Featured Books
શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 19

૧૯

અભિષેકમહોત્સવ

કુમારપાલ ત્યાં ઊભેલો દ્રષ્ટિએ પડ્યો અને એક સનસનાટીભરેલી અશાંતિની હવા વ્યાપી ગઈ. બીજો કોઈ એની સાથે હતો, એ પણ સ્વપ્નભ્રમ જેવું થઇ ગયું જણાયું! કેશવ તો એણે ત્યાં જોતા જ ચમકી ગયો. એ ક્યાંથી ને શી રીતે આવ્યો એ ત્રિલોચનને સમજાયું નહિ. મલ્હારભટ્ટે એને બર્બરકના પંજામાં ‘એ ગયો’ એવી સ્થિતિમાં નિહાળ્યો હતો, એમાંથી સહીસલામત જોયો અને એ હેબતાઈ ગયો. એક જરાક જ ગણતરીભૂલે એ બચી ગયો લાગ્યો. એની સાથેનો કર્ણાટકમલ્લ અદ્રશ્ય થઇ ગયો હતો અને તે પણ એટલી તો વિદ્યુતઝડપે કે હજી એના હોવા-ન-હોવા વિષે કાંઈ સ્પષ્ટ થઇ શકતું ન હતું, એટલે કુમારપાલ એમાંથી આબાદ નીકળી ગયો હતો. એની શક્તિની પ્રશંસા કરતો મનમાં એ ખીજાઈ રહ્યો. એના મોં ઉપર જાણે કાળી શાહી રેડી ગઈ. એણે આખી પરિસ્થિતિ જ ફરી જતી જણાઈ. 

પણ આ પરિસ્થિતિને કોઈ કાંઈ સમજે, એનો કાંઈ લાભ લે, પ્રશ્ન ઉઠાવે કે બોલે, તે પહેલાં કુમારપાલ આગળ વધતો દેખાયો. રાજસભા આખી હવે એને આવતો નિહાળી રહી હતી. કૃષ્ણદેવને એનો પ્રતાપી વૈભવ રુચ્યો ન હતો. એણે આપવા ધારેલા રાજસત્તાના ખ્યાલ સાથે એ અસંગત હતો. પણ હવે પાછું પગલું ભરવું એને માટે અશક્ય બન્યું હતું.  ઉદયન ત્યાં વ્યાઘ્રના જેવી ચપળતાથી કૃષ્ણદેવની મુખમુદ્રાનો હરેકેહરેક રંગ નિહાળતો બેઠો હતો. એ ડગે કે ફસકે તો ત્વરિત જયજયકાર બોલાવી દેવાની એની તૈયારી હતી. કૃષ્ણદેવને એની થોડીક માહિતી હતી. ગોઠવેલા પૂર્વસંકેત પ્રમાણે ઠેકાણે-ઠેકાણેથી સત્કાર-શબ્દ પ્રગટ થવાનો હતો, એટલે કૃષ્ણદેવે જ આગળ વધતા કુમારપાલનો સત્કાર કર્યો. ઉદયનના હૈયે ધરપત આવી. હવે આંહીં દરેક વસ્તુ ત્વરા માંગી રહી હતી, એનો ખ્યાલ રાખી એ શાંત બેસી રહ્યો. રાજસભા-આખી આ તો કુમારપાલ જ છે એમ જાણીને એણે આવતો જોઈ રહી. એના ઇન્દ્રવૈભવી વેશે કૈંકને વિચારમાં નાખી દીધા હતા એણે મુફલિસ કંગાલ મુસાફર જેવો જોવાની ઘણે આશા રાખી હતી. એ જ્યાં-ત્યાં રખડતો એ સૌને જાણીતી વાત હતી. એવાને રાજ શું ને સત્તા શું, એ જ ખ્યાલ પ્રવર્તી રહ્યો હતો. કૃષ્ણદેવે સત્તાલોલુપોને પણ એ જ વસ્તુ કહી જણાતી હતી. 

પણ આંહીં તો કુમારપાલ પોતાના રાજવેશથી આંજી દેતો દેખાયો. એની જરિયાન મહામૂલ્યવાન પાઘમાંથી સ્વપ્ને પણ જોવા ન મળે એવી લંકામોતીની સેરો લટકતી હતી! લાખો દ્રમ્મનો એનો કંઠહાર એના ગળામાં પડ્યો હતો. ભલભલા રત્ન પરીક્ષકોને પાણી પાઈ દે એવા ઝળાંઝળાં થતાં માણેક-નીલમ-પોખરાજનો ચળકાટ આવી રહ્યો હતો. એની દસે આંગળીમાં સોનેરી વેઢ હતા. એની મુદ્રિકાનું શુક્રનયન સમું એકલું રત્ન તેજથી જાણે લખલખી રહ્યું હતું. એના પગમાં સોનેરી તોડો પડ્યો હતો. કાને મૌક્તિકનાં મોટાં કુંડળ લટકતાં હતાં. ખભા ઉપરથી જનોઈપ્રમાણ હેમમેખલા આવી રહી હતી. એમાંથી કેડ ઉપર પડખે એની તલવારની રત્નજડિત મ્યાન લટકતું હતું. એનો એક હાથ રત્નપિછોડીના છેડા વડે હવા વીંઝતો દેખાયો. 

એણે થોડાં વધુ ડગલાં આગળ ભર્યા. બીજા હાથે ધારેલી એની ભયંકર લાંબી તલવારને જરાક હેલારો આપ્યો અને આંખને આંજી નાખે એવો વીજળી ચમકારો એમાંથી પ્રગટ્યો. એનો ઊંચો. સશક્ત, પડછંદ દેહ જાદુઈ આકર્ષણ સમો બની ગયો. એક પ્રકારની શેહ અનુભવતી હોય તેમ રાજસભા-આખી ચિત્રવત્ સ્થિર થઇ ગઈ લાગી. સૌ અને નિહાળવામાં પડી ગયા હતા. ‘આ કુમારપાલ?’ – એવો મોટો પ્રશ્ન ઊભો થઇ ગયો. કોઈની કલ્પનામા પણ આ કુમારપાલ ન હતો. એની રખડપટ્ટીએ એણે અરધોપરધો તો વિસરાવી દીધો હતો. એટલે આમ એણે આવેલો જોતા અનેકનાં દિલમાં અસલી રણરંગી જમાનો ઊભો થઇ ગયો. જાણે ત્રિભુવનપાલ ફરીને આવ્યો હોય એવી રણઘેલછા જાગી.

અનેક રજપૂતો ડોલી પણ ઊઠ્યા. અનેકોને ઉલ્લાસ પ્રગટ્યો. કુમારપાલની પ્રતાપી સીનો એક નિષ્કંટકી સત્તા જાણે સ્થાપી જતો લાગ્યો. 

પણ કૃષ્ણદેવને અને કૃષ્ણદેવ જેવા અનેકોને એમાં ભય પણ લાગ્યો હતો. આ કાંઈ સત્તાવિહીન રાજા હશે? કૃષ્ણદેવની મુખમુદ્રાનો રંગ બદલાતો દેખાયો. એણે પોતાની સત્તા શરૂઆતથી જ પ્રગટાવવી રહી. તેણે મહાદેવના કાનમાં કાંઈક કહ્યું. મહાઅમાત્ય મહાદેવ તરત વધુ આગળ સર્યો. એટલી વારમાં કુમારપાલ સિંહગતિથી સિંહાસન સમક્ષ જ આવી ગયો હતો. તેના હાથમાં રહેલી ભયંકર સમશેર વીજળીની રેખા સમી જણાતી હતી. તલવારના રમતિયાળ હેલારાથી સૌને આંજી દેતો એ સિંધો સિંહાસન ઉપર જ ચડ્યો. કોઈ કંઈ બોલે તે પહેલાં તો જયદેવ મહારાજ સમા વીરાસનથી, એણે પોતાની જાતને સ્વસ્થતાથી ત્યાં ગોઠવી પણ દીધી. એની પડખે એની તલવાર રાજરાણીની છટાથી શોભતી પડી હતી. 

હવે જ સૌ જાણે જાગ્યા. સિંહાસન ઉપર કોઈક બેસી ગયાનું ભાન થયું. 

મહાદેવ ત્યાં સિંહાસન પાસે શાંતિથી ઊભો રહેલો દેખાયો. તેણે રાજસભા ઉપર એક દ્રષ્ટિ કરી. અને હવે પૂછશે કોઈ – કે આ તો બેસી જ ગયો – એવી શંકાભરેલી પૃચ્છા તેણે અનેક આંખોમાં વાંચી. એને આ સભાનો આવો ગૌરવભંગ રુચ્યો ન હતો. તેણે ગુજરાતનાં મહામંત્રીની સત્તાથી રાજસભાસદો તરફ એક દ્રષ્ટિ નાખી: ‘આ કુમારપાલજી પણ આવ્યા છે, સભાજનો! નિર્ણય આપણે હજી કરવાનો છે!’

‘કુમારપાલજી! તેના અવાજમાં એનો એ સ્વસ્થ સત્તાવાહી રણકો સૌને અનુભવ્યો. ફરીને એનું ગૌરવ નિશ્ચિત થતું જણાયું. ‘કુમારપાલજી! મહારાજ જયસિંહદેવનું રાજપ્રતિનિધિત્વ આની પાસે છે.’ એણે મહારાજની પાદુકા તરફ અંગુલીનિર્દેશ કર્યો: ‘તમારે એની સમક્ષ જવાબ આપવાનો છે. સાંભળો, મહારાજ જયસિંહદેવને અંતકાળે એક અમૂલખ વસ્તુ સાંપડી ગઈ હતી. કૃષ્ણદેવજીએ અમને એ કહ્યું.’ મહાઅમાત્ય જરા થોભ્યા ને ફરી ચલાવ્યું:

‘અંતકાળે કોઈ એમનો અપ્રિય ન રહ્યો, કોઈ પ્રિય ન રહ્યો. બારમા રુદ્રની મહત્તા જાણે એમણે પ્રાપ્ત કરી લાગી. તમને અમે એટલા માટે આમંત્રી શક્યા છીએ, બાકી મહારાજ જયદેવનો શબ્દ અમારે માટે અવિચળ હતો, અવિચળ જ છે અને અવિચળ જ રહેવાનો. પણ પરિસ્થિતિ ને એમની છેલ્લામાં છેલ્લી ઈચ્છા અમારે લક્ષમાં લેવી જોઈએ. એટલે તમે બોલો, કુમારપાલજી! કદાચ તમને પરિસ્થિતિ જોઇને આ મહાન ગુર્જરદેશનું રાજ સોંપવામાં આવે, તો તમે એ શી રીતે ચલાવો? તમારી રાજનીતિ શું થાય? ગુર્જરોની અખંડ ગૌરવ-ઉપાસનાને તમે શી રીતે આગળ વધારો? મહારાજ જયસિંહદેવ જેવાની પરંપરાને શી રીતે  સાચવો? તમે પાટણની અત્યારની સ્થિતિ વિષે જાણો છો. બોલો. તમે એમાંથી રસ્તો કેમ કાઢો?’

‘હા, કુમારપાલજી!’ કૃષ્ણદેવ પોતાનું સ્થાન સ્થાપવા માટે આતુર હોય તેમ બોલ્યો. એણે મહાદેવના સ્વરમાં પોતાનો સ્વર પુરાવવામાં સાર જોયો: ‘રાજ ગુજરાતનું એક મહાન સામ્રાજ્ય સમું છે. તમે એને અખંડ રાખી શકશો? શી રીતે રાજ ચલાવશો? તમને રાજગાદી આપીએ, પણ તમે કોઈ રાજનીતિ વિચારી છે? તમારી કઈ રાજનીતિ છે?’

‘મારી પાસે એક જ અવિચળ રાજનીતિ છે, કૃષ્ણદેવજી!’ કુમારપાલનો શબ્દરણકો સંભળાયો. એમાં ગજબની દ્રઢતા સૌએ અનુભવી. ‘અને... તે... આ...’

અને તરત જ કુમારપાલના હાથમાં આકાશે ચમકતી વીજળીની રેખા સમી ભયંકર લાંબી સમશેર ચમકી રહી.

કૃપાણ ધારણ કરેલો એનો લાંબો થયેલો હાથ ઇન્દ્રના વજ્જરદંડ સમો શોભી રહ્યો. એની મુખમુદ્રા ઉપર જયદેવ મહારાજનો પ્રતાપ કૃષ્ણદેવે જોયો અને તે છળી ગયો. એણે કંઈક ધાર્યું હતું અને આંહીં કાંઈ બીજું નીકળતું હતું. પણ હવે અતિ મોડું હતું. 

કુમારપાલ આત્મશ્રદ્ધાના રણકાથી બોલતો હતો: ‘કૃષ્ણદેવજી! ખડગનો ધર્મ એક અને અવિચળ છે. એણે ધર્મને રક્ષ્યો છે, રાજને સાચવ્યાં છે, પ્રજાને પાળી છે, દુશ્મનને ખાળ્યા છે. એણે નબળાને રક્ષણ આપ્યું છે. સબળાને વશ રાખ્યા છે. અરિને હણી નાખ્યા છે. મહારાજ જયસિંહદેવની એ અવિચળ રાજનીતિ હતી. આપણી પણ એ જ રાજનીતિ હો! આપણી સમશેર ખરે તને આપણાથી દૂર ન હો, એ રાજનીતિ તમામ મુશ્કેલીમાં આપણો માર્ગ સરળ કરી મુકશે.’

કુમારપાલનો ધનુષટંકારી અવાજ ચક્રવર્તી શાસનકર્તા સમો બની રયો. એનો પ્રતાપ સૌ અનુભવી રહ્યા. એણે પોતે જાતને રાજપદે સ્થાપી દીધી હોય તેમ એમાંથી સત્તાવાહી રણકો ઊઠતો હતો: ‘અને મહાદેવજી! તમે પડખું મહારાજ જયસિંહદેવ જેવાનું સેવ્યું છે. તમારે જ આ રાજતંત્રની નૌકાને મહાઅમાત્યપદેથી દોરવાની રહેશે. મારી પાસે આ રહેશે...’ કુમારપાલે તલવાર બતાવી. પછી જયદેવ મહારાજની પાદુકા તરફ એણે અંગુલીનિર્દેશ કર્યો: ‘અને તમારી પાસે એ રહેશે... ગુર્જરદેશના મહાઅમાત્યપદેથી ન્યાયધુરા તમારે વહેવી પડશે, રાજધુરા વહેવનારો હું બેઠો છું. અત્યારે આપણા ઘરમાં પણ અરિ બેઠા છે, બહાર પણ બેઠા છે, ચારે તરફ અરિ બેઠા છે. બળવાન ખડગનો એક જ અવિચળ ધર્મ આપનો તારણહાર બની શકશે એ જ તારણહાર બની રહો, મહાઅમાત્યજી!’

ઉદયન આ સાંભળીને ચમકી ઊઠ્યો, પણ કુમારપાલે પોતાની જાતને સ્થાપી દીધી હોય તેમ વાત ઉપાડી હતી. મહાદેવની અનિવાર્યતા એમાં એણે જોઈ લીધી લાગી. પોતાનું એક મહત્વાકાંક્ષી સ્વપ્ન જીવનમાં બીજી વખત છિન્નભિન્ન થતું ઉદયને અનુભવ્યું; પણ દ્વિધાવૃત્તિનો સમય જ ન હતો. કુમારપાલની ઊંડી વિચારણાએ આ તાત્કાલિક પગલું એની પાસે લેવરાવ્યું હોવું જોઈએ. એ ગમે તે હોય, હવે બીજો વિચાર કરવાનો જ ન હતો. અંતે વિજય તો એના અરિહંતધર્મનો જ છે એવા આત્મવિશ્વાસે એ તરત જ ઊભો થઇ ગયો. કુમારપાલની વાણી બંધ થઇ-ન-થઇ અને એણે આગળ આવીને પોતાની સમશેર કુમારપાલના ચરણ પાસે જ ધરી દીધી. એના રાજપદનો તાત્કાલિક સ્વીકાર જ આ પ્રશ્નનો હવે નિકાલ કરી શકે એમ હતું. એટલે ઉદયને સમશેર ચરણે ધરી, બે હાથ જોડ્યા, માથું નમાવ્યું અને તરત એણે આપી રાખેલા પૂર્વસંકેત પ્રમાણે રાજસભામાંથી અને મેદનીમાંથી જુદા-જુદા ઠેકાણેથી પેલી વિખ્યાત ગાથાનો ધ્વનિ ઊઠતો સૌના કાને પડ્યો:

‘पुन्ने वाससहस्से संयमि वरिसाण नवनवइ अहिए।’

અને તરત કુબેરરાજ શ્રેષ્ઠી અને અનેક શાસનનર્ત જૈન શ્રેષ્ઠીઓએ ઉત્તર પદને દિગંતવ્યાપી બનાવી દીધું:

‘होही कुम्मर नारिन्दो तुह विक्क्र्मराय सारिच्छो।।’

અમારિ ધર્મના વિજયધ્વજને આખા ગુજરાતમાં, આખા ભારતવર્ષમા, આખા વિશ્વમાં જાણે ચક્રવર્તીની માફક લહેરાતો નિહાળી રહ્યો હોય તેમ મંત્રીશ્વર ઉદયન બે પળ નીમિલિત નયને એ સાંભળી રહ્યો.

કૃષ્ણદેવ વાત સમજી ગયો. હવે ત્વરા જ કરવાની હતી. પળ પણ વિચાર કરવાનો ન હતો. પાછું પગલું એને જ  હાનિકારક હતું. એણે પણ તરત ઉદયનના પગલા પ્રમાણે પોતાની સમશેર કુમારપાલનાં ચરણે ધરી દીધી, બે હાથ જોડ્યા, નમન કર્યું, એક મહાઘોષ ઉપાડ્યો:

‘મહારાજ ગુર્જરેશ્વરનો...’

‘વિજય હો!... વિજય હો!’ કૃષ્ણદેવના તુરંગસૈન્યે અને અને સેંકડો રજપૂતોએ એનો તરત જ પ્રતિઘોષ આપ્યો અને એક પછી એક સામંત સમશેર નજર કરવા ઊઠવા માંડ્યા: કોઈને બીજી વાત કરવાનો કૃષ્ણદેવે વખત જ રહેવા ન દીધો. 

સાથોસાથ ચારણ-બંદીજનોની પ્રશસ્તિઓ સંભળાઈ. કવિજનોએ અને પંડિતોએ ચૌલુક્યપ્રશસ્તિની શ્લોકધારા વહેતી મૂકી. રાજસભા ને મેદની આ જોતી હતી. ત્યાં તો ઇન્દ્રધનુરંગી વસ્ત્રોના ઝળાંઝળાં પ્રકાશમાં આખો રાજમંડપ નાહી રહ્યો! નીલમણિ ત્યાં દેખાણી – અનેક વારાંગનાઓ એની પાછળ જ આવી રહી હતી. સોનેરી-રૂપેરી ઘૂઘરીઓના મંજુલ રણાત્કારે વાતાવરણને ભરી દીધું. 

નૃત્ય શરુ થઇ ગયું. સૌંદર્યસાગરની લહરીએ ચારે તરફની હવાને મોહક આકર્ષણથી ભરી દીધી. માણસો માટે એના ઉપરથી દ્રષ્ટિ ખેંચવી અશક્ય થઇ ગઈ. એક ક્ષણ પણ  બીજા કોઈ વિચારને આપવાની ન હોય તેમ એકી સાથે ને ચારે તરફથી કાર્યક્રમો આવી રહ્યા હતા. તીવ્ર ઝડપથી મગજ એક વસ્તુ નિહાળે-ન-નિહાળે ત્યાં બીજી પ્રગટતી હતી. ખુદ મહાઅમાત્યજી પોતાને શું બોલવાનું છે કે કરવાનું છે એ સમજ્યા ન હોય તેવું થઇ ગયું. આટલી બધી પૂર્વસંયોજિત યોજનાનું ઊંડાણ હવે કૃષ્ણદેવને પણ ભડકાવી ગયું, પણ એણે વાતને આગળ વધાર્યે જ છૂટકો હતો.     

કુમારપાલ રાજપદે સ્થપાયાનો જયજયકાર શબ્દ આકાશ ગજવતો ઊભો થયો. સેંકડો જનોએ મેદાનમાંથી ‘જય સોમનાથ!’ની વિજયઘોષણા ઉપાડી લીધી લાગી. એણે તો આખા નગરને જાણે જાહેર કરી દીધું કે મહારાજના ઉત્તરાધિકારીપદે કુમારપાલ મહારાજની સ્થાપના થઇ ગઈ હતી. બીજી-ત્રીજી કોઈ વાત કરનાર માટે હવે તલવારી ઘર્ષણ જ ઊભું હતું, એ સ્પષ્ટ થઇ ગયું. મજબૂત પીઠબળ વિના ઊભું રહેવું અશક્ય થઇ ગયું. 

કેશવ સેનાપતિ, ત્રિલોચન કે મલ્હારભટ્ટ – કોઈ કાંઈ નિર્ણય જ લઇ શક્યા ન હતા. પ્રતાપદેવી ને ભાવબૃહસ્પતિ સ્તબ્ધ થઇ ગયાં જણાયાં. આટલી બધી વીજળીક ત્વરા માટે કોઈ તૈયાર લાગ્યું નહિ, એટલે બીજી કોઈ હિલચાલ જણાઈ નહિ. 

આ તરફ કાર્ય ચાલતું રહ્યું હતું. કુમારપાલનો જયજયકાર આવતાંની સાથે જ મંગલવાદ્યો શરુ થઇ ગયા. શંખનાદ થવા માંડ્યા. મૃદંગ બજવૈયો દેખાયા. ઢોલ, ત્રાંસા, શરણાઈ, પખવાજ, નગારાં, ભેદી નાદ સંભળાયાં. નારીવૃંદનાં મંગલ ગીતો ઊપડ્યાં. રાજમહોત્સવને સંપૂર્ણતાની અવધિએ પહોંચાડતો કુબેરરાજ શ્રેષ્ઠી પોતે ચારે તરફ ઘૂમતો દેખાયો. સોનારૂપાના દ્રમ્મનો એણે વરસાદ વરસાવવા માંડ્યો હતો. આ ત્વરાને માપી લેવા માગતો હોય તેમ ત્યાગભટ્ટ સિંહાસન તરફ ઝડપથી આવતો દેખાયો. તેણે કુમારપાલને બંને બાજુથી ચમર ઢોળાતા જોયા. મહીપાલ, કીર્તિપાલ ત્યાં ઊભા હતા. ફૂલોના ઢગલેઢગલાથી કુમારપાલને વધાવતી રાજદાસીઓ સાથે પ્રેમલદેવી ત્યાં આવી ગઈ હતી. સ્થાપિત હકીકત હોય તેમ ખુદ રાજમહાલયમાંથી આનંદના ઘોષનિઘોષ આવી રહ્યા હતા. 

ત્યાગભટ્ટ એક પળ એ જોતો થોભ્યો. એ ધારે તો ગજદળ હજી એનું એ હતું. ઘર્ષણ ઊભું થઇ શકે તેમ હતું. પણ એને ત્યાં ઊભેલો કુમારપાલે દીઠો ને એણે એક રણહાક સમો શબ્દ તરત જ આપ્યો: ‘કૃષ્ણદેવજી! કાકભટ્ટ ક્યાં છે? દરવાજા તમામ હવે બંધ કરાવી દો. બહાર જઈને કોઈ ધાંધલ મચાવે તેના કરતાં રણખેલનો ઉત્સાહ હોય એવા તમામને આંહીં જ આપણે રાખી દો!’

ત્યાગભટ્ટને દીઠો કે તરત એની શાંત પ્રતીક્ષા કરતા વાગ્ભટ્ટ, કાકભટ્ટ ત્યાં સિંહાસન સમક્ષ જ આવી ગયા. વખતે એ કાંઈ સાહસ કરી બેસે. 

એટલામાં તો કુમારપાલે ત્યાગભટ્ટને સીધેસીધું આહ્વાન દીધું: ‘આવો, આવો, ત્યાગભટ્ટ! આમ આવો. મલ્લયુદ્ધ નહિ તો, આ લ્યો, લ્યો...’

કુમારપાલે એક તલવાર તેના તરફ ફેંકી: ‘લ્યો! ઊપડી લ્યો!’ સિંહાસન ઉપરથી એક પગલું એ નીચે પણ ઊતર્યો, પણ ત્યાં તો બહારની મેદનીમાંથી મોટો કોલાહલ સંભળાયો ને ત્યાગભટ્ટ ચમકી ગયો. તેણે ત્વરાથી પાછળ બે-ત્રણ ઉતાવળા ઘોડેસવારોને રસ્તો આપવા માટે મેદનીમાંથી કોલાહલ ઊઠતો જણાયો. એ કોણ હોઈ શકે? ત્રિલોચન, કેશવ ને મલ્હારભટ્ટ જેવા એણે દેખાયા. તેઓ પવનવેગે ઊપડી જતા હોવા જોઈએ. એટલામાં એણે ત્રિલોચનને દ્વાર પાસે દેખ્યો નહિ. તરત એને પણ દરવાજાબંધીનો ખ્યાલ આવી ગયો. દરવાજા બંધ થવાની અણી ઉપર હતા. પેલા ત્રણના ઘોડાં વીજળીવેગે એટલા માટે ઊપડી ગયાં હોવાં જોઈએ. એણે કુમારપાલનો સિતારો ચડતો દીઠો. દ્વંદ્વયુદ્ધ વાતનો નિર્ણય કરનાર ન જ નીવડે. એમાં બંધન હતું. એણે રાજસભાના વિસંવાદને પણ અત્યારે રૂંધાયેલો જોયો. એનો ભવિષ્યમાં કેમ ઉપયોગ ન થાય? – એણે વિચાર્યું. અત્યારે દરેક પળ એને બંધન તરફ ધકેલી રહી હતી. બહાર જઈને જો એ વિરોધનો ધજાગરો ફરકતો રાખશે તો હજી સમય હતો. વીજળીવેગે વિચાર એણે આવી ગયો. એક ક્ષણમાં જ નિશ્ચય કરી લીધો. ઝડપથી તે પાછો ફરતો દેખાયો. સડસડાટ પગથિયાં ઊતરી ગયો. કોઈ રોકે, જાણે કે એના નામની બૂમ ઊઠે તે પહેલાં તે એકદમ જ દ્વારમાંથી નીકળી ગયો. બીજી  બે ક્ષણમાં જ મેદનીમાં પડેલો રસ્તો ઓળંગતો તે દેખાયો.

એની પાછળ જ એણે દરવાજા ઉપર કાકભટ્ટનો આજ્ઞાવાહી અવાજ સાંભળ્યો: ‘વૌસરિ! આંહીં ત્રિલોચનની જગ્યા ઉપર આવી જાઓ. ક્યાં છે દ્વારભટ્ટ? દરવાજામાંથી હવે કોઈ બહાર જાય નહિ, એ જોતા રહેજો...’ કાકભટ્ટ ત્વરાથી એને શોધતો આગળ આવતો જણાયો. 

પણ એટલી વારમાં એ પોતાના ગજરાજ પાસે આવી પહોંચ્યો હતો. એની લાંબી સૂંઢના આધારે વિદ્યુતવેગે એ ઉપર ચડી ગ્યો. ‘ચૌલિંગ, ઉપાડો.’ એણે અવાજ આપ્યો. અને હજી તો ત્યાગભટ્ટ પણ ગયો કે શું એમ શંકા થાય તે પહેલાં તો એના ગજરાજનો ઉતાવળો ઘંટનાદ સંભળાયો. લોકો ઝડપથી રસ્તો આપતાં હતા, પણ વિદ્યુતવેગે તે ઊપડી જતો જણાયો. એને જતો સૌ જોઈ રહ્યા. એ અદ્રશ્ય થયો કે ફરી બધાનું ધ્યાન રાજસભા તરફ ગયું. કાંઈ ન હોય તેમ ત્યાં તો પાછો ઝડપી કાર્યક્રમ આગળ વધતો હતો. 

‘જય સોમનાથ!’ના ગગનભેદી અવાજ સાથે પંડિત સર્વદેવ કુમારપાલને લલાટે ચંદન-અભિષેક કરવા આગળ આવતો દેખાયો. 

પણ બરાબર એ જ વખતે ભાવબૃહસ્પતિ ઊભો થતો જણાયો. સોમનાથના મહંતનો પ્રભાવ લોકમાં અદ્વિતીય હતો. એની ગણના મહારાજ સમાન હતી. એટલે જેવો તે ઊભો થયો, બે ડગલાં આગળ આવ્યો, રાજસિંહાસન પાસે એનો એક હાથ ઊંચો થતો દેખાયો અને મેદની આખીમાં અને રાજસભામા એક પ્રકારની શાંતિ સ્થપાતી જણાઈ. એનો ગૌર ભવ્ય દેહ મૂર્તિમાન ધર્મ સમો શોભી રહ્યો. ખળભળતા તોફાની પવનની પાછળ જેમ અચાનક ધીમેધીમે નિ:સ્તબ્ધતા આવે, તેમ બધે શાંતિ આવતી લાગી. એક પછી એક મંગલવાદ્યો બંધ પડવા માંડ્યાં. અવાજો શાંત જણાયા. જયઘોષ મંદ થતો ગયો. નર્તિકાઓનો રણત્કારી ઘૂઘરીનો અવાજ શાંત થઇ ગયો. મંગલગીતો ગાતું નારીવૃંદ ઘડીભર થંભી ગયું. મહાઅમાત્ય મહાદેવે પોતે બે હાથ ઊંચા કરીને લોકોને એકદમ શાંતિ રાખવાની સૂચના આપી. ભાવબૃહસ્પતિ બે પળ ત્યાં શાંત ઊભો રહ્યો. 

થોડી વારમાં બધે શાંતિ છવાઈ ગઈ. ભાવબૃહસ્પતિની આ સત્તાને ચિંતારેખાથી જોનારા ઊંચાનીચાં થતા જણાયાં. 

ભાવબૃહસ્પતિએ તમામના ઉપર એક દ્રષ્ટિ કરી. બધાને આશિર્વાદ આપતાં તેમના બે હાથ ઊંચા થયા. ધોળા નિમાળામા શોભતી એની ભવ્ય મુખમુદ્રા ઉપર સૌની નજર ગઈ અને તમામનાં મસ્તક બે હાથની અંજલિ જોડીને એણે નમતાં દેખાયાં.

ઉદયન, કાકભટ્ટ, કૃષ્ણદેવ, કુમારપાલ પોતે પણ, મહંતની આ અદ્વિતીય ગૌરવભરેલી સ્થિતિથી એક પળ ચિંતામાં પડી ગયા જણાયા. મહંતનો ત્યાગભટ્ટ પ્રત્યેનો પ્રેમ સૌને જાણીતો હતો. કેવળ ત્વરાને પામી નહિ શકવાથી જ એ પાછો પડી ગયો હતો. પણ હવે એ પ્રશ્ન ફરીને ઉખેળે તો શું થાય? ઉદયને એનો પણ તાત્કાલિક પ્રતિકાર કરવા કોઈકને ખોળવા માંડ્યો. વૌસરિ ત્યાં આગળ આવ્યો જણાયો. એને જ ઈશારત આપી. એના કાનમાં કાંઈક વાત કરી. તરત મેદની વીંધીને એ મુશ્કેલીથી બહાર જતો દેખાયો. વૌસરિની પાછળ કાકભટ્ટ પણ જતો દેખાયો. ઉદયન એમને જતા જોઈ રહ્યો. 

એટલામાં ભાવબૃહસ્પતિની શુદ્ધ સોનેરી રણકા જેવી ગીર્વાણગિરા કાને આવી: ‘કુમારપાલજી, મંત્રીઓ, સભાસદો, આ ભવ્ય ચૌલુક્ય સિંહાસન વર્ષો થયાં અનેક ઝંઝાવાતમા ભગવાન સોમનાથની કૃપાથી આજ દિવસ સુધી ટકી રહ્યું છે. એણે એની પવિત્રતા રક્ષે છે, ધર્મપાલન રક્ષે છે. ગર્જનકો એના ઉપર આવ્યા અને ગયા. માલવરાજ આવ્યો ને ગયો. તેલંગણ આવ્યા ને ગયા, શાકંભરી આવ્યું ને ગયું. કોઈ એનો તાગ મેળવી શક્યું નહિ. કોઈ એના પ્રતાપને ઢાંકી શક્યું નહિ. કોઈ એનો પ્રભાવ ઝંખવી શક્યું નહિ. ગુર્જરેશ્વરનું આ સિંહાસન અવિચળ છે. એને આપણે અવિચળ રાખવું જોઈએ. ભગવાન સોમનાથની વાણી જેવીતેવી જાણવાનો મને અધિકાર મળ્યો છે: ઈશ્વરે એ આપ્યો છે. હું સોમનાથનો ભક્ત છું. મહારાજ જયસિંહદેવે સોમનાથને પ્રત્યક્ષ નીરખ્યા હતા એનો મને હવે ઊંડો અર્થ દેખાય છે. તમારે એ અર્થ જાણવો છે?’

‘હા! હા! હા!’ ના અનેક અવાજ સંભળાયા.   

‘ત્યારે એમાં ઊંડો અર્થ છે.’ ભાવબૃહસ્પતિએ જોયું કે ત્વરિત ગતિએ એનું કામ અત્યંત મુશ્કેલ બનાવી દીધું હતું. કૃષ્ણદેવે રહી-રહીને કોથળામાંથી બિલાડું કાઢ્યું હતું. વખત મેળવવો હોય તો અત્યારે કોઈ નવો માર્ગ જ એ શક્ય બનાવી શકે. એણે એ રીતે વાત આગળ લીધી. ‘રાજ હવે પાટણનું જો ટકાવવું હોય તો એક જ રસ્તે ટકશે. એ રસ્તો મેં જાણ્યો છે. તમારી સમક્ષ એ મૂકવાનો છે.’

ભાવબૃહસ્પતિની વાણી-સત્તાની ચિંતા કૃષ્ણદેવ-ઉદયનને મૂંઝવી રહી. એની અદ્વિતીય પ્રતિષ્ઠાએ આખી રાજસભાને એક નવા જ માર્ગે દોરેલી લાગી. ઉદયનને પરિણામની આગાહી શંકામાં નાખી ગઈ. કૃષ્ણદેવને ભય લાગ્યો. મોંમાં આવેલો કોળિયો કોઈ ઝૂંટવી લેતું હોય એવું એને જણાયું. પણ હજી એ શાંત પ્રતીક્ષા કરી રહ્યો હતો.

ભાવબૃહસ્પતિની અલૌકિક શક્તિ વિષે લોકમાં તો  કૈં-કૈં વાતો પ્રચલિત હતી. કેટલાક આંહીં રાજસભામાં પણ એવા બેઠા હતા – ખાસ કરીને રાવરાણા, મંડલિકો, ગરસિયાઓ – જેમને મન મહંત ભવિષ્ય માત્રને જોનારો ત્રિકાળજ્ઞાની હતો. કૃષ્ણદેવના પોતાના જ સાથીઓ એનામાં શ્રદ્ધા ધરાવતા હતા. એને સોમનાથના પૂજારી તરીકે જયદેવ મહારાજ સમો માનનારા પણ હતા. એટલે એની એકદમ ઉપેક્ષા શક્ય જ ન હતી. એની ધીમી ઉપેક્ષા જ થઇ શકે. ભાવ બૃહસ્પતિના પ્રશ્નનો ઉત્તર વળતા અવાજોમાંથી અનેક એવા હતા, જેમણે કૃષ્ણદેવને ટેકો પણ આપ્યો હતો. કૃષ્ણદેવને આ વિસંવાદ મૂંઝવી રહ્યો હતો. ભાવબૃહસ્પતિ ધર્મસત્તાધીશના દ્રઢ અવાજે આગળ વધ્યો: ‘પાટણનું રાજસિંહાસન હવે તો જ ટકે, જો એના ઉપર કોઈ પણ રાજા નહિ હોય તો!’

રાજા નહિ હોય તો? એ શું? હેં! – કૈંકને આશ્ચર્ય થયું. કૃષ્ણદેવ સાંભળી રહ્યો. મહાઅમાત્યજીએ કાન માંડ્યા. કુમારપાલ ઠંડી પ્રતીક્ષા કરતો ત્યાં બેઠો હતો. 

‘રાજા નહિ હોય? ત્યારે કોણ હશે?’મહાદેવે પૂછ્યું. 

‘હવે રાજ આ, મહાઅમાત્યજી! ગુર્જરેશ્વરનું નહિ, ભગવાન સોમનાથનું. જે આવે તે ભગવાન સોમનાથના ચરણે રાજ ધરે. પોતે એનો દેવપ્રતિનિધિ બની રહે. મહારાજ જયદેવના સોમનાથદર્શનમા મને આ રહસ્ય જણાય છે. મહારાજની પાદુકા રાજસિંહાસને સ્થાપી, એ પણ એ જ બતાવે છે. ચૌલુક્ય રાજવંશ મહારાજ જયસિંહદેવ સાથે સમાપ્તિ પામે એમાં મને એ વંશની ગૌરવશોભા દેખાય છે. ત્યાગવલ્લી સમી ચૌલુક્યવંશવેલીની એમના નામે ટોચ દેખાઈ ગઈ. જે મહારાજે મહાદેવને પ્રત્યક્ષ નિહાળ્યા એના સિંહાસન ઉપર હવે કોઈ હોય? કોઈ ન હોય!’

‘પણ તો પછી રાજ કેમ ચાલે, પ્રભુ?’ કૃષ્ણદેવે પૂછ્યું, ‘આંહીં તો પાટણની ચારે તરફ અરિદળ પડ્યાં છે, તેનું શું?’ 

‘રાજ ચાલશે, સોમનાથ ભગવાનના દેવપ્રતિનિધિના નામે, કૃષ્ણદેવજી! એવો રાજપ્રતિનિધિ અતુલ બળધારી બનશે. ગુર્જરદેશને હવે ભગવાન સોમનાથનાં ચરણે મૂકો. એક ધર્મ, એક ધજા, એક રણહાક અને એક લોકવ્યાપી સંસ્કાર. દેવ પ્રતિનિધિ બની રહેનારો એ પ્રગટાવી શકે, રાજા નહિ. ગુર્જરદેશ તો જ ટકે. તમે આસપાસના અરિદળ જુઓ છો; હું તો રાજપૂતી રેતસમંદરમાંથી આવતા લાખો ઓઢી નીરખું છું!’

‘જુઓ, પ્રભુ! તમારી દ્રષ્ટિ સોમનાથના જલ ઉપર છે, અમારી અર્બુદગિરિ ઉપર છે. આંહીં અત્યારે પૃથ્વી સળગે છે. દેવપ્રતિનિધિ પણ જોશે તો ખરા નાં? એ પ્રતિનિધિ કોણ થશે?’ ઉદયને એકદમ સીધો પ્રશ્ન કર્યો. 

‘મંત્રીશ્વર! ભગવાન સોમનાથે મહારાજને પ્રતિપન્નપુત્ર લેવા શા માટે પ્રેર્યા હશે? આટલા માટે જ. એ પ્રતિપન્નપુત્ર દેવપ્રતિનિધિ.’ ભાવબૃહસ્પતિએ શાંતિભરેલા ગૌરવથી કહ્યું: ‘મહારાજ જયસિંહદેવનો પ્રપન્નપુત્ર છે. જયસિંહદેવ મહારાજે એને માન્યો હતો. એને છોડીને આપણે જે કાંઈ બીજી યોજના કરીએ તે ભલે, પણ ભગવાન સોમનાથના નામે તમને એક ચેતવણી આપું છું: એ અધર્મ છે! એ અધર્મને હું ન સાંખું. આંહીં હવે દેવપ્રતિનિધિ હશે, તો તમે ટકશો. એ દેવપ્રતિનિધિ ત્યાગભટ્ટ જ હોઈ શકે – ધર્મની દ્રષ્ટિએ, મહારાજની દ્રષ્ટિએ, લોકદ્રષ્ટિએ. રાજસિંહાસન ઉપર અનવદ્ય પુરુષ હોય એ પ્રણાલિકા છે. લૂતા-રોગની શરૂઆત કુમારપાલજીને છે. એ અનવદ્ય ન ગણાય અને એ સિવાય બીજો તમે સ્થાપશો, એમાં જયવારો નહિ હોય.’

ભાવબૃહસ્પતિનો અવાજ વધારે ઘેરો, ગંભીર, સચ્ચાઈનો રણકો ધરતો બની ગયો. ઉદયન જ આ સર્વતંત્રનો કર્તાહર્તા હતો એટલે એમણે ઉદયન તરફ દ્રષ્ટિ સ્થિર કરી: ‘તમે જે ઉતાવળ કરી છે, મંત્રીજી!’ તે આગળ બોલ્યો, એની દ્રષ્ટિ મેદનીની પેલી મેર જાણે સ્થિર થતી જતી જણાઈ. એમાં એક પ્રકારનું અનોખું તેજ પ્રગટ્યું. એનો અવાજ પણ સ્વસ્થ – દ્રઢ બન્યો, એમાંથી શબ્દેશબ્દે જાણે ભવિષ્યની આગાહીનો અગમ્ય ઘોષ ઊઠતો લાગ્યો: ‘તમે જે સ્થાપ્યું છે, મંત્રીજી! ભલે તે અવિચળ રહો – હવે જો એણે ઉથાપતાં આ દેશમાં ઘર્ષણ થતું હોય તો; પણ એમાં સૌનો નાશ છે, કારણ કે એ અધર્મ છે. તમને ધર્મની અતુલ રક્ષકશક્તિની ખબર નથી. એના ત્યાગથી આવતી વિનાશક શક્તિનો પણ ખ્યાલ નથી. હું સોમનાથસમુદ્રના કિનારે એકલો એકાંતમા બેસું છું, ત્યારે એના તરંગેતરંગમાંથી ઊભી થતી, રજપૂતી રેતસમંદરની પેલી મેરથી આવતી, ‘અલ્લા હો અકબર’ની ઘોષણા સાંભળું છું. એ ઘોષણાએ ભીમદેવ મહારાજ જેવાને હંફાવ્યા હતા. એ જ ઘોષણા તમને હતા-ન-હતા કરી નાખશે; ક્ષુલ્લક, શુદ્ર ને છિન્નભિન્ન કરી મૂકશે. તમે ધર્મની હરીફાઈ માંડી છે, પણ તમારો ધર્મ આ ભયંકર ઘોષણાની સામે એક જ હોઈ શકે – રણહાકનો, હરહર મહાદેવનો. એ જ તમને બચાવી શકે. દેવનો પ્રતિનિધિ બનતો દેશ દેવનો મહિમા ધારણ કરતો બને છે. એ પછી કદાપિ રણક્ષેત્રની હાકલને તજે નહિ. મેદપાટને નીરખો. ત્યાંના રાણા દેવના પ્રતિનિધિ છે. દક્ષિણમાં જાઓ, ત્યાં પણ એમ જ છે. શું કરવા? તે વિના સમસ્ત પ્રજાનું ધાર્મિક બળ તમે ન પ્રગટાવી શકો. દેવ દેશ હોય તો એનું રણક્ષેત્ર ચિરંજીવ રહે. જંગલી ભયાનકતા સામે આ એક જ બળ તમને તારે. પણ એ તમને ગળે ન ઊતરે! ન ઊતરે! તમને તમારા સંપ્રદાયનો મોહ છે. એટલે હજારો વર્ષની આ દેશની પરંપરાને નવા બળ-રૂપે પ્રગટાવવાને બદલે, નવો કલ્યાણમય જે કાંઈ વિચાર હોય એમાં એને ઓતપ્રોત કરી નાખવાને બદલે, તમે આ શું કરો છો? એક નવો ખૂણો ઊભો કરવામાં રાચો છો! ભલે રાચો! પણ પેલી રેતસમંદરી ભયંકર ઘોષણા તમને પાંચ-પચીસ વરસ નહિ, સેંકડો વરસ સુધી હેરાનહેરાન કરી મૂકશે. તમને, તમારાં બાળકોને અને એમનાં બાળકોને પણ એ ભરખી જશે. તમારે એની સામે ટકવું છે? રસ્તો એક જ છે: ધર્મના બળ વડે રાજને ચક્રવર્તી સત્તા સમું બનાવો. ધર્મબળને આગળ આવવા દો. જો કોઈ દેવપ્રતિનિધિ હશે તો આ રાજ ટકી શકશે. તમારી દ્રષ્ટિ પર્વતની ટોચ ઉપર છે અને ભોંયરામા છે. તમને ખાતરી છે કે તમને એ બચાવશે – ભોંયરા ને ડુંગરા. ભલે તમને એ ફળો! પણ હું જે નીરખી રહ્યો છું, તે બોલું છું. અધર્મ ફળે ફળે ને ફળે. તમે અધર્મ કર્યો છે. ત્રણ પળ, ત્રણ ઘડી, ત્રણ દિવસ, ત્રણ વરસ કે ત્રણ દસકા. ગુર્જરદેશના આ પવિત્ર સિંહાસનને હું શોણિતભીનું થતું નીરખું છું! મહારાજ જયસિંહદેવના સિંહાસનમાંથી વહેતી લોહીધારા જોઈ શકું છું...’ ભાવબૃહસ્પતિનો ભવ્ય ગૌર દેહ ભવિષ્યવાણી બોલનારનું તેજ ધારી રહ્યો. એના અવાજમાં ભાવિની આગાહી પ્રગટી. 

‘હવે આ સિંહાસન ઉપર કોઈનો જ રાજકુમારી વારસો નહિ આવે... એમાંથી ચૌલુક્યોની મંજરી હવે સુકાઈ ગઈ છે. એમાંથી રઘુવંશી પરિમલ હવે ઊડી ગયો છે. હવે એમાં ભારત રણક્ષેત્રની કુટુંબ-ઘર્ષણી વસ્તુ આજથી દાખલ થઇ છે. તમે મારી વસ્તુ ન સ્વીકારતા હો તો ભલે, રાજસભા પણ અત્યારે તમારી  ઉતાવળી સ્થાપનાને માને, તો ભલે તમારો વિજય હો, મંત્રીશ્વર! બીજું શું? પણ હું આને અંતે લોહી જોઉં છું, વિનાશ દેખું છું, પતન દેખું છું, વંશોચ્છેદ નીરખું છું. આથી વિશેષ તમને કહેવું નકામું છે.’

ભાવબૃહસ્પતિએ જોઈ લીધું: ઘર્ષણ વિના હવે નમતું કોઈ આપે તે શક્ય જ હતું. ને ઘર્ષણ તો એ  ન જ નોતરે. એમણે ત્વરા ન કરી, મંત્રીએ ત્વરા કરી, તેનું આ ફળ. એણે કુમારપાલ સામે દ્રષ્ટિ કરી: ‘કુમારપાલજી! જ્યારે પણ થાક ચડે – ભગવાન સોમનાથનો પડછાયો તે વખતે સંભારજો. પ્રતાપદેવી!... આપણે હવે ચાલો... આપણે આથી વધુ કાંઈ ન કરી શકીએ, કહી ન શકીએ. આપણે આપણો ધર્મ બનાવ્યો છે... આપણે રાજસભાને કહેવાનું કહી દીધું. મંત્રીશ્વરોને વાત કરી. ધર્મ એમને પ્રિય હશે, તો આપણને એઓ બોલાવશે. અપ્રિય હશે તો ભગવાન સોમનાથના ઉપર એ ભાર હશે... સૌ ઉપર ભાર હશે... આપણે ચાલો... કોઈને પણ રાજા ન સ્થાપતાં. જો કોઈ દેવપ્રતિનિધિ ત્યાગભટ્ટને બોલાવશો, મહાઅમાત્યજી! તો એમાં દેશકલ્યાણ હશે. બાકી તમારી ઈચ્છા. ચાલો, પ્રતાપદેવી! આપણે ચાલો. ક્યાં હશે ત્યાગભટ્ટ?’

‘ત્યાગભટ્ટ ક્યાં છે એ હું કહું પ્રભુ!’ ઉદયન એકદમ જ હાથ જોડીને ઊભો થઇ ગયો. ભાવબૃહસ્પતિની વાતને તરત ઉડાડવાની તક એણે પકડી લીધી. મોટેથી સૌ સાંભળે તેમ તે બોલ્યો: ‘ત્યાગભટ્ટ ક્યાં છે એ તમારે જાણવું છે, ભગવાન? કહું?’

‘હા, કહો ને, ક્યાં છે?’

વૌસરિ ને કાકભટ્ટ ત્યાં ઊભા હતા. કાકભટ્ટ આવીને ઉદયનને કાનમાં ક્યારનો કાંઇક કહી રહ્યો હતો. ઉદયને તેને જ આગળ કર્યો: ‘આ તમને કહેશે, ભગવાન! હું નહિ કહું. તમારા વિશ્વાસને હું નહિ ડગાવું. એ પાપ હું નહિ કરું.’

ભાવબૃહસ્પતિ ચાલતો બંધ થઇ ગયો.

‘ક્યાં છે કુમારતિલકજી, કાકભટ્ટ?’

કાકભટ્ટે હાથ જોડ્યા, મોટા અવાજે કહ્યું: ‘મહારાજ! ત્યાગભટ્ટનો ઈશારો ક્યાં જવાનો છે એ હું ન કહું એમાં જ આપણું સૌનું ગૌરવ છે!’

‘કેમ, એવું શું છે?’

કાકભટ્ટ થોડી વાર શાંત ઊભો રહ્યો. તેણે બે હાથ જોડ્યા. ભાવબૃહસ્પતિને માથું નમાવ્યું. મોટેથી એ બોલ્યો: ‘સભાજનો પણ હવે સાંભળજો. ત્યાગભટ્ટનું નામ આપણાં દિલમાંથી હંમેશને માટે ખસી જાય એવી વાત બની છે. એવું પગલું એમણે ભર્યું છે. એમણે શાકંભરીનો પથ લીધો છે. એમના એ પગલાથી ડરનારા ભલે હજી એમને આંહીં બોલાવી જુએ. બાકી મહારાજ જયદેવ પણ દેવપુરુષ હતા. એમણે વિચારીને જ કૃષ્ણદેવને વાણી કહી હશે.’

ભાવબૃહસ્પતિશંકામાં પડી ગયો:

‘શાકંભરીનો પથ? તમે કેમ જાણ્યું, કાકભટ્ટજી? શાકંભરી? ત્યાં શું છે? ત્યાં શું કરવા જાય? 

‘શું કરવા જાય તે હું કહું છું, ભગવાન! પણ પેલી કહેવત નથી – પેટનો બળ્યો ગામ બાળે! ત્યાગભટ્ટજી એ પંથે વળ્યા જણાય છે. મને તો એમ લાગે છે!’ ઉદયને જ મોટેથી જવાબ વાળ્યો અને ફરીથી બે હાથ જોડ્યા. તેણે કાંચનદેવી તરફ જોયું: ‘ગુજરાતનું જરા-જેટલું હીણું  બોલાતા, અર્ણોરાજને, શાકંભરીને, રાજને અને વૈભવને – તમામને છોડીને, આ કાંચનદેવીબા અહીં આવ્યાં છે. આ આંહીં બેઠાં. પોતાના સોમેશ્વરને પણ સાથે લાવ્યાં છે... કારણકે એમણે જલ સરસ્વતીના પીધાં હતા. તેઓ ગુજરાતનાં પુત્રી હતાં. એમના દિલમાં ગુજરાત બેઠું હતું. પાટણને પટ્ટણી તો સ્વર્ગમાં પણ સંભારે. અર્ણોરાજનો ગુજરાત-દ્વેષ એમનાથી સહ્યો ન ગયો અને આ ત્યાગભટ્ટની વાત જુઓ. જરા-જેટલી વાતમાં એ ગુજરાતને તજીને, ત્યાગભટ્ટ શાકંભરીના પંથે ચાલી નીકળ્યા! શું કરવા? કોઈ જાણો છો?’ ઉદયન વાતનો ઘડોલાડવો કરી નાખવા માગતો હતો એમાં હવે એણે વિજય જોયો હતો. ભાવબૃહસ્પતિની તમામ અસર એને ભૂંસી નાખવી હતી.

‘શું કરવા, મહેતા? શું છે ત્યાં?’ પ્રશ્ન પૂછનાર કૃષ્ણદેવ જ હતો.

‘તમને ક્યાં ખબર નથી, કૃષ્ણદેવજી! અર્ણોરાજ ગુજરાત ઉપર કેટલો બળી રહ્યો છે તે? એ અર્ણોરાજનો આધાર લેવા તેઓ ગયા છે. આ દેખીતી વાત છે. શાકંભરીને ગુજરાત ઉપર લાવવું... એટલા માટે તેઓ ગયા છે.’

સભામાં આ વાત સાંભળતાં જ એક સનસનાટી ફેલાઈ ગઈ. એટલામાં તો પાછળથી એક ગૌરવશીલ નારી ઊભી થઇ. ઉદયનને આનંદ વ્યાપી ગયો.

‘શાકંભરીને! હેં! આ વાત છે? શું કહો છો, મહેતા? શાકંભરીને ગુજરાત ઉપર લાવવાની વાત છે?’

કાંચનદેવીએ વીજળીવેગે વાતનો દોર પકડી લીધો હતો. તે સમજી ગઈ. કુમારપાલ આંહીં હવે આવી જ ગયો હતો. એણે કાઢનારો જુદ્ધ ખેલે ત્યારે, પણ પોતાના સોમેશ્વરનું સ્થાન પટ્ટણીઓના દિલમાં સ્થાપી દેવાનો આ ખરેખરો સમય હતો. 

તે ગૌરવથી આગળ આવી: ‘મહેતા!’ તેણે મોટાં અવાજે સૌ સાંભળે તેમ કહ્યું, ‘શાકંભરી જો પાટણ ઉપર આવતું હોય, તો મારો આ સોમેશ્વર એની સામે સૌથી પહેલો જશે! હું પુત્રી પાટણની પહેલી છું... અને પછી શાકંભરીની છું. દીકરો બાપ સામે જશે. રજપૂતી ધર્મને એ નવું નથી. બભ્રુવાહન અર્જુન સામે ગયો હતો. શાકંભરી જો આવતું હોય તો આપણે એ કામ પહેલું ઉપાડો, બીજી વાત પછી. કેમ, કૃષ્ણદેવજી! મહાઅમાત્યજી! તમે શું કહો છો?’

‘પણ અર્ણોરાજ હવે આના બળે કૂદશે – ત્યાગભટ્ટના બળે!’ ઉદયને જરાક વધારે મર્મવેણ કહ્યું.

‘હવે કૂદ્યા...કૂદ્યા! આપણે જ પહેલાં ત્યાં ચાલો! મંત્રીશ્વરજી!’ રાજસભાનો રંગ જ એકદમ પલટાઈ જતો જણાયો. મહોત્સવ જાણે ત્યાં હતો નહિ એવું થઇ ગયું. ઉદયનને એ તો ખપતું ન હતું, એટલે એણે તત્કાલ કહ્યું:

‘કુલસદગુરૂજી! એ તો હવે જે નિર્ણય લેવાશે તે મહારાજ છે નિર્ણય લેનારા પણ તમે આ સિંહાસનને હંમેશાં આશિર્વાદ આપ્યા છે. આજ પણ આપતાં જાઓ પ્રભુ! મહારાજ જયસિંહદેવ દેવપુરુષ હતા. તેઓ પણ ભવિષ્ય નીરખતા. અંતિમ શબ્દ એમણે કાંઈ અમસ્તો કૃષ્ણદેવને આપ્યો હશે? અમારે હવે ત્વરા કરવાની છે. જુદ્ધ માથે ગાજી રહ્યું છે. આપનો આશિર્વાદ મળે એટલે વિજય છે!’

ભાવબૃહસ્પતિને ને પ્રતાપદેવીને ત્યાગભટ્ટની અતિ ઉતાવળે ઘણી કફોડી સ્થિતિમાં મૂકી દીધાં હતાં. તેમણે આ વેણ તરત પકડી લીધું. આશિર્વાદ આપતો એમનો હાથ ઊંચો થયો. કુમારપાલ નમી રહ્યો હતો. 

એમણે બે ડગલાં આગળ વિદાય માટે ભર્યા-ન-ભર્યા ને કૃષ્ણદેવની ત્વરિત નિશાનીએ મંગલવાદ્યોના અવાજથી આકાશને ફરી પાછું ગાજતું કરી દીધું. ગમે તેમ, અત્યારે ત્વરાએ, વિસંવાદ હોય તોપણ, દાબી તો દીધો હતો. કૃષ્ણદેવે એમાં જ વિજય જોયો હતો. તરત પાછું નૃત્ય શરુ થઇ ગયું. ગીતો સંભળાયા. વૈતાલિકોની પ્રશસ્તિઓ ઊપડી. ફરીને મહારાજ કુમારપાલની જયઘોષણાથી આકાશ ગાજવા માંડ્યું. હવામાં અભિષેકમહોત્સવની સૂરાવલિ ઊભી થઇ. સોનારૂપાનાં પુષ્પોથી કુમારપાલને વધાવતું નારીવૃંદ આગળ વધ્યું.

સર્વદેવ પંડિત ચંદન, અક્ષત, ધૂપદીપની અભિષેકસામગ્રી સાથે આગળ આવી રહ્યો હતો.