Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 11

૧૧

મલ્હારભટ્ટને પાઠ શિખવાડ્યો

અવિચળ રાજભક્તિથી જો સિંહાસન પાસે ઊભા રહેવાનું હોય તો બર્બરક પછી બીજો આંકડો પડે મલ્હારભટ્ટનો. એવી અવિચળ રાજભક્તિ. એવો વ્યક્તિપ્રેમ. પણ માલવામાં એને ઉદયનનો ભેટો થયો, ત્યારથી એનો કોઈ એકાદ ગ્રહ તો વાંકો જ રહેતો હતો. વડવાળી પ્રપા પાસે કુમારપાલ જેવો કોઈક છે, એ પત્તો એણે પોતે જ ઘણા પ્રયત્ને મેળવ્યો હતો. મહાઅમાત્યને વાત કરી હતી. ધાર પરમાર ત્યાં રાત રહ્યા હતા. એમણે કોઈકને જોયાની વાત કરી. મલ્હારભટ્ટની વાતને ટેકો મળ્યો. લોકશંકા અકારણ જાગ્રત ન થાય, માટે સાંજ પડ્યા પછી પ્રપાને ઘેરવાનું નક્કી થયું. રાતના અંધારપછેડામા કુમારપાલને લપેટી લેવાનો ભાર એના ઉપર મુકાયો. જીવનની મહેચ્છાનો મોટામાં મોટો દિવસ મલ્હારભટ્ટને નજીક આવતો દેખાયો, વાણિયો ખંભાતનો પોળે-પોળે, ઘેરઘેર ને આડેધડ જૈન મંદિરો ઊભાં કરતો હતો, એને ઠીક-ઠીક બોધપાઠ આપવાની આ તક આવી હતી. પણ એમાંય ક્યાંક કોક વાંકો ગ્રહ બેસી ગયો હતો. 

મહાઅમાત્ય મહાદેવને એક વાત સમજાઈ ગઈ હતી – કુમારપાલની પાછળ આ ખાઈપીને મંડ્યા છે એવી હવા જો ઊડશે તો લોકો કુમારપાલની દયા ખાવા દોડશે. એમાંથી એનું કારણ બળ મેળવી લેશે. એટલે એને ભાલાવા છેટે રાખવો, નજર રાખવી, પણ ખણખોદનું મહત્વ ન આપવું. એની યોજનામાં ઘર્ષણ ટાળવાનું હતું, એટલે એણે મલ્હારભટ્ટની વાતને પણ એટલી જ મહત્તા આપી. નિત્ય-સંચાલનના કાર્યક્રમનો ભાર કુમારતિલક ત્યાગભટ્ટને સોંપતાસોંપતા જ એણે વગર બોલ્યે રાજસિંહાસનસ્થ જેવો બનાવી દેવાનો હતો. મુગટ પછી માથે મૂકી દેવાનો રહે એટલું જ! એટલે મહાદેવ ઘર્ષણ ટાળવા ઈંતેજાર હતો. કુમારપાલ હાથ પડી જાય તો ઠીક, નહિતર એણે આઘે ને આઘે રાખવો – એટલું એની નીતિ પ્રમાણે બસ હતું.

એટલે સાંજ પડ્યે મલ્હારભટ્ટ નીકળ્યો તે પણ જાણે હંમેશના કર્મ પ્રમાણે ઘોડેસવારો સીમમાં જતા હોય તેમ નીકળ્યો હતો. અમુક સ્થળે સૌને ભેગા થવાનું હતું. મલ્હારભટ્ટે આજે દેખરેખ બરાબર રખાવી હતી. વડ પાસે હજી સુધી કોઈ ફરકી શક્યું ન હતું. ત્રિલોચનપાલવાળો સાધુડો પણ ક્યાંય દેખાયો ન હતો. 

ખંડેર પાસેથી મલ્હારભટ્ટ નીકળ્યા ત્યારે ઠીકઠીક અંધારું હતું. એણે કાંઈક પ્રકાશ જેવું ખંડેરમાં ફરતું દીઠું અને શંકા પડી. એણે તરત થોભવાની આજ્ઞા આપી, પોતે નીચે ઊતર્યો, ધીમાં પગલે ખંડેર તરફ ગયો. 

આ અવાવરુ ખંડેર કુમારપાલની તપાસમાં એ ઘણી વખત જોઈ વળ્યો હતો. એ ઠીક વિશાળ હતું. અંદર કૂવો હતો. ધર્મશાળા જેવું હતું. પડી ગયેલું એક શિવાલય એમાં હતું. હજી કોઈ મૂર્તિ સ્થપાઈ ન હતી. ચારે તરફ ફરતો ભાંગી ગયેલો કોટ હતો. મલ્હારભટ્ટને એનો આખો નકશો યાદ હતો. સીધો મુખ્ય દરવાજા ઉપર ગયો. 

દરવાજો અંદરથી બંધ લાગ્યો. એને નવાઈ લાગી. એની શંકા દ્રઢ થઇ. અંદર કાંઈક હતું ખરું. 

તેણે બારણાંની તડમાંથી જોયું. અંદર કોઈના ઘોડાં હણહણતાં હતાં. કોણ હશે? અત્યારે અહીં કોણ હોય? વિક્રમસિંહની વાત આજે થઇ હતી, એટલે એના મનમાં એનું નામ ઊગી નીકળ્યું. એ તો ન હોય? તો સૂર્ય ભેગા વીંછીના પણ થઇ જાય. એ પોતે એકલો પાછળના ભાગમાં ગયો, ભીંત ઉપર ચડીને અંદર દ્રષ્ટિ કરવા લાગ્યો. 

કાકભટ્ટે બહાર ઘોડાનો અવાજ આવતો સાંભળ્યો હતો. મલ્હારભટ્ટ આવી રહ્યો હતો એ ખબર એને મળી ગયા હતા, એટલે એણે વધારે બારીકીથી તપાસ કરવા માંડી. બે-ચાર મશાલો આમતેમ ફેરવવા માંડી. 

‘અલ્યા, કોણ છે આંહીં અંદર? આંહીં શું કરો છો?’

કાકને સમજાઈ ગયું. મલ્હારભટ્ટ પ્રપા માટે જવા નીકળ્યો હતો. આંહીં એ ઠરી જાય એમ કરવાનું હતું. એણે કંઈ જવાબ આપ્યો નહિ. 

મલ્હારભટ્ટની શંકા વધી: ‘કેમ કોઈ બોલતું નથી? અંદર આંહીં શું છે?’

કાકે જાણે ગભરાટમા હોય તેમ જવાબ વાળ્યો: ‘અરે, ભૈ! તમે તમારે તમારું ચોકીનું સંભાળો ને! રાજકાર્યમા મફતની ધાંધલ શું કરવા કરો છો? આંહીં તમારે જાણવા જેવું કંઈ નથી. તમને કોને મોકલ્યા છે?’

‘પણ તમે છો કોણ?

‘તમે કોણ છો?’

‘તમે જ કહો ને, તમે કોણ છો?’

‘તમે બોલો ને!’

‘હું મલ્હારભટ્ટ!’

‘ત્યારે હું કાકભટ્ટ!’

‘અરે! કાકભટ્ટ તમે છો? તમે આંહીં ક્યાંથી?’

કાકભટ્ટે, હવે જાણે એને છેતરવો હોય તેમ, અવાજ ધીમો શાંત કરી દીધો, ‘મલ્હારભટ્ટજી! તમે છો? હાં-હાં, નીકળ્યા હશો ચોકી ઉપર, અમે આંહીં એક કામે આવ્યા હતા.’

‘શું?’

‘કાક આગળ સર્યો. ધીમા, ગભરાયેલા અવાજે બોલ્યો: ‘કોઈને કહેતા નહિ. વિક્રમસિંહનો કોઈ માણસ આંહીં આટલામાં હોવાના સમાચાર આવ્યા –’

અને તેણે એક દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી.

‘તમે એટલા માટે આવ્યા છો?’

‘હા! હા! હા!’ કાકે જાણી જોઇને ઉતાવળે ત્રણ વાર હા કહી નાખી. પણ હવે મલ્હારભટ્ટને બીજી શંકા ગઈ. તેને લાગ્યું કે કદાચ આ મંત્રીનો પ્રેર્યો કુમારપાલને આંહીં મળવા આવ્યો હશે તો? પ્રપામાંથી નીકળીને રાતે આંહીં મળવાનો કુમારપાલે સંકેત આપેલ હોવો જોઈએ. પેલો સાધુડો જેને ત્રિલોચનપાલ શોધે છે એણે આ વાત કરી હોવી જોઈએ. વિક્રમસિંહનું ભળતું નામ આણે જાણીજોઈને છેતરામણ ઊભી કરવા વાપર્યું લાગે છે. કુમારપાલ આંહીં પણ હોય – આનો ગભરાટ ને ઉતાવળ જોતાં – તો-તો એ આંહીં જ સપડાઈ જાય. કુમારપાલ વિના, બીજા કોના માટે, આ વાણિયાનો ભેરુ અત્યારે આંહીં આવ્યો હોય? વિક્રમસિંહનું નામ તો આડે ધર્યું એટલા માટે, જો આ ચાલ્યા જતા હોય તો. એણે એનો જ લાભ ઉઠાવવા વિચાર કર્યો. એણે એનો જ લાભ ઉઠાવવા વિચાર કર્યો. એણે કાકભટ્ટને કહ્યું: ‘કાકભટ્ટજી! તો-તો દરવાજો ઉઘાડી નાખો. અમે પણ એ જ કામગીરી ઉપર છીએ!’

કાકે વધુ ગભરાટનો દેખાવ કર્યો: ‘કઈ કામગીરી? એમાં બેની શી જરૂર છે, મલ્હારભટ્ટજી! અમે હમણાં એને હાથ કર્યો જાણો. આટલામાં જ હશે. તમતમારે જાઓ, તમારે બીજાં કામ હોય.’

‘અરે! એક કરતાં બે ભલા!’ મલ્હારભટ્ટ ઠેકડો મારીને હૈયારખી ઉપર આવ્યો અને ત્યાંથી નીચે કૂદ્યો.

કાકે ગભરાટભર્યો હઠાગ્રહ લંબાવ્યો: ‘ના-ના! તમે ઘણી ચોકી રાખી છે. આજ આ સેવા અમારી.’

‘કાકભટ્ટજી! જુઓ ને, પછી બહુ ઝીણું કાંતીએ, તો તાર તૂટી જાય. અમારે ભીત ઠેકવી પડશે.’

કાકે પોતાને વધુ ભય લાગ્યો હોવાનો ડોળ કર્યો.

‘કાકભટ્ટજી!’ મલ્હારભટ્ટ બોલ્યો. 

એટલામાં તો કાકભટ્ટે હઠીલા સાથે હાથવાત કરી લીધી હતી. કાકભટ્ટે જાણે, બીજો ઉપાય નથી કરીને કહેતો હોય તેમ કહ્યું: ‘અલ્યા, ભૈ! દરવાજો ઉઘાડો ત્યારે, એક-બે જણા દોડો તો –’

હઠીલો ને વૌસરિ આગળ વધીને દરવાજો ઉઘડવા જવા લાગ્યા. કાકે એમને જતા જોયા. એણે મલ્હારભટ્ટને વાતોએ વળગાડ્યો: ‘અમે આંહીં છીએ, પછી તમારી શી જરૂર છે, મલ્હારભટ્ટજી?’ એણે એને જાણી જોઇને ચીડવ્યો. એની દ્રષ્ટિ એણે પોતાના ઉપર ખેંચી રાખવી હતી. એ એની આડે ઊભો હતો. 

‘દરવાજે જવા દો મશાલ, કાકભટ્ટજી! ત્યાં ઘોડેસવારોની ભેળંભેળા છે. આંહીંની જવાબદારી અમારી પણ છે.’

‘એ મશાલ!’ કાકે બૂમ પાડી. 

કાકે જાણ્યું કે વૌસરિ ને હઠીલો હવે બહાર નીકળી ગયા હશે. સૂચના બધી અપાઈ ગઈ હતી, પણ તેણે મલ્હારભટ્ટની શંકા વધે એમ કર્યું: ‘જુઓ, મલ્હારભટ્ટજી! જવાબદારી તમારી ખરી, પણ સ્થાન ઉપર અમે પહેલા છીએ.’ 

‘તેનું શું?’

કેમ તેનું શું? અમે જેને શોધીએ છીએ તેણે હાથ કરી લઈએ, પછી તમે નિરાંતે ફરો.’

‘તમે કોને શોધો છો?’ મલ્હારભટ્ટે કાંઈક કડક અવાજે કહ્યું.

‘જેને તમે શોધો છો તેને.’ કાકે જવાબ વાળ્યો.

‘અમારી પાસે તો ચોક્કસ માહિતી છે.’

‘અને તમે કેમ ધાર્યું કે અમારી પાસે માહિતી નહિ હોય?’ કાકને લાગ્યું કે આની શંકાને હવે થોડીક ઠારવી પણ જોઈએ: ‘અમારી પાસે પણ માહિતી છે, મલ્હારભટ્ટજી!’ તે એની વધુ પાસે સર્યો, ધીમેથી વિશ્વાસમાં લેતો હોય તેમ બોલ્યો: ‘મલ્હારભટ્ટજી! વિક્રમસિંહનો અંગત માણસ હોવાની અમને માહિતી મળી છે.’

મલ્હારભટ્ટને એ વાત આડે રસ્તે લઇ જવા માટે કરતો હોય તેમ લાગ્યું. 

‘તો-તો એક કરતાં બે ભલા. તમારી સાથે અમે પણ જોવા માંડીએ.’

કાકે થોડી વાર સુધી એની શંકા વધતી રહે એમ કર્યા કર્યું. કોઈ છાનું સ્થળ હોય ત્યાં પોતે મશાલ લઈને જવા મંડ્યો, કોઈ સ્થળ આડે જરા ઊભા રહેવાનો ઢોંગ આદર્યો, ક્યાંક જાણે ન જવાનો ડોળ કર્યો. મશાલો ઓછી હતી. ખંડેર વધારે હતાં. પ્રકાશ બહુ આછો ને ઓછો હતો. માણસ છુપાઈ રહેવા ધારે તો રહી શકે તેમ હતું. મલ્હારભટ્ટે ચારે તરફ ભીંતે માણસો ગોઠવવા માંડ્યા. પોતે ઘૂમવા માંડ્યો, દરવાજે બંદોબસ્ત રખાવ્યો, અંદર તસુએ તસુ જમીન જોવા માંડી. 

કાકને જ્યારે લાગ્યું કે હવે હઠીલો ને કુમારપાલ એમની રાહ જોતા ઊભા હશે, ત્યારે એણે નિરાશાવાદી થાકના સૂર કાઢવા માંડ્યા.

‘મલ્હારભટ્ટજી! જુઓ ને, આ કારણ વિનાની ઉપાધિ. એક સૂરજ આથમતાં કેટલું અંધારું? વિક્રમસિંહનો માણસ હોય તો આમાંથી ક્યાં ગપત થાય? મને તો લાગે છે, એ અપશુકન જોઇને આવ્યો જ નહિ હોય. ધાર પરમારે જોયું હશે કાંઈ ને સમજ્યા હશે કાંઈ! હું તો હવે જઉં છું. કૃષ્ણદેવજીને કહીશું કે અમે ખૂણેખૂણો શોધ્યો. તમે આવો છો નાં?’ કાકે એને ભેગા લેવાની તાલાવેલી બતાવી. 

મલ્હારભટ્ટને લાગ્યું કે હવે આજની વાત રોળીટોળી નાખવા માટે આ જુક્તિ છે. બીજી વખત પછી જોઈ લેવાશે, એવી ગાંઠ વાળી જણાય છે. કુમારપાલ હજી સંતાઈ રહ્યો હશે કે વખતે આંહીં આવ્યો જ ન હોય. તેણે મોટેથી કહ્યું:

‘તમે ભૈ! સુખી છો. કૃષ્ણદેવજી એમ માની જાય. ત્રિલોચનપાલ જેવા કાંઈ માને?’

‘હું પણ રોકાઈ જઉં, લ્યો, ને! તમે કહેતા હો તો થોડી વાર, પણ આ મૂઈ માને ધાવવા જેવું છે. આંહીં કોઈ કાગડોય ફરતો દેખાતો નથી.’

‘તમે ક્યારે આવ્યા?’ મલ્હારભટ્ટે અચાનક એને પૂછ્યું. કાક એના સવાલને સમજીને મનમાં હસ્યો: ‘તને આજ પગ ઠોકતો રાખવો છે, બામણા!’

‘તમારી પહેલાં જ પગ મૂક્યો. અમે દરવાજો બંધ કર્યો ને તમારાં પગલાં સાંભળ્યાં!’

‘પણ ત્યારે હોય તો તો હજી આંહીં જ હોય. કોઈ બહાર તો જઈ શક્યું નથી!’

‘ના. કોઈ બહાર તો નથી ગયું.’

એટલામાં એક માણસ મલ્હારભટ્ટ પાસે આવ્યો. એણે તેના કાનમાં કાંઈક વાત કરી. કાકને વાત શાની હશે એ ખબર હતી. તેણે ધમાલ કરી મૂકી: ‘અલ્યા એ! મશાલ પેલે ખૂણે લઇ જા તો! એ કિરીટજી! તમે પેલી ભીંતની તપાસ રાખો. ત્યાં કોઈ ઊભું લાગે છે! આકડો છે? એમ? એ પણ ઠીક આપણને અત્યારે ઠેબે ચડાવે છે!’

પણ એટલામાં મલ્હારભટ્ટ ધૂઆંપૂઆં થઇ ગયો હતો.

‘કાકભટ્ટજી! આનું પરિણામ સારું નહિ આવે હો! મારો ઘોડા...’ અને તેને અચાનક સાંભર્યું હોય તેમ તેણે એ વાક્ય અધૂરું મૂકી દીધું; ઉતાવળે પેલાં માણસને કહ્યું: ‘તમે તમામ વડવાળી પ્રપાની જગ્યા તરફ ઊપડો!’

‘શું તમારો ઘોડો. મલ્હારભટ્ટજી. માંદો થઇ ગયો છે કે શું?’ અને પછી કાકે શાંત મીઠાશથી ઉમેર્યું! ‘તો હું મારો આપું!’

‘કાંઈ નહિ!’ મલ્હારભટ્ટે ઉતાવળે જવાબ વાળ્યો. એણે હવે સમજાઈ ગયું હતું કે આંહીં એને જાણીજોઈને ખોટી કરવામાં આવ્યો હતો. એટલી વારમાં વડવાળી જગ્યાએ ચોક્કસ કોઈ પહોંચી ગયું હોવું જોઈએ. પોતાનો ઘોડો ત્યાં નથી, એ સમાચારે પણ એ ધૂઆંપૂઆં થઇ ગયો હતો.

કાકે અનુમાન કર્યું: હઠીલાએ કાંઈક બીજું નવું પરાક્રમ પણ કર્યું લાગે છે. 

‘શું છે ઘોડાનું, મલ્હારભટ્ટજી?’

‘કાંઈ નહિ!’ મલ્હારભટ્ટ બોલ્યો અને તે એકદમ પોતાના તમામ માણસો સાથે ત્યાંથી ઊપડી ગયો. વડવાળી પ્રપાને ઘેરી લેવાની એને હવે તાલાવેલી લાગી હતી. એને લાગ્યું કે એ મોડો પડ્યો છે.