AME BANKWALA books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 35. બે આંગળીઓ નો ખેલ

35. બે આંગળીઓનો ખેલ


ડિસેમ્બર 2010 ની એ ઠંડી રાત. નવ વાગ્યા પછી તો ચકલું યે ન ફરકે. એ સમય દરમ્યાન એક બેંકનાં એટીએમમાં રહસ્યમય રીતે કેશ ઓછી થઈ ગઈ.

એટીએમ માં એ કેવી રીતે બને જ?

એટીએમ કેબિનમાં બે ભાગ હોય છે. એકમાં તમારું એટીએમ મશીન અને એરકંડીશનર, બીજા એકદમ નાના ભાગમાં યુપીએસ, જો પાવર જાય તો સેવા ચાલુ રહે એટલે. આ બે ભાગ વચ્ચે નાનું પાર્ટીશન હોય છે જેને તાળું મારી બે ભાગને અલગ રાખવામાં આવ્યા હોય છે. એટીએમ માં પૈસા રાખ્યા હોય તે ભાગને 8 અક્ષરના પાસવર્ડથી સુરક્ષિત રાખવામાં આવે છે. બે અલગ અધિકારીઓ સાથે 4 લેટરના અલગ પાસવર્ડ, એ સાથે મેચ થાય તો જ કેશ કેશ મૂકવા એ મશીનના સ્લોટ ખૂલે.

ઓફિસરો એટલે કે જોઇન્ટ કસ્ટોડિયન્સ, કસ્ટમર દ્વારા ઉપાડેલી નોટો સાથે અગાઉનું બેલેન્સ મેળવે છે. તેઓ જ્યારે પણ હિસાબ મેળવે ત્યારે તેમની પ્રક્રિયાનો પ્રિન્ટ લોગ મશીનમાંથી નીકળે છે. આ લોગ તારીખવાર સાચવવાનો હોય છે.

શનિ, રવી કે રજા દરમ્યાન કેશ ખાલી ન થઈ જાય એટલે એટીએમ પૂરી કેપેસિટીથી ભરાય છે અને હિસાબ મેળવી લેવામાં આવે છે.

આમ શનિવારે બે અધિકારીઓએ કેશ ફૂલ ભરી, આશરે 24 થી 25 લાખ.

સોમવારે બપોર પછી તેમણે બેલેન્સ માં રહેલ કેશ મેળવવાની પ્રક્રિયા કરી, હિસાબ કેમેય મળે જ નહીં. આશરે પાંચ લાખ રૂપિયા ખૂટતા હતા!

એ અધિકારીઓના શ્વાસ રોકાઈ ગયા.

શનિવારે કેશ મૂકી ત્યાંથી એ મિનિટ સુધીના બધા જ ઉપાડની એન્ટ્રીઓ એક એક ચેક કરી પણ ફેર મળ્યો જ નહીં.

સાંજે તેમણે ઝોનલ ઓફિસ આ વાતનો રિપોર્ટ કર્યો.

બેન્કે તરત જ આંતરિક ઇન્કવાયરી કરી. ઇંકવાયરી ઓફિસરને એટીએમની ટેકનિકલ કાર્ય પદ્ધતિનો ખ્યાલ ન હતો. તેણે તો રિપોર્ટ આપી દીધો કે બે જોઇન્ટ કસ્ટોડિયન ના જ પાસવર્ડ થી તિજોરી ખુલી છે એટલે તેઓ જ જવાબદાર છે.

આ કાઈં સાંજે કેશિયર કેશ મેળવીને બસો પાંચસો ખૂટે તો પોતાના મૂકી દે તેવું ન હતું. પાંચ લાખ? 2010 માં બે ઓફિસરનો કુલ વાર્ષિક પગાર એટલો હશે.

તેઓ બન્નેની આબરૂ તો સારી હતી પણ આમાં તો પૈસા એ બે દ્વારા જ ગુમ થયા એટલે એમણે કાઢી લીધા એમ જ ગણાય.

થઈ પોલીસ ફરિયાદ. બેય અધિકારીઓ થઈ ગયા સસ્પેન્ડ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે હેરાનગતિ શરૂ થઈ ગઈ એ તો ભગવાન કોઇને એવા દિવસો ન દેખાડે.

થોડા દિવસો આમ પસાર થયા. જાન્યુઆરીમાં બીજાં, આવા જ વ્યસ્ત વિસ્તારનાં એટીએમમાં એવી જ રીતે કેશ ખૂટી. બેંકની જ સ્ટાફ બે મહિલા અધિકારીઓ ત્યાં જોઇન્ટ કસ્ટોડિયન હતી. અહીં પણ શનિવારે સાંજે કેશ મૂકીને તેઓ ગયેલી, સોમવારે ફરી મૂકવા ગઈ તો પાંચ લાખ ની ઘટ માલૂમ પડી!

અહીં પણ રીજીયનને રિપોર્ટ, તાત્કાલિક ઇન્કવાયરી અને એ જ રીતે રિપોર્ટ કે બેય જોઇન્ટ કસ્ટોડિયનોએ મળીને કેશની ઉચાપત કરી છે.

આ બીજો કેસ હતો એટલે વાત જનરલ મેનેજર સુધી ગઈ.

બન્ને કેસમાં કોમન મુદ્દાઓ આમ હતા -

1. બેય કેસ માં 100 અને હજાર ની નોટો ઉપડી ગયેલી. તે વખતે કદાચ 500ની નોટ ન હતી.

2. બધી જ નોટની જે તે કેસેટ સંપૂર્ણ ખાલી થઈ ગઈ ન હતી પણ થોડી નોટો રહેલી, ઘણી ખરી ઓછી થયેલી.

3. જર્નલ લોગ ચેક કરતાં જાણવા મળ્યું કે રાતના 11 વાગ્યા પછી કોઈ ટ્રાન્ઝેક્શન થયાં ન હતાં અને ત્યાં સુધીનો હિસાબ મળતો હતો. બીજે દિવસે સવારે ટ્રાન્ઝેક્શન ની શરૂઆત થઈ ત્યારે બન્ને હિસાબો વચ્ચે બરાબર આ જ રકમની ઘટ આવેલી.

4. સી સી ટીવી કેમેરા માં રાતે 1 થી 3 માં કોઈ ઈમેજ નહોતી.

જનરલ મેનેજરને આ રિપોર્ટ મળ્યો. તેમના માનવામાં આવતું ન હતું કે આવી કડકડતી ઠંડીમાં રાતે 1 પછી બે મહિલા સ્ટાફ મેમ્બર પોતાનાં દૂરનાં રહેઠાણથી આવીને એટીએમ માંથી કેશ કાઢી ઘેર લઈ જાય.

તેમણે બેંકના ચીફ સિક્યોરિટી ઓફિસરને ઘટના સ્થળની મુલાકાત લઈ રિપોર્ટ આપવા કહ્યું.

તેમણે પણ અગાઉના રીપોર્ટસને જ સમર્થન આપ્યું કે બેય કસ્ટોડિયને ભેગા મળી તિજોરીના પાસવર્ડ થી તિજોરી ખોલી કેશ લઈ લીધી છે.

જનરલ મેનેજર હજી આ વાત માનવા તૈયાર ન હતા. તેમણે અન્ય શાખાના બાહોશ ચીફ મેનેજરને આ તપાસ કરવા કહ્યું. ત્યાં સુધી અધિકારીઓ બે સ્ત્રીઓ હોઈ પોલીસ ફરિયાદ અટકાવી રાખી.

એ મેનેજરે વ્યાજબી વાત કહી કે પોતે એટીએમનું ઓપરેશનલ કાર્ય જાણે છે, ટેકનિકલ નહીં.

જનરલ મેનેજરે તેઓ જ આ તપાસ કરે તેવો આગ્રહ રાખ્યો.

એ સાહેબે તે બ્રાન્ચ પર જતાં પહેલાં આગલા બધા રિપોર્ટ વાંચી લીધા. તેમને પણ થયું કે અગાઉની લાઇન મુજબ જ તેમણે પણ રિપોર્ટ બનાવવો પડશે.

છતાં તેઓ એ બ્રાન્ચ પર ગયા. ત્યાંના મેનેજર તેમને એ એટીએમ ની કેબિનમાં લઈ ગયા. પ્રથમ તેઓ એટીએમ ની પાછળ યુપીએસ ની કેબિનમાં ગયા. તે કેબીનને એટીએમ થી જુદાં પાડતાં ડોરની ચાવી અમુક જગ્યાએ ત્યાં જ રાખતા જે કસ્ટોડિયનો અને સર્વિસ એન્જિનિયર સિવાય ભાગ્યે જ કોઈને ખબર હોય.

આસપાસ નજર દોડાવતાં ત્યાં એટીએમની કેબિનમાં જોતાં ત્યાં જૂનાં છાપાંના ચાર પાંચ કાગળો પડેલા. પાછળની કેબિનમાં કાળા રંગની ધૂળ વેરાયેલી જોઈ. મુખ્ય એટીએમ કેબિનમાં કાઈં નોંધપાત્ર જોવા ન મળ્યું.

તેમણે એટીએમની તિજોરી ખોલાવી તો પાછળના ભાગે ગોળાકાર ભાગમાં જૂનાં છાપાં નો ટુકડો ચોંટેલો જોયો.

તિજોરી ઊંડી હતી એટલે બહાર ઊભી અંદર સ્પષ્ટ ન જોઈ શકાય. ફરી તેઓ પાછળની કેબિનમાં ગયા. એટીએમ નો પાછલો ભાગ એક પતરાંનાં કવરથી ઢાંકેલો હતો તે કવર કાઢી નાખ્યું.

એટીએમના આગળના ભાગે જે છાપાંનો ટુકડો હતો એ જગ્યા પાછળના ભાગે અંદાજે નક્કી કરી ત્યાં હાથ ફેરવી જોયું તો થોડું અલગ લાગ્યું. ત્યાં હાથ ફેરવી હળવો ધક્કો માર્યો તો લોખંડનો ટુકડો એટીએમની અંદરની બાજુએ પડી ગયો. એ સાથે પેલું જૂનું છાપું પણ ફાટીને નીચે પડી ગયું.

બેય મેનેજરો આશ્ચર્યથી જોઈ રહ્યા. એટીએમ ની તિજોરીના પાછળના ભાગે, બન્ને કરન્સી કેસેટનો નીચેનો ભાગ આવે તે રીતે કાણું પડી ગયું હતું!

ઇન્કવાયરી કરતા મેનેજરે તાત્કાલિક સર્વિસ એન્જિનિયરને બોલાવ્યો. આ મેનેજર અગાઉ એટીએમ વિભાગના હેડ હતા એટલે મુખ્ય સર્વિસ એન્જિનિયરને ઓળખતા હતા.

એન્જિનિયર આવતાં તેને પેલું કેસેટમાં કાણું બતાવ્યું. એણે ડેમો કરી આ કાણાંમાંથી કેવી રીતે નોટો આખી થપ્પીમાંથી વચ્ચેથી સેરવી શકાય તે બતાવ્યું.

એટીએમમાં જેમ જેમ કેશ ઉપડે તેમ નોટોને દબાવી રાખતો ભાગ નજીક આવતો જાય અને કેસેટ ખાલી થાય એમ છેક છેડે આવી જાય.

એટીએમ પાછળ જ્યાં કાણું પડ્યું તે કેસેટનો નીચેનો ભાગ હતો. કેસેટ નીચે અહીં માત્ર બે આંગળીઓ નાખી આઠ દસ નોટો ખેંચી શકાય.આમ કરતાં ફક્ત એક મિનિટ થાય. આવી રીતે ત્રીસ ચાલીસ વાર કરી નેવું ટકા કેશ ખાલી કરી શકાય. જે થોડી નોટો બાકી રહે તે બે આંગળીઓથી કાઢી ન શકાય એટલે કેસેટમાં થોડી નોટો રહે.

બેય મેનેજરો અને સિક્યોરિટી મેનેજર ચક્કર ખાઈ ગયા કે આ રીતે પણ નોટો કાઢી શકાય.

હવે આ બાહોશ મેનેજર બધું સમજી ગયા. શિયાળાની ઠંડી રાતે 1 થી 3 વચ્ચેના સુમસામ સમયે આવી એક વ્યક્તિ બહાર ઉભે, બે જણ કેબિનમાં જાય. બંનેએ મંકી કેપ પહેરી છે જેથી તેમનો ચહેરો દેખાય નહીં.

તેમણે વચ્ચેનું બારણું ખોલી કેમેરા પર છાપું ઢાંકી દીધું જેથી તેમની હલચલ કેમેરામાં રેકોર્ડ ન થાય.

તેમને ખ્યાલ હતો કે યુપીએસ રૂમના દરવાજાની ચાવી ક્યાં છે.

તેઓ કેબિનમાં નાં એટીએમનું પાછલું પતરું ખોલી કવર કાઢી નાખે છે અને એક પાવર પોઇન્ટમાં ઇલેક્ટ્રિક કટરનો પ્લગ ભરાવી કરન્સી કેસેટનો નીચેનો ભાગ સફાઈથી કાપે છે. બહારનો માણસ કોઈ આવતું નથી તેનું ધ્યાન રાખે છે. બેય બાજુ મોબાઈલ થી સંપર્કમાં છે.

અંદરની વ્યક્તિઓ કેસેટમાં કાણું પાડી બે આંગળીઓથી નોટો સેરવી લે છે. હવે વધુ નોટો નીકળી શકે એમ નથી ત્યારે ફેવીક્વિક જેવી વસ્તુથી એ કાણાંના માપનો છાપાંનો ટુકડો અને તેના ઉપર લોખંડનો ટુકડો ચોંટાડી દે છે.

પાછળનો ભાગ કાપતાં જે કાળો ભૂકો મળ્યો તે આ હતો. પછી ફરીથી પાછલું કવર ચડાવી, યુપીએસની કેબીનને ફરી તાળું મારી, ચાવી યોગ્ય જગ્યાએ મૂકી, કેમેરા પરથી છાપું હટાવી લઈ જતા રહે છે.


બાહોશ મેનેજરે આખી ઘટના જનરલ મેનેજરને સમજાવી. તેઓને એમની પર પૂરો વિશ્વાસ હતો કે આ વ્યક્તિ ભેદ પકડશે. તેમને પોતાના સ્ટાફ પર પણ વિશ્વાસ હતો જ કે બેંક સ્ટાફ આ રીતે ચોરી ન જ કરે.

હવે તેમણે પેલું વ્યસ્ત રસ્તા પરનું એટીએમ પણ જોઈ આવવા કહ્યું.

એ અધિકારીએ ત્યાં જઈને જોયું તો બરાબર એ જ પ્રકારે નોટો કાઢેલી હતી. અહીં કદાચ છાપું કે લોખંડ ભૂકીનો પુરાવો ન હતાં. બાકીનું ડિટ્ટો ટુ ડિટ્ટો સેઇમ. તેમને ભાગે પોલીસ ખાતામાં આ સમજાવવાનું આવ્યું. સમયસર વાત કરી કેમ કે પેલા સસ્પેન્ડ ઓફિસરોનો આજે નાર્કોટિક સાથે લાઇ ડીટેક્ટર ટેસ્ટ હતો!

પોલીસ પણ મોં માં આંગળાં નાખી ગઈ. કહે કે સાહેબ, તમે આ ગોત્યું કઈ રીતે? માત્ર અગાઉ એટીએમ વિભાગના હેડ રહેલા ત્યારે તેમણે એટીએમ ની રચના વિશે તલસ્પર્શી જ્ઞાન મેળવેલું તે કામ આવ્યું.

પેલા ઓફિસરો પરત નોકરી પર લેવાઈ ગયા.

એટીએમ ની ચોરાયેલી રકમનો વીમો ક્લેમ થઈ ગયેલો પણ સ્ટાફ દ્વારા ફ્રોડ ગણી વીમા કંપની તે રિજેક્ટ કરતી હતી તે હવે ચોરીના રિપોર્ટ સાથે ફરી મોકલ્યો તો વીમો પાસ થઈ ગયો.

આમ આ પ્રકરણનો સુખદ અંત આવ્યો.

(કથાબીજ આપનાર અને આ ઇન્કવાયરી સફળતાથી કરનાર અધિકારી શ્રી. મયંક મહેતા.)



બીજા રસપ્રદ વિકલ્પો