Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 25

૨૫

દેવલ આવી!

કૃષ્ણદેવના સમાચારે રાતભર પાટણને આશ્ચર્યમાં રાખું. રાજસવારી નિયમ પ્રમાણે નીકળી. સેંકડો ને હજારો માણસો ત્યાં જોવા માટે ઊભા હતા. કલહપંચાનન દેખાયો અને આશ્ચર્યનું આશ્ચર્ય થયું! કૃષ્ણદેવ ત્યાં હતો નહિ! મહારાજ કુમારપાલ હતા – અને કુમારપાલની પડખે કોણ હતું?

કુમારપાલની પડખે છત્ર નીચે એક નમણી બાઈ બેઠી હતી. રાજવૈભવી ગર્વનો છાંટો પણ એના ચહેરા ઉપર નજરે પડતો ન હતો. અધિકારનું તેજ પણ ત્યાં ન હતું. કોઈ સશક્ત પ્રતાપી ચહેરાની છાયા પણ એનામાંથી ઊઠતી ન હતી. પહેલી નજરે આવી સાદી સરળ પણ નમણી બાઈ, કોઈને માતા જેવી કે ધાત્રી જેવી લાગે એ રાણી ભોપલદેવી, ગુર્જરેશ્વર કુમારપાલની પત્ની હતી. પણ આવી સાદી-સીધી લગતી રાણી ભોપલદેવીની આંખમાં એક પ્રકારની મોહક મીઠાશ હતી. ગમે તેવાં દુઃખમા પણ એ નજર આધાર આપી દે, એવી અજબ મધુરતા ત્યાં હતી. એક વખત એને જોનારો એ નજરને કડી ભૂલી જ ન શકે! રાણીમાં મોટામાં મોટું આકર્ષણ એની આ ચંદન જેવી શીતલ છાયાનજરનું હતું. એની આંખ, ચહેરો, હાથ, નજર, બોલ – બધામાંથી આ એક જ વસ્તુ ઊભી થતી હતી અત્યારે પણ. એ હોદ્દામાં રાજરાણીના વૈભવી વેશમાં છતાં, જાણે મહારાજ કુમારપાલને ખભે હાથ મૂકીને, ‘મહારાજ! કેમ ભૂલો છો? આ વખત પણ કેટલા દી?’ એમ દુઃખી સમયનો દિલાસો દેતી હોય તેમ બેઠી હતી. એણે ત્રીસ-ત્રીસ વરસ મહારાજ કુમારપાલની પડખે છાયાની પેઠે ગાળ્યાં હતાં. એ ભાગ્યો તો સાથે ભાગી હતી. એને સંતાવું પડ્યું ત્યારે સંતાઈ ગઈ હતી. એને રખડવું પડ્યું તો પોતે રખડી હતી. એણે કુમારપાલને ફરીફરીને એક વેણ કહ્યું હતું: ‘મહારાજ, દરેક વસ્તુનો અંત છે, દુઃખનો પણ!’

અત્યારે એ રાણી ભોપલદેને ત્યાં છત્ર નીચે જોઇને લોકના જયનાદે ઘેલછાભરેલો ઉત્સાહ પ્રગટ કર્યો: ‘મહારાજ કુમારપાલનો જય! મહારાણી ભોપલદેનો જય!’

ભોપલદેએ પાટણની આવી આ મેદની પહેલી જ વખત જોઈ હતી. તેની મીઠી નજર બધે ફરી રહી હતી. એટલામાં દૂરદૂર ઉતાવળે દોડ્યા આવતા કોઈ ઓઢીને એણે જોયો. એની ઘડિયાંજોજન રૂપાળી સાંઢણીએ એનું ધ્યાન ખેંચ્યું. એવા આકર્ષણી વેગથી એ આવી રહી હતું. કૃષ્ણદેવ ઉપર પડેલાં ઘાવની વાત હજી હવામાં તાજી હતી. રાણીને એ સાંભર્યું – નડૂલનો તો કોઈ ન હોય? કે સીમાંત સંદેશો લાવનાર કોઈ ન હોય?

તેણે મહારાજના ખભે ધીમેથી હાથ મૂક્યો: ‘મહારાજ! પેલી જમીનમાં રેખા જેવી દેખાય છે, કોઈની સાંઢણી – ગજબની ગતિવાળી લાગે છે.

‘તો-તો આનકની હોય, દે! એના સિવાય કોઈ પાસે આવી સાંઢણી જાણી નથી. ઉદયન મહેતા ક્યાં છે?’

ઉદયન ત્યાં પાસે જ હતો. તેનું ધ્યાન પણ આવી ધમધમાટ વહી આવતી ઘોડાપૂર જેવી સાંઢણી એ રોક્યું હતું: ‘મહારાજ! હું હમણાં આવ્યો. કોણ છે એ તપાસ કરાવું. કાકભટ્ટ જ જશે. અગત્યના સમાચાર હશે તો હમણાં લઈને આવું છું.’

રાજપાટિકા પાછા ફરવાનો ઘોષ અપાયો. સવારી ત્યાંથી પાછી ફરી. કુમારપાલ આતુરતાથી રાહ જોતો મંત્રણાગૃહમાં બેઠો હતો. એના મનમાં અનેક તર્કવિતર્ક આવી ગયા. કૃષ્ણદેવનો ઘાત થવાથી એક શેહ બધે વ્યાપી ગઈ. પણ એ મૌન દગા કરતાં પણ વધારે ભયંકર જણાતું હતું. હજી અનેકોનાં મન નડૂલના કૃષ્ણદેવ તરફ રહ્યાં હતાં. અને નડૂલનો યુવરાજ ક્લ્હણ આ વેરનો બદલો લેશે, એ વાત પણ વહેતી થઇ ગઈ હતી. 

એટલે આ ઓઢી કોણ  હોઈ શકે એની સૌને ચટપટી થતી હતી. એટલામાં કુમારપાલે આગંતુકોને જોયાં ને એ ચમકી ઊઠ્યો. મોખરે દેવલ આવી રહી હતી. દેવલ આંહીં ક્યાંથી? કદાચ પ્રેમલના સંદેશાએ એને આંહીં આણી હોય. કુમારપાલ એનાં કડવાં વેણ સાંભળવા તૈયાર થઇ ગયો. પ્રેમલને જીવતો રંડાપો મળ્યો, એ વિશે એને પણ કાંઈ ઓછું લાગ્યું ન હોય, ને આવી હોય. પણ તો વાત પવનવેગે રેલાઈ ગઈ હતી. તે આશ્ચર્યથી જોઈ રહ્યો. 

એટલામાં દેવલદેવી આગળ, એની પાછળ એક શસ્ત્રધારી સામંત, ઉદયન, કાક સહુ આવી રહ્યાં હતાં.

‘મહારાજ! આ તો ભારે થઇ છે! આમને ઓળખ્યા? આ ગોવિંદરાજ! શાકંભરીના જમણા હાથ છે. દેવલબાને મૂકવા આવ્યા છે!’

‘હા...એમ? દેવલ! બેન! તું આંહીં આવ મારી પાસે. કેટલાં વર્ષે તું મળી! ઓહોહો! શું કરે છે આનકરાજજી? ત્યાં તારે સાસરે છે તો સૌ મજામાં નાં? કેમ આમ દુઃખી લાગે છે?’ 

‘ભાઈ! હું તો તમારે આશરે આવી છું!’ દેવલ ગદગદ થઇ ગઈ હતી. 

‘આશરો ભગવાન સોમનાથનો. એમ શું બોલે છે? આશરો શું ને વાત શી? પાટણ જેટલું મારું છે તેટલું તારું છે. પણ તું આમ નંખાઈ કેમ ગઈ છો? શું થયું છે તને?’

‘મહારાજ!’ ગોવિંદરાજે આગળ આવીને નમન કર્યું. ‘હું દેવલબાને મૂકવા આવ્યો છું.’

‘તે તો  ઉદયન મહેતાએ કહ્યું. બીજું કાંઈ? કહેવરાવ્યું છે કાંઈ આનકરાજે?’

‘કહેવરાવ્યું તો છે, પ્રભુ!’

‘શું?’

‘દેવલબા વાત કરશે, મહારાજ!’ ઉદયને અચાનક જ કહ્યું, ‘ગોવિંદરાજજી થાક્યા પણ છે. ઝપાટાબંધ રાતમાં એમણે પંથ કાપ્યો છે.’

‘કોણ રણભદ્રી હતી?’

‘ના, પ્રભુ! એનું બચ્ચું લીધેલ છે – જુદ્ધભદ્રી.’

‘સાંઢણી તો એ એક અદ્ભુત નીવડી છે હો! ઘડિયાજોજન ખરા અર્થમાં એણે કાપ્યા. આ પણ એવી લાગે છે. તમે ત્યારે ઉતારા-પાણી કરો, કાકભટ્ટ! જુઓ ભૈ! એમની મહેમાનીમાં ખામી આવે નહિ. સાંજે પછી તમારે વાત કરવી હોય તે કહેજો. કાલ તો છો નાં?’

‘ના પ્રભુ! પાછલી રાતે નીકળી જવું છે.’

‘અરે હોય કાંઈ? ઉદયન મહેતા...’

‘એ તો, પ્રભુ, હવે આપણે રજા આપીશું ત્યારે જાશે નાં? કાકભટ્ટ, તમે ગોવિંદરાજજી સાથે જાઓ.’

ગોવિંદરાજજીએ દેવલદેવીને બે હાથ જોડી પ્રણામ કર્યા.

‘હા, પછી મળજો હો...’ દેવલે શાંત ઉપેક્ષાથી કહ્યું. ગોવિંદરાજ કાક સાથે ગયો. એટલામાં અંદરના ખંડમા એક નાનકડી રૂપાળી છોકરી દેખાણી. તેણે પડદો જરાક ખેસવ્યો: ‘એ ફૈબા!’ બોલીને એ તરત અદ્રશ્ય થઇ ગઈ. 

‘અરે! લીલુ, તું આંહીં?’

‘દે આવેલ છે ને, દેવલ! જા ને અંદર, તારી રાહ જોવાતી હશે...’

દેવલદેવી અંદર ગઈ, રાજા ને મંત્રી બે જ રહ્યા. ઉદયને ચારે તરફ દ્રષ્ટિ કરી: ‘મહારાજ! આ તો ભારે થઇ છે! આપણા ઉપર જુદ્ધ આવ્યું છે!”

‘યુદ્ધ આવ્યું છે? શું છે, મહેતા?’

‘મહારાજ, દેવલબા તો આનકરાજ સાથે ચડભડીને આવ્યાં છે.’

‘એ છે જ એવો – જડ જેવો.’

‘પણ દેવલબાને ન કહેવાનું કહ્યું. કહ્યું કે તારું કુળ તો વારાંગનાનું છે નાં?’

‘હા!’

‘પછી દેવલબાથી ન રહેવાયું. કહીને આવ્યાં છે કે હવે આવીશ તો શાકંભરી-વિજેતાની બહેન તરીકે!’

‘બહુ સારું કર્યું. આપણે વહેલે-મોડે આનક સાથે આથડ્યા વિના છૂટકો જ ન હતો. આ વાત વહેલી પતી જશે. કાલથી જ તૈયારી કરાવો. આ ગોવિંદરાજ છો આજે જતો.’

‘પણ, મહારાજ! એને જવા નથી દેવો.’

‘ત્યારે? આંહીં રાખી દેવો છે? અરે! એમ તે વિશ્વાસભંગ થાય? આપણી અપકીર્તિનો ધજાગરો ચડે!’

ઉદયને બે હાથ જોડ્યા: ‘એમ નહિ, મહારાજ! આંહીં આપણે ત્યાં આનકને ત્યાં, વિક્રમને ત્યાં ને બલ્લાલને ત્યાં – બધે હવે ઐન્દ્રજાલિક જુદ્ધરચના ચાલે છે. આપણે એમાં પાછળ રહ્યા તો, મહારાજ! રહી જશું. એટલે આપણે આ ગોવિંદને સાધી લેવો છે. મહારાજે એક વેણ આપવું પડશે. 

‘શું?’ 

‘રાજ સોમેશ્વરને મળે, ત્યારે ગોવિંદરાજ ત્યાં કર્તા ને હર્તા!’

‘હા... મહેતા! તમારી એ વાત તો બરાબર છે. એ રસ્તો સાચો. મહાદેવને તો બિચારાને આ સ્વપ્ન પણ નથી આવતું. સારું છે. એને આ ખબર નથી. પણ જોજો, એ આપણને બનાવી જાય નહિ. એણે પડખું આનકનું સેવ્યું છે!’

‘ને આપણે ક્યાં જયદેવ મહારાજ જેવાનું નથી સેવ્યું? આંહીંની શાંતિ પણ હજી ભેદી શાંતિ છે, એ આપણાથી ક્યાં અજાણ્યું છે? હવે પાછા નવા દાવ શરુ થયા છે. એમાં જે ફાવે તે. પણ બધાને ઠામ કરી દીધા વિના આપણે ઠરી ઠામ થવાના નથી!’

‘ગોવિંદરાજ કાલ જાય. આંહીં છે ત્યાં એનો દાણો દાબી લેજો. અને આપણે આપણું જુદ્ધતંત્ર ગોઠવવાનું. કોઈ આપણને નિરાંતે રહેવા દે તેમ લાગતું નથી. માલ્વનો બલ્લાલ તો આગળ વધે જ છે. સાંજે સમાચાર આજ આવ્યા બતાવું.’

ઉદયન ઊભો થયો. રજા લીધી. ત્યાંથી પરબારો એણે કુબેરરાજ શ્રેષ્ઠીને ત્યાં જતો જોઇને ઘણાને આશ્ચર્ય થયું. 

પણ સૌને ખબર હતી કે હીરા-માણેક-મોટી શ્રેષ્ઠીને ત્યાં હતાં. અને ઉદયનને જાતઅનુભવથી ખબર હતી કે મારવાડને આનો મોહ વધુ. ગોવિંદરાજ મારવાડી ક્યાં નો’તા?