૩૨
નવાનવા રંગ!
યુદ્ધની ઘોષણાએ છાવણીમાં અવનવા રંગ પ્રગટાવવા માંડ્યા. કુમારપાલને પોતાના બળમાં દ્રઢ વિશ્વાસ હતો. સૈન્યમાં અને સામંતોમા કૃષ્ણદેવના મૃત્યુને લીધે છાનોછાનો વિરોધ હતો. પણ એની અસિધારાએ તમામને શાંત રાખ્યા હતા. પણ જયારે અર્ણોરાજનું પ્રબળ સૈન્ય પાસે હોવાના સમાચાર આવ્યા ત્યારે ગુપ્ત મંત્રણાની હવા છાવણીમા ઊભી થતી જણાઈ. બંને સૈન્યો વચ્ચે રાતના વખતે સાંઢણીસવારોની અવરજવર વધી ગઈ. ગોવિંદરાજે ફરીને પણ ચેતતા રહેવાનો શબ્દ મોકલ્યો. એ પોતે જુદ્ધ વખતે પોતાનો રંગ બતાવવાનો. પણ કુમારપાલને ખાતરી થઇ ગઈ કે પોતે ચારે તરફ ફેલાયેલી અસંતોષની અગ્નિજ્વાળા વચ્ચે જ ઊભો હતો. સંકટ આવવાનું છે એ જાણતાં એનો રણોત્સાહ વધો ગયો. એકલા હાથે સૈન્યનાં સૈન્ય કેમ ઊભાં રાખી દેવાય એનાં એને સ્વપ્ન આવવા માંડ્યા. અવનવી જુક્તિઓ એણે શોધવા માંડી. જુદ્ધ પોતાના એકના આધારે લડવું પડે તો એમ, પણ હવે જલદી લડી લેવાની એણે તૈયારી માંડી.
એવામાં સમાચાર મળ્યા – ગજરાજ ‘દેવમંગલ’ સેનથી વીંટાઈને રણમેદાનમા ઊતરવાનો. એ હસ્તીરાજ વજ્જરના દુર્ગ સમો ગણાતો. એ ઊતરે ત્યારે જુદ્ધ પૂરું થાય, એવી દ્રઢ માન્યતા સાંભરવાસીઓની હતી. એ ગજરાજ એવો બળવાન ગણાતો. કુમારતિલક એને દોરી રહ્યો હતો. એના ઉપર આનક પોતે જુદ્ધમાં આવવાનો હતો. આ સમાચાર આવ્યા અને શાકંભરીની સેના આગળ ધસતી આવતી હતી એ ખબર પણ મળ્યા. એનાં હયદળ, નરદળ ને ગજદળની તોલે કોઈ સેના ઊભી રહે તેમ ન હતી. આનકરાજની સેંકડોની ગજસેનાને કુમાર તિલકે પોતે જ રણજુદ્ધમા ગોઠવી હતી.
સોલંકી સેનામાં એક સનસનાટી ફેલાઈ ગઈ. ગુપ્ત અસંતોષે હવે વિરોધનું દગાખોરીનું રૂપ ધારણ કરવા માંડ્યું. કુમારપાલની દ્રષ્ટિ એ તમામ હિલચાલોને શાંત રીતે માપી રહી હતી. ઉદયન જાણે જાણતો ન હોય તેમ વર્તતો હતો. કદાચ છેલ્લી ઘડીએ, વિક્રમ જેવું ડહાપણ સામંતો બતાવે, તો આ જુદ્ધ પૂરતો એમનો લાભ લઇ લેવાની એની વેતરણ હતી. પછી એકમેકને છિન્નભિન્ન કરતાં કોણ રોકવાનું હતું? એ ભવિષ્યની યોજના ભવિષ્યમાં.
પણ કુમારપાલે પોતાનો કોઈક નિર્ણય લઇ લીધેલો જણાયો. એણે વાગ્ભટ્ટને બોલાવ્યો: ‘વાગ્ભટ્ટ! આપણે એક મુકામ દૂર રહ્યા. હવે અર્ણોરાજને પ્રત્યુત્તર મોકલવો. સાંઢણી સવારને અત્યારે જ મોકલો. તમે પ્રત્યુત્તર લાવો. વસ્ત્રલેખ તૈયાર કરાવી લઈએ. એ લઈને ભીમસિંહ પોતે જશે.
બે પળમાં વાગ્ભટ્ટ પ્રત્યુત્તર લખીને મહારાજ પાસે આવ્યો:
अये भेक! च्छेको भव भवतु ते कूपकुहरं
शरणं दुर्मत: किमु रटसि वाचाट! कटुकम।
पुर: सर्पो दर्पी विषमविषफुत्कारवदनो
ललज्जिह्ग्नो धावत्यहह भवतो जिग्रसिषया।।
(રે દેડકા! આવું કડવું શું બોલ્યા કરે છે? કોઈ કૂવાની બખોલમાં તારું શરણું શોધી લે. વિષજ્વાલા ફેલાવતો ભયંકર સર્પરાજ તને ગ્રહણ કરવા આ દોડ્યો આવે છે.)
વસ્ત્રલેખ તૈયાર થયો. ભીમસિંહને બોલાવવા સંદેશો મોકલ્યો. એટલામાં બહાર કાંઈક કોલાહલ થાતો મહારાજે સાંભળ્યો. તેઓ પળભર થોભી ગયા.
‘શું છે વાગ્ભટ્ટ? આ કોલાહલ શાનો? એટલામાં આગળ એક વિચિત્ર જેવો માણસ, એની પાછળ શ્યામલ મહાવત પોતે, અને એક-બે બીજા સૈનિકો અને એમને બધાને લઈને અંદર આવતો ભીમસિંહ દેખાયો. કુમારપાલે વાગ્ભટ્ટ જતો હતો તેને થોભવાની નિશાની કરી. ‘કાંઈક નવીન રંગ ઊભો થયો કે શું? વાગ્ભટ્ટ શું છે તે સાંભળતા જાઓ!’
‘ભીમસિંહ! શું છે? કોણ છે આ? શી વાત છે, શ્યામલ? આ માણસ કોણ છે?’ મહારાજે પૂછ્યું.
શ્યામલે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! આ માણસ ગુપ્તચર જેવો જણાય છે. કાલ રાતનો વેશપલટો કરીને કલહપંચાનનના સ્થાન પાસે જ એ ફર્યા કરે છે. એને કાંઈક જાણવું છે. શું જાણવું છે એ કહેતો નથી. એ કોણ છે એ પણ ખબર નથી! ચૌલિંગે આંહીં મહારાજ પાસે લાવવાનું કહ્યું ને હું લાવ્યો!’
‘એમ? પણ એ છે કોણ?’
કુમારપાલે આવનારને તીક્ષ્ણ દ્રષ્ટિથી માપવા માંડ્યો. એના ચહેરામાં એને કાંઈક પરિચિત લાગ્યું. એની આંખો પળભર જે જોતી હોય તે માનતી ન હોય તેમ પહોળી થઇ ગઈ: ‘અરે! કોણ છે, ભીમસિંહ? કોઈકને – કાકભટ્ટને બોલાવવા મોકલો. તો! આ માણસ એમને સોંપી દઈએ. લાગે છે કોઈ મહાધૂર્ત! શ્યામલ તું તારે નિરાંતે જા. તારે કામ છે. હવે એ આંહીં સકંજામા પડ્યો છે! તું પણ જા ભીમસિંહ! આને તારી પાસે રાખજે! બહાર થોભો હમણાં...’
બધા બહાર ગયા. કુમારપાલે વાગ્ભટ્ટ સામે જોયું. એને પણ આશ્ચર્ય થયું હતું. એ મહારાજ પાસે સર્યો: ‘મહારાજ! ત્રિલોચન તો નહિ?’
‘મને પણ એવો લાગ્યો. વાગ્ભટ્ટ! એટલે તો શ્યામલને રવાના કર્યો. હમણાં કાકભટ્ટ આવશે એટલે ખબર. ત્રિલોચન આ બાજુ આવ્યાની કાંઈક વાત એ કરતો હતો ખરો. પણ તો-તો ત્યાગભટ્ટને આપણે ત્યાંની તસુએ તસુ માહિતી મેળવવી લાગે છે. જોકે કાકે તો ત્રિલોચન વિશે બીજી જ વાત કરી હતી!
‘શી?’
‘એ તો આપણને કાંઈક ખબર આપવા આવવાનો હતો.’
‘પણ પ્રભુ! હવે આ અવનવા ઊલટાસૂલટા સમાચારમાં કોનું કેટલું માનવું એ અટપટો પ્રશ્ન થતો જાય છે. ગોવિંદરાજ સમાચાર આપે છે, એમાં પણ કેટલા સાચા ને કેટલા ખોટા? કોને ખબર? ખબર માત્ર રણભૂમિમાં જ પડે.’
‘એટલે જ. વાગ્ભટ્ટ! આપણે ઝાઝું ખરડાય તે પહેલાં હવે જુદ્ધ કરી નાખવું છે. જુદ્ધ જીતનાર દગો નહિ, સાવચેતી હોય છે. આપણે એ રાખો બરાબર ને આગળ જ વધી જઈએ હવે.’
‘થોભવામાં હાનિ છે. રાહ જોવામાં હાનિ છે. જોવામાં માર ખાવાનો છે. કાકભટ્ટ આવી જાય, પછી નક્કી કરી લઈએ, આ ત્રિલોચનનું પણ!’
થોડી વારમાં કાક દેખાયો. એની સાથે ઉદયન મંત્રીશ્વર પણ આવતો જણાયો. શાકંભરીનો કોઈક મહારાજની શિબિર પાસે જ પકડાયાના સમાચાર એને મળ્યા હતા, એટલે એ દોડતો આવ્યો હતો. પણ ત્યાં આંહીં તો ઈદમ તૃત્યમ નીકળ્યું. થોડી વારમાં સંતલસ કરી ત્રિલોચનને બોલાવ્યો. ત્રિલોચન એકલો અંદર આવ્યો. એના મોંએ દાઢી ઊગી ગઈ હતી. વાળ જીંથરા જેવા લટકતા હતા. શરીર-લૂગડાંનું ઠેકાણું ન હતું. એના મોંએ પણ જખમ થયા લાગતા હતા. દેખીતી રીતે એને કોઈએ ખૂબ હેરાન કર્યો હોય તેમ જણાતું હતું. ચંદ્રાવતી કેમ વહેલો પહોંચી ન શક્યો, તે વાત કાકને હવે સમજાઈ. તે ત્યાં નીચા મોંએ શાંત ઊભો રહ્યો હતો. પોતાની વાત આ સ્થિતિમાં કોઈ નહિ માને, એની એના મનમાં શંકા જણાતી હતી. એ વાત મનાવવા માટે હવે એણે સ હું કરવું જોઈએ એની એને કાંઈ સમજ પડતી ન હોય તેમ લાગ્યું. એની સાથેનો મલ્હારભટ્ટ ક્યાં ગયો તે કાકને સમજાયું નહિ. તેની સાથે શાંતિથી વાતની શરૂઆત કરી:
‘ત્રિલોચનપાલજી!’
ત્રિલોચન ચમકી ગયો. પોતાને સૌ ઓળખી ગયેલ છે એ જાણીને એની મૂંઝવણ વધી.
‘ચમકતા નહિ, ત્રિલોચનપાલજી!’ કાકે ધીમા આશ્વાસનપૂર્ણ અવાજે કહ્યું, ‘તમે કેશવ સેનાપતિ સાથે હતા, એ અમને ખબર છે. તમારી પાટણભક્તિની વાત સાંભળીને મહારાજ પણ ડોલી ઊઠ્યા છે! પણ બોલો. તમે આંહીં કલહપંચાનનના સ્થળ પાસે શા માટે ફરતા હતા? દગો કરવા? એનો તો પાટણનો દુર્ગપતિ પડછાયો પણ ન લ્યે, એટલે એમ તો ન હોય. શ્યામલે કહેલી વાત સાચી છે? મહારાજને કહેવાનું હોય તે તમે સુખેથી કહો. તમારી આવી અવસ્થા કેમ થઇ? કોણે કરી? ક્યાં થઇ?’
‘માલવામાં.’ ત્રિલોચનપાલે બે હાથ જોડ્યા, ‘મને ને મલ્હારભટ્ટને ગુપ્તચર ગણીને હેરાન કરી પછી છોડ્યા. ચંદ્રાવતીમા મારે મહારાજને મળવાનું હતું!’
‘તે મને ખબર છે.’ કાકે કહ્યું.
ત્રિલોચનપાલ માનતો ન હોય તેમ એની સામે જોઈ રહ્યો.
‘ત્રિલોચનપાલજી! મહારાજને તમે પહેલેથી વાત માંડીને કહો, આપણે જુદ્ધભૂમિમાં છીએ. શંકા-આશંકાનું આ ઘર છે, આપણે તો વખત પણ બહુ થોડો છે. કાલે પ્રભાતે તો જુદ્ધની રણભેરી વાગશે. તમે આંહીંથી સલામતીથી તમારી વાત કહી નાખો!’
ત્રિલોચનપાલને એકદમ કંઈક યાદ આવ્યું. તેણે ચારે તરફ એક શંકા ભરેલી દ્રષ્ટિ નાખી.
‘આંહીં બીજું કોઈ નથી, ત્રિલોચન! તારી વાત કાકભટ્ટે અમને કરી છે!’ કાકભટ્ટે કહ્યું હતું, છતાં આની વાતનું વધારે મહત્વ હતું. એની પાસે તદ્દન સાચી વાત હોવી જોઈએ, એ જો બોલે તો. એટલે મહારાજે શાંત સ્વરે એની વાત જાણવા કહ્યું. ત્રિલોચને બે હાથ જોડ્યા: ‘મહારાજ! હું ચંદ્રાવતી કેમ ન આવી શક્યો એ વાત મેં કરી. કાક ભટ્ટરાજે કહ્યું તેમ, મારે તો સેનાપતિ કેશવનો એક સંદેશો આંહીં પહોંચાડવાનો હતો!’
‘તે વાત પણ થઇ ગઈ છે, ત્રિલોચન! કેશવ સેનાપતિ, એ અમારે માટે તો અદ્ભુત માટીનો માનવી બની ગયો છે, શ્રેષ્ઠ પટ્ટણી થઇ રહ્યો છે. તું બીજું શું જાણે છે?’ કુમારપાલે ત્રિલોચનને ઉત્તેજક સ્વરમાં સવાલ પૂછ્યો.
‘પ્રભુ! કલહપંચાનન પર ચૌલિંગ હશે અને...’ ત્રિલોચને એ સાશંક ભયદ્રષ્ટિ ચારે તરફ નાખી. કુમારપાલ સમજી ગયો. ત્રિલોચન પહેલાનાં વાતાવરણને તજી શકતો ન હતો. રખડપટ્ટી માણસને કેવો વિચિત્ર બનાવી શકે છે તેનો મહારાજને જાતઅનુભવ હતો. ઉદયન વગેરે પોતાના વિરોધી છે એ વાત તેના મગજમાંથી જાણે હજી ખસતી ન હતી. કુમારપાલે ચારે તરફ દ્રષ્ટિ કરી ધીમેથી કહ્યું:
‘વાગ્ભટ્ટજી! મંત્રીશ્વર!’
તરત જ સૌ સમજી ગયા. પ્રણામ કરીને તરત બહાર નીકળી ગયા ને ત્યાં દ્વાર પાસે થોભ્યા. રાજા ને ત્રિલોચન બે જ રહ્યા: ‘બોલો, ત્રિલોચનપાલજી! હવે કહો.’
ત્રિલોચને વાત માંડી.
થોડી વાર એમ ને એમ વીતી ગઈ. એટલામાં અચાનક કુમારપાલનો મોટો અવાજ સાંભળતાં બહાર સૌ ધ્રૂજી ઊઠ્યા. અંદરથી મહારાજનો રૌદ્ર અવાજ આવતો હતો:
‘ભીમસિંહ!’
ભીમસિંહ એકદમ અંદર દોડ્યો. સૌને દગાની શંકા પડી ગઈ. કાકનું મોં લેવાઈ ગયું. ભીમસિંહની પાછળ જ એ પણ દોડ્યો. ‘બોલાવો શ્યામલ મહાવતને!’ કુમારપાલ ત્રાડ પાડીને બોલી રહ્યો હતો, ‘આ માણસ મહાદગાખોર લાગે છે! એણે નજરકેદમા રાખવો! જોજો ભાગે નહિ! ક્યાં છે ચૌલિંગ? ચૌલિંગે ઠીક એને શોધી કાઢ્યો. એની સામે, એ દેખે તેમ આને વૃક્ષ સાથે બાંધવો. જોજો ત્યાંથી બીજે ફરકે નહિ! આપણા વિશ્વાસુઓને એ નિંદે છે. એ અંદરઅંદર ભેદ પડાવવા આવ્યો જણાય છે. બાંધી રાખો આને. લઈ જાઓ!’
કોઈ કાંઈ સમજ્યું લાગ્યું નહિ.
ત્રિલોચનને એક પળમાં જ સૈનિકો ઉપાડી ગયા. ભીમસિંહ એમને પહોંચાડવા સાથે ઊપડ્યો. કુમારપાલની સામે સૌ જોઈ રહ્યા હતા. શું થયું હતું તે કાંઈ સમજાયું નહિ.
તેઓ ગયા કે કાકભટ્ટ એકદમ મહારાજનાં ચરણે પડવા જતો હતો. એને થયું કે દગાખોરીમાંથી મહારાજ પોતાની સાવધાની વડે જ ઊગરી ગયા હતા. એણે ત્રિલોચનનો વિશ્વાસ પ્રેર્યો હતો એટલે એ ઝાંખો પડી ગયો હતો. પણ ત્યાં તો કુમારપાલે જ એનો હાથ પકડી લીધો: ‘કાકભટ્ટ! એ નાટક હવે રહેવા દ્યો. બીજું મોટું નાટક આવી રહ્યું છે. આણે પણ ચૌલિંગની, તમે કહી હતી, એ જ વાત કરી!’
‘પણ, પ્રભુ! ત્યારે... આને બંધાવવો...’
કુમારપાલે ઉદયન સામે જોયું: ‘મંત્રીશ્વર! આ ભટ્ટરાજને જરા સમજાવો હવે તમે. એ કેશવ સેનાપતિના સ્વાર્પણે છક થઇ ગયા છે. એ તો આપણને પણ અદ્ભુત જણાયું છે. પણ આપણે એક જ જોજન દુશ્મનોથી છેટે પડ્યા છીએ. કાલે પ્રભાતે મહાન જુદ્ધ છે. આજ આ ત્રિલોચન આવ્યો છે એ ખબર પ્રગટ થઇ જાય, તો રાતમાં ને રાતમાં ત્યાગભટ્ટ બીજી ગોઠવણ નહિ કરી નાખે? કાકભટ્ટ આપણે કુમારતિલકને પણ સૂતો પકડવો છે. એ ભલે મનમાં ઘોડા ઘડ્યા કરે કે કલહપંચાનન ઉપર ચૌલિંગ હશે! તો જ એ માનશે કે હવે વાંધો નથી; દ્વન્દ્વજુદ્ધમાં ઊતરીને સામે મોંએ પરાજય આપી શકીશ. ચૌલિંગ એ જ રીતે ગજેન્દ્રને દોરશે, એવો સંકેત એમની વચ્ચે ચોક્કસ થઇ ગયો લાગે છે. આણે એ જ કહ્યું.’
‘હા... એમ છે? આ વાત હતી, એમ?’ કુમારપાલની અદ્ભુત રીતે વાત સાચવી લેવાની શક્તિએ સૌને આશ્ચર્યમાં નાખી દીધા. ઉદયનને લાગ્યું કે કુમારપાલનો અનુબવ એ એનો જ અનુભવ છે બીજાને તો એનું સ્વપ્ન પણ ન આવે.
‘આ ચૌલિંગને પણ આપણે સૂતો જ રાખવો છે, મહેતા! કાલે સવારે પણ નહિ – રણભૂમિ ઉપર પહોંચીએ ત્યારે જ – એના બદલે શ્યામલ આવી જાય. તે પહેલાં તો ઈશારો પણ દેવો નથી. વાતની જરા પણ જાણ થતાં કુમારતિલક ઝપાટાબંધ ચાલ બદલી કાઢે. હવે આપણે એની ચાલ કળી ગયા છીએ, એટલે એ ચાલ બદલે નહિ એ આપણે જોવાનું રહેશે. એટલે જ તો, વાગ્ભટ્ટ! આપણે હવે એ બંનેને દ્વન્દ્વજુદ્ધમા જ આમંત્રો! અને આપણી જુદ્ધની રણપ્રતિજ્ઞા પણ પ્રત્યુત્તર સાથે મોકલો. અમારી આ રણપ્રતિજ્ઞા : એ પ્રતિજ્ઞા સાથે અમે જુદ્ધ આદરીએ છીએ, પછી શું? આવો.’ કુમારપાલના ઉત્સાહી અવાજમાંથી આત્મશ્રદ્ધાનો અજબ રણકો ઊઠી રહ્યો હતો. એની દ્રઢતા વજ્જર સમી નકોર જણાઈ. એમાં ક્યાંય ડગવાની, હઠવાની, હારવાની, આશંકાની વાત જ ન હતી. આ જ પ્રમાણે થશે એવી પ્રતીતિ જાણે એમાં બેઠી હતી. વાગ્ભટ્ટ ને ઉદયન બંને. પુત્રપિતા, એની આ આત્મશ્રદ્ધાથી ડોલી ઊઠ્યા. ‘ત્રિલોચનને અત્યારે સમાવી લીધો હોત, કાકભટ્ટ! તો વાત ફેલાઈ જાત. પરિણામ શું આવત, વિચારો!’ કુમારપાલે પૂછ્યું. વાતનું ઊંડાણ જોઇને કાક ચૂપ જ થઇ ગયો હતો.
‘અને હજી તમારે માટે બીજા સમાચાર છે.’ મહારાજ આગળ વધ્યા: ‘એ પણ આણે આપ્યા એટલે સાચા હશે. માલવામાંથી આવ્યો છે અને તેના સમાચાર ખરા લાગે છે.’ બહાર કોઈક સાંઢણીસવાર જેવાની ઘૂઘરીઓ વાગી: ‘બહાર કોઈ આવ્યો લાગે છે, સાંઢણીસવાર, જુઓ તો, કાં તો એ જ...’
બહાર કોઈની સાંઢણી ઝૂકી પડી હતી. એક સંદેશવાહકને લઈને સૈનિક એકદમ આવી રહ્યો હતો. સંદેશવાહક દેખીતી રીતે રાતદી કરીને આવ્યો જણાતો હતો. તેના હાથમાં એણે તત્કાળ આપવા માટે વસ્ત્રલેખની ભૂંગળી પકડી રાખી હતી. વાગ્ભટ્ટે હાથ લાભો કર્યો.
‘મહારાજને હાથોહાથ આપવાનો હુકમ છે, પ્રભુ!’ સંદેશવાહકે હાથ જોડ્યા.
‘વાગ્ભટ્ટને આપો, હું કહું છું ને! ક્યાંથી – નાંદોલના સૈન્યમાંથી આવ્યા છો?...’ કુમારપાલ બોલ્યો, ‘બીજું કાંઈ મોંએ કહેવરાવ્યું છે?’
‘ના, પ્રભુ!’ સાંઢણીસવારે હાથ જોડ્યા.
‘બહાર થોભો હમણાં.’
તે બહાર ગયો.
‘વાંચો વાગ્ભટ્ટ! મંત્રીશ્વર! વિજય અને કૃષ્ણ પણ ફરી ગયા લાગે છે. માલવામા આપણે મોકલ્યા’તા નાં, આપણા ધારીને? આ સંદેશો એમનો લાગે છે!’
‘હેં? પ્રભુ! વિજય અને કૃષ્ણ! એઓ ફરી ગયા? હોય નહિ!’ ઉદયન ને કાક ચમકી ઊઠ્યા.
‘હોય નહિ શું, છે. પણ આવી વાતને હવે દાટવા માંડો. આખી સંકલના એકસાથે ઊઠવાની હતી એવી યોજના જણાય છે. આપણે એ છિન્નભિન્ન કરી, એટલે આ આગળપાછળ થયું. આ વિક્રમ પહેલો ફૂટ્યો. પણ આપણે પહોંચી ગયા અને વખત ન રહ્યો. હવે કાલ પ્રભાતે કલહપંચાનન ઉપર ચૌલિંગ. એ બીજો... પણ શ્યામલ ત્યાં હશે. કોઈ કારણે ચૌલિંગ નીચે ઊતરશે જ, એ થઇ રહેશે, પણ એ જેવો નીચે ઊતરે કે જાણે કાંકરીને પાણી ગળી જાય, તેમ ઝડપી પાંચ સાંઢણી એને અદ્રશ્ય જ કરી દે, એવી આકરી તૈયારી રખાવો મહેતા! એણે ખેંચી જાઓ સૈન્યના પાછલા ભાગમાં કે ગમે ત્યાં. ને કરી દ્યો પાછો પાટણભેગો. પણ જોજો, આપણને ને અવાજને વેર છે હો! આપણે અવાજ ન જોઈએ, માત્ર કામ જોઈએ અને કાક! તારે પણ ભાગવાનું છે. આજે સૈન્યની આગેકૂચ હવે થશે જ – બરાબર મધરાતે, પ્રભાતે પણ નહિ. ત્યાર પછી તું પાછળ રહી જજે. માલવાનું કેન્દ્ર સાંભળવા તારે પહોંચવું પડશે. તારી સાથે ધારાવર્ષજી આવે. સોમેશ્વરજી પણ આવે. ઈલદુર્ગનું સૈન્ય આગળ ધપાવીને બલ્લાલને એકદમ રોકી પાડો. નાંદોલના સૈન્યનો હવે ભરોસો નહિ. વૌસરિને ભૃગુકચ્છ એક સંદેશો મોકલો. એ નાંદોલ પહોંચી જાય. બલ્લાલને એની ગુફામાં જ રોકી પાડો. તું બસો’ક ઘોડેસવાર લઈને જા. બીજા ઊભા કરતો રહેજે. ઈલદુર્ગમાં તો સૈન્ય પડ્યું છે. આ કામમાં હવે પડી જાઓ – બીજી આડીઅવળી અત્યારે જવા દ્યો.’
એટલામાં વાગ્ભટ્ટે સંદેશો વાંચીને હાથ જોડ્યા: ‘પ્રભુ! આમાં એજ છે. બંને ફૂટ્યા લાગે છે.’
‘એ તો એમ જ હોય! આ સમાચાર માટે તો પેલાને ઝાડ સાથે બાંધવો પડ્યો. ચાલો, એ પણ ઠીક વહેલા ફૂટ્યા! ત્યારે ભલે આ ત્રિલોચન વેઠે, કાકભટ્ટ! પછી એણે પાટણના દુર્ગ સાથે પ્રેમથી બાંધી લેવો છે! અને વાગ્ભટ્ટ! મેં કહ્યું તે પ્રમાણે, જુદ્ધની પ્રતિજ્ઞાના વસ્ત્રલેખમાં પેલું લખી નખાવો.’ કુમારપાલની ત્વરિત નિશ્ચયાત્મક દ્રઢબુદ્ધિ પૂર્ણરૂપમાં કામ કરવા પ્રગટી નીકળી લાગી. તે ઝડપી નિર્ણય કરતો હતો, ક્ષણમાં સામાની ચાલ કહી દેતો હતો. સંકટ આવે છે એ જોતાં જ એનું અનુભવી આત્મબળ પોતાની કસોટીને પાર કરી નાખવા, જાણે ઉદ્યુક્ત થઇ ગયું હતું.
‘શું, પ્રભુ! શું લખવાનું છે?’ ઉદયનને એના અતિ સાહસની શંકા હતી.
‘મહેતા! તમને ખબર છે, આપણે આ સૈન્ય લઈને આંહીં આવ્યા છીએ પણ આ બધી ઘટના એક વસ્તુ બતાવે છે! એમાં કોણ આપણા છે તે આપણે જાણતા નથી: અને કોણ આપણા નથી એ પણ જાણતા નથી. અને હવે તો જાણવાનું પણ મોડું છે. એટલે આપણે આનકને શબ્દ મોકલો: જુદ્ધ દિન ત્રણનું ત્રીજા દિવસે સંધ્યાસમયે ખતમ. દ્વન્દ્વજુદ્ધે કાં તું હારે, કાં હું હાર સ્વીકારું. બળ હોય તો કબૂલ કરી લે! નહિતર હાર કબૂલી લે!’
‘પણ મહારાજ!...’ ઉદયને હાથ જોડ્યા.
‘તે વિના તો, મહેતા! તમે જોતા રહેશો ને એક પછી એક બધાને તજતા જોશો. ચૌલિંગને વશ નહિ કરો, તો એ દગો દેશે... પછી કેલ્હણ દગો દેશે. કૃષ્ણદેવનું તેઓ કાંઈ ભૂલી ગયા હશે, એમ? પછી આ વિક્રમને તમે બાંધીને લાવ્યા છો, પણ એ દગો દેવાનો! હવે તો રસ્તો આ એક જ છે – જુદ્ધે ચડવાનો, લડી લેવાનો, આપણી રીતે લડી કાઢવાનો. બીજો હોય તો તમે બતાવો. તમને જાણતા હો તો તમે બોલો, વાગ્ભટ્ટ! કાકભટ્ટ!’
‘પણ મહારાજ... આ સાહસ ભારે નહિ પડે? વખતે આપણે...’
‘આપણે હારીએ, એમ નાં? મહેતા! તો આપણે રાજ ન કરીએ, બીજું શું થાય? રાજ કરવું ને જોખમ ન ખેડવું, એ રાજનીતિ ક્યાંની? રાજ કરવું ને થાબડભાણાં કરવાં, દુશ્મનને વારંવાર નમતા જવું ને મનાવતા જવું, એ ધંધા રાજ ખોવાના છે, મહેતા! આપણે એ કરવા છે? રાજ કરવું મહારાજ સિદ્ધરાજ જેવાની પછવાડે, એ કાંઈ થોડી ઘારિકા ખાવાની છે? એ તો લોહના ચણા છે! ચાવતાં ન આવડે તો દાંત ભાંગે! માથા સાટે માલ હોય. આખી દુનિયા એ જાણે છે.’
‘પણ કોઈ બીજી જુક્તિ? કોઈ બીજી યોજના?’
‘કહો, તમે – છે કોઈ બીજો રસ્તો? અને સાંભળો, વિચારમાં રહેશો તો આ પણ જશે. અત્યારે અર્ણોરાજ જાણે છે, વિજય એનો છે. આપણી ચાલ એની જાણમાં છે. એની જાણ પ્રમાણે કલહપંચાનન ઉપર ચૌલિંગ છે. કાલે એ આ નહિ સ્વીકારે. કાલે પ્રભાતે તો તમારી વાત કાંઈક પ્રગટ થઇ પણ ગઈ હશે. એટલે કહું છું ઘડિયાજોજન ઝડપી સાંઢણી મોકલો. ભીમસિંહ જેવાને સાથે મોકલો. પ્રત્યુત્તર પણ અત્યારે જ લાવે – અને લઈને જ આવે!’
‘પણ ત્રણ દિવસનું મહારાજ?’ ઉદયન સમજવા પ્રયત્ન કરવા લાગ્યો. એને કુમારપાલનું મનોબળ છક કરે તેવું જણાયું. ગમે તેવા સંકટમા રસ્તો શોધવાની એની પાસે કેમ જાણે મંત્રશક્તિ હોય!
‘ત્રણ દિવસનું જુદ્ધ. અને દ્વન્દ્વજુદ્ધે જે હાર્યો તે હાર્યો. જીત્યો તે જીત્યો. પછી જુદ્ધ નહિ. આપણી આ રણપ્રતિજ્ઞા. ખુલ્લું આહ્વાન – કાં એ ઉપાડી લ્યે, કાં તરણું લ્યે. જેવી એની જોગવાઈ.’
ઉદયન કુમારપાલ સામે જોઈ રહ્યો. પોતાના દ્રઢ આત્મવિશ્વાસથી કુમારપાલની મુખમુદ્રા તેજભરી બની ગઈ હતી. તે ઉદયન પાસે આવ્યો: તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘મહેતા! તમારો પ્રેમ હું જાણું છું. પણ જેણે આપણને હરપળે આ સિંહાસન માટે જાળવ્યા છે, એ જ આપણને દોરી રહેલ છે. વિજય આપણો છે. વ્યાઘ્રરાજને તમે આબુમાં દીઠો નહિ?’
‘હા. એનું શું છે, પ્રભુ?’
‘આપણે કોઈ મંદિરમહાલય જોવા જઈએ. ત્યારે હણવા માટે આનકે એને મોકલેલ હતો. વિક્રમને ત્યાં એટલા માટે એ રહ્યો હતો. એ આહીં આપણી ભેગો છે. એ બિચારો ચંદ્રાવતીમા તક શોધીશોધીને થાકી ગયો અને તક સાંપડી જ નહિ. એને એમ છે કે આપણને એની જાણ નથી. પણ એ એકએકનો હિસાબ પતાવીને જ પછી આપણે સ્થિર થઈશું. માટે વાગ્ભટ્ટને વસ્ત્રલેખ મોકલવા દ્યો!’
ઉદયન આશ્ચર્યચકિત થઇ ગયો. કુમારપાલને કોઈ દોરી રહ્યું હોય એમ એને લાગ્યું. એણે વાગ્ભટ્ટને કહ્યું: ‘મહારાજને દોરનાર કોઈ જુદું જ છે. મહારાજ પાસે છે તે આપણી કોઈ પાસે નથી. એમની પાસે પોતાના સામર્થ્યની પ્રતીતિ છે. વાગ્ભટ્ટ! મહારાજ કહે તેમ કરો. એ વાત બરાબર છે.’
વાગ્ભટ્ટે જુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બને, આહ્વાનને આનક સ્વીકારે તેમ વસ્ત્રલેખ તૈયાર કરવા માંડ્યો.
મધરાતે જ્યારે સૈન્યની કૂચ શરુ થઇ ત્યારે અનેકના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પ્રભાતની કૂચની વાત જ ઊડી ગઈ હતી. મહારાજ કુમારપાલ પોતે કલહપંચાનન ઉપર હતા, સૈન્યના મોખરે હતા. એમની એક પડખે વાગ્ભટ્ટ હતો, બીજી બાજુ મંત્રીશ્વર ઉદયન હતો.
વિજયપ્રસ્થાનના ભેરિનાદ સાથે સૈન્ય મધરાતના અંધારામા સેંકડો દીપિકાના પ્રકાશે આગળ વધ્યું.