સપનાનાં વાવેતર પ્રકરણ ૩
"અનિકેત માટે એક સુંદર કન્યા મેં શોધી કાઢી છે. ઘર મારું જાણીતું છે અને દીકરી પણ સંસ્કારી છે. એ લોકો રાજકોટમાં રહે છે. દીકરીએ એમબીએ ફાઇનાન્સ કરેલું છે. દેખાવે એટલી સુંદર છે કે અનિકેતને જોતાં વેંત જ ગમી જશે. " ધીરુભાઈ વિરાણી રાત્રે આઠ વાગે જમતી વખતે પોતાના બંને પુત્રો સાથે વાત કરી રહ્યા હતા.
"મેં હરસુખભાઈ સાથે ચાર દિવસ પહેલાં વાત પણ કરી લીધી છે. એમનો ફોન આવે એટલે પછી આપણે રાજકોટ જઈને સગાઈની વિધિ કરી લઈએ. હરસુખભાઈ જ્યોતિષમાં બહુ માને છે એટલે અનિકેતનાં તારીખ ટાઈમ મેં એમને આપી દીધાં છે." ધીરુભાઈ બોલ્યા.
" જો એ જ્યોતિષમાં આટલું બધું માનતા હોય તો પછી કુંડળી મળશે તો જ સગાઈની વાત આગળ ચાલશે ને પપ્પા ? જ્યાં સુધી કુંડળી મળે નહીં ત્યાં સુધી સગાઈની ચર્ચા કરવાનો પણ કોઈ મતલબ નથી. " પ્રશાંત બોલ્યો.
"અરે બેટા હરસુખ મારો ખાસ મિત્ર છે. હું તો આજે પણ એને હરસુખ કહીને બોલાવી શકું છું. પરંતુ બધા ઉંમરલાયક થયા એટલે આપણે માન જાળવવું પડે. અમે બંને સ્કૂલમાં સાથે જ ભણેલા. એ આપણા ઘરને પણ સારી રીતે જાણે છે. મારું વેણ એ ઉથાપે જ નહીં. અને કુંડળીમાં કદાચ કોઈ દોષ હોય તો પણ એની વિધિ ક્યાં નથી થતી ? મારાં લગ્ન થયાં ત્યારે ક્યાં કુંડળી મેળવી હતી ? અરે તમારાં બંનેનાં લગ્નમાં પણ ક્યાં કુંડળી મેળવી હતી ? એટલે એ બાબતની તું કોઈ ચિંતા કરીશ નહીં." ધીરુભાઈ બોલ્યા.
"તમે છોકરીને જોયેલી છે પપ્પા ? " પ્રશાંત બોલ્યો.
"અરે હા એટલેસ્તો કહું છું. હમણાં બે મહિના પહેલાં રાજેશભાઈની દીકરીના લગ્નમાં રાજકોટ જવાનું થયું ત્યાં જ મેં એને પહેલી વાર જોઈ. એ મને એટલી બધી ગમી ગઈ કે મારે મારા એક સંબંધીને પૂછવું પડ્યું કે આ છોકરી કોણ છે ? ત્યારે ખબર પડી કે આ તો હરસુખભાઈની જ પૌત્રી છે !" ધીરુભાઈ બોલ્યા.
"પરંતુ પપ્પા એકવાર અનિકેતને પસંદ આવે એ પછી જ સગાઈની વાત વિચારાય. ભલે તમને અને મને છોકરી ગમતી હોય પણ આજની પેઢીના છોકરાને આપણે કન્યા સાથે મીટીંગ કરાવ્યા સિવાય સગાઈ ના કરી શકીએ. અને અનિકેત તો પાછો ચાર વરસ અમેરિકા રહીને આવ્યો છે. ભલે એના જીવનમાં કોઈ છોકરી ના આવી હોય છતાં એની પોતાની પણ ચોક્કસ પસંદગી હોય ! " પ્રશાંત બોલ્યો.
"પણ એના માટે મેં ક્યાં ના પાડી ? કાલે રવિવાર છે. સવારના ફ્લાઈટમાં અનિકેત જાતે રાજકોટ જઈને એને મળી શકે છે. હરસુખભાઈ એવા કંઈ જૂનવાણી નથી. રાજકોટ જઈને અનિકેત છોકરીને બહાર ફરવા લઈ જાય તો પણ એ ના નહીં પાડે." ધીરુભાઈ બોલ્યા.
"ઠીક છે. તો પછી હું ફલાઇટની ટિકિટ બુક કરાવી દઉં છું અને અનિકેતને પણ કહી દઉં છું. ભાભા હોટલનો મને સારો અનુભવ છે એટલે એમાં જ રૂમ બુક કરાવી દઉં છું. તમે હરસુખકાકાને ફોન કરી દો. " પ્રશાંત બોલ્યો.
અને ધીરુભાઈએ રાત્રે સવા આઠ વાગે હરસુખભાઈને ફોન કરી દીધો કે અનિકેત કૃતિને જોવા માટે આવતી કાલે બપોરે ૧૨ વાગે રાજકોટ આવે છે.
*********************
કૃતિ અનિકેતને મળવા માટે મુંબઈ જઈ રહી હતી. ટિકિટ પણ આવી ગઈ હતી. એ નીકળવાની તૈયારી કરતી જ હતી ત્યાં રાત્રે સવા આઠ વાગે હરસુખભાઈ ઉપર ધીરુભાઈ નો ફોન આવી ગયો કે અનિકેત આવતીકાલે સવારના ફ્લાઈટમાં કૃતિને મળવા માટે રાજકોટ આવે છે. એટલે કૃતિનો મુંબઈ જવાનો આખો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો.
"અનિકેતને હોટલમાં મળવા હું એકલી જ જઈશ દાદા. હું તો ખુશ છું કે અનિકેત સામે ચાલીને મને મળવા આવે છે !!" કૃતિ બોલી.
" અનિકેત ખાસ તને મળવા માટે જ રાજકોટ આવે છે એટલે હવે કાલે સવારે તારે એને સામેથી મળવા હોટેલ ના જવાય બેટા. અનિકેત આપણો મહેમાન છે. આપણે એને આવતીકાલે સવારે જમવાનું આમંત્રણ આપવું પડે. તમારી બંનેની પહેલી મીટીંગ તો આપણા ઘરે જ ગોઠવવાની હોય. એ મિટિંગમાં તારે એને કહી દેવાનું કે હું તમને હોટલમાં રૂબરૂ મળવા માગું છું. એ પછી તું હોટલમાં જઈ શકે છે." હરસુખભાઈ બોલ્યા.
" ઠીક છે દાદા તો પછી એમ જ કરીશ." કૃતિને દાદાની વાત સાચી લાગી એટલે એણે સ્વીકારી લીધી.
"હવે તમે લોકો આવતી કાલની રસોઈ માટે વિચારો. મોટા ઘરનો દીકરો છે. આપણા ઘરે પહેલી વાર આવે છે. એની સાથે કૃતિનાં લગ્ન થાય કે ના થાય એ ભવિષ્યની વાત છે પણ એનું ભાવભીનું સ્વાગત થવું જોઈએ. " હરસુખભાઈ પોતાના પરિવાર સામે જોઈને બોલ્યા.
"કેરીની સીઝન પૂરી થઈ ગઈ એટલે હવે દૂધપાક પૂરી જ બનાવવાં પડશે.
સાથે એકાદ ફરસાણ મંગાવી લેવાનું." દાદી કુસુમબેન બોલ્યાં.
" મમ્મી એ તો બધું અમે કરી લઈશું. તમે કોઈ જાતની ચિંતા કરો મા." કૃતિનાં મમ્મી આશાબેન બોલ્યાં.
બીજા દિવસે સવારે ૧૨ વાગે મનોજે અનિકેતના મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો.
"અનિકેત કુમાર હું કૃતિના પપ્પા મનોજભાઈ બોલું છું. ગઈકાલે રાત્રે તમારા દાદાનો ફોન આવી ગયો હતો. તમારે જમવાનું અમારા ઘરે જ રાખવાનું છે. મારો ડ્રાઇવર ગાડી લઈને ૧૨:૩૦ વાગે ભાભા હોટલ ઉપર આવી જશે. ત્યાં સુધીમાં તમે ફ્રેશ થઈ જજો." મનોજ બોલ્યો.
"નમસ્તે અંકલ. તમે ડ્રાઈવરને પોણા કલાક પછી મોકલજો ને ! કારણ કે હું હજુ હોટલ પહોંચ્યો નથી. દસ પંદર મિનિટમાં પહોંચી જઈશ. મારો રૂમ નંબર ૪૦૧ છે. " અનિકેત બોલ્યો.
"ઠીક છે." મનોજ બોલ્યો અને ફોન કટ કર્યો.
સમય થયો એટલે મનોજે પોતાના ડ્રાઇવરને ભાભા હોટલ જવા માટે રવાના કર્યો. ડ્રાઇવર પોણા વાગે ભાભા હોટલ પહોંચી ગયો.
બરાબર સવા વાગે અનિકેત મનોજની ગાડીમાં હરસુખભાઈના બંગલે આવી ગયો.
અનિકેતને રૂબરૂ જોઈને કૃતિનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અનિકેત મોબાઇલમાં દેખાતો હતો એના કરતાં પણ વધુ હેન્ડસમ હતો. ગોરો વાન અને કસરતી શરીર ! ચહેરા ઉપર ટ્રિમ કરેલી દાઢી ! ઊંચાઈ પણ લગભગ પોણા છ ફૂટની ! ગ્રે કલરનું ટીશર્ટ અને જીન્સનું પેન્ટ એની પર્સનાલિટીને વધુ આકર્ષક બનાવતાં હતાં.
હરસુખભાઈના પરિવારે અનિકેતનું ભાવિ જમાઈ હોય એ રીતે ભાવભીનું સ્વાગત કર્યું. અનિકેત પણ આ પરિવારની આગતા સ્વાગતા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો.
"તમારે પહેલાં કૃતિ સાથે મીટીંગ કરવી છે કે પહેલાં જમી લેવું છે ?" મનોજે પૂછ્યું.
" મારી ઈચ્છા છે કે હું પહેલાં કૃતિ સાથે મીટીંગ કરી લઉં. કારણકે મિટિંગમાં દસ પંદર મિનિટ જ થશે. પછી હું અને કૃતિ સાથે જ જમવા બેસીએ એટલે મને કોઈ સંકોચ ના થાય !" અનિકેત હસીને બોલ્યો.
અનિકેતની આ વાત બધાને સ્પર્શી ગઈ. છોકરો છે તો ઇન્ટેલિજન્ટ !
"ઠીક છે. તમારી વાત સાચી છે. એક બીજાનો પરિચય થવો જરૂરી છે. હું કૃતિને બોલાવું છું. બેડરૂમમાં બેસી તમે લોકો મીટીંગ કરી લો."મનોજ બોલ્યો.
મનોજે નાની દીકરી શ્રુતિને બોલાવી અને એને અંદર જઈને કૃતિને બહાર મોકલવા કહ્યું.
શ્રુતિ અંદર જઈને કૃતિને બોલાવી લાવી. ઓરેન્જ કલરની સાડી અને બ્લુ કલરના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝમાં કૃતિ એટલી તો સુંદર લાગતી હતી કે કોઈની નજર લાગી જાય ! કૃતિનું આટલું બધું સૌંદર્ય જોઈને અનિકેત તો અંજાઈ જ ગયો. એની કલ્પના કરતાં પણ કૃતિ અતિ સુંદર હતી. એણે મનોમન એના દાદાનો આભાર માન્યો.
"કૃતિ બેટા અનિકેતકુમારને તારા બેડરૂમમાં લઈ જા. તમે બંને એક બીજાનો પરિચય કરી લો." દાદા હરસુખભાઈ બોલ્યા.
"ઓકે દાદા" કહીને કૃતિ બેડરૂમ તરફ આગળ ચાલી. અનિકેત પણ પાછળ પાછળ ગયો.
"તમારો બેડરૂમ મને ગમ્યો. બેડરૂમનું ઇન્ટિરિયર તમારા જેટલું જ સુંદર છે. હું આર્કિટેક્ટ છું એટલે મારી નજર સૌથી પહેલાં મકાનની ડિઝાઇન ઉપર જ જાય." અનિકેતે બેડની સામે ગોઠવેલા સોફા ઉપર બેસતાં જ વાતચીત શરૂ કરી.
" થેન્ક્સ " કૃતિ બોલી અને એ બેડના એક છેડા ઉપર બેઠી.
થોડીવાર મૌન છવાયું. અનિકેતે નોંધ લીધી કે કૃતિ થોડી ગંભીર લાગે છે. લગ્ન માટે ઉત્સુક કન્યાના ચહેરા ઉપર પ્રથમ મિલન વખતે જે શરમ સંકોચ અને છૂપો રોમાંચ હોવો જોઈએ એ કૃતિમાં દેખાતો નથી.
"તમે આ લગ્નથી ખુશ નથી ? યુ કેન બી ફ્રેન્ક વિથ મી. મનમાં જે હોય તે મને કહી શકો છો." અનિકેતે વિવેકથી કહ્યું.
"લગ્નથી ખુશ નથી એમ તો હું ના કહી શકું. પણ થોડા ટેન્શનમાં જરૂર છું. તમારો મને બિલકુલ પરિચય નથી એટલે અત્યારે વાત કરવી કે ના કરવી એના કન્ફ્યુઝનમાં છું " કૃતિ બોલી.
"જુઓ તમે મારો આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. તમારા મનમાં કંઈ પણ હોય, દિલ ખોલીને વાત કરી શકો છો. કોઈ અંગત પ્રોબ્લેમ હોય તો પણ મારી સાથે શેર કરી શકો છો." અનિકેત બોલ્યો.
"ઓકે....મને સમજવા માટે થેન્ક્સ. તમે મને થોડો સપોર્ટ આપી શકો ? " કૃતિ બોલી.
"વાય નોટ ? તમે દિલ ખોલીને મારી સાથે વાત કરી શકો છો. " અનિકેત બોલ્યો.
"વાત ઘણી લાંબી છે અને વિસ્તારથી કહેવી પડે એમ છે. પાંચ દસ મિનિટની આ પહેલી મિટિંગમાં એ શક્ય નથી. મારી ઈચ્છા છે કે હું તમને તમારી હોટલમાં આવીને મળું." કૃતિ બોલી.
"મોસ્ટ વેલ્કમ ! એક વાત કહું ? તમે ખૂબ જ સુંદર છો. અને સાચું કહું તો પહેલી જ નજરે મને ગમી ગયાં છો. દાદાએ પણ તમારાં ખૂબ જ વખાણ કર્યાં છે. કોઈ પણ હિસાબે આ લગ્ન થાય એવી મારી ઈચ્છા છે. હું આજે હોટલમાં તમારી રાહ જોઈશ. " અનિકેત બોલ્યો.
"થેન્ક્સ ફોર કોમ્પ્લીમેન્ટ્સ. હું સાંજે ચાર વાગે તમારી રૂમ ઉપર આવી જઈશ. " કૃતિ બોલી.
" હા હા ચોક્કસ. બાય ધ વે, તમે અત્યારે હાલ શું કરો છો ? અભ્યાસ શું કર્યો ? " અનિકેતે પૂછ્યું.
" મેં એમબીએ ફાઇનાન્સ કરેલું છે. એ સિવાય સંગીતમાં વિશારદ છું. નૃત્યનો પણ મને શોખ છે. કરાટેમાં પણ હું ચેમ્પિયન છું. ટ્રેકિંગ પણ કરેલું છે. ઘણાં બધાં ઇનામો જીતેલી છું " કૃતિ હસીને બોલી.
"તમે તો ઘણા બધા વિષયોમાં પારંગત છો ! " અનિકેત બોલ્યો.
" હા. નાનપણથી જ હું મહત્વકાંક્ષી છું. હું હાર જલ્દી કબૂલ કરતી નથી. મને જે જોઈએ તે મેળવું જ છું. હું થોડીક જીદ્દી પણ છું. ૧૮ વર્ષની ઉંમરથી ગાડી ચલાવું છું. રેસ કરવી મને ગમે છે. ગયા વર્ષે ગાડી લઈને હું છેક મુંબઈ આવી હતી." કૃતિ હસીને બોલી.
"વાઉ ! તમારી નિખાલસતા મને ગમી. બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ! " અનિકેત હસીને બોલ્યો.
" હવે આપણે જઈએ. બાકીની બધી જ ચર્ચા હોટલમાં કરીશું. તમે જમી લો. અને છેલ્લે એક વાત કહું ? તમે મને પસંદ છો ! " કૃતિ બોલી.
"થેન્ક્સ. આઈ એમ એક્સાઇટેડ ! તમે મને ઇમ્પ્રેસ કરી દીધો છે. હવે તમે મને જમવામાં કંપની આપો. "અનિકેત હસીને બોલ્યો અને ઉભો થયો.
કૃતિ બેડરૂમમાંથી ડ્રોઈંગ રૂમમાં થઈને અનિકેતને સીધી ડાઇનિંગ ટેબલ ઉપર લઈ ગઈ.
આમ તો અગાઉથી નક્કી કર્યા મુજબ ડાઇનિંગ ટેબલ ઉપર અનિકેતની સાથે પરિવારના સભ્યો પણ જમવા બેસવાના હતા. પરંતુ અનિકેતે કૃતિ સાથે જમવાની વાત કરી એટલે પછી એ બંનેને એકલા જ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે બેસાડ્યા.
"જુઓ મમ્મીએ આ ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. તમે ચાખી જુઓ. જરા પણ કડવું નહીં લાગે. મમ્મીની એ સ્પેશિયાલિટી છે. તમને એ ના ભાવે તો ઓપ્શનમાં ભીંડાનું શાક છે જ. " કૃતિ બોલી.
" મને ભરેલાં બધાં જ શાક ભાવે છે. અને સાવ સાચું કહું તો રસોઈ ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બની છે." અનિકેત બોલ્યો.
"મમ્મી રસોઈ બહુ સરસ બનાવે છે. હું પણ અમુક આઈટમો એમની પાસેથી શીખી રહી છું." કૃતિ બોલી.
"તમારે શીખવી જ પડશે. મને ખાવા પીવાનો બહુ જ શોખ છે. અમેરિકામાં ચાર વર્ષ રહ્યો પરંતુ જમવાની બાબતમાં ત્યાં એટલી મજા નથી આવતી. પીઝા બર્ગર અને બ્રેડ ખાઈ ખાઈને કંટાળી ગયો. ગુજરાત જેવું જમવાનું ક્યાંય ના મળે." અનિકેત બોલ્યો.
"તમારા ઘરે તો રસોઈયો હશે જ છતાં તમારા માટે થઈને સારી સારી ડીશ ચોક્કસ શીખી લઈશ. " કૃતિ હસીને બોલી.
આ રીતે વાતો કરતાં કરતાં જમવાનું ક્યારે પૂરું થઈ ગયું એની ખબર જ ના પડી. ડાઇનિંગ ટેબલ ઉપર જ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયાં.
"અંકલ મારા તરફથી કૃતિ માટે હા છે. હું દાદાને ફોન કરીને કહી દઈશ. હવે હું રજા લઉં. મને હોટલ ઉપર છોડી દો. કૃતિ કદાચ સાંજે મને મળવા માટે આવશે તો એને આવવા દેજો. કાલે સવારે સાડા સાતનું મારું ફ્લાઈટ છે" અનિકેત બહાર ડ્રોઈંગ રૂમમાં આવીને બોલ્યો.
" પહેલીવાર અમારા ઘરે આવ્યા છો એમ ખાલી હાથે ના જવાય. " કહીને હરસુખભાઈએ અનિકેતના હાથમાં એક બંધ કવર આપ્યું. અનિકેત નીચે નમીને એમને પગે લાગ્યો.
"પાંચ મિનિટ બેસો. ત્યાં સુધીમાં હું ડ્રાઇવરને કહી ગાડી બહાર કઢાવું." મનોજ બોલ્યો અને બહાર ગયો.
"તમારા દાદા ધીરુભાઈ અને હું રાજકોટમાં એક જ સ્કૂલમાં ભણેલા. એમની તબિયત કેવીક રહે છે ? ઉંમર થાય એટલે તબિયતનું જ પહેલા પૂછવું પડે. " હરસુખભાઈ બોલ્યા.
"દાદાને ડાયાબિટીસ છે અને બીપી ની ગોળી પણ લે છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી. " અનિકેત બોલ્યો.
"સારું સારું. તબિયત સારી હોય એટલે બસ. " હરસુખભાઈ બોલ્યા.
એ જો કે મનમાં તો મૂંઝાઈ રહ્યા હતા કે હવે આગળ કેવી રીતે વધવું ? અનિકેત એકદમ સંસ્કારી છોકરો છે. આવો જમાઈ મળે પણ નહીં પરંતુ શાસ્ત્રીજીએ ચોખ્ખી ના પાડી છે. અનિકેત તો કૃતિને જોઈને લગ્ન માટે એકદમ તૈયાર થઈ ગયો છે ! જોઈએ હવે કૃતિ હોટલમાં મળીને શું નક્કી કરે છે !!
" અનિકેતકુમાર આવી જાઓ. ગાડી તૈયાર છે." મનોજ બહારથી જ બોલ્યો.
અનિકેત ઉભો થયો અને વડીલોને પ્રણામ કરીને બહાર નીકળ્યો. મનોજે ગાડીનો પાછલો દરવાજો જાતે ખોલીને અનિકેતને અંદર બેસવાનું કહ્યું. અનિકેતને પોતાના ભાવિ સસરાનો આ વિવેક હૃદયને સ્પર્શી ગયો.
" શું વાતચીત થઈ બેટા ? તારું મન શું કહે છે ? " અનિકેતના ગયા પછી દાદા હરસુખભાઈએ કૃતિને પૂછ્યું.
" મારો નિર્ણય તો દાદા તમને ખબર જ છે. મારા ધાર્યા કરતાં પણ અનિકેત ખૂબ જ વિવેકી છે. કરોડોપતિ હોવા છતાં જરા પણ અભિમાન નથી. એનામાં આજકાલના નબીરાઓમાં હોય એવી આછકલાઈ પણ નથી. એણે તો મને લગ્નની હા પણ પાડી દીધી." કૃતિ બોલી.
" મને પણ એ જ મૂંઝવણ છે. આટલો સારો છોકરો હોવા છતાં પણ તમારા ગ્રહો મળતા નથી એટલે મારે કેમ કરીને આગળ વધવું ? શાસ્ત્રીજી પાસેથી આટલું બધું જાણ્યા પછી તને એની સાથે કેવી રીતે પરણાવવી ? " દાદા બોલ્યા.
"દાદા તમે ચિંતા નહીં કરો. હજુ મારે હોટલ જવાનું બાકી છે. મને એકવાર એની સાથે ચર્ચા કરી લેવા દો. જે હશે તે સાંજ સુધીમાં તમને ફાઇનલ કહી દઈશ . હું સાંજે ચાર વાગે હોટલ જવાની છું. કદાચ અમે બંને સાથે જ ભાભામાં ડીનર લઈએ. " કૃતિ બોલી.
"ઠીક છે બેટા તું જઈ આવ. તારા મનમાં શું ચાલે છે એ તો મને કંઈ ખબર નથી પડતી. લગ્ન કર્યા વગર મિત્રોની જેમ સાથે રહેવાની તું એની સાથે વાત કરે તો પણ એ શક્ય નથી. મારાથી ધીરુભાઈને એ નહીં કહી શકાય." હરસુખભાઈ બોલ્યા.
" દાદા તમે મારામાં વિશ્વાસ રાખો. લગ્ન તો હું એની સાથે જ કરીશ. અને મને વિશ્વાસ છે કે કંઈક રસ્તો ચોક્કસ નીકળશે." કૃતિ પૂરા આત્મવિશ્વાસથી બોલી.
હરસુખભાઈ પોતાની આ જિદ્દી પૌત્રી સામે જોઈ જ રહ્યા !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)