Featured Books
શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 21

૨૧

કૃષ્ણદેવનો ગર્વ

એમ કહેવાય છે કે વિજયા કરતા વિજય ભયંકર છે. વિજયાનો નશો બે પળ સ્વપ્ન-સ્વર્ગ દેખાડે, જ્યારે વિજયનો નશો તો  બે જ પળમાં, સ્વપ્નમાં ન હોય એવું નરક બતાવે. વિજયાનું પાન કરીને માણસ ભાન ભૂલે, પણ વિજયને તો જોતાં જ ભાન ભૂલે. વિજયાને તજી દે એટલે માણસ સો ટકાનો; વિજયને તજી દે એટલે બે બદામનો. વિજયાના, ભગવાન શંકરને નામે પણ માણસ બે છાંટા નાખે; પણ વિજયને તો પોતાની જાત સિવાય બીજું કોઈ દેખાય જ નહિ ને!

કૃષ્ણદેવને જ્યારે રાજસભાના અંતે પોતાના વિજયનું ભાન થયું અને એનું અર્ધુંપર્ધુ ભાન તો ત્યારે જ ઊડી ગયું. થોડુંક બચી ગયું હતું તે ઉદયન મંત્રીના મીઠા વેણે ઉડાડી મૂક્યું. 

એણે મીઠો ટહુકો મૂક્યો: ‘પ્રભુ! હવે રાજા ભલે કુમારપાલદેવજી રહ્યા, સત્તાધીશ તો તમે જ છો! તમારે એ રીતે રહેવું એટલે બસ!’

ઉદયનની આ વાણી કૃષ્ણદેવને ગમી ગઈ. પછી તો એને થયું કે એ હોય નહિ ને કુમારપાલ ગાદી મેળવે નહિ! એણે હાલતાં-ચાલતાં એ વાત કહેવા માંડી. સાંભળનારાએ મીઠું-મરચું નાખીને એને વહેતી કરી. વાર્તા મનમાં રહે તો મોજ આપે, બે જણા પાસે રહે તો રસ પે, ચાલે એટલે વિનાશ આપે. કૃષ્ણદેવની વાતને પગ આવ્યા. એ દોડવા માંડી. 

એનામાં વળી એક બીજી ઔર ખુમારી હતી. એક વખત નહિ, પણ હજાર વખત સામાને કહી બતાવે ત્યારે એણે લાગે કે આજે એણે ઘારિકા ખાધી! ત્યાં સુધી તો એનું પેટ ખાલી જ ખાલી!

પણ કૃષ્ણદેવને તો આમ અભિષેક પૂરો થયો ને આમ અભિમાનનો કાંટો ઊગ્યો, એવું થયું હતું.

અભિષેક-મહોત્સવ પૂરો થયો અને મહારાજ કુમારપાલના જયઘોષનો દિગંતવ્યાપી નાદ રાજમહાલયના મેદાનની મેદનીમાંથી ઊઠ્યો. 

‘કલહપંચાનન’ રણગજરાજ આજે કાંઈ અદ્ભુત દર્શન બતાવતો ત્યાં મહારાજની રાહ જોતો ઊભો હતો. મહારાજને સત્કારતી એની સૂંઢ ઊંચે ગઈ હતી. મહાવતે એણે જરા નીચો વાળ્યો. આગલા પગ લાંબા નમ્યા.

કલાપક પડખે મુકાયું. કૃષ્ણદેવ ત્યાં આવતો દેખાયો. એની પાછળ જ મહારાજ કુમારપાલ આવી રહ્યા હતા. સોનારૂપાનાં ફૂલોનો તો હજી પણ વરસાદ વરસતો હતો. કુબેરરાજ શ્રેષ્ઠી દ્રમ્મ ઉછાળતો હતો. 

કુમારપાલ મહારાજે કલાપકની ઉપર પગ મૂક્યો. પડખેથી કૃષ્ણદેવનો અવાજ આવ્યો: ‘પ્રભુ! તમે ન સમજો; મને પહેલો જવા દો!’

કુમારપાલ જરા થંભી ગયો. વખતે કોઈ છળકારણના નિવારણની વાત હોય. એટલામાં તો કૃષ્ણદેવ તો ચટપટ ઉપર ચડી ગયો અને પોતે જ સોનેરી હોદ્દામાં જમણે હાથે પહેલી બેઠક પણ લઇ લીધી. એના માથા ઉપર છત્ર શોભી રહ્યું. મહીપાલ, કીર્તિપાલ ત્યાં ચમર ઢાળતા હતા. પછી કુમારપાલ દેખાયો એટલે મહેરબાનીની રાહે સરતો હોય તેમ એ થોડો આઘો સર્યો: ‘આવો, આવો, મહારાજ! આવો ને આંહીં...’

ઉદયન એ બધું નિહાળી રહ્યો હતો. એને કૃષ્ણદેવનો ગર્વ હમણાં પોષવા જેવો જણાયો. સારું હતું, મહારાણી ભોપલદે હજી દેથળીથી આવ્યાં ન હતાં, નહિતર આ મૂરખની આ વાત અત્યારે જ કઢંગી થઇ જાત. ગજરાજ આગળ વધ્યો. મેદનીમાંથી મહારાજના નામનો ઘોષ ઊઠ્યો, પણ જાણે આશ્ચર્ય ભાળ્યું હોય તેમ બધા જોઈ રહ્યા હતા – છત્ર નીચે મહારાજની સાથે જ કૃષ્ણદેવ બેઠો હતો, એ દ્રશ્ય વળી નવાઈનું હતું. 

મહાઅમાત્ય મહાદેવે એ જોયું. એણે ઉદયન સામે દ્રષ્ટિ કરી. ઉદયને જવાબ ન વળ્યો. એનાં નેણ નીચાં ઢળી ગયા હતાં. એમાંથી બે અર્થ નીકળે – ધીરજનો અર્થ પણ નીકળે, કૃષ્ણદેવના પતનનો અર્થ પણ નીકળે. 

પણ આવી રીતે થયેલી શરૂઆતને કૃષ્ણદેવે તો પતની જીત જ માની લીધી હતી. સત્તાવિહીન રાજાનો એ પોતાને સ્વામી ગણવા લાગ્યો. એ પોતાના વિજયમાં મસ્ત બન્યો. સૈનિકો એનો શબ્દ ઉપાડતા, સામંતો એને માનતા. રજપૂતી રણસુભટો વિના રાજા કેવો, એ હવામાં એ તરતો હતો. એની સાથેના સૌને પણ એ જ હવા સ્પર્શી ગઈ હતી. એના વિના કોઈ ફેરફાર કરી ન શકે. રાજમહાલયમા પણ પોતાનો જ અધિકાર સર્વોપરી ગણવાની પ્રણાલિકા એણે સ્થાપી દીધી. રાજમહાલયના દ્વારે-દ્વારે સશસ્ત્ર ચોકી હતી, એ ચોકીદારોને સીધી કૃષ્ણદેવની આજ્ઞા મળતી. કુમારપાલ પળેપળે સાવધ હતો. એણે ઘણું વેઠ્યું હતું. ઉતાવળમાં એ માનતો નહિ. કૃષ્ણદેવનો ગર્વ અસહ્ય થતો ગયો.