Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 110 અને 111

(૧૧૦) ચાવંડની જીત

મહારાણાએ પોતાના સૈન્યને ‘છપ્પન ક્ષેત્ર’ તરફ દોર્યુ. આ છપ્પન ક્ષેત્રમાં મીણા લોકો વસતા હતા. આખાયે પ્રદેશ પર રાઠોડ જાતિના રાજપૂતોનો અધિકાર હતો. પ્રદેશના નામ પરથી આ પ્રદેશના રાઠોડ છપ્પનિયા રાઠોડ કહેવાતા. આ સમગ્ર પ્રદેશ સરહદનો પહાડી પ્રદેશ હતો. મહારાણાએ તો સરહદના પહાડી પ્રદેશમાંથી મોગલોના પ્રભાવને નિર્મુલ કરવાનો નિર્ણય કર્યો હતો.

અહીં મીણા જાતિની પ્રજા હતી અને રાઠોડો જમીનદાર હતા. આખાયે પહાડી વિસ્તારમાં રાઠોડ જમીનદારો છવાઈ ગયા હતા. આથી એમનો પ્રજાપર પુષ્કળ ત્રાસ હતો.

મહારાણા ઉદયસિંહના સમયમાં એમના દમન વિષે ઉહાપોહ થયો હતો. પરંતુએ અરસા દરમિયાન મહારાણાને મેડતા તથા અજમેરમાં હાજીખાઁ પઠાણ સાથે રંગરાય પાતર( નર્તકી) ના વિષયે સંઘર્ષમાં ઉતરવું પડ્યું. જોધપુરના રાજા માલદેવ હાજીખાઁને સહાય આપી એટલે યુદ્ધ લંબાયું અને ત્યારબાદ ઇ.સ. ૧૫૫૬ પછી રાજકીય ક્ષેત્રે ફરી મોગલાઇનો પ્રવેશ થયો. મહારાણાની આ જુલ્મીઓને સજા આપવાની મુરાદ મનમાં જ રહી ગઈ. તેઓ ઇ.સ.૧૫૭૨ માં સ્વર્ગે સિધાવ્યા.

મહારાણા પ્રતાપે જાણ્યું કે, હાલમાં આ રાઠોડોનો નાયક લૂણો ચાવંડિયો છે. ચાવંડ ગામનો એ નિવાસી છે. ત્રાસ ગુજારવામાં પાછી પાની કરતો નથી. આ પ્રદેશમાં રાઠોડોની મોટી મોટી જાગીરો છે પરંતુ તેઓ મીણાંઓને ધોળે દહાડે લૂંટે છે.

મહારાણા પ્રતાપે સર્વ પ્રથમ ચાવંડ જીતી લીધું. મીણાં લોકોએ મેવાડીસેનાનો ઓવારણા લીધા. મહારાણાજીએ જુલ્મીઓને આ પ્રદેશમાંથી તગેડી મૂક્યા.  જેઓ પ્રજા સાથે સારી રીતે વર્તવા તૈયાર થયા તેમને માફી આપી.

ચાવંડ મહારાણાને અત્યંત ગમી ગયું. એમણે તુર્ત જ નિર્ણય કરી લીધો કે, મેવાડની રાજધાની ચાવંડમાં જ રહેવી જોઇએ. આ વિચાર તેઓએ તરત જ અમલમાં મૂક્યો. તુરત જ શિલ્પીઓને ઠેર ઠેર આમંત્રણ પાઠવવામાં આવ્યા. અને ભવ્ય રાજમહેલો તૈયાર થતાં પોતાના રણવાસ સાથે એમણે નિવાસ કર્યો. આ ઉપરાંત ચાવંડમાં મંદિરો, શિવાલયો અને સેનાનાયકોના નિવાસસ્થાનોની રચના થઈ. એક વિશાળ તળાવ, અશ્વ શાળા, હાથીખાનું, શસ્ત્રાગાર વગેરે ઇમારતો ઉપર ઇમારતો ચાવંડમાં તૈયાર થવા લાગી. થોડાં જ સમયમાં ચાવંડ રમણીય નગર બની ગયું.

હવે ચામુંડા માતાનું નયનરમ્ય મંદિર શરૂ થયું. અને પ્રતાપે એ પૂર્ણ કરાવ્યું.

પોતાના કુંટુંબ, પરિવાર તથા અન્ય સિસોદિયા પરિવારો સાથે પ્રતાપે ચાવંડને હવે પોતાની રાજધાની બનાવી.

આમ, ચાવંડ મેવાડની ચોથી રાજધાનીનું નગર બન્યું. ચિત્તોડ , ઉદયપુર, કુંભલમેર, ચાવંડ.

(૧૧૧) પ્રાથીરાજ અને ચંપાદે

કવિ પ્રાથીરાજ રાઠોડ ચંપાદે અને કિરણવતી જેવી પદિમની જીવન સંગિનીઓ સાથે પોતાનો સમાય વ્યતીત કરતા હતા.

સવારનો સમય હતો. સૂર્યદેવતાના કિરણો ધરતીને હૂંફ આપી રહ્યાં હતા. ચારે બાજુ વસંતૠતુની બહાર ખીલી ઉઠી હતી.

મોગલ સલ્તનતની રાજધાની આગ્રામાં કવિરાજ પ્રીથિરાજના નિવાસસ્થાને કાવ્યાનંદનો ફુવારો વહેતો હતો. કવિરાજ સ્નાન કરીને સુંદર, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરીને દર્પણ સામે ઉભાં રહ્યાં.

નાગની ફેણ જેવા, કાળા ભમ્મર, વાંકડિયા વાળોની જુલ્ફોમાં એક શ્વેત વાળ કવિની દ્રષ્ટિએ પડ્યો. શીઘ્ર એને દૂર કરવા હાથ માથે નાંખ્યો ત્યાં તો દર્પણમાં પાછળની છાયા પર તેમની દ્રષ્ટિ ગઈ.

સદ્યઃસ્નાતા ચંપાદે મંદ મંદ મુસ્કાન સાથે ઉભી હતી. દાડમની કળી જેવી એની દંતાવળી ચમકતી હતી. પોતે જેનાથી જે છુપાવવા માંગતા હતા. એનાં જ દ્રષ્ટિમાં એ સપડાઇ ગયા. એથી કવિરાજ ક્ષણભર તો ક્ષોભિત થયા પરંતુ તરત એમણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો. તરત આ પ્રસંગ પર એમણે દોહો રચીને ઉચ્ચાર્યો.

પીથલ ધોલાં સાવિયાં,  બહુલી લગ્ગી ખોડ,

કામણ મત્ત મયન્દ, જર્યુ ઉભી મુખ મરોડ

[હે પીથલ, વાળ સફેદ થઈ ગયા છે, બહુ દોષ લાગ્યો છે. મદમસ્ત હાથિણીની કામિની મુખ મરડી રહી છે.]

ચંપાદે એ પ્રથિરાજના સ્કંધે પોતાનો જમણો હસ્ત મૂક્યો. હસી અને નમ્રતાથી કાવ્યમાં જ જવાબ આપતા બોલી.

હલ તો ધૂના ધોરિયા, પંથ જ ગગ્ધાઁ પાવ,

નર્રા, તુર્રા ઔર વનફલાં પક્કા પક્કા સાવ.

(હળ ચલાવવામાં સક્ષમ તો સમર્થ બળદ જ હોય છે. પ્રૌઢ પુરૂષો જ માર્ગ કાપી જાણે એ જ રીતે નરો, ઘોડ અને ફળોમાં પણ પાક્યા પછી જ  રસ ઉત્પન્ન થાય છે.)

પુરૂષ, સિંહ અને દિગંબર પરિપક્વ અવસ્થાએ પહોંચ્યા પછી જ કામ લાગે છે.

 પ્રીથિરાજ અને ચંપાદે એક મન, દો બદન જેવા દંપતી હતા. એમનાં પ્રેમની સરિતા વહે જતી હતી.

ગુજરાતમાં ઇ.સ. ૧૫૮૪ માં બળવો થયો. જુના સુલતાન મુઝફરશાહે બગાવત કરી. બાદશાહ અકબરના દુધભાઇ અઝીઝ કોકાને સહાય કરવા અબ્દુલ રહીમ ખાનખાનાન , શાહીસેના સાથે ગુજરાત મોકલવામાં આવ્યા.

આ શાહીસેનામાં બિકાનેરના રાજા રાયસિંહ પણ હતા. અને તેઓની સાથે તેમના અનુજ કવિ પ્રીથિરાજ પણ હતા.

આ બગાવતને સખત રીતે દાબી દેવામાં આવી. પરંતુ સમય ઘણો વ્યતીત થયો.

રાજધાનીમાં ચંપાદે દીર્ઘ વિરહથી પુષ્કળ પરેશાન થઈ ગઈ. વિરહની વેદના તેને અતિશય પીડવા લાગી. આગ્રાના વિલાસમય વાતાવરણમાં પ્રિય વિયોગમાં દિવસો અને મહીના પસાર કરવા કઠિન લાગતા હતા. અંતે વિરહના દિવસો પણ પસાર થયા.

શાહીસેના વિજયના નશામાં ઉન્માદી થઈ, રાજધાનીમાં પાછી ફરી. કવિ પણ પોતાના નિવાસસ્થાને આવ્યા. ભાવવિભોર ચંપાદે બોલી,

બહુદીહાઁ હૂઁ બલ્લહો, આયો મન્દિર અજ્જ,

કઁવલ દેખ કુમ્હલાઇયો, કહો સ કેહઈ કજ્જ

ચુણે ચુગાએ ચંચ ભરિ, ગએ નિલજ્જજે ઠગ્ગ

કાચા સર દરિયાવ દિલ, આઇ જ બૈઠે વગ્ગં.

બહુ દિવસો પછી પ્રિયતમ આજે મહેલમાં પધાર્યા છે. કહો જોઇએ કયા કારણે મારૂં મુખકમળ જોઇને આપનું વંદન કરમાઈ ગયું છે. (અને પછી એનો ઉત્તર પોતાની જાતે જ આપતા કહે છે.) નફફટ કાગડાં, મારાં શરીરનું માંસ લઈ લઈને ચાલ્યા ગયા છે. હવે તો કાયા રૂપી નદીએ તથા દિલરૂપી સમુદ્ર પર બગલા આવીને બેઠા છે.

ચંપાદને પોતાની જાત પર ગુસ્સે થતી જોઇને કવિ ખિન્ન થયા. આવા વિરહાગ્નિમાં જ લાલાઁદે એ પ્રાણ તજ્યા હતા. ચંપાદેને સંત્વના આપતાં તે બોલ્યા.

જઁહ પરમલ તહઁ તુચ્છ દળ, જહઁ દળ તહઁ નહિં ગંધ

ચંપા કેરા તીન ગુણ, સબલ સરૂપ, સુગંધ

જ્યાં પરિમલ હોય છે ત્યાં દળ બહુ તુચ્છ હોય છે. જ્યાં દળ હોય છે ત્યાં ગંધ નથી હોતી. કિંતુ ચંપા, ચંપાદેમાં તો ત્રણેય ગુણો વિધમાન છે. સરળતા સુંદરતા અને સૌરભ.

ચંપાદેને જીવન અને શ્વેત વાળની વિગત જ્ઞાનીની ઢબે સમજાવતા કવિએ કહ્યું.

કાયા બિહર ન પેખ ધન મુઁધ મ કરિ અજુ રાવ

પાર્તા, પુરખાં, વનફલાં દહૈ ત્રિહુ પક્કા સાવ

અવર સહુ ધવલી ભલો, નિખરો પલી નરાઁહ

તિણથી કામણયુઁ ડરૈ(ળ્યું) દીઠે કગ્ગ સરહિ

(કાયારૂપી ધન સ્થિર નથી રહેતું, હે મુગ્ધા, તેથી ઉપેક્ષા ન કર. પાંદડા, પુરૂષ અને વનનાં ફળ, ત્રણે પાક્યા પછી જ રસ આપે છે. આમ બીજી બધી જગ્યાએ શ્વેત ઉત્તમ હોય છે. પુરતુ પુરૂષના શ્વેત વાળ ઠીક લાગતા નથી. એનાથી કામિની એવી ડરે  છે જાણે કાગડો તીરથી ડરે છે.)

ચંપાદે રાજપૂત રમણી હતી. પતિભક્ત સ્ત્રી હતી. પતિનો પ્રેમ મેળવીને તે કૃતાર્થ બની. તે કવિના ચરણોમાં પડી. “થારો પ્રેમ સો મારી બડી દોલત.”