Guide - Review books and stories free download online pdf in Gujarati

ગાઈડ – રીવ્યૂ

ફિલ્મનું નામ : ગાઈડ

ભાષા : અંગ્રેજી અને હિન્દી  

રીલીઝ : ફ્રેબ્રુઆરી ૧૯૬૫ (અંગ્રેજી), ૨ એપ્રિલ ૧૯૬૬ (હિન્દી)

નિર્દેશક : ટાડ ડેનીલેવેસ્કી (અંગ્રેજી) , વિજય આનંદ (હિન્દી)

કલાકાર : દેવ આનંદ, વહીદા રેહમાન, લીલા ચીટનીસ, કિશોર સાહુ, ગજાનન જાગીરદાર, ઈફ્તેખાર, કે. એન. સિંઘ

        સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા અને માલગુડી ફેમ આર. કે. નારાયણની નવલકથા ૧૯૫૮ માં પ્રગટ થઇ. આ નવલકથાએ તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને અઢળક નામના મેળવી આપી. તેમની અન્ય નવલકથાઓની જેમ આ નવલકથા પણ માલગુડીમાં જ આકાર લે છે અને કથાનો નાયક ‘રેલવે રાજુ’ ના નામથી ઓળખાય છે.

        દેવ આનંદે ફિલ્મ બનાવવા માટે આ નવલકથા ઉપર પસંદગી ઉતારી અને નવલકથાનું ફલક જોતાં તેને અંગ્રેજીમાં પણ બનાવવાનું નક્કી કર્યું. અંગ્રેજી સંસ્કરણની પટકથા નોબેલ અને પુલિત્ઝર વિજેતા લેખિકા પર્લ બકે લખી છે. બંને સંસ્કરણ એક સાથે બનીને રીલીઝ થવાનાં હતાં, પણ બંને નિર્દેશકો વચ્ચે કથા બાબતે ટકરાવ થયો અને વિજય આનંદે સ્ક્રીપ્ટ ફરીથી લખવાનું નક્કી કર્યું. અંગ્રેજી ગાઈડ વહેલી રીલીઝ થઇ અને બોક્સ ઓફીસ પર સદંતર નિષ્ફળ રહી.

        અંગ્રેજી ‘ધ ગાઈડ’ ફ્લોપ જવાને લીધે હિન્દી ફિલ્મને કોઈ વિતરકો હાથ લગાવવા તૈયાર ન હતા, પણ સમજાવટને લીધે રીલીઝ કરવામાં આવી. સામાન્ય ફિલ્મોથી અલગ કથા અને અંત ધરાવતી આ ફિલ્મના પ્રીમિયર વખતે કોઈ પણ વિજય આનંદની પીઠ થાબડવા ન ગયું, પણ ફિલ્મ રીલીઝ થઇ અને ચમત્કાર થયો. અંગ્રેજીમાં ફ્લોપ થયેલી ફિલ્મ હિન્દીમાં સુપર ડુપર હીટ બની. આ ફિલ્મ બનાવતી વખતે ઘણાબધા અંતરાયો આવ્યા. વિજય આનંદ સ્ક્રીપ્ટ વાંચીને નારાજ થયો હતો. તેણે આ ફિલ્મથી ભારતની છબી વિદેશમાં ખરડાશે એવી પોતાની કેફિયત પોતાના મોટાભાઈ દેવ આનંદને કહી. અંતે વિજય આનંદ પોતે સ્ક્રીપ્ટમાં યોગ્ય ફેરફાર કર્યા અને તેને લીધે હિન્દી અને અંગ્રેજી સંસ્કરણ એકબીજાથી સાવ ભિન્ન છે, બંને રાજુ અને બંને રોઝી થોડા અલગ છે. ટાઈમ મેગેઝીનની ૨૦૧૨ ની બોલીવૂડ ક્લાસિક ફિલ્મોની યાદીમાં ગાઈડ ચોથા સ્થાને બિરાજે છે.

        આપણે અંગ્રેજી ગાઈડની વાર્તા જોઈ લઈએ. આ વાર્તા છે રાજુ (દેવ આનંદ) ગાઈડની, જે ઉદયપુરમાં ગાઈડનું કામ કરે છે અને રેલવે સ્ટેશન ઉપર તેનો એક સ્ટોલ પણ છે. એક દિવસ ત્યાં એક આર્કીયોલોજીસ્ટ માર્કો (કિશોર સાહુ) પોતાની પત્ની રોઝી (વહીદા રેહમાન) . રોઝીને જોતાંવેત રાજુ તેના પ્રેમમાં પડી જાય છે. માર્કોને ગુફાઓમાં રસ છે, રોઝીને નૃત્યમાં અને રાજુને રોઝીમાં. રાજુ રોઝીને નૃત્ય માટે પ્રોત્સાહન આપે છે તેથી રોઝી તેની તરફ આકર્ષાય છે. બીજી તરફ માર્કો અનાયાસે ગુફાની શોધ કરે છે અને શોધાયેલ ગુફાના કામમાં વ્યસ્ત થઇ જાય છે. બીજી તરફ રાજુ અને રોઝી એકબીજામાં વ્યસ્ત થઇ જાય છે. પોતે શોધેલી ગુફા બતાવવા માટે માર્કો રોઝીને બોલાવે છે અને તેની સાથે વાત કરતાં તેને ખ્યાલ આવે છે કે રાજુ અને રોઝી વચ્ચે કંઈક છે. વધુ વાદવિવાદથી ક્રોધિત થયેલ માર્કો રોઝીને છોડીને જતો રહે છે અને રોઝી રાજુના ઘરે રહેવા આવે છે. તેના આવવાને લીધે રાજુનો દરેક જગ્યાએથી વિરોધનો સામનો કરવો પડે છે. તે સ્ટેશન ઉપરનો પોતાનો સ્ટોલ ગુમાવી બેસે છે. પોતાના મિત્રો સાથે પણ ઝગડો કરી બેસે છે.

        રોઝીના કહેવાને લીધે રાજુ સ્કુલમાં રોઝીના નૃત્યનો કાર્યક્રમ પ્રસ્તુત કરવા માટે સ્કુલમાં વાત કરે છે. તે એક કાર્યક્રમ પછી રોઝી ‘નલિની દેવી’ નામથી પ્રખ્યાત થઇ જાય છે અને રાજુ તેનો મેનેજર બની જાય છે. રાજુ અને રોઝી દેશવિદેશમાં કાર્યક્રમો કરે છે, આ દરમ્યાન રાજુને ખરાબ આદતો વળગે છે. તે શરાબી અને જુગારી બની જાય છે. માર્કો અને રોઝીના લોકર બાબતે રોઝીને મળેલા કાગળો ઉપર રોઝી માર્કોની નજીક ન જાય તે માટે રાજુ જ સહી કરી દે છે અને તેની આ ચાલાકી પકડાઈ જાય છે. રાજુને બે વર્ષની જેલ થઇ જાય છે. જેલમાંથી છૂટ્યા પછી તે પોતાના શહેર જવાને બદલે અજાણ્યા ગામમાં પહોંચી જાય છે. તે મંદિરમાં આરામ કરી રહ્યો હોય છે અને વેલન (કે. એન. સિંઘ) તેને સ્વામી સમજી લે છે. લગ્ન કરવા ન માગતી વેલનની બહેનને રાજુ લગ્ન કરવા માટે રાજી કરે છે અને રાજુ સિદ્ધપુરુષ તરીકે પ્રખ્યાતી પામે છે.

        થોડા સમય પછી ત્યાં દુકાળ પડે છે અને વધુ તકલીફ પડતાં લોકો ગામના મહાજનની દુકાન લુંટે છે. “તમે લોકો સુધારશો નહિ ત્યાં સુધી હું કાંઈ નહિ જમું” એવા તેં સંદેશને લોકો એમ સમજી બેસે છે કે સ્વામીજી તેમણે કહેલી એક વાર્તા પ્રમાણે પાણીમાં ઊભા રહી બાર દિવસ સુધી ઉપવાસ કરશે. તેમની તપસ્યાના ફળરૂપે ત્યાં વરસાદ આવશે. રાજુ પોતે આ કરવા માટે સમર્થ નથી એવું કહે છે અને પોતે ભૂતકાળમાં શું હતો અને એક સ્ત્રીને લીધે શું થયું તે કહે છે, ત્યારે લોકો તેને અવતાર સમજે છે.

        ગામના લોકોના આગ્રહને લીધે તે આ વ્રત કરવા મજબૂર થઇ જાય છે, પણ ધીમે ધીમે તેની અંદર પરિવર્તન આવે છે. તે અખબારની સુર્ખી બની જાય છે. સરકારી અધિકારીઓ તેના ઉપવાસ કોણ તોડાવી શકે એવી માહિતી મેળવે છે અને તેમની સામે નલિની દેવીનું નામ આવે છે. રોઝી રાજુને સમજાવવા માટે આવે છે અને તેની સાથે વાત કરતી વખતે “દૂર પહાડો ઉપર વરસાદ થઇ રહ્યો છે” એટલું કહીને વેલનના ખભે માથું મુકીને પોતાના પ્રાણ ત્યાગી દે છે. વરસાદ થયો કે નહીં તે અંગ્રજી ગાઈડમાં અને નવલકથામાં બતાવવામાં નથી આવ્યું. 

        અંગ્રેજી ગાઈડમાં દરેક પાત્રને અંગ્રેજીમાં બોલતાં જોઇને થોડી વિચિત્ર લાગણી જરૂર થાય છે, રાજુ, રોઝી, માર્કો, વેલન, ગામડાનાં લોકો કે પછી રાજુની માતા (લીલા ચીટનીસ) દરેક જણ અંગ્રેજીમાં વાત કરે છે. જો કે આમાં દેવ આનંદ, કિશોર સાહુ અને કે. એન. સિંઘ થોડા સહજ લાગે છે, પણ વહીદા અસહજ લાગે છે. આ જ કારણસર અંગ્રેજી ગાઈડમાં તેનો અભિનય થોડો ફિક્કો લાગે છે. આ ફિલ્મની હાઈલાઈટ તેનું નાગનૃત્ય અને તે દરમ્યાન વાગતું સંગીત. ગીતોની ગેરહાજરીને લીધે ફિલ્મની લંબાઈ ફક્ત બે કલાકની છે.

        અન્ય અંગ્રેજી નિર્દેશકોની જેમ ટાડે ભારત ભૂખ્યા અને નાગા ભારતીયો, ભીડભર્યા ઉત્સવો અને મદારીઓનો દેશ છે એવું ચિત્રણ કર્યું છે. તે ઉપરાંત રાજુ અને રોઝી વ્યભિચારી સાબિત થાય એ પ્રમાણેના દ્રશ્યો વાર્તામાં વણી લીધા છે.

        વિજય આનંદનો વિજય એ માટે થયો કે તેણે પટકથામાં ઘણા બધાં બદલાવ કર્યા. હિન્દી ગાઈડમાં રાજુ કે રોઝી એકબીજા તરફ તરત આકર્ષતાં નથી. સંજોગો ધીમે ધીમે તેમને નજીક લાવે છે. હિન્દીમાં માર્કો અને રોઝી વચ્ચે પહેલેથી ખટરાગ હોય છે અને તે બંનેના છુટ્ટાછેડા થાય છે. હિન્દી ગાઈડની સફળતામાં સૌથી મોટો ફાળો એસ. ડી. બર્મન દ્વારા આપવામાં આવેલ અદ્ભુત સંગીત છે. એક થી એક ચડિયાતાં ગીતો છે. ફિલ્મના નિર્માણ સમયે ત્રિપુરાના રાજવી પરોવારના નબીરા સચિનદા બીમાર હતાં અને સંગીત આપવામાં અસમર્થ હતા, પણ સંગીતકાર બદલવાને બદલે દેવ આનંદે પોતાના માનીતા આ સંગીતકાર સ્વસ્થ થાય એની રાહ જોઈ, જે દેવ આનંદને ફળી.  લતા દીદી દ્વારા અદ્ભુત રીતે ગવાયેલ ‘આજ ફિર જીને કી તમન્ના હૈ.’, ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘સૈયા બેઈમાન’ રફી સાબનાં ગીતો ‘દિન ઢલ જાયે’, ‘ક્યા સે ક્યા હો ગયા, બેવફા’, ‘તેરે મેરે સપને’, કિશોર કુમાર અને લતાદીદીનું યુગલ ગીત ‘ગાતા રહે મેરા દિલ’, અંતરાત્માને સ્પર્શી જાય એવો દૈવીય અવાજ ધરાવતા સચિનદાના અવાજમાં ‘વહાં કૌન હૈ તેરા’ અને ‘અલ્લા મેઘ દે’ (વર્ષો પછી શરાબીમાં આ જ ધૂન ઉપર દે દે પ્યાર દે ગીત રચવામાં આવ્યું.) ઉપરનું દરેક ગીત સુપરહીટ હતું. 

        અંગ્રેજી ગાઈડમાં ફીકી લાગતી વહીદા હિન્દીમાં બરાબરની ખીલી છે. ગાઈડ માટે દેવ આનંદે વૈજયંતી માલાને લેવાનું નક્કી કર્યું હતું, પણ તે કદાચ પોતાની સામે જાડી લાગશે એવું લાગતાં એન્ટ્રી થઇ વહીદા રેહમાનની. ગુરુદત્તની શોધ (જો કે ગુરુદત્તની સી.આઈ. ડી.માં કામ કરતાં પહેલાં તે બે તેલુગુ અને બે તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી) ગણાતી વહીદા રેહમાને ગાઈડમાં પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય આપ્યો છે. શાસ્ત્રીય નૃત્યમાં પ્રવીણ એવી વહીદા આંખોથી અભિનય કરી જાણતી.

        અભિનય અને સ્ટાઈલ બાબતે દેવ આનંદનો જોટો જડે તેમ નથી. તે સમયની ફિલ્મો ઉપર દિલીપ, રાજ અને દેવ નામની ત્રિપુટીનું રાજ હતું. હિન્દી ગાઈડમાં દેવ આનંદની બોલવાની સ્ટાઈલ ભલભલા કલાકારને કોમ્પ્લેક્સ આપે એવી છે. દેવ આનંદ દ્વારા નિર્મિત અને અભિનીત ફિલ્મોમાં ગાઈડ સૌથી ઊંચું સ્થાન ધરાવે છે.

અંગ્રેજી ગાઈડના વેલનનું નામ હિન્દી ગાઈડમાં બદલીને ભોલા કરવામાં આવ્યું અને તે ભૂમિકા અભિનયના ખેરખાં ગણાતા ગજાનન જાગીરદારે ભજવી હતી. તેમણે અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપ્યો છે. અંગ્રેજી ગાઈડમાં પોલીસ ઇન્સપેકટરનો રોલ ભજવનાર ઈફ્તેખારનું સ્થાન હિન્દી ગાઈડમાં કૃષ્ણ ધવને લીધું (કૃષ્ણ ધવનનો દીકરો દિલીપ ધવન એટલે નુક્કડ સીરીયલનો ગુરૂ)

        ફલી મિસ્ત્રીની સીનેમેટોગ્રાફીએ ગાઈડને નવી ઊંચાઈ બક્ષી હતી. આ દેવ આનંદની પહેલી કલર ફિલ્મ હતી અને ફિલ્મફેર એવોર્ડમાં આ ફિલ્મ છવાઈ ગઈ હતી. નવ નોમીનેશન મળ્યાં હતાં અને તેની સામે સાત એવોર્ડ મેળવ્યા હતા. બેસ્ટ હીરો, બેસ્ટ હિરોઈન, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેકટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ સીનેમેટોગ્રાફી માટેના એવોર્ડ ગાઈડને મળ્યા હતા. સંગીત અને ગીત માટે નોમીનેશન તો મળ્યું, પણ એવોર્ડની રેસમાં સુરજ ફિલ્મ બાજી લઇ ગઈ. સુરજના સંગીત માટે શંકર જયકિશનને એવોર્ડ મળ્યો હતો અને ગીત માટેનો એવોર્ડ રફીસાબને સુરજના ‘બહારોં ફૂલ બરસાઓ’ માટે મળ્યો હતો. જો કે એક જ ફિલ્મને આટલા બધાં મુખ્ય એવોર્ડ એકસાથે મળ્યા તે ફિલ્મફેર એવોર્ડમાં બનેલી પહેલી ઘટના હતી.   

        આ સંગીતમય ડ્રામા ફિલ્મ યુ ટ્યુબ ઉપર જોવા મળશે. અંગ્રેજી અને હિન્દી ગાઈડ બંને સંસ્કરણ જોવા મળશે.

 

જ્યોતિન્દ્ર મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED