Suraj - Review books and stories free download online pdf in Gujarati

સુરજ – રીવ્યૂ

ફિલ્મનું નામ : સુરજ     

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : ટી. ગોવિંદરાજન અને એસ. કૃષ્ણમૂર્તિ 

ડાયરેકટર : ટી. પ્રકાશ રાવ  

કલાકાર : રાજેન્દ્ર કુમાર, વૈજયંતીમાલા, અજીત, મુમતાઝ, જોની વોકર, ગજાનન જાગીરદાર, ડેવિડ, લલિતા પવાર અને મલ્લિકા 

રીલીઝ ડેટ : ૨૫ માર્ચ ૧૯૬૬

        ધર્મેન્દ્રની ફુલ ઔર પથ્થર અને આયે દિન બહાર કે, સુનીલ દત્તની મેરા સાયા અને આમ્રપાલી, મનોજ કુમારની દો બદન  અને સાવન કી ઘટા, દિલીપ કુમારની દિલ દિયા દર્દ લિયા, શશી કપૂરની પ્યાર કિયે જા જેવી એક થી એક ચઢિયાતી ફિલ્મો (લિસ્ટ હજી લાંબુ છે.) ૧૯૬૬ ના વર્ષમાં રીલીઝ થઇ હતી અને એવા શંભુમેળામાં સ્વેશબક્લર રુરીટેનિયન રોમાન્સ પ્રકારની ફિલ્મ સુરજ કમાણીમાં બીજે નંબરે રહી હતી.

        તે સમયમાં પણ દક્ષિણના નિર્માતાઓ અને નિર્દેશકો સારી હિન્દી ફિલ્મો આપતા હતા અને સુરજ તેનો ઉત્તમ નમૂનો છે. ટી, પ્રકાશ રાવે આ પહેલાં પણ એન. ટી. રામારાવને ચમકાવતી જયમ મનડે નામની કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ(તેલુગુ) ડાયરેક્ટ કરી હતી અને તે અનુભવ તેમને આ ફિલ્મ બનાવતી વખતે કામમાં આવ્યો.

        ફિલ્મરસિયાઓ માટે શંકર જયકિશનના સુંદર સંગીતથી મઢેલી આ ફિલ્મ ખરેખર જલસો  છે. ફિલ્મમાં ચોક્કસ ગાળો દર્શાવવામાં આવ્યો નથી. ફિલ્મ જોઈ ત્યારે એટલું જ ધ્યાનમાં આવે કે રાજા મહારાજાઓનો સમય હતો.

        વિક્રમ સિંઘ (ડેવિડ) એ બત્રીસ રજવાડાના રાજા છે અને પોતાના વફાદાર મિત્ર સંગ્રામ સિંઘ (નિરંજન શર્મા) ને તેની બહાદૂરી અને વફાદારી માટે પ્રતાપનગરના રાજા બનાવી દે છે અને સાથે જ પોતાની તાજેતરમાં જન્મેલી દીકરી અનુરાધાનું સગપણ સંગ્રામ સિંઘના દીકરા પ્રતાપ સાથે કરી દે છે. પોતાના વચનની નિશાની તરીકે એક હાર વિક્રમ સિઘ સંગ્રામ સિંઘને આપે છે, જે તે પોતાના દીકરા પ્રતાપને પહેરાવી દે છે.

        પ્રતાપ હંમેશાં સંગ્રામ સિંઘના વફાદાર રામ સિંઘ (ગજાનન જાગીરદાર) સાથે રહેતો હોય છે. એક દિવસ પ્રતાપ રામ સિંઘ સાથે રમતો હોય છે અને તે હાર નીચે પડી જાય છે. તે હાર એક દાસી ઉઠાવી જાય છે અને હાર ન મળતાં સંગ્રામ સિંઘ રામ સિંઘને ગુનેગાર માની લે છે અને તેને સજા આપે છે.

        બીજે દિવસે તે હાર મળી જાય છે, પણ રામ સિંઘના મનમાં બદલાની ભાવના સળગી ઉઠે છે અને તેને સંગ્રામ સિંઘ નિર્દોષ જાહેર કરે તે પહેલાં તે પ્રતાપને ઉપાડીને જંગલમાં ભાગી જાય છે. રામ સિંઘને એક દીકરો સુરજ અને એક દીકરી ગીતા પણ હોય છે. ચાર વર્ષ પછી રામ સિંઘ ચાલાકી કરે છે અને પોતાના દીકરા સુરજના હાથ ઉપર પ્રતાપ જેવું જ બળવાનું નિશાન બનાવીને સંગ્રામ સિંઘ પાસે મોકલી દે છે. રાજા સંગ્રામ સિંઘ અને રાણી (લલિતા પવાર) હાથનું નિશાન જોઇને માની લે છે કે એ તેમની દીકરો છે.

        બીજી તરફ રામ સિંઘ રાજુકુમાર પ્રતાપનું નામ સુરજ કરી દે છે અને કડક હાથે તેનો ઉછેર કરે છે. મોટો થયેલ સુરજ (રાજેન્દ્ર કુમાર) બહાદૂર છે અને લોકો તેને ખુબ પ્રેમ કરે છે કારણ તે બધાંને મદદ કરતો રહે છે. તેને રામ સિંઘ ત્યાંથી પસાર થઇ રહેલ સરકારી ખજાનો લુંટવા કહે છે, પણ તે જ સમયે સુરજ અને તેના સાથીદાર ભોલા (જોની વોકર)ની નજર પ્રતાપનગરના રાજકુમાર પ્રતાપ (અજીત) ના કાફલા ઉપર પડે છે, જે ગામની છોકરીઓને બળજબરીથી લઇ જઈ રહ્યો હોય છે. સુરજ તેનો સામનો કરે છે અને છોકરીઓને બચાવે છે.

        સંગ્રામ સિંઘને પ્રતાપની કરતૂતોની જાણ થતાં તેનું રાજતિલક કેન્સલ કરી દે છે, પણ રાણીની વિનવણીથી પ્રતાપના લગ્ન કરાવવા માટે તૈયાર થઇ જાય છે અને તેઓ મહારાજ વિક્રમ સિંઘ અને રાજકુમારી અનુરાધા (વૈજયંતી માલા) ને વાર્ષિક ઉત્સવ દરમ્યાન આવવા માટે આમંત્રણ આપે છે.

        જીદ્દી અનુરાધા પોતાના પિતા વિક્રમ સિંઘને એ માટે મનાવી લે છે કે તે એકલી જ પોતાની દાસી કલાવતી (મુમતાઝ) સાથે પ્રતાપનગર જશે. બંને એકલી નીકળે છે, પણ રંગપુરમાં પ્રતાપના માણસો તેને ઉપડવાનો પ્રયત્ન કરે છે. તે સમયે સુરજ તેને બચાવે છે. તે મનોમન સુરજની બહાદૂરીથી અંજાઈ જાય છે અને તેને રાજકુમાર સમજી બેસે છે. મહેલમાં અનુરાધા પોતાની ઓળખાણ કલાવતી તરીકે આપે છે અને કલાવતીને રાજકુમારી તરીકે પેશ કરે છે.

        ધીમે ધીમે અનુરાધાને ખબર પડે છે કે જેને તે રાજકુમાર સમજે છે એ સુરજ નામનો લુંટારો છે, પણ દિલથી બહુ સારો છે અને પછી તે તેના પ્રેમમાં પડી જાય છે, બીજી તરફ પ્રતાપ દાસી બનેલી અનુરાધાને પોતાના વશમાં કરવા માટે તત્પર છે. શું અનુરાધા બચી શકશે? શું સંગ્રામ સિંઘને ખબર પડે છે કે સુરજ અસલી રાજકુમાર છે? આગળ શું થાય છે એ જાણવા માટે આ ઘટનાસભર ફિલ્મ જોવી રહી.

        આ ફિલ્મમાં હીરોઅન ટ્રેક સાથે કોમેડીનો એક ટ્રેક પણ ચાલતો રહે છે અને તેનો નાયક છે ભોલા જે કોતવાલ (આગા) ની દીકરી માધુરી (મલ્લિકા) ને પરણવા માટે એક અલગ જ ઢોંગ રચે અને તેને રોકવા માટે અનોખે (મુકરી) પણ પોતાની તરફથી પ્રયત્નો કરતો રહે છે. તે સમયમાં કોમેડીનું પણ આગવું મહત્વ હતું અને તે માટે ઘણીવાર કોમેડીયનોને  હીરો કરતાં પણ વધુ પૈસા મળતાં. આ ફિલ્મમાં પણ જોની વોકરના અનોખા રંગ જોવા મળે છે. તેની હિરોઈન મલ્લિકા એ મુમતાઝની નાની બહેન અને દારાસિંઘના ભાઈ રંધાવાની પત્ની. તેનો દીકરો શાદ રંધાવા હિન્દી ફિલ્મોમાં સક્રિય છે.

        આ ફિલ્મમાં ક્યાંક મીસકાસ્ટિંગ પણ થયું છે. ડેવિડને વિગ લગાવીને અને પાઘડી પહેરાવીને કોઈ ઈચ્છે કે દર્શકો બત્રીસ રજવાડાનો મહારાજ છે એ માની લે (ઐસા સોચા હી કૈસે.) અભિનયની ઉસ્તાદ લલિતા પવારને ભાગે વધુ કાંઈ કરવાનું આવ્યું નથી. જોતી વખતે એમ થાય કે હમણાં એ કોઈ ચાલબાજી કરેશે, પણ છેલ્લે સુધી એ કંઈ કરતી નથી (એ તો ધોખા હૈ.) અન્ય કલાકારોએ પોતાના ભાગે આવેલું કામ સરસ રીતે પાર પાડ્યું છે. મુમતાઝ ઉપર ફોકસ ન હોવાથી હેરાન પરેશાન થવાના અને ક્યાંક વૈજયંતી માલાને ટોકવાના કેટલાક ડાયલોગ સિવાય બીજું કંઈ જ નથી. આ ફિલ્મથી એક નાની કલાકારે બોલીવુડમાં પ્રવેશ કર્યો જે આગળ જઈને ફિલ્મસ્ટાર અને કપૂર ખાનદાનની વહુ બની. નીતુ સિંઘ આ ફિલ્મમાં રામ સિંઘની દીકરી ગીતાના નાનપણના રોલમાં છે.

        આ ફિલ્મનો હીરો રાજેન્દ્રકુમાર બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યો હતો. તેના પિતાની કરાચીમાં કપડાંની મિલ હતી, પણ દેશના ભાગલા પડવાને લીધે બધું છોડીને ભારત આવી જવું પડ્યું. યુવા રાજેન્દ્ર કુમાર તુલીએ પોતાના કેરિયરની શરૂઆત આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે કરી. ચાર વર્ષ સુધી તેણે આ કામ કર્યું. ૧૯૫૦ માં દિલીપ કુમાર અને નરગીસને ચમકાવતી ફિલ્મ જોગનમાં નાનો રોલ કર્યો અને તેના ઉપર નજર પડી દેવેન્દ્ર ગોયલની. તેમણે પોતાની ફિલ્મ વચનમાં રાજેન્દ્ર કુમારની હીરો તરીકે ચમકાવ્યો અને તે ફિલ્મ સિલ્વર જ્યુબિલી હીટ થઇ. ત્યાર બાદ તેને મેહબૂબ ખાનની ફિલ્મ મધર ઇન્ડિયામાં રોલ મળ્યો અને ત્યારબાદ તેણે પાછળ વળીને જોયું નથી.

        રાજેશ ખન્નાના આગમન સુધી તેનું બોક્સ ઓફીસ ઉપર રાજ ચાલતું રહ્યું. લોકો તેને જ્યુબિલી કુમાર નામથી બોલવતાં. તેની મોટાભાગની ફિલ્મો સફળ રહી. જો કે તેને ફિલ્મમાં અભિનય માટે ફિલ્મફેર કે અન્ય એવોર્ડ ક્યારેય ન મળ્યો, પણ તેનું બોલીવુડમાં યોગદાન નિશ્ચિતતાથી છે. લોકો કહેતા કે તે ચહેરાને બદલે હાથથી વધુ અભિનય કરે છે. ભારત સરકારે તેને પદ્મશ્રી પુરસ્કાર આપીને તેનું સન્માન કર્યું તે ઉપરાંત ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કાનૂન અને મેહંદી રંગ લાગ્યો (ગુજરાતી ફિલ્મ) ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો.  ફિલ્મફેર એવોર્ડ તેનાથી છેટો જ રહ્યો.

તેની ફિલ્મોની સફળતામાં સંગીતનું પણ એટલું જ યોગદાન હોતું અને આ ફિલ્મમાં પણ એવું જ છે. શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલ ગીતોને શંકર જયકિશને જબરદસ્ત સંગીત આપીને શણગાર્યાં છે. તિતલી ઉડી ઉડ જો ચાલી (શારદા), દેખો મેરા દિલ મચલ ગયા (શારદા), કૈસે સમઝાઉં બડી નાસમઝ હો (રફી સાબ અને આશા ભોસલે), ઇતના હૈ તુમસે પ્યાર મુઝે (રફી સાબ અને સુમન કલ્યાણપુર), ચેહરે પે ગિરિ ઝૂલ્ફે (રફી સાબ), બહારોં ફુલ બરસાઓ (રફી સાબ).

        રાજેન્દ્ર કુમારને એવોર્ડ ભલે ન મળ્યો, પણ આ ફિલ્મના સંગીતે ત્રણ એવોર્ડ મેળવ્યા હતા, શ્રેષ્ઠ સંગીતકાર, શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ ગાયક.

        સંગીતના શોખીનો માટે આ ફિલ્મ ઉત્તમ નજરાણું છે.

 

જ્યોતિન્દ્ર મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED