Gurjareshwar Kumarpal - 17 books and stories free download online pdf in Gujarati

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 17

૧૭

શ્રેષ્ઠી કુબેરરાજને ત્યાં

વિક્રમ સંવત ૧૧૯૯ના માગશર સુદ ત્રીજની મધરાત પછીની પહેલી ઘટિકા ચાલતી હતી. વિધાત્રીની પેઠે પાટણનગરીનું ને ગુર્જરદેશનું ભાવિ અત્યારે એના હાથમાં તોળાઈ રહ્યું હતું. નગરી-આખી તો એ વખતે ગાઢ નિંદ્રાને ખોળે પડી હતી. જાગ્રત પહેરેગીરોના ‘હો...હો...હો...!’ એવા રહીરહીને આવતા પ્રલંબ ચોકીદારી અવાજ સિવાય બીજો કોઈ અવાજ ક્યાંયથી સંભળાતો ન હતો. 

પશુ, પંખી ને પાન સૂઈ ગયાં હતા. સરસ્વતીનાં જલને પણ કોઈ રમણીય સ્વપ્નની મોહકતાએ ઘેનમાં નાખ્યાં હતાં. સઘળે અંધકારનું સામ્રાજ્ય જામ્યું હતું. આકાશી તારાઓ બે પળ આંખો મીંચી ગયા હતા. આમલીની ઓથે રહેનારું ઘુવડ પણ થંભી ગયું હતું. એ વખતે પાટણના અબજોપતિ શ્રેષ્ઠી કુબેરરાજની ઇન્દ્રભવન જેવી હવેલીની ઊંચી કિલ્લાભીંતને આધારે-આધારે અંધારામાં બે માણસો ચાલ્યા આવતા દેખાયા.

એમની નજરે ચારે તરફ ફરતી હતી. પળેપળની એમને કિંમત જણાતી હતી. એમના પગમાં ચિંતાભરેલી અધીરતા બેઠી હતી. હ્રદયમાં એમને ફડક હતી. કોઈ દેખી ન જાય એની સંભાળ રાખવાની હતી. મોંએ એમણે બુકાની બાંધી લીધી હતી. વેશને કાળા અંધારપછેડાથી ઢાંકી લીધો હતો. લેશ પણ અવાજ ન થાય તે માટે પગે પણ એમણે લૂગડાં વીંટી લીધા હોય તેમ જણાતું હતું. કોટની પ્રચંડ દિવાલના અંધકાર પડછાયામા એ બંને પડછાયા જેવા બનીને જ ચાલી રહ્યા હતા. કોઈનો અવાજ આવે છે કે નહિ એ જાણવા વારંવાર તેઓ થોભી જતા હતા, દ્રષ્ટિ બરાબર ઠેરવતા હતા, આગળપાછળ જોતા હતા, અને પછી હરેક પગલાને માપીને મૂકતા હતા. એમનું નિશ્ચિત સ્થાન હજી આવ્યું હોય તેમ જણાતું ન હતું. 

અંતે જે સ્થાનને એઓ શોધી રહ્યા હતા તે આવ્યું. આગળ જનારો માણસ એક ઠેકાણે ઊભો રહી ગયો. એણે કાન સરવા કર્યા. કોઈનો અવાજ આવે છે કે નહિ એ એણે પકડવાનો પ્રયત્ન કર્યો. પણ નિ:સ્તબ્ધ રાત્રીને આજે બે પળ માટે જાણે કોઈ દેવાધિદેવે આજ્ઞા આપીને પાટણ ફરવા મોકલી હોય તેમ એક પાન સરખું પણ ક્યાંય ચાલતું ન હતું.

પોતાના મનમાં પડઘા સાંભળતા એ બંને ત્યાં બે પળ ઊભા રહી ગયા. ભીંતના પથ્થર જેવા એઓ પણ પથ્થર થઇ ગયા. આ પળ એમનું ભાવિ ઘડનારી હતી. થોડી વાર એમ વીતી. બંને વધારે પાસે સર્યા. એકનો અત્યંત ધીમો અવાજ આવ્યો:

‘સ્થાન તો ચોક્કસ આ જ, પણ કાંઈક નવાજૂની હશે, નહિતર સર્વદેવ આવ્યા વિના ન રહે!’

‘અથવા તો એમ ન હોય, કાકભટ્ટ! છેલ્લી પળે એણે નિર્ણય ફેરવ્યો હોય?’

‘કોણે, સર્વદેવે? ના-ના, પ્રભુ! એમ તો હવે શું બને? સવાકોટિનું મહામૂલ્યવાન નંગ કુબેરરાજ શ્રેષ્ઠીએ પોતે જ કાઢી આપ્યું છે ને! તમામ અભિષેક-સામગ્રી અહીં તૈયાર રાખવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે. એટલે એમ તો ન જ હોય. પણ કાંઈક બીજી પરિસ્થિતિ ઊભી થઇ હોય! નહિ તો હમણાં આવ્યા બતાવું. રાજપુરોહિત સર્વદેવને આપણા દેથળી પ્રત્યે ઓછું માન નથી હો!’ 

‘એ તો બરાબર છે, કાક! પણ એ આવે કે ન આવે, આપણે પ્રવેશ તો અંદર જ કરવાનો છે નાં? ક્યાં કરવાનો છે?’

‘એ આવે તો ખબર પડે. વાત તો આંહીંથી કરવાની હતી. પણ વખતે એમાં કાંઈ ફેરફાર થયો હોય તો? પળ-બે-પળ આપણે રાહ જોઈએ. એક જરાક જેટલી ઉતાવળ હવે ભારે પડી જાય તેમ છે!’

ફરીને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. નિ:સ્તબ્ધ રાત્રિ આગળ ચાલતી રહી. એમના મનમાં શંકાનો પડછાયો ઊભો થવાની તૈયારી હતી. એટલામાં દૂરથી આવતો કોઈનો ધીમો પગરવ કાકના કાને પકડી લીધો. તેણે કુમારપાલના ખભા ઉપર હર્ષથી ઉતાવળે હાથ મૂક્યો: ‘એ જ લાગે છે, પ્રભુ!’

કુમારપાલ બોલ્યા વિના તીવ્ર ઉત્સુકતાથી પગરવને આ તરફ આવતો સાંભળી રહ્યો. છતાં પહેરેગીરની શંકાએ બંને, કોટના જડ પથ્થરની સાથે વધારે જડ જેવા બનીને સીધા ઊભા રહી ગયા. પેલો પગરવ વધુ ને વધુ પાસે આવતો ગયો. એમની નજીક આવીને એ અચાનક થોડે આઘે રસ્તા ઉપર અટકી ગયો લાગ્યો. કાકે એક વેધક દ્રષ્ટિથી અંધારું વીંધવાનો યત્ન કર્યો. તેણે કુમારપાલના હાથ ઉપર હાથ મૂક્યો. ‘રાજપુરોહિત સર્વદેવ જ છે. અવાજ આપું?’

‘ના-ના’ કુમારપાલે બહુ જ ધીમા અવાજે કહ્યું, ‘આપણે કોટ-સરસા રહીને એના તરફ સરકતા જઈએ. લેશ પણ અવાજ ન થાય એ જોજો!’

કુમારપાલની અત્યંત સાવધ રહેવાની શક્તિનો કાકને આ  નવો જ પરિચય થયો. બહુ જ આસ્તેકદમ બંને જણા કોટ-સરસા રહીને સરકતા-સરકતા જ આગળ વધ્યા. પેલી આકૃતિ નજીકમાં સામે આવીને તેઓ સ્થિર થઇ ગયા. કોણ આવ્યું છે એ જાણવાનું અંધારામાં અશક્ય હતું. થોડી વાર એમ ગઈ એટલે કાકે વિચિત્ર અવાજ કર્યો. તરત એનો એવો જ પ્રત્યુત્તર વાવ્યો. કાકના આનંદનો પાર ન રહ્યો. સર્વદેવ હતો. 

એટલી વારમાં સર્વદેવ પોતે જ એમના તરફ આવી પહોંચ્યો હતો. તેણે અત્યારે વિચિત્ર દેખાવ ધારણ કર્યો હતો. નદીએ સ્નાન કરવા નીકળ્યો હોય તેમ એના ખભા ઉપરથી એણે એક ધાબળિયું લટકતું રાખ્યું હતું. એના હાથમાં લોટો હતો. એક ધાબળિયું માથે પણ વીંટ્યું હતું. બગલમાં એક નાનકડો દંડીકો હતો. તેણે આવીને બહુ જ ધીમેથી કહ્યું: ‘કોણ, કાકભટ્ટજી? તમે છો કે? મહારાજ છે? આવ્યા છે પોતે?’

પ્રત્યુત્તરમા કાકે એનો હાથ કુમારપાલના હાથમાં આપ્યો. ‘થયું ત્યારે, મહારાજ! હું સર્વદેવ! પણ આપણે ત્વરા કરવી પડે તેમ છે. પડ જાગતું છે. બે-ત્રણ સૈનિકોને મેં પેલી તરફ ફરતા પણ જોયા. અંદર આ કોટની ઉપરથી નીચે ઊતરવા માટે આંહીં નિસરણી હશે, પછી પશ્ચિમ દિશા સાધવાની, કર્કભટ્ટ! કુબેરરાજ પોતે જ મળી જશે. વાગ્ભટ્ટ હશે. પહેલાં મહારાજને જવા દો!’ 

કાક બોલ્યા વિના જ ભીંતસરસો ઊભો હતો. તે જરાક વળાંકમા ઊભો રહી ગયો. એના ગોઠણ ઉપર પગ મૂકીને તરત કુમારપાલે એના ખભા ઉપરથી કોટનો કાંગરો પકડી લીધો. જાતને ઊંચી લઇ જઈને એ એક પળમાં કોટની પાછળ અદ્રશ્ય થઇ ગયો. જેવો અદ્રશ્ય થયો કે કાકની જગ્યાએ સર્વદેવ પોતે આવી ગયો. એ જ પ્રમાણે કાક પણ ઉપર પહોંચી ગયો. બંનેને અંદર જતા જોઈએ લીધા, એટલે સર્વદેવ ત્યાંથી સંસ્કૃત સુભાષિતો બોલતોબોલતો ચાલી નીકળ્યો. 

કુમારપાલ ને કાક મહાશ્રેષ્ઠી કુબેરરાજની હવેલીના પાછળના ભાગમાં ઊતર્યા હતા. એ હવેલી એટલી વિશાળ ખુલ્લી જગામાં હતી કે અરધું પાટણ એમાં સમાઈ જાય. સર્વદેવે કહ્યું હતું તે પ્રમાણે ત્યાં ઉપરથી ઊતરવા માટે  નિસરણી તૈયાર હતી. પહેલાં તો એને આડીઅવળી કરી નાખી. પછી કાક ને કુમારપાલ અંધારામાં રહીને પશ્ચિમ દિશા તરફ આગળ ચાલવા માંડ્યા.

એમને ક્યાં જવાનું હતું એની એમને પોતાને જ ખબર ન હતી. સર્વદેવના કહેવા પ્રમાણે એમને પશ્ચિમ દિશા પકડી. કુબેરરાજ શ્રેષ્ઠીના ભવનમાં રાત કાઢી નાખવાની હતી; એટલી જ વાત પહેલાં થઇ હતી. પણ સર્વદેવે અત્યારે કહ્યું ત્યારે ખબર પડી કે ઉદયન મંત્રીશ્વરનો મોટો પુત્ર વાગ્ભટ્ટ પણ અત્યારે આંહીં જ હતો અને કુબેરરાજ શ્રેષ્ઠી પણ મહારાજ કુમારપાલનો સત્કાર કરવા ખડેપગે તૈયાર હતો. પણ આ વાત ગુપ્ત હોવી જોઈએ, એટલે કોઈ અનુચર એ જાણી ન જાય એની સંભાળ હજી એમને લેવાની હતી. બહુ સાવધ રહીને તેઓ આગળ વધતા ગયા. સર્વદેવે બતાવેલો રસ્તો બરાબર લાગ્યો. આંહીં કોઈ ફરકતું જણાયું નહિ. 

કાકને ખબર હતી કે ઉદયનનો વાગ્ભટ્ટ થોડો પંડિત ગણાતો. રાજપુરોહિત સર્વદેવ પણ પંડિત હતો. એમની પંડિત-મૈત્રીએ અભિષેકકાલને પાસે આણ્યો હતો અને બીજા દિવસની રાજસભામાં કુમારપાલનો તાત્કાલિક અભિષેક જ થઇ જાય, બીજી વાત પછી એવી સર્વ વ્યવસ્થા પણ કુબેરરાજ શ્રેષ્ઠીના ભવનમાં ગોઠવવામાં આવી હતી. ઉદયનની ‘કુમાર નરિંદો’ની હવાએ અનેકને ડોલાવ્યા હતા, તેમ આ શ્રેષ્ઠીને પણ ડોલાવી દીધા હતા! અમારિ ધર્મનો ભારતવ્યાપી વિજયધ્વજ એમને આકર્ષી રહ્યો હતો. એમણે પોતાની હવેલી જ એને ચરણે ધરી દીધી!

બંને થોડાક જ આગળ વધ્યા હશે ત્યાં રસ્તા ઉપરથી કૂદી નીકળ્યો હોય તેવો એક માણસ દેખાયો: ‘કોણ?’ કાકના પ્રશ્નના જવાબમાં ધીમે પ્રત્યુત્તર આવ્યો: ‘કાકભટ્ટ! એ તો હું છું – હું વાગ્ભટ્ટ! મહારાજ સાથે આવ્યા છે નાં? તમે બોલ્યા વિના મારી પછવાડે ચાલ્યા આવો!’ તેણે બે હાથ જોડીને કુમારપાલને પ્રણામ કર્યા અને તે બોલ્યા વિના જ આગળ વધવા મંડ્યો.

આગળ વાગ્ભટ્ટ, પાછળ કુમારપાલ અને કાક – એમ સૌ ભવનના છેક છેવાડેના પાછળના ભાગમાં જઈ રહ્યા હતા. અંધારી રાત્રિમાં એમનો ધીમો પગરવ પણ મોટો અવાજ કરી ન બેસે એની સંભાળ લેતા એઓ પગલાં ભરી રહ્યા હતા.

છેક પાછળ ગયા તો કુબેરરાજ શ્રેષ્ઠીની વાડીનો અવાવરુ ભાગ હોય તેમ લાગ્યું. મુખ્ય ભવન અને તેને લગતી સંખ્યાબંધ મકાનોની હારમાળા પાછળ રહી ગઈ હતી. આંહીં તો કોઈ અનુચર દિવસે પણ ફરકતો નહિ હોય એવું જણાયું. વણખેડી જમીનનું એક મોટું મેદાન વચ્ચે પડ્યું હતું. વાગ્ભટ્ટે એમાંથી ચાલતી જતી પગદંડીનો રસ્તો પકડ્યો.

થોડે દૂર ગયા ત્યાં એક કૂવો દેખાયો. કૂવાના થાળા પાસે વાગ્ભટ્ટ ઊભો રહી ગયો. કુમારપાલને કાક તેની આગળ વધ્યા. વાગ્ભટ્ટે ચારે તરફ દ્રષ્ટિ ફેરવી. આ તરફ ક્યાંય અજવાળું કે ઉજાસ દેખાતાં ન હતા. ક્યાંયથી કાંઈ અવાજ આવતો ન હતો.

‘કાકભટ્ટ! આ સ્થળ આપણે માટે સારામાં સારું છે. છેક છેલ્લી ઘડી સુધી આપણે જાળવવાનું રહેશે. મહારાજ રાજસભા તરફ ફરકી પણ નશે એ માટે આંહીં ત્રિલોચનની દ્રષ્ટિ ફરતી રહે  છે. આપણે આંહીં છીએ એ ખબર કેવળ એક જ માણસને છે – કુબેરરાજ શ્રેષ્ઠીને. બાકી એના અનુચરમાંથી પણ કોઈ એ જાણતું નથી, એટલે આપણે એ રીતે જ રહેવાનું છે. અત્યારે તો, મહારાજ! અમે તમને સારામાં સારું પાથરણું આ કૂવાના થાળાનું આપી શકે તેમ છીએ.’ વાગ્ભટ્ટે બે હાથ જોડ્યા, ‘પણ, પ્રભુ! આ છેલ્લો દિવસ છે. તમે આંહીં થોડો આરામ લ્યો. પ્રભાતને હજી વાર છે. આ તરફ ઉકરડાના ઢગલા પડ્યા છે. પ્રભાત પહેલાં તો કોઈ જ ફરકે તેમ નથી. કૂકડો બોલ્યે હું પોતે આંહીં પાછો આવીશ. આ વખતે, કાકભટ્ટ! તમે બહાર જઈ શકશો. આપણે શું કરવું તે પણ ત્યારે નક્કી થશે. અત્યારે હવે મહારાજને આરામ કરવા દ્યો. કાલે પ્રભાતે તો રાજલક્ષ્મીનો સ્વયંવર હશે!’ બે હાથ જોડીને વાગ્ભટ્ટે પ્રણામ કર્યા અને પછી તે તરત ત્યાંથી અદ્રશ્ય થઇ ગયો. 

એ ગયો એટલે કાકભટ્ટ ને કુમારપાલ કૂવાના થાળામાં ગયા. થાળું ઠીકઠીક ઊંડું લાગ્યું. તેમાં પરાળ પાથર્યું હોય તેમ જણાયું. દિવસે કદાચ આંહીં કોઈ માણસની અવરજવર થતી હોય તો ભલે, બાકી અત્યારે તો કોઈ કાળવું કૂતરુંય ફરકતું ન હતું. બંનેને એ વાતની નિરાંત થઇ ગઈ. આવા એકાંત સ્થળની જ એમને જરૂર હતી. એમણે ત્યાં લંબાવ્યું.

થોડી વારમાં થાકને લીધે કુમારપાલને ગાઢ નિંદ્રા પણ આવી ગઈ. એની પાસે પડ્યોપડ્યો કાક આવતી કાલે શું થશે – વિજય, પરાજય કે અનિશ્ચય – તેના વિચાર કરી રહ્યો હતો. રાજદરબારમાં શી રીતે પ્રવેશ મેળવાશે એ વાત હજી એ સમજ્યો ન હતો. તેમ જ એને મોટામાં મોટો ભય હતો એક જ વ્યક્તિનો – ભાવબૃહસ્પતિનો – સોમનાથના એ નરોત્તમ પૂજારીનો. એ બોલતો ભાગ્યે જ, પરંતુ જ્યારે પણ બોલતો, ત્યારે એના શબ્દમાં ભગવાન સોમનાથની આર્ષદ્રષ્ટિ પ્રગટતી એણે જોઈ હતી. રાજસભામાં કાલે એ શું કરશે – શું કહેશે? કૃષ્ણદેવને પણ ત્યાં ને ત્યાં ભૂ તો પાઈ નહિ દે – એની એને ચિંતા થતી હતી. પણ હવે તો વાત છેક કાંઠે આવી હતી. ‘પડશે તેવા દેવાશે’, કરીને એ પણ આંખો મીંચીને પડ્યો રહ્યો, પણ એણે તો કાગનિંદ્રા ન મળી!

પ્રભાતના છડીદાર કૂકડાએ બાંગ પોકારી-ન-પોકારી ત્યાં કાકભટ્ટ ઊઠીને ઊભો થઇ ગયો. રાજસભામા હાજર રહેવા માટે હવે તેણે આંહીંથી તરત વિદાય લેવાની હતી. પણ હજી વાગ્ભટ્ટ આવ્યો ન હતો. થોડી વારમાં એ આવ્યો એટલામાં કુમારપાલ પણ ઊઠીને ઊભો થયો. 

વાગ્ભટ્ટ સાથે કોઈ રૂપાળો વણિક શ્રેષ્ઠી અત્યારે આવ્યો હોય તેમ જણાતું હતું. કાકભટ્ટને લાગ્યું કે કુબેરરાજ શ્રેષ્ઠી કહે છે તે એ હોવો જોઈએ. એની મોહક સુકુમારતા ગમે તેવાં કઠોર શસ્ત્રધારીને પણ બે ઘડી ઘા કરતો થંભાવી દે તેવી આકર્ષક લાગી. તેની જુવાનીમાં એક પ્રકારની લાક્ષણિક સજ્જનતા બેઠી હતી. તેણે કપાળમાં કરેલો કેસરી ચંદ્રક જાણે લક્ષ્મીદેવીએ સ્વહસ્તે તેના ભાલમાં કર્યો હોય એવી અભિરામ રુચિકર એની ચિન્હરેખા દેખાતી હતી. મુખમુદ્રામા એક-બે વસ્તુ કાકે સ્પષ્ટ દેખી. કુબેરરાજ પોતાના મનથી આખી દુનિયાને લક્ષ્મીના ચરણમાં રજોટાતી સ્પષ્ટ દેખી. એનાથી પર કોઈ જ નહતું. એટલે એની પાસે એક પ્રકારની મહેરબાનીભરેલી રીતે દરેકને નિહાળવાની અનોખી દ્રષ્ટિ હતી. અત્યારે આટલાં આછા અંધાર-ઉજાસમાં પણ એ દ્રષ્ટિની ચક્રવર્તી જીવનસત્તા દેખાઈ આવતી હતી. 

કાકભટ્ટ એણે નિહાળી જ રહ્યો. એણે એક રેશમી વસ્ત્ર પહેર્યું હતું, એક ઓઢ્યું હતું. એના હાથ ઉપરનું નંગ અત્યારે શુક્ર સમું પ્રકાશી રહ્યું હતું. એના બંને કાનમાં ત્રણત્રણ મોટાં મોતીનાં બબ્બે લંગર લટકતાં હતા. એ આવીને ઊભો – અને ક્ષણભર સૌને થઇ ગયું કે જાણે ઇન્દ્રનો વૈભવ પોતે પ્રગટ થયો છે! કાકભટ્ટે તેની અઢળક દોલત વિશે સાંભળ્યું તો હતું. એને ત્યાં એક હજાર હાથી ઝૂલતા. એંશી હજારનું ધેનુધણ ઊભું રહેતું. તેની હાજરીમાં કલ્પતરુના સ્વપ્ન સમો વિપુલતાનો એક આકાશી પડછાયો જાણે પ્રગટતો કાકે અનુભવ્યો. અકિંચનતાનો ખ્યાલમાત્ર મગજમાંથી સરી જતો જણાયો. કુબેરરાજ શ્રેષ્ઠીને ત્યાં સોનું, રૂપું, માણેક, મોતી ને રત્નો હિમકણ પેઠે વરસતાં. છ કરોડ સોનૈયા એના ભંડારમા ગણાતા. એંશી મન રાતો કહેવાતાં. આઠ હજાર મણ રજત કાઢવું એ એને માટે છોકરીની પાંચીકા-રમત લેખાતી!

કુબેર સમા આ કુબેરરાજ શ્રેષ્ઠીને કાક નિહાળી રહ્યો, એણે એને આજે પહેલો જ જોયો. લક્ષ્મીનંદનના મોં ઉપર લોકો જાદુ હોવાનું કહે છે. કાકે એ અનુભવ્યું. પણ એટલામાં તો વાગ્ભટ્ટે કહ્યું: ‘કાક ભટ્ટરાજ! હવે તમારે જવું જોઇએ. મહારાજ તો બરાબર સમયસર જ ત્યાં રાજસભામા આવવાના. કુબેરરાજ શ્રેષ્ઠીજી પોતે આમાં રસ લે છે, એટલે હવે આપણો બેડો પાર છે!’ 

‘હું તો શું છું, પ્રભુ!; કુબેરરાજે બે હાથ જોડ્યા. ‘અરિહંતની આ બધી કૃપા છે. અમારે ત્યાં મહારાજનાં પગલાં ક્યાંથી? પણ હવે આપણે આંહીંથી ઊપડવું જોઈએ, પછી મોડું થશે! અત્યારની પળેપળ કીમતી છે. પ્રભુ! ક્ષણના પણ વિલંબ વિના તરત જ સૌ ઊપડ્યા. કુબેરરાજ આગળ હતો. વાગ્ભટ્ટ, કુમારપાલ, કાક એ ક્રમ પ્રમાણે સૌ પાછળ ચાલતા હતા. કોઈ કાંઈ બોલતું  હતું. 

કાકભટ્ટને લાગ્યું કે ઉદયને આખા જૈન સમાજને એક ગાથાના આધારે તૈયાર કરી દીધો છે. આ અબજોપતિ શ્રેષ્ઠી તે વિના આવી હિંમત કરે ખરો? એક રીતે હજી આ રાજદ્રોહ જ હતો. એમ ને એમ એ સૌ રાજભવન તરફના હવેલીના કોટની પાસે પહોચ્યા. કોટને બરાબર અડીને એક નાનુંસરખું મંદિર દેખાયું. મંદિરના પ્રવેશદ્વાર ઉપર એક દીપક બળી રહ્યો હતો. કુબેરરાજે તેને ઉપાડી લીધો. તેણે નીચે ભોંયરામાં ઊતરવા માંડ્યું. સૌ પાછળ ચાલ્યા.

બધો ભેદ પ્રકાશ આવતાં સ્પષ્ટ થવા માંડ્યો. મંદિરમાં થઈને જ એક રસ્તો કોટની બહાર નીકળતો જણાયો. ત્યાં બહાર પણ કોટને અડીને આવી રહેલી આવી જ દેરી હતી એમાં એ અટકતો હતો. દેરીના દ્વાર સામાન્ય રીતે બંધ રહેતાં જણાયાં. આ બીજી દેરીમાં આવ્યા એટલે શ્રેષ્ઠીએ દીપકને એક ઠેકાણે મૂકી દીધો. એના પ્રકાશમાં વધારે સ્પષ્ટ થઇ ગયું: નાનીસરખી, ભોંમા કોતરેલી મંડપિકા હોય એવી, આ દેરીની રચના હતી.

પ્રકાશ રેલાતાં કાકે ચારે તરફ એક દ્રષ્ટિ કરી ને એ છક થઇ ગયો. તમામ પ્રકારની અભિષેક-સામગ્રી તૈયાર પડેલી એણે જોઈ. સ્વસ્થતાથી બેસી શકાય એવું એક આસન ત્યાં પડ્યું હતું. કુબેરરાજ શ્રેષ્ઠી બે હાથ જોડીને કુમારપાલને એ આસન તરફ દોરી રહ્યો: ‘મહારાજ! આ આસન ઉપર આપ પધારો. આંહીં કોઈ વસ્તુની ખોટ જણાશે નહિ. આમાં જ નીચે પાણીનો કુંડ છે. વસ્ત્રો પણ તમામ આંહીં તૈયાર છે. ત્યાં જરિયાન પાઘ પડ્યો છે, ઉપવસ્ત્રો છે. શણગાર છે. આહીંથી બહાર નીકળવા માટે કેવળ આ દ્વાર ખોલવાનું રહેશે.

કુબેરરાજે પોતાની પાસેનું ભીંત-સરસું એક પથ્થરદ્વાર સહેજ ઉઘાડ્યું પવનની એક ઠંડી લેરખી આવી ગઈ. એણે તરત એ પાછું બંધ કરી દીધું. એક બાજુ ભાર આપવાની ક્રિયા કુમારપાલે નજરમાં રાખી લીધી. વાગ્ભટ્ટે આખી યોજના કુમારપાલ પાસે મૂકવાની શરૂઆત કરી:

‘મહારાજ! આ પથ્થરનું દ્વાર આપને બહાર લઇ જશે: પણ એ ખુલ્લા રસ્તા ઉપર નહિ મૂકી દે. નાનાસરખા ચોકમાંથી જવાનું આવે છે. બરાબર સામે પૂરાં પચીસ પગલાં પણ નહિ, રાજભવનની પાછલી ભીંતે એક નાનકડી બારી પડે છે. રસ્તામાંથી ચાર-પાંચ પગથિયાં નીચે જવું પડે છે. એ બારી અરક્ષિત પડી રહે છે. કોઈ દિવસ કોઈએ એ ઉઘાડી નથી. એક વખત કર્ણદેવ મહારાજના સમયમાં એ ઊઘડી હતી. સંકટસમયે રાજરાણીઓને ભાગવું પડે એ માટે એ રાખેલી છે. મહારાજ ત્રિભુવનપાલના જમાનાનો એક વૃદ્ધ ચોકીદાર ત્યાં રાતદિવસ પડ્યોપાથર્યો રહે છે. મહારાજે સૈનિકોની દ્રષ્ટિ ચૂકવીને, ત્વરાથી થોડો અંધકાર ત્યાં એ બારી પાસે પહોંચી જવાનું રહેશે. બારી આજ ખુલ્લી હશે. એ બધી વાત સર્વદેવે ગોઠવી છે. અને એક વખત અંદર ગયા પછી ક્યારે કેમ ને શું કરવું એ ત્યાંના વ્યવહારથી નક્કી થતું જશે. મહારાજ એ તક સાધે – એમ સૌની ધારણા છે – પછી જેવી પરિસ્થિતિ. મહારાજ પોતે જ તે વખતે નિશ્ચય કરે. મૂળ પ્રશ્ન તો અંદર પ્રવેશનો છે.’

કુમારપાલ કાંઈ બોલ્યો નહિ. એ આખી પરિસ્થિતિને મનમાં ઉતારી રહ્યો હતો. સમય ઘણો કિંમતી હતો. તેણે થોડી વારે કહ્યું:

‘વાગ્ભટ્ટ! તમે મને આંહીં હમણાં પહેલી જ વખત મળો છો. તમને આ વાત કેમ લાગે છે?’

‘પ્રભુ! બધી વાત – એટલી તૈયારી પડી છે કે મહારાજે કેવળ  બરાબર તકની પળ પકડવાની રહેશે. અમે પણ ત્યાં છીએ જ.’

‘તો હવે જાઓ, શ્રેષ્ઠીજી તમે પણ...’

કુમારપાલે તરત બેઠા થઈને ચારે તરફ એક આંટો માર્યો શ્રેષ્ઠીએ બતાવ્યું હતું તે ભીંતદ્વાર જોયું. એણે હાથનો ભાર દઈ જોયો. પોતાની લાંબી તરવાર ઉપર એણે હાથ નાખ્યો. આત્મવિશ્વાસથી જવાબ મળ્યો: ‘વાગ્ભટ્ટ! કાકભટ્ટ! હવે તમે જાઓ. શ્રેષ્ઠીજી, તમે પણ. આંહીંથી બરાબર હવે એ જ પ્રમાણે થશે...’

‘મારે પણ જવાનું છે, પ્રભુ!’ કુબેરરાજે બે હાથ જોડ્યા અને કુમારપાલના આસન નીચે હાથ નાખી એક રત્નજડિત અનુપમ મ્યાન બહાર કાઢ્યું, કુમારપાલ સામે તે ધર્યું: ‘પ્રભુ! આ એને માટે છે.’ તેણે લાંબી તલવાર સામે આંગળી ચીંધી બતાવી, ને પછી ચારે તરફની અભિષેક-સામગ્રી ઉપર એક અર્થભરી દ્રષ્ટિ ફેરવી. કુમારપાલે એ અર્થ પકડી લીધો. 

વાગ્ભટ્ટ ને કાકભટ્ટ બંનેએ પ્રણામ કર્યા. તેઓ અદ્રશ્ય થઇ ગયા. થોડી વાર પછી શ્રેષ્ઠી કુબેર પણ હાથ જોડીને પ્રણામ કરતો બહાર નીકળી ગયો. કુમારપાલ નીચે જલકુંડ ઉપર ગયો. 

એ પાછો આવ્યો ત્યારે હજી સમય હતો. તૈયાર થઈને બહાર જવાના સમયની રાહ જોતો એ ત્યાં બેઠો રહ્યો. પણ હવે એ એકલો પડ્યો, એટલે એના મનમાં પોતાની યોજના ચાલી. અત્યારે અડગ ખડક સમી નિશ્ચલતા એના મનમાં આવીને વસી ગઈ હતી. એક વખત ફરીને મંદિરમાં આંટો મારવા એ આસન ઉપરથી ઊભો થઇ ગયો. એનો એક હાથ એની લાંબી રત્નજડિત કૃપાણની મૂઠ ઉપર સ્થિર થયો. એના ટેકે-ટેકે એણે ધીમા પગલે ચારે તરફ ફરવા માંડ્યું.

જેમજેમ એ ફરતા ગયો તેમતેમ એના પગલેપગલામાંથી રણક્ષેત્રની ભયંકર અડગતા ઊભી થવા માંડી. ગુર્જરદેશને એ એકલો જ  બચાવી શકે, અને બીજો કોઈ જ ન બચાવી શકે – એવો આત્મવિશ્વાસી રણકો એના રોમેરોમમાંથી પ્રગટવા માંડ્યો. એનાં પગલાં વધારે ઉતાવળાં બન્યાં, પણ દરેક પગલું વધુ દ્રઢ થતું હતું, સ્થિર થતું ગયું. એની મુખમુદ્રા ઉપર ઉત્સાહનું અનોખું તેજ આવી ગયું. આંખમાંથી જાણે અગ્નિનો પ્રકાશ આવવા માંડ્યો. પોતાની સમશેરમાંથી નીકળતી વીરવાણી જાણે એ સાંભળતો હોય તેમ થોડી વાર એના ટેકે વચ્ચોવચ્ચ એકલો ઊભો રહી ગયો. છેવટે તો આ જ તારી ખરી રાજદાત્રી છે એવો એક નિષ્કંટક ધ્વનિ એ સાંભળી રહ્યો હતો. નાનકડા ગોખમાંથી બહાર જઈ રહેલી એની દ્રષ્ટિ જાણે દિગંતવ્યાપી ગુજરાતનું સામ્રાજ્ય જોતી હોય તેમ ત્યાં સ્થિર થઇ ગઈ હતી. રમણીયતાભરેલી કોઈ સ્વપ્નનિંદ્રામા પડ્યો હોય તેમ એ બે પળ આંખને બંધ કરી ગયો. 

પણ એની એ રમણીય સ્વપ્નનિંદ્રામાંથી એ તત્કાલ સફાળો જાગી ઊઠ્યો. 

દિશાઓને ડોલાવે એવા શંખધ્વનિથી બહારનું આકાશ ગાજી ઊઠ્યું હતું.

કુમારપાલે તરત પોતાનો પાઘ ઠીક કર્યો. રત્નજડિત ઉપવસ્ત્ર સરખું કર્યું, તલવાર હાથમાં લીધી. ઉતાવળાં પગલે પેલાં ભીંતદ્વાર પર આવીને એણે જરાક ત્યાં કાન દીધા. શંખધ્વનિ, નગારાં, ભેરી, ઝાલર, પખાજ, મૃદંગના અનેક પ્રકારના ધોષનિઘોષ આવી રહ્યા હતા.

તેણે દ્રઢતાથી પેલાં ભીંતદ્વારને એક તરફ જરાક ભાર આપ્યો, તરત માણસ નીકળે એવી જરા-જેટલી જગ્યા થઇ ગઈ. એ બહાર નીકળી ગયો.

એણે જોયું કે એ પોતે એક નાનાંસરખા ચોકમાં આવ્યો હતો. સામે જ રાજ્યભવનના ભવ્ય મહાલયનો ઉત્તુંગ કોટ દેખાતો હતો. ચોકના એક સ્તંભને આડે ઊભો રહીને એ બધું જોવા લાગ્યો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED