Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 27

૨૭

કાકભટ્ટને સોંપાયેલું કામ

ગોવિંદરાજ શાકંભરી તરફ ઊપડી ગયો. બીજા દિવસથી પાટણનગરીનો દેખાવ પણ ફરી ગયો. આવી રહેલા જુદ્ધની વાતો ઠેરઠેર થવા માંડી. પોળેપોળે જુદ્ધનો રંગ દેખાવા માંડ્યો. સૈનિકોની હિલચાલ વધી ગઈ. ફેરફાર થવા માંડ્યા. આનકરાજ ઉપર પાટણને જવું પડે કે આનકરાજ પાટણ ઉપર આવે, પણ જુદ્ધ અનિવાર્ય હતું એ વસ્તુ સૌને સમજાઈ ગઈ હતી. મંત્રીમંડળની ચિંતા વધી. કુમારપાલનું રાજ્યારોહણ રહેશે કે જશે, એવો મહત્વનો પ્રશ્ન આમાંથી ઊભો થતો હતો. ત્યાગભટ્ટ પણ હજી પ્રયત્નમાં જ હતો, એટલે આ જુદ્ધઘોષણામાં કૃષ્ણદેવનું વસ્તુ તદ્દન ભુલાઈ ગયું. રાજ્યારોહણ-મહોત્સવ પણ વિસરાઈ ગયો. રાજપાટિકાની વાત પણ વિસારે પડી. કોઈ અચાનક ઘા કરી ન જાય, એની સંભાળમાં સૌ પડી ગયા. યુદ્ધ માટે પાટણને કુમારપાલે તૈયાર કરવા માંડ્યું.

પણ પાટણમાં ને પાટણની બહાર એક વર્ગ એવો અસ્તિત્વમાં હતો, જે કોઈ રીતે ગેરવ્યવસ્થા ઊભી થાય, તો એમાંથી પોતાનું કામ કાઢી લેવા માગતો હતો. કૃષ્ણદેવનું વસ્તુ એક કામ કરી ગયું. તાત્કાલિક તમામ વર્ગ ચેતી ગયો. કુમારપાલની સત્તાને હવે પડકાર કરવો એ મૃત્યુને નોતરવા જેવું હતું, પણ છાનીછાની તૈયારીઓ તો ચાલતી જ રહી.

કુમારપાલ પણ એ સમજતો હતો. એ સાવચેત હતો. પાટણમાંથી પોતે બહાર ખસે, તો પાટણમા ગેરવ્યવસ્થા થાય એવી આ વર્ગની ગણતરી હતી. કૃષ્ણદેવના બનાવે નડૂલના ચૌહાણોને ઉશ્કેર્યા હતા. આનકને એ વાત ફાવી જાય તેવું હતું. માલવાનો બલ્લાલ તો આગળ વધવા ધમપછાડા કરી જ રહ્યો હતો. એટલે શાકંભરી ને માલવા બંને એકીવખતે જો પાટણને દબાવતા આવે તો ભાગતાં ભોં ભારે પડે તેવું હતું. મહારાજ મૂલરાજનો કિસ્સો ઊભો થાય એવી પરિસ્થિતિ જણાતી હતી. આ પરિસ્થિતિમા કુમારપાલે હવે તાત્કાલિક પગલું જ લેવાનું હતું. માલવા-શાકંભરી બંને ભેગાં થઇ જાય તે પહેલાં દરેકને જુદાંજુદાં છિન્નભિન્ન કરી નાખવા જોઈએ. એણે પોતાનો નિશ્ચય કરી લીધો. 

તરત જ યુદ્ધમંત્રણા માટે સૌને બોલાવ્યા. તમામ વિશ્વાસુ માણસોને ભેગા કર્યા. બધાનાં મનમાં આવી પાડનારું યુદ્ધ બેઠું હતું. માલવા ને શાકંભરી તો ફરી બેઠા હતાં. અને એટલામાં નવા ખબર આવ્યા હતા કે અર્બુદમંડળનો વિક્રમ પણ હવે તો આ વખતે ફરી જ બેસવાનો! કોવિદાસ ને ધાર પરમાર પણ એ વાત એક વખત આપી ગયા હતા. પણ પછી કુમારપાલની યોજનામાં એ એમ ને એમ રહી ગઈ હતી. એટલે આ સમાચારે સૌને અકળાવી મૂક્યા.

ચંદ્રાવતીનું ભૌગોલિક મહત્વ તો અદ્વિતીય હતું. એ ધારે તો શાકંભરી જનારા પાટણના સૈન્યને પીઠનો ઘા મારી બેસે. અને માલવાને પાટણ ઉપર છૂટથી જવા દઈ શકે. અને એ ધારે તો આ બંનેને હંફાવવાની પાટણને શક્તિ પણ આપી શકે. એટલે વિક્રમનું ઊંડાણ તરત માપી લેવાની જરૂર હતી. એના ઉપર જ યુદ્ધનો આધાર હતો એમ કહેવાય. એનો એક સંદેશવાહક આવ્યો હતો – મહારાજ કુમારપાલને ચંદ્રાવતી પધારવાનું આમંત્રણ આપવા. વિક્રમે ત્યાં મહોત્સવ માંડ્યો હતો. આરસી મહાલયની કોઈ અદ્બભુત કારીગરી ઊભી થઇ રહી હતી અને એ પ્રસંગે નૃત્ય આપવા માટે નીલમણિ ઊપડી પણ ગઈ હતી. 

પણ આ સમાચારથી ઉદયનની ઊંઘ ઊડી ગઈ. એને લાગ્યું કે કહો ન કહો, પણ કોઈક ભયંકર યોજના ઊભી થઇ છે ને એમાં આ બધાં – નડૂલ, શાકંભરી, અવંતી, અર્બુદમંડળ – જોડાયેલાં છે. પાટણ માટે અર્બુદમંડલનું મહત્વ અત્યારે તો જીવાદોરી સમાન હતું, એટલે વિક્રમને કોઈ રીતે અપ્રસન્ન રાખવો એટલે વાઘની બોડમાં જવા જેવું હતું. એને પહેલાં માપી લેવાની જરૂર હતી. પણ એ કોણ કરે? ઉદયનની નજરે સૌથી મહત્વની આ વાત હતી. કુમારપાલને પણ આ જ વાત સૌથી પહેલી કરવા જેવી લાગી હતી. વિક્રમનું મન જાણ્યા પછી જ આનક ઉપર જવાય, તે પહેલાં નહિ. 

પરમાર ધારાવર્ષ દેવ અને કોવિદાસજી બંને આવ્યા હતા જ એટલા માટે – ન્યાય લેવા. પણ એ વખતે પાટણનું તંત્ર ગોઠવાતું જતું હતું, એટલે તેઓ ચાલ્યા ગયા. પણ આજે એજ પ્રશ્ન પાછો ફરીને આવીને ઊભો રહે તો? જે ન્યાય, મહારાજ સિદ્ધરાજ પાસે તેઓ માગવા આવ્યા હતા તે જ ન્યાય હવે માગશે તો? ધાર પરમારના જનક યશોધવલ પરમાર ખરા અર્બુદપતિ હોવા જોઈએ, એનો હક હતો. પણ વિક્રમને આડો ફાટવા દેવો અત્યારે પોસાશે?

અટપટી રાજનીતિનો પણ અત્યંત અટપટો પ્રશ્ન કુમારપાલે ઊભો થતો જોયો. તે મનમાં હસ્યો: ‘વિધિને મારા જેવો કોઈ મળવાનો નથી અને મને આ વિધિ જેવું કોઈ મળવાનું નથી!’ તે વિચાર કરી રહ્યો. અત્યારે જુદ્ધમંત્રણા માટે એણે બધાને નોતર્યા હતા. એક પછી એક બધા આવવા માંડ્યા હતા.

કુમારપાલે પોતાના તમામ સહાય કરનારાઓને પણ બોલાવ્યા હતા. વૌસરિ, આલિંગ, સજ્જન, ભીમસિંહ – બધા આવ્યા હતા. સૌના મોં ઉપર ગંભીર મંત્રણાની ચિંતા હતી. ‘યુદ્ધ આવી રહ્યું છે એટલે મેં સૌને બોલાવ્યા છે.’ કુમારપાલે એમને કહ્યું, ‘હકીકત તમને ઉદયન મહેતા હમણાં કહેશે. પણ તે પહેલાં એક વાત કરી લઉં. જેવો રાજપદનો જીવનમરણનો પ્રશ્ન હતો એવો જ આ આનકનો લેખજો. દેવલ આવી છે, તે સૌને કહેશે ત્યારે વધારે ખબર પડશે. પાટણ રહેશે કે એને બલ્લાલ, આનક, વિક્રમ ને બધા વહેંચી લેશે એવી ગંભીર આ વાત છે. જય સોમનાથના નામે સૌ તૈયાર થઇ જજો. આપણે પ્રયાણ કરવાને પણ હવે બહુ ઝાઝા દિવસ નથી!’

‘મહારાજે તમને કહ્યું તે પ્રમાણે છે.’ ઉદયન બોલ્યો, ‘આપણે આ અત્યારે ભેગા થયા. તે સિવાય ક્યાંય કેટલો વિશ્વાસ રખાય તે વાત અંધકારમય છે. પહેલાં મહારાજ આંહીંનું થાળે પાડે, પછી આગળ વધે. કાકભટ્ટ! માલવાના બલ્લાલ સામે કોણ જાય છે? બોલો, જશો તમે?’ 

‘હું? ત્યાં તો વિજય અને કૃષ્ણ બે ગયા છે!’

‘વિજય અને કૃષ્ણ નાંદીપુર (નાંદોલ) છે, કાકભટ્ટ!’ કુમારપાલે કહ્યું. ‘અને તેઓ હમણાં ત્યાં જ રહેવાના છે. બલ્લાલ સામે કાકભટ્ટ સિવાય બીજો જાય ને ફાવે એ વાતમાં મને વિશ્વાસ પણ નથી. તમારું લાટનું દંડનાયકપદ વૌસરિ સંભાળશે. ભૃગુકચ્છને એ જાણે છે ને ભૃગુકચ્છ એને જાણે છે. આનક સામે પાટણ ગયું હોય ને વિક્રમ ફસકે તો  બલ્લાલ સીધો ચંદ્રાવતીના રસ્તેથી જ પાટણ ઉપર આવે. એમની આ રમત હોવી જોઈએ. એટલે તમારા સિવાય બીજો કોઈ એ સ્થાને હશે, તો માર ખાઈ બેસશે.  જુઓ, કાકભટ્ટજી! આપણે માથે કામ પાર વિનાનાં તોળાઈ રહ્યાં છે. આપણે બલ્લાલને વશ કરવો છે, આનકને હરાવવો છે, વિક્રમને માપવો છે ને ત્યાગભટ્ટને જોખી લેવો છે. આ તમામ કામગીરીનો કેન્દ્રભાર તમારા ઉપર છે. તમારે આજ રાત્રે પ્રયાણ કરવાનું છે. બોલો, મારી નજરે બીજો કોઈ ચડતો નથી.’

‘પણ, મહારાજ, ક્યાં હું અને ક્યાં આ ભાર! હું એ ઉપાડી શકીશ?’

‘બીજો કોઈ મને તો દેખાતો નથી. તમે બતાવો, કાકભટ્ટરાજ!’ કુમારપાલ બોલ્યો, ‘મહાઅમાત્યજી તો આંહીં રહેવાના. આંહીંનું પડ પણ રેઢું નહિ રખાય. ઉદયન મહેતા ને વાગ્ભટ્ટ અમારી સાથે આવવાના – આનકની સામે, પણ તમે ત્યાં પહોંચીને વિક્રમના સમાચાર આપ્યો ત્યાર પછી જા આંહીં થી અમે ખસી શકીએ એવું છે. તમે આજ ચંદ્રાવતી ઊપડો!’

‘અને જુઓ, કાકભટ્ટ! ધારાવર્ષદેવ આંહીં આવ્યા હતા, કોવિદાસ પણ આવ્યા હતા, એ બંને તમને જાણે છે. એમને યશોધવલજીને ન્યાય આપવાનો છે. રાજગાદીવારસ યશોધવલજી છે. રામસિંહ મર્યા, ત્યારે વિક્રમને નાનો ભાઈ જાણીને રાજય સોંપ્યું એટલું જ. પણ અત્યારે એ પ્રશ્નમાં પડવું નથી. એ પછી થઇ રહેશે. અત્યારે તો આપણે વિક્રમના મનનું ખરું માપ કાઢવું છે – એ કેટલામાં છે. આહીંથી નીલમણિ ત્યાં ગઈ છે. એ પણ તમારે જોવાનું છે. ત્યાગભટ્ટ વખતે ત્યાં જ હશે. એટલે ચંદ્રાવતી અત્યારે પાટણને ઉડાડવાનું શસ્ત્રાગાર બન્યું છે. તમે ત્યાં જાઓ – સંભાળીને જજો, એટલું કહેવાનું છે. બોલો, ક્યારે ઊપડશો?’ ઉદયને પ્રશ્ન કર્યો. 

કાકભટ્ટને લાગ્યું, ભૃગુકચ્છ છોડ્યા વિના છૂટકો નથી. પણ એના અંતરાત્માને એક સંતોષ હતો – મહારાજે એનું મૂલ્ય જાણ્યું હતું. તેણે વૌસરિ સામે જોયું: ‘ભટ્ટરાજ, આ લ્યો ત્યારે... મારે તૈયારી માટે ઊપડવું પડશે...’ કાકે દુર્ગની કૂંચી, ભૃગુકચ્છની મુદ્રા અને અધિકારપત્ર એને સોંપવા માટે સામે ધર્યા.

કુમારપાલને કાકની આ રાજભક્તિએ પિગળાવી દીધો. તે પોતે ઊભો થઇ એની પાસે આવ્યો, એના ખભે હાથ મૂક્યો: ‘કાકભટ્ટજી! તમે માલવાની તસુએ તસુ ભૂમિ જાણો છે. તમારા સિવાય આ કામ બીજાને હું ન સોંપું. કાં તમે. કાં  હું કરું, ત્રીજો કોઈ મારી નજરમાં નથી. પણ તમને જીવતા વાઘની બોડમાં મોકલું છું. વિક્રમ વાઘ જેવો છે – એટલો ચપળ, એવો બુદ્ધિમાન, એટલો ઉગ્ર, એવો જ ઝડપી, એવો જ દગાખોર! એની સામે બીજો કોઈ ટકશે નહિ, જતાં પહેલાં મને મળી જજો. ત્યાગભટ્ટને પણ વિક્રમ કરતાં ઓછો જાણતા નહિ. એના ગજેન્દ્ર વિશે જાણ્યા વિના તો અંધારામાં ભૂસકો મારવા જેવું થાય. તેમ આવો કે તમારા તરફથી સંદેશો મળે, ત્યાર પછી જ અમે આંહીંથી ઊપડીશું.’

મંત્રણા તરત આગળ વધી. પાટણમાં તૈયારીની યોજના થઇ ગઈ. મહારાજનો પ્રયાણકાલ પછી નક્કી થવાનો હોત, પણ ઠેરઠેરથી સૈનિકો, માણસો, સાંઢણી સવારો. ગજરાજો, ઘોડેસવારો ભેગા કરવા એક ઝડપી કાસદને મોકલવાનું નક્કી થયું. 

યુદ્ધની તત્કાલ તૈયારી કરવાનો નિર્ણય તો લેવાઈ ગયો હતો.