લગ્ન કરતી વખતે જુએ, તેનો વાંધો નથી, જુઓ. પણ તેવી ને તેવી એ વાઈફ રહેવાની હોય આખી જિંદગી, તો જુઓ. એવી ને એવી રહે ખરી ? જેવી જોઈ એવી ? પણ ફેરફાર થયા વગર રહે ? પછી ફેરફાર થશે ને તે સહન નહીં થાય, અકળામણ થઈ પડે. પછી જવું ક્યાં ? આવી ફસાયા, ભઈ આવી ફસાયા.
તે પૈણવાનું શાના હારુ ? આપણે બહારથી કમાઈ લાવીએ. એ ઘરનું કામ કરે ને આપણે સંસાર ચાલે ને ધર્મ ચાલે, એટલા હારુ પૈણવાનું. અને તે બઈ કહેતી હોય કે એક-બે બાબાની જરૂર છે. તો એટલો નિવેડો લાવી આપો. પછી રામ તારી માયા ! પણ આ તો પછી ધણી થવા બેસે. ધણી શેના થવા બેસો છો તે ?! પોતાનામાં બરકત નથી ને ધણી થવા બેઠા ! ‘હું તો ધણી થઉં’ કહેશે, મોટા આવ્યા ધણી ! પણ લોકો તો ધણીપણું બજાવે છે ને ?
ગાયનો ધણી થઈ બેસે, તે ગાયો એ સ્વીકારતી નથી તમને ધણી તરીકે. એ તો તમે મનમાં માનો છો કે આ મારી ગાય છે ! તમે તો કપાસનેય મારા કહો છો, આ કપાસ મારો છે. તે કપાસ જાણતાય નથી બિચારા. તમારા હોય તો તમને દેખાતા વધે અને તમે ઘેર જાઓ તો ના વધે, પણ આ તો રાતે હઉ વધે કપાસ. કપાસ રાતે વધે કે ના વધે ? એટલે એમને કંઈ તમારી જરૂર નથી. એમને તો વરસાદની જરૂર છે, વરસાદ ના હોય તો સૂકાઈ જાય બિચારા !
એવું છે ને, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધણીપણું કરશો નહીં. ખરેખર તમે ધણી નથી, પાર્ટનરશિપ છે. એ તો અહીં વ્યવહારમાં બોલાય છે કે, વહુ ને વર, ધણી ને ધણીયાણી ! બાકી, ખરેખર પાર્ટનરશિપ છે. ધણી છો, એટલે તમારો હક્ક-દાવો નથી તમારો, દાવો ના કરાય. સમજાવી સમજાવીને બધું કામ કરીએ. સુધરેલા સમાજે, સ્ત્રીઓને સહેજ પણ અડચણ ના પડે એ જોવું જોઈએ. નહીં તો તમે સુખી નહીં થાવ. સ્ત્રીને દુઃખ આપીને કોઈ સુખી નહીં થયેલો. અને જે સ્ત્રીએ પતિને કંઈ પણ દુઃખ આપ્યું હશે, તે સ્ત્રીઓય સુખી નહીં થયેલી !!
આ જો ધણી થઈ બેઠા હતા !! ઓહોહો !!! બહુ મોટા ધણી ! જાણે ફરી પોતાને ધણી ના થવું પડે. ઘણા ફેરા ધણી થયો છે તોય પાછો ધણી થઈ બેસે છે. આ તો નિકાલ કરવાની વાત છે. આ સત્તા વાપરવાની નથી, આ સત્તા ભોગવવાની છે. સત્તા વાપરવા માટે નથી. આ સત્તા જાણીને ભોગવવા માટે છે. આપણા લોક સત્તા વાપરે, નહીં ?! ‘તું સમજે નહીં, એક તો અક્કલ વગરની. તું તારે ઘેર જતી રહે’, કહે છે. પોતે જાણે અક્કલનો કોથળો ! ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બજાવવામાં વાંધો છે.
કોઈ પણ વસ્તુના આપણે માલિક થઈએ, તો એટલી જ ગુલામી ભોગવવી પડે. જે માલિક થયા એ વળી ગુલામીમાં જ હોય. એ ગુલામીનાં જ માલિક હોઈએ. આ દુકાનના માલિક હોય ને, તે બધા ઉપર આધાર રાખ્યો, નામ જુદા જુદા આપણે રાખીએ એ બધા ગુલામ જ કહેવાય. એ ધણીપણાને લઈને તો આ ચગે છે. હવે ધણીપણું એ ભોગવવાનું છે, ભોગવટો છે. અને આ વાઈફ જોડે પાર્ટનરશિપ છે, માલિકીપણું નથી.
‘આપણે’ આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાના છે. આ સંયોગોમાં આવી ફસાયા છીએ. તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના, આપણે કંઈ ધણી થવા માટે નથી આવ્યા.
આ તો જીવન જીવવાની કળા આવડતી ના હોય ને વહુ કરવા જાય છે ! વગર ‘સર્ટિફિકેટ’ ધણી થવા ગયા, ધણી થયા માટેની લાયકતાનું ‘સર્ટિફિકેટ’ હોવું જોઈએ. તો જ બાપ થવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ તો વગર અધિકારે બાપ થઈ ગયા ને પાછા દાદાય થાય ! આનો ક્યારે પાર આવશે ? કંઈક સમજવું તો જોઈએ.
પૈણ્યા એટલે વાઈફના ધણી જ છો ને ! તો પણ આપણા લોકો ધણીપણું કર્યા વગર રહેતા નથી. ને ધણીપણું બજાવે છે ! હંમેશાંય સ્ત્રી કોઈ દહાડો કંઈ ધણી થઈ બેસવાની નથી. માટે, ધણી થઈ બેસવાની તમારે જરૂર જ નથી. ધણી છો જ, વળી થાવ છો શું કરવા તે ?! જે છો એમાં થવાનું ક્યાં રહ્યું ?! સ્ત્રીઓમાં બહુ શક્તિ હોય છે, પણ એ પુરુષ થઈ શકે નહીં. એટલે તમારી ઉપરી થઈ શકે નહીં. તમે ઘેર પૈણી લાવ્યા, એટલે એ તમારી ઉપરી નહીં થાય. માટે તમારે મનમાં એવું નહીં રાખવું કે એ ઉપરી થઈ જશે. ચઢી બેસશે. આ તો આના ભયમાં ને ભયમાં નકામા ઝઘડા થાય છે. બાકી, એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવ તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ?
એક ભાઈ કહે છે મારી જોડે વાઈફને રોજ કકળાટ થાય છે. હવે વાઈફનો દોષ કે એનો `દોષ ? કારણ કે, વાઈફ કોઈ દહાડો વઢવા આવે જ નહીં પુરુષ જોડે. એ તો જ્યારે પુરુષનામાં છત ના દેખે ત્યારે વઢવા તૈયાર થાય. છત દેખે કાં તો સંયમી દેખે, તો બોલે નહીં, અક્ષરે બોલે નહીં. વાઈફ તો છત ના દેખે એટલે પછી એવું જ ને ! છત તો હોવી જોઈએ ને. આ પર્સનાલિટી હોવી જોઈએ, એનામાં સંયમ હોવો જોઈએ ! હા, પછી પોતાનામાં બરકત ના હોય તો તો બધું ચઢી બેસે. સહુ કોઈ ચઢી બેસે. બરકત તો જોઈએ ને ? પૈણ્યા, પછી બરકત ના હોય, તો કામનું શું ?