Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 16

૧૬

યોજનામાં યોજના

સરસ્વતીના તીરમાં તારાસ્નાન કરીને કાકભટ્ટ પાછો ફરી રહ્યો હતો. મહારાજ સિદ્ધરાજને અગ્નિદાહ દીધો હતો એ સ્થળ આવતાં એની નજર સહજ એ તરફ વળી ને કોઈ સ્વપ્ન જોયું હોય તેમ એ થંભી જ ગયો. અરે! સેનાપતિ કેશવ અહીં અત્યારે ક્યાંથી? એને નવાઈ લાગી.

ઝડપથી એક નાનકડા ઝાડની પાછળ તે છુપાઈ ગયો, એ શું છે તે જોવા લાગ્યો. થોડી વાર થઇ. મલ્હારભટ્ટ આવતો દેખાયો. ‘બંને એકીસાથે આંહીં?’ કાકને વધુ આશ્ચર્ય થયું.

મલ્હારભટ્ટને કેશવ એમની મંત્રણા કરીને પાછા ફરતા આ તરફથી આવી રહ્યા હતા. કાકભટ્ટ એમને જતા જોઈ રહ્યો. ભોંભાંખળું હજુ થતું આવતું હતું, એટલે પોતાને એમણે જોયેલ હોય તેમ કાકને લાગ્યું નહિ.

મોડેથી જયારે એ મંત્રીશ્વર ઉદયનને ત્યાં ગયો, ત્યારે હજી એ સેનાપતિના વિચારમાંથી પૂરેપૂરો મુક્ત થઇ શક્યો ન હતો. એણે અનુભવ હતો કે નાની સરખી માહિતી વિચાર કરતાં ઘણું મોટું પરિણામ બતાવે છે. એટલામાં તો એના માટે એક બીજું આશ્ચર્ય પાછું અનાહીન ઊભું હતું. અત્યારમાં આંહીં મંત્રીશ્વરના ભવનમાંથી કેટલીક વારાંગનાઓને નીકળતી એણે દીઠી! એને નવાઈ લાગી: આ બધું છે શું?

એ વિચાર કરતો બહાર ઊભો રહ્યો. પણ એટલામાં તો જાણે એક સૈન્ય જ અંદર પેસી ગયું હોય તેમ મૃદંગ, ભેરી, પખાજ, શંખ, નગારાં એમ એક પછી એક અનેક વાદ્યકાર માણસો નીકળતાં જ ગયા!

આ બધું શા સંબંધે છે એ એ કળી શક્યો નહિ. પણ તેને લાગ્યું કે ચોક્કસ ઉદયન કાંઈક નવીન યોજના ઘડી રહ્યો જણાય છે. 

ટોળું ગયું, એટલે એ અંદર પેઠો તો મધ્યખંડમા ત્યાં એણે કેટલાંક શ્રેષ્ઠીઓને ઊભા રહેલા દીઠા. એટલે મુખ્ય ખંડમાં ન જતા એ બાજુ તરફ ગયો; શું થાય છે તે શાંત રહીને જોવા લાગ્યો. એટલામાં તો એ વારંવાર સાંભળતો હતો તે ગાથા સંભળાઈ: ‘ભવતિ કુમ્મર નરિંદો...’

બધાએ એકીસાથે શાંત અવાજે એ ઝીલી લીધી. પાંચ-પચીસ વખત એની એ ગાથા બોલાતી રહી. થોડી વાર પછી એક પછી એક સૌ કાંઈ ન હોય તેમ ચાલતા થઇ ગયા. 

આ બધું શા માટે છે એનું કાક અનુમાન કરી શક્યો. રાજસભા અંગેની આ વાત લાગી. પણ એણે ઉદયનની વાતના ઊંડાણનો ઘણો અનુભવ મળ્યો હતો.

એ વિચાર કરતો મંત્રીશ્વરના ખંડમાં પ્રવેશતો હતો. એટલામાં કૃષ્ણદેવને એણે આવતો જોયો. એ કાંઈક મંત્રણા કરવા આવી રહ્યો હોય તેમ લાગ્યું. એટલે કાકે બહાર ઊભા રહેવામાં ઔચિત્ય જોયું. પણ ત્યાં અંદરથી એક તાલી પડી: ‘કાકભટ્ટજી! આંહીં આવો, આંહીં. આ કૃષ્ણદેવજી પણ આવ્યા છે. આપણે આજે તો કોઈ નિર્ણય લેવો પડે તેમ છે!’

‘શાનો પ્રભુ!’ કાકે અંદર પ્રવેશ કર્યો. કૃષ્ણદેવ ત્વરાથી અંદર આવ્યો. એના ચહેરા ઉપરથી જણાતું હતું કે કાંઈક અગત્યની મંત્રણા માટે જ આવ્યો છે. 

એના આ માનસપરિવર્તનની કાકને નવાઈ લાગી. સર્વશ્રેષ્ઠ હોવાનો એનો દાવો હજી તો એના ચહેરા ઉપર બેઠો હતો. એટલે તેની આટલી આ ઢળતી બાજુને છેલ્લા દિવસોના બનાવો સાથે સંબંધ હોઈ શકે, અને એમ જ હતું. 

કૃષ્ણદેવને થોડા પરિચયમાં જ કુમારપાલનું વર્તન સીધું જણાવા લાગ્યું હતું. એ સમજી ગયો: દુઃખથી એ ઢીલો પડ્યો હતો. બાકી પોતાની એક જાતને આધારે એ દુનિયા જીતવા નીકળે એવો ગર્વીલો હતો. માનવની આ એક વિચિત્રતા હસવા સરખી છે. પોતાનો દોષ એ દેખી શકતો નથી, બીજાનો જોયા વિના રહી શકતો નથી. કૃષ્ણદેવને કુમારપાલની અડગ વજ્જરતામાં અભિમાન જણાયું હતું. એને એની આ હવેની નમ્રતા દુઃખથી ભાંગી ગયાના એકરાર સમી જણાઈ. 

પણ ઉદયનની વાત કુમારપાલને અસર કરી ગઈ હતી. આ ગુર્જરદેશને એણે છિન્નભિન્ન થઇ જતો રોકવો જ રહ્યો. એને લાગ્યું કે એ એને માટે જ નિર્માણ થયો છે, એના એકનામાં જ એ તાકાત છે.

આટલી પ્રેરક ભાવનાએ તો એને કૃષ્ણદેવનો એ અસહ્ય ગર્વ પણ પ્રેમથી સહન કરતો કરી મૂક્યો! પરિસ્થિતિને સાચવી લેવાની એની અનુભવવિદ્યા ગજબની ગતિશીલ હતી. એટલે એણે બહુ થોડા પરિચયમાં કૃષ્ણદેવને તત્કાલ ખાતરી કરાવી દીધી. કૃષ્ણદેવને લાગ્યું કે રાજસિંહાસન જો કુમારપાલને મળે તો રાજસત્તા નિ:શંક પોતાની જ રહેવાની! એને થયું કે એક વખત સત્તા એની થઇ જાય, પછી કુમારપાલને પણ ક્યાં રાજસિંહાસનનો અમરપટો પોતે લખી આપ્યો છે? પછી દેખી લેવાશે. જેવી વાત તેવો વેશ. 

એનું આ માનસ ઉદયને કળી લીધું. એણે એનો તાત્કાલિક ઉપયોગ કર્યો. અત્યારે એ જ વાત કરવા એણે એને બોલાવ્યો હતો. ત્રણે જણા ત્યાં બેઠા કે બે પળમાં જ ગંભીર મંત્રણામા પડી ગયા. કૃષ્ણદેવની સૂચના હતી: કુમારપાલને હવે ફેરવી નાખવામાં સહીસલામતી રહી હતી. ઉદયનને એમાં જોખમ જણાતું હતું.

‘એવું છે, મહેતા! મને કેશવ સેનાપતિ મળી ગયો. એઓમાંના કોઈને હજી નિરાંત નથી. કુમારપાલ મારે ત્યાં હોવાની એમની શંકા દ્રઢ બની ગઈ છે. ને અત્યારે તો ઊઠાં ભણાવ્યાં, પણ એઓ કાંઈ એમ માની જશે? કોઈક યોજના એઓ કરતાં હોવા જોઈએ. રાજસભાને દિવસે જ કુમારપાલને અદ્રશ્ય ન કરી દે? મને લાગે છે, કુમારપાલજીને હવે બીજે ફેરવી નાખવા.’

ઉદયનને વાત બરાબર જણાઈ. સેનાપતિ કેશવનું નામ સાંભળતાં કાક ઊંચોનીચો થઇ ગયો. એને સવારવાળી વાત સાંભરી આવી. કૃષ્ણદેવની વાતથી એને નવી દ્રષ્ટિ મળી. એની બુદ્ધિ આવા પ્રસંગે કામ કરવા મંડી જતી. એના નિર્ણયો સો ટકા સાચા નીવડતા. તે મંથનમાં પડી ગયો હતો. 

કૃષ્ણદેવ આગળ બોલો રહ્યો: ‘રાજસભા મળશે ત્યારે આપણે સૌ ત્યાં હોઈશું. કુમારપાલજી આંહીં હશે. આંહીંથી ત્યાં એમને આવવું રહ્યું. એટલું જોખમ પણ તે દિવસે શા માટે?’

‘ત્યાં રાજસભામાં સૌની વાત રજૂ થશે જ થશે. મહાઅમાત્યજીની એ અવિચળ નીતિ છે.’

‘મેં એટલા માટે મહીપાલને દધિસ્થળીથી બોલાવ્યો છે.’

‘કીર્તિપાલ પણ આવવાનો છે. કુમારપાલ પણ તેમની સાથે જાય તો? તે દિવસે શું થશે? જુઓ, કંચનબા સોમેશ્વરની વાત મૂકશે. ભાવબૃહસ્પતિ ત્યાગભટ્ટની તરફેણ કરશે. પછી કુમારપાલજી છે. બીજા પણ કોઈક એક-બે આવશે. દૂરદૂરથી મહારાજ સિદ્ધરાજના પુત્રો હોવાનો દાવો કરતાં પણ નીકળી પડશે. એમાં કુમારપાલજી આંહીં હોય ને આંહીંથી ત્યાં આવે તે તમને ઠીક લાગે છે...? તમને શું લાગે છે?’

‘કેમ? એમાં શું? તમે એક જાતવંત ઘોડો તૈયાર રખાવજો. મેં વસ્ત્રાલંકારનું કહેવરાવ્યું છે. નગરશ્રેષ્ઠી આભડ શેઠ પોતે લઈને આવશે... આભડ શેઠ છે, છટાક શ્રેષ્ઠી છે, કુબેરરાજ છે.’

‘એમ નથી...’ કૃષ્ણદેવે કહ્યું, ‘કુમારપાલને અદ્રશ્ય કરવાનો પ્રયત્ન થઇ જાય તો? આપણે આંહીં હોઈએ નહીં ને રાજસભામાં રાહ જોવાતી રહે! એ પળ ગઈ તે પછી ગઈ જ સમજવી!’

‘હા...’ કાકને અચાનક જ પેલાં બે – કેશવ ને મલ્હારભટ્ટ – ની આજની યોજનામાં જ એ દેખાવા માંડ્યું. આવી શોધમાં એની ઘ્રાણેન્દ્રિય તીવ્ર હતી. વસ્તુનો તાળો મેળવવામાં એની બુદ્ધિ એકદમ ચપળ થઇ જતી. એને કૃષ્ણદેવની વાત તરત મનમાં ઊતરી ગઈ. ‘કૃષ્ણદેવજી!’ એણે તત્કાલ કહ્યું: ‘એમ કરો – તો-તો કુમારપાલજીનું સ્થાન હમણાં ન ફેરવવું. હવે તો એ ફેરવણીમાં જોખમ છે. પણ તે દિવસની પહેલાં ફેરવવું. તે દિવસે કુમારપાલજીને રાજદરબારમા પહોંચતા કરવાનું મારા માથા ઉપર!’ એક વખત ફરીને કેશવની વાત રોળી નાખવાના ઉત્સાહે કાકને ઉત્તેજન આપ્યું. એની કલ્પના આખી  યોજનાને પ્રત્યક્ષ દેખવા માંડી ને મનમાં તો એક જુદ્ધ પણ એ ખેલી ગયો! વાગ્ભટ્ટને ને પુરોહિત પંડિત સર્વદેવને મૈત્રી હતી. કાકે એ વસ્તુ ઉપર મનમાં વિચાર કર્યો. એ એક વસ્તુ કામ આવે એવી હતી. 

‘તો ત્યાં એમને પહોંચાડી દેવાના – એ જવાબદારી મારી!’ કૃષ્ણદેવ બોલ્યો.

‘ભૈ! તમે બંને બહાદુર છો,’ ઉદયન મંત્રીએ વિનોદ કર્યો, ‘હું તો વૃદ્ધ. હું શું બીજી જવાબદારી લઉં? હું પણ કંઈક કરી શકીશ. કાકભટ્ટજી! તમે પછી મળજો ને! આપણો વાગ્ભટ્ટ પણ વખતે ઉપયોગી થઇ પડે. પણ તમે વિચાર કર્યો છે કૃષ્ણદેવજી?’

ઉદયને એને વધુ બંધનમાં લેવામાં વિજય જોયો: ‘તમે ગમે તેમ પણ મહારાજના અંતેવાસી હતા, એ તમારી કીર્તિ પ્રગટ છે. તમારી એકની જ પાસે એમનો છેક છેલ્લો અંતિમ આજ્ઞાશબ્દ હોવાની લોકમાન્યતા છે. મહારાજના એ શબ્દો લોકો કોઈ રીતે ભૂલવા માગતા જ નથી, પછી એ ગમે તે હોય. કુમારપાલજીને સ્થાપવાની મહારાજની અનિચ્છા એમણે ઘણી વખત પ્રગટ કરી છે.’

‘એ બધું છે, મહેતા! પણ આપણી પાસે આ... છે!’ કૃષ્ણદેવે પોતાની તલવાર બતાવી. 

ઉદયનને આ માણસ અભિમાની જણાયો હતો, પણ એને હવે શંકા થઇ: ક્યાંક એ મૂર્ખ હોય નહિ? તો એ મૂર્ખ મિત્ર ડાહ્યા દુશ્મન કરતાં નપાવટ નીકળે! તેને એના તલવારી બળમાં વિશ્વાસ બેઠો નહિ: ‘એટલે આપણે લડીને રાજ લેવું છે, એમ?’

‘ના-ના તમે સમજ્યા નહિ! આ ધારણ કરનારો આખો વર્ગ આપણો છે, એમ મેં કહ્યું. એને આપણે કહીશું તે અંતિમ શબ્દ. આપણે શું અંતિમ શબ્દ કહેવો તે આપણે જાણીએ છીએ.’

‘શું?’

‘તે તમે તે દિવસે જોશો.’ કૃષ્ણદેવ બોલ્યો. ઉદયને એની વધારે પૃચ્છા કરવામાં અત્યારે સાર પણ ન જોયો, પણ એને જરાક શંકા ગઈ: બરાબર વખતે આ ફસકી જાય તો? કૃષ્ણદેવ આગળ બોલતો હતો:

‘એ વર્ગ સત્તાધીશ રહેવાની મહેચ્છા સેવે છે, અત્યારે સત્તા ભોગવે છે. એનો બોલ રાજસભામા વર્ચસ્વી રહેવાનો! આપણે એમને સાધી રાખવા, એટલે કુમારપાલજીનો જયકાર બોલાવીશું!’

‘એ તો બરાબર!’

‘પણ કુમારપાલજીનું મનોબળ મજબૂત છે! રાજા રહેવાનું ને સત્તાત્યાગ કરવો – એ એમને ફાવશે?’

‘બધું ફાવશે, કૃષ્ણદેવજી! ત્યાં પણ ક્યાં તમે દોરનાર નથી!’ ઉદયને એ વાતને અત્યારે આગળ ન ખેંચવામાં સાર જોયો. 

‘હું તો દોરીશ જ, પણ પછી...’

‘જુઓ, કૃષ્ણદેવજી! એક વાત થતી હોય ત્યારે બીજી ઊભી ન કરવી. એમાં બેય બગડે. તમે પછી ક્યાં દોરનાર બેઠા નથી કે એની ચિંતા કરવાની હોય? અત્યારે તો આપણે રાજસભાના દિવસે શું કરવાનું છે એ નક્કી કરો. પહેલાં તો કહો, રાજસભા ક્યારે છે? દિવસ નક્કી થયો છે?’

‘સર્વદેવે મુહુર્ત આપી દીધું છે.’

‘ક્યારે?’

‘મહાઅમાત્યજી કહે છે, માગશર સુદી ચોથે!’

‘હેં!’ ઉદયન આશ્ચર્યથી એની સામે એક પળભર જોઈ રહ્યો. પણ એના આશ્ચર્યથી કાંઈ બીજી શંકા ઊભી થાય તે પહેલાં જ બોલી ગયો: ‘તો-તો સોનામાં સુગંધ જેવી વાત થઇ ગઈ. તે દિવસે રવિવાર છે, પુષ્યનક્ષત્ર પણ છે! વાહવાહ!’

‘ત્યારે, કાકભટ્ટજી! તમારે ત્રીજને દિવસથી જ આ બાજુ સાંભળી લેવાની રહેશે!’ કૃષ્ણદેવ બોલ્યો. 

‘હા, પ્રભુ! હું તો હવે આ બાજુ સંભાળતો જ રહેવાનો. કોને ખબર શી યોજના ચાલી રહી હોય? આજે જ સવારે મેં મલ્હારભટ્ટ ને કેશવ સેનાપતિને જોયા હતા!’

‘ક્યાં?’ ઉદયનને શંકા ગઈ. ચોક્કસ કોઈક યોજના – કુમારપાલજીને અદ્રશ્ય કરવાની જ ચાલતી હોવી જોઈએ.

‘મલ્હારભટ્ટ ને કેશવ સેનાપતિ બંને વહેલા પ્રભાતે સરસ્વતીના તીરે દેખાયા હતા. દેખીતી રીતે મહારાજના ભસ્મસ્થાન પાસે ગયેલા હોવા જોઈએ.’

આ સમાચારે સૌને ચમકાવી મૂક્યા. એટલું ચોક્કસ હતું કે હવે તો દરેક દિવસ વધારે ને વધારે મહત્વનો બની રહ્યો હતો.

‘ધારાવર્ષદેવજી તો ગયા!’ કૃષ્ણદેવે હવાને જરાક હળવી કરવા માટે કહ્યું. 

‘એક રીતે એ ઠીક થયું, કૃષ્ણદેવજી! આપણો ગોળ હવે આપણે ચોળી ખાઈએ છીએ. ભલે જે આવતા હોય તે આવે.’

‘એઓ આવ્યા ને ગયા એમાં બીજું તો કાંઈ નહિ હોય નાં?’

‘ના-ના, બીજું તો શું હોય? એમણે કહ્યું એ જ લાગે છે. ત્યાં વાત સળગી દેખાય છે. કોક જુવાનડો કે નિર્માલ્ય આંહીં આવે તો ભડકો થાય! રાજસભામા આ વાત પણ આપણે મૂકવાની.’ ઉદયન બોલ્યો. બોલતાંબોલતાં તે ઊભો થઇ ગયો. ‘ત્યારે. કૃષ્ણદેવજી, આપણે હવે સાવધ રહેવું પડશે. કુમારપાલજીને હમણાં ફેરવવા નહિ પણ સાચવવા. કેમ, કાકભટ્ટ? આ નક્કી થાય છે નાં? તમે મને પછી મળજો!’

કાકને લાગ્યું કે ઉદયન કોઈક નવી કેડીના મંથનમા પડ્યો હતો. તેણે ડોકું ધુણાવ્યું. 

થોડી વાર પછી કૃષ્ણદેવ ગયો. કુમારપાલને જાળવવામાં હવે એનો જ સ્વાર્થ હતો, એટલે એ તરફની તો ઉદયનને નિરાંત થઇ ગઈ. પણ કોઈ નવી યોજના અચાનક ફૂટી નીકળી તે વખતે કૃષ્ણદેવ જ આડો ફાટ્યો તોપણ વાંધો ન આવે એ માટે કોઈક પગલું ભરવાની એના મનમાં ગડભાંગ ચાલી રહી હતી. કેવળ કૃષ્ણદેવના આધારે રહેવું એ એને ઠીક ન લાગ્યું. એણે અચાનક કાકભટ્ટના ખભા ઉપર હાથ મૂક્યો: કાકભટ્ટજી! તમને લાગે છે એ જ મને પણ લાગી રહ્યું છે. કુમારપાલજીનું પળેપળે ધ્યાન રાખવાનું રહેશે. આપણે એમને રાજદરબારના સાંનિધ્યમા જ રાખી દેવા પડશે. નગરશ્રેષ્ઠી કુબેરરાજનો મહાલય ત્યાં પાસે છે તમે એ જોયો છે? આપણે એક દિવસ અગાઉથી એ ગોઠવણ પાર ઉતારવાની રહેશે. આજ તમે પેલા બેને જોયા – તેઓ ત્યાં શું કરતા હતા?’

‘મહારાજના ભસ્મસ્થાન તરફથી આવ્યા. હું સ્નાન કરીને પાછો ફરી રહ્યો હતો!’

ઉદયન વિચારમાં પડી ગયો.

‘કાકભટ્ટજી! આ બંને જળસમાધિ નહિ લે ત્યાં સુધી જંપશે નહિ ને આપણને જંપવા દેશે નહિ. ત્રીજો ત્રિલોચન છે. ચોથો પેલો બર્બરક. પણ જુઓ આ કૃષ્ણદેવ છેલ્લી ઘડીએ ફરી બેસે તો?’

‘હા...’ કાકને નવાઈ લાગી. કૃષ્ણદેવ ઉપર આપણે રખડી પડીએ તેવો વિશ્વાસ ન મૂકવાની પેરવી રાખી હોય તેમ જણાયું.

‘એટલે આપણે રાજસભામાં ઠેકાણે-ઠેકાણે આપણા માણસ રોકી દેવા કુમારપાલનું નામ કૃષ્ણદેવ મૂકે તો તરત – ને ન મૂકે તો આપણી ઈશારતે – “મહારાજ કુમારપાલદેવનો જય” એ ઘોષણા દિગંતવ્યાપી અવાજે બધા ઉપાડી લે. એ થતાંની સાથે જ શંખનાદ, ઘંટનાદ, ઘંટાઘોષ, મૃદંગ, પખાજ વાગી ઊઠે. વારાંગનાઓ નૃત્ય કરે. ચમર ઢળવા માંડે. સેનાપતિઓ અભિવાદન આપે. એક પળ પણ બીજું કોઈ રોકી જ ન શકે. સોલક ગાયાનાચાર્યને બોલાવવો – દેથળીથી. નીલમણિ તો છે. આપણે એ બધું કરી રાખવું પડશે. હું એ ગોઠવણમાં પડું છું. તમે આજે કુબેરરાજના મહાલય તરફ જરા આંટો મારજો! વાગ્ભટ્ટ ત્યાં કાંઈક ગોઠવણ કરવાનો છે. પુરોહિત સર્વદેવ એનો મિત્ર છે. અભિષેક પણ તાત્કાલિક જ કરવો પડશે, નહિતર તો પછી કૃષ્ણદેવ છે. વાતને ટલ્લે જ ચડાવી દે તો? એટલે આપણે એ પણ જોવું પડશે.’

કાક જવાબ વાળે તે પહેલાં બંને ચમકી ઊઠ્યા. બહાર મોટા અવાજ સાથે કોટપાલ ડિંડિમિકાઘોષ કરાવી રહ્યો હતો: ‘માગસર સુધ ચોથ ને રવિવારે સવારે ત્રીજા પ્રહરે રાજસભા થવાની છે. સૌને આવવાનું આમંત્રણ છે. સિંહાસનપાદુકા વિશેનો રાજવારસ સમક્ષ ન્યાય અપાશે.

સાદ સાંભળજો... નગરજનો હો!... સાદ સાંભળજો હો!’