AME BANKWALA books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 34. તમારું નામ લખી દો ને

34. "તમારું જ નામ લખી દો ને?"

હું એ રાષ્ટ્રીયકૃત બેંકમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે જોડાયો 1982માં. મને કેન્ટોનમેન્ટ બ્રાન્ચ, મિરત ખાતે પોસ્ટિગ મળ્યું. અમે ત્રણ ઓફિસરો એક સાથે ત્યાં જોડાયા. હું ચેન્નાઇથી, એક બેંગ્લોરથી અને એક આંધ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી.

અમારા મેનેજર એક છ ફૂટ ચાર ઇંચ ઊંચા પડછંદ પંજાબી હતા. તેમણે અમારી છોકરડાઓની સામે પહેલાં તુચ્છકાર થી જોયું અને પછી અમને અમારાં ડિપાર્ટમેન્ટ સોંપ્યાં. મને સેવિંગ્સ, બેંગલોરવાળાને ફિક્સ અને આંધ્રવાળાને કરંટ ખાતું.
બપોર બાદ અમને તેમની કેબિનમાં બોલાવી કહ્યું કે જો અમારે નોકરીમાં કંફર્મ થવું હશે તો અમારાં ડિપાર્ટમેન્ટની ડિપોઝિટ બમણી કરવી પડશે. વરના…

અમને એસી કેબિનમાંથી બહાર નીકળતાં જ પરસેવો વળી ગયો. અજાણ્યા ગામમાં એટલું બધું કેમ થાય?
મેનેજર ટોઇલેટ જવા સિવાય કેબિન છોડતા જ ન હતા. એ વખતે મેનેજર ની જવાબદારીઓ વિશે અમને ખ્યાલ ન હોય.
બધાં સ્ટાફમિત્રો અમને ઘેરી વળ્યા અને અમારાં નામ પૂછ્યાં. અલબત્ત, હિન્દીમાં. અમે ત્રણેય દક્ષિણીઓ. અમારાં નામ પણ એ લોકોને બોલતાં ન ફાવે. મારું નામ ક્રિશ્નન હતું એનું એ લોકોએ કિસન કરી નાખ્યું.

હવે એ લોકોએ અમે ક્યાંના એ પૂછ્યું.
મારે માટે તો હું ક્યાંનો એ કહેવું મુશ્કેલ હતું. મા કેરાલાની, બાપ તમિલ. કોઈએ પૂછ્યું કે તમે જન્મેલા ક્યાં?

જ્યારે મેં કહ્યું કે નૈનિતાલ , તેઓ રંગમાં આવી ગયા. યુનિયન લીડર મને ધબ્બો મારી કહે "અરે યાર, તું તો અપના આદમી નીકલા! ખાને કે લિયે હમારે સાથ બૈઠ જા."

સામાન્ય રીતે ઓફિસરો મેનેજર સાથે તેની કેબિનમાં જમવા બેસે પણ મેં નવો ચીલો ચાતર્યો. હું ક્લાર્કો સાથે જ જમવા બેઠો એટલે બીજા બે ને પણ બેસવું પડ્યું.

"પેલા પાગલ ડેમેજરે તમને શું કહ્યું?" એક કલાર્કે પૂછ્યું. મેનેજરને તેઓ ડેમેજર કહેતા. તેમને મેનેજર ગમતા ન હતા.
અમે કહ્યું કે અમારે અમારા વિભાગની ડિપોઝિટ ડબલ કરવાની છે. તેઓએ એક બીજા સામે જોયું અને બધાએ કબૂલ્યું કે આ તો પાગલ જેવી વાત છે. એ સાવ અશક્ય છે. અહીં ઘણા ખરા ક્લાયન્ટ આર્મી ના છે અને સેવિંગમાં તો તેઓ મીનીમમ બેલેન્સ જ રાખે છે.
અમે અમારું કામ શરૂ કરી દીધું. થોડા વખત પછી એક પિયુને (તેને આ બેંકમાં એટેન્ડર કહેવાતા) જાણ્યું કે હું નૈનિતાલ માં જનમ્યો છું તો તે મારો દોસ્ત બની ગયો. તે દહેરાદૂન થી હતો. કહે આપણે બેય પહાડી ભાઈઓ છીએ. ઉત્તરાંચલમાં પર્વતીય વિસ્તારને પહાડી કહે છે.
"આપણે પહાડીઓએ એક સાથે જ રહેવું જોઈએ." તેણે કહ્યું. મેં હા જ પાડી હોય ને!

બ્રાંચમાંના એક માટે શીખ કહે હું હેમકુંઠ સાહિબ થી છું. નૈનિતાલ નજીકની જગ્યા. એ મને ધબ્બો મારી 'ઓયે પાજી' કહી વાત કરતો. પાજી એટલે મોટો ભાઈ.

બેંગલોર અને આંધ્રના ઓફિસરોને ખૂબ નવાઈ લાગી કે હું દક્ષિણી, આ ઉત્તર ભારતીયો સાથે આટલો બધો હળીમળી કેમ ગયો. મેં કહ્યું કે માત્ર અકસ્માતે મારું નૈનિતાલમાં જન્મવું. એ લોકો મને પોતાની જેવો સ્થાનિક ગણે છે.

એક સાંજે મેં મારા એ પરમ સખા પિયુનને બોલાવ્યો અને આ ડિપોઝિટ ડબલ કરવાની વાત કહી. એણે પણ કહ્યું કે ડેમેજરની અક્કલ ચરવા ગઈ છે. આ બધા આર્મી વાળા પગારદારો પાસે એટલા પૈસા બેંકમાં મૂકવા ક્યાંથી હોય? એણે વિચિત્ર વાત ઉમેરી "આવી રીતે ફાજલ પૈસા ખાલી રંડીઓ પાસે હોય. લોકો ઇશ્ક કરતા જાય ને ફેંકતા જાય. બાકી એના દલાલો પાસે. હું ખોટું કહું છું?"

મારે હા પાડ્યા સિવાય છૂટકો ન હતો.

એ દિવસે આખી રાત એ પિયુન ની વાત મારાં મગજમાં ઘોળાતી રહી. સાલું વાત તો સાચી. એ લોકોને તેજી મંદી નડે નહીં. બીજે દિવસે મેં એ પીયુનને બોલાવી નાસ્તો પાણી કરાવ્યાં. મેં કહ્યું કે મારે સાચે જ આ દલાલો અને વેશ્યાઓના એકાઉન્ટ ખોલવા છે. એ ચોંકી ગયો. એની આંખો પહોળી થઇ ગઈ. એ જડબાં ખોલી મોં પહોળું કરી મારી સામે જોઈ રહ્યો.

હવે મેં રાતે એને મારે ઘેર બોલાવ્યો અને છાંટો પાણી કરાવી મારી વાત ફરીથી મૂકી.
પહેલાં તો તે ગભરાઈ ગયો પણ એક બે પેગ લીધા પછી એ પણ મારી દિશામાં વિચાર કરવા લાગ્યો. એણે કહ્યું કે આ શહેરના રેડ લાઈટ એરિયામાં એ મને લઈ જશે પણ બધી વાત મારે પોતે કરવી પડશે. હું કબૂલ થયો.

અમે એક દિવસે રાત પડતાં એનું ખખડધજ લેમ્બ્રેટા સ્કૂટર લઈને એ રેડ લાઈટ વિસ્તારમાં ગયા. તે મને ત્યાંનાં સહુથી મોટાં વેશ્યાગૃહ માં લઇ ગયો. ત્યાં મેકઅપના થથેડા કરેલી, ઝાકઝમાળ ડ્રેસો પહેરેલી સ્ત્રીઓ બારીઓમાંથી કે બહાર ઊભી ચાળા કરી અમને તેમની પાસે આવવા લલચાવી રહી.

આડું અવળું ધ્યાન આપ્યા વગર અમે દ્રઢ વિશ્વાસ સાથે, મક્કમ પગલાં ભરતા અંદર ગયા. એક દલાલ કે એ ગૃહની માલિકણ અમારી પાસે આવી. અમારી પસંદ એની અદામાં પૂછી. અમે કહ્યું કે અમે ખાલી અમુક વાત કરવા જ આવ્યા છીએ. એણે ધારદાર આંખો અમારી પર ઠેરવીને પૂછ્યું કે અમારે શેની વાત કરવી છે.

મેં તરત એને સમજાવ્યું કે અમે … બેંક માંથી આવીએ છીએ અને એને ત્યાં કામ કરતી બાઈઓના પૈસા, એમનાં જ સારાં ભવિષ્ય માટે અમારી બેંકમાં રોકવા એમને સહુને સમજાવવું છે.

જોતજોતામાં કાબરો જેવો શોરબકોર મચી ગયો અને પચાસેક સ્ત્રીઓ એકઠી થઈ ગઈ. બધી એક મોટું કુંડાળું વાળીને અમારી ફરતે બેસી ગઈ અને મેં મારી એ દિવસ સુધીનાં વર્ષોમાં કદાચ સહુથી અસરકારક સ્પીચ આપી સમજાવ્યું કે તેમણે તેમની આવતીકાલ માટે કાઈંક બચાવવું જ જોઈએ. એમની જુવાની બહુ જલ્દી ઢળી જાય પછી જીવવા પૈસા તો જોઈએ ને? એ આજે જ બચાવો.
મેં સમજાવ્યું કે બીજે કોઈ કમાવાનો રસ્તો નહીં હોય ત્યારે જ તેઓ આ ધંધામાં આવી છે. જેમને બાળકો છે તેમણે, તેમની સારી જિંદગી માટે ભણાવવાં જોઈએ. કોઈને દેશમાં ઘરડાં મા બાપ હશે તેમને પણ પૈસા મોકલી તેમનું ધ્યાન રાખવું જોઈએ.
એ સ્ત્રીઓએ કહ્યું કે આજ સુધી કોઈએ તેમનો સંપર્ક કર્યો જ ન હતો.આ બદનામ ગલીમાં કોણ આવે?

મેં તેમને વિશ્વાસમાં લેવા અમારાં આઇડી કાર્ડ બતાવ્યાં.

હવે મારે જરૂર હતી તેમની આઇડી પ્રૂફની.
ઘણી ખરી સ્ત્રીઓ પાસે પોતાનાં રેશન કાર્ડ હતાં અથવા એ વેશ્યાગૃહની માલિકનું કાર્ડ તેમનાં નામ સાથે હતું. ઘણી સ્ત્રીઓનાં નામ તો મતદાર યાદીમાં પણ હતાં! તેમના સહુના ફોટા માટે મેં હું ડિપોઝિટ કેનવાસ કરું છું કહી કોઈક રીતે મેનેજરને સમજાવી ફોટોગ્રાફરની પણ વ્યવસ્થા કરી.

એ સહુનાં ખાતાંનાં અમે ત્યાં જ બેસીને ફોર્મ ભર્યાં. ઘણી ખરી સ્ત્રીઓ સહી પણ કરી શકતી હતી.

પિયુન ને હજી શંકા હતી કે આવી રીતે આ લોકોનાં ખાતાં ખોલવાં ગેરકાયદે તો નથી ને? કહે જોજો, તમે તો મરશો પણ મનેયે મારશો.

મેં કહ્યું કે જે સ્ત્રી મત આપી શકે છે, રેશન લઈ શકે છે તેનો બેંક એકાઉન્ટ કેમ ન હોય?
એને ગળે વાત ઉતરી ગઈ.

અમારી એ માનવંતી ગ્રાહકોનાં ખાતાં ખૂલતાં ગયાં અને ડિપોઝિટનાં બંડલો ઠલવાતાં રહ્યાં.
મુશ્કેલી એ આવી કે એ બધીઓનાં નામ રીટા, અનિતા, પિન્કી, શીલા એવાં જ હતાં. કોઈએ એના બાપનું કે પતિનું નામ આપ્યું ન હતું. એની કોલમ ખાતાંનાં ફોર્મમાં ખાલી રાખવી પડતી હતી. પૂરું નામ કોઈનું લખી શક્યા ન હતા.

માનશો? પહેલે જ દિવસે અમે 25000 રૂ. ભેગા કર્યા, બીજે દિવસે 50,000 અને ત્રીજે દિવસે 1 લાખ!

બેંકના સ્ટાફમાં તો સોપો પડી ગયો.
પણ વધુ મઝા ત્યારે આવી જ્યારે એ મેકઅપના થથેડા કરેલી, બંગડીઓ રણકાવતી, કુલાઓ મટકાવતી બેંકમાં પૈસા ભરવા રોજ કોઈ ને કોઈ સ્ત્રી આવવા લાગી.

હું આ લોકોનાં ખાતાં લઈ આવ્યો છું એટલી હદે મેનેજરને ખબર ન હતી. એ કાચમાંથી જોયા તો કરતા કે આ કોણ આવે છે.

પિયુને કહ્યું એટલે વળી એક દિવસ બાંયો ચડાવતો બ્રાન્ચનો યુનિયન લીડર આવ્યો અને કહે " અરે કિસન, આ તેં શું માંડ્યું છે? તું જે કર એ, અમારા મેમ્બરને શું કામ સંડોવે છે?"

મેં કહ્યું કે વેશ્યાઓની આવક દાણચોરીથી આવેલી જેવી ગેરકાયદે ન ગણાય, તમે આ ડિપોઝિટ લઈ લો. કેશિયરે પણ આનાકાની કરી. મેં કહ્યું કે આ ગ્રાહક ભરવા આવે છે તે કેશ તમારે લેવી જ પડશે. આ એ સ્ત્રીઓની જાત વેંચીને કરેલું પણ મહેનતની કમાણી છે.
અમારે તામિલમાં એક કહેવત છે કે સૂકી માછલી ગંધાય પણ એ વેંચીને મેળવેલો પૈસો ન ગંધાય.

પછી અમે એવી વ્યવસ્થા કરી કે એક સ્ત્રી બધાના પૈસા ભેગા કરી એ બધી વતી પોતે તેમનાં ખાતાંમાં ભરવા આવે એટલે બ્રાન્ચમાં ભીડ ન થાય.

ઘણા ધંધાદારીઓ અપ્રમાણિક હોઈ શકે પણ આ બધી સ્ત્રીઓ પ્રમાણિક હતી. એકાંતરે દિવસે પૈસા ભરી જવા તેમણે શીલા અને ગીતા નામની બે સ્ત્રીઓ પર પસંદગી ઉતારી.

શીલા જ્યારે પણ આવે ત્યારે મારે ટેબલે આવી સ્મિત આપી વાતો કરતી.

કુટુંબથી દૂર રહેતા આર્મીમેન આ તમાશો જોઈ રહેતા. એમાંના અમુકે બેંકમાં જ આવી છાને ખૂણે શીલા કે ગીતા દ્વારા છોકરીઓ બુક કરવા માંડી. એમની જરૂરિયાતો પૂરી કરવા. દોડવું હતું ને ઢાળ મળ્યો!

અમુક લોકો તો પૈસા ઉપાડે, તે સ્ત્રીને આપે અને એ પુરુષ જેનો 'ક્લાયન્ટ' હોય તેના પૈસા પણ આ બે ને જ આપે તે સીધા એ વેશ્યાના ખાતાંમાં ત્યાં ને ત્યાં ભરાવા લાગ્યા.

એથી એટલું ફૂલપ્રૂફ થઈ ગયું કે વેશ્યાને ચોક્કસ પેમેન્ટ મળે અને સીધું એના ખાતામાં જ મળે.

એટલે આ પૈસો માત્ર આર્મીમેનનો હાથ બદલી વેશ્યાઓનાં ખાતામાં જવા લાગ્યો.

માત્ર 45 દિવસમાં જ સેવિગની ડિપોઝિટ બમણી થઈ ગઈ. બંદાનો વર્ષ ભરનો ટાર્ગેટ પૂરો!

આ દરમ્યાન બધા સ્ટાફ માટે હું હીરો બની ગયેલો. તેઓ મને સાહેબ કહી બોલાવતા,
એક માત્ર શીખ ભાઈ મને ' પાજી ' કહેતા.

શીલા મને બોસ કહેતી.
મને એમાં વાંધો ન હતો. જો શીલાને લોકો શીલા ડાર્લિંગ કહેતા હોય તો મને એવાં સંબોધન નો શું વાંધો હોય?

એક દિવસ હું લંચ પતાવી જગ્યાએ બેસતો હતો ત્યાં પિયુને આવીને કહ્યું કે જાવ, કેબિનમાં 'ડેમેજર ' તમને બોલાવે છે.

મેનેજર ડિપોઝિટની આ રોકેટ ગતિની વૃદ્ધિથી અચંબો પામી ગયા હતા. તેઓ ખૂબ ખુશ થયા હતા .
"ગ્રેટ જોબ, ક્રિષ્ના! મેં વિકલી સ્ટેટમેન્ટ જોયાં. તેં બહુ ટૂંકા ગાળામાં ડિપોઝિટ ડબલ કરી છે. તને કન્ફર્મ કરવામાં આવે છે.
હવે તું બીજા ઓફિસરોને પણ મદદ કાર અને શીખવ કે બિઝનેસ કેમ વધી શકે. " તેમણે મને બિરદાવતાં કહ્યું.
**
થોડા મહિના પસાર થયા. બ્રાંચનું વાર્ષિક ઇન્સ્પેકશન આવ્યું. તે ઓફિસરે સેવીંગ એકાઉન્ટનાં ફોર્મ મગાવ્યાં. આ બધા નવા એકાઉન્ટમાં કોઈના પતિ કે પિતા નું નામ, second name ન હતું.

હું હવે ફિક્સ ડિપોઝિટ ખાતામાં હતો . આંધ્ર વાળો ઓફિસર સેવિંગ્સ પર હતો. ઇન્સ્પેક્ટરે આ બધાં ખાતાં અનિયમિત રીતે કેમ ખોલ્યાં છે તે પૂછ્યું. એ ઓફિસરે મેં આ ખોલ્યાં છે તે કહ્યું.

ઇન્સ્પેકટરે મને બોલાવી આટલાં બધાં ખાતાંઓમાં આવી અનિયમિતતા કેમ છે તે પૂછ્યું. મેં કહ્યું કે એ સ્ત્રીઓ પિતા કે પતિ નું નામ જણાવવા નહોતી માગતી. બીજાં નામ સિવાય બધું એ ફોર્મમાં હતું. આઇડી, ફોટો, સહી વગેરે.

એ કહે ' પણ આમ તે કાંઈ ચાલે?' આ તો નિયમની વિરુદ્ધ છે. શી ખાતરી કે આ એ જ વ્યક્તિ છે, બોગસ ખાતું નથી?'

અહીં સરદારજી મારી વહારે ધાયા. કહે આમાંના અમુક ગ્રાહકો પોતે તમને રૂબરૂ મળી જશે. તમે જ તેમને ખૂટતી વિગતો પૂછી લેજો.
બીજે દિવસે સ્ટાફ ખૂબ આતુરતાથી મોના ડાર્લિંગ એટલે શિલાની રાહ જોઈ રહ્યો હતો. આજે પૈસા ભરવા આવવામાં તેનો વારો હતો. એ બેંકમાં આવી અને બધાની પેન થંભી ગઈ. સરદારજી ઇન્સ્પેકટર પાસે જઈને કહે "આ એક ખૂટતી વિગત વાળાં ગ્રાહક. પૂછી લો એમને એમના પતિ નું નામ."

ઇન્સ્પેક્ટરે શીલાને હાથથી ઈશારો કરી કહ્યું "એઈ, ઇધર આઓ ."

'મોના ડાર્લિંગ' નાં ભવાં ચડી ગયાં. આજ સુધી કોઈ ગ્રાહકે પણ એને આમ બોલાવી ન હતી.

"એક મિનિટ આઈ. યે પૈસા જમા કર દું." કહેતાં તેણે બ્લાઉઝમાં હાથ નાખી નોટોની થપ્પી કાઢી અને કેશ કાઉન્ટર પર મૂકી.
પૈસા ભરી તે ઇન્સ્પેકટર પાસે જઈ કહે "હાં જી. બોલો."

ઇન્સ્પેક્ટર ફોર્મમાં ખાલી જગ્યાએ હાથ રાખતાં કહે " તુમ્હારે પતિ, ઘરવાલે કા નામ બતાઓ."

શીલાએ થોડી મૂંઝાઇને મારી તરફ જોયું અને આંખ મિચકારી. પોતાની સાડી હવે જરા કઢંગી રીતે સરખી કરતાં ઇન્સ્પેકટર પાસે જઈ તેનાં ટેબલે હાથ મૂકી પૂરો ઉભાર દેખાય તેમ ઝૂકતાં, સહુને સંભળાય એમ મોટેથી કહે "બાબુજી, તમારું જ નામ લખી નાખો ને!"

બ્રાંચમાં મોટેથી હાસ્યનું મોજું ફરી વળ્યું. આર્મીના માણસો પગાર લેવા ઉભેલા તે પણ હસતા હસતા એ બે ની તરફ જોઈ રહ્યા.

હજી જતાં જતાં કહે "વક્ત હો તો શામ કો આ જાના. બાત કરની હૈ, કામકી. યે પીછે વાલી."
એમ કહેતી, બંગડીઓ રણકાવતી, કમર લચકાવતી ચાલી ગઈ.
ઇન્સ્પેક્ટર ખસિયાણા પડી માથું હાથમાં પકડી બેસી રહ્યા.
***
(મૂળ અંગ્રેજીમાં મોકલવા માટે શ્રી. સમીર ધોળકિયા નો આભાર. આ કથામાં ઘણી અસંદિગ્ધ વાતો છે. સાચો પ્રસંગ હોવા વિશે શંકા પ્રેરે એવું છે.
ડિપોઝિટ નો ટાર્ગેટ મેનેજરને જ મળે. ઓફિસરને KRA માં ડિપોઝિટ કેનવાસ માટે કહેવાયું હોય. કોઈ બ્રાન્ચને ડિપોઝિટ રાતોરાત ડબલ કરવાનો ટાર્ગેટ ન હોય. એકાઉન્ટ ફોર્મ માં મેનેજર કે જોઇન્ટ મેનેજર ની પણ સહી લેવી પડે. વેશ્યાઓ નાં વોટર આઇડી માં પણ અટક કે બીજું નામ હોય. અને 1982માં વોટર આઇડી ન હતાં. વાંચવા માટે રોચક. )
સુનીલ અંજારીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED