદ કરાવી દીધી. એમણે તો એ પણ કહી દીધું કે એમણે જ મને એમની પાસે બોલાવ્યો છે ! મને તો આ બધી વાતો નવાઈ ભરેલી લાગે છે કૃતિ. મેં મારી લાઇફમાં આવો અનુભવ પહેલી વાર કર્યો છે. " ગાડીમાં બેઠા પછી અનિકેત બોલ્યો.

"તમે ખૂબ જ નસીબદાર છો કે તમને એમણે સામેથી હનુમાન દાદાની દીક્ષા આપી. હવે તો એ તમારા ગુરુ બની ગયા. દર વર્ષે ગુરુપૂર્ણિમાએ તમારા દાદાની સાથે તમારે પણ રાજકોટ આવવું પડશે. એ બહાને મને પણ એક દિવસ માટે પિયર આવવાની તક મળશે " કૃતિ હસીને બોલી.

"તમને પિયર આવતાં કોણ રોકે છે કૃતિ ? તમારી જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે રાજકોટ આવી શકો છો !" અનિકેત હસીને બોલ્યો.

" રહેવા દ્યો હવે. અત્યારે આવી મીઠી મીઠી વાતો કરો છો. લગન પછી કેટલી વાર મને પિયર રહેવા માટે મોકલો છો એ બધી ખબર લગન પછી પડી જશે." કૃતિ કંઈક રોમેન્ટિક અંદાજમાં બોલી.

"હા એ વાત પણ સાચી છે. લગ્ન પછી તમારા વગર હવે હું એક દિવસ પણ રહી ના શકું. તમે તમારા સૌંદર્યમાં મને અડધો પાગલ તો અત્યારે જ કરી દીધો છે." અનિકેત હસીને બોલ્યો.

" દેખાવમાં તો તમે પણ મારાથી કમ નથી વરરાજા ! " કૃતિ હસીને બોલી.

આ રીતે રોમેન્ટિક વાતો કરતાં કરતાં હોટલ ક્યારે આવી ગઈ એ ખબર પણ ના પડી. કૃતિએ ગાડી પાર્ક કરી અને બંને જણાં ફરી પાછાં હોટલમાં પ્રવેશ્યાં. હજુ તો ૬:૩૦ વાગ્યા હતા. જમવાનું ૭:૩૦ વાગ્યા પછી ચાલુ થતું હતું.

"તમારા ઘરમાં કોણ કોણ છે ? થોડો પરિચય તો કરાવો " કૃતિ બોલી.

"જુઓ મારા ઘરમાં મારા દાદા મુખ્ય છે અને એમનું જ ઘરમાં ચાલે છે. મારા પપ્પા મારા કાકા બધા જ અમે એક જ બંગલામાં સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારા પપ્પાનું નામ પ્રશાંતભાઈ એ તો તમને ખબર હશે જ. બે પેઢીથી અમારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે." અનિકેત પોતાના કુટુંબનો પરિચય આપી રહ્યો હતો.

"પપ્પા થાણા અને કલ્યાણની સ્કીમો સંભાળે છે જ્યારે મનીષકાકા વાશી એટલે કે નવી મુંબઈ સંભાળે છે. આ બિઝનેસ મારા પરદાદાએ થાણાથી ચાલુ કરેલો. એ પછી દાદાએ સંભાળી લીધો. પપ્પા અને કાકાએ ભેગા મળી ધંધાનો ઘણો વિસ્તાર કર્યો. અત્યારે પણ બધી સ્કીમોનો હિસાબ દાદા જ રાખે છે. " અનિકેત બોલી રહ્યો હતો.

"મારી નાની બેન શ્વેતા કોલેજના છેલ્લા સેમીસ્ટરમાં છે. એ આઈટી માં છે. સોફ્ટવેરનું કરી રહી છે. મારા કાકાનો દીકરો અભિષેક મારા કરતાં બે વર્ષ મોટો છે અને એ વાનકુંવર કેનેડામાં સ્થાયી થયો છે. એના મેરેજ થઈ ગયા છે. મેં વોશિંગ્ટન ચાર વર્ષ રહી હાવર્ડ યુનિવર્સિટીમાં આર્કિટેકચર કરેલું છે. પપ્પા લોકોના બિઝનેસમાં હમણાં જ જોઈન થયો છું." અનિકેત બોલ્યો.

"આજના જમાનામાં જ્યારે બધા ભાઈઓ અલગ થવાની વાતો કરે છે ત્યારે તમારા કુટુંબની એકતા મને બહુ જ ગમી. જો કે મારે કોઈ કાકા નથી પરંતુ મારા ઘરનું વાતાવરણ પણ તમારા જેવું જ છે. દાદા કહે એ ફાઇનલ. બ્રાસનાં મશીન ટૂલ્સની અમારી ફેક્ટરી છે પરંતુ આજે પણ માર્કેટિંગ મારા દાદા જ સંભાળે છે. " કૃતિ બોલી.

આ રીતે વાતો કરતાં કરતાં સાડા સાત વાગી ગયા. કૃતિ અને અનિકેત જમવા માટે નીચે ડાઇનિંગ હોલમાં ગયાં. કૃતિ આ ડાઇનિંગ હોલમાં અત્યાર સુધીમાં બે થી ત્રણ વાર આવી ગઈ હતી.

જમી લીધા પછી કૃતિ સવા આઠ વાગે પોતાના ઘરે જવા માટે હોટેલની સામે પાર્ક કરેલી ગાડી પાસે ગઈ. અનિકેત પણ એની સાથે ગાડી સુધી ગયો.

" જુઓ. મેં તમને બધી જ વાત કરી દીધી છે. હવે તમે તમારા મમ્મી પપ્પા અને દાદાને કેવી રીતે કન્વીન્સ કરો છો એના ઉપર જ આપણા મેરેજનો બધો આધાર છે. અત્યારે તો તમારે એટલું જ કહેવાનું છે કે તમારે ભારે મંગળ હોવાથી લગ્ન ઉજ્જૈનમાં થશે અને રિસેપ્શન મુંબઈમાં થશે. મૂંઝાઈ જાઓ તો મારી સલાહ લઈ લેજો. મેં તમને મારો મોબાઇલ નંબર આપી દીધો છે." કૃતિ હસીને બોલી.

" તમારાથી અલગ થવાનું મન થતું નથી. તમારી સાથે આ ચાર કલાક ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ના પડી. આઈ વિલ મિસ યુ. " અનિકેત બોલ્યો.

"મારી પણ તમારા જેવી જ હાલત છે અનિકેત. બસ આપણો પ્લાન સફળ થઈ જાય અને આપણે એકબીજાના થઈ જઈએ એ દિવસની જ હું રાહ જોઉં છું. ચાલો હવે હું નીકળું. ગુડ નાઈટ એન્ડ બાય." કૃતિ બોલી અને ગાડી સ્ટાર્ટ કરી.

" બાય એન્ડ ટેક કેર " કહીને અનિકેતે પોતાનો હાથ હલાવ્યો. કૃતિએ ગાડી પોતાના ઘર તરફ લીધી.

કૃતિ ઘરે પહોંચી ત્યારે રાતના ૮:૩૦ વાગી ગયા હતા. ઘરના તમામ સભ્યો કૃતિની જ રાહ જોઈને બેઠા હતા. કૃતિ હોટલમાં અનિકેતને મળવા ગઈ હતી અને એની સાથે મંગળ દોષની ચર્ચા કરવા ગઈ હતી.

ઘરે આવીને કૃતિ સૌ પ્રથમ પોતાના બેડરૂમમાં ગઈ અને કપડાં બદલી નાખ્યાં. ૧૦ મિનિટમાં નાઈટ ડ્રેસ પહેરીને એ બહાર આવી. ઘરના તમામ સભ્યો ડ્રોઈંગ રૂમમાં કૃતિની જ રાહ જોઈને બેઠા હતા.

"હવે બોલ બેટા તું શું કરી આવી ? અમે બધાં જ તારા જવાબની રાહ જોઈને બેઠાં છીએ. મુંબઈથી ધીરુભાઈનો પણ એક કલાક પહેલાં ફોન હતો. મેં કહ્યું કે કૃતિ અત્યારે અનિકેતની સાથે છે એટલે પછી એમણે 'ભલે ભલે' કહીને ફોન કટ કર્યો. " હરસુખભાઈ બોલ્યા.

"બધું ટેન્શન ખતમ થઈ ગયું દાદા. મેં તમને કહ્યું હતું ને કે મારા ઉપર વિશ્વાસ રાખો. બધું પાક્કું કરીને આવી. હવે સગાઈની તૈયારીઓ કરો." કૃતિ હસીને બોલી.

" અરે પણ તેં એને કહ્યું નહીં કે કુંડળી મળતી નથી અને કોઈપણ સંજોગોમાં આ લગ્ન થઈ શકે તેમ નથી ? એના માટે તો તું એને મળવા સામે ચાલીને હોટલ ગઈ હતી ! " હરસુખભાઈ બોલ્યા.

"દાદા તમારી દીકરી કોઈ કાચું કામ કરે એવી નથી. હું શનિવારે ગૌરીશંકર દાદાને મળવા ગઈ હતી. આ વાત મેં તમને હજુ કહી નથી. મારે અનિકેત સાથે ચર્ચા કર્યા પછી જ આ વાત તમને કરવી હતી. ગૌરીશંકર દાદાને મેં બહુ જ વિનંતી કરી ત્યારે એમણે એક છેલ્લો રસ્તો બતાવ્યો. મને કહ્યું કે તારે અનિકેત સાથે જ લગન કરવાં હોય તો ઉજ્જૈન જઈને કરવાં પડશે." કૃતિ બધા સાંભળે એ રીતે મોટેથી વાત કરી રહી હતી.

" એમણે કહ્યું કે ઉજ્જૈન મંગળની જન્મભૂમિ છે અને ત્યાં મંગલનાથ મહાદેવનું મંદિર છે. જેમને બહુ જ ભારે મંગળ હોય એ લોકો કોઈ પણ મંગળવારે એ મંદિરમાં જઈને મંગલનાથની પૂજા કરીને મંગલનાથ મહાદેવની સાક્ષીમાં લગ્ન કરે તો આ ભારે મંગળ હળવો થાય છે અને એટલું બધું ખરાબ રિઝલ્ટ આપતો નથી. મારે આ ચર્ચા અનિકેત સાથે ખાસ કરવી હતી. અનિકેત તૈયાર થઈ ગયા છે. એ એમના મમ્મી પપ્પા તથા દાદાને સમજાવી દેશે. એટલે મારા લગનનો બધો માર્ગ મોકળો થઈ ગયો છે." કૃતિ હસીને બોલી.

" પરંતુ મેં ગૌરીશંકરભાઈને મંગળ ગ્રહની શાંતિ માટે આટલું બધું કહ્યું હતું છતાં એ દિવસે આપણા ઘરે એમણે કેમ આ વાત ના કહી ? " હરસુખભાઈ બોલ્યા.

"એ વખતે એમને ઉજ્જૈન જઈને મંગલનાથ મહાદેવની સામે લગન કરવાની વાત યાદ નહીં આવી હોય. હું તે દિવસે એમના ઘરે ગઈ અને બહુ જ વિનંતી કરી એ પછી જ એમને આ ઉપાય યાદ આવ્યો. એ ત્યાંના પૂજારી નિરંજનભાઇને ઓળખે છે. એમણે કહ્યું કે લગનનું મુહૂર્ત કોઈ પણ મંગળવારનું જ કઢાવજો અને બંને જણાં ત્યાં જઈને લગ્ન કરજો." કૃતિ બોલી.

" ચાલો ત્યારે માથેથી એક મોટી ચિંતા ટળી ગઈ. ધીરુભાઈને મારે શું જવાબ આપવો એ મારા માટે સૌથી મોટો સવાલ હતો. એ તો સગાઈની તૈયારી કરીને બેઠા છે. " હરસુખભાઈ હવે હળવાશથી બોલ્યા.

" હા દાદા અનિકેત પણ એમ જ કહેતા હતા કે મારા દાદાને સગાઈની બહુ જ ઉતાવળ છે એટલે જ એમણે તાત્કાલિક મને રાજકોટ મોકલ્યો. હવે થોડા દિવસોમાં જ સારું મુહૂર્ત જોઈને એ લોકો સગાઈ કરવા માટે આવશે. " કૃતિ બોલી.

"તને અનિકેત કેવો લાગ્યો બેટા ? અહીં આવ્યો ત્યારે વાતચીતમાં તો ઘણો વિવેકી અને સંસ્કારી લાગતો હતો. " મનોજ બોલ્યો.

"લાગતા હતા નહીં પપ્પા એ ખરેખર સંસ્કારી છે. આધ્યાત્મિક વિચારધારા વાળા પણ છે. દાદા તમને ખબર છે અનિકેતના દાદા દર ગુરુપૂર્ણિમાએ અહીં યાજ્ઞિક રોડ ઉપર સરદારનગર સોસાયટીમાં કોઈ દીવાકરભાઈનાં દર્શન કરવા માટે આવે છે ! " કૃતિ બોલતી હતી.

"હું અને અનિકેત પણ એ ગુરુજીનાં દર્શન કરી આવ્યાં. ખૂબ જ તેજસ્વી મહાપુરુષ છે. એ તો અનિકેતને જોઈને જ ઓળખી ગયા અને એના દાદાનું નામ પણ કહી દીધું. એમણે પણ લગ્ન માટે આગળ વધવાની છૂટ આપી. એમણે અનિકેતના માથા ઉપર હાથ મૂકી હનુમાન ચાલીસાની દીક્ષા પણ આપી દીધી ! " કૃતિ બોલી.

"શું વાત કરે છે તું ? આવા સિદ્ધપુરુષ રાજકોટમાં રહે છે અને મને તો કંઈ ખબર જ નથી ! આપણે પણ ક્યારેક દર્શન કરી આવીશું . તારી વાત સાંભળીને મને ખરેખર ખૂબ જ શાંતિ થઈ છે. હવે આપણે પણ સગાઈની તૈયારીઓ ચાલુ કરી દેવી પડશે. સારું મુહૂર્ત આપણે જ જોવડાવવું પડશે કારણ કે આપણે કન્યાવાળા છીએ."
હરસુખભાઈ બોલ્યા.

કૃતિનાં મમ્મી આશાબેન અને પપ્પા મનોજભાઈને પણ કૃતિની વાતથી ખૂબ જ આનંદ થયો.

અનિકેત બીજા દિવસે સવારના ફ્લાઈટમાં મુંબઈ પહોંચી ગયો. ફોન ઉપર વાતચીત થઈ ગઈ હતી એટલે પ્રશાંતભાઈએ પોતાના ડ્રાઇવરને એરપોર્ટ ઉપર મોકલી આપ્યો હતો. સવારે ૧૦ વાગ્યા સુધીમાં તો અનિકેત ઘરે પણ પહોંચી ગયો.

ધીરુભાઈનો એક મહાન ગુણ એમની ધીરજ હતી. અનિકેત આવ્યો એ પછી એમણે એને એક પણ સવાલ ના કર્યો. અનિકેત પોતે જ જે કહેવાનું હશે તે કહેશે એવો એમને વિશ્વાસ હતો.

કામ ગમે એટલું હોય ધીરુભાઈના ઘરનો નિયમ હતો કે લંચ અને ડીનર એક જ ટેબલ ઉપર બધાએ સાથે બેસીને જ લેવું. બધા જ સભ્યો બપોરે ૧૨ વાગે અને રાત્રે ૮ વાગે સમયસર ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જતા. રૂપસિંહ નામનો મારવાડી રસોઈયો વર્ષોથી તેમના ત્યાં કામ કરતો હતો. સમય થાય એટલે તમામ રસોઈ ટેબલ ઉપર આવી જતી અને દરેકની થાળી મૂકાઈ જતી. દરેક સભ્યની ખુરશી પણ ફિક્સ હતી. આ શિસ્ત બધાએ પાળવાની હતી !

લંચના ટેબલ ઉપર અનિકેતે જ વાતની શરૂઆત કરી.

"દાદા તમે સગાઈની તૈયારીઓ શરૂ કરી શકો છો. કૃતિ મને પસંદ આવી છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. કૃતિના દાદા કહેતા હતા કે મારી કુંડળીમાં ભારે મંગળ છે જ્યારે કૃતિને કંઈ નથી એટલે એની શાંતિ કરવી પડશે. બાકી લગ્ન કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. " અનિકેતે વાતની શરૂઆત કરી.

અનિકેતે મનોમન નક્કી કર્યું હતું કે ઉજ્જૈન જઈને લગ્ન કરવાની વાત હમણાં કરવા જેવી નથી. એના માટે ઘણો સમય છે.

" બસ આ સાંભળવા માટે જ મારા કાન ક્યારના તરસતા હતા. મેં એને પહેલી વાર જોઈ ત્યારે જ મનમાં નક્કી કર્યું હતું કે અનિકેત માટે આવી વહુ જ મારે જોઈએ છે. ઘર એકદમ સંસ્કારી. છોકરી પણ એકદમ રૂપાળી. એનો કંઠ પણ સાંભળીએ તો મન ખુશ થઈ જાય. દૂધમાં સાકર ભળે એમ એ દીકરી આપણા ઘરમાં ભળી જશે. " ધીરુભાઈ બોલ્યા.

"દાદા અમે ગઈકાલે સરદાર નગર દીવાકર ગુરુજીના ઘરે ગયા હતા. એમણે અમને બંનેને આશીર્વાદ આપ્યા. એમણે તો મને જોઈને કહી દીધું કે તું ધીરુભાઈનો પૌત્ર છે ને ? મેં એમને કહ્યું કે હા ગુરુજી હું તમારાં દર્શન કરવા માટે આવ્યો છું. તો મને કહે કે તું જાતે નથી આવ્યો. મેં તને અહીં બોલાવ્યો છે !" અનિકેત હસીને બોલ્યો.

" શું વાત કરે છે અનિકેત ? ગુરુજીએ તને એવું કહ્યું ? " અત્યાર સુધી ચૂપ બેઠેલો મનીષ બોલ્યો.

" હા અંકલ એમને બધી જ ખબર પડી જાય છે. એમણે તો મારા માથા ઉપર જમણો હાથ મૂકીને હનુમાન ચાલીસાની મને દીક્ષા આપી. મને તો હનુમાન ચાલીસા બિલકુલ આવડતી ન હતી. પણ એમણે જેવો મારા માથા ઉપર હાથ મૂક્યો કે હું હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો. મને અત્યારે પણ હનુમાન ચાલીસા આખી મોઢે છે. મને કહે કે રોજ ભૂલ્યા વગર ત્રણ પાઠ કરજે " અનિકેત બોલતો હતો.

"મને કહે કે ધીરુભાઈના પિતા વલ્લભભાઈ ગાયત્રી મંત્રના પ્રખર ઉપાસક હતા. એમના પ્રતાપે જ તમારા ઘરમાં આટલી સુખ સમૃદ્ધિ છે. તારે પણ તારા ભવિષ્યની સુરક્ષા માટે હનુમાન ચાલીસા ચાલુ રાખવી." અનિકેત બોલ્યો.

"ગુરુજી તો ગુરુજી જ છે ! સર્વજ્ઞ છે. એમની કૃપા તો આપણા કુટુંબ ઉપર વર્ષોથી છે . આ જાહોજલાલી એમના આશીર્વાદના કારણે જ છે. હનુમાનજીનો સાક્ષાત્કાર કર્યો છે એમણે. દિવસમાં એક વાર માત્ર મગ અને રોટલાનું સાદુ ભોજન કરે છે. " ધીરુભાઈ બોલી રહ્યા હતા.

" વર્ષો પહેલા તું જ્યારે બહુ નાનો હતો ત્યારે આપણા ઘરે અહીં એમની પધરામણી કરેલી. જમવા માટે જાતજાતનાં પકવાન બનાવેલાં પરંતુ એમણે બે હાથ જોડી વિનંતી કરી કે એક રોટલો અને થોડા મગ મને બનાવી આપો. એ સિવાય હું કંઈ જ લઈશ નહીં. મહારાજે એમના માટે સ્પેશિયલ રોટલો અને મગ બનાવ્યા એ પછી જ એમણે ભોજન લીધું. મન ઉપર એકદમ સંયમ ! " ધીરુભાઈ ભૂતકાળમાં સરી ગયા.

" ૩૬૫ દિવસ એક જ ભોજન એ પણ ખરેખર તપસ્યા જ છે. જીભ ઉપર સંયમ રાખવો બહુ અઘરું કામ છે. " પ્રશાંતભાઈ બોલ્યા.

"હા. આવા મહાપુરુષે તમને બંનેને આશીર્વાદ આપી દીધા એટલે હવે આંખો મીંચીને આ લગન કરવાનાં. " ધીરુભાઈ એકદમ આનંદમાં આવીને બોલ્યા.

"દાદા તમે તો વર્ષોથી મુંબઈ રહો છો તો પછી તમારો એ ગુરુજી સાથે પરિચય કેવી રીતે થયેલો ? " અનિકેતે પૂછ્યું.

"મારી ૧૭ વર્ષની ઉંમર હતી ત્યારે બાપુજીએ ફેમિલીને મુંબઈ બોલાવી દીધેલું. ત્યાં સુધી બાપુજી એકલા જ રહેતા હતા. અહીં થાણામાં એમણે કન્સ્ટ્રક્શનના ધંધાનો પાયો નાખેલો. નાના નાના કોન્ટ્રાક્ટ એ રાખતા. હું મેટ્રિક ભણેલો એટલે એમણે એમના જ ધંધામાં મને ખેંચી લીધો. મેં પોતે સમય જતાં પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી." ધીરુભાઈ ફરી ભૂતકાળમાં સરી ગયા હતા.

"બાપુજી તો પછી સાધનામાં જ ઊંડા ઊતરી ગયેલા. તારા આ પપ્પા અને કાકા સિવિલ એન્જિનિયર થઈને મારી સાથે જોડાઈ ગયા અને મહેનત કરીને આ ધંધાનો ખૂબ જ વિસ્તાર કર્યો. આજે છેક વાશી સુધી વિરાણી બિલ્ડર્સનું મોટું નામ છે." ધીરુભાઈ ગર્વથી બોલ્યા.

"મારી ૩૫ વર્ષની વયે મને બાપુજીએ એક વાર આ દીવાકરભાઈને મળવાનું સૂચન કર્યું. હું રાજકોટ ખાસ એમને મળવા ગયો. એ વખતે પણ એ સાધનામાં ઘણા આગળ વધી ગયેલા હતા. શરૂઆતમાં એ પોતે પણ ગાયત્રી ઉપાસક હતા પણ પછી એમને સપનામાં શ્રીરામ મંત્ર મળ્યો અને પછી એમને હનુમાનજીનો સાક્ષાત્કાર થયો. એમણે ખૂબ જ કઠોર તપસ્યા કરેલી છે. ભૂત ભવિષ્ય બધું જ જાણી શકે છે." ધીરુભાઈ બોલી રહ્યા હતા.

"એમની ઉંમર પણ મારા જેટલી જ છે. એમણે મને પણ ગાયત્રી મંત્રની દીક્ષા આપી. વર્ષોથી રોજ ત્રણ માળા કરું છું. એ મંત્ર મળ્યા પછી નસીબનું પાંદડું ખસી ગયું. અને આપણે આજે આ જાહોજલાલી ભોગવી રહ્યા છીએ એ એમની કૃપાથી જ છે." ધીરુભાઈ બોલ્યા.

" તો શું દીવાકર ગુરુજી તમારી ઉંમરના છે દાદા ? લાગતા તો નથી. મને તો માંડ ૬૫ના લાગ્યા. " અનિકેત આશ્ચર્યથી બોલ્યો.

"કઠોર તપસ્યાના કારણે એમનું શરીર કૃષ થયેલું છે એટલે ઉંમર ના લાગે બેટા. બાકી ઉંમર તો મારા જેટલી ૭૫ આસપાસ જ છે. તારો જન્મ પણ એમના આશીર્વાદના કારણે જ છે." ધીરુભાઈ બોલ્યા.

જમ્યા પછી થોડો વિશ્રામ કરીને ધીરુભાઈએ સાંજે ૪ વાગે રાજકોટ હરસુખભાઈને ફોન કર્યો.

"હરસુખભાઈ... થાણાથી વિરાણી બોલું. અનિકેત મુંબઈ આવી ગયો છે અને એની પણ ઈચ્છા કૃતિ સાથે આગળ વધવાની છે. તો હવે વહેલી તકે એક સારું મુહૂર્ત જોવડાવી દો. આમ તો કાયદેસર વેવિશાળ કરવા કન્યાપક્ષ વાળા વરપક્ષે જતા હોય છે પરંતુ જમાના પ્રમાણે સૌએ ચાલવું પડે છે." ધીરુભાઈ બોલ્યા.

" અમારે પણ ઘરમાં એ જ ચર્ચા ચાલતી હતી. કૃતિ પણ હવે તમારી જ દીકરી છે. કાલે જ શાસ્ત્રીજી પાસે સારું મુહૂર્ત જોવડાવીને તમને જાણ કરું છું. " હરસુખભાઈ બોલ્યા અને ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)