સપનાનાં વાવેતર - 4 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 4

સપનાનાં વાવેતર પ્રકરણ 4

સાંજના પોણા ચાર વાગ્યા એટલે કૃતિ પોતાની ગાડી લઈને ભાભા હોટલ જવા માટે નીકળી ગઈ. બરાબર ચાર વાગે એ હોટલ પહોંચી ગઈ અને લિફ્ટમાં ચોથા માળે જઈને રૂમ નંબર ૪૦૧ નો દરવાજો ખટખટાવ્યો.

અનિકેતે દરવાજો અંદરથી ખોલ્યો. સામે બ્લુ જીન્સ અને યલો કુર્તીમાં કૃતિ સામે ઊભી હતી ! અનિકેત તો એની સામે બસ જોઈ જ રહ્યો. અનિકેત એટલો બધો અંજાઈ ગયો હતો કે શું બોલવું એનું પણ એને ભાન ન હતું !

" અરે ક્યાં ખોવાઈ ગયા ? હું અંદર આવી શકું ? " કૃતિ અનિકેત સામે જોઈને હસીને બોલી.

" ઓહ સોરી.. અંદર આવો ને !" અનિકેત માંડ માંડ બોલ્યો.

કૃતિ પલંગ સામે ગોઠવેલી ખુરશીમાં બેઠી એટલે અનિકેત બેડ ઉપર બરાબર એની સામે ખોળામાં તકિયો લઈને બેસી ગયો.

"અત્યારે તમે મારાં મહેમાન છો. બોલો શું ફાવશે ? ચા કોફી કોલ્ડ્રીંક્સ કે પછી આઈસ્ક્રીમ ?" અનિકેત બોલ્યો.

" તમને વધારે શું ભાવે છે ? " કૃતિએ સામે પ્રશ્ન કર્યો.

" હું સમજી ગયો. આપણે આઈસ્ક્રીમ જ મંગાવીએ. " અનિકેત હસીને બોલ્યો અને એણે ઈન્ટરકોમથી બે ગ્રીન પિસ્તા આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો.

" હવે બોલો. તમે મનમાં કંઈ પણ છુપાવશો નહીં. બી ફ્રેન્ક. મારા વિચારો જૂનવાણી નથી. તમારું જે પણ ટેન્શન હોય એ તમે મને કહી શકો છો." અનિકેત બોલ્યો.

"તમારી મારી સાથે લગ્ન કરવાની કેટલી તૈયારી છે ?" કૃતિએ સીધો સવાલ પૂછ્યો.

" અરે આ તે કોઈ સવાલ છે ? મેં તમને તમારા ઘરે જ કહ્યું હતું કે કોઈ પણ હિસાબે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું. અને આ જ શબ્દો હું ફરી રીપીટ કરું છું. તમને જોયા પછી હું તમને કોઈપણ હિસાબે ગુમાવવા માગતો નથી." અનિકેત બોલ્યો.

"હમ્ .. માની લો કે હું લગ્ન માટે કોઈ શરત રાખું તો એ તમે પાળશો અનિકેત ? બરાબર વિચારીને જવાબ આપજો. કારણ કે આપણા લગ્નનો આધાર મારી કેટલીક શરતો ઉપર છે. તમે જો તૈયાર થઈ જશો તો કાયમ માટે હું તમારી જ છું. તમે જો તૈયાર નહીં થાઓ તો આ લગ્ન કદાચ શક્ય ના પણ બને. " કૃતિ બોલી.

"અરે એવી તે કેવી શરત છે ? તમે મને જણાવો તો ખરાં ! આ તો એક સસ્પેન્સ ઉભું કરી દીધું તમે ! તમારી વાત સાંભળીને હું ટેન્શનમાં આવી ગયો. મારે તમારી સાથે જ લગ્ન કરવાં છે. તમે તમારી શરત કહો પ્લીઝ. " અનિકેત બોલ્યો.

"મારી વાત તમે ધ્યાનથી સાંભળો. તમે જેમ કોઈપણ હિસાબે મારી સાથે લગ્ન કરવા માટે મક્કમ છો એમ મારા મનમાં પણ તમારા માટે એવી જ લાગણી છે અને હું કોઈ પણ ભોગે તમને છોડવા નથી માગતી. મારે પણ તમારી સાથે જ લગ્ન કરવાં છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તમારી કુંડળીમાં ભારે મંગળ છે અને મારી કુંડળીમાં મંગળ નથી એટલે અમારા શાસ્ત્રીજી એમ કહે છે કે આ લગ્ન કોઈપણ સંજોગોમાં ના થઈ શકે" કૃતિએ વાતની શરૂઆત કરી.

"અરે એવું તે હોતું હશે ? તમારા અને મારા લગ્નનો નિર્ણય શાસ્ત્રીજી લેશે ? વ્હોટ રબીશ ! લગ્ન જીવનને સુખી બનાવવું એ આપણા બંનેના હાથમાં છે. લગ્ન પછી હું તમને જરા પણ દુઃખી નહીં થવા દઉં એની હું તમને ખાતરી આપું છું." અનિકેત થોડાક આવેશમાં બોલ્યો.

"અરે મારા ભોળાનાથ મારી પૂરી વાત તો સાંભળો !! હું તો આ બધામાં માનતી નથી પરંતુ મારા દાદા કુંડળી મેળાપકમાં બહુ જ માને છે. અમારા શાસ્ત્રીજી કહે છે કે જો આ લગ્ન થાય તો કૃતિ જીવી ના શકે એટલે કે મારું મૃત્યુ થઈ જાય ! અને કદાચ મારું આયુષ્ય હોય તો મને કોઈ મોટો એકસીડન્ટ થઈ જાય અથવા ગંભીર બીમારી આવી જાય. આવું બધું સાંભળ્યા પછી મારા દાદા આ લગ્ન માટે તૈયાર નથી ! " કૃતિ બોલી.

"તો પછી આપણે ભાગીને લગ્ન કરવાં છે ? બોલો હું તૈયાર છું. મારા દાદા તો આ બધામાં માનતા નથી. એ પૂરો સપોર્ટ આપશે." અનિકેત બોલ્યો.

"ના ના. ભાગીને લગ્ન કરવાની વાત જ નથી. અમે બીજા જ્યોતિષીને પણ બતાવ્યું છે પણ વાત ખરેખર ગંભીર લાગે છે. જેમણે આ કુંડળીઓ જોઈ છે એ બધા ખૂબ જ વિદ્વાન પંડિતો છે. અને એમની બધી જ આગાહી સાચી પડે છે એટલે દાદા બિચારા ડરી ગયા છે. " કૃતિ બોલી.

" તો હવે ?" અનિકેત બોલ્યો.

"હવે એક જ રસ્તો છે અનિકેત. લગ્ન કર્યા વગર પતિ પત્નીની જેમ સાથે રહેવાનું ! તમારે મારી સાથે લગ્ન કરવા જાન જોડીને વાજતે ગાજતે વરરાજા બનીને કન્યાના માંડવે નહીં આવવાનું. અગ્નિની સાક્ષીએ ચોરીના સાત ફેરા નહીં ફરવાના. હસ્તમેળાપ પણ નહીં થાય. બસ સીધું રિસેપ્શન !!" કૃતિ હસીને બોલી.

" તમે પણ ખરી મજાક કરો છો મારી સાથે ! આવું તે કદી હોતું હશે ? હું મારા પપ્પાનો એકનો એક દીકરો છું. મને પરણાવવાના મારા પરિવારના કોડ છે. મારા દાદા કોઈ પણ સંજોગોમાં આ વાત ના સ્વીકારે કૃતિ." અનિકેત બોલ્યો.

"તમારી વાત હું સમજુ છું. અને એટલે જ આજે સામેથી મળવા હોટલમાં આવી છું. મારા દાદા પણ મૂંઝાયેલા છે અને હું પણ મૂંઝાયેલી છું કે આનો રસ્તો કેવી રીતે કાઢવો ? એટલે જ બપોરે તમને મળી ત્યારે હું ટેન્શનમાં હતી ! સાપ મરે પણ લાઠી ભાગે નહીં એવો કંઈક રસ્તો કાઢવો છે" કૃતિ બોલી.

"પણ આનો રસ્તો કેવી રીતે કાઢવો? તમારી પાસે કોઈ આઈડિયા છે ? " અનિકેત બોલ્યો.

"છે. એક છેલ્લો રસ્તો મને અમારા ગૌરીશંકર શાસ્ત્રીએ કાલે બતાવ્યો છે. પરંતુ એ રસ્તા માટે મારે તમારો સપોર્ટ જોઈએ. " કૃતિ બોલી.

" આપણાં લગ્ન થતાં હોય તો હું તો તમને સપોર્ટ કરવા માટે તૈયાર જ છું." અનિકેત બોલ્યો.

હકીકતમાં કૃતિ મુંબઈની ટીકીટ કઢાવીને ગઈ કાલે શનિવારે રૈયા ચોકડી પાસે ગૌરીશંકર શાસ્ત્રીના ઘરે ગઈ હતી.

"શાસ્ત્રીદાદા મારે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. હું છાના માના તમને મળવા માટે આવી છું. મારા દાદાને ખબર નથી. " કૃતિ બોલી.

" જો બેટા મારો નિર્ણય તો હું આપી ચૂક્યો છું એટલે એમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા હરસુખભાઈ સાથેના સંબંધો ઘણા જૂના છે એટલે એમના પરિવારનું હિત મારે જોવું જ પડે." શાસ્ત્રીજી બોલ્યા.

" દાદા ભારે મંગળ હોય એને શાંત કરવાનો કોઈક તો રસ્તો હશે જ ને ? તમે ઉપાય નહીં બતાવો તો પણ લગ્ન તો હું ત્યાં જ કરવાની છું. હું ખૂબ જ જીદ્દી છું ભલે ગમે તે થાય. એટલે મંગળ થોડોક હળવો થાય એવો કંઈક તો રસ્તો બતાવો !" કૃતિ બોલી.

ગૌરીશંકર શાસ્ત્રી થોડા વિચારમાં પડી ગયા. એમને પણ લાગ્યું કે કૃતિ ખૂબ જ મક્ક્રમ છે અને એની જીદ પ્રમાણે એ અનિકેત સાથે જ લગ્ન કરવાની છે તો મંગળ માટે કંઈક રસ્તો વિચારવો જ પડશે.

એમના મનમાં એક વિચાર આવ્યો અને તરત એમણે પ્રશ્ન કુંડળી મૂકી. પાંચેક મિનિટ એમણે પ્રશ્ન કુંડળી ઉપર વિચાર કર્યો. છેવટે એ બોલ્યા.

"તારાં નસીબ સારાં છે. પ્રશ્ન કુંડળી પોઝિટિવ આવી છે. છેલ્લો એક રસ્તો બતાવું છું. હું કહું એ પ્રમાણે તમારે લોકોએ કરવાનું." શાસ્ત્રીજી બોલ્યા.

" ભલે દાદા. હું એ કરવા તૈયાર છું. તમે કહેશો એ દક્ષિણા હું આપીશ." કૃતિ ખુશ થઈને બોલી ઉઠી.

"દક્ષિણાનો સવાલ નથી બેટા. મારી વાત ધ્યાનથી સાંભળ. મંગળનો જન્મ ઉજ્જૈનમાં શિવના અંશથી થયેલો છે અને મંગળની ચેતના ત્યાં મંગલનાથ મંદિરમાં પ્રત્યક્ષ છે. મંગલનાથ મહાદેવ એ મંગળનું જ સ્વરૂપ છે. તેમની પૂજા કરવાથી ગમે એટલો મંગળ ભારે હોય એ શાંત થાય છે અને કુંડળીમાં મંગળનો ભાર હળવો થાય છે." શાસ્ત્રીજી બોલી રહ્યા હતા.

"તારે અને અનિકેતે લગ્ન કરવા માટે ઉજ્જૈન જવું પડશે. લગ્નનું મુહૂર્ત કોઈપણ મંગળવારે જ ગોઠવવું પડશે. લગ્નના દિવસે ઉજ્જૈનમાં મંગલનાથ મહાદેવની તમારે બંનેએ સજોડે પૂજા કરવી પડશે. પૂજા પતી ગયા પછી મંગલનાથ મહાદેવના આશીર્વાદ લઇ એમની હાજરીમાં જ બંનેએ એકબીજાને ફૂલહાર પહેરાવવાના રહેશે." શાસ્ત્રીજી બોલ્યા.

"ફૂલહાર પહેરાવી તમે લગ્નજીવન શરૂ કરી શકો છો. અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરવાની અને વૈદિક મંત્રોથી હસ્તમેળાપ કરવાની તો હું સ્પષ્ટ ના જ પાડું છું. અને ભવિષ્યમાં તારે કોઈ સંતાન પણ ના થવું જોઈએ." શાસ્ત્રીજીએ પોતાની વાત પૂરી કરી.

"ખૂબ ખૂબ આભાર દાદા. અનિકેતને હું આ બાબતમાં સમજાવવા માટે કોશિશ કરીશ. હું માનું છું ત્યાં સુધી ફૂલહાર પહેરાવી લગ્ન કરવામાં અનિકેત ના નહીં જ પાડે. આપણા સમાજમાં એકબીજાને ફૂલહાર પહેરાવી કોર્ટ મેરેજ થતાં જ હોય છે." કૃતિ બોલી.

"લગ્નનું મહુર્ત કઢાવો ત્યારે મને કહી દેજો. ઉજ્જૈનમાં મંગલનાથ મંદિરના પૂજારી નિરંજનભાઇને હું કહી દઈશ એટલે તમારી પૂજા કરાવી દેશે. તમારે ત્યાં જઈને નિરંજનભાઈને મળી લેવાનું." ગૌરીશંકર શાસ્ત્રી બોલ્યા.

"ભલે દાદા. મને આશીર્વાદ આપો. હું રજા લઉં" કહીને શાસ્ત્રીજીને ૫૦૦ દક્ષિણા આપી કૃતિ પોતાના ઘરે ગઈ. જ્યાં સુધી અનિકેત સાથે મુલાકાત ન થાય ત્યાં સુધી આ વાત ઘરમાં કોઈને પણ ન કરવી એવો એણે નિર્ણય લીધો.

અત્યારે હોટલમાં મીટીંગ વખતે કૃતિએ અનિકેત સાથે આ બધી વાત કરી.

"અચ્છા. એનો મતલબ કે આપણે લગ્ન ઉજ્જૈન જઈને મંગલનાથ મહાદેવના મંદિરમાં જ કરી લેવાનાં. એ પણ એકબીજાને ફૂલહાર પહેરાવીને. રાઈટ ? " અનિકેત બોલ્યો.

"યેસ અનિકેત. આપણે લગ્ન કરવાં હોય તો આ એક જ રસ્તો છે અને આ જ મારી શરત હતી. ઉજ્જૈન લગ્ન માટે તમારે તમારા પરિવારને વિશ્વાસમાં લેવું પડશે. તમારે વાત એવી રીતે કરવી પડશે કે જેથી આપણે બે જ ઉજ્જૈન જઈ શકીએ. અને ઉજ્જૈનથી ઘરે જઈને રજૂઆત એવી કરવી પડશે કે અમે ત્યાં સાત ફેરા ફરીને વિધિપૂર્વક લગ્ન કરી લીધાં છે. " કૃતિ બોલી.

"હમ્... મારે એના માટે વ્યવસ્થિત થોડું વિચારી લેવું પડશે. કારણ કે એકનો એક દીકરો છું એટલે મારા મમ્મી,પપ્પા, દાદા, દાદી, અંકલ વગેરે ઉજ્જૈનમાં લગ્નની વાત એકદમ સ્વીકારશે નહીં. અને કદાચ માની જાય તો પણ આખો પરિવાર ઉજ્જૈન મારી સાથે આવવાની વાત કરશે. " અનિકેત બોલ્યો. કૃતિની વાત સાંભળીને એ થોડો મૂંઝાયો હતો.

"તમે ચિંતા નહીં કરો. આપણી પાસે વિચારવાનો ઘણો સમય છે. મારા દાદા સાથે પણ હું વાત કરું છું. એ પણ હવે કંઈક રસ્તો કાઢશે. ઉજ્જૈન વાળી વાત મેં હજુ દાદાને કરી નથી." કૃતિ બોલી.

એ પછી વેઇટર આઈસ્ક્રીમ લઈને આવ્યો એટલે બે મિનિટ માટે વાત અટકાવી.

"મારા દાદા સગાઈની વાત કરતા હતા કૃતિ. મારા મુંબઈ ગયા પછી એ મને
સગાઈનું પૂછવાના જ છે. તો મારે શું જવાબ આપવો ?" આઇસ્ક્રીમ ખાતાં ખાતાં અનિકેત બોલ્યો.

"તમારે હા જ પાડી દેવાની. ભલે સગાઈ થઈ જતી. લગ્ન તો આપણે કરવાનાં જ છે. અત્યારે તમારે એક વાત એમના કાને નાખવાની કે કૃતિના શાસ્ત્રીજી એવું કહેતા હતા કે અનિકેતને ભારે મંગળ છે અને કૃતિને નથી એટલે બન્નેએ ઉજ્જૈન જઈને મંગળની શાંતિ એક વાર કરાવવી પડશે." કૃતિ બોલી.

" સરસ જવાબ શોધી કાઢ્યો. તમારું મગજ ખરેખર બહુ સરસ ચાલે છે. બહુ ઝડપથી તમે વિચારી શકો છો. આઈ એપ્રિસિએટ ! " અનિકેત બોલ્યો.

" થેન્ક્યુ ! હવે સાંજે ડીનર આપણે સાથે લેવાનું છે. નીચે ભાભાનો જ ડાઇનિંગ હૉલ છે. અત્યારે તમારે જો રાજકોટમાં ફરવાની ઈચ્છા હોય તો હું ગાડી લઈને જ આવી છું." કૃતિ બોલી.

"ફરવાની તો ઈચ્છા નથી પરંતુ અહીં યાજ્ઞિક રોડ ઉપર સરદાર નગરમાં દીવાકરભાઈ નામના એક સિદ્ધ પુરુષ રહે છે. મારા દાદા દરેક ગુરુપૂર્ણિમાએ એમનાં દર્શન કરવા આવે છે. મારી ઈચ્છા એમને મળવાની છે. દાદાએ કહ્યું હતું કે જો સમય મળે તો એમના આશીર્વાદ લેતો આવજે. એ ભગવાન શ્રી રામના પ્રખર ઉપાસક છે. એમને હનુમાનજીનો સાક્ષાતકાર પણ થયેલો છે." અનિકેત બોલ્યો.

"શું વાત કરો છો ! આટલી મોટી વિભૂતિ અમારા રાજકોટમાં જ છે અને અમને જ ખબર નથી ? આપણે સાથે જ જઈ આવીએ. બની શકે કે એમના આશીર્વાદથી આપણા લગ્નનાં આ બધાં વિઘ્નો દૂર થાય. " કૃતિ બોલી.

" પાંચ વાગી ગયા છે. ચાલો આપણે હવે નીકળીએ. " અનિકેત બોલ્યો.

અનિકેત અને કૃતિ લિફ્ટમાં નીચે ઉતર્યાં અને કૃતિ હોટલની સામે જ પાર્ક કરેલી પોતાની ગાડી પાસે અનિકેતને લઈ ગઈ. અનિકેત કૃતિની બાજુમાં જ બેસી ગયો. કૃતિએ ગાડી સ્ટાર્ટ કરી અને યાજ્ઞિક રોડ તરફ લીધી. ૧૦ થી ૧૨ મિનિટમાં જ સરદાર નગર એરિયા આવી ગયો એટલે કૃતિએ ગાડી લેફ્ટમાં વાળી.

" તમને બંગલા નંબર યાદ છે ? " કૃતિ બોલી.

" ના. દાદાને નંબર તો યાદ નથી. પરંતુ એમણે કહ્યું હતું કે કોઈને પણ પૂછીશ તો દીવાકરભાઈનું ઘર બતાવી દેશે. " અનિકેત બોલ્યો.

થોડેક આગળ જઈને કૃતિએ ગાડીને સાઈડમાં ઉભી રાખી એટલે અનિકેત નીચે ઉતર્યો અને ચા નાસ્તાની એક હોટલના કાઉન્ટર ઉપર જઈને એણે દીવાકરભાઈનું એડ્રેસ પૂછ્યું.

"આ બાજુની શેરીમાં જ વળી જાઓ. ચોથો કે પાંચમો બંગલો એમનો છે. બંગલાની બહાર મોટા અક્ષરે શ્રીરામ લખેલું હશે !" કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈ બોલ્યા.

અનિકેતે કૃતિને ઉતરવાનો ઈશારો કર્યો એટલે ગાડી ત્યાં જ પાર્ક કરીને કૃતિ નીચે ઉતરી અને બંને ચાલતાં ચાલતાં દીવાકરભાઈના બંગલા સુધી ગયાં.

એ લોકો પહોંચ્યાં ત્યારે બંગલાની અંદર ગુરુજી પાસે બે વ્યક્તિ બેઠેલી હતી. ઓસરીમાં ઉભેલા એક સજ્જન માણસે એમને બહાર ગોઠવેલા બાંકડા ઉપર રાહ જોવાનું કહ્યું.

દસેક મિનિટ પછી પેલું યુગલ બહાર નીકળ્યું એટલે એ આધેડ સજ્જને કૃતિ લોકોને અંદર જવાનું કહ્યું.

ડ્રોઈંગ રૂમમાં દીવાકરભાઈ એક સિંગલ સોફા ઉપર બેઠા હતા. એમની
બાજુની ટીપોઇ ઉપર એક છાબડીમાં ગુલાબ અને મોગરાનાં ફૂલોનો ઢગલો હતો. અગરબત્તીની મધુર સુવાસ આખાય ડ્રોઈંગ રૂમમાં પ્રસરેલી હતી. દીવાકરભાઈની સામે એક શેતરંજી પાથરેલી હતી. અનિકેત અને કૃતિએ નીચા નમીને એમનાં ચરણ સ્પર્શ કર્યાં અને શેતરંજી ઉપર બેઠક લીધી.

અઘોર તપસ્યાના કારણે એકદમ સૂકલકડી ગોરો દેહ ! ઉંમર ૬૫ ૭૦ની લાગે. કપાળમાં ચંદનનું તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા. નીચે સફેદ ધોતી વિંટેલી અને ઉપર પીળા રંગનું ઉપવસ્ત્ર ! મંદ મંદ હાસ્ય કરતો સૌમ્ય ચહેરો !

દીવાકરભાઈ અનિકેત અને કૃતિની સામે જોઈ રહ્યા. જાણે કે આરપાર જોઈને બંનેને માપી રહ્યા હોય !

"મુંબઈથી આવો છો ?" દીવાકરભાઈ અનિકેતની સામે જોઈને બોલ્યા. એમનો અવાજ ખૂબ જ મીઠો હતો.

" જી અંકલ. " આશ્ચર્યથી અનિકેત બોલ્યો. એને બિચારાને ખબર નહોતી કે આવી સિદ્ધ વ્યક્તિને અંકલ નહીં પણ ગુરુજી સંબોધન કરવું પડે !

"બહુ ભારે મંગળ લઈને જન્મ્યો છે દીકરા. તારે આ દીકરી સાથે લગ્ન કરવાં છે ને ?" દીવાકરભાઈ બોલ્યા.

" જી અંકલ " અનિકેત બોલ્યો.

"અનિકેત તમે એમને અંકલ નહીં ગુરુજી કહો " અત્યાર સુધી ચૂપ બેઠેલી કૃતિ બોલી.

દીવાકરભાઈએ કૃતિની સામે જોઈને સ્મિત કર્યું. "અત્યાર સુધી સત્સંગનો કોઈ અનુભવ નથી ને એટલા માટે."

" આઈ એમ સોરી ગુરુજી." અનિકેત બોલ્યો. એણે પોતાની ભૂલ કબૂલ કરી.

"તારે દિલગીર થવાની કોઈ જરૂર નથી બેટા અને તારા લગ્નની ચિંતા પણ તું છોડી દે. ભાવિએ જે નિર્માણ કરેલું છે એ થઈને જ રહેવાનું છે. કોઈ મિથ્યા કરી શકતું નથી. તું ધીરુભાઈ વિરાણી નો પૌત્ર છે ને ?" દીવાકરભાઈ પોતાની શક્તિઓથી એને ઓળખી ગયા.

"હા ગુરુજી. દરેક ગુરુપૂર્ણિમાએ એ આપની પાસે આવે છે. એમણે જ મને આપનાં દર્શન કરવા મોકલ્યો છે. આપ મને ઓળખી ગયા તો શું આજે દાદાનો આપની ઉપર ફોન આવ્યો હતો ?" અનિકેત બોલ્યો.

"ના બેટા. હું કોઈ જ ફોન વાપરતો નથી. ઈમરજન્સી માટે સેવક પાસે એક ફોન રાખેલો છે જેથી ભક્તો સંપર્ક કરી શકે. તું રાજકોટ આવ્યો નથી પરંતુ તારું પ્રારબ્ધ તને અહીં ખેંચી લાવ્યું છે. આ કૃતિ તને ખેંચી લાવી છે." દીવાકરભાઈ બોલ્યા. કૃતિ હસી પડી.

અનિકેતને જો કે ગુરુજીની આ ગૂઢ વાતો સમજાઈ નહીં. એ કંઈ બોલ્યો નહીં.

" તું જાતે મને મળવા આવ્યો નથી પરંતુ મેં જ તને બોલાવ્યો છે. મારી વાત તું ધ્યાનથી સાંભળ. ધીરુભાઈના પિતા વલ્લભભાઈ વિરાણી પ્રખર ગાયત્રી ઉપાસક હતા. એમણે એમના જીવનમાં ઘણાં પુરશ્ચરણ કર્યાં હતાં. એમના પૂણ્ય પ્રતાપથી જ તમારો પરિવાર આટલો સુખી અને સમૃદ્ધ છે." દીવાકરભાઈ બોલતા હતા.

" હવે આવતી કાલથી તું રોજ સવારે ત્રણ હનુમાન ચાલીસાના પાઠ ચાલુ કરી દે. તારી ભાવિ સુરક્ષા માટે એ જરૂરી છે." દીવાકરભાઈ બોલ્યા.

"પરંતુ મને હનુમાન ચાલીસા આવડતી નથી ગુરુજી. એના વિશે હું કંઈ જ જાણતો નથી." અનિકેત બિચારો નિખાલસતાથી બોલ્યો.

" થોડોક નજીક આવ." દીવાકરભાઈ બોલ્યા.

અનિકેત ખસીને એમની નજીક ગયો.

દીવાકરભાઈએ પોતાનો જમણો હાથ લંબાવીને અનિકેતના માથા ઉપર મૂક્યો.

"હવે હનુમાન ચાલીસા બોલી બતાવ તો ?" દીવાકરભાઈ હસીને બોલ્યા.

અનિકેત કડકડાટ આખી હનુમાન ચાલીસા બોલી ગયો. એને પોતાને પણ આશ્ચર્ય થયું. આખી ચાલીસા એને મોઢે થઈ ગઈ !

"બસ હવે તને આ ચાલીસા કાયમ માટે યાદ રહી જશે. તને હનુમાનજી ની દીક્ષા મળી ગઈ છે. રોજ સવારે ત્રણ પાઠ કરજે. આપણે ભવિષ્યમાં ફરી મળીશું. અને કૃતિ બેટા તને તો હનુમાન ચાલીસા આવડે છે. તું પણ રોજ એક પાઠ કરીશ તો તારા માટે પણ સારું છે. હનુમાનજી તમારા બંનેનું કલ્યાણ કરો." ગુરુજી બોલ્યા.

અનિકેત અને કૃતિને પણ લાગ્યું કે ગુરુજી બહુ જ ઊંચી અવસ્થામાં છે !!

બન્નેએ ફરીથી ગુરુજીને પ્રણામ કર્યા અને બહાર નીકળ્યાં. ગુરુજી જઈ રહેલી કૃતિની પીઠ પાછળ ક્યાંય સુધી જોઈ રહ્યા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)