Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 109

(૧૦૯) બેગમોનું સમ્માન

ઇ.સ. ૧૫૮૫ની સાલ હતી. રહીમ ખાનખાનાને ગુજરાતમાં બળવાખોર સુલતાન મુઝફરશાહને પરાસ્ત કરીને ભારે નામના મેળવી હતી.

ગુજરાતથી શાહીસેના આગ્રા તરફ રવાના થઈ. રહીમ ખાનખાનાન પોતાની બેગમો સાથે આ સેના લઈને મુસાફરી કરી રહ્યાં હતા. રાજપૂતાનાની હદમાં પ્રવેશ્યા. શિરોહીમાં પડાવ નાંખ્યો.

“બેગમ, આવતી કાલે અમે શિકારે જઈશું. તમે સેના સાથે રહેશો ને? રહીમખાનની વાત સાંભળતાજ બેગમો બોલી ઉઠી.” શિકારે આપ જશો અને અમે અહીં છાવણીમાં બેસી રહીશું. ના, એ અમારાથી નહિ બને. આપ તો કવિ છો. સું આપ એ નથી જાણતા કે, સ્ત્રી અને પુરૂષે ફૂલ અને સુગંધની માફક એકબીજામાં ઓતપ્રોત રહેવું જોઇએ.”

ઓકટોબર મહિનાની શરૂઆતના દિવસો હતા.

બેગમો સાથે રસાલો બશેરપુર ગામે પહોંચ્યો. બેગમો થાકી ગઈ. રહીમખાન તથા થોડા સરદારો શિકાર માટે આગળ જવા તૈયાર થયા.

“આપ સુખેથી શિકાર કરવા આગળ વધો. અમે રસાલા સાથે શિરોહી પહોંચી જઈશું. રઝળપાટ કરવાની અમારી આદત નથી. અમને માફ કરો.” બેગમે કહ્યું.

બશેરપુર ગામથી થોડે દૂર એક પડાવ મોગલોએ નાંખ્યો. સેનાપતિ રહીમખાન આ પડાવને ત્યાં જ રાખી આગળ શિકારે ઉપડી ગયા.

લગભગ સો સવાસો સિપાહીઓ શિબિરની ચારે બાજુ શસ્ત્રસજ્જ થઈને પહેરો ભરી રહ્યા હતા. બપોરનો સમય હતો. ભગવાન દિનકર પોતાની પૂર્ણ શક્તિથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ભગવાન દિનકરના તેજપુંજથી ધરતી તૃપ્ત થઈ ગઈ હતી. શિબિરમાં બિરાજમાન બેગમો, બાંદીઓ અસહ્ય ગરમીથી પરેશાન થઈ રહી હતી. ખુલ્લા મેદાનમાં ચોકી કરતા સિપાહીઓ પણ સૂર્યના તાપથી પરેશાન થઈ ગયા હતા.

તેઓ ખાનખાનાનનાં સિપાહીઓ હતા. મોગલ સેનાનાયક મહંમદખાન મૈદાનેજંગનો સુરમા હતો. એના આ સિપાહીઓ પ્રાણ ગુમાવીને પણ આન જાળવે એવા બહાદુર હતા.

ખાનખાનાને રવાના થતાં પહેલાં ખાસ તાકીદ આપી હતી કે, “જલ્દી પ્રસ્થાન કરજે. આ પ્રદેશમાં હરપળે સાવધાન રહેજે. વચમાં નિર્જન સ્થાન આવે છે. એ સ્થાન મહારાણાનું વિચરણ સ્થાન છે. ક્ષણભર પણ ત્યાં રોકાશો નહિ.”

જો ત્યાં રોકાશો તો અથડામણ થશે અને તે ભારે પડી જશે. ઉંડુ કે અજાણ્યું પાણી, અજાણ્યો મુલક સૌથી વધારે ખતરનાક હોય છે.

મહંમદખાન તો સાવધાન હતો જ પોતાના સ્વામીના હરમની રક્ષા પ્રાણના ભોગે કરતો હતો. તે ખાનખાનાનનો અતિ વિશ્વાસુ સેનાનાયક હતો. કૂચ કરવા માટે તે આદેશ આપવા જતો હતો ત્યાં પડાવમાંથી એક કનીજે ડોકું કાઢ્યું. થોડા સમય માટે કૂચ બંધ રાખો. બેગમ સાહિબા આરામ ફરમાવે છે.” મનમાં ડર હોવા છતાં મહંમદખાને, રસાલાને આરામ માટે થોભાવ્યો. બેગમની ઇચ્છા આગળ તે લાચાર હતો.

તાપ અસહ્ય હતો. શિરોહીનો દુર્ગ ઘણે દૂર હતો. મુસાફરી બંધ રાખે! કેમ ચાલે ? ત્યાં તો એક બાંદી ફરી તંબુમાંથી બહાર આવી. “બેગમ સાહિબા જણાવે છે કે, નન્હી બેગમની તરસ લાગી છે. પ્યાસના માર્યા ચક્કર આવે છે. ભોજન પછી પાણે તો પીવાઇ ગયું છે. જલ્દી પાણી મંગાવી આપો.”

મહંમદખાને સિપાહીને બોલાવીને કહ્યું, “ સામે વૃક્ષોનું ઝૂંડ દેખાય છે ત્યાં કોઇક જળાશય હોય એવું લાગે છે. ત્યાં જઈને તું પાણી લઈ આવ.”

વિશાળ વૃક્ષની શાખાઓની મધ્યમાં, એક નાનકડી નદી વહેતી હતી. એનું પાણી પણ સ્વચ્છ હતું. કલ કલ ધ્વનિ જાણે સંગીતમય લાગતો હતો. તરસથી વ્યથિત વ્યક્તિને આશ્વાસન આપવા માટે નદીનું દ્રશ્ય જ પૂરતું હતું. ગ્રીષ્મના પ્રખર તાપને વૃક્ષોની છાયા અને નદીનો પ્રવાહ મટાડી દેતું હતું.

મોટા સામ્રાજ્યના નોકર હોવાને કારણે દર્પ અને ઉદ્ધતાઇ સિપાહીઓમાં પુષ્કળ હતી. તેઓ આપસમાં વાતો કરતાં હતા.

“આવામાં જો મેવાડી આવી જાય તો.”

“આટલી નિર્જન જગ્યામાં, બપોરે મેવાડી ક્યાંથી આવે? અને તે પણ મોગલ છાવણીમાં હુમલો કરવાની હિંમત કરે? હવે નો મહારાણા ખુદ મોગલોથી બીએ છે.”

“ભાઇ, એવા ભ્રમમાં ન રહેતો. સાંભળ્યુ છે કે, મહારાણાનો પુત્ર અમરસિંહ પણ મહાન યોદ્ધો છે.”

“પણ આટલા મોટા સામ્રાજ્ય સામે હવે મૂઠીભર મેવાડી થાકી ગયા છે. એમની શમશેરો ઠંડી પડી ગઈ છે, એમના ઘોડા થાક ખાય છે.”

ત્યાં તો સામેની ખીણમાંથી જેમ વાયરો આવે તેમ રાજપૂત ટોળી આવી પહોંચી. ઘોડાના ટાપોંની અવાજ સાંભળતા જ નાયક મહંમદખાને ‘સાવધાન..’ નો નાદ કર્યો.

બધાં સિપાહીઓ શસ્ત્રસજ્જ થઈ ગયા. એ આશંકા હતી તે હકીકતમાં પલટાઇ ગઈ. મહંમદખાન વીર હતો. વીર પોતાની ફરજ બજાવતા બજાવતા મૃત્યુને ભેટે છે. શત્રુને શસ્ત્રો સોંપીને પ્રાણોને ભીખ માંગતો નથી. પ્રાણનો મોહ હોય તે સેનાનાયક તો શું અંગરક્ષક બનવાને પણ લાયક હોતો નથી.

ઉંચો,ગોરો અને કદાવર યુવક રાજપૂત દળનો સેનાનાયક હતો. એની મોટી મોટી આંખોમાં ખુન્નસ હતું. ધનુષ્ય પર ચઢાવેલ તીરની માફક એની વાણી પણ કઠોર હતી, ધારદાર હતી.

“શસ્ત્રો સોંપી દો તો પ્રાણ અને મુક્તિ બંને મળશે.”

મહંમદખાન ક્રોધથી સળગી ઉઠ્યો. સેનાનાયક શસ્ત્રો સોંપે એના કરતાં મૃત્યુને ભેટ એ જ ઉત્તમ છે.

“યુવક, શસ્ત્રોની માંગણી કરતાં પહેલાં વિચાર કર. આ મોગલ શહેનશાહની છાવણી છે. આ લઘુ છાવણી પાછળ પ્રચંડ સામ્રાજ્યની શક્તિ છુપાયેલી છે. એની પાસે લાખો સેનાનાયકો છે. યાદ રાખ, તને નહિ છોડે.”

“જાણું છું. જે સામ્રાજ્ય છીનવાથી જ નિર્માયુ હોય એની પાસેથી ઝૂંટવી લેવામાં પાપ શાનું?”

“તો પછી હું પણ કાયર નથી. સેનાનાયક મહંમદખાન કદી પ્રાણની ભીખ માંગતો નથી અને એની તલવાર મોતનો સંદેશો જ વરસાવે છે.”

ભયંકર સંગ્રામ છેડ્યો. ઉભય પક્ષના સેનાનાયકોના અશ્વો સામસામે આવી ગયા. મહંમદખાને કસીને હાથમાં ભાલો પકડ્યો અને રાજપૂત સેનાનાયક કુંવર અમરસિંહ પર ફેંકયો. ચપળ કુંવર પળમાં ઘા ચૂકાવીને કુદયો. અને યવન ઘોડેસવારની નિકટ, પોતાનો  ઘોડો ટેકવીને ઉભો રહ્યો. મહંમદખાને હવે તલવાર મ્યાનમાંથી કાઢી અને લડવા લાગ્યો. બંને વીરોની તલવારો, વીજળીના ચમકારા કરતી અથડાવા લાગી. એક પ્રબળ વાર ફરીથી મહંમદખાને કર્યો. કુમારે તે ચૂકવી તો દીધો. પરંતુ સ્કંધ પર થોડો ઘરસકો પડ્યો. લોહીની લાલ ધારા વછૂટી. કુંવર હવે ક્રોધે ભરાયો. એણે શમશેરનો એક કાતીલ ઘા કર્યો. અને મહંમદખાનનો હસ્ત કપાયો. પુંછડિયા તારાની માફક મહંમદખાનના મહાકાયેથી તે અલગ પડી ગયો. બીજી જ ક્ષણે , સ્ફૂર્તિથી કુમારે, તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું.

બધાં મોગલ સિપાહીઓની એ દશા થઈ શિબિરને રાજપૂત સેનાએ ઘેરી લીધી.

રાજપૂત સૈનિકો પ્રચંડ જયનાદ ઉચ્ચારતા હતા. “કુમાર અમરસિંહનો જય હો! ભગવાન એકલિંગજીનો જય હો! મોગલ ટુકડીનો ખાત્મો કર્યાનો સૌને અનહદ આનંદ હતો.

શિબિરમાંથી એક બાંદી બહાર આવી. “શિબિરમાં કેવળ સ્ત્રીઓ જ છે. નવાબ રહીમખાનની બેગમો, બાંદીઓ અને કનીજો.”

“કેવળ સ્ત્રીઓ જ શિબિરમાં છે?  એમનું શું કરવું?” કુમાર વિમાસણમાં પડ્યા. આવી પરિસ્થિતિ ઉભી થશે એવી તો કુમારને સ્વપ્ને કલ્પના ન હતી. ઉલટાની મોગલ હરમની સ્ત્રીઓના રક્ષણની જવાબદારી માથે આવી પડી. શિરોહીની વાટે જવામાં જોખમ હતું.

એટલામામ રાજપૂતસેનામાં શરૂઆતથી જ પાછળ રહી ગયેલા સલુમ્બરાધિપતિ રાવત કૃષ્ણસિંહજી આવી પહોંચ્યા. મોગલ સૈનિકોની લાશો, કુમારનો ઉતરેલો ચહેરો જોઇને તેઓ પણ ગભરયા.

“કુમાર શી નવાજૂની?” કુમારે તમામ હકીકત કહી સંભળાવી.

“સલુંબરાધિપતિ કૃષ્ણસિંહજી, મોગલદળને તો ખતમ કર્યું પરંતુ શિવરમાં તો માત્ર સ્ત્રીઓજ છે એની મોટી મુંઝવણ છે?”

સલુંબરાધિપતિ રાવત કૃષ્ણસિંહજી આ સાંભળી શિબિરના દ્વારે દોડ્યા. શિબિરના અગ્રસ્થાને ઉભા રહી, એક બાંદીને બોલાવી.

“બાંદી, સલુંબરાધિપતિ કૃષ્ણસિંહજીનું તમને અભય છે અમે રાજપૂતો સ્ત્રીઓ પર શસ્ત્રો ઉઠાવતા નથી, કનડતા નથી. તમે કોણ છો?”

“મહારાજ, અમારી સાથે ગુજરાતના સૂબેદારની બેગમો છે. અમે તેમની બાંદીઓ છીએ. અહીં અમારા અંગરક્ષકો ઝપાઝપીમાં માર્યા ગયા છે.”

સલુમ્બરાધિપતિ વિચારમાં પડ્યા. બાદશાહ અકબરના શ્રેષ્ઠ સેનાપતિ રહીમખાનની બેગમોનો આ રસાલો છે.  માટે મોટી જવાબદારી આવી પડે છે. ખીણના આ કિનારે, બશેરપુરની સીમમામ હવે આ “હરમ” ને રેઢો મૂકીને જવાય પણ નહી. આ હરમને લઈને શિહોર છાવણી ટુકડીને મોકલવામાં પણ જોખમ છે.

અંતે સલુમ્બરાધિપતિ કૃષ્ણસિંહજીએ બેગમને સંદેશો કહેવડાવ્યો. “બેગમ સાહિબા અમે આપને પૂર્ણ સમ્માન સાથે અમારા મુકામે , આપને પધારવાની વિનંતી કરીએ છીએ. મોગલો અને મેવાડીઓના યુદ્ધો તો થયા કરે છે. પ્રાણોની હોળી તો ખેલાયા કરે છે પરંતુ આપના સમ્માન અને હિફાજતની હું બંધુત્વની ખાત્રી આપું છું. આપ અમારા મુકામે પધારવાની તસ્દી લો. ત્યાં અમને મહારાણાજીનો આદેશ મળશે એટલે અમે આપને આપના મુકામે પહોંચાડીશું.

બેગમોએ સ્વીકારસૂચક મસ્તક હલાવ્યું જે કાંડ રચાયું હતું તેનાથી તેઓ થોડીવાર માટે સ્તબ્ધ બની ગયા હતા. પરંતુ પોતે મોગલ સલ્તનતના પ્રતિનિધિ છે. એનો ખ્યાલ આવતાં ભલે મોત આવે, ગૌરવથી ભેટવું એવો નિર્ધાર કર્યો હતો. ત્યાં સલુંબરનરેશનો આ સૌજન્યપૂર્ણ પ્રસ્તાવ સાંભળ્યો.

સમગ્ર કટક મુકામે પહોચ્યું. ખીણમાં પ્રવેશ્યા પછી, બેગમોને ધ્રુજારી વછૂટી. જો મહારાણા વિફરે તો... તો હવે ખીણ કાળની ગુફા બની જાય. પરંતુ દુશ્મન સ્ત્રીઓને પણ મહારાણાની સૌજન્યતા પર શ્રદ્ધા હતી. મેવાડના મહારાણા સ્ત્રીઓનો અનાદર નહિ કરે.

સાંજનો સમય છે. પહાડપર એક શિલા પર એક મહાવીર પુરૂષ બેઠો હતો. સૂર્યનો અસ્ત અને સંધ્યાની લાલશથી ચિંતામગ્ન પુરૂષના મુખથી મુદ્રાઓ વધુ સ્પષ્ટ બની.

થોડીવાર પછી ચંદ્રની ચાંદનીમાં મલીનતા ક્યાંયે હડસેલાઇ ગઈ. એ પુરૂષના હાથમાં શમશેર છે. એ પુરૂષ છે આર્યજાતિનું તેજપૂંજ, સ્વતંત્રતાનો સંન્યાસી અને માં ભારતીના ભાલની બિંદિયા જેવો ચમકતો પ્રાતઃ સ્મરણીય મહારાણા પ્રતાપ તેઓ ચારેબાજુની હરિયાળી નિખરી રહ્યા હતા. તેમના સ્મરણપટ પર તાજાં જ હતા. દૂર દૂર હમણાં જ પશ્ચિમમાં ડૂબેલા સૂર્યના મનોરમ્ય લાલિમાપૂર્ણ દ્રશ્ય.

ત્યાં તો ગૌરવપૂર્ણ કદમ ભરતા સલુંબરાધિપતિ રાવત કૃષ્ણસિંહજી તેમની સમક્ષ ઉપસ્થિત થયા.

“આવો, પધારો કૃષ્ણસિંહજી મેવાડપ્રદેશના શા સમાચાર છે.”

કૃષ્ણસિંહજી બોલ્યા, “ મહારાણાજી, મેવાડ પ્રદેશમાં ભગવાન એકલિંગજીની કૃપાથી ફરી એકવાર આપનું આધિપત્ય જામ્યું છે. પાવકજ્વાળાની માફક વીર રાજપૂતોની શમશેર મ્યાનમાંથી નીકળીને મેવાડના આકાશમાં ચમકી રહી છે. ભયભીત થયેલા મોગલો હવે મેવાડપ્રદેશમાંથી ભાગી રહ્યા છે.

એક સારા સમાચાર એ છે કે, રાજકુમાર અમરસિંહજીએ હમણાં જ, આજે જ, એક મોગલ ટુકડીનો પરાભવ કર્યો. અને કેટલાકને બંદી બનાવીને લઈ આવ્યા છે. એ બધો રસાલો દુર્ગના દ્વારે થોભ્યો છે. એ બંદીઓમાં બંદી છે ગુજરાતના સૂબેદાર રહીમખાનની બેગમો પણ.”

મહારાણા ચોંક્યા. રહીમખાનની બેગમોને બંદી બનાવીને અમરસિંહ જેવો સુસંસ્કૃત સેનાનાયક લઈ આવ્યો. બીજો કોઇ નહીં ને સ્વયં યુવરાજ અમરસિંહને આ સૂઝ્યું. ક્ષણાર્ધમાં તેઓની મુખમુદ્રા પલટાઇ ગઈ. કોમળતાની જગ્યાએ કઠોરતા છવાઈ ગઈ.

“બેગમોને શા માટે બંદી બનાવી? સાચો ક્ષત્રિય સ્ત્રીઓને કદી કષ્ટ આપતો નથી. રહીમખાન જેવા ઉમદા સેનાપતિની બેગમોને બંદી બનાવવી એ પાપ છે.”

“મહારાણાજી, રાજકુમાર અમરસિંહજીના હાથે આ ઘટના ઘટી છે. આપની સલાહ માટે જ તેઓ પ્રતીક્ષા કરી રહ્યાં છે.”

“કૃષ્ણસિંહજી, રાજકુમારને લઈને હમણાં જ મને મળો. આ સમસ્યા શીગ્રાતિશીઘ્ર ઉકેલવી પડશે.”

મહારાણા ચિંતાગ્રસ્ત બનીને આમથી તેમ આંટા મારતા હતા. તેઓ ચિંતાથી ઘેરાયા હતા.

રાજકુમાર અમરસિંહ સલુબરાધિપતિ પાછળ મંદ પગલે ચાલ્યા આવતા હતા. વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. પિતાજીનો ઠપકો સાંભળવો પડશે એવી અપેક્ષા સાથે જ તેઓ આવ્યા હતા.

“યુવરાજ, તે બેગમોને બંદી બનાવી.”

“હા પિતાજી, પરિસ્થિતિમાં બીજો ઉપાય ન હતો. તેઓને અતિથિ તરીકે લાવ્યા છીએ.” અવાજમાં ક્ષુબ્ધતા હતી.

“અમર, તું જાણે છે, આપણો જંગ કોની સામે છે?

“હા, પિતાજી આપણો જંગ મોગલો સામે છે. અને આ જંગમાં સેનાનાયક મહંમદખાન સાથે મેં જીવસટોસટનો જંગ ખેલ્યો છે એ મારા હાથે હણાયો.”

“કુંવર, તારી વીરતા તારા ખમીર, તારી ભાવના પર મને રજમાત્ર આશંકા નથી. પરંતુ... ક્ષત્રિયો સ્ત્રી-સમ્માનની ભાવનાને સર્વોચ્ચ ગણે છે. જે જાતિ સ્ત્રી-સમ્માન ભૂલી જાય છે અને તેમને પરેશાન કરે છે તેનું પતન અવશ્ય થાય છે.”

“મહારાણાજી, બેગમો અને બાંદીઓ આપણાં ઘોર શત્રુ અકબરશાહના ભાઇ, ગુજરાતના સૂબેદર, આપણી સામે જ અજમેરથી લડત આપનાર સેનાપતિ રહીમખાનની છે. શું આપણે આ બંદીઓનો રાજનીતિમાં ઉપયોગ ન કરી શકીએ?” કાલુસિંહ બોલ્યો.

આવા ગંભીર પ્રસંગે પણ મહારાણા હસી પડ્યા.

“રાજનીતિ અને નીતિની પણ ભેદરેખા છે, રાજવીઓની રાજનીતિ તમને ન સમજાય.”

ક્ષત્રિયો સ્ત્રીઓને કદી પણ બાનમાં રાખતા નથી. કારણ કે, સૈનિક અને ડાકૂમાં એજ મોટો તફાવત છે.

“પરંતુ આપણાં હજારો સૈનિકોના પરિવારોની સેનાપતિ શાહબાઝખાનના હાથે તબાહી થઈ છે. રહેમતખાને સ્ત્રી, બાળકો અને ઘરડાંઓને છોડ્યા નથી. મહારાણાજી, દુશ્મનોએ કાલુસિંહના પરિવારને સ્ત્રી બાળક સાથે, નિઃશસ્ત્ર હોવા છતાં રહેંસી નાખ્યા હતા, એ શુ રાજનીતિ હતી? આ માત્ર વિચારણીય ચર્ચા છે. આપની આજ્ઞા પ્રમાણે બેગમોની વયવસ્થા કરવાની જ વિચારણાથી અમો તેમને વિનંતી કરી અહીં લાવ્યા છીએ.”

“સામ્રાજ્યવાદીઓની રણનીતિ અને સ્વાતંત્ર્યઘેલાંઓની રણનીતિમાં આજ મોટો તફાવત છે. સામ્રાજ્યવાદીઓ સામ્રાજ્યની પકડ જમાવવા માટે સાધનશુદ્ધિની પરવા કરતાં નથી, જ્યારે સ્વાતંત્ર્યઘેલાંઓ માટે સાધનશુદ્ધિ પોતાના ધ્યેયનો પાયો છે.

“તો પછી દુશ્મનના મર્મ પર ઘા કરનાર પ્રત્યેક કાર્ય યોગ્ય ગણી શકાય.”

“છતાં સ્ત્રીનું શીલ મોતી જેવું હોય છે. મોતી વિંધાય તો નકામું થાય. સ્ત્રીના શીલની ચર્ચા થાય એટલે એને માટે મૃત્યુ સમ વેદના થાય બીજું આપણે સ્રીસમ્માન્ન કરીએ છીએ એ જગતે જાણવું પણ જોઇએ અને રહીમખાન સેનાપતિ વિદ્વાન પણ છે. કવિ અને સજ્જન પણ છે, એની બેગમોને બંદી ન બનાવાય.

“કુંવર, પરનારીને હાથ પણ ન લગાડાય. યુદ્ધનું મેદાન હોય તોયે શું નારીની આમાન્યા જળવાવી જ જોઇએ.”

“બાપુ, મેં કોઇપણ બેગમને હાથ સુદ્ધાં લગાડ્યો નથી.”

“અમર, હું માનું છું. સૂર્યવંશી યુવરાજની વાત સત્ય જ હોય. પરંતુ લોકોશું કહે? નારીના જીવનને રફેદફે કરવા તેના શીલ પર માત્ર એક ડાઘ બસ થઈ પડે છે. માટે શીઘ્ર બેગમોને માન સહિત એમના મુકામે પહોંચાડો.”

“પિતાજી, આપના આદેશના પાલન અર્થે હું સ્વયં પ્રસ્થાન કરીશ.” અમરસિંહ ચાલ્યો ગયો.

યુદ્ધના મેદાનમાં તમારી ઢાલ ટૂટી જાય તો શું તમે છાતીમા ઘા ખાળવા પીઠ બતાવશો? અફાટ સાગરમાં , વિશાળ જળરાશીમાં નાવિકની નાવ ડોલે ત્યારે નાનકડું તણખલું શું તમને બચાવશે? માટે ક્ષત્રિયવીરો સાચી રણનીતિને તજતા નથી.

મેવાડની ભૂમિમાં દગાબાજીનું યુદ્ધ આપણે ન ખેલીએ, આપણા સૈનિકોને મારો સંદેશો છે કે, કોઇપણ અબળાને ક્યારેય સતાવે નહિ. આપણું યુદ્ધ યવનો સાથે છે. યવન સ્ત્રીઓ સાથે નહિ. નાસીજતા શિયાળનો સિંહ કદી શિકાર કરતો નથી. ભગવાન એકલિંગજી જીવનમાંથી એક મોટી અપકીર્તિ ટળી ગઈ.

*                *               *                 *

આ બાજુ રહીમખાનને સમાચાર મળ્યા કે, બશેપુરની છાવણી લૂંટાઇ ગઈ. સેનાનાયક મહંમદખાન માર્યો ગયો. બેગમો કેદ થઈને મહારાણાના નિવાસસ્થાને લઈ જવામાં આવી છે.

એમના મુખપર કોઇએ જરાયે ઉચાટ ન જોયો.

મિર્ઝા બોલ્યા, “કોઇ ચિંતા કરશો નહિ. બેગમો થોડા સમયમાં પાછી ફરશે. મેવાડના મહારાણાની અક્ષયકીર્તિ પર મને યકીન છે.

અને એનો પડઘો પડતો હોય તેમ બેગમોનો રસાલો શાહીસેનામાં આવી ગયો.

બેગમ રહીમખાનને મળતા બોલી,

“મહારાણા કોઇ આદમી નહિ, દેવતા હૈ, ઉસસે જંગ કરના બેકાર હૈ.”

*                *               *                  *

આગ્રામાં આ સમગ્ર બનાવની ચર્ચા થઈ ત્યારે પ્રત્યાઘાતી અબુલફઝલે મહારાણાની મહાનતાનો કશોય ઉલ્લેખ કર્યા વગર આ બનાવને ન ગણ્ય ગણતા માત્ર એટલું જ કહ્યું, ‘બિચારો ખાનખાનાન એક આપત્તિમાંથી ઉગરી ગયો.’

અકબર હસ્યા. આવો માણસ જ મોગલોનો ઇતિહાસ લખે તો અકબર મહાન બને.