સાજીશ - 8 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 8

૮. ગુલામ, બેગમ, બાદશાહ...!

રોક્સી ક્લબના બારરૂમનું વાતાવરણ કેસીનો કરતાં પણ વધુ રંગીન હતું.

ત્યાં નાનાં નાનાં ખૂબસૂરત બાર-કાઉન્ટર સામે ખુરશીઓ પડી હતી. બાર-કાઉન્ટરના રૅકમાં એક એકથી ચડિયાતી કીમતી વિદેશી શરાબની બોટલો ગોઠવેલી હતી.

બારરૂમમાં પણ શાસ્ત્રીય સંગીતની સ્વર લહેરીઓ ગુંજતી હતી અને સમગ્ર હૉલમાં લીલો પ્રકાશ છવાયેલો હતો.

કેસીનોની માફક અહીં પણ સુંદર યુવતીઓ ગ્રાહકોને શરાબ પહોંચાડતી હતી. ચહેરા તથા પોશાક પરથી બધી યુવતીઓ મુક્ત વિચારસરણી તથા રંગીન મિજાજની લાગતી હતી.

રજની અને ધીરજ બારરૂમમાં દાખલ થયાં ત્યારે જ તેમને સોમચંદનાં દર્શન થઈ ગયાં. સોમચંદ એક બાર-કાઉન્ટર સામે બેસીને ધીમે ધીમે પોતાના હાથમાં જકડાયેલા પેગમાંથી સ્કોચના ઘૂંટડા ભરતો હતો, જ્યારે પચીસેક વર્ષની એક અત્યંત સ્વરૂપવાન યુવતી એને માટે પેગ તૈયાર કરતી હતી. યુવતીનું નામ જુલી હતું. એ ફિલ્મોમાં હીરોઇન બનવાનું સપનું લઈને આવી હતી. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યા પછી જ તેને સપના તથા વાસ્તવિકતાના ભેદની ખબર પડી હતી, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પોતાની ફિલ્મમાં હીરોઇન બનાવવાની લાલચ આપીને પ્રોડ્યુસરો તથા ડાયરેક્ટરોએ એનું એટલું તો જાતીય શોષણ કર્યું હતું કે ચહેરે તેની પાસે બચાવવા કે છુપાવવા લાયક કશુંય નહોતું બચ્ચું,

- અને પરિણામે આજની તારીખમાં એ અમીરી માટે મનોરંજનનું સાધન બની ગઈ હતી!

'હા, આ ક્ષેત્રમાં એનું ઘણું નામ હતું.

સુંદર તો એ હતી જ... ! ઉપરાંત આટલી આટલી ટક ખાધા પછી, કડવા અનુભવો પછી પુરુષોને કેવી રીતે વશમાં રાખવા એ કળામાં તે નિપુણ બની ગઈ હતી.

‘હજુ એકાદ પેગ બનાવું, ગુપ્તાસાહેબ... ! એક ટેબલના ટૉપ પર પોતાના બંને હાથના પંજા ટેકવીને સ્ટેજ આગળ ન માદક અવાજે પૂછ્યું.

‘બનાવ... !’

જુલીએ એ જ મુદ્રામાં એક વધુ પેગ તૈયાર કર્યો. સોમચંદ એના મદઝરતા યૌવનનું આંખો વડે જ રસપાન કરતો સ્મિત ફરકાવવા લાગ્યો.

‘શું જુઓ છો, ગુપ્તાસાહેબ...?' જુલીએ પૂર્વવત્અવાજે પૂછ્યું. સોમચંદની નજરથી પોતે બિલકુલ અજાણ છે એવા હાવભાવ એના ચહેરા પર છવાયેલા હતા.

‘જોઉ છું કે ભગવાન ક્યારેક ક્યારેક કોઈના પર એટલો મહેરબાન થઈ જાય છે કે સુંદરતાનો બધો ખજાનો એના પર જ લૂંટાવી દે છે... !

એની વાત સાંભળીને જુલી ખડખડાટ હસી પડી.

‘આ શબ્દો તમે કઈ ખુશકિસ્મત માટે વાપરો છો. ગુપ્તાસાહેબ...?'

'વાહ, તું તો જાણે કંઈ જાણતી જ ન હો એ રીતે વાત કરે છે!' સોમચંદે પેગમાંથી ઘૂંટડો ભરતાં કહ્યું.

'બાય ગૉડ... !' જુલી ભોળાભટાક અવાજે બોલી, ‘હું ખરેખર કંઈ નથી જાણતી...!'

'તારી આ અદા મને ખૂબ જ ગમે છે!' જુલી પહેલાં કરતાં પણ વધુ જોરથી હસી.

ધીરજ અને રજની એ બંનેથી થોડે દૂર જ બેઠાં હતાં અને દેખાવ ખાતર બીયર પીતાં હતાં. તેમનું ધ્યાન સોમચંદ અને જુલી પ્રત્યે જ કેન્દ્રિત થયેલું હતું. એ બંને વચ્ચે થતી વાતો પણ તેમના કાન સુધી પહોંચતી હતી.

‘આ ડોકરો તો અત્યારે જુવાન બળદિયા જેવો બની ગયો છે…… !’ ધીરજ ધીમેથી બબડ્યો.

‘હું તેમના ફોટા પાડી લઉં છું.'

રજનીએ ત્યાં બેઠાં બેઠાં જ મિનીએચર કૅમેરા વડે એ બંનેના ત્રણ-ચાર ફોટા પાડી લીધા. 'જો આ ફોટાઓ અખબારી આલમમાં પહોંચે તો ખળભળાટ મચી જાય તેમ હતું. સોમચંદની આબરૂનો ફજેતો થઈ જાય તેમ હતો. એક વાત કહું, ડિયર... ?' સોમચંદે જુલીનો હાથ પકડતાં કહ્યું.

‘શું ?’

'તને જોઈને ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે તારી સાથે ખૂબ જ અન્યાય થયો છે... !’

‘કેવો અન્યાય... ?'

'જો તને કોઈ ફિલ્મમાં ચાન્સ મળ્યો હોત તો આજે તું ચોક્કસ ઐશ્વર્યા રાય જેવી જ ટોચની હીરોઇન બની ગઈ હોત... !' સોમચંદ બોલ્યો. એના પર હવે ધીમે ધીમે નશો છવાતો જતો હતો. જુલી હસી.

એણે સોમચંદ માટે એક વધુ પેગ બનાવ્યો.

'તમે મશ્કરી બહુ સારી કરી જાણો છો, ગુપ્તાસાહેબ… !'

'ના... હું મશ્કરી નથી કરતો પણ સાચું જ કહું છું... !' જવાબમાં જુલીએ વધુ મજબૂતીથી સોમચંદનો હાથ પકડીને ખુલ્લેઆમ એના ગાલ ચૂમી લીધા.

જુલીની આ હરકતથી સોમચંદ પળભર માટે ડઘાયો, પછી એ પણ મોકળા મને હસી પડ્યો.

આ દરમિયાન એણે પેગ ખાલી કરી નાખ્યો હતો. જુલીએ નવો પેગ બનાવવા માટે બોટલ ઊંચકી. ‘ના...’ સોમચંદે તેને અટકાવી, ‘હવે નહીં... !'

'શું વાત છે, ગુપ્તાસાહેબ...? શું નશો કરવામાં ડર લાગે છે...?'

‘ના... એવું કંઈ નથી... !' સોમચંદ વાસનાથી ચમકતી નજરે જુલીના ચહેરા સામે તાકી રહેતાં બોલ્યો, ‘શરાબનો નશો પૂરો થઈ ગયો... ! હવે હું શરાબથી પણ વધુ મજેદાર નશો કરવા માગું છું.’

‘ઓહ... !' જુલીના હોઠ પર ગુલાબી સ્મિત ફરકી ગયું. સોમચંદના કથનનો અર્થ એ સમજી ગઈ હતી. ‘મને શરાબથી પણ વધુ મજેદાર નશો કરવાની તક મળશે ખરી...?'

‘ચોક્કસ મળશે... ! હું છું એટલે તમે બધી ફિકર છોડી દો... !'

‘ચાલ... !’

સોમચંદ ઊભો થયો. નશાને કારણે પળભર માટે તેના પગ લથડ્યા, પરંતુ એ જ વખતે જુલીએ ટેકો આપીને તેને સંભાળી લીધો.

‘થેંક યૂ...’ સોમચંદે એના ખભા પર હાથ મૂકીને સ્મિત ફરકાવ્યું. ત્યાર બાદ બંને બારરૂમના ખુણામાં જ આવેલ સીડી તરફ આગળ વધી ગયાં.

એકાદ મિનિટ પછી રજની તથા ધી૨જે પણ સાવચેતીથી તેમનું અનુકરણ કર્યું. ધીરજ અને રજની રોક્સી ક્લબના પહેલાં માળની સૌથી છેલ્લે આવેલ એક કેબિનની બારી પાસે ઊભાં હતાં. આ લૉબીમાં લાકડાની નાની-નાની કેબિનો બનાવવામાં આવી હતી જેમાં જુવાનથી વૃદ્ધ સુધીનાં લોકો વાસનામાં ડૂબીને મોજમસ્તી કરતાં હતાં. અત્યારે અડધા ઉપરાંત કેબિનોના દરવાજા બંધ હતા અને અંદરથી કામુક ચિત્કારો ગુંજતા હતા.

ધીરજ તથા રજની જે કૅબિનની તરફ બહાર ઊભાં હતાં એમાં જ સોમચંદ તથા જુલી ગયાં હતાં.

અંદર આવેલું વાસનાનું તોફાન તેમણે પોતાની સગી આંખે જોયું હતું. એટલું જ નહીં, તેઓએ એ બંનેના અનૈતિક સબંધોને ઉજાગર કરતા અનેક ફોટાઓ પણ પાડી લીધા હતા. આ ફોટાઓ ભવિષ્યમાં તેમને ખૂબ જ ઉપયોગી નીવડવાના હતા. સોમચંદ માટે તો આ ફોટાઓ આર.ડી.એક્સ. જેવા વિસ્ફોટક જ પુરવાર થવાના હતા. એટલું વળી સારું હતું કે લોબીમાં અત્યારે એકદમ શાંતિ હતી. હજુ સુધી ધીરજ તથા રજની પર કોઈની નજર નહોતી પડી. અલબત્ત, થોડી પળો પહેલાં એક કૅબિનમાંથી એક યુગલ બહાર નીકળ્યું હતું.

પરંતુ તેઓ પોતાની જ ધૂનમાં મસ્ત હોવાથી આજુબાજુનાં નજર કરવાની ફુરસદ તેમની પાસે નહોતી. સોમચંદ અને જુલી હજુ નિર્વસ્ત્ર હાલમાં પલંગ પર હતાં. થોડી વાર પછી બંનેએ પોતપોતાનાં વસ્ત્રો પહેરી લીધાં. પછી એકાએક જ સોમચંદે પોતાના ગજવામાંથી ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને બાદશાહ – કાઢીને જુલી સામે લંબાવ્યાં.

ત્રણેય પાનાં જોઈને જુલી એકદમ ચમકી ગઈ.

‘આ શું, ગુપ્તાસાહેબ... !' એ બોલી, ‘તમે મારી સાથે શરીરસુખ માણ્યા પછી આવો ગંજીપાનાં મને આપવાનું ભૂલતા નથી. આનું કારણ શું છે...?'

‘સાંભળ, ડિયર... !’ સોમચંદે ફિલોસોફરની જેમ કહ્યું, ‘આ ત્રણ પાનાંમાં બહુ મોટો ભેદ છુપાયેલો છે !'

'કેવો ભેદ... ?'

'આ ત્રણ પાનાં કયાં છે... ?' ગુલામ, બેગમ અને બાદશાહ...!'

'રાઇટ... ! જો તું મારી બેગમ તરીકે રહીશ તો હું તારે માટે બાદશાહ પુરવાર થઈશ. પણ જો તું મને ગુલામ બનાવવાનો પ્રયાસ કરીશ તો મારા જેવો ખતરનાક બાદશાહ તને બીજો કોઈ જોવા નહીં મળે !'

‘એટલે... ?'

‘એટલે કેમ કે મારી બાબતમાં... મારા આ રૂપ વિશે મારી શરાબ-શબાબની ટેવો વિશે તારા હોઠ સીવેલા જ રાખજે... !' સોમચંદનો અવાજ એકદમ ક્રૂર થઈ ગયો હતો, ‘જો મારી વિરુદ્ધ ક્યારેય તું હોઠ ફફડાવીશ તો તારું મોં હંમશને માટે બંધ થઈ જશે એટલું તું યાદ રાખજે... !'

સોમચંદના અવાજમાં છુપાયેલી ક્રૂરતા પારખીને જુલી મનોમન ધ્રુજી ઊઠી.

થોડી પળો પહેલાં માણેલા સહવાસનો આનંદ આંખના પલકારામાં જ ઉડન છૂ થઈ ગયો હતો.

'હવે એક બીજી વાત પણ સાંભળી લે !'

'શું...?'

‘માણસ માત્રની જિંદગી આ ગંજીપત્તાંની રમત જેવી છે...! આ રમત જે સમજી-વિચારીને રમે છે એ જ જીતે છે...!'

જુલી પાંપણ સુધ્ધાં ફરકાવ્યા વગર એકીટશે સોમચંદ સામે તાકી રહી. ગુલામ, બેગમ અને બાદશાહનાં પાનાં હજુ પણ સોમચંદના હાથમાં જકડાયેલાં હતાં.

રજનીએ એ જ મુદ્રામાં એનો એક વધુ ફોટો પાડી લીધો. સોમચંદની વિરુદ્ધ પુરાવાઓનો ગાળિયો વધુ મજબૂત બનતો જતો હતો.

રજનીએ અર્થસૂચક નજરે ધીરજ સામે જોયું. હવે અહીં તેમનું કંઈ કામ નહોતું.

બંને બિલ્લીપગે નીચે લઈ જતી સીડી તરફ આગળ વધી ગયાં.

તેમના ચહેરા હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકતા હતા. દિલીપ, રજની, માલા અને ધીરજ અત્યારે સી.આઈ.ડી. હેડક્વાર્ટર સ્થિત દિલીપની ચેમ્બરમાં બેઠાં હતાં.

રજની તથા ધી૨જે સોમચંદના રોક્સી ક્લબમાં પાડેલા ફોટાઓ અત્યારે ટેબલ પર પડ્યા હતા. દિલીપે સિગારેટનો કસ ખેંચતાં ખેંચતાં બધા ફોટાઓનું નિરીક્ષણ કર્યું. દરેક ફોટો સોમચંદના અસલી રૂપને ઉજાગર કરતો હતો. માલાએ પણ બધા ફોટા જોયા હતા. આ બધા ફોટાઓ જોયા પછી એક વાત તો એકદમ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે !' દિલીપ સિગારેટનો કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતાં શાંત અવાજે બોલ્યો.

‘કઈ વાત ?' લોકો સોમચંદને જેવો શરીફ અને સજ્જન માણસ માને છે.

'એવો તો એ બિલકુલ નથી !' હા, આ વાતમાં તો શંકાને કોઈ સ્થાન નથી... !' ધીરજ બોલ્યો, ‘સોમચંદને રોક્સી ક્લબ જેવી બદનામ જગ્યાએ જતો જોઈને જ હું અને રજની ચમકી ગયાં હતાં. ક્લબમાં એણે જે કંઈ પરાક્રમો કર્યાં, એના પુરાવાઓ રૂપે આ ફોટાઓ તારી સામે પડ્યા છે..!' દિલીપ ખુરશી પરથી ઊભો થઈને વ્યાકુળતાથી આંટા મારવા લાગ્યો.

રજની, માલા અને ધીરજ પણ ઊભાં થઈ ગયાં.

‘હું એક વાત કહું, મિસ્ટર દિલીપ... ?' માલા દિલીપ પાસે પહોંચીને બોલી.

‘શું?' દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું. ‘હું માનું છું ત્યાં સુધી આપણી પાસે હવે વિચારવા જેવું કશુંય નથી રહ્યું. મીનાક્ષી ટૉકીઝના કર્મચારી રમજાન તથા ટૅક્સીચાલક બજરંગની જુબાનીથી માંડીને આ ફોટાઓ સોમચંદનાં કરતૂતોની ચાડી ફૂંકે છે. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે અજિત મરચંટના ખૂનમાં સોમચંદનો જ હાથ હતો.'

'એ તો ઠીક છે પણ એક વાતનો જવાબ હજુ અંધારામાં જ છે... !' રજનીએ કહ્યું. ‘કઈ વાતનો... ?’

‘સોમચંદે જ જો અજિતનું ખૂન કર્યું હોય તો શા માટે કર્યું ?' રજનીનો અવાજ ગંભીર હતો.

‘હું માનું છું ત્યાં સુધી આ સવાલનો વધુ સારી રીતે જવાબ તો સોમચંદ જ આપી શકે તેમ છે !' દિલીપ હજુ પણ વ્યાકુળતાથી સિગારેટના કસ ખેંચતો ટહેલતો હતો.

‘તારી વાત સાચી છે, માલા... !' છેવટે એણે ટહેલવાનું બંધ કરીને માલા સામે જોતાં કહ્યું, આ સવાલનો જવાબ હવે સોમચંદ જ આપશે... !'

એના ચહેરા પર દઢતાની રેખાઓ ફરી વળી હતી. જાણે કોઈક મક્કમ નિર્ણય કર્યો હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાઈ ગયા હતા.

બીજો દિવસ ખૂબ જ ધમાચકડી ભરેલો હતો. સવારે દસ વાગ્યે સી.આઈ.ડી.ના એજન્ટો સોમચંદને પકડી લાવ્યા અને હવે એ જ બૂમબરાડા પાડતો હતો. સોમચંદને સીધો હેડક્વાર્ટરના ઇન્ટરોગેશન રૂમમાં લઈ જઈને લોખંડની એક ખુરશી પર બેસાડ્યા બાદ તેના હાથ-પગ બાંધી દેવાયા.

‘આ શું માંડ્યું છે... ?' સોમચંદ રોષથી તમતમતા અવાજે બરાડ્યો, 'મને આ રીતે પકડીને અહીં શા માટે લાવ્યા છો...? હું કોણ છું એની તમને ખબર નથી લાગતી... !'

સી.આઈ.ડી.ના એજન્ટો પર એના બરાડાની કંઈ અસર ન થઈ. તેઓ ચૂપ જ રહ્યા.

‘મારા સવાલનો જવાબ આપો... !’ તેમને ચૂપ જોઈને સોમચંદ ફરીથી તાડૂક્યો, 'તમારા મોમાં મગ ભર્યા છે કે શું ? મારી વાતનો જવાબ શા માટે નથી આપતા...?'

‘તમારી વાતનો જવાબ હું આપું છું, મિસ્ટર સોમચંદ... !' સહસા ઇન્ટરોગેશન રૂમમાં એક નવો અવાજ ગુંજી ઊઠ્યો. એ અવાજ સાંભળતાં જ સોમચંદ એકદમ ચમક્યો. એણે માથું ઊંચું કરીને દરવાજા સામે જોયું. એ અવાજ થોડી સેકંડો પહેલાં જ રૂમમાં પ્રવેશેલા દિલીપનો હતો.

રજની, માલા અને ધીરજ પણ એની પાછળ પાછળ અંદર પ્રવેશ્યાં.

'મિસ્ટર દિલીપ, તમે... ?' સોમચંદ માંડ માંડ આટલું બોલી. દિલીપે કંઈ જવાબ ન આપ્યો.

સોમચંદને પકડી લાવેલ ત્રણેય સી.આઈ.ડી. એજન્ટો તત્પર મુદ્રામાં ઊભા હતા. તમારું કામ પતી ગયું છે, હવે તમે જઈ શકો છો... !' દિલીપે એ ત્રણેયને ઉદ્દેશીને કહ્યું . ત્રણેય એજન્ટો જાણે ત્યાં હતા જ નહીં એ રીતે વિદાય થઈ ગયા. ઇન્ટરોગેશન રૂમમાં હવે સોમચંદ સિવાય દિલીપ વિગેરે જ સોમચંદ પૂર્વવત્ રીતે ખુરશી પર બંધનગ્રસ્ત હાલતમાં બેઠો  હતો.

‘મિસ્ટર દિલીપ... ' એ પહેલાંની જેમ જ રોષથી તમતમતા અવાજે બોલ્યો, ‘હું ફરીથી પૂછું છું કે મને આ રીતે શા માટે અહીં લાવવામાં આવ્યો છે? મારી સાથે આવા અઘિટત વર્તન બદલ તમારા વિભાગને કેવી આકરી સજા ભોગવવી પડશે એની તમને ખબર નથી લાગતી. સમગ્ર અખબારી આલમ તમારી વિરુદ્ધ થઈ જશે... ! આજ સુધી જે અખબારો મોટાં મોટાં હિડિંગોમાં વખાણ કરે છે એ જ અખબારો તમારા આ વર્તનની ટીકા કરીને કાગારોળ મચાવી મૂકશે...!!

સોમચંદની વાત સાંભળીને દિલીપનાં જડબાં સખતાઈથી ભીંસાયાં.

એના ચહેરા પર દુનિયાભરની કઠોરતા ઊતરી આવી. હમણાં જ તે સોમચંદને તમાચો ઝીંકી દેશે એવું એના હાવભાવ પરથી લાગતું હતું.

'મિસ્ટર સોમચંદ... ! તે સ્હેજ આગળ નમી સોમચંદની આંખોમાં પોતાની વેધક આંખો પરોવીને એક એક શબ્દ પર ભાર મૂકતાં ધીમા પણ કઠોર અવાજે બોલ્યો, 'સૌથી પહેલાં તો તમે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો...' 'ખીલાની જેમ તમારા મગજમાં જડી દો... ! ભવિષ્યમાં ક્યારેય મને ધમકી આપવા કે તમે કોઈ અખબાર કે મૅગેઝિનના માલિક હોવાનો રુઆબ છાંટવા પ્રયાસ કરશો નહીં... ! તમે કદાચ આ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હશો તોપણ એનાથી મને કોઈ જ ફર્ક નહીં પડે.. ! અત્યારે તે હું તમારી સાથે નરમાશથી વાત કરીને કૂણું વલણ દાખવું છું, પરંતુ જો ભવિષ્યમાં તમે તમારા હોદ્દાનો રુઆબ છાંટવાનો પ્રયાસ કરશો તો આ દિલીપ શું છે એ ન છૂટકે મારે તમને બતાવવું પડશે... ! તમારી જાણ માટે સાંભળી લો કે તમારા જેવાં તો કેટલાંય મગતરાં રોજ સાંજ પડ્યે મારા ખિસ્સામાંથી પડી જાય છે... ! તમારા હાથ નીચેના કે તમારા ઉપકાર હેઠળ દબાયેલા માણસો પર તમે જરૂર રુઆબ છાંટી શકો છો... ! હવે રહી વાત અખબારો દ્વારા મારાં વખાણ કે ટીકા કરવાની... ! તો હું એનાથી બિલકુલ નથી ડરતો... ! મારી ટીકા થશે કે વખાણ એની દરકાર હું ક્યારેય નથી રાખતો... ! હું માત્ર મારી ફરજ બજાવવામાં જ માનું છું અને જો મારી ફરજમાં કોઈ અવરોધરૂપ બનવાનો પ્રયાસ કરે તો પ્રયાસ કરનારને તેની છઠ્ઠી યાદ કરાવતાં પણ મને આવડે છે... દિલીપની વાત સાંભળીને સોમચંદ હેબતાઈ ગયો. એની બધી હેકડી કોણ જાણે ક્યાં ઉડનછૂ થઈ ગઈ. ઉંદરના દરમાંથી દરેક વખત ઉંદર નહીં પણ ક્યારેક કાળોતરો સાપ પણ નીકળી પડે છે એ વાતનું જાણે કે તેને ભાન થઈ ગયું હતું. એ ભયાતુર નજરે થોડી પળો સુધી દિલીપના કઠોર ચહેરા સામે તાકી રહ્યો.

‘પણ... પણ મને શા માટે અહીં લાવવામાં આવ્યો છે...? છેવટે હિંમત એકઠી કરીને એણે પૂછ્યું. આ વખતે એનો અવાજ એકદમ નરમ અને કરગરતો હતો. અમે તમને થોડી પૂછપરછ કરવા માગીએ છીએ ...!’ શું પૂછપરછ કરવા માટે મને અહીં લાવવો જરૂરી હતો...?’ સોમચંદે પૂછ્યું.

એની નજર હજુ પણ દિલીપના ચહેરા સામે જ જડાયેલી હતી. ‘હા, તમને અહીં લાવવા જરૂરી હતા... !' દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

'કેમ...?’

એટલા માટે કે દરેક કામની એક રીત હોય છે... ! એક પદ્ધતિ હોય છે... !' દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો.

‘તમે મને શું પૂછપરછ કરવા માગો છો... ?'

‘મિસ્ટર સોમચંદ... !' દિલીપ મુદ્દાની વાત પર આવતાં બોલ્યો, ‘તમારા કહેવા મુજબ તમે ૧૫મી તારીખની સાંજે મીનાક્ષી ટૉકીઝમાં તમારાં પત્ની સાથે ‘ખાકી’ ફિલ્મ જોવા ગયા હતા. અર્થાત્ જે સમયે અજિત મરચંટનું ખૂન થયું એ સમયે તમે મીનાક્ષી ટૉકીઝમાં ફિલ્મ જોતા બેઠા હતા, ખરું ને ?'

'હા..'

પરંતુ તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે ફિલ્મ શરૂ થયા પછી અડધો કલાક બાદ એટલે કે સાડા છ વાગ્યે તમે તમારી પત્નીને થિયેટરમાં એકલી મૂકીને ક્યાંક બહાર ચાલ્યા ગયા હતા તથા દોઢેક કલાક પછી પાછા ફર્યા હતા અને આ સમયગાળા દરમિયાન જ વિલાસરાય હૉસ્પિટલમાં અજિત મરચંટનું ખૂન થયું હતું.'

દિલીપની વાત સાંભળીને સોમચંદ ચમક્યો. એની આંખો સંકોચાઈને ઝીણી બની.

‘તો અજિત મરચંટનું ખૂન મેં કર્યું છે એમ તમે કહેવા માગો છો...?' એકાએક એણે ઉશ્કેરાઈને તીવ્ર અવાજે પૂછ્યું. ‘મારે તમને કશુંય નથી કહેવાનું, મિસ્ટર સોમચંદ... !' દિલીપ કર્કશ અવાજે બોલ્યો, ‘જે કંઈ કહેવાનું હશે તે પુરાવાઓ જ કહેશે... | અને તમારો અવાજ નીચો રાખો... ! નાહક જ ગળું બેસી જશે... ! કદાચ ન બેસે તોપણ આ જાતનો સૂર સાંભળવા માટે હું ટેવાયેલો નથી, તેમ તમે પણ એવી રીતે ભેંસની જેમ ભાંભરડાં નાખીને બોલવાની સ્થિતિમાં નથી. અત્યારે તમે તમારા અખબારની આલીશાન એરકંડિશન્ડ ચેમ્બરમાં નહીં, પણ સી.આઈ.ડી. હેડક્વાર્ટરના ઇન્ટરોગેશન રૂમમાં છો એટલું યાદ રાખીને નીચા સૂરમાં વાત કરો એ તમારે માટે બહુ હિતાવહ રહેશે, સમજ્યા...? હું ધારું તો તમારી સાથે એનાથી પણ વધુ કઠોર વલણ અપનાવી શકું તેમ છું... !'

‘તો મારી વિરુદ્ધ તમારી પાસે પુરાવાઓ છે એમ તમે કહેવા માગો છો?'

‘હા...’

‘શું પુરાવાઓ છે એ કહેશો...?'

‘ચોક્કસ... ! જે સમયે અજિત મરચંટનું ખૂન થયું, એ સમયની એલીબી ઘડવા માટે તમે મીનાક્ષી ટૉકીઝમાં ફિલ્મ જોવા ગયા. એટલું જ નહીં, જરૂર પડ્યે ફિલ્મમાં હાજરી સાબિત કરી શકાય એટલા માટે તમે એ શોની ટિકિટ પણ તમારી પાસે જીવની જેમ સાચવી રાખી...! સાધારણ રીતે આમ કોઈ ટિકિટ નથી સાચવી રાખતું... ફિલ્મ જોઈને બહાર નીકળ્યા પછી ટિકીટ ફાડીને ફેંકી દે છે. પરંતુ તમારી પાસે તો કેટલાય દિવસ સુધી ટિકિટો સચવાયેલી હતી. શું આ બધા પુરાવાઓ એ વાતની ચાડી નથી ફૂંકતા કે અજિત મરચંટનું ખૂન તમે જ કર્યું છે...? અને ફિલ્મ શરૂ થયા બાદ અડધો કલાક પછી એટલે કે સાડા છ વાગ્યે તમે એક-દોઢ કલાક માટે ક્યાં ચાલ્યા ગયા હતા...? જવાબ આપતી વખતે એક વાત બરાબર યાદ રાખજો કે આ સમયગાળા દરમિયાન જ અજિત મરચંટનું ખૂન થયું હતું... ! સોમચંદના ચહેરા પર વ્યાકુળતા ફરી વળી. જાણે ગળામાં કશુંક અટવાઈ ગયું હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાઈ ગયા હતા. એના ગળાનો કાકડો જોરથી ઊંચો નીચો થયો, ‘મિસ્ટર દિલીપ... ' છેવટે એ વિરોધ ભર  ધીમો અવાજ બોલ્યો, તમે લોકો ગમે તે કહો... પરંતુ આમાંની કોઈ વાત પરથી એવું બિલકુલ પુરવાર નથી થતું કે અજિત મર્ચંટનું ખૂન મેં જે કર્યું છે...  આ મામૂલી પુરાવાઓના આધારે તમે મારા જેવા શહેરના શરીફ અને પ્રતિષ્ઠિત તથા મિડીયાના આટલા સશક્ત માણસ સામે આંગળી ચીંધી શકો તેમ નથી.

'ઓહ... તો તળે તમારી જાતને શરીફ, પ્રતિષ્ઠિત અને મિડિયાના સશક્ત માણસ માનો છો, એમ ને... ?' દિલીપ ઠાવકા, અવાજે પૂછ્યું,

'હા...!'

'ખરેખર જે તમે તમારી જાતને જેવી માનો છો એવા છો ખરા ?'

‘હા... કેમ ? શું તમને આ બાબતમાં કોઈ શંકા છે ?'

'છે એટલે જ તો પૂછું છું!'

‘આવી શંકા માટે કોઈ પુરાવો છે તમારી પાસે ? કે પછી ઘરની જ ધોરાજી હાંકો છો...?'

'મિસ્ટર સોમચંદ... ! દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકીને ગંભીર અવાજે બોલ્યો, ‘પુરાવાઓ વગર હું ક્યારેય કોઈ વાત નથી કરતો... ! નાની નાની માછલીઓને તો જાળમાં ફસાવવા માટે મારે ક્યારેય કોઈ પુરાવાઓની જરૂર નથી પડતી... ! એ તો સામે ચાલીને જ પુરાવાઓ સહિત મારી જાળમાં ભરાઈ જાય છે. હા, તમારા જેવા મોટા મગરમચ્છને પકડવા માટે મને ચોક્કસ પુરાવાઓની જરૂર પડે છે... ! તમારા જેવા અવળચંડા માણસો પુરાવાઓ જોવાનો આગ્રહ રાખશે એની મને ખબર હોય છે એટલે હું અગાઉથી જ તેમની વિરુદ્ધ પુરાવાઓ શોધી લઉં છું. શોધ્યા પછી પણ તેમને સાચું કહી નાખવાની એક તક આપું છું. પણ તેમ છતાંય જો તે સાચું ન કહે અને પોતાની જ વાતનો કક્કો ઘૂંટ્યે રાખે તો પછી ન છૂટકે મારે તેઓને તેમનું અસલી રૂપ બતાવવું પડે છે. તમે પણ સીધી રીતે નહીં માનો એવું મને લાગે છે !'

‘મારી વિરુદ્ધ એવા તે કયા પુરાવાઓ છે તમારી પાસે..?'

‘કહું છું બલ્કે બતાવું છું ! તમે પોતે જ જોઈ લો એટલે તમને ભાન થઈ જશે કે તમે વાસ્તવમાં કેટલા શરીફ. કેટલા પ્રતિષ્ઠિત અને કેટલા શક્તિશાળી છો... ! રજની... !' દિલીપે રજની સામે જોયું, ‘આપણા શહેરના આ માનનીય, શરીફ, પ્રતિષ્ઠિત અને શક્તિશાળી મહાનુભાવને તેમના અસલી ચહેરાનાં દર્શન કરાવી દે એટલે તેમની અક્કલ કંઈક ઠેકાણે આવે.. !' દિલીપની વાતનો અર્થ રજની સમજી ગઈ હતી.

એણે આગળ વધી પોતાની વેનિટીબૅગમાંથી થોડા ફોટાઓ કાઢીને સોમચંદ સામે મૂક્યા.

આ એ ફોટાઓ હતા કે જે એણે તથા ધીરજે રોક્સી ક્લબમાં ચોરીછૂપીથી પાડ્યા હતા. અને ફોટાઓ પર નજર પડતાં જ સોમચંદના ચહેરાનો રંગ ઊડી ગયો. એની આંખોમાં ભય ડોકિયાં કરવા લાગ્યો. જાણે કોઈકે લોહીનું એક એક ટીપું નિચોવી લીધું હોય એમ એનો ચહેરો સફેદ રાખ જેવો થઈ ગયો હતો.

પોતાની સામે ફોટાઓ નહીં પણ કોઈ કાળોતરો સર્પ ફેણ ચડાવીને બેઠો હોય એમ ચકળવકળ નજરે એ તેની સામે જોતો હતો. આ... આ...’ એણે ભયથી કંપતા અવાજે પૂછ્યું, ‘આ ફોટાઓ તમારી પાસે ક્યાંથી આવ્યા...?'

'તમે જે જગ્યાએ રાત્રે મોજમસ્તી કરવા માટે ગયા હતા ત્યાંથી જ આવ્યા છે... !' દિલીપે નાટકીય અવાજે જવાબ આપ્યો.

સોમચંદની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હતી. હૂકમનાં બધાં પત્તાં હવે દિલીપના હાથમાં હતાં અને સોમચંદ એની સામે ગરીબડી ગાયની જેમ બેઠો હતો. ફોટાઓ જોયા પછી એની રહીસહી દિલેરી પણ ઓસરી ગઈ.

એ શરમ અને ભોંઠપ અનુભવતો નીચું જોઈ ગયો.

‘મિસ્ટર સોમચંદ... !’ દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, “મેં તમને કહ્યું હતું ને કે હું પુરાવાઓ વગર ક્યારેય કોઈ વાત નથી કરતો. આ ફોટાઓની એક એક નકલ અખબારોને પહોંચાડી દેવામાં આવે તો તમારી શું આબરૂ રહેશે..? તમે જે પ્રેસ તથા મિડિયાના સશક્ત માણસ હોવાનાં બણગાં ફૂંકો છો ને મોટી મોટી વાતો કરો છો, એ જ લોકો આ ફોટા જોયા પછી તમારી વિરુદ્ધ કીચડ ઉછાળીને, તમને ફૂટપાથ પર હાથમાં વાટકો લઈને ભીખ માગતા કરી દેશે. પછી તમે અખબાર કાઢવાની વાત તો એક તરફ રહી, એના નામથી પણ દૂર ભાગશો... ! તમારી આબરૂ ઢંકાયેલી છે ત્યાં સુધીની જ વાત છે... ! તમે ભલે અખબાર છાપતા હો, પરંતુ તમારા કરતાં હું વધુ સારી રીતે અખબારવાળાઓને ઓળખું છું. તેમને તો બસ પોતાના અખબાર માટે ગરમાગરમ સમાચાર જોઈએ... ! પછી ભલે એ સમાચાર તેમના જ ધંધાર્થી ભાઈ કે મિત્રોના હોય... ! આવા સમયે તેમને માટે બધા સંબંધો ગૌણ બની જાય છે! કદાચ તમારે કોઈ અખબારના માલિક કે તંત્રી સાથે અત્યંત નિકટતા કે આત્મીયતા હોય તો બહુ બહુ તો તમારું નામ ન છાપે... ! પરંતુ બાંધી ભાષામાં સમાચાર તો જરૂર છાપે જેમ કે – “શહેરના એક અગ્રગણ્ય ધાર્મિક દૈનિકના કુંભ રાશિ ધરાવતા માલિક ક્લબમાંથી રંગરેલિયાં મનાવતા ઝડપાયા.' વિગેરે... વિગેરે... !'

સોમચંદનો એરો વધુ ઊતરી ગયો.

દિલીપની વાત સાચી છે એ તે બહુ સારી રીતે સમજતો હતો. ખરેખર અખબારી આલમમાં દિલીપે કહ્યું એમ જ બનતું હતું. 'મ... મિસ્ટર દિલીપ... !' છેવટે એ પોતાના સુકાયેલા હક પર જીભ ફેરવીને તેને પલાવાનો પ્રયાસ કરતો નંખાઈ ગયેલા અવાજે બોલ્યો. 'પૂછો... તમે મને શું પૂછપરછ કરવા માગો છો...?'

‘ગુડ... . તમારો આ ટોન મને ગમ્યો... ! હવે જતમે લાઇનમાં આવ્યા છો... ! પેલી કહેવત છે ને કે 'ભય બીન પ્રીત ન હોય...! એ મુજબ ભયનાં દર્શન થયા પછી તમે પણ નેતર જેવા થઈ ગયા છો....! હવે સૌથી પહેલાં તો તમે એક વાત કબૂલ કરો...?'

'કઈ વાત...?'

'એ જ કે ૧૫મી તારીખે સાંજે ફિલ્મ શરૂ થયા પછી અડધો કલાક બાદ તમે તમારી પત્નીને ટૉકીઝમાં એકલી મૂકીને ક્યાંક બહાર ગયા હતા.... '

‘હા... આ વાત સાચી છે...!' સોમચંદ ધીમેથી બોલ્યો, ફિલ્મ શરૂ થયા બાદ અડધો કલાક પછી હું મારી પત્નીને થિયેટરમાં મૂકીને બહાર ગયો હતો. પણ...'

'પણ, શું?'

'પણ એની પાછળ તમે માનો છો એવું કોઈ કારણ નથી. તો પછી કર્યું કારણ છે... ?’ દિલીપે સ્મિત ફરકાવતાં પૂછ્યું. ‘મિસ્ટર દિલીપ... !' સોમચંદનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો, સાચી વાત એ છે કે હું ફિલ્મ જેતો હતો ત્યારે મારી અૉફિસેથી મારા મોબાઈલ પર ન્યૂઝ એડિટરનો ફોન આવ્યો હતો... !'

‘ન્યૂઝ એડિટરનો ફોન...?

'હા..'

'કેમ..?’

'વાતમાં કંઈ માલ નહોતો... !' છતાંય જે હોય તેની ચોખવટ કરો... !'

'તો સાંભળો... હું મારો સંપાદકીય લેખ લખીને તેને ભૂલથી મારા ટેબલના ખાનામાં મૂકી આવ્યો હતો અને એની ચાવી મારી પાસે હતી. આ લેખ અખબારમાં છાપવો જરૂરી હતો. હજુ તેનું પોઝિંગ પણ બાકી હતું અને એક માત્ર એને કારણે જ અખબારનો આખા પેઇજના લે-આઉટનું કામ અટકીને પડ્યું હતું.

'પછી... ? પછી તમે શું કર્યું...?' સવાલ પૂછતી વખતે દિલીપની વેધક નજર સોમચંદના ચહેરા સામે જ જડાયેલી હતી. પછી તો તમને બધાને ખબર છે એ જ મેં કર્યું... !' અમને ભલે ખબર હોય પણ તેમ છતાંય અમે તમારા મોંએથી આ સવાલનો જવાબ સાંભળવા માગીએ છીએ... !’ આટલું કહીને દિલીપે એક સિગારેટ પેટાવી.

મેં મારી પત્નીને કહ્યું કે- “તું ફિલ્મ જો... હું ઑફિસનું કામ પતાવીને અડધો કલાકમાં આવું છું !”

'અડધો કલાકમાં..?'

'હા...'

'પરંતુ તમે અડધો કલાકમાં તો પાછા નહોતા આવ્યા એવું અમને જાણવા મળ્યું છે... !'

'તમને બરાબર જ જાણવા મળ્યું છે... !'

‘અર્થાત્ તમે બહારથી થિયેટરમાં મોડા પાછા ફર્યા હતા, ખરું?'

‘હા... હું ત્યાં પહોંચ્યો ત્યારે ઇન્ટરવલ પડવાની તૈયારી હતી... !' સોમચંદે હકારમાં માથું હલાવતાં કહ્યું.

'તમને મોડું શા માટે થયું ? ઑફિસે જઈ, આર્ટિકલ આપીને થિયેટરે પાછા ફરવામાં કંઈ આટલો બધો સમય તો ન જ લાગે... !'

'તમારી વાત બિલુકલ સાચી છે... ! ઑફિસે જવા-આવવામાં આટલો સમય ન જ લાગે... ! પરંતુ આર્ટિકલ આપીને ઑફિસેથી પાછા ફરતી વખતે અચાનક મારે રસ્તામાં રોકાઈ જવું પડ્યું...' 'કેમ... ? શું કોઈ પરિચિત મળી ગયું હતું?'

‘ના... એવું કંઈ નહોતું.. !'

‘તો...?’

'ઑફિસેથી ટૉકીઝે પાછા ફરતી વખતે બંદરરોડ પર અચાનક મારી કાર બગડી ગઈ હતી... !'

‘કેમ ?' શું થયું હતું તમારી કારને ?'

‘કાર અચાનક બગડેલી જોઈને થોડી પળો માટે તો હું પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. એટલામાં કોઈ ગેરેજ પણ નહોતું. હું કારને સડક પર રેઢી હાલતમાં પણ મૂકી શકું તેમ નહોતો. મારી મતિ એકદમ મૂંઝાઈ ગઈ હતી. આ અણધારી મુશ્કેલીએ મને ઉપાધિમાં મૂકી દીધો હતો. હું ટૅક્સીમાં બેસીને કોઈક કારીગરને બોલાવવાનું વિચારતો હતો ત્યાં જ મને એક સ્ફુરણા થઈ.’

'કેવી સ્ફુરણા... ?’

'મને થયું કે હું પોતે જ એન્જિન ચેક કરી જોઉં....'

'પછી... ? એન્જિન ચેક કર્યું તમે... ?’

'હા...'

‘શું બગાડ થયો હતો... ?'

‘ખાસ કોઈ બગાડ નહોતો... ! બસ, કાર્બોરેટરમાં થોડો કચરો ભરાઈ ગયો હતો. મેં કચરો સાફ કર્યો તો તરત જ કાર સ્ટાર્ટ થઈ ગઈ !'

ઓહ... તો એટલા માટે જ તમને ટોકીઝે પાછા પહોંચવામાં મોડું થયું હતું, એમ ને ?' દિલીપે સિગારેટનો કસ ખેંચતાં પૂછ્યું.

‘હા...' સોમચંદ મક્કમ અવાજે બોલ્યો. દિલીપે વારાફરતી રજની, માલા અને ધીરજ સામે જોયું. એ ત્રણેયની આંખોમાંથી શંકા નીતરતી હતી.

સોમચંદનો ખુલાસો તેમના ગળે નથી ઊતર્યો, એ તેઓના ચહેરા પર છવાયેલા હાવભાવ પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

‘મિસ્ટર સોમચંદ... !' સહસા માલા બોલી, ‘આનો અર્થ એવો થયો કે ઑફિસેથી લેખ આપીને નીકળ્યા બાદ લગભગ પોણો કલાક સુધી તમે ક્યાં હતા, એ વાતનો કોઈ સાક્ષી કે પુરાવો તમારી પાસે નથી... ! તમે કોઈક ગેરેજમાં અથવા તો કોઈ કારીગરને બોલાવીને કાર રિપેર કરાવી હોત તો પણ આ વાતની પૂછપરછ દ્વારા ખાતરી કરી શકાત. પરંતુ તમારા કહેવા મુજબ કાર પણ તમે જ રિપેર કરી હતી... ! તમારી આ વાતમાં કેટલું સત્ય છે ને કેટલું જૂઠાણું છે એ તો હવે ભગવાન જાણે... !'

'મારી પાસે કોઈ સાક્ષી કે પુરાવો નથી, પણ હું સાચું જ કહું છું.. !' સોમચંદે નીચું જોઈને જવાબ આપ્યો. દિલીપ વ્યાકુળતાપૂર્વક આમથી તેમ આંટા મારતો હતો. એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું.

એક જ ઝાટકે આ સમગ્ર કેસ પરથી પદડો ઊંચકી શકાય એવો કોઈક મુદ્દો તે શોધતો હતો.

'મિસ્ટર દિલીપ, જરા મારી સાથે આવશો... ?' માલા બોલી.

'ચાલ..'

માલા તેને રૂમના એક ખૂણામાં લઈ ગઈ. દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

‘મિસ્ટર દિલીપ... !’ માલા ધીમા પણ ગંભીર અવાજે બોલી, 'સોમચંદે કારની બાબતમાં જે ખુલાસો કર્યો છે એ એક બહાનું માત્ર જ છે... ! નર્યું જૂઠાણું જ છે.. !'

'આવું તું કયા આધારે કહે છે?'

'મારા અપરાધશાસ્ત્રના અભ્યાસના આધારે... ! હમણાં મેં સોમચંદને સાક્ષી-પુરાવાની જે વાત જણાવી એનો જવાબ એણે નીચું જોઈને આપ્યો હતો... ! અપરાધશાસ્ત્રના સિદ્ધાંત મુજબ આ ખોટા માણસોની મોટામાં મોટી નિશાની છે... ! એ ક્યારેય આંખ સાથે આંખ મિલાવીને જવાબ નથી આપતો પણ જવાબ આપતી વેળાએ નીચું જોઈ જાય છે ! જે માણસના પેટમાં ચોર હોય એ જ આવું કરે છે! માણસ પેટના ચોરથી જેટલો ગભરાય છે એટલો બીજા કોઈનાથીયે નથી ગભરાતો... ! આ જ વાત સોમચંદને પણ લાગું પડે છે... ! બસ, મારે તમને આટલું જ કહેવાનું હતું.'

‘હું..’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. બંને સોમચંદ પાસે પાછાં ફર્યાં.

હજુ સુધી દિલીપના મગજમાં કોઈ મુદ્દો નહોતો આવ્યો. પછી અચાનક એની નજર રોક્સી ક્લબવાળા ફોટાઓ પર સ્થિર થઈ.

એણે બે-ત્રણ ફોટાઓ ઊંચકીને ધ્યાનથી તેનુ નિરીક્ષણ કર્યા બાદ પાછા મૂકી દીધા અને પછી સોમચંદ સામે જોતાં કહ્યું, 'એક વાતનો જવાબ આપો, મિસ્ટર સોમચંદ... !

‘કઈ વાતનો... ?’

'આ ફોટામાં દેખાય છે તેમ તમે રોક્સી ક્લબ ખાતે જુગારમાં હાર્યા પછી ખુશ થઈને તમારા હરીફ ખેલાડી, તથા જુલી નામની યુવતી સાથે મોજમસ્તી માણ્યા બાદ બંનેને ગંજીપત્તાંનાં ત્રણ પાનાં — ગુલામ, બેગમ અને બાદશાહ – આપ્યાં હતાં... ! હવે મારો સવાલ એ છે કે તમે આ ગંજીપત્તાં શા માટે ભેટ આપો છો...?'

'એની પાછળ ખાસ કોઈ કારણ નથી... ! છતાંય હોય તે કહો...!'

સોમચંદના નાના પાટેકર જેવા હેરા પર ખમચાટના હાવભાવ ઊપસી આવ્યા.

'વાત એમ છે મિસ્ટર દિલીપ કે મને ગંજીપત્તાંની રમત ખૂબ જ ગમે છે… !' છેવટે સોમચંદ ખમચાતા અવાજે બોલ્યો, ‘ગંજીપત્તાંની રમતમાં મને જિંદગીની તમામ વાસ્તવિકતા અને ફિલોસૉફી દેખાય છે... ! માણસનું જીવન ગંજીપત્તાંની રમત સાથે ઘણું સામ્ય ધરાવે છે... !'

‘માત્ર આ કારણસર જ તમારાથી પ્રભાવિત થયેલાં લોકોને તમે આ ત્રણ પાનાં આપો છો...?'

'હા... '

‘મિસ્ટર સોમચંદ... !' દિલીપ સોમચંદની આંખોમાં પોતાની આંખો પરોવીને ઝેરીલા અવાજે બોલ્યો, ખૂન કર્યા પછી ‘બહુરૂપી ખૂની' પણ ઘટનાસ્થળે આવાં જ ત્રણ પાનાં મૂકી જતો હતો, એની તમને ખબર છે...?'

‘હા, ખબર છે... !' સોમચંદે હકારમાં માથું હલાવતાં કહ્યું, 'ગમે તેમ તોય હું આટલા મોટા અખબારનો માલિક છું અને ‘બહુરૂપી ખૂની'ના સમાચારો રોજેરોજ મારા અખબારમાં પણ છપાતા હતા... !' અને તેમ છતાંય તમે ગંજીપત્તાંનાં ત્રણ પાનાં આપવાનો તમારો આ ખતરનાક શોખ જાળવી રાખ્યો... ?

‘તમારી ગેરસમજ થાય છે, મિસ્ટર દિલીપ... ! આ મારો શોખ નહીં પણ જિંદગી પ્રત્યેની મારી ફિલોસોફી છે... ! આ ફિલોસૉફીને કારણે જ તો મેં આટલી સફળતા મેળવી છે. આવી પરિસ્થિતિમાં હું સહેલાઈથી આ ફિલોસૉફીને કેવી રીતે છોડી શકું...? બલ્કે હું તો એક બીજી જ વાત કહેવા માગું છુ.'

'શું ?’

‘મિસ્ટર દિલીપ, ‘બહુરૂપી ખૂની'ને કાઈ પણ રીતે મારી આ ફિલોસૉફીને ખબર પડી ગઈ હોય અને એણે પણ આ ફિલોસોફીથી પ્રભાવિત થઈને તેનો ઉપયોગ કર્યો હોય એ બનવાજોગ છે... ! હવે આ ગંજીપત્તાં મારે માટે આફતનાં પડીકાં જેવાં બની ગયાં છે એ વાત અલગ છે... !'

‘હું.' દિલીપ વિચારમાં ડૂબી ગયો. થોડી પળો વિચાર્યા બાદ એણે કહ્યું, ‘ઓ.કે... તમે જઈ શકો છો, મિસ્ટર સોમચંદ...! પછી રહેજ અટકીને એ રજની તથા ધીરજ સામે જોતાં બોલ્યો, ‘આમનાં બંધનો ખોલી નાખો... !'

રજની તથા ધીરજના ચહેરા પર પળભર માટે અચરજ છવાયું. પછી તેમણે આગળ વધીને સોમચંદનાં બંધનો ખોલી નાખ્યાં. સોમચંદ રાહતનો ઊંડો શ્વાસ ખેંચીને ખુરશી પરથી ઊભો થઈ ગયો.

'મિસ્ટર દિલીપ... ! આ ફોટાઓ હું લઈ જઉં... ?'

‘ના, બિલકુલ નહીં... !' દિલીપ કર્કશ અવાજે બોલ્યો, ‘એમ ને એમ જ રહેવા દો... !'

'પણ !'

‘તમે બેફિકર રહો... ! આ ફોટાનો અમારો વિભાગ કોઈ દુરુપયોગ નહીં કરે... ! વખત આવ્યે આ ફોટાઓ તમને પાછા મળી જશે... '

પરંતુ તેમ છતાંય સોમચંદને સંતોષ ન થયો. એ શંકાભર્યા ચહેરે ત્યાંથી વિદાય થઈ ગયો.

*******